Home Blog Page 2795

ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, પોરબંદરમાંથી ATSએ કરી 4 શખ્સની ધરપકડ

પોરબંદરમાં ગુજરાત ATSએ સફળતાપૂર્વક સુપર ઓપરેશન પાર પાડ્યુ છે.  જાણકારી મુજબ ATSએ 4 શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોનું આતંકવાદીના આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના દરિયા કાંઠે એક તરફ બિપરજોય વવાઝોડાનો ખતરો મંડરાયેલો છે ત્યારે બીજી તરફ પોરબંદર દરિયાઈ પંથકમાં કેટલીક આતંકી પ્રવૃત્તિ ચાલતી હોવાની શક્યતા વચ્ચે ગુજરાત એટીએસની ટીમ પોરબંદરમાં ધામા નાખીને બેઠી છે. ત્યારે આજે ATSને મોટી સફળતા મળી છે. ATS એ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં સફળતાપૂર્વક  મોટું ઓપરેશન પાર પાડ્યું છે્.  ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રને ગઈકાલથી ધામા નાખીને સ્થાનિક પોલીસને સાથે રાખી કરી સફળ કામગીરી કરી છે.


ચારેય આરોપીઓનું આતંકવાદી સંગઠન સાથે સબંધ

ગુજરાત ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. આ ચારેય આરોપીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ATS ની ટીમે ડગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


પોરબંદરના દરિયાઈ પંથકમાં સૌથી મોટું ઓપરેશન

જાણકારી મુજબ પોરબંદરના દરિયાઈ પંથકમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ATSના તમામ સિનિયર અધિકારીઓના પોરબંદરમાં ધામા નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ATSની વિશેષ ટિમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી.હાલ આ મામલે વધુ વિગતો સામે આવી નથી પરંતુ ATS પ્રેસકોન્ફરન્સ કરી  મોટા ખુલાસા કરી શકે છે.

સોમાલિયામાં આતંકી હુમલામાં 3 સૈનિકો સહિત 9ના મોત, 20 ઘાયલ

શુક્રવારે રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ રેસ્ટોરન્ટ પર અલ-શબાબ ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ સુરક્ષા દળો સહિત નવ લોકો માર્યા ગયા હતા. સોમાલિયાની પોલીસે જણાવ્યું કે રાજધાની મોગાદિશુના કિનારે સ્થિત એક હોટલ પર શુક્રવારે રાત્રે ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 3 સૈનિકો, 6 નાગરિકો સહિત 9 લોકોના મોત થયા છે.

સોમાલિયાના સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે કલાકો સુધી ચાલેલી ગોળીબાર બાદ શનિવારે સવારે પર્લ હોટેલ પર 12 કલાકની ઘેરાબંધીનો અંત લાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અધિકારીઓ સહિત લગભગ 84 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર સાંજે 7.55 વાગ્યે શરૂ થયેલા હુમલામાં છ નાગરિકો અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલામાં 10 અન્ય ઘાયલ થયા છે.

પૂર્વ આફ્રિકામાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સોમાલિયાનું આ ઉગ્રવાદી સંગઠન મોગાદિશુમાં હોટલ અને અન્ય હાઈ-પ્રોફાઈલ સ્થળો પર હુમલા માટે કુખ્યાત છે. સાક્ષીઓએ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું કે કેટલાક લોકો પર્લ બીચ હોટેલમાં ફસાયેલા છે. આ હોટલ સરકારી અધિકારીઓમાં લોકપ્રિય છે. લિડો બીચ મોગાદિશુમાં સૌથી લોકપ્રિય બીચ છે.

અમીન એમ્બ્યુલન્સ સર્વિસના ડાયરેક્ટર અબ્દુલકાદિર અદાને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે જે બન્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. મોગાદિશુમાં હોટલ પરનો આ પહેલો જટિલ હુમલો હતો કારણ કે સરકારે ઝઘડાગ્રસ્ત રાજધાનીમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે હજારો લશ્કરી પોલીસ અધિકારીઓને શહેરમાં તૈનાત કર્યા હતા.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થાય એવી શક્યતા

નવી દિલ્હીઃ પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સ્થિર રહે છે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાની સ્થિતિમાં હશે. તેમણે કહ્યું હતું કે ઓઇલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેવાની સંભાવના છે. તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે કોઈ ઘોષણા કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં કિંમતો વિશે ફેરવિચારણા કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ઓઇલ કંપનીઓને કેટલુંક નુકસાન કવર થયું છે. આ કંપનીઓએ કોર્પોરેટ જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે. વડા પ્રધાન મોદીની આગેવાનીવાળી સરકારે 22 એપ્રિલથી ઓઇલની કિંમતોમાં વધારો નથી કર્યો. સરકાર આગળ પણ એ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને મુશ્કેલીઓ ના નડે. તેમણે વિપક્ષ પર રેવડીના રાજકારણનો આરોપ લગાવતાં કહ્યું હતું કે કોઈ બધું મફત આપવાની રજૂઆત કરી શકે છે, પરંતુ આવામાં રેવડી કલ્ચર રાજકારણ માટે ખતરનાક છે.

તેમણે વિરોધ પક્ષો પર નિશાન સાધતાં કહ્યું હતું કે બિનભાજપી શાસિત રાજ્યો પેટ્રોલિયમની કિંમત મુદ્દે સૌથી વધુ અવાજ ઉઠાવે છે, પણ એ રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોની તુલનાએ વધુ વેટ વસૂલવામાં આવે છે. વૈશ્વિક ક્રૂડ બજારમાં ક્રૂડની કિંમતોમાં કેટલાક મહિનાઓમાં ઘટાડાતરફી વલણ જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરથી 75 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

 

વાવાઝોડા બિપરજોય’ને લઈને CMએ મોડી રાતે અધિકારીઓ સાથે કરી મીટીંગ, હેડક્વાટર ન છોડવા આદેશ

વાવાઝોડું આવે તે પહેલા cm ભુપેન્દ્ર પટેલે તૈયારીને લઈને શુક્રવારે મોડી સાંજે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં દરિયાઈ પટ્ટીના જિલ્લાના અધિકારીઓ અને કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા અને વાવાઝોડાને લઈને વર્તમાન સ્થિતિ તેમજ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરી હતી.

 હેડક્વાટર ના છોડવા સુચના

મુખ્યમંત્રીએ કોઈ પણ સંજોગોમાં હેડક્વાટર ના છોડવા સુચના આપી હતી તથા કોઈ માછીમાર દરિયો ન ખેડે તેની ખાતરી કરવા અધીકારીઓને કહ્યું હતું. ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર રહેવા માટે જણાવ્યું હતું.

ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે

હિંડનબર્ગના આરોપોથી અદાણીની 400 કરોડની ડીલ અટકી પડી

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના જાન્યુઆરીના રિપોર્ટમાંથી અદાણી ગ્રૂપને થયેલું નુકસાન ભરપાઈ થઈ રહ્યું નથી. ગ્રૂપ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો અને ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ હજુ સુધી રિકવર થઈ શકી નથી. બીજી તરફ અદાણી જૂથના એક પછી એક અનેક સોદા અટકી રહ્યા છે.

આ ડીલ 400 કરોડ રૂપિયામાં થવાની હતી

ETના એક સમાચાર અનુસાર અટકેલા સોદાઓની યાદી લાંબી થતી જાય છે અને હવે એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની એર વર્ક્સ સાથેના પ્રસ્તાવિત સોદામાં એક નવું નામ ઉમેરાયું છે. અદાણી જૂથે એર વર્ક્સને $53 મિલિયન એટલે કે આશરે રૂ. 400 કરોડમાં ખરીદવાની યોજના તૈયાર કરી હતી. આ માટે બંને પક્ષો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ હતી. આ માટે એક તારીખ પણ નક્કી કરવામાં આવી હતી, જે હવે પસાર થઈ ગઈ છે.

ક્રિસિલે આ વાત જણાવી છે

ETના સમાચારમાં ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલે તેની તાજેતરની એક નોંધમાં કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી નથી અને વધુ પ્રગતિની કોઈ આશા નથી. આનો અર્થ એ થયો કે અદાણી જૂથ દ્વારા એર વર્ક્સ ખરીદવાની યોજના સંભવતઃ સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા હતા કે આ ડીલ સ્થગિત થઈ ગઈ હશે.

અદાણી જૂથે વ્યૂહરચના બદલી છે

જો કે, હજુ સુધી અદાણી ગ્રુપ કે એર વર્ક્સ તરફથી આ ડીલ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. બાય ધ વે, હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના ઘણા સોદા મોકૂફ રાખવામાં આવ્યા છે. જૂથે તેની વ્યવસાય કરવાની વ્યૂહરચનામાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. આક્રમક રીતે હસ્તગત કરીને નવા ક્ષેત્રોમાં પોતાનો પગપેસારો કરવા માટે પ્રખ્યાત અદાણી જૂથે હવે દેવું ઘટાડવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. જૂથે હાલમાં નવા સોદા મોકૂફ રાખવાની વ્યૂહરચના અપનાવી છે.

અદાણી જૂથ ઘણા વિસ્તારોમાં હાજર છે

અદાણી ગ્રૂપ એ તાજેતરના સમયમાં ભારતમાં સૌથી મોટા બિઝનેસ જૂથોમાંનું એક છે. આ જૂથ એફએમસીજીથી ગ્રીન એનર્જી અને પોર્ટથી એરપોર્ટ સુધીના બિઝનેસમાં સક્રિય છે. અદાણી ગ્રુપ પાસે હાલમાં ભારતમાં 7 એરપોર્ટ ચલાવવાનો અધિકાર છે. એર વર્કસના અધિગ્રહણ સાથે અદાણીનો એરપોર્ટ બિઝનેસ વિસ્તરણ કરવાનો હતો.

મુદ્દા નહીં ઉકેલાય તો અમે ‘એશિયન ગેમ્સ’ નહીં રમીએઃ સાક્ષી મલિક

નવી દિલ્હીઃ રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના હાલના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહેલા પહેલવાનોએ મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી અમારા બધા મુદ્દાઓ ઉકેલવામાં નહીં આવે, ત્યાં સુધી અમે એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઈએ.પહેલવાનોની પહેલી માગ યૌન ઉત્પીડનને મામલે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની છે. આ મામલે શનિવારે હરિયાણાના સોનીપતમાં મહા પંચાયતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ મહા પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો સરકાર 15 જૂન સુધી કોઈ નિર્ણય નહીં લે તો આગળની વ્યૂહરચનાનું એલાન કરવામાં આવશે. મહા પંચાયત પછી પત્રકારો સાથે વાત કરતાં પહેલવાન સાક્ષી મલિકે કહ્યું હતું કે અમે એશિયન ગેમ્સમાં ત્યારે ભાગ લઈશું, જ્યારે આ બધા મુદ્દાઓનું સમાધાન થઈ જાય. હાલ અમે ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.

 તેણે કહ્યું હતું કે બ્રિજભૂષણની ધરપકડ થવી જોઈએ. પહેલા તેની ધરપકડ કરો, એ પછી તપાસ. અમે સાચી લડત લડી રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું. દેશનું અમને સમર્થન મળી રહ્યું છે. કેટલાક લોકો સરકારના એજન્ડાની વચ્ચે ફેક ન્યૂઝ ચલાવી રહ્યા છે. પહેલવાન બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે સરકારની વચ્ચે જે અમારી વાતચીત થઈ છે, એમાં ખાપ પંચાયત અને સમર્થકોને વચ્ચે રાખીશું. ખેલાડીઓ ખાપ પંચાયતોથી ચર્ચા કર્યા બાદ આગળની વ્યૂહરચના નક્કી કરશે.  

 

 

 

 

 

દાયકાની ગંભીર વીજસંકટનો સામનો કરી રહેલો બંગલાદેશ

ઢાકાઃ દક્ષિણ એશિયાનો દેશ બંગલાદેશ હાલના દિવસોમાં સૌથી ભીષણ વીજસંકટનો સામનો કરી રહ્યો છે. બંગલાદેશનો વિદેશી કરન્સી ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે, જેથી દેશને ક્રૂડની આયાતની ચુકવણી કરવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. બંગલાદેશ હાલમાં 2013 પછી સૌથી ખરાબ વીજસંકટનો સામનો કરી રહ્યો છે.

બંગલાદેશમાં જુલાઈ-ઓક્ટોબરમાં ગરમી રહેવાનું અનુમાન છે અને દેશમાં વીજમાગમાં ઓર વધારો થશે. ઊર્જા મંત્રીએ હાલમાં ચેતવણી આપી હતી કે આવનારા દિવસોમાં 17 કરોડની વસતિવાળા દેશમાં વીજકાપ જારી રહેશે. બંગલાદેશ ફ્યુઅલની આયાત પર નિર્ભર છે અને ફ્યુઅલની અછતને કારણે લોડ-શેડિંગે કપડા ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડી છે.

વર્ષ 2023ના પહેલા પાંચ મહિનામાં વીજકાપને કારણે વોલમાર્ટ અને એચ એન્ડ એમ જેવી વૈશ્વિક બ્રાન્ડોની સાથે-સાથે ઝારાને પણ દેશમાં 114 દિવસો માટે ઉત્પાદન બંધ કરવા મજબૂર થવું પડ્યું હતું. જ્યારે નાના વેપાર-ધંધાવાળાઓએ 10-12 કલાક સુધી અઘોષિત વીજકાપની ફરિયાદ કરી છે. જોકે ડેટાથી માલૂમ પડે છે કે પાંચ જૂન સુધી માગની સામે પુરવઠો 25 ટકા ઓછો હતો, જે પછી સપ્લાય ખાધ સરેરાશ 15 ટકા વધી હતી. એ મેની ખાધથી સરેરાશ ત્રણ ગણી હતી.

બંગલાદેશનું ડોલર રિઝર્વ સાત વર્ષના નીચલા સ્તરે 30.18 અબજે પહોંચી ગયો હતો, જે ડિસેમ્બર, 2016 પછી સૌથી ઓછું હતું. ડોલરનું રિઝર્વ ઘટવાને કારણે ફ્યુઅલની આયાત માટે ચુકવણીમાં સમસ્યા થઈ રહી છે. એપ્રિલમાં એક ચેતવણી પત્ર લખવામાં આવ્યો હતો, જે અનુસાર ફ્યુઅલની અછતને કારણે મે માટે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ફ્યુઅલની આયાત સંભવ નહીં થાય તો દેશમાં ફ્યુઅલની અછત સર્જાશે અને દેશમાં વીજવિતરણમાં વિક્ષેપ પડી શકે છે.

 

 

 

 

NCPના કાર્યકારી અધ્યક્ષ તરીકે પ્રફુલ્લ પટેલ, સુપ્રિયા સુળેની જાહેરાત

મુંબઈઃ NCPનો આજે 25મો સ્થાપના દિવસ છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મોટો ફેરફાર કર્યો છે. NCPના વડા શરદ પવાર દ્વારા પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે અને પ્રફુલ્લ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. NCPના વડાનો આ નિર્ણય અજિત પવાર માટે એક મોટા આંચકા સમાન છે.

હજી થોડા દિવસ પહેલાં શરદ પવારે પાર્ટીપ્રમુખની જવાબદારી છોડવાનું એલાન કર્યું હતું. જોકે કાર્યકર્તાઓની નારાજગી અને નેતાઓને મનાવ્યા પછી તેમણે તેમનો નિર્ણય પરત ખેંચ્યો હતો. હવે પાર્ટીમાં બે નવા કાર્યકારી અધ્યક્ષ બનાવીને હાઇ કમાન્ડે સૌને ચોંકાવ્યા છે.પાર્ટીના વડાએ કહ્યું હતું કે NCPને મજબૂત કરવા માટે આપણે બધાએ કામ કરવું પડશે. પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુળેને વર્કિંગ કમિટીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુળેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ, મહિલા યુવા અને લોકસભા સમન્વયની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પ્રફુલ્લ પટેલને કાર્યકારી અધ્યક્ષની સાથે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે બધા વિરોધ પક્ષોએ એકજૂટ રહેવું પડશે. મને વિશ્વાસ છે કે દેશની જનતા આપણો વિશ્વાસ કરશે.23 જૂને અમે બધા બિહારમાં મળીશું અને ચર્ચા કરીશું અને એક કાર્યક્રમ લઈને આવીશું. દેશભરમાં યાત્રા કરીશું અને એને લોકો સમક્ષ લઈ જઈશું. સુપ્રિયા સુળે NCPનાં નેતા અને બારામતીથી સાંસદ છે. તેઓ 2009થી આ બેઠક પર જીતતાં આવ્યાં છે. તેઓ NCP અધ્યક્ષ શરદ પવારનાં પુત્રી છે.

 

 

 

 

બાલાસોર રેલવે દુર્ઘટનાઃ 82 મૃતદેહોની ઓળખ હજી નહીં

બાલાસોરઃ ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના એક સપ્તાહ બાદ પણ 82 લાશોની ઓળખ હજી સુધી નથી થઈ શકી. આ લાવારિસ મૃતદેહોના અંતિમ સંસ્કાર  અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. ઓડિશાના ચીફ સેક્રેટરી પ્રદીપ જૈનનું કહેવું છે કે હજા પણ AIIMS ભુવનેશ્વરમાં આ મૃતદેહોની ઓળખ નથી થઈ શકી. સરકાર આ મૃતદેહોની ઓળખ કરવા માટે દરેક પ્રકારની મદદ કરી રહી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે AIIMS-ભુવનેશ્વર, જ્યાં લાશો રાખી છે ત્યાં અધિકારીઓએ છેલ્લા 48 કલાકમાં એક પણ પરિવારોને લાશ સોંપી નથી. હવે તેમાંથી મોટા ભાગની લાશો સડી ચૂકી છે. AIIMSના અધિકારીઓનું કહેવું છે કે લાશોના DNA પ્રોફાઇલિંગ પૂરી કરી લેવામાં આવી છે. તેમણે 50થી વધારે સંબંધીઓના બ્લડ સેમ્પલ પણ એકઠાં કર્યાં છે. જેને એક-બે દિવસમાં દિલ્હી મોકલવામાં આવશે.

રાજ્ય સરકારનાં સૂત્રોનું કહેવું છે કે DNA રિપોર્ટ આવ્યા બાદ લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાશે. સૂત્રોનું કહેવું છે કે બિહાર અને પશ્વિમ બંગાળના કેટલાક લોકો હજી પણ લાશોનો દાવો કરી રહ્યા છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે હજી પણ 82 મૃતદેહો છે, પરંતુ અમે તેમના સગાં-વહાલાંઓને ઓળખ કરવા માટે તક આપવા માગીએ છીએ. અમે જેટલી રાહ જોઈ શકીશું એટલી રાહ જોઈશું. મેડિકલ સુપરિટેન્ડેન્ટ પ્રભાસ રંજન ત્રિપાઠીએ કહ્યું હતું કે દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત બોડીને સંભાળવી એ પણ એક ચેલેન્જ છે.

 

 

 

 

‘બિપરજોય’ 24 કલાકમાં વધુ વિકરાળ બનશેઃ ભારે વરસાદની શક્યતા

નવી દિલ્હીઃ વાવાઝોડું ‘બિપરજોય’ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરે અનેક તટીય વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે ભાર વરસાદની આશંકા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર એ આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપૂર્વની દિશામાં આગળ વધી શકે છે. વિભાગે ત્રણ દિવસમાં કેરળ, તટીય કર્ણાટક અને લક્ષદ્વીપમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.

રાજ્યના અનેક વિસ્તારમાં આના કારણે આજે ધોધમાર વરસાદ અથવા ઝાપટા પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પોરબંદર, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બિપરજોયને લઈ રાજ્યના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર સાબદા બન્યા છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો.

વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને પગલે પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.

વહીવટી તંત્રના અધિકારીઓએ પુષ્ટિ કરી કે NDRF  અને SDRFની ટીમો પહેલાથી જ કેટલાક વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે.