નવી દિલ્હીઃ જાતીય સતામણીના આરોપોના મુદ્દે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહના રાજીનામાની માગણી સાથે વિરોધ-દેખાવો કરી રહેલા પહેલવાનોએ આજે ધમકી આપી છે કે તેઓ એમણે જીતેલાં પ્રતિષ્ઠિત મેડલ્સ આજે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગા નદીમાં ફેંકી દેશે. ઓલિમ્પિક્સ મેડલવિજેતા મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે આ વિશેનું એક લાંબું નિવેદન ટ્વિટર પર મૂક્યું છે. એમાં તેણે લખ્યું છે કે, ‘મેડલ્સને આજે ગંગા નદીમાં ફેંકી દીધા બાદ અમારે માટે જીવવાનું કોઈ કારણ નહીં રહે. એટલે અમે ત્યારબાદ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરીશું.’
સાક્ષીએ 2016માં ઓલિમ્પિક ગેમ્સમાં કુસ્તીનો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અન્ય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં બે કુસ્તીનાં મેડલ જીત્યાં હતાં. વિનેશે તે ઉપરાંત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2021માં તે એશિયન ચેમ્પિયન બની હતી અને એ જ વર્ષમાં એણે વિશ્વ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. બજરંગ પૂનિયાએ 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એણે 2013માં કાંસ્ય, 2018માં રજત અને 2019માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
ભોપાલઃ મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. એ દરમ્યાન છ ચિત્તાનાં મોત થઈ ચૂક્યાં છે. એને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે. વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત સંરક્ષણ અને વહીવટમાં સામેલ અધિકારી અને કર્મચારીઓને નામિબિયા (દક્ષિણ આફ્રિકા) અધ્યયન પ્રવાસ માટે પસંદ કરીને મોકલવામાં આવશે. ભોપાલમાં કેન્દ્રીય મંત્રીએ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, વનપ્રધાન ડો. વિજય સિંહ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચિત્તાની સુરક્ષા, સંરક્ષણ માટે પ્રસ્તાવિત ચિત્તા પ્રોટેક્શન ફોર્મ માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સંસાધન સહિત દરેક સહયોગ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કૂનો માટે વધારાના વનરક્ષક અને વનપાલની વ્યવસ્થાનો આગ્રહ કર્યો છે. આ પ્રોજેક્ટ સંબંધિત ભ્રામક સૂચનાઓ સામે આવી છે. સામાન્ય જનતાને પણ પ્રામાણિક માહિતી મળવી જોઈએ.
હાલમાં કૂનો નેશન પાર્કમાં સાત ચિત્તા ખુલ્લા વન ક્ષેત્ર અને 10 ચિત્તા અનુકૂળ પાંજરાઓમાં છે. આગામી નવેમ્બર સુધીમાં ચિત્તાઓ માટે વૈકલ્પિક રહેવાસ તરીકે ગાંધી સાગર અભયારણ્યને પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કૂનોમાં ક્ષમતાને મુકાબલે હજી ચિત્તા ઓછા છે. ચિત્તાની દેખભાળ કરવાવાળા કર્મચારીઓ મહેનતુ છે.પ્રોજેક્ટ નિશ્ચિત સફળ થશે. મધ્ય પ્રદેશ સરકાર ગંભીરતાથી પ્રોજેક્ટ માટે કાર્ય કરી રહી છે. વળી, આ પ્રોજેક્ટમાં વિદેશી નિષ્ણાતોની સેવાઓ સતત મળતી રહે છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ ચિત્તા રાજ્ય છે.
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મુંબઈમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને ચીન મુદ્દે ભારત સરકાર પર ટોણો મારતાં શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચીની એમ્સેડર પાસેથી સલાહ મળી હશે.
તેમણે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે વિદેશપ્રધાન એસ. જયશંકરથી વાત નથી સાંભળતા. જ્યારે પણ ગાંધી આ મુદ્દે સંસદમાં બોલે છે, ત્યારે કોંગ્રેસના નેતા બહાર ચાલ્યા જાય છે અથવા વિદેશપ્રધાનના ભાષણમાં અંતરાય માટે ઊંચા અવાજમાં બોલે છે. તેમણે આ વાતો મોદી સરકારના નવ વર્ષ પૂરાં થવા પરના એક કાર્યક્રમમાં કહી હતી.
મોદી સરકારના નાણાપ્રધાને કહ્યું હતું કે તેમને 56 ઇંચનો ટોણો મારતાં શરમ આવવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈને માલૂમ નથી કે તેમણે ચીન સાથે શી સમજૂતી કરી હતી. તમે કે હું કે અન્ય કોઈ નથી જાણતા કે એ સમજૂતમાં શું છે. તેઓ ચીનીઓની સાથે સમજૂતી કર્યાની માહિતી એક સામે નથી મૂકતા, એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનથી સંબંધોમાં સાવચેતી રાખવાને મુદ્દે વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી, જેના જવાબમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે હું ચીનને લઈને ગાંધીથી સબક શીખવા તૈયાર થઈ જાત, પરંતુ મને માલૂમ છે તેઓ ચીનને લઈને ચીનના એમ્બેસેડર પાસેથી સબક શીખી રહ્યા છે.
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં બચ ખીણમાં પડતાં મોટી દુર્ઘટના બની હતી, જેમાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. એ દુર્ઘટના એ સમયે થઈ, જ્યારે યાત્રીઓ ભરેલી એક બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ બસમાં 75થી 80 શ્રદ્ધાળુઓ હતા.
આ દુર્ઘટના ત્યારે બની જ્યારે એક બસ પૂલ પરથી લપસીને ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોનાં મોત થયાં છે અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. ઝજ્ઝર કોટલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. બસમાં સવાર શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવી મંદિરે જતા હતા. કટરા ત્રિકુટા પહાડ પર સ્થિત ધાર્મિક સ્થળ માટે આધાર શિબિર છે.
જમ્મુના વરિષ્ઠ પોલીસ કમિશનર ચંદન કોહલીએ કહ્યું હતું કે આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં 21 મેએ વૈષ્ણોદેવી જતી એક બસ પલટવાથી 27 વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને 24 લોકો ઘાયલ થયા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 224 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,90,054 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,867 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,53,908 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 429 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4503એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 98,167 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.02 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,09,286 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1695 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 29 મે, સોમવારે રાતે અને 30 મેના મંગળવારની વહેલી સવારે બે વાગ્યા સુધી ચાલેલા ફાઈનલ જંગમાં આખરે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગુજરાત ટાઈટન્સને ડકવર્થ-લૂઈસ સિસ્ટમ અનુસાર પાંચ-વિકેટે પરાજય આપીને આઈપીએલ-2023 વિજેતાપદ જીતી લીધું હતું. ચેન્નાઈ ટીમે આ પાંચમી વખત વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરી છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 214 રન કર્યા હતા. ત્યારબાદ ચેન્નાઈના દાવની શરૂઆતમાં જ વરસાદ પડ્યો હતો. તે વિઘ્નને કારણે ચેન્નાઈ ટીમ માટે નવો ટાર્ગેટ આવ્યો હતો – 15 ઓવરમાં 171 રન.
ઋતુરાજ ગાયકવાડ (26 રન – 16 બોલમાં 3 ચોગ્ગા, એક છગ્ગો) અને ડેવોન કોનવે (47 રન – 25 બોલમાં 4 ચોગ્ગા, બે છગ્ગા)ની ઓપનિંગ જોડીએ 74 રન કર્યા હતા. તે પછીના ક્રમે આવેલા શિવમ દૂબેએ 32 રન (21 બોલમાં બે છગ્ગા), અજિંક્ય રહાણેએ 27 (13 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા), અંબાતી રાયડુએ 19 રન (8 બોલમાં એક ચોગ્ગો, બે છગ્ગા) કર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટીમને આખરી ફટકો માર્યો હતો. એણે મોહિત શર્માની આખરી ઓવરના છેલ્લા બે બોલમાં સિક્સર અને બાઉન્ડરી ફટકારીને ચેન્નાઈને વિજય અપાવ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 2010, 2011, 2018, 2021 અને હવે 2023માં વિજેતાપદ હાંસલ કર્યું છે.
ડેવોન કોનવેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
અમદાવાદઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગઈ કાલે અહીં ભારે રોમાંચ ઊભો કર્યા બાદ મધરાત બાદ દોઢ વાગ્યે સમાપ્ત થયેલી આઈપીએલ-2023 ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર પાંચ-વિકેટથી પરાજય આપીને પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતી લીધી હતી. મેચ બાદ એવોર્ડ વિતરણ પ્રક્રિયા વખતે ધોનીએ કહ્યું કે, ‘આઈપીએલમાંથી નિવૃત્ત થવા માટે આ એકદમ પરફેક્ટ સમય છે, તે છતાં હું મારા પ્રશંસકોને ખાતર એક વધુ સીઝન રમવાનું પસંદ કરશે. કારણ કે મારા દેશભરમાંના ચાહકોએ મારી પર જે પ્રેમ અને લાગણી દર્શાવ્યાં છે એ જોઈને મને આઈપીએલની એક વધુ સીઝનમાં રમવાની ઈચ્છા થાય છે. જોકે નવી સીઝન માટે 9 મહિનાની રાહ જોવાનું અને એ માટે સજ્જ થવાનું મારે માટે ઘણું કઠિન બનશે.’
ધોનીએ કહ્યું કે, નિવૃત્તિ જાહેર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. થેંક્યૂ કહીને નિવૃત્તિ લઈ લેવાનું મારે માટે આ એકદમ આસાન કામ છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ અને દેશભરમાં મારા ચાહકોએ મારી પર જે પ્રેમ અને લાગણી વરસાવ્યા છે એ જોતાં એક વધુ સીઝનમાં રમીને એમને ગિફ્ટ આપવાનું મને ગમશે. જોકે મારું શરીર મને સાથે આપે એ જરૂરી છે. મારી કારકિર્દીનો આ આખરી ભાગ છે. અહીં આખા ભરચક સ્ટેડિયમમાં મારા નામનો પોકાર કરવામાં આવતો રહ્યો હતો. ચેન્નાઈમાં પણ મને આવો જ પ્રેમ મળ્યો છે. ફરીથી ચાહકો સમક્ષ આવવા અને રમવાનું મને ગમશે. હું જે પ્રકારની ક્રિકેટ ગેમ રમું છું એ તેઓ પસંદ કરે છે અને એને જાળવી રાખવાનું મને ગમશે. મારું માનવું છે કે દરેક ટ્રોફી અથવા દ્વિપક્ષી શ્રેણી-વિજય હોય, બંનેમાં પોતપોતાના પડકારો રહેલા હોય છે. આ વખતની સ્પર્ધા અને ફાઈનલમાં અમારી ટીમના દરેક ખેલાડીએ દબાણની સ્થિતિનો જુદી જુદી રીતે સામનો કરી બતાવ્યો. અજિંક્ય (રહાણે) અનુભવી છે. રાયડુ (અંબાતી) વિશે ખાસ બાબત એ છે કે તે મેદાન પર હોય ત્યારે હંમેશાં 100 ટકા પરફોર્મન્સ બતાવતો હોય છે. અમે બેઉ છેક ઈન્ડિયા-A ટીમ વતી સાથે રમ્યા છીએ. એ સ્પિન અને ફાસ્ટ, બંને પ્રકારની બોલિંગનો સરસ રીતે સામનો કરી શકે છે.’
જેની લાકડી તેની ભેંસ એવી મતલબની પણ કહેવત છે. સત્તા અથવા શરીરબળ વિપુલ હોય તેવી વ્યક્તિ પોતાનાથી નબળો હોય તેની પાસેથી પોતાને ગમતી વસ્તુ છીનવી લે છે. પોતાને મળવાપાત્ર હોય તેના કરતાં વધારે અને ક્યારેક તો બિલકુલ હક વગરનું પણ પડાવી લે છે. નબળો વ્યક્તિ આ પ્રકારની સત્તા અથવા શારીરિકબળ સામે નિ:સહાય બની જાય છે.
આજ મતલબની કહેવતો જબરો નબળાને ખાય, મારે તેની તલવાર, જબરો જીતે વિગેરે છે.
જોકે આથી તદ્દન ઊલટું એવું પણ કહ્યું છે કે,
बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् ।
એટલેકે જેની પાસે બુધ્ધિ છે તે બળવાન છે. બુધ્ધિ નથી તેની પાસે બળ કેવું? આજે આપણે માહિતી યુગમાં જીવીએ છીએ આ યુગના મહાન વિચારક એલવિન ટોફલર કહે છે કે, “Knowledge is power and who has earliest access to the knowledge shall be the most powerful”, અર્થાત જ્ઞાન એજ શક્તિ છે અને જેની પાસે જ્ઞાનને ઝડપથી આંબવાની શક્તિ છે (Research and Development?) તે સૌથી વધુ બળવાન છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)