Home Blog Page 2780

BIG NEWS: ટેટ-2 પરીક્ષાનું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જે પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.

 


sebexam.org પર પરિણામ જોઈ શકાશે

શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે.

 

વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ : કચ્છ-ઉત્તરગુજરાતમાં અત્યારથી હાલત ખરાબ

બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને કચ્છના દદરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વિગતો મુજબ નલિયા અને માંડવીમાં 90થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે,જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડ ફોલ થવાની શક્યતા છે.


કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે. કચ્છના માંડવી, નલિયા, જખૌ, મુન્દ્રા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નલિયા અને માંડવીમાં 90થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડ ફોલ થવાની શક્યતા છે. જેને લઈને જખૌ તેમજ નલિયામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.


નલિયામાં બિપોરજોયને લઈ એલર્ટ

નલિયા આસપાસના વિસ્તારોની પવન ચક્કીઓ બંધ કરવામાં આવી છે. આ તરફ વાવાઝોડાને લઈને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોખમી વિસ્તારોમાંથી કુલ 49 હજાર 53 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે વાવાઝોડાની આફત વચ્ચે નલિયામાં માનવતા મહેકી ઉઠી છે. નલિયા ખાતે સ્થળાંતર કરાયેલા આશરે 3 હજાર લોકો માટે વેપારી એસોસિએશન દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

માંડવી અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ

બિપોરજોય વાવાઝોડાને લઈ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. માંડવી અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ વશ્રી રહ્યો છે. આ તરફ ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે.

જખૌ પોર્ટ ખાતે 6 વાગે લેન્ડફોલ થઇ શકે બિપોરજોય

વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌ પોર્ટ ખાતે 6 વાગે લેન્ડફોલ થઇ છે. વાવાઝોડાની અસર શરૂ ગઈ છે. નલિયા જખૌમાં ભારે પવન શરૂ થયો છે. જેને લઈ નલિયા ખાતે એલર્ટ આપવામાં આવ્યું તો તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે. કચ્છનામુદ્રામાં વાવાઝોડાની અસર વર્તાતા ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ તરફ ભારે વરસાદથી વિઝિબલીટી ઘટી ગઈ છે.

વાવાઝોડાની આફત સામે માનવતા મહેકી

કચ્છમાં વાવાઝોડાની આફત સામે માનવતા મહેકી હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, નલિયા ખાતે સ્થળાંતર કરાયેલ લોકો માટે ભોજન વ્યવસ્થા કરાઇ છે. સેલ્ટર હોમ ખાતે રોકાયેલ લોકો માટે ભોજન પીરસાયા છે. વિગતો મુજબ નલિયા વેપારી એસોસિએશન દ્વારા 3 હજાર સ્થળાંતરિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં પણ બિપોરજોયની અસર શરૂ

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ છે. રાધનપુરમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જેને લઈ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ છે. આ તરફ તોફાની વરસાદમાં અનેક જગ્યાએ લીંબડાના ઝાડ જમીન દોસ્ત થયા છે.

રાધનપુર એસ.ટી ડેપોનો મહત્વનો નિર્ણય

બિપોરજોય વાવાઝોડાને કારણે હવે પાટણના રાધનપુર એસ.ટી ડેપોએ મહત્વનો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈને ST તંત્રએ સંભવિત જોખમી રૂટ બંધ કર્યા છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર તરફના તમામ ST બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે.


પાટણમાં ભારે પવનને કારણે પાર્કિંગનો શેડ ઊડ્યો

બિપોરજોય વાવાઝોડાની અસર પાટણ શહેરમાં પણ વર્તાઇ રહી છે. પાટણ શહેરમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આ તરફ ભારે પવન ફૂંકાવાથી પાર્કિંગનો શેડ ઉડ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ આ ઘટના એટલે કે શેડ ઉડવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

નલિયામાં PGVCLની સરાહનીય કામગીરી

કચ્છ પર વાવાઝોડાનો અતિશય ભારે ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની નલિયામાં અસર શરૂ થઈ ગઈ છે. નલિયામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારમાં PGVCLની ટીમે સરાહનીય કામગીરી કરી છે. ચાલુ વરસાદ વચ્ચે લાઈટના તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વીજ પોલ ઉભા કરીને લાઈટના તાર બાંધવાનું કામ ચાલું કરાયું છે. વાવાઝોડામાં લોકોને હાલાકી ન થાય તે માટે PGVCLની કામગીરી કરી રહી છે.

વિશ્વમાં બીજો સૌથી મોટો ઈ-કોમર્સ ઉદ્યોગ ભારતમાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે સરહદ પાર વેપાર કરવો સરળ અને સુગમ હોય. એવું એટલા માટે કે સરહદ પાર વેપાર વૈશ્વિક ઓનલાઇન ખરીદદારીનો એક મોટો હિસ્સો છે, જેથી વેપાર-વ્યવસાય માટે ભારતમાં કામ કરવું સરળ બને.

વૈશ્વિક કોરોના રોગચાળા પછી આમ પણ વેપારીઓ ઓનલાઇન બિઝનેસ કરવામાં અને ગ્રાહકો ખરીદી કરવામાં વધુ રસ ધરાવતા થયા છે. શિપરોકેટની શિપિંગ સેવા, શિપરોકેટ એક્સ.- જે વ્યવસાયોમાં ઓનલાઇન પ્રોડક્ટ વેચવામાં મદદ કરે છે, એણે ધ સ્ટેટ ઓફ ક્રોસ-બોર્ડર ટ્રેડ નામનો એક સર્વે કર્યો છે. આ સર્વેમાં એ વિશે રસપ્રદ માહિતી મળી છે. ભારત સરહદ પાર વેપાર મામલે નવમું સ્થાન ધરાવે છે, કેમ કે ભારતની કુલ માલસામાનની નિકાસ સતત બે ત્રિમાસિકથી 100 અબજ ડોલરથી વધુ રહી છે. 2021ના છેલ્લા ત્રિમાસિકમાં એ રકમ 105.8 અબજ ડોલરે પહોંચી હતી.

વળી, સરકાર સક્રિય રીતે ભારતમાં નિકાસ ક્ષેત્રને ટેકો આપી રહી છે. એ ટેકાને લીધે નાણાં વર્ષ 2022માં નિકાસથી 417 અબજની કમાણી કરવામાં મદદ કરી છે. ભારતના વિવિધ ભાગોમાંથી 15 જૂથોએ અન્ય દેશોને વેચવામાં આવતા માલસામાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રોમાં ગુજરાતે કુલ નિકાસમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ત્યાર બાદ રાજસ્થાન અને દિલ્હી છે.ભારતના વિવિધ ભાગોમાંથી લોકો વિશ્વભરના ગ્રાહકોને પોતાની પ્રોડક્ટ વેચી રહ્યા છે. શિપરોકેટના સહસંસ્થાપક અક્ષય ગુલાટીએ કહ્યું હતું કે ભારતમાં નાના વેપાર- MSMEનું મોટું યોગદાન હોય છે. ભારતમાં ઈ-કોમર્સ એટલું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે કે વિશ્વમાં બીજો ઈ-કોમર્સ ઉદ્યોગ ભારતનો છે. ભારતમાં લાખ્ખો MSME એકમો છે, જે અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક સર્વે મુજબ ઈ-કોમર્સ નિકાસની સંભાવના વર્ષ 2030 સુધીમાં 200થી 300 અબજ ડોલરની છે.

 

 

 

 

 

એશિયા કપ-2023 પાકિસ્તાન-શ્રીલંકામાં યોજાશે

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા આગામી એશિયા કપ-2023 સ્પર્ધાના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાનું આયોજન હાઈબ્રિડ મોડેલ (મિશ્રિત મોડેલ)માં પાકિસ્તાન અને શ્રીલંકા સાથે મળીને કરશે. સ્પર્ધા 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી યોજાશે.

પાકિસ્તાન આ સ્પર્ધાની ચાર મેચનું આયોજન કરશે જ્યારે શ્રીલંકા 9 મેચ યોજશે. ફાઈનલ મેચ શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાનમાં 15 વર્ષ પછી આ પહેલી વાર એશિયા કપની મેચો રમાશે. સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ રમશે. તેઓ કુલ 13 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે. ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-ફોર તબક્કામાં જશે. બાદમાં સુપર-ફોર તબક્કાની ટોચની બે ટીમ ફાઈનલમાં રમશે.

સુરક્ષાને લગતી ચિંતાને કારણે અને ભારત સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ભારતીય ટીમ પાકિસતાનમાં રમવા નહીં જાય અને તેના હિસ્સાની મેચ શ્રીલંકામાં રમશે.

ગ્રુપ-1માં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ-2માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. શ્રીલંકા આ સ્પર્ધાનું ગઈ વેળાનું ચેમ્પિયન છે. ગયા વર્ષે યૂએઈમાં રમાઈ ગયેલી સ્પર્ધાની ફાઈનલમાં એણે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.

સિદ્ધારમૈયા સરકાર ધર્માંતરણવિરોધી કાયદો રદ કરશે

નવી દિલ્હીઃ કર્ણાટકની સત્તા મેળવ્યાને કોંગ્રેસને હજી એક મહિનો જ થયો છે, ત્યારે રાજ્ય સરકારે ભાજપ દ્વારા પાસ કરવામાં આવેલા ધર્માંતરણના કાયદાને રદ કરવાનું નક્કી કરી લીધું છે. રાજ્ય સરકારની કેબિનેટે એના પર સર્વસંમતિ પણ આપી દીધી છે.

કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સરકાર ટૂંક સમયમાં આ બિલને વિધાનસભામાં મૂકવાની તૈયારી કરી લીધી છે. આ બિલનું મુખ્ય ફોકસ ધર્મની સ્વતંત્રતાના અધિકારની સુરક્ષા કરવાનું છે અને એ સાથે ખોટી નિવેદનબાજી, જબરદસ્તી, પ્રલોભન દ્વારા એક ધર્મથી અન્ય ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવાનો છે. કર્ણાટકના મંત્રી એચકે પાટિલે કહ્યું હતું કે રાજ્યના મંત્રીમંડળે સ્કૂલો અને કોલેજોમાં ભજનની સાથે બંધારણની પ્રસ્તાવના વાંચવી ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય જણાવવામાં આવ્યું છે કે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અધિનિયમમાં સંશોધનનો પણ નિર્ણય લીધો છે, જેથી જૂના કાયદાને બહાલ કરી શકાય છે.

તેમણે કહ્યું હતું કે કર્ણાટક મંત્રીમંડળે જૂના કાયદાને પરત લાવવા માટે રાજ્યમાં APMC એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. આજે કેબિનેટની બેઠકમાં પાઠ્યપુસ્તકોના પુનઃસમીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કર્ણાટકના શિક્ષણપ્રધાન મધુ બંગારપ્પાએ કહ્યું હતું કે કર્ણાટક કેબિનેટે સ્કૂલનાં પાઠ્યપુસ્તકોમાં RSS સંસ્થાપક કેબી હેડગેવાર અને અન્યોથી જોડાયેલા અધ્યાયોને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે તેમણે (પાછલી સરકારે) જે પણ ફેરફાર કર્યા છે, એને અમે બદલી નાખીશું.

જોકે સિદ્ધારમૈયા સરકારે ધર્માંતરણ પર લીધેતા નિર્ણય પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપ નેતા બીસી નાગેશે કહ્યું હતું કે કોંગ્રેસ મુસલમાનોના મત ઇચ્છે છે. સિદ્ધારમૈયા સરકાર હિન્દુઓની વિરુદ્ધ છે. તેઓ હિજાબ ફરીથી શરૂ કરાવશે.

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૫ જૂન, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૫ જૂન, ૨૦૨૩

શિલ્પા શેટ્ટીનાં ઘરમાંથી કિંમતી ચીજો ચોરાઈ; પોલીસે બે જણને અટકમાં લીધાં

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં અત્રેના જુહૂ વિસ્તારસ્થિત નિવાસસ્થાનમાં આજે ચોરીની ઘટના બની છે. શિલ્પાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનાં ઘરમાંથી કેટલીક કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે અને બે જણને અટકાયતમાં લઈ એમની પૂછપરછ શરૂ કરી છે.

(તસવીર સૌજન્યઃ શિલ્પા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ)

શિલ્પા હાલ ઈટાલીમાં વેકેશન માણવા ગઈ છે. 2009માં એણે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં હતાં. દંપતીને બે સંતાન છે – પુત્રી સમિશા અને પુત્ર વિઆન રાજ. શિલ્પા 18 વર્ષ પછી ફરી કન્નડ ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે. આ નવી ફિલ્મનું નામ છે ‘કે.ડી.: ધ ડેવિલ’.

ટાઇગર શ્રોફની ફિલ્મ ‘ગણપત પાર્ટ-એક’ની રિલીઝ ડેટ જાહેર, જાણો…

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર અપકમિંગ ફિલ્મ ‘ગણપત પાર્ટ-1’ની રિલીઝ ડેટનો ફેન્સ આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે. મંગળવારે આ ફિલ્મના પ્રોડ્યુસર જેકી ભગનાનીએ ફિલ્મની રિટીઝ ડેટ પરથી સસ્પેન્સ ખતમ કર્યું છે. જેકી ભગનાનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતાં ફિલ્મની તારીખ વિશે ખુલાસો કર્યો છે.તેમણે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ 20 ઓક્ટરોબરે રિલીઝ થશે. જેકી ભગનાનીએ જે ફોટો શેર કર્યો છે, એમાં તે ટાઇગર શ્રોફ અને ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલની સાથે એક સોફામાં બેઠો છે અને તે રિલેક્સ મૂડમાં જણાઈ રહ્યો છે. આ ફોટો પોસ્ટ કરવાની સાથે જેકીએ કેપ્શનમાં લખ્યું હતું કે તે ફિલિંગ જ્યારે તમે એડિટ ‘ગણપત પાર્ટ-એક’ને લોક કરી દીધો છે. આ દશેરાએ થિયેટરોમાં મળીએ છીએ. ગણપત ઓન 20 ઓક્ટોબર, 2023. કૃતિ સેનન આ ફોટામાં મેં તને મિસ કરી હતી. ‘ગણપત પાર્ટ-એક’ને હિન્દી ઉપરાંત તમિળ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મ રૂ. 150 કરોડના બજેટમાં બની છે અને 2014ની રોમેન્ટિક-એક્શન ફિલ્મ હીરોપંતી પછી ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની બીજી જોડી છે. ગણપત પાર્ટ-એકને પૂજા એન્ટરટેઇનમેન્ટ અને ગુડ કંપનીએ પ્રોડ્યુસ કરી છે. એનું ભારતમાં ડિસ્ટ્રિબ્યુશન UFO મુવીઝ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોકોનટ મુવીઝે કર્યું છે.

 

 

 

સરસપુર: ભગવાન જગન્નાથનું મામેરુ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજી ના મંદિરે થી 146 મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળશે. ભગવાન જગન્નાથ ની યાત્રા શહેરમાં નીકળેએ પહેલાં પરંપરાગત પ્રસંગો ની ઉજવણીઓ શરૂ થઇ ગઈ છે.

અમદાવાદ નો સરસપુર વિસ્તાર રથયાત્રાનું મુખ્ય આકર્ષણ છે. આ વિસ્તારમાં આવેલું રણછોડજીનું મંદિર ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. દર વર્ષે ભાવિક ભક્તો મોસાળાનો લાભ લેતા હોય છે. આ વર્ષે મામેરાના મુખ્ય યજમાન મેઘાણીનગરના ઘનશ્યામ પટેલ છે.

 

મુખ્ય યજમાન ઘનશ્યામ પટેલ દ્વારા મામેરાની ધામ ધૂમથી રણછોડજી મંદિર સરસપુરમાં પધરામણી કરાવી હતી. ત્યાર બાદ બુધવાર 14 જુન , 5:00 થી હજારો ભાવિક ભક્તોએ શ્રધ્ધા પૂર્વક મામેરાના દર્શન કર્યાં હતા. સરસપુરના મુખ્ય માર્ગ પર મામેરાના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. એટલુ જ નહીં સરસપુરમાં રોજ રાત્રે મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તિમાં લીન થઇને ભાવિકો ભગવાન જગન્નાથને લાડ લડાવશે.

શહેરના આ ભરચક વિસ્તારમાં માર્ગો પર ભજનોના તાલે ભક્તો ઝુમી ઉઠ્યા હતા. વિશાળ જન મેદની ને ધ્યાન માં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રજ્ઞેશ વ્યાસ

વાવાઝોડું બિપરજોયઃ ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં સામેલ મિડિયાકર્મીઓ માટે સરકારની ચેતવણી

માંડવી (કચ્છ): દ્વારકા, ઓખામાં હાલ 60-90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી અને જખૌ બંદરગાહ શહેર-વિસ્તારોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. અહીંના દરિયામાં 15-20 ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે. દરિયામાં અત્યંત ભારે કરંટ જોવા મળે છે. વાવાઝોડું આજે રાતે 8-10 વાગ્યાની વચ્ચે ગુજરાતના આ સમુદ્રકાંઠે ત્રાટકે એવી સંભાવના છે. વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જશે તેમ પવનની ગતિ અને વરસાદનું જોર વધતું જશે.

ગુજરાતી સહિત અનેક ભાષાનાં પ્રકાશનગૃહો, ખાસ કરીને ખાનગી ટીવી ચેનલોનાં મિડિયાકર્મીઓ (રિપોર્ટરો, કેમેરામેન તથા અન્ય કર્મચારીઓ) ગુજરાતના સમુદ્રકાંઠાઓ પર જઈને જોખમ વહોરી લઈને રિપોર્ટિંગ કરી રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા મિડિયાકર્મીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે આવી તમામ ટીવી ન્યૂઝ ચેનલો માટે એક ચેતવણી બહાર પાડી છે. તેણે કહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ ખાતે જઈને રિપોર્ટિંગ કરવાથી રિપોર્ટરો, કેમેરામેનો તથા અન્ય કર્મચારીઓના જાન પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. મિડિયાની સંસ્થાઓને અમારી કડક ચેતવણી છે કે આ બાબતમાં તેઓ અત્યંત સાવચેતી રાખે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના કર્મચારીઓને મોકલવામાં અત્યંત કાળજી રાખે. મિડિયા સંસ્થાઓએ પોતાના કર્મચારીઓની સલામતી જોખમાય એવી રીતે તેમને જોખમી વિસ્તારોમાં મોકલવા ન જોઈએ.

ગુજરાતના સમુદ્રકાંઠાઓના જે વિસ્તારોમાં વાવાઝોડાનું જોખમ વધારે છે એ બધેથી હજારોની સંખ્યામાં લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.