મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે ઢીલાશ જોવા મળી હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી115ના ઘટકોમાંથી માત્ર એક્સઆરપીમાં વધારો થયો હતો. ચેઇનલિંક, કાર્ડાનો, અવાલાંશ અને બિટકોઇન 1થી 4 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.
દરમિયાન, ટેક્સાસની ધારાસભાએ ક્રીપ્ટો એક્સચેન્જોમાં ગ્રાહકોનાં તમામ લેણાં ચૂકવી શકાય એટલી અનામત રાખવાનો નિયમ ઘડવા માટેનો ખરડો મંજૂર કર્યો છે. બીજી બાજુ, ન્યૂ યોર્ક ફેડ અને સિંગાપોર એમએએસના સંશોધકોએ કહ્યું છે કે અલગ અલગ નેટવર્ક પર ચાલતી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ સરહદ પારનાં અલગ અલગ કરન્સીમાં કરવાનાં પેમેન્ટ માટે થઈ શકે છે. રિપલ કેન્દ્રીય બેન્કો, સરકારો અને નાણાકીય સંસ્થાઓ ડિજિટલ કરન્સી ઇસ્યૂ કરી શકે એ માટે મદદ કરવા પોતાનું સીબીડીસી માધ્યમ લોન્ચ કરવા સજ્જ હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.11 ટકા (419 પોઇન્ટ) ઘટીને 37,427 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,846 ખૂલીને 37,941ની ઉપલી અને 37,021 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લેવા વિશે આજે જાહેરાત કરી છે. પરંતુ આ નોટ હાલ અમાન્ય નહીં થાય. બજારમાં એ કાનૂની મુદ્રા (લીગલ ટેન્ડર) તરીકે ચાલુ રહેશે, પણ આરબીઆઈએ બેન્કોને આદેશ આપ્યો છે કે એમણે હવે 2000ની નોટ ઈશ્યૂ કરવી નહીં.
જેમની પાસે આ નોટ હોય તેઓ યાદ રાખે કે આ નોટ બેન્કમાં જમા કરવા કે બદલવાની પ્રક્રિયા 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કોઈ પણ બેન્ક અને રિઝર્વ બેન્કમાં આ નોટ બદલી શકાશે. એકસાથે વધુમાં વધુ 10 નોટ જ બદલવાની સુવિધા છે. 30 સપ્ટેમ્બર પછી આ નોટ અમાન્ય થઈ શકે છે.
અમદાવાદઃ રાજ્યનાં ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે, પણ એ પહેલાં જ વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ગઈ કાલે કોંગ્રેસે બાબાને કેટલાક સવાલો કર્યાં હતા, પરંતુ તેમના દરબારને લઈને ભાજપ અને કોંગ્રેસમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે બાગેશ્વર બાબા ભાજપનું માર્કેટિંગ કરે છે. તેમના આ આક્ષેપનો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જવાબ આપતાં કહ્યું હતું કે બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યાં છે. ભાજપે બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું.
સુરતના ભરાટ વિસ્તારમાં સામાજિક પ્રસંગે આવેલા પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા અંગે જણાવ્યુ હતું કે ભારતમાં ધર્મના નામે ધતિંગ કરવાવાળા ઓછા નથી અને તેઓ ક્યારેય ભૂખ્યા નથી મરતા. તેમનો આ પ્રકારે જ ઉપયોગ થાય છે. ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ. ગુજરાતમાં ધર્મને નામે આ પ્રકારનાં નાટક બંધ કરી દેવાં જોઈએ. ભાજપ દ્વારા આ રીતે ભગવાધારીનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચમત્કારને નામે ખોટાં નાટક કરવામાં આવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. જે આંધળા ભક્તો હોય તેમને ભગવાન માફ કરે. આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવીએ છીએ, આ યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય. pic.twitter.com/0xxjLDaUqg
— Shankersinh Vaghela (@ShankersinhBapu) May 19, 2023
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ તંત્ર-મંત્ર સાથે જોડાયેલી વ્યક્તિ નથી. તેઓ કોઈ પણ પ્રકારના ચમત્કાર નથી કરતા. તેમની જે સભા થતી હોય તેમાં જવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી.ત્યાં આવનાર વ્યક્તિ પોતાની સમસ્યાના નિરાકરણ માટે આવે છે અને બાગેશ્વર બાબા પોતાની રીતે યોગ્ય લાગે એ પ્રમાણે જવાબ આપે છે. આ કાર્યક્રમના આયોજનમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ભાજપ સાથે પણ જોડાયેલા હોય, પરંતુ પક્ષ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું.
મોહાલીઃ બોલીવુડ અભિનેતા બંધુઓ – આયુષમાન અને અપારશક્તિ ખુરાનાના પિતા પંડિત પી. ખુરાનાનું આજે અહીં એમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ ઘણા સમયથી હૃદયની બીમારીથી પીડિત હતા.
પી. ખુરાના પ્રખ્યાત જ્યોતિષી અને અંકશાસ્ત્રી હતા. આયુષમાન અને અપારશક્તિ અવારનવાર એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એમના પિતા સાથેની તસવીરો પોસ્ટ કરતા હતા અને માર્ગદર્શન આપવા બદલ એમનો આભાર માનતા રહ્યા છે. ફિલ્મલાઈનમાં પ્રવેશીને પોતે સપનું સાકાર કરી શક્યો એનો સંપૂર્ણ શ્રેય આયુષમાને એના પિતાને આપ્યો હતો.
નવી દિલ્હીઃ નેવાર્કથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બુધવારે એક સિનિયર સિટિઝનને પેનિક એટેક આવ્યો હતો. તે ક્રૂ સભ્યને કહેવા લાગ્યો હતો કે દરવાજા ખોલો, મારે બહાર જવું છે. પેસેન્જર સાત કલાક સુધી બૂમો પાડતો રહ્યો હતો.
એ સભ્ય તે ગાળો બોલી રહ્યો હતો અને ત્રણ વાર પાસે બેઠેલી પત્નીનું ગળું દબાવવાના પ્રયાસ કર્યા હતા. ક્રૂ સભ્યોએ તેમને શાંત કર્યા હતા. લેન્ડિંગ પછી તેમને કંપનીને તેમને સંભાળનાર ક્રૂ સર્ભોને સન્માનિત કરવાની વાત કરી હતી. મિસ્ટર પ્રવીણ ટોનસેકર પત્ની સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-144ના બિઝનેસ ક્લાસમાં નેવાર્કથી મુંબઈ જઈ રહ્યા હતા. ફ્લાઇટે નેવાર્કથી સ્થાનિક સમય મુજબ બપોરના 12.20 કલાકે ઉડાન ભરી હતી. ક્રૂ સભ્યોએ જણાવ્યું હતું કે ઉડાન ભર્યા પછી પ્રારંભના ત્રણ કલાક તો એ શાંતિથી બેસી રહ્યો હતો.
ત્યાર બાદ તેમની કોઈ વાત એક ક્રૂ સભ્ય સાથે ચણભણ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને પેનિક એટેક આવ્યો હતો. ત્યાર બાદ તે સતત સાત કલાક બૂમો પાડતો રહ્યો હતો. તે ક્રૂ સભ્યોને ગાળો બોલીને દરવાજો ખોલીને બહાર જવા માટે કહી રહ્યો હતો. એ દરમ્યાન ક્રૂ સભ્યોને સતત શાંત રહેવાની અપીલ કરી રહ્યા હતા.
ફ્લાઇટમાં હાજર એક પેસેન્જરે જણાવ્યું હતું કે એ સિનિયર સિટિઝને પહેલાં પણ એર ઇન્ડિયામાં પ્રવાસ કર્યો હશે. ત્યારે એક એર હોસ્ટેસે તેમને પૂછી રહી હતી કે તમે ગઈ વખતે અમારી સાથે પ્વાસ કર્યો હતો, ત્યારે તો તમે ઠીક હતી. આ વખતે શું થયું? આ સાત કલાકમાં ટોનસેકરે ત્રણ વાર પત્નીનું ગળું દબાવવાના પ્રયાસ કર્યા હતા.
મુંબઈ તા.19 મે, 2023: બીએસઈ દ્વારા 15મી મે અને સોમવારથી રિલોન્ચ કરવામાં આવેલા સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં પ્રથમ સપ્તાહમાં રૂ.528 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. આ કોન્ટ્રેક્ટ્સની આજે સાપ્તાહિક એક્સપાયરી હતી.
ફ્યુચર્સમાં રૂ.35 કરોડનું અને ઓપ્શન્સમં રૂ.493 કરોડનું ટર્નઓવર રહ્યું હતું.
આ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરાયા એ પછી બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ વધી રહ્યાં છે. દેશ ભરમાંથી 125થી અધિક મેમ્બર્સ આ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગમાં સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટની એક્સપર્ટની કમિટીનો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે માર્કેટ નિયામક સેબીને અત્યાર સુધી પહેલી નજરમાં નિયમોનું કોઈ ઉલ્લંઘન નથી થયું. સુપ્રીમ કોર્ટે અદાણી મામલાની તપાસની દેખરેખ માટે એક્સપર્ટની પેનલની રચના કરી હતી. સમિતિએ જણાવ્યું હતું કે હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા પહેલાં અદાણી ગ્રુપના શેરોમાં શોર્ટ પોઝિશન વધવાના પુરાવા હતા.
પેનલે રિપોર્ટમાં કહ્યું હતું કે એ નિષ્કર્ષ કાઢવો સંભવ નથી કે કિંમતોમાં હેરફેરને લઈને નિયામકીય ઉલ્લંઘન થયું છે કે નહીં. કોર્ટે નિયામકીય માળખા અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાનીવાળા ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે પેનલની રચના કરી હતી.
અમેરિકાની એક શોર્ટ સેલર કંપની, હિંડનબર્ગ રિસર્ચ આ વર્ષના પ્રારંભમાં અદાણી ગ્રુપ પર કેટલાય ગંભીર આરોપ લગાવતો એક રિપોર્ટ જારી કર્યો હતો. એમાં ટેક્સ હેવન દેશોનો ખોટો ઉપયોગ અને શેરોમાં હેરફેર કરવાના પ્રયાસ જેવા આરોપ સામેલ હતા. અદાણી ગ્રુપે બધા આરોપોને ફગાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ સંબંધિત એક રિપોર્ટમાં 88 સવાલો સામેલ કર્યા હતા. એ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ દાયકાઓની શેરોની હેરફેર અને એકાઉન્ટમાં છેતરપિંડીમાં સામેલ છે. એ રિપોર્ટ સામે આવ્યા પછી અદાણીના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને કેટલાક દિવસોમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં કરોડો રૂપિયાનો ઘટાડો થયો હતો. આ મુદ્દાને વિરોધ પક્ષોએ ધ્યાન આકર્ષિત કર્યું હતું અને જોતજોતાંમાં એના પર બહુ રાજકારણ થયું હતું.
ઉક્ત વ્યક્તિઓ ઉપરાંત એઆરસીએલના ડિરેક્ટર રૂપકિશોર ભુતડા, જિયોજીત કોમટ્રેડ લિ.ના ડિરેક્ટર મનીષ ગુપ્તા, એઆરસીએલના પ્રમોટર આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ. અને ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ લિ.ના પ્રમોટર ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (જૂનું નામ આઇઆઇએફએલ)ને પણ એનએસઈએલ કેસમાં આરોપી બનાવાયા છે.
નોંધનીય છે કે અગાઉ, 2018માં મુંબઈ પોલીસની ઈઓડબ્લ્યુ (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ)એ ત્રણ બ્રોકિંગ કંપનીઓ અને ત્રણ ડિરેક્ટરોની સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને એમને આરોપી ગણાવ્યા હતા. એણે એ એન્ટિટીઝને એમપીઆઇડી એક્ટ હેઠળ ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે જાહેર કરી હતી.
એનએસઈએલે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એક્ટ, 1999 (એમપીઆઇડી એક્ટ)ની કલમ 3ની વૈધાનિક જોગવાઈને ધ્યાનમાં રાખીને આ ત્રણ કોમોડિટીઝ બ્રોકિંગ ફર્મ્સના પ્રમોટર્સ-ડિરેક્ટરો વિરુદ્ધના આરોપોની દખલ લેવા અને કાનૂની પ્રક્રિયા શરૂ કરાવવા વિશેષ એમપીઆઇડી કોર્ટને અપીલ કરી હતી. ઇન્ડિયા ઇન્ફોલાઈન કોમોડિટીઝ લિ.ના ક્લાયન્ટ રહી ચૂકેલા એક વેપારીએ પણ એક અલગ અરજી દાખલ કરી હતી.
માનનીય વિશેષ એમપીઆઇડી અદાલતે પુરાવાની નોંધ લઈને આ પ્રમાણેનો આદેશ આપ્યો હતોઃ “ઉપર જેમનો સંદર્ભ આપવામાં આવ્યો છે એ દસ્તાવેજોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેતાં પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય છે કે એમપીઆઇડી એક્ટની કલમ 3માં વૈધાનિક જોગવાઈ હોવા છતાં યોગ્ય કારણ આપ્યા વગર બ્રોકર કંપનીઓના મુખ્ય પ્રમોટર અને ડિરેક્ટરને સંબંધિત તપાસનીશ અધિકારીએ ચાર્જશીટમાંથી બહાર રાખ્યા છે, જ્યારે સમાન સ્થિતિમાં હોય એવી અન્ય વ્યક્તિઓને આરોપી ગણાવવામાં આવી છે.”
“ઉપર જેમનો સંદર્ભ આપવામાં આવ્યો છે એ સાક્ષીઓનાં નિવેદનો પરથી પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય છે કે બ્રોકરોએ ઉંચા વળતરની ખોટી રજૂઆત રોકાણકારો સમક્ષ કરીને એમને એનએસઈએલના મંચ પર ટ્રેડ કરવા માટે લલચાવ્યા હતા. આ અદાલતે પોતાની સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી વખતે 27 ડિસેમ્બર, 2018ના રોજ નોંધાવવામાં આવેલી ચાર્જશીટમાં ત્રણ બ્રોકરોએ રોકાણકારોને આપેલાં અલગ અલગ બ્રોશરો જોયાં હતાં. આ રીતે રોકાણકારોને ઉંચા વળતર, વગેરેની ખાતરી આપીને ટ્રેડ કરવા લલચાવાયા હતા એ બાબત અદાલતે જોઈ હતી.”
માનનીય એમપીઆઇડી અદાલતે પોતાનાં કારણોની નોંધ લઈને અને પુરાવા બાબતે પ્રથમ દૃષ્ટિએ પોતાને સંતોષ કરી લીધા બાદ એ ગુનાઓની દખલ લીધી હતી, જે ભારતીય દંડ સંહિતાની કલમો 409, 465, 467, 468, 471, 474, 477એ, 120બી (જેમને એમપીઆઇડી એક્ટ 1999ની કલમ 3 તથા એફસીઆર એક્ટ, 1952ની કલમો 21(એ), 21(બી), 21(સી) અને 21(જી) સાથે વાંચવામાં આવતાં) હેઠળ સજાપાત્ર બને છે. અદાલતે નીચે જણાવ્યા પ્રમાણેની કંપનીઓ (પ્રમોટરો) અને ડિરેક્ટરો વિરુદ્ધ ઉક્ત ગુનાઓ સબબ કાનૂની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતોઃ
નાણાકીય સંસ્થાઓની આરોપી પ્રમોટર કંપનીઓ
એ) આઇઆઇએફએલ ફાઇનાન્સ લિ. (જૂનું નામ આઇઆઇએફએલ)
બી) આનંદ રાઠી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ.
નાણાકીય સંસ્થાઓના આરોપી ડિરેક્ટરો
એ) નિર્મલ જૈન
બી) પ્રીતિ ગુપ્તા
સી) રૂપકુમાર ભુતડા
ડી) શાઈની જ્યોર્જ
ઈ) મનીષ ગુપ્તા
ઉક્ત વ્યક્તિઓ/એન્ટિટીઝ હવે 2014ના એમપીઆઇડી કેસ નંબર 1માં અન્ય આરોપીઓના સ્તરે આવી ગઈ છે. એમણે હવે ખટલો શરૂ થશે ત્યારે તેનો સામનો કરવો પડશે. અત્યાર સુધીમાં એનએસઈએલ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 220 થઈ ગઈ છે. ઈઓડબ્લ્યુએ કેસમાં કુલ 11 ચાર્જશીટ નોંધાવી છે.
એનએસઈએલ કેસમાં હવે બ્રોકરો પર તવાઈ આવી છે. વિશેષ એમપીઆઇડી અદાલતમાં ચાલી રહેલા અન્ય એક કેસમાં મહારાષ્ટ્ર સરકારે નોંધાવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે આઇઆઇસીએલે 1653 ટ્રેડરો પાસેથી મોટી રકમ બ્રોકરેજ તથા ફી/ચાર્જીસ તરીકે વસૂલ કરવા ઉપરાંત કુલ 326.22 કરોડ રૂપિયાની ડિપોઝિટ ભેગી કરી હતી. આ જ સોગંદનામામાં સરકારે કહ્યું છે કે ડિપોઝિટર્સના હિત માટે આઇઆઇસીએલ, એના પ્રમોટરો અને ડિરેક્ટરોની મિલકતો જપ્ત કરવાની જરૂર છે.
ગયા વર્ષે સેબીએ પણ ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ લિ, આનંદ રાઠી કોમોડિટીઝ લિ, મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ લિ, જિયોજિત કોમટ્રેડ લિ. અને ફિલિપ કોમોડિટીઝ લિ.ને નોટ ફિટ એન્ડ પ્રોપર વ્યક્તિઓ ગણાવી હતી અને ઇન્ટરમીડિયરી તરીકે કામ કરવા માટે રજિસ્ટ્રેશન કરવા એમણે નોંધાવેલી અરજીઓને રદ કરી હતી.
આ અઠવાડિયે બે ઓટીટી મંચ પર બે મહિલા પોલીસવાળી સિરીઝ, ફિલ્મ આવી. પ્રાઈમ વિડિયોની દહાડમાં છે સોનાક્ષી સિંહા, તો ‘કઠલઃ અ જૅકફ્રૂટ મિસ્ટરી’માં છે સાન્યા મલ્હોત્રા. કામ કરવાનો બન્નેનો અપ્રોચ ઉત્તર-ધ્રુવ જેવો છે.
આપણે ‘કઠલ…’ની વાત કરીએ. મધ્ય ભારતના અંતરિયાળ ગામડાના સામાજિક-સાંસ્કૃતિક સમીકરણના થિમવાળી ફિલ્મ ‘કઠલઃ અ જૅકફ્રૂટ મિસ્ટરી’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.
કઠલ એટલે ફણસ. આ પ્રહસનની વાર્તાના કેન્દ્રમાં છે મહિમા બસોર (સાન્યા મલ્હોત્રા) નામની લોઅર કાસ્ટની એક પોલીસ અફ્સર. મોબા નામના મધ્ય ભારતના કોઈ કાલ્પનિક નગરમાં (કહો કે મથુરામાં) એક વગદાર રાજકારણી (વિજય રાઝ)ના બગીચામાંથી બે પુષ્ટ, રસાળ ફણસની ચોરી થાય છે. અંકલ હોન્ક બ્રીડનાં ઈમ્પૉર્ટેડ ફણસ એટલાં મહત્વનાં છે કે જો એનું અથાણું બનાવીને મોટા નેતાને ખવડાવે તો રાજકારણીને પ્રધાનપદ મળી શકે એમ છે એટલે એ ફણસચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. મહિમા બસોરને ફણસની ચોરીનું ઈન્વેસ્ટિગેશન સોંપવામાં આવે છે. પોલીસ માટે કેટલાયે મહત્વનાં કામ, કેસ છે, પણ આખું તંત્ર રાજનેતાનાં ફણસ શોધવામાં લાગી જાય છે.
ડિરેક્ટર તરીકે યશોવર્ધન મિશ્રાની આ પહેલી ફિલ્મ છે. આ પહેલાં એમણે મહારાષ્ટ્રના નાશિકની પૃષ્ઠભૂમમાં ‘મંડી’ નામની એક શૉર્ટ ફિલ્મ સર્જેલી. ફિલ્મના સહલેખક છે યશોવર્ધનના પિતા રાઈટર અશોક મિશ્રા, જેમણે શ્યામ બેનેગલની ‘વેલકમ ટુ સજ્જનપુર’માં શ્યામ બેનેગલ સાથે કામ કરેલું.
-અને યશોવર્ધનના સસરા અદભુત અદાકાર દિલીપ જોશી, એટલે કે જેઠાલાલ ચંપકલાલ ગડા. હા, દિલીપ જોશીનાં સુપુત્રી નિયતિના એ હસબંડ થાય ને ફિલ્મમાં ડિરેક્ટરના સહાયકની મહત્વની કામગીરી બજાવનાર રિત્વિક જોશીના બનેવી.
પહેલી ફિલ્મ માટે ડિરેક્ટર યશોવર્ધને જેમને વિશેષાધિકાર (પ્રિવિલેજ) નથી એવા લોકોની વાર્તા કહેવાનું પસંદ કર્યું છે. એક સીન છેઃ કોઈ ગામડિયો ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને આવે છે. પોલીસ કહે છે, “બૈઠો…” એટલે પેલો બે હાથ જોડીને જમીન પર બેસી જાય છે. મતલબ, એના મનમાં કેવું કોતરાઈ ગયું હશે કે પોલીસ સામે ખુરશી પર બેસાય જ નહીં. ફિલ્મમાં સોશિયલ કોમેન્ટરી, ઊંચનીચના ભેદભાવ, વગેરે છે, પણ એ સાવ સહજતાથી, હસતાં હસાવતાં કહેવાયાં છે. ધાણી ફૂટે આવી ડાયલૉગબાજી નથી.
આ સૅટાયર અથવા સામાજિક-રાજનીતિક વ્યંગાત્મક ફિલ્મ તો છે જ, સાથે સાથે એમાં બનતા ઘણા બધા પ્રસંગ જોતાં લાગે કે આ જરા વધારે પડતું છે, “આવું તે કાંઈ બનતું હશે,” પણ એ આપણી આસપાસ આપણે જે જોઈએ છીએ એનું જ પ્રતિબિંબ છે.
ફિલ્મમાં સિનેમાના પોલીસ વિશેની આપણી જે રાબેતા મુજબની કલ્પના હોય છે અથવા આપણે જેવા પોલીસ જોવા ટેવાયેલા છે એને તોડવામાં આવી છે. પોલીસ તો બાવડાંબાજ, કદાવર, કરડાકીવાળા જ હોય અને એમનું ચિત્રણ પણ એવું જ કરવામાં આવે છે. કદાચ આવું ચિત્રણ આપણને પોલીસ પાસે જતાં રોકે છેઃ પોલીસ સ્ટેશન જઈશું તો નકામા સલવાઈ જઈશું, હેરાન થઈ જઈશું એવું આપણે માની લેતા હોઈએ છીએ.
આમીર ખાનની દંગલથી લઈને બધાઈ હો, પગલૈઈટ, પટાખા જેવી ફિલ્મોમાં મસ્ત અભિનય કરનારી સાન્યા મલ્હોત્રાની કૉમિક ટાઈમિંગ, જે વિસ્તારની (મથુરાની) વાર્તા કહેવાઈ છે એ વિસ્તાર, ત્યાંની ભાષા-બોલી વિશેની સમજ, વગેરે કમાલનાં છે. સાન્યાના વીજળીક સ્ફુર્તિવાળા અભિનય ઉપરાંત ‘કઠલ…’ને વિજય રાઝ, રાજપાલ યાદવ (બ્રેકિંગ ન્યુઝ શોધતા, સતત રીલ બનાવતા મોબા સમાચારના વરિષ્ઠ પત્રકાર) અનંત જોશી, નેહા સરાફ, ગોવિંદ પાંડે, શશી રંજન જેવા પ્રતિભાશાળી ઍક્ટર્સનો ટેકો મળ્યો છે. અને ફિલ્મની પ્રિ-ક્લાઈમેક્સમાં, દસ મિનિટ માટે આવેલા રઘુવીર યાદવ. કમ્માલ.
મને આ ફિલ્મ ગમી ગઈ. ખાસ તો વિષય, ઝાઝો સમય બગાડ્યા વિના મૂળ વાત પર જવાની ડિરેક્ટરની કાબેલિયત, ઝાકઝમાળ વિનાની, સિમ્પ્લિસિટીથી થયેલી માવજત. પોલિટિકલ સૅટાયર હોવા છતાં એ કોઈ પરટિક્યુલર વિચારધારા તરફ ઝૂકતી નથી. બોલચાલની ભાષાવાળા સંવાદમાં જે કહેવું છે એ કહી દે છે. જેમ કે, “આઈપીસી એટલે ઈન્ડિયન પિનલ કોડ નહીં, પણ ઈન્ડિયન પોલિટિકલ કોડ.”