Home Blog Page 287

તલ, ખજૂર, ઘી, ગોળનું અત્યારે શું કામ છે?

પ્રશ્ન: મારે પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. મારા રિપોર્ટ્સમાં હિમોગ્લોબીન ઓછું બતાવે છે. મારા ગાયનેકોલોજિસ્ટે આયર્ન તથા ફોલિક એસિડની દવા શરૂ કરાવી છે, પરંતુ એવો કયો આહાર છે જે હિમોગ્લોબીન વધારે અને પ્રેગ્નન્સીમાં પણ લઈ શકાય?
– વિભા કાલરીયા (જૂનાગઢ)

ઉત્તર: પ્રેગ્નન્સીનો આ તબક્કો હિમોગ્લોબીન સારા પ્રમાણમાં જાળવી રાખવા માટે હોય છે કારણ કે આ સમયે ભ્રુણમાંથી બાળક તૈયાર થઇ રહ્યું હોય છે. એ માટે આયર્ન ફોલિક એસિડ, કેલ્શિયમ અને પ્રોટીનની જરૂરત વધે છે.

એ માટે આહારમાં પાલક, લીલા પાનવાળા શાકભાજી, ખજૂર, દાળિયા, દાડમ, ગોળ, પૌંવા વગેરે જેવા વધુ આયર્નયુક્ત ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધારવો. જો કે એ બાબતનું ધ્યાન રાખવું કે આયર્નના શરીરમાં ભળે અને યોગ્ય ઉપયોગ થાય એ માટે (એબ્ઝોર્પશન) સાથે વિટામિન-સી લેવું જરૂરી છે, જે ખટાશવાળા ફળોમાંથી સારા પ્રમાણમાં મળે છે. જેમ કે અગર પાલકનું સૂપ લઇ રહ્યા છો તો તેમાં ટામેટા અથવા લીંબુ ઉમેરીને ઉપયોગમાં લેવું. દાડમના જ્યુસમાં આયર્ન તેમ જ વિટામિન બંને રહેલા છે છતાં પણ એમાં આંબળાનો રસ ઉમેરી શકાય. પૌવામાં સારા પ્રમાણમાં લીંબુ ઉમેરો. આ પ્રકારના સંયોજનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય.

હાથલાનો જ્યુસ (જેને ફિંડલાનો જ્યુસ પણ કહેવામાં આવે છે) એ થોરના છોડમાંથી મળી આવતો લાલ રંગનો ભાગ છે. તેમાં આયર્નનું પ્રમાણ ખૂબ સારું હોય છે. એ નિયમિત પીવાથી ઝડપથી હિમોગ્લોબીન વધારી શકાય છે. પરંતુ પ્રેગ્નન્સીમાં તેને લેવાની ભલામણ કરતા કોઈ પુરાવા નથી આથી એનો ઉપયોગ આ સમયે કરવો સલાહભર્યો ન કહી શકાય. છતાં પણ આ જ્યુસ નિયંત્રિત માત્રામાં લેવો હોય તો લઇ શકાય.

અલબત્ત, તમારે ડોક્ટરે સૂચવ્યા મુજબ નિયમિત દવા લેવી તો હિતાવહ રહેશે જ.

પ્રશ્ન: કયા પ્રકારનું નમક સ્વાસ્થ્ય માટે વધારે સારું છે?
– હિમાની ઠાકોર (અમદાવાદ)

ઉત્તર: નમક એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, જેના વગર ભોજનમાં સ્વાદ આવતો નથી. આ એક પ્રકારનું મિનરલ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે જો એ નિયંત્રિત માત્રામાં લેવામાં આવે. આપણી મીઠાંની દરરોજની  જરૂરિયાત લગભગ પાંચ ગ્રામ છે. એમાંથી બે ગ્રામ જેટલું નમક આપણને કુદરતી ખાદ્યસામગ્રીમાંથી જ મળી રહે છે. બાકીની જરૂરત આપણે મીઠાંને રસોઈમાં ઉમેરીને પૂરી કરીએ છીએ.

ખરેખર જોવા જઇએ તો કોઈપણ પ્રકારનું નમક બેસ્ટ નથી, પરંતુ નિર્ધારિત માત્રામાં લેવા માટે હિમાલયન પિન્ક સોલ્ટ, બ્લેક સોલ્ટ કે પછી કોઈ પણ બ્રાન્ડનું આયોડાઇઝડ સોલ્ટ પ્રમાણસર લઈ શકાય. બ્લડપ્રેશરની કે હાર્ટની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે હિમાલયન સોલ્ટ સારું ગણી શકાય કારણ કે એમાં પોટેશિયમ તેમજ સોડિયમની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે. કાલા નમક એટલે કે બ્લેક સોલ્ટ પણ જેમને ડાઈજેશનની તકલીફ હોય એમના માટે સારું છે. એ બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવા માટે પણ ઉપયોગી છે. એમાં રહેલા ટ્રેસ મિનરલ્સ પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે.

ઘણા લોકોને ઘણી ચીજમાં મીઠું ઉપરથી નાખવાની આદત હોય છે. દાળ કે શાકમાં નમક ઓછું હોય તો તરત જ ઉપરથી ઉમેરીને લે છે. સલાડમાં તો ઘણા લોકો મીઠું ભભરાવે છે. આ પ્રકારની ટેબલ સોલ્ટની આદત ચોક્સપણે નુકસાન કરી શકે. એમાં તમે કોઈપણ પ્રકારનું મીઠું લો, એ સ્વાસ્થ્ય બગાડનારું સાબિત થશે.

પ્રશ્ન: કહેવાય છે કે શિયાળામાં તલ, ગોળ, ઘી,ખજૂર ,દાળિયા વગેરે ચોક્કસપણે ખાવા જોઈએ. આ ચીજો આ સીઝનમાં લેવાનું શું કારણ છે?

– મીના કોટેચા (રાજકોટ)

ઉત્તર: શિયાળો પોતાની સાથે ઠંડો પવન, ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ લાવે છે, પરંતુ એ સુસ્તી, સાંધાના દુખાવો, શરીર જકડાઈ જવું જેવી ઠંડીને કારણે થતી અનેક સ્વાસ્થ્ય સમસ્યા પણ લાવે છે. આવી સ્થિતિમાં, તલ અને ગોળનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઇ શકે છે.

હા, શિયાળાની ઋતુમાં ખજૂર, તલ, ગોળ, ઘી વગેરે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ બધા પ્રકારના ખાદ્યો તમને ઘણી મોસમી સમસ્યાથી બચવામાં મદદ કરી શકે છે.

તલ, ગોળ, ખજૂર વગેરેમાં ગરમીની અસર હોય છે. તે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે.  જેનો ઉપયોગ શરીરમાં ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે જે આપણને શરદી, ફલૂ અને કફથી બચાવે છે. આ જ કારણથી ઉપરોક્ત સામગ્રીમાંથી બનાવેલી ચીક્કી તથા ખજૂર પાક પણ શિયાળામાં લેવાય છે.

શિયાળામાં કાઠિયાવાડી જમણમાં ગોળ ચોક્કસપણે હોય જ છે કારણ કે ગોળ એ ઉર્જાનો ભંડાર છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા ઉપરાંત તમારા ચયાપચયની ક્રિયા જાળવી રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. ગોળ એ એક કુદરતી ઉર્જા બુસ્ટર છે જે ઝડપથી પચી જાય છે અને ધીમે ધીમે લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે, જે તાત્કાલિક ઉર્જા પુરી પડે છે અને થાક પણ દૂર કરે છે.એ આયર્નનો ભરપૂર સ્ત્રોત છે અને એમાંથી કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં મળે છે એટલે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં પણ એ રાહતનું કામ કરશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

અમેરિકામાં ઇમર્જન્સી જાહેરઃ 6000થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ અમેરિકા હાલમાં એક અત્યંત ખતરનાક વિન્ટર સ્ટોર્મ (Winter Storm)ની ચપેટમાં છે, જેને કારણે દેશમાં ભયનો માહોલ છે. ભારે હિમવર્ષા, વરસાદ અને જાનલેવા ઠંડીને કારણે સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. આ ભીષણ તોફાનને કારણે 6000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને લાખો લોકોની મુસાફરીની યોજનાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

17 રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર

અમેરિકાના ઓછામાં ઓછાં 17 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં અલબામા, આર્કાન્સા, જ્યોર્જિયા, કાન્સાસ, કેન્ટુકી, લુસિયાના, મેરીલેન્ડ, મિસિસિપી, મિસૌરી,  ન્યુ જર્સી, ન્યુ યોર્ક, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, સાથધ કેરોલિના, ટેનન્સેસિયા, ટેક્સાસ, વર્જિનિયા અને વોશિંગ્ટન ડીસીનો સમાવેશ થાય છે. સ્થિતિ એટલી ગંભીર છે કે પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

વિનાશ મચાવી શકે છે તોફાન

આ ખતરનાક તોફાન લગભગ 1500 માઇલ સુધી ફેલાઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલ મુજબ તે 2000 માઇલથી વધુ વિસ્તારને પોતાની ચપેટમાં લઈ શકે છે. ટેક્સાસથી લઈને ન્યુ ઇંગ્લેન્ડ સુધી બરફ અને બરફીલા પવનનો કહેર જોવા મળી શકે છે. આવનારા અઠવાડિયામાં અમેરિકાની અડધીથી વધુ વસ્તીને શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડી શકે છે.

વોશિંગ્ટન ડીસીમાં સ્નો ઇમરજન્સી (Snow Emergency) લાગુ કરવામાં આવી છે. પ્રશાસને લોકોને સ્નો ઇમરજન્સી રૂટ પરથી વાહનો હટાવવાનો આદેશ આપ્યો છે. અંદાજ મુજબ અહીં ઓછામાં ઓછો નવ ઇંચ બરફ પડી શકે છે અને ત્યાર બાદ ફ્રીઝિંગ રેન સ્થિતિને વધુ જોખમી બનાવી શકે છે.

 6000થી વધુ ફ્લાઇટ્સ રદ

હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. શનિવારે 2836થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે રવિવારે અત્યાર સુધીમાં 3587 ઉડાનો રદ થઈ ચૂકી છે. આ રવિવાર ગયા એક વર્ષમાં અમેરિકાનો સૌથી ખરાબ દિવસ બની ગયો છે. રાજ્ય અને સ્થાનિક પ્રશાસને વીજ પુરવઠો બંધ થવો, પાણીની પાઇપલાઇનો જામ થવી અને રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થવાની ચેતવણી આપી છે. લોકો ડરના કારણે કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનોમાં જોવા મળ્યા અને ઘણા સ્ટોર્સની શેલ્ફ થોડા જ કલાકોમાં ખાલી થઈ ગઈ.

ભારતમાં ટીવી દર્શકો ૨૦૨૯ સુધીમાં એક અબજને પાર કરશે: IIM-A

અમદાવાદ: ભારતના આર્થિક વિકાસની ઝડપ, વધતી આવક અને સાક્ષરતા દરના વધારા સાથે ટીવી સામગ્રીના વપરાશ અને ટેલિવિઝન લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. આ વાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ (IIMA)ના પ્રોફેસર વિશ્વનાથ પિંગળી (ઇકોનોમિક્સ) અને અંકુર સિંહા (ઓપરેશન્સ એન્ડ ડિસિઝન સાયન્સિસ) દ્વારા તૈયાર કરાયેલા ‘ફ્યુચર ઓફ ટીવી ઇન ઇન્ડિયા’ અહેવાલમાં જણાવવામાં આવી છે.

આ અહેવાલ Brij Disa Centre for Data Science and Artificial Intelligence (CDSA) દ્વારા સમર્થિત છે. તેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે સુધારતા સામાજિક-આર્થિક સૂચકાંકો અને ઇન્ટરનેટ પેનેટ્રેશનના વધારા સાથે ભારતના ટીવી દર્શકો ૨૦૨૯ સુધીમાં લગભગ ૧.૦૩ અબજ સુધી પહોંચી જશે. વર્તમાનમાં ટીવી દર્શકો વાર્ષિક લગભગ ૨.૩૭%ના દરે વધી રહ્યા છે.

અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રામીણ અને નીચી આવકવાળા રાજ્યોમાં ૨૦૨૯ સુધીમાં મોટો વિકાસ થશે. કારણ કે ત્યાંની આવક વધુ આવકવાળા રાજ્યોના વર્તમાન સ્તરને પાછળ પાડશે. ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ટીવી દર્શકો વધારવાનું મુખ્ય કારણ બની રહી છે. ઇન્ટરનેટની પહોંચ વધવાથી ટીવી અને ઓનલાઇન વીડિયો કન્ટેન્ટ બંનેનું વપરાશ સાથે-સાથે વધશે, જે પૂરક અસર દર્શાવે છે.

પ્રોફેસર વિશ્વનાથ પિંગળીએ કહ્યું, “અમારા સંશોધનનો ઉદ્દેશ ટીવીને પરિપક્વ માધ્યમ તરીકેના વિકાસના માર્ગને ડેટા આધારિત સૂચકો દ્વારા સ્થાપિત કરવાનો હતો. વધતી આવક અને સાક્ષરતા દર, ખાસ કરીને ગ્રામીણ અને નીચી આવકવાળા વિસ્તારોમાં, ટીવીની સ્વિકૃતિને મજબૂત બનાવે છે.”

પ્રોફેસર અંકુર સિંહાએ ઉમેર્યું, “અમારા મોડલમાં ઇન્ટરનેટ પેનેટ્રેશન ટીવી દર્શકો વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગ્રામીણ અને ઓછા વિકસિત વિસ્તારોમાં આર્થિક પરિવર્તન ટીવીના આગામી વિકાસનું નેતૃત્વ કરશે.”

અહેવાલમાં સાક્ષરતા દર અને ડિપેન્ડન્સી રેશિયો સાથે ટીવી અપનાવવાનો મજબૂત સંબંધ દર્શાવવામાં આવ્યો છે. ટીવી સામાજિક વિકાસનું ઉત્પ્રેરક બની રહ્યું છે, જેમાં સમાન ભાષાના સબટાઇટલ્સથી ગ્રામીણ ભારતમાં સાક્ષરતા વધે છે. ટીવી પાત્રો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને લિંગ નિયમો, વ્યક્તિગત સ્વાયત્તતા તથા આર્થિક સ્વતંત્રતા પ્રત્યે પ્રગતિશીલ વલણોને પ્રોત્સાહન આપે છે.

આ અહેવાલમાં રાજ્યવાર પ્રોજેક્શન્સ સાથે ભવિષ્યવાદી ઓડિયન્સ એસ્ટિમેશન મોડલ રજૂ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ, પ્રતિ વ્યક્તિ GSDP, સાક્ષરતા દર વગેરેને ધ્યાનમાં લઈને ટીવી વ્યૂઅરશિપનો અંદાજ આપે છે. આ અભ્યાસ ટીવીની ટકાઉ તાકાતને શૈક્ષણિક રીતે માન્ય કરે છે.

ગુજરાતી નાટ્ય જગતના વરિષ્ઠ કલાકાર રાજુ બારોટનું નિધન

ગુજરાતી કલા જગતમાં મોટી ખોટ પડી છે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું છે. આ સમાચારથી ગુજરાતી કલાકારો, સાહિત્યકારો અને કલાપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતી રંગભૂમિના ભિષ્મ પિતામહ સમાન અને વરિષ્ઠ કલાકાર રાજુ બારોટના અવસાનથી કલાજગતમાં શોકની લાગણી છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. સુત્રોના જણાવ્યાનુસાર રાજુ બારોટ ઉત્તરાખંડના પ્રવાસે હતા એ દરમિયાન ત્યાં અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે દેહ છોડી દીધો. જાણીતા રંગકર્મી રાજુ બારોટની આકસ્મિક વિદાયથી સૌ કોઈ સ્તબ્ધ છે.

કલાકારા રાજુ બારોટ વિશે વાત કરીએ તો એ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ નિર્દેશક અને નાટ્યગુરૂ પણ હતાં. રાજુ બારોટ અમદાવાદની જાણીતી નાટ્ય સંસ્થા ‘અમદાવાદ થિયેટર ગ્રુપ’સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક યુવા કલાકારોને માર્ગદર્શન આપી પ્લોટફોર્મ પુરૂ પાડ્યુ હતું.ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. નાટ્યજગતમાં તેમના યોગદાન બદલ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઓશિવારા ફાયરિંગ કેસમાં કમાલ આર ખાનની ધરપકડ

મુંબઈના ઓશિવારાના અંધેરી ખાતે એક રહેણાંક મકાનમાં ગોળીબાર કરવાના આરોપમાં અભિનેતા, લેખક અને નિર્માતા કમલ આર.ખાનની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે તેણે ગોળીબારની કબૂલાત કરી લીધી છે.

અભિનેતા-નિર્માતા અને કથિત ફિલ્મ વિવેચક કમલ આર. ખાન ઘણીવાર તેમની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે હેડલાઇન્સમાં રહે છે. ગયા શુક્રવારે, મુંબઈ પોલીસે તેમની અટકાયત કરી હતી. કમલ આર. ખાન, જેને KRK તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને 18 જાન્યુઆરીએ મુંબઈના ઓશિવારાના અંધેરી ખાતે એક રહેણાંક મકાન પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પૂછપરછ કરી હતી અને આજે, શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈના ઓશિવારા વિસ્તારમાં થયેલી ફાયરિંગ ઘટનાના સંદર્ભમાં પૂછપરછ બાદ અભિનેતા-નિર્માતા કમાલ આર ખાનની ધરપકડ કરવામાં આવી છે. તે આજે કોર્ટમાં હાજર થશે. મુંબઈ પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

ગુનો કબૂલીને આ ખુલાસો કર્યો

ઓશિવારા ફાયરિંગ કેસમાં પોલીસ કસ્ટડીમાં KRK એ પોતાનો ગુનો કબૂલી લીધો. મુંબઈ પોલીસની ટીમે KRK ની પૂછપરછ કરી. KRK એ કબૂલ્યું કે તેણે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યો હતો. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે તે બંદૂક સાફ કરી રહ્યો હતો અને તેની તપાસ માટે તેના ઘરની સામેના જંગલવાળા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. તેનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો.

શું દિગ્દર્શક અને મોડેલને નિશાન બનાવવામાં આવ્યા હતા?

પોલીસે KRK ની બંદૂક પણ જપ્ત કરી છે. અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટના 18 જાન્યુઆરીએ ઓશિવારા વિસ્તારના એક રહેણાંક મકાનમાં બની હતી. પોલીસને નાલંદા સોસાયટીમાંથી બે ગોળીઓ મળી આવી હતી, એક બીજા માળેથી અને બીજી ઇમારતના ચોથા માળેથી. આ ઘરોમાંથી એક લેખક-દિગ્દર્શકનું છે અને બીજું મોડેલનું છે. ઓશિવારા વિસ્તારમાં દિગ્દર્શક અને મોડેલના ઘરે ગોળીબારથી સનસનાટી મચી ગઈ હતી. જોકે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી.

હથિયારના દસ્તાવેજોની તપાસ ચાલુ છે
ઓશિવારા પોલીસે KRK ના શંકાસ્પદ હથિયારને જપ્ત કર્યું છે. તેને લગતા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. ઓશિવારા પોલીસના જણાવ્યા અનુસાર, KRK ને શુક્રવારે મોડી સાંજે ઓશિવારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઓશિવારા પોલીસ સ્ટેશનની 18 સભ્યોની ટીમ, ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો સાથે, તપાસમાં સામેલ હતી. પ્રારંભિક તપાસમાં CCTV ફૂટેજમાંથી કોઈ નક્કર સંકેતો મળ્યા નથી. ત્યારબાદ, ફોરેન્સિક ટીમની મદદથી, પોલીસે તારણ કાઢ્યું કે ગોળી કમલ આર. ખાનના બંગલામાંથી ચલાવવામાં આવી હશે.

કમલ આર.ખાને શું કહ્યું?

પોલીસ પૂછપરછ દરમિયાન KRK એ સ્પષ્ટતા કરી કે તેનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે કહ્યું કે તેના ઘરની સામે એક મોટું મેંગ્રોવ જંગલ છે. બંદૂક સાફ કર્યા પછી, તેણે તેનું પરીક્ષણ કરવા માટે તેમાંથી ફાયરિંગ કર્યું. તેને લાગ્યું કે ગોળી મેંગ્રોવ જંગલમાં ક્યાંક જતી રહેશે, પરંતુ જ્યારે તેણે ફાયરિંગ કર્યું ત્યારે જોરદાર પવન હતો, જેના કારણે ગોળી ઓશિવારામાં એક ઇમારતમાં વાગી. KRK એ ફિલ્મ “દેશદ્રોહી” માં કામ કર્યું છે. તેમણે નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. આ દિવસોમાં, તેઓ સોશિયલ મીડિયા પર તેમની વિવાદાસ્પદ પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેમની પોસ્ટ્સમાં, તેઓ ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ અને ફિલ્મોને નિશાન બનાવે છે.

સાયબર ફ્રોડ: ચાર વર્ષમાં એક વ્યક્તિ પાસેથી રૂ. 6.3 કરોડની છેતરપિંડી

ગુરુગ્રામઃ ગુરુગ્રામના સેક્ટર 54માં રહેતા 58 વર્ષીય નિવૃત્ત વ્યાવસાયિક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે એક સુવ્યવસ્થિત સાયબર ગુનાહિત ગેંગે ચાર વર્ષ દરમિયાન સેંકડો લેવડદેવડ દ્વારા તેમની પાસેથી કુલ રૂ. 6.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ઠગી લીધા. પીડિતના જણાવ્યાનુસાર પોતાને એરલાઈન ક્રૂ સભ્ય, વકીલ અને પોલીસ અધિકારી તરીકે રજૂ કરનાર ઠગોએ તેમને ચાર વર્ષ સુધી ધમકીઓ આપી, ખોટા દસ્તાવેજો અને ડીપફેક તસવીરોનો ઉપયોગ કરીને ડરના માહોલમાં ફસાવી પૈસા પડાવ્યા હતા.

આ મામલે સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 308(2) (જબરદસ્તી ઉઘરાણી), 316(2) (આપરાધિક વિશ્વાસઘાત), 351(2) (આપરાધિક ધમકી), 356(2) (માનહાની) અને 61 (આપરાધિક સાજિશ) હેઠળ FIR નોંધવામાં આવી છે.

ફેસબુક પર મહિલાથી થયો સંપર્ક

ફરિયાદીના જણાવ્યા મુજબ આ ઘટના મે, 2021માં શરૂ થઈ હતી, જ્યારે ફેસબુક પર કિમ ઉર્ફે પ્રિયંકા સંગમ નામની એક મહિલાથી તેમનો સંપર્ક થયો. તેણીએ પોતાને દુબઈ સ્થિત એમિરેટ્સ એરલાઈન્સમાં એર હોસ્ટેસ હોવાનો દાવો કર્યો હતો. બંને નિયમિત રીતે ચેટ કરવા લાગ્યા. પોતાની ખોટી ઓળખને સાચી બતાવવા માટે તેણે વિમાનની અંદરની તસવીરો અને વ્યક્તિગત તસવીરો મોકલી, જેને કારણે પીડિતને તેની ઓળખ પર વિશ્વાસ આવી ગયો.

 ઠગોની ધમકીઓ

પીડિતે જણાવ્યું હતું કે થોડા સમયમાં મહિલાએ મોર્ફ કરેલી તસવીરો, ખોટા ચેટ સ્ક્રીનશોટ અને આપત્તિજનક સામગ્રી મોકલીને પૈસાની માગ શરૂ કરી અને ધમકી આપી કે જો ચુકવણી નહીં થાય તો તે બધું જાહેર કરી દેશે. પરિવારના સભ્યો, સહ કર્મચારીઓ અને વ્યાવસાયિક સંપર્કોને સંપર્ક કરવાની ધમકી સાથે દબાણ વધુ વધ્યું.

તેમણે ફરિયાદમાં કહ્યું, “જો હું કોઈ નંબર બ્લોક કરતો તો તેઓ અલગ-અલગ નંબરોથી સંદેશ મોકલતા. જ્યારે બીજા લોકોએ પણ મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે આ એક મોટું કૌભાંડ છે.

 પોલીસ તપાસમાં વ્યસ્ત

અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓનું પત્તો લગાવવા અને આ સમગ્ર ઓપરેશન પાછળના નેટવર્કની ઓળખ કરવા માટે તપાસ ચાલી રહી છે. મામલાથી જોડાયેલા બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી નાણાકીય હેરાફેરીની શક્યતાઓ શોધી શકાય.

FTA દ્વારા યુરોપિયન યુનિયનનો મોટો ભાગીદાર બનશે ભારત

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયનના નેતાઓ 25થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવવાના છે. આ રાજકીય મુલાકાત પહેલાં વિદેશ બાબતો અને સુરક્ષા નીતિ માટેની ઉચ્ચ પ્રતિનિધિ તથા યુરોપિયન કમિશનની નેતા કાયા કલ્લાસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત–યુરોપિયન યુનિયન વચ્ચેનું મુક્ત વેપાર કરાર (FTA) એક વ્યૂહાત્મક વિકલ્પ છે. આ FTA યુરોપિયન યુનિયનને ચીન, રશિયા અને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની સારી તક આપશે.

વાસ્તવમાં, એસ્ટોનિયાનાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને વિદેશ મંત્રી રહેલાં કાયા કલ્લાસે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને ભારત 27 જાન્યુઆરીએ ભારત–યુરોપિયન યુનિયન નેતાઓના શિખર સંમેલનમાં નવી સુરક્ષા અને રક્ષા ભાગીદારી પર હસ્તાક્ષર કરશે. તેઓ જાતે આ શિખર સંમેલનમાં ભાગ લેશે.

પ્રજાસત્તાક દિન પર EUના નેતાઓ મુખ્ય મહેમાન

દેશમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના પ્રસંગે યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન શનિવારે ભારત પહોંચશે. એ સાથે જ યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા રવિવારે આવશે. બંને 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે અને 27 જાન્યુઆરીએ શિખર સંમેલનમાં ભાગ લેશે.

ભારત મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર

ભારત સાથેના સંવાદ અંગે કાયા કલ્લાસે કહ્યું હતું કે અમે સંવાદ અને સહકારથી શરૂઆત કરી હતી અને આજે વેપાર, સુરક્ષા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પ્રજાસત્તાક દિન પર યુરોપિયન યુનિયનના નેતૃત્વને આમંત્રિત કરવું એક મોટું સન્માન છે અને તે સાચા વિશ્વાસને દર્શાવે છે. ભારત હવે માત્ર મહત્વપૂર્ણ ભાગીદાર નથી, પરંતુ એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર બની ગયું છે. આ એક ગુણાત્મક પરિવર્તન છે.

બે અબજ લોકોનું નવું બજાર

ભારત–યુરોપિયન યુનિયન વચ્ચેના FTA અંગે તેમણે જણાવ્યું હતું કે આ મુક્ત વેપાર કરાર બે અબજ લોકો માટે એક બજાર ઊભું કરશે, જે વૈશ્વિક GDPના લગભગ ચોથા ભાગ જેટલું છે. આ કરાર રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપશે, સપ્લાય ચેઇનને મજબૂત કરશે અને બંને પક્ષોની કંપનીઓ માટે નવી તકો ખોલશે. આ કરાર ચીન, રશિયા અને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની તક પણ આપશે. એવા સમયમાં જ્યારે મુક્ત વેપાર પર દબાણ વધી રહ્યું છે અને સપ્લાય ચેઇનનો દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ કરાર એક વ્યૂહાત્મક નિર્ણય છે.

પૂર્વા જોષીપુરાઃ કતલખાનેથી પ્રગટેલી કરૂણા….

આ વાત છે વર્ષ 2000ની. પ્રાણીઓના અધિકારો માટે દુનિયાભારમાં કામ કરતી સંસ્થા પીટા (પીપલ ફોર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ) ની ભારતમાં શરૂઆત થઇ ત્યારે અમેરિકાથી એક યુવતી ભારત આવેલી. હજુ આગલા વર્ષે જ પીટામાં જોડાયેલી આ યુવતી ભારતમાં કોલકાતાના તાંગરા કતલખાનાની મુલાકાતે ગઇ ત્યારે જોયું તો પોતાના પગ પર ઉભા રહેવા મથતું ગાયનું નાનું બચ્ચું થરથર કાંપતું હતું. એની નિર્દોષ આંખો એ યુવતીની સામે મંડરાયેલી હતી. જાણે પોતાનો જાન બચાવવા માટે આજીજી કરતું હોય… એ યુવતી હજુ કાંઇ વિચારે એ પહેલાં તો એ વાછરડાના ગળા પર મોટો છૂરો ફર્યો અને…. હેબતાઇ ગયેલી એ યુવતીએ આંખો મીંચી દીધી.

એ રાત્રે આ યુવતીએ પોતાની જાતને વચન આપ્યુઃ આજે તો હું એને બચાવી ન શકી, પણ એના જેવા બીજા પ્રાણીઓને બચાવવામાં હું જિંદગી આપી દઇશ…

બસ, એ ઘડી ને આજનો દિ. પૂર્વા જોષીપુરા નામની આ યુવતીએ પોતાની જાતને આપેલું આ વચન પાળ્યું અને એટલું મક્કમતાથી પાળ્યું કે આજે એ પીટા ઇન્ટરનેશનલની હેડ છે. સપ્ટેમ્બર 2025માં પીટા ઇન્ટરનેશનલની પ્રથમ પ્રમુખ બનેલી પૂર્વા લંડનમાં રહીને યુરોપ, મિડલ ઇસ્ટ અને એશિયાના દેશોમાં પ્રાણીઓના અધિકારો અને રક્ષણ માટે લડે છે. હમણાં અમેરિકાના પ્રતિષ્ઠિત ઇન્ડિયા અબ્રોડના પ્રભાવશાળી 100 લોકોનું લિસ્ટ બહાર પડ્યું એમાં અમેરિકાની સેકન્ડ લેડી ઉષા વેન્સ, કમલા હેરીસ, સુનિતા વિલિયમ્સ, સુંદર પિચાઇ અને સત્ય નડેલા જેવા લોકોની સાથે ગુજરાતી મૂળ ધરાવતી પૂર્વાનો પણ સમાવેશ થાય છે. હરખ, ગુજરાતી, તું હરખ!

જો કે પૂર્વાનો જન્મ અમેરિકામાં થયો છે એટલે ઉછેર અને ભણતર પણ અમેરિકાનું જ. પિતા ડો. ફણીભૂષણ જૂનાગઢના અને માતા કિરણબેન રાજકોટના. ડો. ફણીભૂષણ 1969માં ભણવા માટે અમેરિકા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પૂર્વાનો જન્મ થયો ફિલાડેલ્ફિયામાં. એ પછી ડો. ફણીભૂષણને સાઉથ વર્જિનિયાના નેવલ બેઝમાં જોબ મળી. પરિવાર વર્જિનિયા શીફ્ટ થયો એટલે ભણતર થયું વર્જિનિયામાં. કિન્ડરગાર્ટનથી લઇને બાર ધોરણ સુધી પૂર્વા એકમાત્ર ભારતીય મૂળની વિદ્યાર્થીની એટલે રેસિઝમનો પણ સામનો કરવો પડ્યો, પણ એના કારણે પૂર્વાને શીખવા મળ્યું કે, આ રેસિઝમ, સેક્સિઝમ અને અન્ય પ્રકારે થતા ભેદભાવો શું છે અને એની સામે કઇ રીતે લડી શકાય? કદાચ ત્યારે એને ખબર નહોતી કે ભવિષ્યમાં પ્રાણી અધિકારો માટે કામ કરતી વખતે લડત આપવાના આ ગુણો જ એને કામ આવવાના હતા!

ચિત્રલેખા સાથેની વાતચીતમાં પૂર્વા કહે છે એમ, ઓલ્ડ ડોમિનિયન યુનિવર્સિટીમાંથી સાયકોલોજી સાથે બીએસસી કર્યા પછી એની ઇચ્છા તો મનોવિજ્ઞાની બનવાની હતી, પણ થયું એવું કે યુનિવર્સિટીમાં ભણતાં ભણતાં અમેરિકાની પીટા ઓફિસમાં પહેલા વોલન્ટીઅર તરીકે અને પછી ઇન્ટર્ન તરીકે જોડાઇ. એ વર્ષ 1999નું. પછી વર્ષ 2000માં કોલકાતા આવી. અહીં કતલખાનાની મુલાકાતે એની જિંદગીનું ધ્યેય નક્કી કરી નાખ્યું.

000             000             000

પૂર્વાનો ઉછેર પશ્ચિમમાં થયો, પણ એના લોહીમાં પૂર્વના જીવો જીવસ્ય જીવનમ્ ના સંસ્કારો છે. એના દાદીમા સરલાબહેનનો એના ઉછેરમાં ભારે પ્રભાવ રહ્યો છે. સાહસિક અને મોજીલા સ્વભાવના સરલાબહેન એની સાથે રમતાં, મસ્તી કરતાં, થીમ પાર્ક લઇ જતા, ટીવીમાં મોરારીબાપુની કથા જોતાં જોતાં જીવનમાં કરુણાનું મહત્વ સમજાવતાં. આ બધું કરતાં કરતાં એમનો પ્રાણીઓ અને પ્રકૃતિ માટેનો પ્રેમ પૂર્વામાં ક્યારે આવ્યો એની ખબર ન પડી. આ વાત કદાચ એને પીટામાં જોડાયા પછી સમજાઇ. પૂર્વા કહે છે, ‘પીટામાં આવીને મને લાગ્યું કે હું જેના માટે છું અને હું જે શોધતી હતી એ જગ્યા આ જ છે.’

અને, એની વસુધૈવ કટુમ્બકમ્ ની શોધ પણ આ જ જગ્યાએ એટલે કે પીટામાં જ પૂરી થાય છે. જોર્ડનમાં એ ઘોડા-ગધેડા-ઊંટના અધિકારો માટે લડે છે તો ફ્રાન્સમાં ફેશન ઇન્ડસ્ટ્રીને એ વીગન ફેશન તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. ફેશનમાં વપરાતી ચીજવસ્તુઓ બનાવવા માટે મૂંગા પ્રાણીઓ પર કેવા અત્યાચારો થાય છે, કેવી ક્રૂરતાથી એમની હત્યા થાય છે એ મુદ્દે પૂર્વાએ ઘણું કામ કર્યું છે. મર્સિડિઝ-બેન્ઝ કંપનીએ લેધર-ફ્રી ઇન્ટિરિયર ઓફર કરવાની શરૂઆત કરી કે ભારતમાં કોસ્મેટીક્સ ચીજોનો પહેલા પ્રાણીઓ પર અખતરો કરવા પર પ્રતિબંધ આવ્યો એ પણ એના જ પ્રયત્નોનું પરિણામ.

ભારતમાં મંદિરોમાં હાથીઓને સાંકળથી બાંધી રાખવાની પ્રથા સામે પૂર્વાએ ઝુંબેશ ચલાવી છે એના પરિણામે મુંબઇસ્થિત ઇસ્કોન મંદિરમાં જીવંત હાથીની જગ્યાએ મિકેનિકલ હાથી આવી ગયા છે. હાથીને બાંધી રાખવાથી અને સજા કરીને તાલીમ આપવાથી એને શારીરિક-માનસિક નુકસાન પહોંચે છે એ સમજાવતાં પૂર્વા હેરીટેજ એનીમલ ટાસ્ક ફોર્સના આકંડાઓ ટાંકીને કહે છે, ‘ફક્ત કેરળમાં જ છેલ્લા પંદર વર્ષમાં બાંધી રાખેલા હાથીઓના કારણે 526 લોકોના મૃત્યુ થયા છે. એમાં ય 40 વર્ષથી કેદમાં રખાયેલા ટી. રામચંદ્રન નામના હાથીએ એકલાએ જ 13 લોકોને માર્યા છે. અમદાવાદમાં 148મી રથયાત્રા વખતે હાથીઓની નાસભાગથી જે માહોલ સર્જાયો એ પણ એલાર્મિંગ છે.’

વર્ષ 2023થી પૂર્વાએ ધાર્મિક શોભાયાત્રાઓમાં કે મંદિરોમાં રખાતા હાથીઓની જગ્યાએ મિકેનિકલ હાથી રાખવાની ઝુંબેશ ચલાવી છે. અત્યાર સુધીમાં વીસેક યાંત્રિક હાથી અલગ અલગ મંદિરોમાં રાખવામાં એને સફળતા મળી છે. પીટાએ મોટી સાઇઝનો ઇલી નામે યાંત્રિક હાથી બનાવ્યો છે, જે અલગ અલગ સ્કૂલ્સમાં જઇને બાળકોને પોતાની માતાથી વિખટા પડવાની અને રેસ્ક્યૂની વાતો કરે છે અને એ રીતે બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના જગાવવાનું કામ કરે છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ આ માટે હાથીને પોતાનો અવાજ આપ્યો છે.

એ પ્રાણીઓ પર થયા અત્યાચારનો ફક્ત વિરોધ જ કરે છે એવું નથી, સામે ટેકનોલોજી અને નવી શોધના માધ્યમથી વિકલ્પ પણ પૂરા પાડે છે. પૂર્વા યોગ્ય રીતે જ કહે છે, ‘હું એનીમલ રાઇટ્સને ફક્ત એક આદર્શ તરીકે જ નથી પ્રમોટ કરતી. બલ્કે, અમે એનીમલ રાઇટ્સની વાત એટલા માટે કરીએ છીએ કે, ક્લાઇમેટ ચેન્જ, એન્ટીબાયોટીક સામે રોગની શક્તિ વધવી, મહામારી ફેલાવી જેવી આફતોમાં પ્રાણીઓ સામે આચરાતી ક્રૂરતા અને હિંસા પણ એટલા જ જવાબદાર છે. માનવી પૃથ્વી પર તો જ ટકી શકશે, જો પ્રાણીઓ અને પ્રકૃતિનું અસ્તિત્વ હશે. એક વિગન લાઇફસ્ટાઇલ 200 પ્રાણીની જિંદગી બચાવી શકે છે અને એક વર્ષમાં ફૂડના કારણે થતા કાર્બન ઉત્સર્જનમાં પણ 73 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે.’

એ કહે છે, ‘જેમાં પ્રાણીઓ પર સૌથી વધુ અત્યાચારો થાય છે એ લેબોરેટરીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રી, લેધર ઇન્ડસ્ટ્રી અને મનોરંજન જગત પર અમારું ફોકસ છે. ફેશન હોય કે ફૂડ, અમે વિગન લાઇફસ્ટાઇલ અપનાવવા પર ભાર મૂકીએ છીએ.’

પોતે લખેલાં ફોર અ મોમેન્ટ ઓફ ટેસ્ટ અને સર્વાઇવલ એટ સ્ટેકમાં પણ પૂર્વા આ જ વાત કરે છે કે, કેવી રીતે પ્રાણીઓ પર ક્રૂરતા આચરાય છે અને શા માટે માનવજાતના અસ્તિત્વ માટે પ્રાણીઓ અને પ્રકૃતિનું અસ્તિત્વ અનિવાર્ય છે? આ રીતે જૂઓ તો એનું કાર્યક્ષેત્ર કોર્ટરૂમ, કોર્પોરેટ્સના બોર્ડરૂમથી લઇને સ્કૂલ્સ અને શેરીઓમાં ધરણાં કરવા સુધી પથરાયેલું છે.

બાળપણમાં જૂનાગઢની ગિરિકંદરાઓ ઘૂમી ચૂકેલી પૂર્વા સતત ટ્રાવેલ કરે છે. દુનિયાભરના દેશોમાં ફરે છે, પણ ગુજરાતી-ભારતીય સંસ્કારો એનામાં અકબંધ છે. એટલે જ ઘીના વપરાશ વિનાની ગુજરાતી થાળી એના માટે વિગન થાળી છે. હીંચકે ઝૂલતાં ગીતો સાંભળવા કે ગરબે ઘૂમવું, રસોઇ કરવી કે મૂવી જોવું એ બધા શોખ એ કામ અને પ્રવાસની વચ્ચેય પૂરા કરી લે છે. પ્રવાસમાં એ નવું કલ્ચર જૂએ છે, એના વિશે જાણે છે એટલે એ અનુભવનો ઉપયોગ પોતાના કામમાં સારી રીતે કરી શકે છે. આ જ કારણ છે કે પીટાના હેડ તરીકે એનું વિઝન વસુધૈવ કટુમ્બકમ્ ની ભાવનાને વાસ્તવમાં ચરિતાર્થ કરવાનું છે. એક એવું વિશ્વ, એક એવી ધરતી, જ્યાં માનવી-પશુ-પંખી-પ્રકૃતિ બધું એકસમાન છે, એક જ પરિવાર છે.

અલબત્ત, આ બધું બોલવામાં સહેલું છે, કરવામાં નહીં. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઇ વ્યક્તિ કે સંસ્થા સ્થાપિત હિતો સામે લડવા આગળ આવે છે ત્યારે ત્યારે એમને ધાક-ધમકીથી અટકાવવાના પ્રયત્નો થયા જ છે. તમને યાદ હોય તો તામિલનાડુમાં જલ્લીકટ્ટુ તરીકે ઓળખાતી પરંપરામાં આખલાઓને દોડાવવાના મામલે થોડા વર્ષ પહેલા વિવાદ થયેલો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો. આ ક્રૂર રમતમાં માણસો અને આખલા બન્નેના મૃત્યુ થતા હોવાના ય દાખલા છે. પીટા વતી પૂર્વાએ મામલે વિરોધ કર્યો તો એના પૂતળાં બાળવામાં આવ્યા. એને રેપ અને ડેથ સુધીની ધમકીઓ પણ મળી!

પણ પૂર્વા માટે આવા પડકારો નવા નથી. મુશ્કેલી આવે તો એનો સામનો કરતાં ય એને આવડે છે. આ સમયે પીટાનાં સ્થાપક ઇન્ગ્રીડ ન્યૂકીર્ક એના માટે પ્રેરણારૂપ છે. ઇન્ગ્રીડનો ઉછેર ભારતમાં જ થયેલો. એના પિતા ભારત સરકારના સલાહકાર હતા અને માતા મેરી પેટ્રીસિયા રેફ્યુજી માટે કામ કરતી. માતાના સેવાભાવી કામોથી પ્રભાવિત ઇન્ગ્રીડને એમની માતાએ કહેલાં આ શબ્દો પૂર્વાને આજેય પ્રેરણા આપતાં રહે છેઃ કોણ યાતના વેઠી રહ્યું છે એ મહત્વનું છે. મહત્વનું એ છે કે તમે એનું દુઃખ કેટલું હળવું કરી શકો છો… 

કામ અને ધ્યેય માટેનું આવું કમિટમેન્ટ, આવી પ્રતિબધ્ધતા એમને એમ શક્ય નથી. જીવનમાં જાણતા-અજાણતાં બનેલી કોઇક એક ઘટના, કોઇ એક અનુભવ એ માટે કારણભૂત હોય છે. ટીનએજ અવસ્થામાં પૂર્વાએ કારની ઠોકરથી ઘાયલ થયેલા બતકને જોયેલું. ઘાયલ બતકને લોન્ડ્રી બાસ્કેટમાં નાખીને એ તો સીધી પહોંચી હોસ્પિટલમાં. એને ખબર નહોતી કે ઘાયલ પશુ-પંખીઓને વેટરનિટી હોસ્પિટલમાં લઇ જવાય. હોસ્પિટલના તબીબોએ આ નાનકડી બાળકીના માનવતાવાદી કામથી પ્રભાવિત થઇને બતકને યોગ્ય જગ્યાએ સારવાર માટે મોકલવામાં મદદ કરી.

ટીનએજ અવસ્થામાં પૂર્વાના હદયમાં જાગેલો કરુણાભાવ આજે પણ એક સંદેશ બનીને પીટાના માધ્યમથી વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે.

(કેતન ત્રિવેદી)  

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

 

 

 

અલગ પ્રકારના દૂધીના મુઠીયા

થોડા અલગ પ્રકારની રીતના ડાયેટ ફ્રેન્ડલી દૂધીના મુઠીયા સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ દૂધી 300 ગ્રામ, કાંદો 1, ચણાની દાળ 1 ટી.સ્પૂન, અળદની દાળ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, તેલ 1 ટે.સ્પૂન, તીખાં લીલા મરચાં 2-3, લસણ 4-5 કળી, રાઈ ½ ટી.સ્પૂન,, જીરૂ ½ ટી.સ્પૂન, આદુનો ટુકડો 1 ઈંચ, હળદર ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, સાંભાર મસાલો 1 ટી.સ્પૂન, ચણાનો લોટ 2 ટે.સ્પૂન, જુવારનો લોટ 2 ટે.સ્પૂન, બાજરીનો લોટ 1 કપ,

વઘાર માટેઃ તેલ 1 ટે.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર ½ કપ

રીતઃ દૂધીને છોલીને ટુકડા કરીને મિક્સીમાં પીસી લો.

એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરૂનો વઘાર કરી લીધા બાદ અડદ તેમજ ચણાની દાળ સાંતળી લો. ત્યારબાદ આદુ-લસણ-મરચાંને ઝીણાં સમારીને તેમાં ઉમેરી દીધા બાદ કાંદો પણ ઝીણો સમારીને ઉમેરી દો. કાંદો નરમ થાય એટલે તેમાં દૂધીની પેસ્ટ મેળવીને સાંતળી લો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, હીંગ, ધાણાજીરૂ, મરચું તેમજ હળદર અને સાંભાર મસાલો પણ મેળવી દો.

હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી દો. પાણી ઉકળવા માંડે એટલે તેમાં અનુક્રમે જુવારનો લોટ, ચણાનો લોટ તેમજ અડધો કપ બાજરીનો લોટ ગઠ્ઠા ના થાય તે રીતે મેળવી દો. લોટ બંધાય તે રીતે બાજરીનો લોટ ઓછો કે વધુ ઉમેરવો.

જેવો લોટની જેમ બંધાય જાય એટલે ગેસ બંધ કરીને મિશ્રણને સહેજ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાંથી નાના ગોળા વાળી લો. અને મુઠીયાને 5-7 મિનિટ માટે બાફવા મૂકો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.

એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી લીધા બાદ તેમાં સફેદ તલ ઉમેરીને મુઠીયા તેમાં વઘારી લો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

આ મુઠીયા ચા કે લીલી ચટણી સાથે પીરસો.

 

૨૪ જાન્યુઆરી ૨૦૨૬