અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI)એ ગુજરાત સ્થિત ઇટર્નલ મોટર્સ પ્રા. લિ.ના પ્રમોટર સુબોધ કુમાર જૈન, શાલિની સુબોધ જૈન, તેમના પુત્ર નમિત જૈન અને અન્યોની સામે પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 1518 લાખની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કંપની પાસે મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રા. લિ.ની ડીલર હતી અને કંપની મારુતિની કારોનું વેચાણ કરતી હતી. જોકે મારુતિ સુઝુકી ઇન્ડિયા પ્રા. લિ.એ છઠ્ઠી માર્ચ, 2021એ કંપનીની ડીલરશિપ રદ કરી હતી. પંજાબ નેશનલ બેન્ક દ્વારા ફરિયાદ અનુસાર 1998માં સુબોધ અને શાલિનીએ કંપનીના ડિરેક્ટર તરીકે બેન્કનો સંપર્ક સાધ્યો હતો અને કંપનીએ મારુતિની ડીલરશિપ રૂપે કંપનીના વેપારના વિસ્તરણ માટે નાણાકીય સહાય માગી હતી, બેન્કે એ સંદર્ભે રૂ. 1650 લાખની ક્રેડિટ લિમિટની મંજૂરી કંપનીને આપી હતી.
આ આરોપીઓએ PNB સિવાય પણ અન્ય બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી. ત્યાર બાદ કંપની લોનના હપતા અને વ્યાજ ચૂકવવામાં અનિયમિત થઈ હતી અને એ પછી પણ કંપની લોનની ચુકવણીને નિયમિત કરવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યાર બાદ કંપનીનું લોન એકાઉન્ટ 29 જૂન, 2021એ NPAમાં તબદિલ થયું હતું. આ FIRમાં કહેવામાં આવ્યું હતું કે બેન્કે કંપનીની લોન રિકવર કરવામાં કંપનીની મિલકતો વેચી હતી, તેમ છતાં કંપની પાસે હાલ રૂ. 1618 લાખની રકમ લેણી નીકળે છે.
બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી આગાહી છે. તેમજ કચ્છ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તથા રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ, ખેડા, આણંદ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે પવન ફુંકાઇ શકે છે.
અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી છે. તથા આગામી 4 દિવસ રાજ્યમાં ઠેર ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા દ્વારકાથી 300 કિમી દૂર તેમજ બિપોરજોય વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર છે. સાથે જ નલિયાથી 310 કિમી દૂર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડુ 370 કિમી દૂર છે. વાવાઝોડુ બિપોરજોય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. તથા વાવાઝોડુ સતત ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
બિપરજોય વાવાઝોડાના ખતરામાં પ્રથમ વખત ભીષ્મ ક્યૂબ ફેસિલિટીનો પ્રયોગ કરાશે. જેમાં જરૂર પડયે દેશમાં પ્રથમ વખત કચ્છમાં પ્રયોગ કરાશે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તૈયારી, રાહત-બચાવની સમીક્ષા કરી છે. તથા આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત્ થાય તે જોવા તાકીદ કરી હતી.
તમામ ચીજવસ્તુની કિટ એક કમાન્ડથી મેળવી શકાય
ભીષ્મ ક્યૂબ ફેસિલિટીમાં આરોગ્ય સુધીની તમામ ચીજવસ્તુની કિટ એક કમાન્ડથી મેળવી શકાય છે. કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે 7 સંવેદનશીલ તાલુકામાં કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી તૈયારીની સમીક્ષા કરવા ભુજ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વાવઝોડા બાદ જાન-માલના નુકસાનની સ્થિતિને પહોંચી વળવા જરૂર પડશે તો દિલ્લીથી ખાસ ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ ભીષ્મ ક્યુબ ફેસિલિટીને કચ્છમાં ઉતારવાની તૈયારી બતાવી હતી.
આ ક્યુબ ફેસિલિટીમાં 34 કયુબ હોય છે
આ ક્યુબ ફેસિલિટીમાં 34 કયુબ હોય છે, જેમાં આપત્તિની સ્થિતિમાં જરૂરી જીવન જરૂરિયાતની ચીજોથી લઇને આરોગ્ય સુધીની તમામ ચીજવસ્તુની કિટ એક કમાન્ડથી મેળવી શકાય છે. આ કયુબ કાર્ગોને જરૂર પડે તો તત્કાલ ગમે તે સ્થળે હેલિકોપ્ટરની મદદથી કે વાહન દ્વારા ખસેડી શકાય છે. જરૂર પડયે આ સેવાનો પ્રયોગ દેશમાં પ્રથમવાર કચ્છમાં કરાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
This photo taken on May 15, 2023 shows a road left in a mess after Cyclone Mocha hits Sittwe, Rakhine State, Myanmar. Five people have been killed after the extremely severe cyclonic storm Mocha swept into Myanmar on Sunday, state media reported on Monday. (Str/Xinhua)
સેન્ટ્રલ મેડિકલ ક્વિક રિસ્પોન્સ ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને કલેક્ટર પાસેથી અત્યાર સુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણી હતી. વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા અને પ્લાનમાં ખાસ કરીને ભોજન, પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત્ થાય તે જોવા તાકીદ કરી હતી. સેન્ટ્રલ મેડિકલ ક્વિક રિસ્પોન્સ ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ છે.
ચક્રવાત બિપરજોય ગુરુવારે સાજે ચારથી આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે માંડવી અને કરાચી વચ્ચે જખો પોર્ટ પાસે વાવાઝોડું આવે તેવી ભીતી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં 15-15 જૂને તમામ જનસેવા કેન્દ્રો બંધ રહેશે.
હવામાન વિભાગે 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. જોકે, આ પહેલા જ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતની અનેક કામગીરીને અંજામ આપ્યો છે.
કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી ચક્રવાત ‘બિપરજોય’ના સંભવિત લેન્ડફોલ પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 37,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મંગળવાર સુધીમાં તોબડતોડ કામગીરી હાથ ધરીને દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જેવામાં આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીમાં 37,000ને પાર કરી ગયો હોવાનું સૂત્રો તરફથી કહેવાઇ રહ્યું છે. લોકોના સ્થળાંતર પર સરકારે અત્યાર સુધી સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 30થી વધારે ટીમો તૈયાર છે. આ સાથે સેનાના અધિકારીઓએ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. સેનાએ વ્યૂહાત્મક સ્થળોએ પૂર રાહત ટીમોને તૈયાર રાખી છે.
વાવાઝોડાને પગલે તૈયારીઓની સમીક્ષા કરવા માટે વિડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત સરકારને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાની વ્યવસ્થા કરવા અને પાવર, ટેલિકોમ, આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું. તે ઉપરાંત પીવાનું પાણી સહિતની આવશ્યક સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, “અમે પહેલાથી જ દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે, જેમને સૌથી વધુ અસર થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્રોએ લગભગ 30,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કર્યા છે.”
અમદાવાદના હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ચક્રવાત 15 જૂનની સાંજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે કચ્છમાં જખૌ બંદર નજીકના માંડવી પર 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાનના ભાગો. કરાચી વચ્ચે ક્રોસિંગની શક્યતા છે.
IMD દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
અમદાવાદના IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ચક્રવાતના આવ્યા પછી અને નબળું પડ્યા પછી તે ઉત્તરપૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15-17 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.
બચાવ કામગીરી બે તબક્કામાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં દરિયાકાંઠાની 5 થી 10 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 17 NDRF અને 12 SDRF ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ કરી છે, 32 ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાન પહેલા જ રોકી દીધી છે અને 26 અન્ય ટ્રેનોને રિશેડ્યૂલ કરી છે.
ચક્રવાત બિપરજોય 15 જૂન, 2023 ના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શક્તિશાળી ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે જખૌ બંદર પર પહોંચવાની સંભાવના છે. IMD દ્વારા અત્યાર સુધી શેર કરવામાં આવેલી માહિતી મુજબ, બિપરજોય અરબી સમુદ્ર પર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના જખાઉ બંદર નજીકથી પસાર થશે.
આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચક્રવાત બિપરજોય ને લઈને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે સતત મેરેથોન બેઠકો યોજી રહ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્ર સાથે પણ સતત કોન્ટેક્ટમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારના અધિકારીઓ પાસેથી સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત હર્ષ સંઘવી પણ દરિયાકાંઠાના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને જાનહાનિ ટાળવા માટેની તૈયારીમાં વ્યસ્ત છે.
IMD અનુસાર, ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ ચક્રવાત બિપરજોય થી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. IMD અનુસાર, ચક્રવાત કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાકની વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન મોટી ભરતીની પણ આગાહી કરવામાં આવી છે. તેથી દરિયા વિસ્તારમાં વસતા તમામ લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે.
નલિયાના પોલીસ સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે માંડવી અને નલિયા બિપરજોય ચક્રવાતના હોટસ્પોટ છે. આ માટે અમે લોકોને જાગૃત કર્યા છે. આ સાથે SDRF અને NDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે જે કોઈપણ કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરશે.
ચક્રવાત બિપરજોય પર ડીઆઈજી એનડીઆરએફ મોહસીન શાહિદીએ જણાવ્યું હતું કે ચક્રવાતનું લેન્ડફોલ 15મીએ સાંજે ગુજરાતમાં થવાનું છે. તેને જોતા NDRFની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે, SDRFની 13 ટીમો હાજર છે. તેમણે કહ્યું કે સ્થિતિને જોતા અત્યાર સુધીમાં 44,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ ચાલુ છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગો, ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત નબળો પડયા બાદ બિપરજોય ઉત્તર-પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15-17 જૂન દરમિયાન ભારે વરસાદ પડશે.
કચ્છના માંડવી બીચ પર ચક્રવાતને જોતા સમુદ્ર નજીકની તમામ ગતિવિધિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ચક્રવાતને કારણે કંડલા પોર્ટ પર તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
બિપરજોયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ/આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ કરી છે, 32 ટ્રેનોને ટૂંકાવી દીધી છે અને 26 અન્ય ટ્રેનોને ફરીથી શેડ્યૂલ કરી છે.
ચક્રવાતને કારણે પ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને માછીમારીની પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને 16 જૂન સુધી બંદરો બંધ રાખવામાં આવ્યા છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ જિલ્લામાં સંપૂર્ણ રીતે તૈયાર છે.
ગુજરાતમાં મંગળવાર સાંજ સુધીમાં 37,700 થી વધુ લોકોને દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી બે તબક્કામાં કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં દરિયાકાંઠાના 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવશે.
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે દ્વારકામાં 20થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા અને કેટલાક કચ્છના મકાનોને નુકસાન થયું હતું. ચક્રવાતને પગલે રાજ્ય સરકાર ભાજપ અને વિરોધ પક્ષો-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)-એ સંવેદનશીલ વિસ્તારોમાં લોકો માટે હેલ્પલાઈન શરૂ કરી છે. કોંગ્રેસે કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં રાજ્ય પ્રશાસનને મદદ કરશે.
ચક્રવાતી તોફાન બિપરજોયની તીવ્રતાના કારણે ભારે વરસાદને પગલે પોરબંદરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારતીય હવામાન વિભાગે બુધવારે ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDની ચેતવણી જણાવે છે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે.
મુંબઈ તા.14 જૂન, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, મહારાષ્ટ્ર સરકાર અને મનીબી ઈન્સ્ટિટ્યૂટ પ્રાઈવેટ લિમિટેડ સાથે એક ત્રિપક્ષી સમજૂતી કરાર કર્યો છે, જેનો હેતુ લોકોને મૂડીબજારમાં રોકાણ કરવા સંબંધિત વિવિધ પાસાં પ્રતિ જાગૃત કરવાનો છે. લોકો રોકાણ અંગેનો નિર્ણય યોગ્ય માહિતી અને જાણકારીના આધારે લઈ શકે એ માટે પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવાનો હેતુ આ સમજૂતી કરારનો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, હાયર ટેકનિકલ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન પ્રધાન ચંદ્રકાંત પાટીલ, નેશનલ સ્ટોક એક્સચેન્જના ચીફ મેનેજર અમીષ પટેલ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નાણાકીય સાક્ષરતા એ અત્યારના સમયની તાતી આવશ્યકતા છે. એનએસઈ અને મનીબી દ્વારા કરવામાં આવેલા કરાર મારફત લાખો લોકોસાક્ષર બનશે. આવી પહેલ કરનારું મહારાષ્ટ્ર સૌપ્રથમ રાજ્ય છે, જ્યાં લોકોને સાઈબર છેતરપિંડીથી, પોન્ઝી સ્કીમ્સથી કેમ બચવું અને ક્યાં કેવી રીતે રોકાણ કરવું એની માહિતી પૂરી પાડવામાં આવશે. આ પહેલ બદલ હું. એનએસઈ અને મનીબીને અભિનંદન આપું છું.
એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર અને મનીબી ઈન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવેલા આ સમજૂતી કરાર અમારી રોકાણકાર જાગૃતિ અને નાણાકીય સાક્ષરતા પ્રતિની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અમે આ સહયોગ સફર શરૂ કરી રહ્યા છીએ ત્યારે અમે યોગ્ય નિર્ણય કરવા આવશ્યક માહિતી પૂરી પાડવા કટિબદ્ધ છીએ.
મનીબી ઈન્સ્ટિટ્યૂટ પ્રા. લિ,નાં ડિરેક્ટ શિવાની દાની વાનખેરેએ કહ્યું કે આવા નક્કર રસ્તે નાણાકીય સાક્ષરતા ઝુંબેશ ચલાવનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની અને એનએસઈના ટેકા દ્વારા મહારાષ્ટ્રના નાગરિકો છેતરપિંડીથી બચી શકશે.
TAT-S નું પરિણામ જાહેર કરવામા આવ્યું છે. આ પરિક્ષામાં 200માંથી 70 થી વધુ ગુણ મેળવનાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ થયા છે. મુખ્ય પરીક્ષા ના ઓળખ પત્ર તારીખ 14 મી સાંજે 5 વાગ્યાથી લઈને તારીખ 18 મી સવારે 9વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકાશે. અને તેની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂને યોજાવવાની હતી. જેને વાવાઝોડાને કારણે મોકુફ રાખવામા આવી છે. અને હવે આ પરીક્ષા 25 જુનના રોજ લેવાશે.
ટીચર એપ્ટિટ્યુટ ટેસ્ટ-સેકન્ડરી (TAT-S)નું પરિણામ આજે જાહેર કરવામા આવ્યું છે. જેમાં રાજ્યમાંથી 200માંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા 5208 છે. જ્યારે મેઈન્સ એક્ઝામ માટે 70 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 60566 છે. આ પરિક્ષામાં 35 ટકા એટલે કે 70 માર્ક્સ મેળવનાર ક્વોલિફાય ગણાશે આ પરિક્ષામાં અડધોઅડધ ઉમેદવારો પાસિંગ માર્ક્સ પણ લાવી શક્યા નથી. આ પરીક્ષામાં લાયક TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જુનના રોજ યોજાવાની હતી. પરંતુ બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને શહેરોના પરીક્ષાર્થીઓને રાહત મળી શકે છે.
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 4 જૂને TATની પ્રિલીમરી પરીક્ષા લેવામા આવી હતી જેનું આજ રોજ પરિણામ જાહેર થયું છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ TATની મુખ્ય પરીક્ષા હવે 25 જૂને રાજ્યના ચાર મોટા શહેરોમાં યોજાશે. આ પરિક્ષા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે લેવામાં આવશે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત
હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા અગાઉ 18 જુનના રોજ યોજાવાની હતી, પરંતુ હવે આ પરીક્ષા 25 જુનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે આ જાહેરાત કરી છે.
કચ્છ સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓને રાહત
પરીક્ષા મોકુફ રાખવાના નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
41.73% ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે
આજ રોજ જાહેર થયેલ પરિણામમા રાજ્યમાંથી 200માંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા 5208 છે. અને મેઈન્સ એક્ઝામ માટે 70 ગુણ મેળવી લેનારની સંખ્યા 60566 છે. આમ કુલ 35 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર 41.73% ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળશે.
આટલા ગુણ મેળવનાર ઉમેદવાર જ આપી શકશે મુખ્ય પરીક્ષા
મહત્વનું છે કે રાજ્યની સ્કૂલોમાં માધ્યમિકના શિક્ષકો માટેની ભરતી કરવા TATની પરીક્ષા દર વર્ષે યોજાતી હોય છે. ત્યારે રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે આ વર્ષે ગત 4 જૂનના રોજ TATની પ્રિલીમરી પરીક્ષા યોજાઈ હતી . આ પરિક્ષામાં કુલ 1.45 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી પરીક્ષામાં 60566 ઉમેદવારોએ 35 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. પરિણામ આવ્યા બાદ 41.73 ટકા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક બન્યા છે. મહત્વનું છે કે 35% એટલે કે 70 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર 18 જૂનના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે.
ઉમેદવારોની ટકાવારી
70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 60566 ટકાવારી 41.73%
80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 43125 ટકાવારી 29.71%
90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 28777 ટકાવારી 19.83%
100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 18036 ટકાવારી 12.43%
120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા 5208 ટકાવારી 3.59%
લંડનઃ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે હૈદરાબાદથી લંડન આવેલી 27 વર્ષીય યુવતી કોંથમ તેજસ્વિનીની લંડનના ઉપનગર વેમ્બ્લીમાં છરો ભોંકીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા તેની સાથે રૂમમાં રહેતા બ્રાઝિલિયન પુરુષે કરી છે. આ ઘટના મંગળવારે સવારે લગભગ 10 વાગ્યે નીલ્ડ ક્રેસેન્ટ ખાતે બની હતી.
(તસવીર સૌજન્યઃ @csi_london)
બ્રાઝિલિયન શખ્સે કરેલા છરાભોંક હુમલામાં 28 વર્ષની એક અન્ય મહિલાને ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
હૈદરાબાદમાં રહેતા તેજસ્વિનીનાં પિતરાઈ ભાઈ વિજયે કહ્યું કે બ્રાઝિલિયન શખ્સ કાવતરાખોર છે. તે એક અઠવાડિયાથી પણ ઓછા સમયથી તેજસ્વિની તથા એની સહેલીઓ-મિત્રો સાથે રહેતો હતો.
કમનસીબ યુવતી કોંથમ તેજસ્વિની
પોલીસે આ ઘટના બદલ ત્રણ જણની ધરપકડ કરી છે. એમાં 24 વર્ષીય એક પુરુષને કસ્ટડીમાં રાખ્યો છે અને 23 વર્ષની એક યુવતીને ધરપકડ કર્યા બાદ છોડી મૂકવામાં આવી છે. 23 વર્ષના એક અન્ય યુવકને પણ શકમંદ તરીકે પકડવામાં આવ્યો છે. મેટ્રોપોલિટન પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
નવી દિલ્હીઃ વિશ્વમાં લોકો હવે ન્યૂઝ માટે વેબસાઇટ કે વિગતવાર અહેવાલો વાંચવાને બદલે સોશિયલ મિડિયાનો સહારો લે છે. લોકોને હવે ત્વરિત ન્યૂઝ વાંચવાની ટેવ પડી ગઈ છે. વર્ષ 2018થી વિશ્વમાં અને દેશમાં અનેક લોકો સમાચાર માટે વેબસાઇટ કે એપને બદલે સોશિયલ મિડિયા કે મોબાઇલ દ્વારા સર્ચ કરીને ન્યૂઝ વાંચતા થયા છે, ખાસ કરીને યુવા વર્ગ ન્યૂઝ પર ઇન્સ્ટંટ ન્યૂઝ વાંચવા વધુ પસંદ કરે છે, એમ સર્વે કહે છે.
વળી, તેઓ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ પર પત્રકારો કરતાં સેલિબ્રિટિઝ, પ્રભાવિત કરતા લોકો અને સોશિયલ મિડિયાની હસ્તીઓ પર વધુ ધ્યાન આપે છે, એમ રોઇટર્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ જર્નલિઝમના વાર્ષિક ડિજિટલ ન્યૂઝ રિપોર્ટમાં કહ્યું છે. આ રિપોર્ટમાં ટિકટોક સૌથી ઝડપથી વધતું સોશિયલ નેટવર્ક છે, જેનો ઉપયોગ 18થી 24 વયના લોકો કરે છે.
વળી, એ કોઈ યોગ્ય કારણ નથી કે 2000ના વર્ષમાં જન્મેલી વ્યક્તિને જૂની ઘરેડની વેબસાઇટ પસંદ પડે, તેમના માટે ટીવી અને પ્રિન્ટની વાત તો કોરાણે મૂકો, કેમ કે તેઓનો ઉછેર જુનવાણી પદ્ધતિએ થયો છે, એમ રોઇટર્સ ઇન્સ્ટિયૂટના ડિરેક્ટર રાસમસ નીલ્સને જણાવ્યું હતું. આ સર્વે અમેરિકા સહિત 46 માર્કેટોમાં 94,000 વયસ્કોની પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એક તૃતીયાંશથી ઓછા લોકોએ કહ્યું હતું કે તેમણે પસંદ કરેલી વાર્તા દ્વારા ન્યૂઝ માટે મેળવવાનું વધુ પસંદ કર્યું હતું. વળી, લોકો હજી પણ એડિટર અને પત્રકારોની તુલનાએ અલ્ગોરિધમ દ્વારા ન્યૂઝ પસંદ કરવાનું વધુ પસંદ કરે છે. આ સર્વેમાં 56 ટકા લોકોએ કહ્યું હતું કે ઇન્ટરનેટ પર વાસ્તવિક કે ફેક ન્યૂઝની વચ્ચે ભેદ પારખવા વિશે તેઓ ચિંતિત છે. 48 ટકા લોકએ કહ્યું હતું કે તેઓ ન્યૂઝમાં બહુ રસ છે.
નવી દિલ્હીઃ અરબ સાગરમાં સર્જાયેલું શક્તિશાળી વાવાઝોડું ‘બિપરજોય’ 15 જૂને ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું જખૌ બંદરે પહોંચે એવી શક્યતા છે. આ વાવાઝોડાને પગલે પ્રતિ કલાક 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ‘બિપરજોય’ને પગલે રાજ્યમાં આગામી 24 કલાક હાઇ ટાઇડનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું હાલ આશરે 250 કિલોમીટર દૂર છે. ‘બિપરજોય’ ઉત્તર-પશ્ચિમ કરફ આગળ વધતાં 15 જૂનની સાંજે ગુજરાતના જખૌ બંદરની પાસેથી પસાર થશે. આ વાવાઝોડાને પગલે હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરતાં રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય’ને લઈને ગાંધીનગરમાં અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી.
હવામાન વિભાગ મુજબ ‘બિપરજોય’થી ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લા સૌથી વધુ અસર થશે. ગુજરાતના તટે ટકરાવા દરમ્યાન 155 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલશે. આ વાવાઝોડાને પગલે આ જિલ્લાઓમાં 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ થવાની શક્યતા છે. જેથી નીચલા વિસ્તારોમાં પૂર આવવાની આશંકા છે.
આ વાવાઝોડાને પગલે અત્યાર સુધી 47,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વીજ સપ્લાય પૂર્વવત્ કરવા માટે તત્કાળ 597 ટીમો તૈયાર કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
સૌરાષ્ટ્રના કચ્છનાં 65 ગામોમાં વીજકાપ કરવામાં આવ્યો છે. અહીં 12,000થી વધુ થાંભલાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જામનગર ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ અસર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં પાંચ ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં પાંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યના 10 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ અને 31 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.