Home Blog Page 285

સ્વતંત્રતા કા મંત્ર: CRPFની સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું

નવી દિલ્હી: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયિતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”. ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ :શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઊભી કરી હતી.

સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશનર કિશોર બચાણી, અધિક નિયામક  અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડો.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા યોગદાન આપ્યું હતું.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્ય પથ  પર સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં લગભગ 2500 કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ 10,000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત CRPFની પુરુષ ટીમનું નેતૃત્વ 26 વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી CRPFની સહાયક કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્ટિજન્ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવશે, આવ્યું હતું, જેમાં પરંપરાગત માર્ચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો.

રાજસ્થાન પોલીસે 10,000 કિલોગ્રામ વિસ્ફોટક કર્યો જપ્તઃ એકની ધરપકડ

જયપુરઃ રાજસ્થાન પોલીસે ગેરકાયદે ખનન સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા પ્રજાસત્તાક દિવસ પહેલાં નાગૌર જિલ્લાના એક એકાંત ફાર્મહાઉસમાંથી આશરે 10,000 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યાનુસાર આ કાર્યવાહીથી વિસ્તારમાં કાર્યરત એક મોટા સ્તરના તસ્કરી નેટવર્કનો પર્દાફાશ થયો છે.

પકડાયેલા આરોપીની ઓળખ સુલેમાન ખાન તરીકે થઈ છે, જેને જિલ્લા વિશેષ દળ અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નાગૌરના પોલીસ અધિક્ષક મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ શનિવારે મોડી રાત્રે હરાસૌર ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક ફાર્મહાઉસમાંથી 187 બોરામાં ભરેલું 9,550 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ એમોનિયમ નાઇટ્રેટનો સંબંધ અગાઉ પણ અનેક મોટા વિસ્ફોટો સાથે રહ્યો છે, જેમાં નવેમ્બર, 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ પણ સામેલ છે. હાલમાં પોલીસે આ મામલામાં સામેલ હરાસૌર ગામના રહેવાસી સુલેમાન ખાનની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. એસપીના જણાવ્યા મુજબ તેના વિરુદ્ધ અગાઉથી ત્રણ ફોજદારી કેસ નોંધાયેલા છે.

આ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું કે એમોનિયમ નાઇટ્રેટ ઉપરાંત મોટી માત્રામાં અન્ય વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં નવ કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ નીલા ફ્યુઝ વાયર તથા 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો સમાવેશ થાય છે. એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી કથિત રીતે કાયદેસર અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કર્તવ્ય પથ પર દેખાશે આત્મનિર્ભર ભારતની ઝલકઃ PM મોદીનો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ આજે દેશ 77મો પ્રજાસત્તાક દિન ભારે ઉત્સાહ સાથે ઊજવી રહ્યું છે. દેશની રાજધાની નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ યોજાશે, જેના પર વિશ્વની નજર ટકી છે. હંમેશની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં દેશની સૈન્ય શક્તિ, સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું સુંદર પ્રદર્શન કરવામાં આવશે. આ વર્ષની પરેડમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 30 ઝાંખીઓ સામેલ થશે. યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિન પરેડ 2026ના મુખ્ય અતિથિ રહેશે.

પ્રજાસત્તાક દિનની પરેડ સવારે શરૂ થશે અને અંદાજે 90 મિનિટ સુધી ચાલશે. તેની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ હતી, જ્યાં તેમણે શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ વડા પ્રધાન મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ કર્તવ્ય પથ સ્થિત સલામી મંચ પર પરેડ જોવા જશે. રાષ્ટ્રપતિ મુર્મુ અને બંને મુખ્ય અતિથિઓ રાષ્ટ્રપતિના અંગરક્ષકોની સુરક્ષામાં પરંપરાગત બગ્ગીમાં આવશે. પરંપરા મુજબ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, ત્યાર બાદ રાષ્ટ્રગાન ગવાશે અને પછી 105 મિમી હલકી ફીલ્ડ તોપોથી 21 તોપોની સલામી આપવામાં આવશે. આ સલામી 172 ફીલ્ડ રેજિમેન્ટની 1721 સેરેમોનિયલ બેટરી દ્વારા આપવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ઇન્ડિયા ગેટ પહોંચ્યા હતા વડા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

કચ્છના ભયાવહ ભૂકંપના એ પ્રથમ 24 કલાક…આવી રીતે વડાપ્રધાન કાર્યાલયને કરાઈ હતી જાણ

કચ્છમાં 26 જાન્યુઆરી 2001 ની વહેલી સવારે લોકો પ્રજાસતાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે 7.6ની તીવ્રતાથી આવેલો વિનાશક ભૂકંપ પળવારમાં હજારો લોકોને ભરખી ગયો. આખુ કચ્છ જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું.આ ગોઝારા દિવસને આવતી કાલે 25 વર્ષ પૂરા થશે છતાં લોકો એ દિવસો ભૂલ્યા નથી.

કચ્છના આ વિનાશકારી ભૂકંપ વખતે ટાંચા સાધનો હોવાથી કલાકો સુધી કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ હતી. દવા અને રાહતકાર્યોમાં ખૂબ અવરોધ આવ્યો. દુનિયાને ખૂબ મોડેથી જાણ થઈ કે કચ્છમાં ભૂકંપની મોટી આફત આવી છે. કચ્છના ભૂકંપના એ પ્રથમ કલાક કેવા હતા..કેવા સંજોગોમાં ગાંધીનગર અને વડાપ્રધાન કાર્યાલયને જાણ કરવામાં આવી એના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સવારે 8.46 કલાકે ભૂકપં આવ્યો અને સેકંડોમાં ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. ટેલિફોન સિસ્ટમ ઠપ થઈ ગઇ. છેક સાંજે સેટેલાઇટ ફોનથી દિલ્હી વડાપ્રધાન કાર્યાલયે જાણ કરવા પ્રયાસો થયા પણ લાંબા સમયથી ઉપયોગ ન હોવાથી સેટેલાઇટ ફોનની બેટરી ઉતરી ગઈ હતી. એ સમયે કારની બેટરીથી ફોન ચાર્જ કર્યો અને કલેક્ટર કચેરી દ્વારા દિલ્હી વડાપ્રધાન કાર્યાલયને કચ્છના ભૂકંપની જાણકારી આપવામાં આવી હતી ત્યારે ગાંધીનગરને પણ જાણ કરવાનું કહેવાયું કારણ કે ગાંધીનગર સાથે પણ તંત્રનો સંપર્ક થઇ શક્યો ન હતો.

ડૉ. ધીમંતકુમાર વ્યાસ IAS (નિવૃત્ત), તે સમયે ઓ.એસ.ડી હતા

એ સમયે કચ્છ કલેક્ટર કમલ દયાની અને ડીડીઓ રાજીવ ટોપનો હતા. એ ગોઝારા દિવસોની યાદ તાજી કરતા નિવૃત IAS અધિકારી ડો.ધીમંત વ્યાસ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,”હું એ સમયે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ( અછત ) તરીકે ફરજમાં હતો. 26 જાન્યુઆરીના એ દિવસે અમે ઘરેથી કારમા જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં જવા નીકળ્યા ત્યારે રસ્તામાં હતા ને ભૂકંપ આવ્યો.કાર હોડીની જેમ ફંગોળાઈ..નજર સામે જ ઘરો જમીન દોસ્ત થતા જોયા.થોડી વાર તો શું થયું એ સમજાયું નહીં. પછી ભૂકંપ આવ્યો હોવાનું જાણ્યું. હું અને કલેક્ટર સહિતના અધિકારીઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યાં ધ્વજ વંદનના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા મંત્રી સુરેશ મહેતા રોકાયા હતા.એ ઈમારતને મોટું નુકશાન થયું હતું.રૂમનો દરવાજો ખુલી શકે તેમ ન હતો એટલે બારીમાંથી તેમને બહાર કાઢી ખુલ્લામાં બેસાડ્યા હતા.”

ડૉ.ધીમંત વ્યાસે જણાવ્યું કે સવારે 10 વાગ્યાની આસપાસ અમે આર્મી હેડ ક્વાર્ટર ગયા. કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ હોવાથી મદદ માંગવામાં આવી પણ આર્મી અને એરફોર્સ સ્ટેશનને પણ ભારે નુકશાન થયું હતું. 10:30 કલાકે ખબર પડી કે જી.કે જનરલ હોસ્પિટલના કેટલાક માળ જમીન દોસ્ત થઈ ગયા છે. દર્દી, સ્ટાફ મળી 500થી વધુ લોકો દટાયા છે. ત્યાંથી શક્ય તેટલા લોકોને જયુબિલી ગ્રાઉન્ડમાં લવાયા. મેડિકલ સ્ટોર ખોલાવી દવાઓ અપાઈ.

છેક બપોરે એક વાગ્યે સૂરજબારી પુલ પાસેથી રાજકોટ તરફની પોલીસની મદદથી વાયરલેસ મેસેજથી માહિતી આપી. છેક સાંજે 6 વાગ્યે સેટેલાઇટ ફોનથી વડાપ્રધાન કાર્યાલયને ફોન લાગ્યો.અને ગાંધીનગર પણ જાણ કરવામાં આવી.ગાંધીનગરથી સિનિયર અધિકારીઓની પહેલી ટીમ રાત્રે 8 વાગ્યે ભુજ પહોંચી. રાત્રે 12 વાગ્યે ગંભીર દર્દીઓને એસ.ટીની બસમાં રાધનપુર તરફ મોકલવામાં આવ્યા.અને મોડી રાત્રે 2.30 કલાકે પુનાથી આર્મીનું પહેલું વિમાન દવા, ધાબળા જેવી ચીજો લઈને ભુજ પહોંચ્યું હતું. રાત્રે લાઈટ ન હોવાથી કારની લાઇટથી લોકોને તે પહોંચતા કરવામાં આવ્યા. આ ભયાવહ ભૂકંપની આ પહેલી 24 કલાક જેમણે જોઈ છે તે ક્યારેય ભૂલી નહીં શકે.

અહેવાલ- દેવેન્દ્ર જાની ( રાજકોટ)

સુવિચાર – ૨૬ જાન્યુઆરી ૨૦૨૬

૨૬ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 26/01/2026

આ પાંચ પ્રતિષ્ઠિત ગુજરાતીઓનું પદ્મ પુરસ્કારથી થશે સન્માન

પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કારોની યાદીમાં પાંચ ગુજરાતીઓના નામ સામેલ છે. જાણો કોણ-કોણ છે આ પાંચ ગુજરાતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.

અરવિંદ વૈદ્ય, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અને નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા

વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રમતગમત જગતમાંથી 9 લોકોની પસંદગી કરવામાં આવી છે. કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કુલ 44 લોકોને સન્માનિત કરવામાં આવશે. સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને સન્માનિત કરવામાં આવશે. સિંગર અલકા યાજ્ઞિક, ક્રિકેટર રોહિત શર્મા, ક્રિકેટર હરમનપ્રીત કૌર, અભિનેતા મામુટી અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોત્તર) જનસંપર્ક ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આ પાંચ ગુજરાતીઓ પદ્મ શ્રીથી સન્માનિત

1. અભિનેતા અરવિંદ વૈદ્ય

પ્રખ્યાત હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. થિયેટરને કલાત્મકતા અને સત્યની શક્તિમાં આકાર આપી 200થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યુ છે.

2. લેખક રતિલાલ બોરીસાગર

હાસ્ય સંગ્રહો, નવલકથાઓ અને લોકપ્રિય કૉલમ્સ માટે જાણીતા છે. 17થી વધુ પુસ્તકો અને બાળકો માટે 6 પુસ્તકો લખ્યા છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.

3. ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ

સંતવાણી, ગઝલ, કવ્વાલી અને ભજનમાં ઢોલક વગાડવા માટે જાણીતા છે. કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. જુનાગ઼ઢના આ ઢોલક વાદકની ‘હાજી રમકડું’ના નામથી ઓળખ છે.

4. સામાજિક કાર્યકર નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા

સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે તેમની નામના છે. સમર્પિત સામાજિક કાર્યકરે ગુજરાતમાં 1,300 થી વધુ અંગદાનમાં મદદ કરી અને 100 થી વધુ રિટ્રાઇવલ હોસ્પિટલોની સ્થાપના કરી. લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન માટે તેમની મહત્વની ભૂમિકા રહી છે.

5. ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા

75 વર્ષનો વારસો ધરાવતા પ્રતિષ્ઠિત થિયેટર દિગ્ગજ જેમણે આખ્યાનની પરંપરાગત ગુજરાતી કલાને પુનર્જીવિત કરી અને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે યુવાનોને પ્રેરણા આપવા અને તાલીમ આપવા માટે એક એકેડેમીની સ્થાપના કરી.
આખ્યાન અને માણભટ્ટ પરંપરાને જીવંત રાખવા બદલ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે.

 

 

પદ્મ પુરસ્કારોની જાહેરાત, ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, 131 હસ્તીઓનું થશે સન્માન

પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.

સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષે કુલ 131 હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રમતગમત જગતમાંથી 9 લોકોની પસંદગી કરવામાં આવી છે. કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કુલ 44 લોકોને સન્માનિત કરવામાં આવશે. સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને સન્માનિત કરવામાં આવશે.

સિંગર અલ્કા યાજ્ઞિક અને અભિનેતા મામૂટીને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવશે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોત્તર)ને જનસંપર્ક ક્ષેત્રે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને રમતગમત ક્ષેત્રે પદ્મ શ્રીથી નવાજવામાં આવશે. ગુજરાતમાંથી પણ પાંચ હસ્તીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા અરવિંદ વૈદ્ય, લેખક રતિલાલ બોરીસાગર, ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ, સામાજિક કાર્યકર નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા અને ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને આખ્યાન અને માણભટ્ટ પરંપરાને જીવંત રાખવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. તે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી). આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા સહિત વિવિધ ક્ષેત્રો/પ્રવૃત્તિઓમાં આપવામાં આવે છે.

કયો પુરસ્કાર ક્યારે આપવામાં આવે છે?

પદ્મ વિભૂષણ: અપવાદરૂપે સારી અને વિશિષ્ટ સેવા માટે આપવા માટે

પદ્મ ભૂષણ: અપવાદરૂપે સારી સેવા માટે.

પદ્મ શ્રી: કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે.

સન્માનિતોમાં છ વિદેશીઓ
આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવે છે. આ પુરસ્કારો દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2026 માટે 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે. યાદીમાં પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં ઓગણીસ મહિલાઓ છે, અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીઓમાંથી છ વ્યક્તિઓ અને 16 મરણોત્તર પુરસ્કાર વિજેતાઓનો પણ સમાવેશ થાય છે.

તેજસ્વી યાદવ આરજેડીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બન્યા

આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી, જેમાં તેજસ્વી યાદવને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આજનો દિવસ આરજેડી માટે મહત્વપૂર્ણ છે. તેજસ્વી યાદવને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

પટનાના મૌર્ય હોટેલમાં રાષ્ટ્રીય જનતા દળની રાષ્ટ્રીય કાર્યકારિણીની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં તેજસ્વી યાદવને આરજેડીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી અને સંજય યાદવ હાજર રહ્યા હતા.

લાલુ યાદવની હાજરીમાં એક મોટો નિર્ણય લેવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કરી હતી. સ્વાસ્થ્યની ચિંતાઓ અને ભવિષ્યના રાજકીય પડકારોને કારણે લાલુ યાદવ ઔપચારિક રીતે તેજસ્વી યાદવને પોતાનો વારસો સોંપવાની તૈયારી કરી રહ્યા છે, અને આ જ કારણ છે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત, દેશભરમાંથી અંદાજે 200 પ્રતિનિધિઓ અને કારોબારી સભ્યો આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીઓ અને સંગઠનની મજબૂતાઈને ધ્યાનમાં રાખીને ઉર્જાવાન નેતૃત્વની જરૂર છે. તેજસ્વી યાદવ બિહારમાં વિપક્ષના ચહેરા તરીકે પહેલાથી જ ઉભરી આવ્યા છે, પરંતુ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી, તેમની પાસે રાષ્ટ્રીય સ્તરે નિર્ણયો લેવાની સત્તાવાર સત્તા હશે. હકીકતમાં, તેજસ્વી યાદવને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરીને, યુવાનોને એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.