૧૫ જૂન, ૨૦૨૩
૧૫ જૂન, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 15/06/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
આઇસી15 ઇન્ડેક્સ 138 પોઇન્ટ ઘટ્યો
મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ નાણાં નીતિની સમીક્ષા રજૂ કરે એની પહેલાં વૈશ્વિક સ્તરે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો છે. બુધવારે માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી એક્સઆરપી, કાર્ડાનો, સોલાના અને લાઇટકોઇન પાંચેક ટકા સુધી ઘટ્યા હતા. બીએનબી, ચેઇનલિંક, ટ્રોન અને યુનિસ્વોપ 1થી 6 ટકા વધ્યા હતા.
દરમિયાન, હોંગકોંગ મોનેટરી ઑથોરિટીએ સ્ટેબલકોઇનનું નિયમન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ જ રીતે અમેરિકામાં પણ સ્ટેબલકોઇન માર્કેટ સંબંધે નિયમનકારી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. ઉપરાંત, ચીન પણ ક્રીપ્ટોકરન્સી પરના પ્રતિબંધને લગતું વલણ બદલાવવા ઈચ્છે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.38 ટકા (138 પોઇન્ટ) ઘટીને 36,524 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,662 ખૂલીને 36,910ની ઉપલી અને 36,295 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
અપ્રમાણસર આવક કેસ: DPIITના ભૂતપૂર્વ સેક્રેટરી રમેશ અભિષેકની લોકપાલ સમક્ષ કબૂલાત
મુંબઈઃ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ ધરાવતા ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર રમેશ અભિષેકે લોકપાલને સુપરત કરેલા એફિડેવિટમાં કબૂલ્યું છે કે એમણે નિવૃત્તિ પછીના માત્ર પંદર મહિનામાં 2.7 કરોડ રૂપિયાની અપ્રમાણસરની આવક કરી છે. આ આવક કન્સલ્ટન્સી ફી તરીકે એમને મળી છે.
રમેશ અભિષેક છેલ્લે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હતા. નોંધનીય છે કે સરકારી અધિકારી તરીકે એમનો માસિક પગાર ફક્ત 2.26 લાખ રૂપિયા હતો, જ્યારે નિવૃત્તિ પછીની એમની અપ્રમાણસરની આવક નોકરીની આવકના 119 ગણા જેટલી છે.
અહીં જણાવવું રહ્યું કે રમેશ અભિષેક પોતાની આવકના જાણીતા સ્રોત કરતાં અનેક ગણી વધુ સંપત્તિ ધરાવે છે એ બાબતની ફરિયાદના આધારે લોકપાલે તપાસ કરવાનો તથા અહેવાલ સુપરત કરવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આદેશ આપ્યો છે.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેકે ડીપીઆઇઆઇટીના સેક્રેટરી તરીકે જે કંપનીઓની તરફેણ કરી હતી એવી 16 કંપનીઓ પાસેથી એમને નિવૃત્તિ પછી આવક પ્રાપ્ત થઈ છે. આ કંપનીઓ હવે એમને કન્સલ્ટન્સી ફી ચૂકવી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે એમણે નોકરી દરમિયાન કરેલી તરફેણના બદલામાં એમને લાભ આપવામાં આવ્યા છે.
અત્રે એ પણ નોંધનીય છે કે લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રા. લિ. અને પીએજીએસી 3 હોલ્ડિંગ 4 (એચકે) લિમિટેડનો ઉલ્લેખ પનામા પેપર્સમાં પણ થયેલો છે.
લોકપાલે ઈડીને આપેલા આદેશમાં કહ્યું છે કે ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવે, કારણ કે રમેશ અભિષેક વિરુદ્ધ થયેલા આક્ષેપો અને એના સંજોગોને જોતાં આપણે મૂક પ્રેક્ષક બનીને જોતાં રહેવું જોઈએ નહીં, કારણ કે આક્ષેપો ભ્રષ્ટાચારને લગતા છે, જેની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદીએ આપેલી વિગતોમાંથી અનેક વિગતો વિશે સરકારી સેવક (અભિષેક) પોતાના એફિડેવિટમાં કબૂલાત કરી ચૂક્યા છે. આથી આ ફરિયાદને લગતા તમામ દસ્તાવેજો ઈડીને આપવામાં આવ્યા છે.
લોકપાલે ઈડીને આપેલા આદેશમાં કહ્યું હતું કે નવી દિલ્હીના ગ્રેટર કૈલાસ -2માં આવેલા અભિષેકના ભવ્ય બંગલાના મૂલ્ય સહિતની બાબતો સંબંધે તપાસ કરવી અને એમને તથા એમના સંબંધીઓની આવક સંબંધે ક્યાંય હિતનો ટકરાવ થતો દેખાય તો એની પણ તપાસ કરવી. રમેશ અભિષેકે ગ્રેટર કૈલાસ -2 ખાતેના બંગલાનું રિડેવલપમેન્ટ કરાવ્યું એના ખર્ચ બાબતે સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવાની જરૂર હતી કે નહીં અને જો જરૂર હતી તો જાણ કરવામાં આવી હતી કે નહીં એની પણ તપાસ ઈડીએ કરવી.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રમેશ અભિષેકે 2.67 કરોડ રૂપિયામાં ગ્રેટર કૈલાસના આ બંગલાની ખરીદી કરી છે, પરંતુ એનું વાસ્તવિક મૂલ્ય 8 કરોડ રૂપિયા છે. આમ, ઉપરની રકમ રોકડમાં ચૂકવાઈ હતી.
આ ભૂતપૂર્વ આઇએએસ ઓફિસરે સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું કહેતાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે એમણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા, વગેરેના નામે પોતાના પરિવાજનો મારફતે મની લોન્ડરિંગ કરાવ્યું હતું. એમના કહેવાથી જ એમનાં દીકરી વનીસા અગ્રવાલને અનેક કંપનીઓમાં કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યાં હતાં, જેની એમને તગડી ફી ચૂકવાઈ હતી. આ જ દીકરી માટે એમણે તત્કાલીન સેબી ચેરમેન યુ. કે. સિંહાની વગથી સેબીમાં ખાસ ખાલી જગ્યા ઊભી કરાવીને એમાં નિમણૂક કરાવી હતી. આ રીતે એમણે પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
ફરિયાદીએ એમ પણ કહ્યું છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ મની લોન્ડરિંગ કેસમાં એમના નિકટના સાગરિત હતા. આથી ચિદમ્બરમે એમને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનમાં અધ્યક્ષપદે એમની નિમણૂક કરાવીને પછીથી એક્સટેન્શન પણ અપાવ્યું હતું.
રમેશ અભિષેક સપરિવાર વિદેશપ્રવાસે ગયા અને બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કર્યો તથા ફાઇવ સ્ટાર હોટેલમાં રહ્યા અને ભવ્ય પાર્ટીઓ કરાવી એ બાબતે પણ શંકા પ્રવર્તે છે. ખરી રીતે તો આઇએએસ અધિકારીઓના પ્રવાસની વિગતોની નોંધ થતી હોય છે અને જાહેર જનતા એ જોઈ શકે છે, પરંતુ અભિષેકની બાબતે એ વિગતોની નોંધ થઈ હોય તોપણ હાલ એ ઉપલબ્ધ નથી.
સરકારી નોકર હોવા છતાં એમણે પોતાનાં દીકરી વનીસા અગ્રવાલને બિઝનેસ ક્લાયન્ટ્સ અપાવ્યા અને એમનો પ્રચાર કર્યો. આ રીતે એમણે નિયમોનો ભંગ કર્યો. એમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું અને એ કામ દરમિયાન ઇન્ડિયન એન્જલ નેટવર્ક, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇન્વેસ્ટ ઇન્ડિયા, ફંડ્સ ઓફ ફંડ્સ, આઇએએન ફંડ તથા અન્ય અનેક ફંડ્સ સાથે ઘરોબો કેળવ્યો. રમેશ અભિષેક ઇન્ડિયન એન્જલ નેટવર્કને મળવું જોઈએ એના કરતાં વધુ મહત્ત્વ આપે છે. એમણે આ નેટવર્કના પ્રતિનિધિઓને જાહેર મંચ, ડિનર તથા ગેધરિંગ્સમાં વિવિધ ચર્ચાઓ માટે નિમંત્રણ આપ્યું છે. આ પ્રતિનિધિઓને વિવિધ સમિતિમાં સમાવી લેવાનું કામ પણ એમણે કર્યું છે. એના બદલામાં ઇન્ડિયન એન્જલ નેટવર્કે એમનાં દીકરીના નામે કાનૂની કન્સલ્ટન્સી બદલની ફી લાંચ તરીકે ચૂકવી છે.
આ સરકારી અધિકારીએ જયપુરમાં પોતાનાં દીકરીનો ત્રણ દિવસનો ખર્ચાળ લગ્ન સમારંભ રાખ્યો હતો, જેમાં કોમોડિટી બ્રોકર્સ, ટ્રેડર્સ, પાવર બ્રોકર્સ અને બિઝનેસમેનને નિમંત્રિત કરાયા હતા. મહેમાનોના રોકાવા માટે ત્રણ મોટી હોટેલો બુક કરવામાં આવી હતી, જેનો ખર્ચ એમની સરકારી આવકમાંથી ચૂકવી શકાય એના કરતાં ઘણો વધારે હતો.
આ સાથે જણાવવું રહ્યું કે લોકપાલે કાયદા અનુસાર કાર્યવાહી કરવાનો ઈડીને દેશ આપ્યો એની સાથે સાથે સ્પેશિયલ એમપીઆઇડી કોર્ટે પણ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાને આદેશ આપ્યો છે કે એનએસઈએલ કેસમાં અભિષેકની સંડોવણી વિશે તપાસ કરે.
રમેશ અભિષેક વિરુદ્ધની અલગથી કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એનએસઈએલ કેસમાં બ્રોકરોએ અનેક ગેરરીતિઓ આચરી હોવા છતાં અભિષેકે એમનો બચાવ કર્યો છે. આ સરકારી અધિકારીએ ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સને કરેલી ખોટી ભલામણને પગલે એનએસઈએલ એક્સચેન્જ અચાનક બંધ કરી દેવાયું, જેને લીધે પેમેન્ટ કટોકટી સર્જાઈ. બ્રોકરોએ ગેરરીતિઓ કરી હતી એવું આર્થિક ગુના શાખાની તપાસમાં બહાર આવ્યું હોવા છતાં એ બાબતે દુર્લક્ષ કરાયું હતું. અભિષેકે બ્રોકરો પર તવાઈ આવે નહીં એ માટે બે ખાનગી કંપનીઓનું પરાણે મર્જર કરાવવાની ભલામણ પણ કરી હતી.
‘દેખો મેરા દિલ મચલ ગયા’: ગાયિકા શારદા (86)નું અવસાન
મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં જાણીતાં ગાયિકા શારદા રાજન આયંગરનું આજે નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતાં. 60 અને 70ના દાયકામાં સંગીત ક્ષેત્રમાં જે ખ્યાતનામ ગાયકો થઈ ગયાં એમાં શારદાજીનું પણ નામ લેવાય છે. 1937ની 25 ઓક્ટોબરે તામિલનાડુના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં શારદાનું કેન્સરને કારણે નિધન થયું છે.
1966માં આવેલી રાજેન્દ્ર કુમાર, વૈજયંતીમાલા અભિનીત ‘સૂરજ’ ફિલ્મમાં શારદાએ ગાયેલાં ગીતો – ‘તિતલી ઉડી ઉડ જો ચલી’, ‘દેખો મેરા દિલ મચલ ગયા’ સુપરહિટ થયાં છે. રાજ કપૂર, રાજશ્રી અભિનીત ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’માં શારદાજીએ મુકેશ સાથે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઈટ ડોલર્સ’ ગીત ગાયું હતું.
1970માં આવેલી હિન્દી ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’માં હેલન અભિનીત કેબરે ગીત ‘બાત ઝરા હૈ આપસ કી’ માટે શારદાજીને 1971માં શ્રેષ્ઠ ગાયિકાનો ‘ફિલ્મફેર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શારદાજી હંમેશાં સંગીતકાર બેલડી શંકર-જયકિશન માટે કૃતજ્ઞ રહ્યાં હતાં. એમણે નામાંકિત સંગીતકારો અને ટોચનાં ગાયકો સાથે મળીને ગીતો ગાયાં છે. એમણે હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, તેલુગુ અને અંગ્રેજી ભાષાઓમાં પણ ગીતો ગાયાં હતાં.
વિનાશકારી વાવાઝોડા વચ્ચે કચ્છમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
ભૂજઃ રાજ્યમાં એક તરફ વિનાશક વાવાઝોડાની આફત વચ્ચે ભૂકંપ અનુભવાયો છે. વાવાઝોડાની આફત વચ્ચે સાંજે પાંચ કલાકે કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી પાંચ કિ.મી દૂર છે. હાલમાં જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી.
જોકે આ પહેલાં સાંજે ચાર કલાકે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. આ પહેલાં દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં એક વાર ફરીથી ભૂકંપ આવ્યો હતો. પંજાબ સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક વિસ્તારોમાં કંપન મહેસૂસ થયા છે. ભૂકંપના ઝટકાનો અહેસાસ 20 સેકન્ડ સુધી રહ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4ની માપવામાં આવી હતી.
આ અગાઉ તાજેતરમાં પણ ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હતું. ભૂકંપનું કેન્દ્ર તે વખતે અફઘાનિસ્તાનનું હિન્દુકુશ હતું.
CM ભૂપેન્દ્ર પટેલે ચક્રવાત બિપરજોયને લઈને લોકોને કરી ખાસ અપીલ
બિપરજોય ચક્રવાતનો ખતરો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિત ગુજરાત પર તોળાઈ રહ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં જાનહાનિ ટાળવા માટે રાજ્ય સરકારે તંત્રને કામે લગાડી દીધો છે. આ બાબતે રાજ્યના સીએમ સહિત તમામ નેતાઓ પણ ચક્રવાત ઉપર સતત નજર રાખી રહ્યાં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોના નામે એક સંદેશ જાહેર કર્યો છે. આ સંદેશમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને બિપરજોય ચક્રવાતને લઈને સાવચેત રહેવા માટે નમ્ર અપીલ કરી છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અપીલ.#CycloneBiparjoy pic.twitter.com/1Tk3dh1rKe
— CMO Gujarat (@CMOGuj) June 13, 2023
ભૂપેન્દ્ર ભાઈ પટેલે પોતાના સંદેશમાં કહ્યું કે, “રાજ્ય સરકારે આગોતરા બચાવ, રાહત વ્યવસ્થાનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સુચનાઓ નિર્દેશિકાનું આપણે સૌ લોકોએ પાલન કરવું જોઈએ. ખાસ કરીને ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નીકળવાનું ટાળીએ.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કન્ટ્રોલ રૂમ ખાતેથી હોટલાઈન દ્વારા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરશ્રીઓ સાથે વાતચીત કરી વાવાઝોડાની પરિસ્થિતિની વિગતો મેળવી હતી તથા બચાવ-રાહત અને લોકોના સ્થળાંતર સહિતની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી… pic.twitter.com/3nXureGIMq
— CMO Gujarat (@CMOGuj) June 13, 2023
તે ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલાહ આપતા કહ્યું કે, “વૃક્ષ નીચે, થાભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશરો લેવાનું ટાળીએ. વિજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દુર રહીએ. જરુરીયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરો અને સુચનાઓનું પાલન કરો. તથા આપની અને આપના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે સલામતી અને સાવચેતી જ આવી આપત્તિ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે, જેને અનુસરવી જોઈએ. રાજ્ય સરકાર દિવસ રાત આપણા સૌની સલામતી માટે સેવારત છે. જય જય ગરવી ગુજરાત.”
PNB સાથે છેતરપિંડી બદલ CBIએ ઇટર્નલ મોટર્સ સામે FIR નોંધી
અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI)એ ગુજરાત સ્થિત ઇટર્નલ મોટર્સ પ્રા. લિ.ના પ્રમોટર સુબોધ કુમાર જૈન, શાલિની સુબોધ જૈન, તેમના પુત્ર નમિત જૈન અને અન્યોની સામે પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 1518 લાખની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કંપની પાસે મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રા. લિ.ની ડીલર હતી અને કંપની મારુતિની કારોનું વેચાણ કરતી હતી. જોકે મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રા. લિ.એ છઠ્ઠી માર્ચ, 2021એ કંપનીની ડીલરશિપ રદ કરી હતી. પંજાબ નેશનલ બેન્ક દ્વારા ફરિયાદ અનુસાર 1998માં સુબોધ અને શાલિનીએ કંપનીના ડિરેક્ટર તરીકે બેન્કનો સંપર્ક સાધ્યો હતો અને કંપનીએ મારુતિની ડીલરશિપ રૂપે કંપનીના વેપારના વિસ્તરણ માટે નાણાકીય સહાય માગી હતી, બેન્કે એ સંદર્ભે રૂ. 1650 લાખની ક્રેડિટ લિમિટની મંજૂરી કંપનીને આપી હતી. 
આ આરોપીઓએ PNB સિવાય પણ અન્ય બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી. ત્યાર બાદ કંપની લોનના હપતા અને વ્યાજ ચૂકવવામાં અનિયમિત થઈ હતી અને એ પછી પણ કંપની લોનની ચુકવણીને નિયમિત કરવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યાર બાદ કંપનીનું લોન એકાઉન્ટ 29 જૂન, 2021એ NPAમાં તબદિલ થયું હતું. આ FIRમાં કહેવામાં આવ્યું હતું કે બેન્કે કંપનીની લોન રિકવર કરવામાં કંપનીની મિલકતો વેચી હતી, તેમ છતાં કંપની પાસે હાલ રૂ. 1618 લાખની રકમ લેણી નીકળે છે.
વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી આગાહી છે. તેમજ કચ્છ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તથા રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ, ખેડા, આણંદ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે પવન ફુંકાઇ શકે છે.

અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી છે. તથા આગામી 4 દિવસ રાજ્યમાં ઠેર ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા દ્વારકાથી 300 કિમી દૂર તેમજ બિપોરજોય વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર છે. સાથે જ નલિયાથી 310 કિમી દૂર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડુ 370 કિમી દૂર છે. વાવાઝોડુ બિપોરજોય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. તથા વાવાઝોડુ સતત ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.






