Home Blog Page 2805

પરદેશી લોકો માટે મુંબઈ સૌથી મોંઘું ભારતીય શહેર; વૈશ્વિક યાદીમાં હોંગકોંગ પહેલા નંબરે

મુંબઈઃ પ્રવાસી કે પરદેશી લોકો માટે ભારતમાં સૌથી મોંઘા શહેર તરીકે મુંબઈને પહેલી રેન્ક મળી છે. તે પછીના નંબરે નવી દિલ્હી અને બેંગલુરુ આવે છે, એમ અમેરિકાની કન્સલ્ટન્ટ કંપની મર્સર દ્વારા હાથ ધરવામાં આવેલા જીવન નિર્વાહ ખર્ચ (કોસ્ટ ઓફ લિવિંગ) સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ સર્વેમાં પાંચેય ખંડના 227 શહેરોને આવરી લેવામાં આવ્યા છે. વૈશ્વિક યાદીમાં, મુંબઈ 147મા નંબર પર છે. પરંતુ, પરદેશીઓ માટે સૌથી મોંઘા ભારતીય શહેર તરીકેની રેન્ક તેણે જાળવી રાખી છે. હોંગકોંગ જેમાં પહેલા નંબર પર છે એ યાદીમાં નવી દિલ્હી 169મા નંબરે, ચેન્નાઈ 184, બેંગલુરુ 189, હૈદરાબાદ 202, કોલકાતા 211 અને પુણે 213 નંબર પર છે.

ગ્લોબલ લિસ્ટમાં હોંગકોંગ બાદ સિંગાપોર અને ઝુરિક શહેરો આવે છે.

પરદેશીઓ માટે સૌથી સસ્તા ભારતીય શહેરોમાં કોલકાતા પહેલા નંબરે આવે છે.

ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષીય કિશોરી બની સ્ટાર? જાણો…

મુંબઈઃ નસીબનું પાંદડું હટતા વાર નથી લાગતી. આ વાત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં રહેતી 15 વર્ષીય એક કિશોરી પર ફિટ બેસે છે, જેને ક્યારે તેના વિસ્તારના લોકો નહોતા ઓળખતા, આજે હજારો-લાખો લોકો એના વિશે ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર તેના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. આવો જાણીએ મલીશા ખારવા અને એની સફળતા વિશે…

મલીશા ખારવાના હંમેશાં મોટાં સપનાં રહ્યાં છે અને એ સાચાં થઈ રહ્યા છે, જ્યારે તે લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલની નવી ઝુંબેશ ‘ધ યુવતી કલેક્શન’નો ચહેરો બની. ત્યાર બાદ તે સોશિયલ મિડિયા પર છવાઈ ગઈ. તેની સફળતાની વાર્તા પ્રોત્સાહક છે.

તેનું જીવન ત્યારે બદલાઈ ગયું, જ્યારે હોલીવૂડ એક્ટર રોબર્ટ હોફમેને તેને જોઈ. તે મલીશાને મળ્યો અને એનાં સપનાંઓ વિશે જાણ્યું, ત્યારે તે દંગ થઈ ગયો. તેણે મલીશાના સપનાઓને પૂરાં કરવા એક ફંડ રેઝિંગ પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. ત્યાર બાદ મલીશાનું નસીબ ચમકી ગયું. આ પેજ ઝૂંપડપટ્ટીમાં તેના પડકારો પર પ્રકાશ ફેંકે છે, જેમાં ચોમાસામાં ભોજન, પાણી અને આશ્રયની અછત સામેલ છે.

મલીશાના આજે ઇન્સ્ટાગ્રામ પર 3.2 લાખ ફોલોઅર્સ છે. તે હંમેશાં પોતાની પોસ્ટમાં #princessfromtheslumનો ઉપયોગ કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે કે તે ઝૂંપડપટ્ટીમાં રહે છે, પણ મને જિંદગીથી પ્રેમ છે.હું મારા પરિવારને દૈનિક જરૂરિયાતોમાં મદદ કરું છું અને મારે એક સુપર મોડલ બનવું છે. જ્યારે લોકો તેને પૂછે છે કે ગરીબ હોવા છતાં તે આટલી ખુશ કેવી રીતે રહે છે. તેણે ‘લીવ યોર ફેરીટેલ’ નામની એક લઘુ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

 

 

 

 

તિરુપતિમાં ‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ પાછળ અઢી કરોડનો ખર્ચ કર્યો; રૂ.50 લાખના ફટાકડા ફોડ્યા

હૈદરાબાદઃ હિન્દી અને તેલુગુ ભાષામાં બનેલી આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું આખરી ટ્રેલર હાલમાં જ સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ તિરુપતિના શ્રી વેંકટેશ્વર યૂનિવર્સિટી સ્ટેડિયમ ખાતે મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો-કસબીઓ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યાં હતાં. અહેવાલ મુજબ, નિર્માતાઓએ આ કાર્યક્રમ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવ્યો હતો.

‘આદિપુરુષ’ની ટીમે એકલા ફટાકડા ફોડવા પાછળ રૂપિયા 50 લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો કુલ ખર્ચ થયો હતો આશરે અઢી કરોડ રૂપિયા.

ટ્રેલર બે મિનિટ અને 24 સેકંડનું છે. ફિલ્મમાં પ્રભાસે ભગવાન રામ, કૃતિ સેનને જાનકી (સીતામૈયા) અને સૈફ અલી ખાને રાવણનું પાત્ર ભજવ્યું છે.

ભારતીય મહાકાવ્ય રામાયણની પૌરાણિક વાર્તા પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ આવતી 16 જૂને દુનિયાભરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે જ્યારે ટી-સીરિઝ, ભૂષણકુમાર અને  ક્રિશનકુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર, રીટ્રોફાઈલ્સના રાજેશ નાયર, યૂવી ક્રીએશન્સના પ્રમોદ અને વામસી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન, સની સિંહ (લક્ષ્મણ), દેવદત્ત નાગે (બજરંગ), વત્સલ સેઠ (ઈન્દ્રજિત) વગેરે કલાકારોએ ભૂમિકા ભજવી છે.

G-20 નિષ્ણાતોએ બેન્કિંગ ક્ષેત્રમાં સાયબર સુરક્ષા પર વિચારવિમર્શ કર્યો

મુંબઈઃ  ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ બેન્કિંગ ક્ષેત્ર માટે સાઇબર સિક્યોરિટી અભ્યાસ પર G20ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સનો પ્રારંભ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર MK જૈનના મુખ્ય ભાષણની સાથે થઈ હતી, જેમના પછી  CERT-Inના ડિરેક્ટર જનરલ સંજય બહેલે કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

RBIના ડેપ્યુટી ગવર્નરે ભાર દઈને જણાવ્યું હતું કે નાણાકીય સ્થિરતા માટે સાયબર જોખમોને સમજવા અને એને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. તેમણે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે વૈશ્વિક સહયોગી પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે આ માટે વૈશ્વિક સમુદાયોને છ ખાસ વ્યૂહાત્મક નીતિઓનું અનુસરણ કરવા માટે જણાવ્યું હતું.

જ્યારે CERT-Inના ડિરેક્ટર જનરલે સાયબર હુમલાનો સામનો કરવા માટે ત્રણ વૈશ્વિક પડકારો પર પ્રકાશ ફેંક્યો હતો અને વૈશ્વિક સમુદાયોને એકસાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયબર અભ્યાસ અને લાંબા સમય સુધી વ્યૂહાત્મક સંબંધો બનાવવા અને તૈયારીઓ માટે એકબીજાની શક્તિનો લાભ લેવા માટે મદદ કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે બેન્કો દ્વારા સામનો કરવો પડતી નવા યુગની સાયબર સુરક્ષાના પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં RBI, મૈતી, IMF,BIS, મધ્યસ્થ બેન્કો અને G20 સભ્ય દેશોની કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમોના 200થી વધુ સભ્યો, પસંદગીના કોમર્શિયલ અને શહેરી કોઓપરેટિવ બેન્કના MD, CEOઓ, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર્સ (CISO) અને ચીફ ટેક્નોલોજી ઓફિસર્સ (CTOs) અને વિદેશી બેન્કોએ ભાગ લીધો હતો.

 

 

ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત, હવામાન વિભાગે આપી આ ચેતવણી

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર નંબર વન સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચક્રવાત બિપરજોય અત્યારે ગોવાના પશ્વિમ-દક્ષિણથી અંદાજે 890 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તે ઉત્તર તરફ આગળ વધશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે માછીમારો અને ખૂડુતોને એલર્ટ કર્યા છે.

ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર બિપરજોય નામનું આ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર છે. મોહંતીએ કહ્યું કે જો ચક્રવાતની દિશા બદલાય તો તેને ટાળી શકાય છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને માછીમારી માટે દરિયામાં દૂર સુધી ન જવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત પર તોફાનનો ખતરો છે. આ વર્ષ તોફાનોથી ભરેલું રહેવાનું છે.

હવામાન વિભાગ મુજબ, દરિયામાં સર્જાયેલું આ વાવાઝોડું હાલમાં પોરબંદરના દરિયાકાંઠાથી 1070 કિલોમીટર દૂર છે. છેલ્લા 6 કલાકમાં તે 2 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડાની દિશા બદલાઈ છે અને તે મસ્કત તરફ આગળ વધી રહ્યું છે, જોકે તેની અસર ગુજરાતના દરિયાકાંઠે પણ આગામી દિવસોમાં થશે. જોકે 11 અને 12મી જૂને વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. દરિયામાં 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ચક્રવાત આ કેવી રીતે આગળ વધશે તે સ્પષ્ટ નથી. હવામાનશાસ્ત્રીઓ તેના પર નજર રાખી રહ્યા છે.

પોલીસ તંત્રની અનોખી પહેલ, રથયાત્રા પહેલા કોમી એકતાના ભજવાયા શેરી નાટકો

રથયાત્રા ને ગણતરી ના દિવસો બાકી છે. ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ રથયાત્રા શાંતિ પૂર્વક પસાર થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એવા પ્રયાસ કરે છે. રથયાત્રા દરમિયાન વધારાના પોલીસ ફોર્સ ની સાથે અન્ય રાજ્યોની પોલીસ, અર્ધ લશ્કરી દળો ના જવાનો પણ બંદોબસ્ત માં બોલાવવામાં આવે છે. આ સાથે શહેર પોલીસ ના અધિકારીઓ અને સમાજના આગેવાનો કોમી એખલાસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરે છે.

આ વર્ષે 20 જૂન 2023 ની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસે શેરી નાટકનું આયોજન કર્યુ હતું. જગન્નાથ મંદિર પાસે જમાલપુર ના દરવાજા નજીક એક સ્ટેજ તૈયાર કરી શેરી નાટક ‘ પ્યાર બાંટતે ચલો ‘ રજૂ કરવામાં આવ્યું હતું. કોમી હુલ્લડો વખતે પોતાના જીવને જોખમમાં મુકી લોકોની એકતાને કાયમ રાખવા નીકળેલા અમદાવાદ શહેરના જ વસંત રજબને હિંસક ટોળાએ રહેંસી નાંખ્યા હતા. વસંતરાવ અને રજબઅલીની દોસ્તી ની અનેક ગાથાઓ રચાઈ. બંને ગાઢ મિત્રો ની શહીદી એળે ના જાય એ માટે સ્મારકો બનાવાયા.

અમદાવાદ માં કોમી એકતાની વાત આવે એટલે વસંત રજબને જરૂર યાદ કરાવવામાં આવે છે. ગત રાત્રે એ શહીદોને યાદ કરી જનતા સમક્ષ કોમી એકતા ને પ્રસ્તુત કરવામાં આવી હતી.

 

અમદાવાદ શહેર પોલીસ અને સામાજિક આગેવાનોના પ્રયાસથી ક્રિકેટ ટુર્નામેન્ટ, લોક સંપર્કનું આયોજન પણ કરવામાં આવે છે. દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈન્ફાનાઈટ સ્માઈલ ફાઉન્ડેશન તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા કોમી એખલાસ માટે રક્ત દાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

LPG લઈ જતી માલગાડીના બે ડબ્બા ખડી પડ્યા

જબલપુરઃ ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી હવે મધ્ય પ્રદેશના જબલપુર રેલવેમાં પણ બે રેલ દુર્ઘટનાઓ થઈ હતી. એક જ દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ પછી રેલવેવહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે.  મધ્ય પ્રદેશમાં મંગળવારે બે રેલ દુર્ઘટના થઈ હતી. પહેલી ઘટનામાં માલગાડીના બે ડબ્બા સાંજે 7.30 કલાકે પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનામાં જાનમાલનું નુકસાન નથી થયું. આ ઘટના રેલવે યાર્ડમાં થઈ હતી, જે કટની રેલવે યાર્ડમાં થઈ હતી.

આ ઘટનાની માહિતી મળતાં રેલેવ કર્મચારીઓએ આશરે એક કલાકની મહેનત પછી એ માલગાડીને પાટા પર પૂર્વવત્ લાવીને એને રવાના કરી હતી. બીજી ઘટના રાત્રે 10.30 કલાકે ભેડાઘાટની નજીક ભિટોનીમાં બની હતી. અહીં ગેસથી ભરેલાં માલગાડીનાં વેગન પાટા પરથી ઊતરી ગયા હતા.

આ ઘટના પછી જબલપુર રેલ મંડલના કન્ટ્રોલ ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને ભિટોની ગેસ ડિપો વહીવટી તંત્રનું કહેવું હતું કે નિયમ મુજબ સવારે વેગનને પાટા પર લાવવામાં આવ્યા હતા. રાત્રે કોઈ કામ નહોતું કરવામાં આવ્યું.

પશ્ચિમ મધ્ય રેલવે, મધ્ય પ્રદેશના CPROએ જણાવ્યું હતું કે માલગાડી ગેસ ફેક્ટરીની અંદર રેકને ખાલી કરવામાં આવી રહી હતી. ત્યારે બે વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. એનાથી મુખ્ય લાઇનના સંચાલનને અસર નહોતી થઈ. મુખ્ય લાઇન પર ટ્રેનોની આવ-જા સામાન્ય હતી. અધિકારીઓની ઉપસ્થિતિમાં સવારે મારામતનું કામ શરૂ થયું હતું. સાઇડિંગ માલિકે ફિટનેસ પ્રમાણપત્ર જારી કર્યું હતું.

 

 

 

 

કોરાનાના 214 નવા કેસોઃ 220.67 કરોડ ડોઝ અપાયા 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 214 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે કોઈનું પણ મોત થયું નથી. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,92,094 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,884 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,56,995 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 384 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2831એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 91,499 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.09 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,13,866 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 615 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

કેરળમાં 8-9 જૂને ચોમાસું બેસશેઃ સ્કાઈમેટની આગાહી

મુંબઈઃ નૈઋત્ય ખૂણેથી કેરળ માર્ગે ભારતમાં પ્રવેશતું ચોમાસું આ વખતે હવામાનમાં આવેલા ફેરફારોને કારણે વિલંબિત થયું છે. હવામાન વિશે અનુમાન કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે કેરળમાં આવતી 8 કે 9 જૂને ચોમાસું બેસશે, પરંતુ એનો પ્રવેશ હળવો હશે. અરબી સમુદ્ર પરના આકાશમાં વાવાઝોડાની તીવ્ર સ્થિતિ સર્જાતાં કેરળમાં ચોમાસાની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. આ અસર હેઠળ, ચોમાસાના વાદળો કેરળના સમુદ્રકાંઠા પર પહોંચશે તો ખરા, પરંતુ પશ્ચિમી ઘાટ વિસ્તારથી આગળ વધવામાં એમને ઝઝૂમવું પડશે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્ર પરના આકાશમાં પૂર્વ-મધ્ય અને તેની બાજુના દક્ષિણ-પૂર્વ ભાગમાં ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ સર્જાયું છે અને તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થાય એવી સંભાવના છે. આગળ જતાં તે એ જ વિસ્તારમાં અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જાય એવી પણ સંભાવના છે. વાવાઝોડું ગઈ વહેલી સવારે લગભગ અઢી વાગ્યે ગોવાથી 900 કિ.મી. પશ્ચિમ-નૈઋત્ય તરફ (મુંબઈથી 1,020 કિ.મી. નૈઋત્યમાં અને પોરબંદરથી 1,090 કિ.મી. દક્ષિણ-નૈઋત્યમાં) સ્થિર થયું હતું. આને કારણે ચોમાસું કેરળ તરફ આગળ વધતું અટકી ગયું છે.

કોમેડિયન ભારતી સિંહનો જેલવાસ ટળ્યો

મુંબઈઃ 2020માં કેફી દ્રવ્યોના એક કેસમાં અહીંના એક મેજિસ્ટ્રેટે ટીવી કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિંબાચિયાને મંજૂર કરેલા જામીન રદ કરવાનો સ્પેશિયલ કોર્ટે ઈનકાર કર્યો છે. કોર્ટે ઠેરવ્યું છે કે દંપતીની જામીન અરજીઓનો વિરોધ ન કરવાની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ જ ભૂલ કરી હતી. તદુપરાંત એણે કોર્ટમાં પ્રોસિક્યૂટર કે તપાસનીશ અધિકારીને હાજર પણ રાખ્યો નહોતો.

ભારતી અને હર્ષની નિર્માણ કંપનીની ઓફિસ તથા નિવાસસ્થાનમાંથી 86.5 ગ્રામ ગાંજા મળી આવ્યા બાદ 2020ની 22 નવેમ્બરે એમની ધરપકડ કરવામાં આવી હતી. બીજા જ દિવસે એમણે જામીન માટે અરજી નોંધાવી હતી અને એ જ દિવસે તે મંજૂર કરી લેવામાં આવી હતી. હવે એનસીબી એજન્સીએ એમ કહીને સ્પેશિયલ કોર્ટમાં દલીલ કરી હતી કે દંપતીને જામીન મંજૂર કરવાનો મેજિસ્ટ્રેટનો નિર્ણય ગેરકાયદેસર હતો, કારણ કે પોતાની દલીલ સંભળાવવાની તેને તક આપવામાં આવી નહોતી. પરંતુ સ્પેશિયલ કોર્ટે કહ્યું કે, વાસ્તવમાં, આમાં પ્રોસિક્યૂશનની જ ભૂલ છે, કારણ કે એજનસીને તેનો પ્રત્યુત્તર નોંધાવવાની તક આપવામાં આવી જ હતી, પણ એણે જામીનનો વિરોધ કરતી અરજી નોંધાવી નહોતી અને કોર્ટમાં પોતાનો પ્રોસિક્યૂટર કે તપાસનીશ અધિકારીને હાજર રાખ્યા નહોતા.