ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૬ જૂન, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૬ જૂન, ૨૦૨૩
પંચાયત ચૂંટણીમાં હિંસા મુદ્દે મમતા બેનરજી વિરુદ્ધ ભાજપ-કોંગ્રેસ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં થનારી પંચાયત ચૂંટણીને લઈને રાજ્યમાં હિંસા થઈ રહી છે. આ ચૂંટણીમાં નામાંકન કરવાના છેલ્લા દિવસે હિંસામાં કમસે કમ ત્રણ લોકોનાં મોત થયાં છે અને કેટલાય અન્ય લોકો ઘાયલ થયા છે. આ હિંસાને લઈને દેશમાં બે વિરોધી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ એક મંચ પર છે અને એ સતત રાજ્ય અને ચૂંટણી પંચને લઈને TMC પર હુમલા કરાવવાનો આરોપ લગાવી રહી છે. ભાજપે આ હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ અને રાજ્યના CM મમતા બેનરજીને દોષી ઠેરવ્યા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે મમતા બેનરજીની સરકાર અને પોલીસનું વલણ બહુ ખરાબ છે.
બીજી બાજુ, પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ કહ્યું હતું કે લોકો કહી રહ્યા છે કે બંગાળમાં શાંતિ નથી. હું તેમને પૂછવા માગું છું કે CPI (M)ના રાજમાં ક્યાં શાંતિ હતી? કોંગ્રેસ તો અનેક રાજ્યમાં રહી છે. એ સંસદમાં અમારો સહયોગ ઇચ્છે છે. અમે ભાજપની સામે તેનો સાથ દેવા માટે તૈયાર છે, પણ CPI (M) સાથે હાથ મિલાવ્યા પછી તમે બંગાળમાં અમારી સહયોગ માગવા ના આવતા.
તેમણે કહ્યું હતું કે દક્ષિણ 24 પરગણામાં ગઈ કાલ સુધી પંચાયત ચૂંટણીમાં 2.31 લાખ નામાંકન થયા હતા, જેમાં TMCએ 82,000 નામાંકન કર્યાં છે, પણ વિરોધી દળે એકથી દોઢ લાખ નામાંકન કર્યાં છે. TMC કંઇક કરે તો ખરાબ અને ભાજપના મોટા ભાગના લોગ ચોર ને ગુંડા છે.
સામે પક્ષે ભાજપ પ્રવક્તા ડો. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે પંચાયત ચૂંટણીમાં હિંસાનું તાંડવ કષ્ટદાયી છે અને એનાથી પણ દુખદ છે, ત્યાંની સરકારની અસંવેદનશીલતા. અમારા કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. સરકાર અને પોલીસ જે રીતે વર્તન કરી રહી છે એ ચૂંટણી ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે.
લોટરી, ઓનલાઇન ગેમ્સમાં જીતેલી રકમનો ITRમાં ઉલ્લેખ કરવો ફરજિયાત
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2022-23 માટે ITR ફાઇલિંગની છેલ્લી તારીખ જાહેર કરવાની સાથે ITR ફોર્મ પણ ઓનલાઇન ને ઓફલાઇન ઉપલબ્ધ કરાવી દીધાં છે. આવકવેરા વિભાગે ઓનલાઇન ગેમિંગ અથવા લોટરીજી જીતેલી રકમ પર TDS કાપના નિયમોમાં ફેરફાર કરવાની સાથે આવી કમાણીની વિગતો ITRમાં દર્શાવવી ફરજિયાત કરી દીધી છે. આવું નહીં કરવા બદલ વિભાગ કરતાદા પર દંડ પણ લગાવી શકે છે અથવા નોટિસ જારી કરી શકે છે.
નાણાં મંત્રાલયે પહેલી એપ્રિલ, 2023થી ઓનલાઇન ગેમિંગ અથવા લોટરી દ્વારા જીતી ગયેલી રકમ પર TDSની મર્યાદાને દૂર કરી છે. આ નિયમમાં સખતાઈ પછી હવે ઓનલાઇન ગેમ અથવા લોટરીથી કેટેલી કમાણી થશએ, એના પર 30 ટકા TDS કાપ કરવામાં આવશે. માત્ર એ રકમ TDS કાપની બહાર હશે, જે ગેમ અથવા લોટરીમાં પ્રવેશ માટે સંબંધિત કરદાતા તરફથી સંબંધિત ગેમ-લોટરી કંપનીને આપવામાં આવી હોય. અત્યાર સુધી રૂ. 10,000ની વધુની રકમની કમાણી પર TDS આપવાનો હોય છે.
IT નિયમો અનુસાર ITR ફાઇલ કરતા સમયે ઓનલાઇન ગેમિંગ કે લોટરીની કમાણીને અન્ય સ્રોતોથી આવક શીર્ષક હેઠળ દર્શાવવી જરૂરી છે. પછી ભલે ઓનલાઇન ગેમિંગ કમાણીથી TDS કપાઈ ગયો હોય કે નહીં. સંબંધિત કરદાતાએ ITRમાં ગેમિંગનો ખુલાસો નહીં કરવામાં આવે તો બેવડા દરથી TDS કાપવામાં આવશે અને ITની નોટિસનો પણ સામનો કરવો પડી શકે છે.
સુરતથી ફૂંકાયું સાહિત્યિક વાવાઝોડું, જાણો શું છે હકીકત
એક તરફ બિપરજોય વાવાઝોડુ છે તો બીજી તરફ સુરતમાં નર્મદ સાહિત્ય સભાના નામે વિરોધનું વાવાઝોડુ ફૂંકાયું છે. છેલ્લા એક સપ્તાહથી સાહિત્ય સભાની રિતી નીતિથી સુરતના જ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ વંટોળમાં કેટલાય હોદ્દેદારો અને સભ્યોએ વાવઝોડામાં તૂટતી ડાળીઓ માફક રાજીનામા પણ ધરી દીધા છે. છતાં મૂળિયા હજી ઉખડતા નથી કે ઉખડવા તૈયાર નથી.. જાણીએ શું છે આખો મામલો…

તા – 30મી મે 2023 ના રોજ નર્મદ સાહિત્ય સભા દ્વારા વર્ષ 2020-20 ના વિવિધ ચંદ્રોકોની જાહેરાત કરવામાં આવી. જેમાં એક ચંદ્રક સુરતના સાહિત્યકાર અને સભાના જ હોદ્દેદાર બકુલેશ દેસાઈને નામે હતો. બસ આ નામ અહી કેમ? હોદ્દેદારો એવોર્ડ કઇ રીતે સ્વીકારી શકે ? હોદ્દેદારો જ નિર્ણાયક અને હોદ્દેદારોને જ એવોર્ડ.. આ તો ન ચલાવી લેવાય.. અને બિપોરજોયની આગાહી વચ્ચે સુરતમાં આ સાહિત્યિક પ્રવૃત્તિ સામે વિરોધનું વાવાઝોડુ સક્રિય થયુ..
તા – 6ઠ્ઠી જૂન 2023 ના રોજ સુરતના સાહિત્યપ્રેમી ભાવક મેહુલ જયાણીએ આ સક્રિય પ્રવૃત્તિ સામે નર્મદની ભાષામાં બંડ પોકાર્યું . અને સુરત સાહિત્ય જગતમાં એના ઘેરા પ્રત્યાઘાતો શરૂ થયા. અનેક સાહિત્યકારો સર્જકો અને ભાવકો નર્મદ સાહિત્ય સભાની વિમુખ થવા લાગ્યા અને સોશિયલ મીડિયા મારફતે પોતાનો વિરોધ રજૂ કરવા લાગ્યા. વાત ત્યાં સુધી પહોંચી કે આખરે સભાના જ સભ્યો અને હોદ્દેદારોના રાજીનામા પડવા લાગ્યા. ઘણા સભ્યો અને હોદ્દેદારો પણ સભાની સામે ઊભા હતા.

જરા વિગતથી વાત કરીએ તો, સાહિત્ય જગત સાથે સંકળાયેલી નર્મદ સાહિત્ય સભા દ્વારા વર્ષ 1940થી અલગ અલગ કૃતિઓ માટે ચંદ્રક આપવામાં આવે છે. આ વખતે અલગ અલગ 10 કેટેગરીમાંથી 7 ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે સંસ્થાના ઉપપ્રમુખ બકુલેશ દેસાઈનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે. હાસ્ય લેખ માટે અપાતો જ્યોતીન્દ્ર દવે ચંદ્રક બકુલેશ દેસાઈના ‘તો હસતા નહિ ‘ પુસ્તકને જાહેર કરાતા વિવાદ છેડાયો છે. આ વિવાદનો તાર નિર્ણાયકો સાથે સંગત કરે છે. કારણ કે ચંદ્રકના નિર્ણાયકો સંસ્થાના જ હોદ્દેદારો હોવાનુ કહેવાય છે. બકુલેશ દેસાઈ સંસ્થાના ઉપપ્રમુખ છે. ત્યારે તેઓ કઈ રીતે પોતાની જ સંસ્થાનો એવોર્ડ લઈ શકે તેવા સવાલો સોશિયલ મીડિયામાં વહેતા થયાં છે. બીજી તરફ એવા પણ સવાલો ઉઠ્યા છે કે, ગત વર્ષે સંસ્થાના પ્રમુખ પ્રફુલ્લભાઈ દેસાઈને પણ આ રીતે જ ચંદ્રક મળ્યો હતો, હવે આ વર્ષે ઉપપ્રમુખને. તો શું સંસ્થાના હોદ્દેદારો જ ચંદ્રકો લીધા કરશે ?

મેહુલ જયાણીના અભિયાનના સપોર્ટમાં સુરતના સાહિત્ય જગતના અગ્રણીઓ પણ આવ્યા. ડૉ. વિવેક ટેલર, હરીશ ઠક્કર, રઇશ મનીઆર, ગુણવંત ઠક્કર, ડૉ. મુકુલ ચોકસી, એશા દાદાવાલા, ગૌરાંગ ઠાકર, પંકજ વખારિયા વગેરે સોશિયલ મીડિયા દ્વારા સાહિત્ય સભાને અણિયાળા સવાલો કર્યા. આ સાથે જ નર્મદ સાહિત્ય સભાના સભ્યપદેથી રાજીનામાનો દોર પણ શરૂ થયો. પ્રજ્ઞા વશી, યામિની વ્યાસ, ધ્વનિલ પારેખ, નટવર પંડ્યા, મયંક ત્રિવેદી, રીના મહેતા, ગૌરાંગ ઠાકર, ગુણવંત ઠક્કર આ બધાએ અપારદર્શ વહીવટ કે અંગત કારણ સામે ધરીને રાજીનામા ધરી દીધા. મંત્રી તરીકે નરેશ કાપડિયાએ પણ રાજીનામુ આપી દીધુ. જ્યારે પ્રમુખ પદેથી પ્રફુલ દેસાઈએ રાજીનામા આપ્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યુ, હું હજી સાહિત્ય સભાનો અધ્યક્ષ છું જ.. અને માહોલ ફરી ગરમાયો.
કવિ મુકુલ ચોકસીએ ખુલ્લો પત્ર લખતા કહ્યુ કે, મેં જીવનમાં કોઇને ચંદ્રક મેળવવા માટે આટલા ભૂરાટાં થતા જોયા નથી . અને પોતાના અતિ ક્ષુલ્લક પદ ઉપર ગુંદર અને ફેવિકોલના ગુણાકાર જેટલી ચોંટાઇથી ચોંટી રહેતા જોયા નથી. આજથી બરાબર સો વર્ષ પહેલા એટલે કે ઠેઠ ૧૯૨૩ માં ગુજરાતી સાહિત્ય સભાનાં નામે વ્યોમેશચંદ્ર પાઠકજીના પ્રમુખ પદે સ્થપાયેલ આ (તે કાળની) ગૌરવવંતી સંસ્થાને ૧૯૩૯ માં નામ બદલીને “નર્મદ સાહિત્ય સભા”ના નવા નામે ઘોષિત કરવામાં આવી. ત્યારથી માંડીને છેલ્લા ચારેક વર્ષ સુધીના પ્રલંબ સમયગાળામાં આ સંસ્થાને નામે કોઇ મોટો વિવાદ થયો હોય એવું જાણમાં નથી. પરંતુ બે ત્રણ વર્ષ પૂર્વે પ્રમુખ શ્રી પ્રફૂલ દેસાઇએ પોતે ચંદ્રક લીધો ત્યારથી નર્મદ સાહિત્ય સભાનાં ચંદ્રકો સામે (આ જ મેથડથી ચંદ્રક લેનાર હાલના ઉપપ્રમુખ બકુલેશ દેસાઇ સહિત) ઘણાને ઘણા પ્રશ્નો થયા છે. જેનો સંસ્થા પાસે કોઇ નક્કર જવાબ નથી. કેમ કે આટઆટલા વિવાદો અને આક્ષેપો છતાં સંસ્થાના હોદ્દેદારોએ હજુ સુધી એકપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.
બાળહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ કરતાં પણ વધારે આપત્તિજનક જો કોઇ હઠ હોય તો એ છે “વૃદ્ધ હઠ”. આપણને વૃદ્ધોનો આદર કરવાનું ભૂલાવી દે એવી આ વૃદ્ધહઠ માટે એટલું જ કહેવાનું મન થાય છે કે જેમ એક ગાબડું આખું વહાણ ડૂબાડે તેમ એક વયસ્ક માણસની લાલસા આખી સંસ્થાને ડૂબાડી રહી છે. નર્મદનાં શતાબ્દી વર્ષને એકાદ બે એવા ચંદ્રકલોલુપ હોદ્દેદારો કલંકિત કરી રહ્યા છે , જેમને સંસ્થાની સ્થાપનાનું આ જન્મ શતાબ્દિ વર્ષ છે એની ય જાણ નથી. મહાન સંસ્થાઓના જન્મ શતાબ્દિ વર્ષો સમાજમાં આહલાદ અને ઉજવણીનો ઉન્માદ જગાવે છે , જ્યારે નાદાન ચંદ્રક વાંચ્છુઓની હરકતોએ સાહિત્યપ્રેમીઓના મનોજગતમાં વિવાદ , વિષાદ તથા વિખવાદનો વંટોળ જગવ્યો છે.
મુકુલ ચોકસી સિવાય પણ સુરતના ઘણા સર્જકોએ આ બાબતે પોતાનો બળાપો કાઢ્યો છે. તો કેટલાકે આ બાબતે મૌન રહેવામાં જ શાણપણ સમજ્યું છે.
વિરોધનું બ્યુગલ ફૂંકનાર મેહુલ જયાણી ચિત્રલેખાને કહે છે : ‘ નર્મદ સાહિત્ય સભા ખૂબ શાખ ધરાવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સંસ્થામાં સડો વ્યાપી ગયો હતો. જેને દૂર કરવો ખૂબ જરૂરી હતો. જેથી આ સમગ્ર હકીકત ઉજાગર કરવામાં આવી. હાલ જે રાજીનામાં પડ્યા છે. તેમાં ઘણા સારા લોકો પણ છે. પરંતુ હજુ ઘણો સડો સાહિત્ય સભામાં છે. ઘણા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને ગંદકી છે તેને સાફ કરવા માટેનું કામ પણ સમયાંતરે થશે.

વધુમાં મેહુલ જણાવે છે, નર્મદ સાહિત્ય સભા એવું કબૂલે કે અમે આ ખોટું કર્યું છે. સંસ્થાનાં હોદ્દેદારો જ નિર્ણાયક તરીકે રહી ચંદ્રક માટે પોતાનાં પુસ્તકો મૂકે અને અંદરો-અંદર પોતાના પુસ્તકને જ ચંદ્રક મળે એવી વ્યવસ્થા અમે વર્ષોથી ચાલતી આવતી પરંપરાને નામે કરી હતી-જે સદંતર ખોટું પગલું હતું. અને હવે નર્મદ સાહિત્ય સભાને વિખેરી નાંખવામાં આવે, સાત્વિક, જવાબદાર સાહિત્યકારોને જ એનાં હોદ્દેદારો બનાવવામાં આવે, જેને કારણે નર્મદનાં સંસ્કારોનું જતન થાય, નર્મદ એક બિઝનેસ બનીને ના રહી જાય. આવી રીતે અપાયેલા ચંદ્રકો નર્મદ સાહિત્ય સભા તરફથી પાછા ખેંચવામાં આવે.
બકુલેશ દેસાઈ ચંદ્રક નહિ સ્વીકારે
નર્મદ સાહિત્ય સભાના ચંદ્રકોની જાહેરાત કરનાર મંત્રી નરેશ કાપડીઆએ જણાવ્યું હતું કે, કોઈ જ નિયમનું ઉલ્લંઘન થયું નથી. અગાઉ પણ અનેક હોદ્દેદારોને ચંદ્રક અપાયા છે. હું અંગત રીતે માનુ છું કે હોદ્દેદારો નિર્ણાયક હોય અને હોદ્દેદારોને જ એવોર્ડ મળે એ યોગ્ય નથી. જે વિરોધ થઈ રહ્યો છે એનો પણ મને વ્યક્તિગત વાંધો નથી. હવે આગામી મિટિંગમાં આ તમામ મુદ્દે ફેર વિચારણા કરીશું. જે ભૂલો થઇ છે એ સુધારાશે અને નારાજગીથી જે રાજીનામા પડ્યા છે એ વિશે પણ નિર્ણયો લેવાશે. સાહિત્ય માટે સારૂ થઇ શકે એ બધુ કરીશું. અને સૌથી મહત્વનું જે ચંદ્રકને લઇને ઉહાપોહ શરૂ થયો છે. એ લેવા માટે બકુલેશ દેસાઈએ પણ સહર્ષ અને આદરપૂર્વક ઇન્કાર કરી દીધો છે. હવે વિરોધ બંધ થવો જોઈએ.
કેમ સૌરાષ્ટ્ર સાઈડથી વિરોધ નથી થતો?
નર્મદ સાહિત્ય સભાના આમંત્રિત સભ્ય રાજન ભટ્ટે આ વિવાદ પર કહ્યુ કે, આ વિરોધ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા થઇ રહ્યો છે. વયસ્કોને ધમકાવાય રહ્યા છે. જેને આ બાબતે સ્નાન સૂતકનો સંબંધ નથી તેઓ આ આંદોલન ચલાવી રહ્યા છે. ખાલી સુરતમાં જ વિરોધ ચાલે છે. નર્મદ સાહિત્ય સભા તો વ્યાપક છે તો કે સૌરાષ્ટ્ર માંથી કોઈ સાહિત્યકાર બોલતા નથી?
જુનિયરના યૌન ઉત્પીડન મામલે DGPને ત્રણ વર્ષની કેદ
ચેન્નઈઃ તામિલનાડુની એક કોર્ટે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ સસ્પેન્ડ થયેલા DGP રાજેશ દાસને દોષી ઠેરવતાં ફેબ્રુઆરી, 2021માં એક જુનિયર મહિલા IPS અધિકારી દ્વારા દાખલ યૌન ઉત્પીડન મામલામાં ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી છે. એ સાથે દાસ પર રૂ. 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તામિલનાડુના વિલ્લુપુરમની એક કોર્ટે એક અન્ય પુરુષ પોલીસ અધિકારી પર પણ રૂ. 500નો દંડ ફટકાર્યો છે, જેણે તેના સહયોગીને બોસની વિરુદ્ધ ફરિયાદ નોંધતા અટકાવવાના પ્રયાસ કર્યા હતા.
મહિલા IPS અધિકારીએ ફેબ્રુઆરી, 2021માં વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વરિષ્ઠ અધિકારીએ એ સમયે તેનું યૌન ઉત્પીડન કર્યું હતું, જ્યારે તેઓ તત્કાલીન મુખ્ય મંત્રી એદાપદ્દી કે. પલાનીસામીની સુરક્ષા માટે ડ્યૂટી કરતી વખતે પ્રવાસ કરી રહ્યા હતા.
આ ફરિયાદ પછી વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીથી પહેલાં એ મુખ્ય મુદ્દો બની ગયો હતો.ત્યાર બાદ દાસની જગ્યાએ જયંત મુરલીને વધારાના ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. AIADMK સરકારે રાજેશ દાસને સસ્પેન્ડ કરી દીધા હતા અને તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરી હતી.
મદ્રાસ હાઇકોર્ટે શું કહ્યું?
આ ફરિયાદના મહિનાઓ પછી મદ્રાસ હાઇકોર્ટની વિલ્લુપુરમ કોર્ટની ન્યાયિક ક્ષમતાને પડકારનાર દાસની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ પી. વેલમુરુગને એ કહેતાં અરજી ફગાવી હતી કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ વિલ્લુપુરમ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશમાં કોઈ વિકૃતિ નથી મળી.
રાજ્યમાં ‘બિપરજોય’ની વ્યાપક વિનાશક અસર
અમદાવાદઃ રાજ્યમાં વાવાઝોડા બિપરજોયે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યમાં આ વાવાઝોડાને પગલે બે લોકોનાં મોત થયાં અને 23 લોકો ઘાયલ થયા છે તેમ જ 24 પશુઓનાં પણ મોત થયાં છે. આ વાવાઝોડાને પગલે રાજ્યનાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો અને સામાન્ય જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે.
રાજ્યમાં બિપરજોય લેન્ડફોલ થયા પછી એની અસર કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત આશરે આઠ જિલ્લાઓમાં થઈ હતી. બિપરજોયને લીધે વ્યાપક નુકસાન અહેવાલો છે. આ વાવાઝોડાને લીધે રાજ્યમાં ત્રણ હાઇવે બંધ કરવામાં આવ્યા છે અને 4600 ગામ તોફાનથી અસરગ્રસ્ત થયા છે. હજી પણ વીજ સપ્લાય કરવાને મામલે 1000 ગામ બચ્યા છે. આ ચક્રવાતની અસર 5120 વીજ થાંભલાઓ પર જોવા મળી હતી અને 582 ઝાડ ઊખડી ગયાં હતાં.
સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઇંચ, કેશોદમાં પોણા બે ઇચ, ધ્રોલમાં દોઢ ઇંચ, ભૂજમાં અને અમરેલીના લિલિયામાં દોઢ ઈંચ, વરસાદ અને કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે.
IMDના ડિરેક્ટર ડો. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું હતું કે આ વાવાઝોડાને પગલે દક્ષિણ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. બાડમેર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાવાની અને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ ઉત્તર ગુજરાતમાં 45-55 કિમીથી માંડીને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે.વિભાગે દ્વારા આ વાવાઝોડાને પગલે રાજ્યમાં તો બે દિવસ અને રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાશિ ભવિષ્ય 16/06/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે
સ્વ-છબિના ગાંડપણનો ક્લોઝઅપ…
2014માં 63 વર્ષની વયે જેણે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો એ ફાંકડા ઍક્ટર રોબિન વિલિયમ્સે ફાઈનલ
એક્ઝિટ પહેલાં એક ફિલ્મમાં કામ કરેલું ‘વન અવર ફોટો’. 2002માં આવેલી આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં રોબિન વિલિયમ્સ ફોટો ટેક્નિશિયન બનેલો અર્થાત્ રોલ ડેવેલપ કરીને પ્રિન્ટ્સ કાઢવાની નોકરી. એ સાવ એકલો છે. ન તો કોઈ મિત્ર, ન ગર્લફ્રેન્ડ. સવારથી સાંજ બસ, યંત્રવત્ રોલ ડેવેલપ કર્યા કરે. ન્યૂ યૉર્કનો એક પરિવાર એની પાસે નિયમિત રોલ ડેવેલપ કરાવવા આવે. રોબિનને આ પરિવારનું એક જાતનું વળગણ થઈ પડે છે, અને…
હશે. આપણે રોબિનના એકલતાની કે વળગણની વાત નથી કરવી. આ ફિલ્મમાં (ફોટોગ્રાફ્સ વિશે) એક ડાયલૉગ છેઃ
“ભાવિ પેઢીને આ તસવીરો વિશે જો કાંઈ કહેવાપણું હોય તો એ આ છેઃ હું અહીંયાં, આ સ્થળે હતો. હું હયાત હતો. હું જુવાન હતો, હું ખુશ હતો… અને આ દુનિયામાં કોઈક એવું હતું, જેને મારી દરકાર હતી, જેણે મારા ફોટા પાડ્યા હતા.”
જો કે સ્માર્ટ ફોન અને સેલ્ફીને લીધે હવે આપણી દરકાર કરનારાની, કે કોઈ આપણો ફોટો પાડે એની જરૂર જ રહી નથી. આ બાબતમાં હવે આપણે આત્મનિર્ભર બની ગયા છે, કારણ આપણે આપણી જાતની જેટલી દરકાર કરીએ છીએ એટલું બીજું કોઈ કરતું નહીં હોય. આપણને જોઈએ એવા એન્ગલથી આપણે જ સ્વ-છબિ પાડી લઈએ છીએ.

આજે સેલ્ફીનો વિષય ઉખેળવાની વજહ છે ‘ચિત્રલેખા’નો તાજો અંક. બે દહાડા પછી એટલે 18 જૂને ‘આંતરરાષ્ટ્રીય પિતૃ દિવસ’ છે એ નિમિત્તે અમારા તેજસ્વી કાર્ટૂનિસ્ટ કાનજી મકવાણાએ આ અંકમાં કાર્ટૂન દોર્યું છે, જેમાં (ફાધર્સ ડેના દિવસે) પિતા એના પુત્રને ઘઘલાવતાં કહે છેઃ “મને ખબર છે તું આજે મારી સાથે ફક્ત સેલ્ફી લેવા જ આવ્યો છે.” મુક્કાની જેમ વાગતું આ કાર્ટૂન આજે આપણે કેવા દૌરમાં જીવી રહ્યા છે એનો ચિતાર આપે છે.
થોડા જ દિવસ પહેલાં મુંબઈમાં ગુલઝાર સાહેબ સાથે વાર્તાલાપનો એક કાર્યક્રમ હતો. કાર્યક્રમ માટે એ સ્થળ પર પધાર્યા ત્યારે લોકોએ એમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી એમને અકળાવી મૂક્યા. આજકાલ જાણીતી અને માનીતી વ્યક્તિઓ સાથે સેલ્ફી લેવાનું ઝનૂન વધી રહ્યું છે. થોડા સમય પહેલાં કરીના કપૂર મુંબઈ ઍરપૉર્ટની બહાર નીકળી કે એક બહેને તરત ફોન કાઢી એની સાથે સેલ્ફી લેવાનો યત્ન કર્યો એવો વિડિયો વાઈરલ થયો. કરીના તો જાણે આજુબાજુ કોઈ છે જ નહીં એ રીતે નિર્લેપ ભાવે, સેલ્ફી આપ્યા વિના ત્યાંથી ચાલી જાય છે. આ વિશે સોશિયલ મિડિયા પર ભારે વિતંડાવાદ થયો. કોઈએ કરીનાને ન કહેવાનું કહી નાખ્યું તો કોઈએ કહ્યું “શું કામ આવા લોકોને આટલો ભાવ આપવો”?

અચ્છા, આમાં ગમ્મત એ છે કે એક બાજુ સેલ્ફી લેનારા એવું બતાવવા માગતા હોય કે આમની સાથે તો આપણે ઘર જેવું, ફલાણો કે ફલાણી તો આપણાં જિગરી, તો બીજી બાજુ પેલી જાણીતી વ્યક્તિ (ક્રિકેટર-ઍક્ટર-રાજકારણી-સોશિયલ મિડિયા ઈન્ફ્લુઅન્સર) ના હાવભાવ પરથી ખ્યાલ આવી જાય કે આ જબદસ્તીથી લીધેલી સ્વ-છબિ છે. અનેક વાર એમનાં મોઢાં દિવેલ પીધું હોય એવાં હોય છે, ક્યારેક એ લોકો ભળતી જ દિશામાં જોતા હોય, અમુક સેલ્ફીમાં એના સ્ટાફમાંથી સેલ્ફી લેનારાઓને હડસેલી કાઢતા હોય.

આપણે મિત્રો સાથે ક્યાંક ફરવા ગયા કે રેસ્ટોરાંમાં જમવા ગયા ને યાદગીરી માટે એકાદ સેલ્ફી લીધી તે એક વાત ને કોઈ સેલિબ્રિટી ક્યાંક અચાનક મળી જાય ને જબરદસ્તીથી, વિચિત્ર એન્ગલવાળી સેલ્ફી લેવી એ જુદી વાત. કોઈ માણસ ક્યાંકથી આવતો હોય, એના મનની સ્થિતિ કેવી હોય, એને તમારી સાથે દૂર દૂરનો સંબંધ નથી, તમારી સાથે (રાધર કોઈની બી સાથે) ફોટો પડાવવાની એની ઈચ્છા જ નથી, ને તમે એક્સપેક્ટ કરો કે એ તમારી બાજુમાં હસતું મોઢું રાખીને ઊભો રહી જાય?
તમારું શું કહેવું છે?
મણિપુરમાં ભીડે કેન્દ્રીય મંત્રી RK રંજનના ઘરને આંગ ચાંપી
ઇમ્ફાલઃ મણિપુરમાં હિંસક ઘટનાઓ સતત જારી છે. ગુરુવારે ભીડે વિદેશ રાજ્યપ્રધાન આરકે રંજન સિંહના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આ ભીડે ગઈ કાલે મોડી રાતે તેમના ઇમ્ફાલ કોંગબા સ્થિત નિવાસસ્થાને આગ લગાડી દીધી હતી, જે પછી કેન્દ્રીય મંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મારા ગૃહ રાજ્યમાં જે કંઈ થઈ રહ્યું છે, એ જોઈને બહુ દુઃખ થાય છે. આ પ્રકારની હિંસામાં લિપ્ત લોકો બિલકુલ અમાનવીય છે. હું હાલ સત્તાવાર કામ માટે કેરળમાં છું. ગઈ કાલે મારા ઘરમાં કોઈ ઘાયલ નથી. બદમાશો પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા હતા અને મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે નુકસાન પહોંચાડ્યું છે.
મહિલા મંત્રીના ઘરે પણ આગ લગાડાઈ
ઉપદ્રવીઓએ ન્યુ ચેકઓનમાં પણ બે ઘર ફૂંકી માર્યા હતા, જે પછી સુરક્ષા દળોએ આંસુ ગેસના ગોળા છોડ્યા હતા. આ પહેલા 14 જૂને ઇમ્ફાલમાં અજાણ્યા લોકોએ મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાન પર પણ આગ લગાડી દીધી હતી. બુધવારે સાંજે તોફાની તત્ત્વોએ ઇમ્ફાલ વેસ્ટના લામ્ફેલ ક્ષેત્રમાં રાજ્યના મહિલા મંત્રી નેમચા કિપગેનના ઘરે આગ લગાડી દીધી હતી. જોકે ત્યારે તેઓ ઘરે નહોતા. ફાયરબ્રિગ્રેડે ઘટનાસ્થળે જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પહેલાં 13 જૂને કાંગપોકપી જિલ્લામાં તોફાનીઓએ ગોળીબાર અને આગની ઘટનાઓમાં નવ લોકોનાં મોત થયાં હતાં અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મણિપુરના 16માંથી 11 જિલ્લાઓમાં કરફ્યુ લાગુ છે, જ્યારે ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ છે.


