Home Blog Page 2881

અનોખી ઉજવણી : વિશ્વ માતૃદિવસની પૂર્વ સંધ્યાએ સાણંદની વિધવા માતાઓનું પૂજન કરી સોનાની ચૂની આપી સન્માન કરાયું

વિશ્વ માતૃદિવસની પૂર્વ સંધ્યાએ સાણંદની જાણીતી સમાજસેવી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ દ્વારા સમાજના સંકુચિત રીત-રિવાજો સામે બંડ પોકારતો એક સુંદર કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાણંદની 35 જેટલી વિધવા અને નિરાધાર બહેનોને બોલાવીને તમામ બહેનોનું ગુલાબના હાર પહેરાવી પૂજન કરી સોનાની ચૂની અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ વિશ્વ માતૃદિવસે માતૃવંદનાના ભાગરૂપે માનવસેવા અને ઝવેરાત જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે વિધવા માતાઓને સન્માનવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

માતાઓને એક ચૂની અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાની 35 વિધવા માતાઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને ઝવેરાત જ્વેલર્સ દ્વારા તમામ માતાઓને એક ચૂની અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે માનવસેવા ટ્રસ્ટ સાણંદના મનુભાઈ બારોટે જણાવ્યું હતું કે અમે વિશ્વ માતૃદિવસની ઊજવણી પ્રસંગે સામાજિક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણાં સમાજમાં વિધવા સ્ત્રીઓ માટે અનેક અપમાનજનક રિવાજો છે. વિધવા પુરુષો માટે કોઈ કાયદા કે રિવાજો નથી. સમાજમાં ગરીબ વિધવા સ્ત્રીઓ માટે બધા આગળ આવે અને તેમને મદદરૂપ થાય એ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

હરિદ્વાર જેવા પવિત્ર સ્થળોના પ્રવાસનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમારી સંસ્થા દ્વારા માતૃવંદનાના ભાગરૂપે નિયમિત રીતે વિધવા માતાઓને વિમાનની મુસાફરી કરાવીને હરિદ્વાર જેવા પવિત્ર સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત નિસહાય માતાઓને નિયમિત રીતે ભોજન અને કપડાં મળી રહે તેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે સાણંદ મેડિકલ એસોસિએશન પ્રેસિડેંટ ડૉ.જી.કે. ચૌહાણ, ઝવેરાત જ્વેલર્સના ઓર્નર કમલેશભાઈ શાહ, ઇન્દુબા વાઘેલા,પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત, પંકજસિંહ વાઘેલા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધી 2024માં વડા પ્રધાન બનશેઃ સિદ્ધારમૈયા

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી ચૂંટણીના ડેટા મુજબ કોંગ્રેસે 16 સીટો પર જીત હાંસલ કરી છે અને 119 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપે આઠ સીટો પર જીત હાંસલ કરી છે અને 57 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે જેડીએસે એક સીટ હાંસલ કરી અને 19 સીટો પર આગળ ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણીના વલણોમાં બહુમત મળ્યા પછી પાર્ટીના કાર્યકરો ઉજવણી કરી રહી છે. આ દરમ્યાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે મને આશા છે કે રાહુલ ગાંધી 2024માં દેશના વડા પ્રધાન બનશે.

તેમણે પત્રકારોને વાતચીતમાં કહ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ લોકસભા ચૂંટણીની એક સીડી છે. મને આશા છે કે બધા બિનભાજપ પક્ષો એકસાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બની શકે છે. કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે. અમે કેમ્પેનમાં કહ્યું હતું કે કોંગ્રેસને આશરે 130 સીટો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકમાં લોકો પરિવર્તન ઇચ્છતા હતા. તેઓ ભાજપથી તંગ આવી ચૂક્યા હતા.

તેમણે એ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓના ચૂંટણી પ્રવાસનો રાજ્યના મતદારો પર કોઈ અસર નથી પડી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાના પ્રવાસોની કર્ણાટકના મતદાતાઓ પર કોઈ અસર નહીં પડી.

 

 

 

અનોખી પહેલ : 100થી વધુ શાળાઓના બાળકોએ માતાને સ્વહસ્તે પત્ર લખી ઉજવ્યો મધર્સ ડે

માતૃશક્તિની વંદના માટે દર વર્ષે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ માતાને સ્વહસ્તે પત્રલેખન કરી મધર્સ ડે ઉજવ્યો. અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ બાળકોને પત્રલેખન માટે પ્રેરિત કરવામાં આવ્યા. મુન્દ્રા, માંડવી અને હજીરાની 100 થી વધુ શાળાઓના 7000થી વધુ વિદ્યાર્થીઓએ માતૃવંદના કરતા કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. છેલ્લા બે વર્ષથી જે. કે. પેપરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને આ પ્રકારની પ્રેરણા અને સંસ્કાર આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં J. K. પેપર્સ દ્વારા વિતરીત કીટથી લખાયેલા પત્રોમાં બાળકોની અભિવ્યક્તિઓ અભિભાવકોની આંખોમાં આંસુ છલકાવતી હતી. જે.કે.પેપરના શિવાનીજીએ જણાવ્યું હતું કે, અમે બાળકો માતાઓને કેટલો પ્રેમ અને કેટલા વખાણ કરે છે તે બતાવવાની તક ઉભી કરવા માગતા હતા,. હસ્તલેખિત પત્રો એ લાગણી વ્યક્ત કરવાની અર્થપૂર્ણ રીત છે. અમે આશા રાખીએ છીએ કે આવા ઉપક્રમોથી માતા-બાળકો વચ્ચેના સબંધોમાં સંવાદિતા આવશે.

ઉત્થાન સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને જીવનમાં માતાનું મહત્વ સમજાવવા પ્રયત્નશીલ રહે છે. દર મહિને યોજાતી મધર્સ મિટ, બાળકો સાથે પોતાની માતાઓ વિશે વાત કરવી અને તેમની પ્રશંસા કરવી, માતાઓ સાથે બાળક પુસ્તકો વાંચે,  માતાઓ ઓનલાઇન જોડાય અને SMC માં વધુ સક્રિય થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. ઉત્થાન સહાયકો સતત માતાઓ સાથે જોડાયેલા રહી બાળકોના વિકાસમાં મહત્તમ ઉન્નતિ થાય તેવા કાર્યો કરે છે.

બાળકોના આંતરિક અને માનસિક વિકાસલક્ષી કાર્યો સતત થતા રહે છે તે માટે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમની માતાઓ વિશે તેમને સૌથી વધુ ગમતી વસ્તુઓ વિશે લખ્યું, જ્યારે કેટલાકે તેમની માતાઓએ તેમના માટે આપેલા ત્યાગ અને યોગદાન વિશે લખ્યું. તો કેટલાકે હૃદય નીચોવીને માતૃવંદના કરી સૌને અવાક કરી દીધા.

અદાણી ફાઉન્ડેશનનો ઉત્થાન પ્રોજેક્ટ સારા શિક્ષણ થકી સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં માને છે. આ પ્રોજકેટને સફળ બનાવવા માટે શિક્ષકથી લઈને સરકારી અધિકારી સુધી સતત સૌનું માર્ગદર્શન અને સાથ સહકાર સાંપડ્યો છે. સાથો સાથ ગામના સરપંચો, શાળાના આચાર્યો, વાલીઓ, SMCના સભ્યોએ આ પ્રોજેક્ટમાં સિંહફાળો રહ્યો છે.

વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી થાય તે માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ

આગામી સમયમાં ઉત્થાન પ્રોજકેટ વધુને વધુ સરકારી શાળાઓ સુધી પહોચે અને વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી થાય તે માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ રહેશે. અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત 2018 થી મુન્દ્રા તાલુકાની સાત ગામની શાળાથી શરૂ થયેલ સફર આજે 254 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચાલી રહી છે.

અદાણી ફાઉન્ડેશન:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,675 ગામડાઓમાં કાર્યરત છે, જે 7.6 મિલિયન લોકોને સ્પર્શે છે.

કર્ણાટક ચૂંટણીનાં પરિણામો આવતાં બ્રિજભૂષણ નથી રહ્યા WFIના અધ્યક્ષ

 નવી દિલ્હીઃ બ્રિજભૂષણ શરણ સિંહ 13 મે, 2023થી ટેક્નિકલ રૂપે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નથી રહ્યા. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને (IOA) 13એ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના બધા હાલના પદાધિકારીઓને તત્કાળ અસરથી ફેડરેશનના કોઈ પણ વહીવટી સમારોહમાં ભાગ લેવા અને આર્થિક કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. IOAના તાજા નિર્ણય જંતર-મંતર પર દેશના ટોચના રેસલરોના ધરણાંને ધ્યાનમાં રાખતાં મહત્ત્વનો માનવામાં આવે છે.

IOAએ આ સંબંધે એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં સ્પોર્ટ્સ મંત્રાલય 24 એપ્રિલ, 2023એ આદેશનો હવાલો આપવામાં આવ્યો હતો. IOAએ WFIથી બધા દસ્તાવેજ, ખાતાઓ અને વિદેશમાં થનારી અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે મોકલવામાં આવતી એન્ટ્રીનું લોગ ઇન, વેબસાઇટ સંચાલન તત્કાળ સોંપવા માટે કહ્યું હતું. સ્પોર્ટ્સ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NULL And Void (કાયદાથી ગેરકાયદે) ઘોષિત કરી દીધું હતું.

સ્પોર્ટ્સ મંત્રાલયે IOAની હંગામી સમિતિએ ફેડરેશનની ચૂંટણી કરાવવા અને એના વહીવટની જવાબદારી પણ સોંપી હતી. IOAનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જે દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મળી, જ્યારે ભાજપની સત્તા ગઈ છે. આ પહેલાં 12 મેએ બ્રિજભૂષણ શરણ સિંહે દિલ્હી પોલીસની પાસે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેમણે ખુદને નિર્દોષ બતાવ્યા હતા. તેમની પર એક સગીર સહિત સાત પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.

 

 

 

 

 

UP નગર નિગમમાં ભાજપનો ડંકો, 17 નગર નિગમ, 166 નગર પંચાયતોમાં આગળ

લખનઉઃ ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમા ભાજપનો ડંકો વાગ્યો છે. નગર નિગમની 17 બેઠકોની સાથે નગરપાલિકા અને નગર પંચાયતની મોટા ભાગની બેઠકો ભાજપે જીતી લીધી છે અથવા તો આગળ ચાલી રહી છે. રાજ્યના 75 જિલ્લાઓમાં 760 નગર નિગમો માટે બે તબક્કામાં મતદાન થયું હતું, એમાં 17 નગર નિગમ, 199 નગરપાલિકા અને 544 નગર પંચાયત છે.

પહેલા તબક્કામાં રાજ્યના 37 જિલ્લાઓમાં અને બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં મતદાન થયું હતું. UP નગર નિગમ ચૂંટણીના પહેલા તબક્કામાં 37 જિલ્લાઓમાં 52 ટકા તો બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં 53 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ સહિત બધી રાજકીય પાર્ટીઓની શાખ દાવ પર લાગી હતી. UPની 17 નગર નિગમોમાં ભાજપની જીત થઈ છે. આ સિવાય નગર પાલિકાની 87 અને નગર પંચાયતની 166 બેઠકો પર આગળ છે. એમાં પણ કેટલીય સીટો જીતી ગઈ છે.

UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યએ નગર નિગમની ચૂંટણીમાં ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશ નગર નિગમ ચૂંટણી પરિણામમાં EVM દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. UPની બધી 17 નગર નિગમોમાં ચૂંટણી પરિણામ સાંજે ચાર કલાક સુધી આવવાની શક્યતા છે.અહેવાલ મુજબ નગર નિગમ ચૂંટણીની મત ગણતરી પહેલાં ચૂંટણી પંચે 44 નગર નિગમનાં ચૂંટણી પરિણામો જાહેર કર્યાં હતાં. આ સીટો પર એકલા ઉમેદવારોને કોઈ પણ વિરોધી તરફથી ટક્કર નહોતી મળી.

 

 

 

 

BSEમાં બિઝનેસ વધારવાનું, એકસચેંજને વધુ વાઇબ્રન્ટ બનાવવાનું લક્ષ્ય

મુંબઈઃ BSE ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં તેના ઘટી રહેલા બજાર હિસ્સાને રોકવા અને તેમાં વધારો કરવા આ ૧૫ મેથી સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સને નવા સ્વરૂપે લોન્ચ કરશે. સેન્સેક્સ અને બેન્ક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની લોટ સાઇઝ ઘટાડીને વધુ બજાર હિસ્સો અંકે કરવાનો વ્યૂહ BSEએ જાહેર કર્યો છે. આ અંગેની માહિતી આપતાં BSEના મેનેજિંગ ડિરેક્ટર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે આ કવાયતના ભાગરૂપે સેન્સેક્સ કોન્ટ્રેક્ટ્સની લોટ સાઇઝ પંદરથી ઘટાડીને દસની અને બેન્કેક્સની વીસથી ઘટાડીને પંદરની કરવામાં આવશે.

આ ફેરફારનો હેતુ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. આને પગલે સેન્સેક્સની કોન્ટ્રેક્ટ સાઇઝ રૂ. છ લાખની રહેશે, જ્યારે નિફ્ટીનો લોટ સાઇઝ અત્યારે રૂ. નવ લાખ છે. BSE પર ઈક્વિટી ફ્યુચર્સમાં કામકાજ કરવા માટેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસ NSEની તુલનાએ શૂન્ય છે, જ્યારે ઈક્વિટી ઓપ્શન્સમાં ચાર્જીસ 90 ટકા ઓછા છે.

એકસપાયરી દિવસમાં મહત્ત્વનો ફેરફાર

હેજિંગ અને ટ્રેડિંગની વિશેષ આવશ્યકતા ધરાવતા ટ્રેડર્સને આકર્શે એવી BSEની અન્ય એક વિશેષતા એ છે કે કોન્ટ્રેક્ટસની સમાપ્તિ ગુરુવારને બદલે શુક્રવારે થશે.  આ ઉપરાંત BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બદામ, સ્ટીલ અને અન્ય અનોખી કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ટેકનોલોજીની વિશેષતાનો લાભ

સુંદરરમણ રામમૂર્તિ (MD-CEO)

BSE પાસે મજબૂત, સ્થિર અને અતિ ઝડપી ટેકનોલોજી છે. તેની સિસ્ટમ એવી મજબૂત છે કે તે ગમે તેટલા મોટા વોલ્યુમને હેન્ડલ કરી શકે છે. પરિણામે તે નવાં પ્રોડક્ટ્સ ઝડપથી ઓફર કરી શકે છે, પ્રોડક્ટ્સમાં ઈનોવેશન કરી શકે છે અને તેને અનન્ય બનાવી શકે છે. એક્સચેન્જ એવાં એક્સક્લુઝિવ પ્રોડક્ટસ લોન્ચ કરશે, જેના થકી તે અન્ય અગ્રણી એક્સચેન્જથી આગળ વધી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.

ટીકસાઇઝ એક પૈસો

BSEએ પહેલી માર્ચથી રૂ.100થી ઓછી કિંમતની સ્ક્રિપ્સની ટિક સાઈઝ ઘટાડીને એક પૈસા કરી છે. આ અગાઉ રૂ.15થી ઓછો ભાવ હોય એવી સ્ક્રિપ્સ માટેની ટીક સાઈઝ એક પૈસો રાખવામાં આવી હતી. આ ફેરફારની અસર એ થઈ છે કે રૂ.100થી ઓછો ભાવ ધરાવતી સ્ક્રિપ્સનું ટર્નઓવર વધીને 14 ટકા થયું છે.

કરન્સી ઓપ્શન્સનો ખર્ચ ઓછો

કરન્સી ઓપ્શન સેગમેન્ટમાં BSEનો બજાર હિસ્સો ઘટી રહ્યો છે. કરન્સી ઓપ્શન સેગમેન્ટમાં આથી છઠ્ઠી માર્ચથી અમે કરન્સી ઓપ્શન્સ સેગમેન્ટમાં સ્ટ્રાઈક પ્રાઇસ વચ્ચેના ગાળાને ઘટાડીને 10 પૈસા કર્યો છે. આની ધારી અસર પણ થઈ છે. અમે સ્ટ્રાઈક પ્રાઈસ વચ્ચેના ફરકને ઘટાડીને 10 પૈસા કર્યો એટલે માર્ચ મહિનામાં યુએસ ડોલર અને રૂપી વચ્ચેના કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર 64 ટકા થયું છે. BSE પર કરન્સી સેગમેન્ટમાં કામકાજ કરવાનો ખર્ચ NSE કરતાં ઓછો આવે છે, એવું પણ તેમણે ઉમેર્યુ હતું.

 

 

 

 

 

કર્ણાટકમાં ભાજપના હારનાં છ મુખ્ય કારણો આ રહ્યાં…

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 224 વિધાનસભાનની મતગણતરી જારી છે. કોંગ્રેસ સત્તાધારી ભાજપને માત આપીને પૂર્ણ બહુમતની સાથે સત્તા મેળવતી નજરે ચઢી રહી છે.  જે પછી હાર અને જીતનાં કારણોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં ભાજપની હાર પાછળ મજબૂત ચહેરો ન હોવાનું રાજકીય સમીકરણ સાધવામાં નિષ્ફળતા જેવાં મોટાં કારણો જવાબદાર છે. કર્ણાટકમાં ભાજપની હાર માટે છ મુખ્ય કારણો જવાબદાર છે.

કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ મજબૂત ચહેરો ન હોવાનું પહેલું કારણ છે. મુખ્ય પ્રધાન  બોમ્મઈ કોઈ ખાસ અસર નહીં પાડી શક્યા, જ્યારે કોંગ્રેસની પાસે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્મઈને આગળ ચૂંટણી મેદાનમાં ઉતારવા ભાજપને મોંઘું પડ્યું હતું.

ભાજપની હાર પાછળ મહત્ત્વનું કારણ ભ્રષ્ટાચારનો મુદ્દો રહ્યો હતો. કોંગ્રેસે ભાજપની સામે પ્રારંભથી 40 ટકા પે-CM કરપ્શનનો એજન્ડા સેટ કર્યો હતો અને એ ધીમે-ધીમે મોટો મુદ્દો બની ગયો હતો. કરપ્શનને મુદ્દે એસ ઇશ્વરપ્પાને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એક ભાજપના વિધાનસભ્યને જેલ પણ જવું પડ્યું હતું.

 ભાજપ તેની મત બેન્ક લિંગાયત સમુદાયને ના જોડે રાખી શકી અને ના દલિત, આદિવાસી, ઓબીસી અને વોક્કાલિંગા સમુદાયનું દિલ જીતી શકી, જ્યારે કોંગ્રેસે મુસ્લિમોથી માંડીને દલિત અને ઓબીસીને મજબૂતી જોડ્યા હતા. કર્ણાટકમાં એક વર્ષથી ભાજપના નેતા હલાલા, હિજાબથી માંડીને અજાન સુધીના મુદ્દા ઉઠાવતા રહ્યા. એવામાં ચૂંટણીમાં બજરંગ બલીનો પ્રવેશ થયો, પણ ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસ ભાજપને કામ ના આવ્યો.કર્ણાટકમાં ભાજપને ઊભો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાને આ વખતે ચૂંટણીમાં સાઇડ લાઇન રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટાર અને ભૂતપૂર્વ ડેપ્યુટી CM લક્ષ્મણ સાવદીની ભાજપે ટિકિટ કાપી હતી. જેને નજર અંદાજ કરવું ભાજપને મોંઘું પડ્યું હતું.

આ સાથે કર્ણાટકમાં ભાજપની હારનું મોટું કારણ સત્તાવિરોધી લહેર પણ છે, જેને ખાળવામાં ભાજપ નિષ્ફળ રહી હતી.

 

 

 

કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મુકાશેઃ કોંગ્રેસના સાંસદ

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી જારી છે. કોંગ્રેસ બહુમત આગળ છે, જેમાં કોંગ્રેસ 119, ભાજપ 72 અને જેડીએસ 26 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું હતું કે અમે ચૂંટણી જીત્યા છે તો બજંરગ દળ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ અસર કોંગ્રેસની ભારત જોડો યાત્રાની છે.કર્ણાટકની જનતાએ નફરતના રાજકારણને નકારી કાઢ્યું છે. બજરંગ બલીના આશીર્વાદ અમને મળ્યા છે. બધા સૂફી સંતોના આશીર્વાદ અમને મળ્યા છે.

કર્ણાટક કોંગ્રેસે બેંગલુરુની ફાઇવસ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરી દીધા છે. જીતેલા તમામ વિધાનસભ્યોને રાત્રે આઠ કલાક સુધીમાં હોટેલમાં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આવતી કાલે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક થશે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પછી છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને આગળ રાખીને મત માગ્યા હતા. આ મોદીની હાર છે. બજરંગ બલીની ગદા ભ્રષ્ટાચારીઓના શિરે પડી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમ્યાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો, આજે એ કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

UPA ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓએ શાનદાર કેમ્પેન કર્યું. કર્ણાટકે સાંપ્રદાયિક રાજકારણને નકારીને વિકાસનું રાજકારણ પસંદ કર્યું છે. આવનારી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ એનું પુનરાવૃત્તિ થશે.

 

 

 

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસને બજરંગબલીના આશીર્વાદ, ભાજપ 80થી નીચે

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બાજી કયો રાજકીય પક્ષ મારશે એ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જોકે મતગણતરી જારી છે બધી 22 સીટો પર વલણોમાં કોંગ્રેસને બહુમત  મળી ગયું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ 117, ભાજપ 71 અને JDS 30 સીટો પર આગળ ચાલી રહી છે. દિલ્હી ને કર્ણાટક સહિત દેશભરની કોંગ્રેસ ઓફિસોમાં ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની 224 સીટો પર 10 મેએ મતદાન થયું છે. આ વખતે 73.19 ટકા મતદાન થયું છે, જે 2018ની ચૂંટણીથી એક ટકા ઓછું છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો ચારમાં કોંગ્રેસને બહુમત આપ્યો હતો. એક સર્વેમાં ભાજપને બહુમત દર્શાવ્યો હતો અને છ સર્વેએ ત્રિશુંકુ વિધાનસભાનો દાવો કર્યો હતો. જોકે વલણોમાં કોંગ્રેસને કર્ણાટકની કિંગ બનતી દેખાઈ રહી છે. ભાજપ અને JDS ઘણા પાછળ ચાલી રહ્યા છે.  

શિગ્ગાંવ વિધાનસભા સીટ પર મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ આગળ ચાલી રહ્યા છે. બોમ્મબઈને અત્યાર સુધી 31સ,445 મત મળી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 15,379 મત હાંસલ થયા છે. જ્યારે કોંગ્રેસના નેડા ડીકે શિવકુમાર કનકપુરાથી જીત મળી છે. આ ઉપરાંત સિદ્ધારમૈયા પણ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે ચિત્તાપુર બેઠક પરથી આગળ છે.

કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડ સેન્ટ્રલ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોએ ઉજવણી કરી હતી.

 

 

 

૧૩ મે, ૨૦૨૩

૧૩ મે, ૨૦૨૩