Home Blog Page 2804

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 63000ની ઉપર અને નિફ્ટી 18700ની ઉપર બંધ

ભારતીય શેરબજાર માટે આજનું સત્ર ઘણું સારું રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે બજારના બંને મુખ્ય સૂચકાંકો તેમના ઐતિહાસિક ઉચ્ચ સ્તરની નજીક બંધ રહ્યા હતા. આજના ટ્રેડિંગ સેશનનો સ્ટાર પર્ફોર્મર નિફ્ટી રહ્યો છે, જે 2023માં પ્રથમ વખત 18,700નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. જેથી સેન્સેક્સે 63,000નો આંકડો પાર કર્યો. અને તે તેના 63,583 ના ઉચ્ચ સ્તરથી થોડા જ અંતરે છે.

 

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 390 પોઈન્ટના ઉછાળા સાથે 63,182 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 138 પોઈન્ટના ઉછાળા સાથે 18,737 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. 8,700નો આંકડો પાર કરવામાં સફળ રહી છે. નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 18,723 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 342 પોઈન્ટનો વધારો થયો છે અને 63000ના આંકને પાર કરીને 63,137 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

તમામ સેક્ટરના શેરમાં ઉછાળો

આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ જોરદાર વધારો થયો હતો. નિફ્ટી મિડકેપમાં 354 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર વધીને બંધ થયા હતા જ્યારે 5 ઘટીને બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર વધીને અને 8 ઘટીને બંધ રહ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 289.07 લાખ કરોડ થયું હતું, જે મંગળવારે રૂ. 286.62 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.45 લાખ કરોડનો વધારો થયો છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 646 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટ બુધવારે બાઉન્સ બેક થઈ હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી એક્સઆરપી, બિટકોઇન, ઈથેરિયમ અને ડોઝકોઇન 2થી 4 ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે કાર્ડાનો, પોલીગોન, બીએનબી અને ટ્રોનમાં 2થી 5 ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, નાણાકીય સેવાઓને લગતી અમેરિકન સંસદની સમિતિ ડિજિટલ એસેટ્સ સંબંધે શું સ્પષ્ટતા કરવી અને આ ક્ષેત્રનું ભાવિ શું રહેશે એના વિશે ચર્ચા કરવા 13મી જૂને બેઠક યોજવાની છે. બીજી બાજુ, દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટરના ક્રીપ્ટો સેન્ટરે દુબઈમાં ક્રીપ્ટોનો વપરાશ વધે એ હેતુથી ક્રીપ્ટો એક્સચેન્જ બાયબિટ સાથે સહયોગ સાધ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.77 ટકા (646 પોઇન્ટ) વધીને 37,155 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,509 ખૂલીને 37,845ની ઉપલી અને 36,155 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

વાર્ષિક કરોડો રૂપિયાની આવક ધરાવતા દેશનાં સુપ્રસિદ્ધ મંદિરો

નવી દિલ્હીઃ દેશમાં લાખો મંદિરો છે. દેશમાં કેટલાય એવાં મંદિરો છે, જ્યાં દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે. લોકો મંદિરોમાં જઈને માનતા માને એ અને એ પૂરી થવા પર પોતાની ક્ષમતા મુજબ મંદિરોમાં રૂપિયા, સોના અને ચાંદી વગેરેનું દાન કરે છે. આ મંદિરો દાનમાં આવેલી રકમ બેન્કમાં જમા કરે છે અથવા ટ્રસ્ટમાં રાખે છે

પદ્મનાભસ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ

કેરળ સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર દેશનું સૌથી શ્રીમંત મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમમાં છે. આ મંદિરના ખજાનામાં હીરા,સોનાનાં આભૂષણો અને સોનાની મૂર્તિઓ સામેલ છે. મંદિરની છ તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે, જેને લઈને બહુ વિવાદ થયો હતો. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની મોટી સોનાની મૂર્તિ છે, જેની કિંમત રૂ. 500 કરોડ છે.

તિરુપતિ બાલાજી, આંધ્ર પ્રદેશ

દેશના શ્રીમંત મંદિરોમાં બીજા સ્થાને તિરુપતિ બાલાજી મંદિર છે. આ મંદિર દાનના મામલે વિશ્વનું સૌથી શ્રીમંત મંદિર છે. મંદિર પાસે નવ ટન સોનાનો ભંડાર છે. બેન્કોમાં મંદિરના કરોડો રૂપિયા જમા છે. અહીં વાર્ષિક રૂ. 600 કરોડથી વધુનું દાન આવે છે.

સાંઈબાબા મંદિર, શિરડી

મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈબાબાનું મંદિર છે. મંદિરના બેન્ક ખાતામાં 380 કિલો સોનું અને 4428 કિલો ચાંદી છે. આ સિવાય બેન્ક પાસે વિદેશ કરન્સી પણ છે. આ મંદિરમાં પ્રતિ વર્ષ આશરે રૂ. 350 કરોડનું દાન આવે છે.

વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ

દેશમાં માન્યતાપ્રાપ્ત શક્તિ પીઠ મંદિરોમાંનું એક વૈષ્ણોદેવીનું મંદિર છે. આ મંદિરમાં રૂ. 500 કરોડની કમાણી થાય છે.

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં દાન અને અન્ય રીતે આશેર વાર્ષિક રૂ. 125 કરોડની આવક થાય છે.

 

 

 

,

સીએમએ પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કરી સર્વગ્રાહી સમીક્ષા

  • મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનની કરી સમીક્ષા
  • મહાનગરોમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની સજ્જતા અંગે મોકડ્રીલ યોજવામાં આવી
  • મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા અને 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા
  • બદલાતી વરસાદી પેટર્ન ધ્યાને રાખીને એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થા ઊભી થવી જોઇએ
  • આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવામાં ખચકાટ નહિં રખાય
  • નાગરિકો-લોકોની નાની-નાની રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે-અધિકારીઓ ફોન પર ઉપલબ્ધ રહે તે જોવા તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે.  તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી.  તેમણે ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહિં આવે.

સીએમે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવઓ તથા અગ્ર સચિવઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરઓએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી.

તદ્દઅનુસાર, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.

દર પાંચમાંથી ત્રણ ભારતીય કાર લોન લેવાનું પસંદ કરે છે

મુંબઈઃ ઓટોટેક કંપની ‘કાર્સ24’ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગત અનુસાર, ભારતમાં દર પાંચ જણમાંથી ત્રણ જણ કાર ખરીદવા માટે કાર લોન લેવાનું પસંદ કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં કાર લોન મેળવવી આસાન છે અને સરળતાભરી પણ છે. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં આ ટ્રેન્ડ વધારે જોવા મળ્યો છે, જ્યાં કાર ખરીદનારાઓમાં 75 ટકા લોકો ફાઈનાન્સ કંપનીઓ પાસેથી પૈસા ઉધાર-લોન પેટે લેવાનું પસંદ કરે છે. જ્યારે ટાયર-1 અથવા મેટ્રો શહેરોમાં 60 ટકા લોકો કાર ખરીદવા માટે લોન લેવાનું પસંદ કરે છે.

સર્વે હાથ ધરનાર કંપનીનું કહેવું છે કે વાહનોની વધી ગયેલી કિંમત, અત્યાધુનિક ફીચર્સવાળી નીત-નવી મોડેલની કાર ખરીદવાની ઈચ્છા તેમજ લોન પેકેજ આકર્ષક શરતોએ ઉપલબ્ધ થતું હોવાથી વધુ લોકો લોન લેવાનું પસંદ કરે છે. જેને માટે કાર લોન સૌથી વધારે લેવાઈ રહી છે એમાં મારુતિ સ્વિફ્ટ, હ્યુન્ડાઈ i10 અને રેનો ક્વિડ જેવા હેચબેક મોડેલ્સ મોખરે છે. કાર ખરીદી માટે લોન લેવાનું પસંદ કરનારાઓની સરેરાશ વય 32 છે. આમાં પગારદાર લોકો અને યુવાન ઉદ્યોગસાહસીઓનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : સાત્વિક ભોજન જ સારી તંદુરસ્તી આપી શકે

આજના ફૂડ સેફ્ટી ડે ના દિવસે ખોરાકની ગુણવત્તા ને પ્રાધાન્ય અપાયું છે..આ યુગમાં માણસે તંદુરસ્ત રહેવું એ ખૂબજ અગત્યનું પાસું છે. જેમાં સ્વચ્છ હવા, પાણી અને ખોરાક આ દરેક બાબતો ‘હેલ્થ’ માટે જરૂરી છે. એમાંય હેલ્થ સારી રહે એવું પૌષ્ટિક, સ્વચ્છ, તાજું ‘ફૂડ’ જરૂરી છે.

આજની ફાસ્ટ લાઇફમાં આરોગવામાં આવતાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના કારણે લાખો લોકો બિમારી ઓનો ભોગ બની રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકો નિરોગી રહે, સારા સ્વાસ્થ્ય સાથે જીવન જીવે એ થીમ અને હેતુ સાથે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ ( who ) દ્વારા 7 જૂન ના દિવસે ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ ની ઉજવણી કરાઇ રહી છે. 20 ડિસેમ્બર, 2018 થી યુનાઇટેડ નેશન્સ માં ‘સેફ ફૂડ’ના ફાયદા ઓના અનુસંધાને 7 જૂન ના દિવસે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ની જાહેરાત કરાઇ હતી.

સવાર થી સાંજ સુધી શું ખાવું અને ના ખાવું એના પર એક્સપર્ટ સોશિયલ મીડિયા, છાપાં અને ચેનલો પર છણાવટ કરતાં રહે છે. ફૂડ સેફ્ટી માટે પણ ચર્ચા , વિચારણા , કાર્યક્રમો અને કાયદા બનતાં રહે છે. એમ છતાં લોકો ચટાકેદાર , તીખું તળેલું આરોગ્ય બગાડતું ફૂડ આરોગવાનું છોડતાં નથી. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ના કારણે બાળકો અને યુવા અવસ્થામાં જ લાખો લોકો બિમારી ઓની શિકાર બની જાય છે.

ફૂડ સેફ્ટીની અનેક વાતો થાય છે પરંતુ પાલન થતું નથી. અનેક લારી ગલ્લાં ખૂમચા, દુકાનો અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થો ની ગુણવત્તા જળવાતી નથી. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ખાદ્ય પદાર્થોના ભેળસેળના 49991 નમૂના લેવામાં આવ્યા છે. જે પૈકી માત્ર 3486 સેમ્પલ્સમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.

જયારે મદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના ફૂડ હેલ્થ વિભાગ દ્ધારા છેલ્લા 12 વર્ષમાં 24495થી પણ વધારે ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 1178 સબસ્ટાન્ડર્ડ, 823 મિસબ્રાન્ડ, 59 મિસબ્રાન્ડ-સબસ્ટાન્ડર્ડ અને 41 અનસેફ જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પેન્લ્ટી પેટે 7.61 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 1660 કેસ પેન્ડિંગ છે.

રાત્રે આઠ કલાક બાદ અંધકારમાં ડૂબી જશે પાકિસ્તાન?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એક વાર બજારો અને વેપારી કેન્દ્રોમાં રાત્ર આઠ કલાક પછી અંધકાર છવાઈ જશે. એક પણ દુકાન, ઓફિસ નહીં ખૂલે. સરકારે ફરી વીજ બચાવવા માટે બજારો વેપારી કેન્દ્રોને દૈનિક રાત્રે આઠ કલાકે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણયને વેપારીઓએ ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે રાત્ર આઠ કલાક પછી પિક સમય શરૂ થાય છે.

ધ ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે આયાતીત ફ્યુઅલ પર દેશની નિર્ભરતાને ઘટાડવા માટે આગામી નાણાં વર્ષના બજેટમાં વીજળી ક્ષેત્રે સુધારાઓ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી બે બેઠકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય આર્થિક કાઉન્સિલ (NEC)ની બેઠક પછી યોજનાપ્રધાન અહસાન ઇકબાલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રાંતોએ પહેલી જુલાઈથી જલદી બજાર બંધ કરવા પર સહમતી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે યોજના હેઠળ વીજ બચાવોના પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં રાત્રે આઠ કલાક સુધી દુકાનો અને વેપારી કેન્દ્રોને બંધ કરવાં, LED લાઇટો લગાડવી અને ગિઝરને વધુ એનર્જી સેવિંગ કરવા માટે અપગ્રેડ કરવું.

આ ઉપાયોથી દેશમાં પ્રતિ વર્ષ એક અબજ ડોલર સુધીની બચત કરી શકે છે. જોકે વેપારીઓએ આમ કરવાની ચોખ્ખી ના પાડતાં કહ્યું હતું કે ઉનાળાની રજાઓમાં લોકો બપોરને બદલે રાત્રે આઠથી 11 ખરીદી કરવા નીકળે છે. શું આ દેશના અર્થતંત્રને બચાવવાનો યોગ્ય નિર્ણય છે?

બીજી બાજુ, સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં એક મિલિયન બેરલના કાપ મૂક્યો છે, જે ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર લઈ જવાનું જોખમ છે. જેને પગલે પાકિસ્તાની અર્થતંત્ર વધુ નબળું પડવાની દહેશત છે.

 

 

પરદેશી લોકો માટે મુંબઈ સૌથી મોંઘું ભારતીય શહેર; વૈશ્વિક યાદીમાં હોંગકોંગ પહેલા નંબરે

મુંબઈઃ પ્રવાસી કે પરદેશી લોકો માટે ભારતમાં સૌથી મોંઘા શહેર તરીકે મુંબઈને પહેલી રેન્ક મળી છે. તે પછીના નંબરે નવી દિલ્હી અને બેંગલુરુ આવે છે, એમ અમેરિકાની કન્સલ્ટન્ટ કંપની મર્સર દ્વારા હાથ ધરવામાં આવેલા જીવન નિર્વાહ ખર્ચ (કોસ્ટ ઓફ લિવિંગ) સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ સર્વેમાં પાંચેય ખંડના 227 શહેરોને આવરી લેવામાં આવ્યા છે. વૈશ્વિક યાદીમાં, મુંબઈ 147મા નંબર પર છે. પરંતુ, પરદેશીઓ માટે સૌથી મોંઘા ભારતીય શહેર તરીકેની રેન્ક તેણે જાળવી રાખી છે. હોંગકોંગ જેમાં પહેલા નંબર પર છે એ યાદીમાં નવી દિલ્હી 169મા નંબરે, ચેન્નાઈ 184, બેંગલુરુ 189, હૈદરાબાદ 202, કોલકાતા 211 અને પુણે 213 નંબર પર છે.

ગ્લોબલ લિસ્ટમાં હોંગકોંગ બાદ સિંગાપોર અને ઝુરિક શહેરો આવે છે.

પરદેશીઓ માટે સૌથી સસ્તા ભારતીય શહેરોમાં કોલકાતા પહેલા નંબરે આવે છે.

ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષીય કિશોરી બની સ્ટાર? જાણો…

મુંબઈઃ નસીબનું પાંદડું હટતા વાર નથી લાગતી. આ વાત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષીય એક કિશોરી પર ફિટ બેસે છે, જેને ક્યારે તેના વિસ્તારના લોકો નહોતા ઓળખતા, આજે હજારો-લાખો લોકો એના વિશે ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર તેના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. આવો જાણીએ મલીશા ખારવા અને એની સફળતા વિશે…

મલીશા ખારવાના હંમેશાં મોટાં સપનાં રહ્યાં છે અને એ સાચાં થઈ રહ્યા છે, જ્યારે તે લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલની નવી ઝુંબેશ ‘ધ યુવતી કલેક્શન’નો ચહેરો બની. ત્યાર બાદ તે સોશિયલ મિડિયા પર છવાઈ ગઈ. તેની સફળતાની વાર્તા પ્રોત્સાહક છે.

તેનું જીવન ત્યારે બદલાઈ ગયું, જ્યારે હોલીવૂડ એક્ટર રોબર્ટ હોફમેને તેને જોઈ. તે મલીશાને મળ્યો અને એનાં સપનાંઓ વિશે જાણ્યું, ત્યારે તે દંગ થઈ ગયો. તેણે મલીશાના સપનાઓને પૂરાં કરવા એક ફંડ રેઝિંગ પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. ત્યાર બાદ મલીશાનું નસીબ ચમકી ગયું. આ પેજ ઝૂંપડપટ્ટીમાં તેના પડકારો પર પ્રકાશ ફેંકે છે, જેમાં ચોમાસામાં ભોજન, પાણી અને આશ્રયની અછત સામેલ છે.

મલીશાના આજે ઇન્સ્ટાગ્રામ પર 3.2 લાખ ફોલોઅર્સ છે. તે હંમેશાં પોતાની પોસ્ટમાં #princessfromtheslumનો ઉપયોગ કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે તે ઝૂંપડપટ્ટીમાં રહે છે, પણ મને જિંદગીથી પ્રેમ છે.હું મારા પરિવારને દૈનિક જરૂરિયાતોમાં મદદ કરું છું અને મારે એક સુપર મોડલ બનવું છે. જ્યારે લોકો તેને પૂછે છે કે ગરીબ હોવા છતાં તે આટલી ખુશ કેવી રીતે રહે છે. તેણે ‘લીવ યોર ફેરીટેલ’ નામની એક લઘુ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

 

 

 

 

તિરુપતિમાં ‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ પાછળ અઢી કરોડનો ખર્ચ કર્યો; રૂ.50 લાખના ફટાકડા ફોડ્યા

હૈદરાબાદઃ હિન્દી અને તેલુગુ ભાષામાં બનેલી આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું આખરી ટ્રેલર હાલમાં જ સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ તિરુપતિના શ્રી વેંકટેશ્વર યૂનિવર્સિટી સ્ટેડિયમ ખાતે મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો-કસબીઓ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યાં હતાં. અહેવાલ મુજબ, નિર્માતાઓએ આ કાર્યક્રમ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવ્યો હતો.

‘આદિપુરુષ’ની ટીમે એકલા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા 50 લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો કુલ ખર્ચ થયો હતો આશરે અઢી કરોડ રૂપિયા.

ટ્રેલર બે મિનિટ અને 24 સેકંડનું છે. ફિલ્મમાં પ્રભાસે ભગવાન રામ, કૃતિ સેનને જાનકી (સીતામૈયા) અને સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.

ભારતીય મહાકાવ્ય રામાયણની પૌરાણિક વાર્તા પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ આવતી 16 જૂને દુનિયાભરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે જ્યારે ટી-સીરિઝ, ભૂષણકુમાર અને  ક્રિશનકુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર, રીટ્રોફાઈલ્સના રાજેશ નાયર, યૂવી ક્રીએશન્સના પ્રમોદ અને વામસી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન, સની સિંહ (લક્ષ્મણ), દેવદત્ત નાગે (બજરંગ), વત્સલ સેઠ (ઈન્દ્રજિત) વગેરે કલાકારોએ ભૂમિકા ભજવી છે.