Home Blog Page 2784

મુખ્યમંત્રીએ વાવાઝોડા માટે વહીવટીતંત્રએ કરેલી કામગીરીની કરી સમીક્ષા

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં મુખ્યમંત્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૪૭ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.

  • વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી ૨૯૦ કિમી દૂર-૧૫મી જૂને સાંજે ૪ કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના
  • સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૪૭ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
  • સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ-હાલ પ૯૭ ટીમ તૈયાર રખાઇ છે
  • પ્રભાવિત જિલ્લાઓમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા
  • ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં ૪૪૬૨, કચ્છમાં ૧૭,૭૩૯, જામનગરમાં ૮૫૪૨, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૪૮૬૩, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૧૯૩૬ અને રાજકોટમાં ૪૪૯૭ મળી કુલ ૪૭,૧૧૩ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાહત કમિશનરએ ઉમેર્યું કે, સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૨, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.

આ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ૫૯૭ ટીમો તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલ નો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે.

કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ વાતાવરણના વર્તારા અંગે કહ્યું કે, સંભવત: તા.૧પ જૂન ના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે તેમ છે. મુખ્ય સચિવ રાજકુમારે આ સંદર્ભમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓના કલેક્ટર તંત્રને પણ પૂર્વતૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો આપ્યા હતા.

પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે
ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ટ્રા સર્કલ પદ્ધતિ એટલે કે મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે.

જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં ત્રણ વર્ષના નીચલા સ્તરે

નવી દિલ્હીઃ દેશમાં મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો. સરકાર દ્વારા જારી કરેલા આંકડા મુજબ ગયા મહિને WPIમાં વાર્ષિક આધારે 3.48 ટકાનો નકારાત્મક ગ્રોથ જોવા મળ્યો હતો. એપ્રિલમાં પણ જથ્થાબંધ મોંઘવારી દરમાં 0.92 ટકાનું સંકોચન જોવા મળ્યું હતું, એટલે કે નવા નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં નકારાત્મક ગ્રોથ જોવા મળ્યો હતો.

ગયા મહિને મિનરલ ઓઇલ, બેઝિક મેટલ, ફૂડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ, નોન-ફૂડ આર્ટિકલ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસની સાથે-સાથે કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની કિંમતોમાં ઘટાડાને પગલે મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો હતો.મે મહિનામાં ફૂડ ઇન્ડેક્સના મોંઘવારી દરમાં 1.59 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો, જ્યારે પ્રાઇમરી આર્ટિકલ્સના મોંઘવારી દરમાં 1.79 ટકાનો નકારાત્મક ગ્રોથ નોંધાયો હતો. મે મહિનામાં ફ્યુઅલ અને વીજની મોંઘવારીમાં 9.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે ઉત્પાદિત ઉત્પાદનોના મોંઘવારી દરમાં પણ 2.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો

દેશમાં મે મહિનામાં રિટેલ મોંઘવારી ગર ઘટીને બે વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો. ગયા મહિને રિટેલ મોંઘવારી દર 4.25 ટકાના સ્તરે હતો, જે એપ્રિલમાં 4.7 ટકા પર રહ્યો હતો. રિટેલ મોંઘવારી દર હાલ RBIના ફુગાવાના લક્ષ્યાંક 2-6 ટકાની વચ્ચે છે. મધ્યસ્થ બેન્ક વ્યાજદરોની સમીક્ષા કરતી વખતે ફુગાવાના દરને ખાસ ધ્યાનમાં લે છે અને બેન્કે આ વખતે પણ દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા કરતી વખતે મહત્ત્વના વ્યાજદરો જાળવી રાખ્યા હતા.

 

 

 

 

તામિલનાડુના પ્રધાન બાલાજીને ડોક્ટરોએ વહેલી તકે બાયપાસ સર્જરી કરાવવા કહ્યું

ચેન્નાઈઃ મની લોન્ડરિંગના કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જેમની ધરપકડ કરી છે તે તામિલનાડુના વગદાર પ્રધાન સેન્થિલ બાલાજીએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કર્યા બાદ એમને અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંના ડોક્ટરે બાલાજી પર આજે કોરોનરી એન્જિયોગ્રામ (હૃદયને લગતી ડાયગ્નોસ્ટિક) પ્રક્રિયા કરવામાં આવી હતી. હોસ્પિટલના હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનરી એન્જિયોગ્રામ કર્યા બાદ બાલાજીના હૃદયમાં ત્રણ મોટા રોગ હોવાનું માલૂમ પડ્યું છે. ડોક્ટરોએ એમને વહેલી તકે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી છે.

ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં પોતાના સાથી પ્રધાન સેન્થિલ બાલાજીને મળવા આવ્યા છે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટેલીન

ઈડી એજન્સીએ મની લોન્ડરિંગના કેસમાં તપાસના ભાગરૂપે ગઈ કાલે તામિલનાડુ રાજ્યના અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ કેસ તામિલનાડુના કરુર શહેરના વગદાર નેતા બાલાજી સામેના નોકરી કૌભાંડને લગતો છે. રોકડા પૈસા લઈને નોકરી અપાવવાના કૌભાંડમાં બાલાજીનું નામ આવ્યું છે. એમની સામે તપાસ કરવાની પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી અધિકારીઓએ ચેન્નાઈમાં બાલાજીના સત્તાવાર નિવાસસ્થાન, એમની સત્તાવાર ચેમ્બર અને એમના ભાઈ અશોકના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.

મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં નવનાં મોત, 10 ઘાયલ

ઇમ્ફાલઃ મણિપુરમાં ફરી એક વાર હિંસા ભડકી ઊઠી છે. રાજ્યના ખમેનલોક વિસ્તારમાં ગોળીબારમાં નવ લોકોનાં મોત થયાં છ અને 10 લોકો ઘાયલ થયા છે, એમ સેનાંનાં સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ભડકેલી હિંસામાં એક મહિલા સહિત નવ લોકોનાં મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. ખમેનલોક વિસ્તારમાં મોડી રાતે થયેલા ફાયરિંગની ઘટનામાં એ મોત થયાં છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ખમેનલોક વિસ્તારના એક ગામમાં સંદિગ્ધ લોકોએ કરેલા હુમલામાં કમસે કમ નવ લોકોનાં મોત થયાં છે. આ હુમલાખોરો અત્યાધુનિક હથિયારોથી લેસ હતા. આ હુમલાખોરોએ ખમેનલોક વિસ્તામાં ગ્રામીણોને ઘેરી લીધા હતા ને હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને ઇમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર મૈતી-બહુમતી ધરાવતે ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લા અને આદિવાસી કાંગપોક્સી જિલ્લાની સીમાથી લાગેલો છે. ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના ખમેનલોક વિસ્તારમાં હુમલાખોરો અને ગ્રામીણ સ્વયંસેવકોની વચ્ચે થયેલી અથડામણ થઈ હતી, જેમાં ગોળીબારમાં 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોની બિષ્ણુપુર જિલ્લાના ફૌગાકચાઓ ઇખાઈમાં કુકી ઉગ્રવાદીઓની સાથે અથડામણ થઈ હતી.

આ પહેલાં મણિપુર ચલાવવામાં આવેલી ઝુંબેશ હેઠળ 1040 હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ હથિયારોને ઉપદ્રવીઓએ વિવિધ સ્થળોથી લૂંટી લીધા હતા. દરમ્યાન જિલ્લા અધિકારીઓએ ઇમ્ફાલ-પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં સવારે પાંચ કલાકથી સાંજે છ કલાક સુધી કરફ્યુમાં છૂટનો સમય ઘટાડીને સવારે પાંચ કલાકથી સવારે નવ કલાક કરી દીધો હતો.

 

 

 

 

ભાજપનો રાજ્યસભાના સાંસદો, પ્રધાનોને ચૂંટણીની તૈયારી કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના ટોચના નેતૃત્વએ 10 કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાક વિધાનસભ્યો અને ઓછામાં ઓછા 10 રાજ્યસભાના સભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારીઓ કરવા કહ્યું છે. વડા પ્રધાન મોદીની કેબિનેટમાં સામેલ રાજ્યસભાના 18 સાસંદો અને પ્રધાનોને પાંચ લોકસભા ક્ષેત્રોની સમીક્ષા કરવા અને પાર્ટીની ટિકિટ પર લડવા માટે ત્રણ સીટોની પસંદગી કરવા નિર્દેશ આપ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

હાલમાં મિડિયા અને રાજકીય વર્તુળોમાં કેટલાક કેબિનેટ પ્રધાનો અને કેટલાક સાંસદોનાં નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને વ્યાપક વિચારવિમર્શ ચાલી રહ્યો છે, જેમાં પક્ષે કેટલાક કેન્દ્રીય નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. જોકે તેમની પસંદગી ચૂંટણીમાં મદતારોને આકર્ષવાની તેમની ક્ષમતા પર આધારિત રહેશે.

જોકે અનેક પ્રયાસો છતાં જે નેતાઓનાં નામની ચર્ચા છે, તેમણે મિડિયાના કોઈ સવાલનો જવાબ નહોતો આપ્યો, પરંતુ ભાજપનાં સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે આ નેતાઓને મૌખિક રૂપે આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે.

જો સૂત્રોનું માનીએ તો નાણપ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, હરદીપ પૂરી, એસ. જયશંકાર, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય કેન્દ્રીય મંત્રીઓનાં નામની ચર્ચા ચાલી રહી છે. આ બધા રાજ્યસભામાં પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે.

 

 

 

નોટ આઉટ @ 96 : મોઝેલ જેકોબ

એકદમ ઉમળકા-ભરી FLYING KISSથી આજના સંવાદની શરૂઆત કરનાર 96 વર્ષનાં રૂપાળાં, ઉત્સાહી અને ઉમંગથી તરવરતાં 96 વર્ષનાં યહૂદી મહિલા મોઝેલ જેકોબની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

તેમનો જન્મ મુંબઈના યહૂદી કુટુંબમાં. પિતા બોમ્બે-પોર્ટ પર મઝગાંવ ડોકના શેડ મેનેજર હતા. માતાનાં લગ્ન 13 વર્ષની નાની ઉમરે થયેલા. તેઓ નવ ભાઈ-બહેન, તેમાં તેમનો નંબર આઠમો. મોઝેલ ત્રણ વર્ષનાં થયાં ત્યાં તો તેમણે પિતાની છત્રછાયા ગુમાવી! ભાઈખલાની હ્યુમ હાઈસ્કૂલમાં તેઓ એસએસસી સુધી ભણ્યાં અને 18 વર્ષની ઉંમરથી કામકાજ શરૂ કર્યું. તરત નોકરી લઈ લીધી. ગેલેક્સો કંપનીમાં પેકેજીંગ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં, અને 60 વર્ષની ઉંમરે તે જ કંપનીમાં QUALITY CONTROL (QC) ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે રિટાયર થયાં. 1959માં તેમનાં લગ્ન બોમ્બે પોર્ટ-ટ્રસ્ટના મેનેજર સેમસન જેકોબની સાથે થયા. તેમને એક પુત્ર, એક પૌત્ર અને એક પૌત્રી છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાત વાગે ઊઠે. કેર-ટેકરની મદદથી નાહી-ધોઈ તૈયાર થાય, પછી નાસ્તો કરે અને છાપુ વાંચે. છાપામાં ક્રોસ-વર્ડ અને પઝલ કરવી બહુ જ ગમે! સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવે એટલે સ્પોર્ટ્સના સમાચાર ખાસ વાંચે. ક્રિકેટ ચાલતી હોય ત્યારે ક્રિકેટના સમાચાર વાંચવાનું બહુ ગમે! ઘરમાં સાફ-સૂફી કરવામાં મદદ કરે અને પછી ટીવી જુએ. ઘરમાં થોડું ચાલે. જમીને આરામ કરે. પાના તથા કેરમ રમવું ગમે છે એટલે બપોરે જે કોઈ હોય તેની સાથે પાના કે કેરમ રમે! દર અઠવાડિયે એકાદ ફિલ્મ જુએ. OTT ઉપર પણ પિક્ચર જુએ છે! સામાન્ય રીતે હિન્દી-ફિલ્મ કે મરાઠી-ફિલ્મ જુએ છે. શુક્રવારની તેમની પ્રાર્થના “સબા” ખાસ અગત્યની. દર શુક્રવારે તે પ્રાર્થનામાં જોડાય. તે દિવસે તેમના ધાર્મિક રીત-રીવાજ પ્રમાણે રસોઈ થતી નથી એટલે રસોઈ પણ કરે નહીં.

શોખના વિષયો : 

ઘરની સાફ-સૂફી કરાવી ગમે. પાના/ કેરમ રમવા ગમે. રસોઈ કરવી ગમે પણ હવે બાળકો તેમને રસોઈ કરવા દેતાં નથી. પિક્ચર જોવાનો શોખ. હિબ્રુ-ભાષા થોડી ઘણી જાણે છે પણ તેમના ધાર્મિક-શ્લોક બધા આવડે છે. પ્રવાસનો બહુ શોખ હતો. હિમાચલ-પ્રદેશ, કાશ્મીર, ગોવા અને આખું ભારત ફરી વળ્યાં છે. દુબઈ જઈ આવ્યાં છે. પૌત્ર ઇઝરાયેલ રહે છે એટલે તેઓ ઈઝરાયેલ પણ ગયાં છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, કોઈ મોટી બીમારી નથી. ચાલી શકે છે, મુસાફરી પણ કરી શકે છે! ઘરનું નાનું-મોટું કામ પણ કરે છે. ઝાપટ-ઝૂપટ કરે છે, સાફ-સૂફી કરે છે, શાક-ભાજી સાફ કરી નાખે છે! દાંતનું ચોકઠું છે એટલે બધું ખવાય છે. મીઠાઈ બહુ ભાવે છે! જાતે રસોઈ કરવી ગમે પણ હવે રસોડામાં તેમને માટે NO ENTRY! દીકરો-વહુ અને પૌત્રી તેમનું સરસ ધ્યાન રાખે છે. 96 વર્ષની ઉમરે પણ તેમની યાદશક્તિ ઘણી સારી છે અને મનોબળ ઘણું મજબૂત છે! 

યાદગાર પ્રસંગ: 

ગેલેક્સો કંપનીમાં 25 વર્ષની નોકરી તેમણે સફળતાથી પૂરી કરી ત્યારે એક સમારંભમાં તેમને તેનું સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું તે ગૌરવથી તેઓ યાદ કરે છે! થોડાં વર્ષો પહેલાં તેઓ પૌત્રના ઘેર ઇઝરાયેલ ગયાં હતાં અને ત્યાં મહિનો રહ્યાં હતાં તે પણ તેમને બહુ યાદ રહી ગયું છે. પુત્રના લગ્નમાં કંપનીનાં ઘણાં બધાં કર્મચારીઓ આવ્યાં હતાં અને એક યુગલે તો જોરદાર કોલી-ડાન્સ કરી વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો તે પણ યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી તો બહુ વાપરતાં નથી પણ નવી-નવી વસ્તુઓ શીખવી ગમે છે એટલે નવી ટેકનોલોજી માટે ખૂબ પોઝીટીવ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ ‘આજ’માં જ મસ્ત છે! સમય સાથે અને જમાના સાથે જીવવામાં માને છે, એટલે સમય પ્રમાણે માણસમાં ફેરફાર થાય તેનું તેમને મન બહુ મહત્વ નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

હવે બહાર તો બહુ જતાં નથી એટલે બહારના યુવાનો સાથે સીધા સંપર્કમાં નથી, પણ તેઓ નોકરીએ જતાં ત્યારે યુવાનો સાથે તેમને બહુ ફાવતું! પૌત્ર-પૌત્રી સાથે પણ સતત કોન્ટેકમાં રહે છે. સંબંધીઓ અને પાડોશમાં રહેતાં યુવાનો સાથે ઘણું સારું ફાવે છે.

સંદેશો :  

LIVE LIFE TO THE FULLEST! આનંદ અને ઉમંગથી જીવન જીવો! ક્યારે ય જિંદગીમાં થાકી ન જવું કે કોઈ ફરિયાદ કરવી નહીં.

કોરાનાના 120 નવા કેસો, એકનું પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 120 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,080 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,892 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,040 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2148એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 80,912 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,31,715 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 469 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

‘બિપરજોય’ વાવાઝોડાના સામના માટે ભારતીય સેના સજ્જ

અમદાવાદઃ અત્યંત ખતરનાક એવું ‘બિપરજોય’ દરિયાઈ વાવાઝોડું અરબી સમુદ્રમાં 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સમુદ્રકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દ્વારકાથી 300 કિ.મી. અને કચ્છના જખૌથી 280 કિ.મી. દૂર છે. વાવાઝોડું ત્રાટકે તો ઝડપથી બચાવ કામગીરી હાથ ધરવા અને લોકોને રાહત સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સેના સજ્જ છે.

@adgpi

નલિયા, દ્વારકા, ભૂજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા, ગાંધીનગર અને અમરેલી ખાતે ભારતીય લશ્કરના જવાનોની ફૂડ રિલીફ ટૂકડીઓને તૈનાત કરવામાં આવી છે અને કામગીરીઓનું સતત રીહર્સલ કરવામાં આવી રહ્યું છે.

@adgpi

વાવાઝોડાનો સાથે મળીને સામનો કરવા માટે ભારતીય સેના, સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફના સત્તાવાળાઓએ યોજના ઘડી છે અને તે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે..

ભ્રષ્ટાચારના મામલે તામિલનાડુના વગદાર ઊર્જા પ્રધાન બાલાજીની ધરપકડ

ચેન્નાઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્મેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ નોકરી કૌભાંડ (રોકડા પૈસા લઈને નોકરી અપાવવાના) સંબંધમાં તામિલનાડુના વીજળી ખાતાના પ્રધાન વી. સેન્થિલ બાલાજીની પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે. પૂછપરછના કલાકો લાંબા દોર પછી બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. આને લીધે તામિલનાડુના મુખ્ય પ્રધાન અને શાસક ડીએમકે પાર્ટીના વડા સ્ટેલિનને મોટો રાજકીય ફટકો પડ્યો છે.

ધરપકડ કર્યા બાદ મોટું નાટક સર્જાયું હતું. પ્રધાન બાલાજી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યા હતા અને બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી. એટલે એમને શહેરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈડી અધિકારીઓ બાલાજીને બાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં હાજર કરશે અને કેસના સંદર્ભમાં તપાસ માટે એમની કસ્ટડી માગશે.

ઈડી એજન્સીએ મની લોન્ડરિંગના કેસમાં તપાસના ભાગરૂપે ગઈ કાલે તામિલનાડુ રાજ્યના અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ કેસ તામિલનાડુના કરુર શહેરના વગદાર નેતા બાલાજી સામેના નોકરી કૌભાંડને લગતો છે. રોકડા પૈસા લઈને નોકરી અપાવવાના કૌભાંડમાં બાલાજીનું નામ આવ્યું છે. એમની સામે તપાસ કરવાની પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી અધિકારીઓએ ચેન્નાઈમાં બાલાજીના સત્તાવાર નિવાસસ્થાન, એમની સત્તાવાર ચેમ્બર અને એમના ભાઈ અશોકના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.

સમગ્ર વિશ્વમાં 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે

સમગ્ર વિશ્વમાં 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય શરૂઆત થી જ વિવિધ પ્રકારના દાનમાં અગ્રેસર રહ્યું છે. અંગદાન, ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃતિમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશ્વભરમાં 14 જૂનની વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે ઓસ્ટ્રિયાના જીવવિજ્ઞાની, ચિકિત્સક અને આધુનિક રક્ત તબદિલીના સ્થાપક કાર્લ લેન્ડસ્ટીનરની જન્મજયંતિ નિમિત્તે 14 જૂન 1868થી કરવામાં આવે છે. તેઓ બ્લડગૃપના વર્ગીકરણની આધુનિક પદ્ધતિ A,B,O રક્તજૂથના શોધક હતા. જેનાથી ડૉક્ટર્સ દર્દીના જીવને જોખમમાં મૂક્યા વિના રક્ત તબદિલી કરાવવા સક્ષમ બન્યા છે. તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ – 2005માં પ્રથમ વખત વિશ્વ રક્તદાતા દિવસનું આયોજન કરાયું હતું.

આ વર્ષની થીમ છે ‘‘ડોનેટ બ્લડ, ડોનેટ પ્લાઝમા, શેર લાઇફ, શેર ઓફન’’

વિશ્વ રક્તદાતા દિવસની આ વર્ષની થીમ છે‘‘ડોનેટ બ્લડ, ડોનેટ પ્લાઝમા, શેર લાઇફ, શેર ઓફન’’. આ થીમ આધારિત એવા દર્દીઓ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમને જીવનભર રક્ત અથવા પ્લાઝ્માની જરૂર હોય. આ દિવસની ઉજવણી વિશ્વભરમાં ઠેર ઠેર રક્તદાન કરીને ઉજવવામાં આવે છે.

વિનયભાઈ જસાણીએ 150મી વખત રક્તદાન કર્યું

રાજકોટના રકતદાન કરનારા શતકવીરોમાં રાજકોટની શ્રીમદ રાજચંદ્ર સંસ્થામાં કાર્યરત વિનયભાઈ જસાણીએ 150મી વખત રક્તદાન કર્યું છે. તેમણે માત્ર 19 વર્ષની વયથી રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. વિનયભાઈએ તેમના મોટા ભાઈને થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કરતા જોઇ રકતદાનના સેવાકાર્યમાં જોડાવાની શરૂઆત કરી હતી. તેઓ નિયમિત સમયાંતરે પોતાના કુટુંબ, મિત્ર વર્તુળમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરીને વધુને વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરિત કરતા રહ્યા છે. તેમની સંસ્થા દ્વારા અનેકવિધ કેમ્પ કરીને મહિનાની આશરે 1500 થી 2000 બોટલ રક્ત ભેગુ કરીને સિવિલ હોસ્પિટલને સોંપે છે. જેનાથી થેલેસેમિયાના દર્દીઓને મદદરૂપ થવાય છે.

70 % દિવ્યાંગતા છતાં 99 વખત રક્તદાન

ટૂંક સમયમાં શતકવીર રકતદાતા બનનારા અને સાચા અર્થમાં રક્તદાતા દિવસના પ્રેરણા સ્વરૂપ મહેશભાઈ જુરિયાણી 70 % દિવ્યાંગતા છતાં 99 વખત રક્તદાન કરી લોકોનું જીવન બચાવવામાં સહભાગી બન્યા છે. આ સેવાયજ્ઞનો આરંભ વર્ષ 1998થી થયો હતો. તેમના મિત્રના પુત્ર થેલેસેમિયાથી પીડિત હોવાથી તેને મદદરૂપ થવા સૌથી પહેલા રક્તદાન કરવાની પ્રેરણા મળી હતી. 44 વર્ષીય મહેશભાઈ પી.જી.વી.સી.એલ.માં કેશિયર તરીકે ફરજ બજાવે છે. મહેશભાઈની સાથોસાથ તેમના પત્ની રેશ્માબેન પણ દિવ્યાંગ હોવા છતા ૨૫ વખત રક્તદાન કર્યું છે. આ દિવ્યાંગ દંપતી સમાજમાં અન્ય લોકો માટે પ્રેરણા બન્યુ છે. વધુમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે હું દિવ્યાંગ છું પણ સમાજમાંથી ઘણો સપોર્ટ મળે છે. આથી, સમાજ પ્રત્યે મારું પણ ઉત્તરદાયિત્વ છે કે મારે પણ સમાજને રિટર્ન આપવું જોઈએ. અને હું રક્તદાન કરી શકતો હોઉં તો આજનો યુવા રક્તદાન કરવા સક્ષમ છે.

18 વર્ષની ઉંમરથી જ રક્તદાન કરવાની શરૂઆત કરી

એવા બીજા શતકવીર ૫૨ વર્ષીય નીરજભાઈ જાની પ્રકૃતિ પ્રેમી, દરિયા પ્રેમી અને વ્યાયામ શિક્ષક છે. જેમણે 18 વર્ષની ઉંમરથી જ રક્તદાન કરવાની શરૂઆત કરી હતી. એમના જણાવ્યા મુજબ આજદિન સુધીમાં લગભગ 100થી વધુ વખત રક્તદાન કર્યું છે. નીરજભાઈએ મિત્રવર્તુળ અને કુટુંબીજનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા છે. તેઓ રાજીવ ગાંધી ગોલ્ડ કપ જુડોમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા રહી ચુકેલા છે. એ સમયે નીરજભાઈએ છ થી સાત કલાક શારીરિક શ્રમ કર્યા બાદ પણ રક્તદાન કર્યું છે અને ક્યારેય પણ શારીરિક તકલીફ નથી પડી. રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પ્રેક્ટીસ કરવા ખુબ શારીરિક શ્રમ કરવા છતાં પણ શારીરિક રીતે નબળા કે તકલીફ પડી નથી. નીરજભાઈ વર્ષમાં સરેરાશ ત્રણ વખત નિયમિત રક્તદાન કર્યું છે.