Home Blog Page 2786

બિપરજોય: દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી, પ્રભારી સચિવશ્રી, કલેક્ટરશ્રી તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ શ્રી રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કચ્છ ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મોરબી ખાતેથી મંત્રી કનુ દેસાઈ, રાજકોટ ખાતેથી મંત્રી રાઘવજી પટેલ તેમજ પોરબંદર ખાતેથી મંત્રી કુંવરજી બાવળીયાએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે, કેઝુઆલિટી અને નુકશાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ ૨૦ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અત્યારસુધીમાં જૂનાગઢ જિલ્લામાં ૫૦૦, કચ્છમાં ૬૭૮૬, જામનગરમાં ૧૫૦૦, પોરબંદરમાં ૫૪૩, દ્વારકામાં ૪૮૨૦, ગીર સોમનાથમાં ૪૦૮, મોરબીમાં ૨૦૦૦ અને રાજકોટમાં ૪૦૩૧ મળી કુલ ૨૦૫૮૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


રાહત કમિશનરે ઉમેર્યું કે, વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૭ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૪, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૩, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે ૩ અને ગાંધીનગર ખાતે ૧ ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.


તેમણે ઉમેર્યું હતું કે, વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ કરવામાં આવી છે.
પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું.

ભારતીય સેનાએ ‘બિપરજોય’ ત્રાટકે એ પહેલાં તૈયારીઓ કરી

અમદાવાદઃ ભારતીય સેનાએ કુદરતી આપદાના સમયે લોકોને થનારી સંભવિત મુશ્કેલીઓને હળવી કરવાના મક્કમ સંકલ્પને અનુરૂપ -ગુજરાત તરફ આવી રહેલા ભયંકર ચક્રવાત ‘બિપરજોય’ જમીન વિસ્તારમાં ત્રાટકે એ પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારી કરી લીધી છે.

રાજ્યના ભૂજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગરમાં તેમ જ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફનાં સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે અને તેને તૈયાર રાખવામાં આવ્યા છે. સેનાના સત્તાધીશોએ નાગરિક પ્રશાસન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. આ સંવાદથી આપદા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને એકબીજા પાસેથી લાભ મેળવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.

આ વાવાઝોડા દરમ્યાન ફૂંકાનારા તોફાની પવનો અને ભારે વરસાદને પગલે ઓછું નુકસાન થાય તેની ખાતરી કરવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

 

 

 

 

 

 

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સ 117 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ શરૂ થઈ છે. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી યુનિસ્વોપ, પોલકાડોટ, અવાલાંશ અને શિબા ઇનુ બેથી પાંચ ટકાની રેન્જમાં વધ્યા હતા. કાર્ડાનો, સોલાના અને ઈથેરિયમમાં બે ટકા સુધીનો ઘટાડો થયો હતો.

બેન્ક ઓફ થાઇલેન્ડનું પોતાના રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી)ના ત્રણ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર સાથેના પ્રયોગમાં 10,000 સહભાગીઓને આવરી લેવાનું લક્ષ્ય છે. જે. પી. મોર્ગનના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ક્રીપ્ટોકરન્સી માટે સર્વાંગી નિયમન લાવવાની અને સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશનની જવાબદારીઓ નિશ્ચિત કરવાની આવશ્યકતા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.32 ટકા (117 પોઇન્ટ) વધીને 36,662 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,545 ખૂલીને 36,767ની ઉપલી અને 36,231 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

બેસ્ટ બેકરી કેસમાં સેશન્સ કોર્ટે બે આરોપીને છોડી મૂક્યા

મુંબઈઃ મુંબઈને એક સેશન કોર્ટે ગુજરાતમાં 2002ના બેસ્ટ બેકરી ભીડ હુમલા મામલે બે આરોપીઓને છોડી મૂક્યા હતા. બેસ્ટ બેકરી ભીડના હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા. એડિશનલ સેશન જજ એમ. જી. દેશપાંડે અને હર્ષદ સોલંકી અને મફત ગોહિલને બધા આરોપોમાં મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી મામલામાં પહેલા તબક્કાની સુનાવણીમાં મુંબઈની સેશન કોર્ટે ફેબ્રુઆરી,2006માં 17 લોકોમાંથી નવ જણને દોષી કરાર આપ્યા હતા. બોમ્બે હાઇકોર્ટે વર્ષ 2012માં એ દોષીઓમાંથી પાંચને પુરાવાને અભાવે છોડી મૂક્યા હતા, પણ ચાર આરોપીઓને દોષી યથાવત્ રાખ્યા હતા. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી.

સ્થાનિક કોર્ટે વર્ષ 2003માં મામલાની સુનાવણી પછી 19 લોકોને છોડી મૂક્યા હતા. જોકે પીડિતામાંથી એક ઝહિરા શેખે સુપ્રીમ કોર્ટમાં  આ મુદ્દે અરજી કરી હતી અને માગ કરી હતી કે આ કેસ ગુજરાતમાં નહીં, પરંતુ અન્ય રાજ્યમાં ચલાવવામાં આવે. તે પછી, 12 એપ્રિલ, 2004એ સુપ્રીમ કોર્ટે કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો અને કેસને નવેસરથી ચલાવવાનો આદેશ આપ્યો હતો.

કેસ શો હતો?

રાજ્યમાં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં વડોદરામાં એક માર્ચ, 2002એ રાત્રે 8 વાગ્યે શહેરની બેસ્ટ બેકરીમાં તોફાનીઓએ પહેલા લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી હતી. આ આગમાં 14 લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં વડોદરા શહેર પોલીસે કેસની સાક્ષી અને બેકરીના માલિકની પુત્રી ઝહીરા શેખની ફરિયાદના આધારે FIR નોંધી હતી. બેસ્ટ બેકરી કેસમાં શરૂઆતમાં કુલ 21 આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેતરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પૂરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ ચુકાદો આજે આવ્યો છે.

 

 

 

 

 

કોમરેડ એપ્લાયન્સીસ બીએસઈ એસએમઈ પર લિસ્ટ થઈ

મુંબઈ તા. 13 જૂન, 2023: બીએસઈ એસએમઈ (સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈસિસ) પ્લેટફોર્મ પર 438મી કંપની તરીકે કોમરેડ એપ્લાયન્સીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીએ પાંચમી જૂને સફળતાપૂર્વક પબ્લિક ઈશ્યુ પાર પાડ્યો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 16.30 લાખ ઈક્વિટી શેર્સ રૂ.52-54ની પ્રાઈસ બેન્ડમાં ઓફર કર્યા હતા.

(તસવીર સૌજન્યઃ@BSEIndia)

કોમરેડ એપ્લાયન્સીસ લિમિટેડ મુંબઈમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે, જે એર કૂલર્સ અને ઈલેક્ટ્રિક ગીઝર્સનું ઉત્પાદન કરે છે. કંપની વિવિધ કંઝ્યુમર ડ્યુરેબલ્સનું ઉત્પાદન કરે છે અને વિવિધ પ્રોડક્ટ્સના એસેમ્બલિંગનું કામકાજ પણ કરે છે.

વિશ્વઉમિયાધામમાં 48 કલાકમાં 11 કરોડનું દાન થયું જાહેર

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો દ્વિતીય દિવસે રંગેચંગે સંપન્ન થયો.

સેવા, સમર્પણ અને કર્મ ભક્તિથી ધર્મ અને સમાજ ભાવનાને ઉજાગર કરતા અખંડ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ એટલે શ્રીમદ્દ ભાગવત કથા. જેનું રસપાન પ.પુ શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી થઈ રહ્યું હોય ત્યારે દ્વિતીય દિવસે પણ લગભગ 5 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા નાફેડ અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પણ પધાર્યા હતા. આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વધુમાં વધુ દાતાઓ જોડાઈ રહ્યા છે.

માત્ર 48 કલાક અર્થાત્ 2 દિવસમાં લગભગ 40થી વધુ ધર્મસ્તંભના નવા દાતાઓ જોડાયા છે અને 25થી વધુ 25 લાખના દાતા ટ્રસ્ટી જોડાયા છે. મહત્વનું છે કે રોજ સાથે 8 વાગ્યાથી રાયસણના ટ્રિનિટી ગ્રાઉન્ડમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.

શાળા પ્રવેશોત્સવ: વંચિત બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે એ માટે 20 વર્ષ થી શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બિપરજોય વાવાઝોડા ની સંભાવના ની સંભવિત અસરોને કારણે દરિયા કિનારાના દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ નો શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો. પરંતુ રાજ્ય માં અમદાવાદ, ગાંધીનગર સહિત ઘણાં ગામડાં અને શહેરોમાં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

મંગળવાર તારીખ 13 જૂનના રોજ જુના કોબા પ્રાથમિક શાળા ખાતે નવા કોબા અને જુના કોબા પ્રાથમિક શાળાના આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશ ઉત્સવ નીતિનભાઈ પ્રજાપતિ નાયબ કલેક્ટર ગાંધીનગર. તેજલબેન નાયી, દંડક કોર્પોરેટર ગાંધીનગર મહાનગરપાલિકા યોગેશભાઈ નાયી, પૂર્વ સરપંચ કોબાની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો.

શાળા પ્રવેશોત્સવના આ પ્રસંગે નવા કોબાના કુલ 25 તથા જૂના કોબાના કુલ 15 એમ 40 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. શિક્ષણના આ મિશનના પ્રસંગે બળદેવજી ઠાકોર દ્વારા બંને શાળાના બાળકોની તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. લીલાભાઈ દેસાઈ, વિનુભાઈ ઠાકોર જીગ્નેશભાઈ રાવળ અને શિલ્પાબેન શાહ દ્વારા પણ શાળાને ભેટ આપવામાં આવી હતી.

કોબા ગામના યોગેશભાઈ નાયી દ્વારા ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તેજસ્વી તારલાઓને તથા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને શાળાના SMC ના સભ્યો , વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

અમદાવાદ શહેરમાં પણ ટાગોર હોલ ખાતે સિગ્નલ સ્કૂલ માં આવરી લેવાયેલા બાળકો નો એક અનોખો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ટ્રાફિક સિગ્નલ પર જે મળે એમાં થી ગુજરાન ચલાવતા પરિવારોના એકદમ વંચિત બાળકો ને સિગ્નલ સ્કૂલ માં શિક્ષણ આપવામાં આવે છે. આ બાળકો સ્વચ્છ થઈ, શિસ્ત બદ્ધ રીતે સમાજના સાંપ્રત પ્રવાહ માં જોડાય એવા પ્રયાસ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ટ્વિટર વિવાદઃ જૈક ડોર્સીના નિવેદનથી રાજકીય ગરમાવો

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર ફરી એક વાર વિવાદમાં છે. ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ એક ઇન્ટરવ્યુમાં કેન્દ્ર સરકાર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલન દરમ્યાન તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું કે એ એકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવે, જે ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહ્યા હતા અથવા સરકારની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યાં હતાં. આ મામલાને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે નિવેદનો કરી રહ્યા છે.

આ એક નિવેદન પછી કોંગ્રેસ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો હતો અને એને ફ્રીડમની હત્યા કહી હતી, પણ કેન્દ્રનું વલણ આ બાબતે એકદમ અલગ છે. એનું સ્પષ્ટ કહેવું છે કે જૈક ડોર્સીના સમયમાં ટ્વિટર અનેક નિયમોનું ઉલ્લંઘન કરતી હતી, આવામાં એની સાથે ટશન ચાલી રહી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે ટ્વિટરના સહસંસ્થાપક જેક ડોર્સીને ભારત દ્વારા દબાણ કરવાને મુદ્દે આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે જે કંઈ પણ કહ્યું છે, એ સફેદ જૂઠ છે. વર્ષો પછી ડોર્સી તેમનાં કાળાં કરતૂતો પર પડદો નાખવા માગે છે. જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા ટ્વિટર ખરીદવામાં આવી, ત્યારે ટ્વિટર ફાઇલ્સમાં ખુલાસો થયો હતો કે કઈ રીતે પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરવામાં આવતો હતો અને પક્ષપાત કરવામાં આવતો હતો. જ્યારે ભારતમાં ચૂંટણી આવે છે, ત્યારે કેટલીય વિદેશી તાકાતો જાગે છે. તેમનો પ્રયાસ છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં અવરોધ પેદા કરવાનો છે.   

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૩ જૂન, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૩ જૂન, ૨૦૨૩

બિપરજોય વાવાઝોડુંઃ રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ શરૂ, અત્યારે જ નંબર નોંધી લો

ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

  1. અમદાવાદ – 079-27560511
  2. અમરેલી – 02792-230735
  3. આણંદ – 02692-243222
  4. અરવલ્લી – 02774-250221
  5. બનાસકાંઠા – 02742-250627
  6. ભરૂચ – 02642-242300
  7. ભાવનગર – 0278-2521554/55
  8. બોટાદ – 02849-271340/41
  9. છોટાઉદેપુર – 02669-233012/21
  10. દાહોદ – 02673-239123
  11. ડાંગ – 02631-220347
  12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
  13. ગાંધીનગર – 079-23256639
  14. ગીર સોમનાથ – 02876-240063
  15. જામનગર – 0288-2553404
  16. જૂનાગઢ – 0285-2633446/2633448
  17. ખેડા – 0268-2553356
  18. કચ્છ – 02832-250923
  19. મહીસાગર – 02674-252300
  20. મહેસાણા – 02762-222220/222299
  21. મોરબી – 02822-243300
  22. નર્મદા – 02640-224001
  23. નવસારી – 02637-259401
  24. પંચમહાલ – 02672-242536
  25. પાટણ – 02766-224830
  26. પોરબંદર – 0286-2220800/801
  27. રાજકોટ – 0281-2471573
  28. સાબરકાંઠા – 02772-249039
  29. સુરેન્દ્રનગર – 02752-283400
  30. સુરત – 0261-2663200
  31. તાપી – 02626-224460
  32. વડોદરા – 0265-2427592
  33. વલસાડ – 02632-243238