Home Blog Page 2866

ઋત્વિક રોશનની ‘વોર-2’માં જુનિયર NTR નકારાત્મક ભૂમિકા ભજવશે?

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ઋત્વિક રોશનની ફિલ્મ ‘વોર-2’ની એના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગઈ વખતે ‘વોરે’ બોક્સ ઓફિસ પર રેકોર્ડસ તોડ્યા હતા અને રૂ. 300 કરોડથી વધુની કમાણી કરી હતી. ‘વોર-2’ એનાથી પણ વધુ કમાણી કરે એવી શક્યતા છે, કેમ કે દર્શકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખતાં ફિલ્મનું સ્તર ઓર વધારી દેવામાં આવ્યું છે. આ વખતે સાઉથના સુપરસ્ટાર એનટીઆરને પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યો છે.  જેથી આ ફિલ્મ માટે ફેન્સની આતુરતા વધી ગઈ છે.

જોકે એ સ્પષ્ટ નથી કે જુનિયર એનટીઆર ફિલ્મમાં ઋત્વિક રોશનની સાથે છે અથવા તેની વિરુદ્ધ વિલનની ભૂમિકામાં છે, પણ અહેવાલ મુજબ જુનિયર એનટીઆર આ ફિલ્મમાં વિલનના રોલમાં આવવાનો છે. ફાઇનલ સ્ક્રિપ્ટ હજી વિકસિત કરવામાં આવી રહી છે. ‘વોર-2’માં જુનિયર એનટીઆરની ભૂમિકામાં કેટલાક નકારાત્મક પહેલુ હશે. જે પૂરી વાર્તાને એક રસપ્રદ રીતે જોડી દેશે.

એક્ટર પોતે વિવિધ એક્સપ્રેશનની સાથે પ્રયોગ કરવા માટે એક્સાઇટેડ છે. એ સિવાય ઋત્વિક અને જુનિયર એનટીઆર ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા પહેલાં ભૂમિકામાં ઢળવા માટે અયાન સાથે કેટલીય રીડિંગ સેશન પણ કરશે. જે લોકો આ પ્રોજેક્ટ પર છે, તેઓ એ જોવા આતુર અને ઉત્સાહિત છે કે એ કેવી રીતે આકાર લે છે. આ વખતે ‘વોર-2’નું ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખરજી કરી રહ્યા છે.

 

 

 

 

મોદી સરકારના કેબિનેટમાં વધુ એક ફેરફાર, એસપી સિંહ બઘેલનો વિભાગ બદલાયો

ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદમાં અચાનક ફેરબદલ કરવામાં આવ્યા છે. પહેલા કિરેન રિજિજુનું મંત્રાલય અને હવે કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલને બદલવામાં આવ્યા છે. હવે તેમને આરોગ્ય મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો સાથે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી હવે બીજા રાજ્ય પ્રધાનની ત્યાંથી બદલી કરવામાં આવી છે.

મેઘવાલ હાલમાં સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી છે. મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એસપી સિંહ બઘેલને કાયદા અને ન્યાય મંત્રાલયની જગ્યાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.

રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી મળી

આ પહેલા કિરેન રિજિજુના સ્થાને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા હતા. રિજિજુ હવે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો હવાલો સંભાળશે. ન્યાયિક નિમણૂકોને લઈને સુપ્રીમ કોર્ટ સાથે વિવાદમાં રહેલા રિજિજુ 7 જુલાઈ, 2021ના રોજ કાયદા પ્રધાન બન્યા હતા. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના રાજીનામા બાદ રમતગમત મંત્રી અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી રિજિજુને આ જવાબદારી મળી છે.

કોલેજિયમ સિસ્ટમની ટીકા કરી રહ્યા છે

કાયદા પ્રધાન તરીકે, રિજિજુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમની ટીકા કરવામાં સરકારમાં સૌથી વધુ અવાજ ઉઠાવનારા હતા. તેમણે આ વ્યવસ્થાને ભારતના બંધારણથી અલગ ગણાવી હતી અને કહ્યું હતું કે તેને દેશના લોકોનું સમર્થન નથી. કેટલાક નિવૃત્ત ન્યાયાધીશોને ભારત વિરોધી ગેંગનો ભાગ હોવા અંગેની તેમની તાજેતરની ટીપ્પણીઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.

તેમણે દાવો કર્યો હતો કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ ભારત વિરોધી ગેંગનો હિસ્સો છે તેઓ ભારતીય ન્યાયતંત્રને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી પરિષદના મંત્રીઓમાં પોર્ટફોલિયોની વહેંચણી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કિરેન રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા હતા.

કિરેન રિજિજુએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા

અર્જુન રામ મેઘવાલને અભિનંદન આપતાં કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું કે કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે નવી જવાબદારી મળવા પર મારા સાથી અર્જુન રામ મેઘવાલને શુભેચ્છાઓ. મને પૂરો વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેઓ સામાન્ય નાગરિકોને બહેતર ન્યાય આપવા માટે સમર્પિતપણે કામ કરશે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાંથી ‘ધ કેરળ સ્ટોરી’ પરથી પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. તામિલનાડુને પણ નિર્દેશ આપ્યો છે કે થિયેટરોમાં ફિલ્મ જોવાવાળાઓને સરકાર પર્યાપ્ત સુરક્ષા આપે. CJIએ ટિપ્પણી કરી હતી કે ફિલ્મને સેન્સર બોર્ડથી મળેલા સર્ટિફિકેટ મામલે હવે ઉનાળુ રજાઓ પછી સુનાવણી કરવામાં આવશે. હવે આ ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈએ થશે.

18 મેએ આ ફિલ્મને લઈને કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની સામે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી અને ફિલ્મના પ્રોડ્યુસરના વકીલ હરીશ સાલ્વેએ દલીલો કરી હતી.

કોર્ટમાં આ સુનાવણીમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂડવાની માગવાળી અરજીના વકીલે કહ્યું હતું કે ફિલ્મને અસલી જેમ રજૂ કરવામાં આવી છે અને ડિસ્ક્લેમરમાં કંઈક બીજું છે. એવું ના કરી શકાય. એના પર CJIએ ફિલ્મના પ્રોડ્યુસરના વકીલ હરીશ સાલ્વેને પૂછ્યું હતું કે એ 32,000નો આંકડો તોડીમરોડીને રજી કરવામાં આવ્યો છે, એના વિશે જણાવો. એના જવાબમાં સાલ્વેએ કહ્યું હતું કે આ કોઈ પ્રામાણિક આંકડો ઉપલબ્ધ નથી, પણ ઘટનાઓ થઈ છે.

આ વિવાદનો વિષય નથી. એ પછી CJIએ કહ્યું હતું કે આ ફિલ્મ કહે છે કે 32,000 મહિલાઓ ગાયબ છે. –એક ડાયલોગ છે એમાં. સાલ્વેએ કહ્યું હતું કે અમે ડિસ્ક્લેમર બતાવવા તૈયાર છીએ કે કોઈ પ્રામાણીક ડેટા એના પર ઉપલબ્ધ નથી. CJIએ કહ્યું હતું કે કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્યની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને કાયમ રાખવી એ પણ રાજ્યની જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે જ્યારે દેશમાં ફિલ્મ ચાલી શકે છે તો પશ્ચિમ બંગાળમાં શી સમસ્યા છે?

 

 

 

આઈઆઈટી ગાંધીનગરસ્થિત 2 ડિગ્રી કેફેની કમાલઃ સોલર, બાયોગેસ ઊર્જા સાથે રસોઈ રાંધે છે

આઈઆઈટી ગાંધીનગર સંસ્થા ખાતે લીલીછમ હરિયાળી વચ્ચે આવેલી છે 2 ડિગ્રી કેફે. આનું સંચાલન કરે છે સુમિતાભ તિવારી. આ કેફે પર્યાવરણ રક્ષણ અંગે જનજાગૃતિના ફેલાવાને અને સાથોસાથ કાર્બન ગેસના વપરાશમાં ઘટાડાને પ્રોત્સાહન આપે છે.

આ કેફેનો અનોખો અભિગમ તેના ઊર્જાના સ્રોત છે. સોલર થર્મલ, બાયોગેસ અને સોલર ફોટોવોલ્ટેક સિસ્ટમ્સનો ઉપયોગ કેફેની રસોઈ બનાવવા અને હીટિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. આને લીધે અન્ય ઈંધણ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ છે. તદુપરાંત ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટી ગયું છે.

2 ડિગ્રી કેફે એના નામ મુજબ ગ્લોબલ વોર્મિંગને મહત્તમ બે ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના સિદ્ધાંતને અનુસરીને કાર્ય કરે છે.

2 ડિગ્રી કેફેની સસ્ટેનેબલ એનર્જી સિસ્ટમના મુખ્ય ઘટક તરીકે છે સોલર થર્મલ ટેક્નોલોજી. આ કેફે સોલર કલેક્ટર્સનો ઉપયોગ કરે છે જે સૂર્યની ઊર્જાને સીધી ઉષ્ણતામાં જ પરિવર્તિત કરે છે, જ્યારબાદ તેનો ઉપયોગ જુદી જુદી રસોઈ રાંધવા માટે તેમજ હીટિંગની જરૂરિયાત માટે કરવામાં આવે છે. આને કારણે પરંપરાગત ઊર્જા પર કેફેની નિર્ભરતા ઘટી ગઈ છે એટલું જ નહીં, પરંતુ ઊર્જા માટેનો એનો ખર્ચ પણ ઘટી ગયો છે. આમ, આ આર્થિક રીતે અનુકૂળ ઉપાય સાબિત થયો છે.

કેફે હળદર, કાંદા અને ટમેટાંને સૂકવવા માટે સોલર ડ્રાયરનો ઉપયોગ કરે છે, જેથી તેનો ઉપયોગ સેન્ડવિચ અને બર્ગર બનાવવા માટે કરી શકાય. આ રીતે સૂકી કરેલી ચીજોનો વધારે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાય છે. હાલ, અંદાજે 10-15 ટકા જેટલી રસોઈ સોલર કૂકર પર કરવામાં આવે છે. તેઓ દાળ, ચોખા, શાકભાજી, ઈંડા, દૂધ વગેરે જેવી ચીજોને બાફવા માટે સોલર કૂકરનો ઉપયોગ કરે છે. આ કૂકર પર તેલમાં કંઈ તળવાનું હોય તો એ પણ બહુ જ સક્ષમ રીતે અને આસાનીપૂર્વક થાય છે.

2 ડિગ્રી કેફેમાં રીન્યુએબલ ઊર્જાના બીજા સ્રોત તરીકે બાયોગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આઈઆઈટી ગાંધીનગર કેમ્પસમાં જ બાયોગેસ પ્લાન્ટ આવેલો છે જે રસોડામાંથી નીકળતા ઓર્ગેનિક કચરા અને ખોરાકના અવશેષોનું એનેરોબિક ડાઈજેશન નામની પ્રક્રિયા દ્વારા બાયોગેસમાં રૂપાંતર કરે છે. આ બાયોગેસનો ઉપયોગ બાદમાં રસોઈ બનાવવા માટે સ્વચ્છ  બળતણ રૂપે કરવામાં આવે છે. આમ તે, પરંપરાગત રાંધણ ગેસનું સ્થાન લે છે અને ઓર્ગેનિક કચરાના વિઘટનથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.

કેફે માટે દરરોજ અંદાજે 25 કિલોગ્રામ ખોરાકના અવશેષોનો ઉપયોગ બાયોગેસ ઉત્પાદન માટે કરાય છે. આનાથી આશરે 4 ક્યૂબિક મીટર બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે, જે આશરે બે કિ.ગ્રા. એલપીજી જેટલું થાય. આમ દર મહિને બે એલપીજી સિલિન્ડર અને દર મહિને આશરે 4000 રૂપિયાની બચત થાય છે.

 

સસ્ટેનેબિલિટી માટે 2 ડિગ્રી કેફની પ્રતિબદ્ધતા તેની ઊર્જા પહેલ સાથે અટકી જતી નથી. કેફે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓને પણ અપનાવે છે, જેમ કે, બાયોડીગ્રેડેબલ પેકેજિંગનો ઉપયોગ કરે છે, કચરાનું વર્ગીકરણ અને પુનઃવપરાશને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક ખેડૂતોને સહાયરૂપ બનવા સ્થાનિક, ઓર્ગેનિક ઘટકોનું સોર્સિંગ કરે છે. કેફે તેના ગ્રાહકોને સસ્ટેનેબિલિટી વિશે માહિતગાર કરે છે અને એમને પર્યાવરણને અનુકૂળ ટેવો પાડવા પ્રોત્સાહિત કરે છે.

2 ડિગ્રી કેફે ભવિષ્યમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર ફોટોવોલ્ટેક ટેક્નોલોજી ઈન્સ્ટોલ કરવાની છે. કેફેની નજીકમાં ઈન્સ્ટોલ કરેલી સૌર પેનલ્સ વિપુલ પ્રમાણમાં મળતા સૂર્યપ્રકાશમાંથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરે છે. આ રીન્યુએબલ વીજળીનો ઉપયોગ આશરે 700 વોટના ડીસી ઈન્ડક્શન કૂકરને પાવર પૂરો પાડવા માટે કરાય છે. આનાથી દરરોજ બેથી ત્રણ યુનિટ વીજળીની બચત થાય છે.

ભાત રાંધવા માટે સોલર કૂકરમાં એક કિલોગ્રામ ચોખા બાફવા મૂકવાથી આશરે 200 ગ્રામ કાર્બનનો બચાવ થાય છે. કેફે દરરોજ સોલર કૂકરમાં આશરે 4-5 કિલોગ્રામ ચોખા, એક કિલોગ્રામ દાળ અને બેથી ત્રણ કિલોગ્રામ શાકભાજી રાંધે છે. ટૂંક સમયમાં જ તેઓ સોલર કૂકરનો વધારે ઉપયોગ કરવાના છે અને 50 ટકા જેટલી રસોઈ રીન્યૂએબલ એનર્જી સાધનો વડે રાંધશે.

અદાણી વિદ્યામંદિર, યુનિસેફ વચ્ચે શિક્ષણ માટે કોલોબોરેશન  

અમદાવાદઃ અદાણી વિદ્યામંદિર-અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલોબોરેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24માં “યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ” અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમ વાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું મોડેલ ઊભું કરાશે.

યુનિસેફ સાથેના કોલોબોરેશનથી વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધન સહિત અનેક ફાયદાઓ થશે, જેમાં તેમના દ્વારા ચલાવાતા ખાસ કાર્યક્રમો બાળઅધિકાર જાગૃતિ, ક્લાઇમેટ એક્શન, લાઇફ સ્કિલ્સ, બોડી પોઝિટિવિટી અને સેલ્ફ એસ્ટીમ, ન્યુટ્રિશન, એનિમિયા, ઓનલાઇન સેફ્ટી, નાણાકીય સાક્ષરતા અને બાળકોને હિંસામુક્ત કરવા જેવા વિષયોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી જણાવે છે કે અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી વિદ્યા મંદિર (અમદાવાદ) યુનિસેફ સાથેના સહયોગથી વિદ્યાર્થીઓને ઇમર્સિવ ભણતરનો લાભ મળશે તે ખૂબ જ આનંદની વાત છે.

અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ યુનિસેફ સાથે સહયોગ કરનાર ગુજરાતની પ્રથમ ખાનગી શાળા બનવા બદલ AVMA ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ વધારતા ગુજરાતમાં એક અનોખું મોડેલ બનાવવામાં યોગદાન આપશે. આ પહેલ હેઠળના વિવિધ કાર્યક્રમો એલિક્સિર ફાઉન્ડેશન સહિત અન્ય ભાગીદાર સંસ્થાઓ સાથે આયોજિત કરવામાં આવશે.

આ સહયોગ બદલ આનંદ વ્યક્ત કરતાં યુનિસેફની ગુજરાત ફિલ્ડ ઓફિસના વડા પ્રશાંતા દાશ જણાવે છે કે વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતા અદાણી વિદ્યા મંદિર સાથે યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ’ કરતાં યુનિસેફ આનંદ અનુભવે છે. આ ખાસ મોડેલમાં બાળકોની જાગૃતિ વધારવા અને સામાજિક મુદ્દાઓ પરત્વે તેમનો અવાજ બુલંદ કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા તેમજ વિકાસ અને ભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

AVMA આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે આદર્શ વિદ્યામંદિર છે. હાલ તેમાં અમદાવાદના 1000 વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણનાં મૂલ્યો સાથે જીવન ઘડતર થઈ રહ્યું છે. CBSE સંલગ્ન આ શાળામાં વિદ્યાર્થીઓને પરિવહન, ગણવેશ, પુસ્તકો અને ભોજનમાં પૂરક સહાય સાથે શિક્ષણ આપવામાં આવે છે. હાલ શાળામાં વિજ્ઞાન, વાણિજ્ય અને હ્યુમાનીટી સ્ટ્રીમના 4થી 12 સુધી ભણાવવામાં આવે છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ ‘NABET માન્યતા પ્રાપ્ત શાળા’ તરીકે AVMA ને પ્રમાણિત કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે.

 

 

 

 

શહેરની સુંદરતા વધારવા તૈયાર કરાયેલાં તળાવોની હાલત ખરાબ

અમદાવાદઃ સાબરમતીની બેઉ તરફ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિકસ્યા પછી ઘણાં ગામડાં શહેરમાં ભળી ગયાં. અમદાવાદમાં ભળી ગયેલા ગામતળનાં મોટા ભાગનાં તળાવોને રળિયામણાં કરવાનો પ્રયાસ પણ થયો. કરોડો રૂપિયાનો ખર્ચ કરી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. બગીચાની સાથે અનેક સુવિધાઓ આપવામાં આવી, પરંતુ હાલના સમયમાં મોટા ભાગનાં તળાવ સુકાભઠ્ઠ થઈ ગયાં છે. કેટલાક  કચરાપેટી, ઉકરડા કે રમતના મેદાન બની ગયાં. તો કેટલાંક અસામાજિક તત્વો કે ખાનાબદોશ લોકોનો અડ્ડો બની ગયાં છે.

પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, કાળીગામ અને ચાંદલોડિયાનાં બે, મેમનગરનાં બે, વસ્રાપુર વિસ્તાર સહિત અનેક તળાવોની દયનીય હાલત છે. મેમનગર વિવેકાનંદ ચોક અને ગામ પાસે આવેલાં બંને તળાવને કેબિનો, શેડ, વોક વે, ફૂલ ઝાડ સહિત અનેક સુવિધાઓથી તૈયાર કરવામાં આવ્યું હતું. હાલ મેમનગર આરએમએસ સોસાયટી સામેના તળાવની આસપાસ વાહનો અને રખડતાં ઢોરના અડ્ડા જોવા મળે છે. જ્યારે મેમનગર વિવેકાનંદ ચોક પાસે બગીચા સાથેનું તળાવ મેઇન્ટેનન્સ વગર સૂકુંભઠ્ઠ છે.

એ જ રીતે ચાંદલોડિયાનાં બેઉ તળાવ મેઇન્ટેનન્સ વગર ખરાબ હાલતમાં છે. આરંભે શૂરા એવા લોકો એ તળાવોનું બ્યુટિફિકેશન કરાવ્યું, આસપાસ બગીચા, વોક-વે બનાવ્યા. પરંતુ કાળજી, દેખરેખ અને સમારકામ વગર શહેરનાં મોટા ભાગનાં તળાવોને સુંદર બનાવવા કરોડો ખર્ચ્યા પછી પણ ગંદકીના ઢગ સાથે જર્જરિત થવા માંડ્યાં છે. તળાવોની ખરાબ સ્થિતિ તમામ વિસ્તારમાં છે. સૌથી મહત્ત્વ ની વાત એ છે કે કેટલાક વિસ્તારમાં તો મંત્રીઓ, માજી મંત્રીઓ, શહેરના ચૂંટાયેલા પક્ષના હોદ્દેદારો, અધિકારીઓનાં રહેઠાણ હોવા છતાં તળાવો,  બગીચા અને એમાં નાખવામાં આવેલી ચીજવસ્તુઓની હાલત ખરાબ છે..

(પ્રજ્ઞેશ વ્યાસ)

એમેઝોનની દેશમાં ક્લાઉડ ઇન્ફ્રામાં રૂ. 1.05 લાખ કરોડની રોકાણની યોજના

વોશિંગ્ટનઃ એમેઝોન વર્ષ 2030 સુધીમાં ભારતમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 12.7 અબજ ડોલર ( રૂ. 1,05,600 કરોડ)નું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપની મુખ્ય વિદેશી બજારોમાં AWS વેપાર વધારવા માટે પ્રતિબદ્ધ છે. જોકે કંપનીનું આ પગલું એવા સમયે આવી પડ્યું છે, જ્યારે કંપની આ ક્ષેત્રમાં ખર્ચને ઓછો કરી રહી છે. આ પહેલાં કંપનીએ AWS ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 3.7 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું, જેથી દક્ષિણ એશિયન બજારમાં બે ડેટા સેન્ટર ક્ષેત્રોની સ્થાપના થઈ હતી. કંપનીના આ નવા મૂડીરોકાણથી રૂ. 1,31,700 રોજગારીનું સર્જન થશે.

કંપની ભારતમાં એના કમિટમેન્ટને બે ગણું કરી રહી છે. ગયા વર્ષે કંપનીએ AWSમાં 4.4 અબજ ડોલરના મૂડીરોકાણનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.  કંપની આ નવા મૂડીરોકાણ થકી ભારતના ક્લાઉડ બજારમાં પોતાની હાજરી મજબૂત કરવાની ખેવના ધરાવે અને પોતાના પ્રભુત્વને વધુ મજબૂત કરવા ઇચ્છા ધરાવે છે. કંપનીનું ક્લાઉડ યુનિટસ AWS હાલમાં ભારતમાં ક્લાઉડ માર્કેટનું નેતૃત્વ કરે છે.

એમેઝોન વેબ સર્વિસિસ મુજબ વર્ષ 2030 સુધીમાં કંપનીનું ભારતમાં મૂડીરોકાણ 1640 કરોડ ડોલર (રૂ. 1.35 લાખ કરોડ) સુધી પહોંચી જશે. આ પહેલાં કંપનીએ 2016-22 સુધીમાં દેશમાં 370 કરોડ ડોલર (30,496 કરોડ)નું મૂડીરોકાણ કર્યું હતું. કંપની આગામી વર્ષ 1270 કરોડ ડોલર (રૂ. 1.05 લાખ કરોડ) મૂડીરોકાણ કરવાની છે. આ પ્રકારે 2030 સુધીમાં મૂડીરોકાણ રૂ. 1.35 લાખ કરોડથી વધુ થઈ જશે. આ મૂડીરોકાણથી સ્થાનિક અર્થતંત્ર પર ઊંડી અસર પડશે.આ મૂડીરોકાણથી 2030 સુધી ભારતના GDPમાં કંપનીનું યોગદાન રૂ. 1.94,700 કરોડ (2330 કરોડ) પર પહોંચી જશે.

 

સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી કર્ણાટકનું રાજકીય સંકટ ઉકેલાયું

બેંગલુરુઃ કર્ણાટકમાં સરકારની રચનાની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. કર્ણાટકથી દિલ્હી 100 કલાક ચાલેલા મંથન અને બેઠકોના દોર પછી CMના નામ પર મહોર લાગી છે. સિદ્ધારમૈયા મુખ્ય પ્રદાન હશે, જ્યારે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ ડીકે શિવકુમાર શિવકુમાર ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. તેમને સરકારમાં મહત્ત્વના મંત્રાલય પણ આપવામાં આવશે. સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી કર્ણાટકનું પૂરું રાજકીય સંકટ ઊકેલી શકાયું. હવે 20 મેએ કર્ણાટકમાં નવી સરકારની રચના થશે.

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર નહોતો કર્યો. જોકે સમયાંતરે પ્રદેશાધ્યક્ષ ડીકે શિવકુમાલ અને સિદ્ધારમૈયા CM પદ માટે પોતપોતાની દાવેદારી રજૂ કરતા હતા. જોકે કોંગ્રેસના હાઇ કમાન્ડ સિદ્ધારમૈયાને CM અને શિવકુમારને ડેપ્યુટી CM બનાવવાના પક્ષમાં હતા. જોકે શિવકુમાર CM પદથી બીજી કંઈ લેવાના મૂડમાં નહોતા.

જોકે આ નિર્ણયથી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશે કહ્યું હતું કે તેઓ આ નિર્ણયથી સંપૂર્ણપણે ખુશ નથી. હું ખુશ નથી, પરંતુ કર્ણાટકના હિતમાં અમારે અમારું કમિટમેન્ટ પૂરું કરવાનું છે, એટલે શિવકુમારને માનવું પડ્યું હતું. ભવિષ્યમાં અમે જોઈશું. બહુ લાંબી સફર નક્કી કરવાની છે. હું ઇચ્છતો હતો કે ભાઈ મુખ્ય પ્રધાન બને, પણ આવું ના થયું, હવે અમે રાહ જોઈશું, એમ તેમણે કહ્યું હતું.

કર્ણાટકમાં કોંગ્રેસે બહુ મોટી જીત મેળવી છે, છતાં રાજ્યમાં ચૂંટણી પરિણામોનાં પાંચ દિવસના લોબીઇંગ અને ઊંડા મંથન પછી કોંગ્રેસ નેતૃત્વ મુખ્ય પ્રધાનની ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે વિવાદ ઉકેલી શકી હતી.

 

 

 

 

મુસીબતના મુક્કા સામે સહનશીલતા સાથે ઝઝૂમો…

કિસ્સો જરા જૂનો છે, પણ આજે મારે જે કહેવું છે એ માટે ઉલ્લેખ જરૂરી છે. નેપાળના યુવરાજ દીપેન્દ્ર ત્યાંના પશુપતિ શમશેર જંગ બહાદુરની પુત્રી દેવયાની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ દીપેન્દ્રનાં રાજમાતાને આ સંબંધ મંજૂર નહોતો. આથી ગુસ્સે ભરાઈને દીપેન્દ્રે નજીક ઊભેલા સિક્યૉરિટી ગાર્ડની મશીનગન લઈ માતા-પિતા, ભાઈઓ સહિત આઠ જણની હત્યા કરી. પછી પોતાના લમણામાં ગોળી મારી છેલ્લો શ્વાસ લીધો.

ભૂતકાળમાંથી હવે વર્તમાનમાં આવી જઈએ. સોમવાર, 15 મેની સમી સાંજે મુંબઈમાં બે મિત્રો સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી પૂરપાટવેગે આવતી કાર એમને ઓવરટેક કરી આગળ નીકળી ગઈ. મિત્રો હેબક ખાઈ ગયા. જો કારવાળાની જરીક ગફલત થાત તો સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો હોત. આગળ જઈ મિત્રોએ પેલા કારવાળાને જેમતેમ રોકી આવી સ્પીડે ને બેદરકારીથી કાર ચલાવવાનું કારણ પૂછ્યું. બન્ને કંઈ સમજે એ પહેલાં તો કારચાલકે સ્ટીલના સળિયાથી મિત્રો પર હુમલો કર્યો. આટલું જ નહીં, પણ ખીસામાંથી ગન કાઢી બન્નેને મારી નાખવાની ધમકી પણ આપી.

ઉપરોક્ત પ્રસંગોમાં કારણ સામાન્ય છે, પણ પરિણામ અસામાન્ય. કારણઃ સહનશક્તિનો અભાવ. મુંબઈના કિસ્સામાં કારચાલકે પેલા સ્કૂટરવાળાને એક જ શબ્દ કહેવાનો હતોઃ સૉરી. એના બદલે વાતનું વતેસર થયું, કારચાલકની દાદાગીરીનો વિડિયો વાઈરલ થયો, પોલીસે એની અરેસ્ટ કરી, મામલો કોર્ટમાં ગયો, જ્યાં અમુક હજાર રૂપિયા ભરી કારચાલકે જામીન મેળવ્યા. હવે કેસ ચાલશે.

અહીં જરા અટકીને એ વિચારીએ કે જીવનમાં બનતી નાની-મોટી ઘટના વખતે લીધેલા આવા ઘાતક નિર્ણયથી આપણે પ્રશ્નને ઉકેલતા નથી, પરંતુ વધુ જટિલ બનાવીએ છીએ. તે વખતે જરૂર હોય છે સહનશીલતા, જેની આજે ચોમેર અછત વરતાય છે.

અમદાવાદની ફૅમિલી કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.ડી. સોની પચીસ વર્ષનો જાતઅનુભવ વર્ણવતાં કહે છે કે, “પરિવારમાં ઊભી થયેલી તિરાડ અને લગ્નજીવન તૂટવાનું કારણ છે સહનશક્તિ અને સમજણશક્તિનો અભાવ.”

બૉક્સિંગની રમતના જાણકારો કહે છે કે, બૉક્સિંગમાં તમે કેટલા જોરથી મુક્કા મારો છો તેના કરતાં પ્રતિસ્પર્ધીના મુક્કા સહન કરીને કેટલું ઝઝૂમો છો તે અગત્યનું છે. એ જ રીતે મુશ્કેલી-મુસીબતના મુક્કા સામે સમજણ સાથેની સહનશીલતા જ આપણને લડતાં-ઝઝૂમતાં શીખવે છે, જે મહાન પુરુષો-સાધુસંતોનાં જીવનમાં જોવા મળે છે.

વ્યક્તિના પોતાના શારીરિક, આર્થિક, પારિવારિક કે સામાજિક પ્રશ્નોમાં એણે દાખવેલી સહનશક્તિથી તેના સંસ્કાર અને સજ્જનતાની કિંમત અંકાય છે. સામાન્ય રીતે માણસ સહન તો કરતો જ હોય છે, પણ ગરજથી કે મજબૂરીથી, જ્યારે મહાન પુરુષો સહન એક ચોક્કસ સમજણ સાથે કરતા હોય છે.

એક વાર સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યાઃ “મારા જીવનમાં ખૂબ દુઃખ છે. ઘડીએ ઘડીએ આનંદ છીનવાઈ જાય છે, આનંદ કેવી રીતે આવે?”

પ્રત્યુત્તરમાં પરમહંસજી કહેઃ “મને બીજું કાંઈ આવડતું નથી. કેવળ કક્કો આવડે છે. કક્કામાં ‘સ’ ત્રણ પ્રકારના આવે છે, જે સદા આનંદમાં રહેવાની ચાવી આપે છેઃ સહન કરો, સહન કરો, સહન કરો. આ જ સુખશાંતિનો ઉપાય છે.”

તો, જીવનનાં ૯૧ વર્ષ જેમણે સમાજના નૈતિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અવિરત વિચરણ પાછળ ગાળ્યાં તેવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ખભો એક વાર સખત દુખતો હતો. સંતોએ પૂછ્યું કે, “આ સહન કઈ રીતે કરો છો?”  આ સવાલના જવાબમાં તેમની શિરમોડ સહનશીલતા પાછળની ઊંચી સમજણનો સૌને પરિચય થયો. તેમણે જણાવ્યું કે, “રડવાથી દુઃખ ઓછું ન થાય અને બીજાને કહેતાં ફરીએ એમાં બમણું થાય. કેમ કે સાંભળનારને પણ દુઃખ થાય. એકમાત્ર ઉપાય છે શાંતિથી સહન કરવું. અવસ્થા થઈ એટલે આવું તો રહેવાનું જ. ભગવાનની ઈચ્છા સમજીને રાજી રહેવું એ સમજણ રાખીએ તો વાંધો ન આવે.”

સમજણ સાથે સહન કરવું તે આધ્યાત્મિક ગુણ છે અને એટલે જ તેને શિરમોડ સહનશીલતા કહેવાય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 906 નવા કેસો, 20નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 906 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 20 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,84,058 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,814 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,42,065 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2661 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 10,179એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1.29,610 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.89 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,94,822 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 870 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.