Home Blog Page 2885

રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમીની આગાહીઃ 249 હીટ સ્ટ્રોકના કેસ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે  હજી બે દિવસ સુધી આવું જ સૂકું વાતાવરણ યથાવત રહેશે. એટલે કે આગામી બે દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત મળવાના અણસાર નથી. જેને પગલે રાજ્યના લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 42થી 44 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. જોકે આગામી વીકએન્ડ એટલે કે 13 મેથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો  થવાની શક્યતા છે. જેથી રાજ્યના લોકોને રાહત મળશે, પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે.

હાલ રાજ્યમાં સૌથી વધુ 43.9 તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રહ્યું છે. આવામાં બે દિવસ હજી લોકોએ ગરમીનો પ્રકોપ વેઠવો પડશે. આજે કચ્છ, પોરબંદરમાં હીટવેવની આગાહી છે. સુરતમાં યલો અલર્ટ, જ્યારે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. હાલ અમદાવાદમાં 43-44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે.

એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડિરેક્ટર જયેશ કતિરાએ જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વધુ ગરમી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા વાર ગરમીની સ્થિતિ અલગ-અલગ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રાજ્યમાં 249 હીટ સ્ટ્રોકના બનાવ બન્યા છે, જોકે કોઈ ગંભીર કેસ નથી.

 

heat meteorological department heat waves

 

 

BIG NEWS : ઈમરાન ખાનને તરત મૂક્ત કરો, સુપ્રીમ કોર્ટનો આદેશ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનની ધરપકડ અંગે ગુરુવારે (11 મે) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં કોર્ટે ઈમરાનની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી.  કોર્ટે કહ્યું કે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે કોર્ટમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. કોર્ટે NABને પૂછ્યું છે કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે થઈ શકે?

સુનાવણીની બેંચે કહ્યું કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. NAB એ કોર્ટનું અપમાન કર્યું છે. લગભગ 4 વાગ્યે, સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર થવા કહ્યું. આ સાથે જ ચીફ જસ્ટિસ બંદિયાલે કડક સૂચના આપી હતી કે ઈમરાન ખાનના આગમન પર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં આવવું જોઈએ નહીં. કોર્ટના આદેશ બાદ પીટીઆઈ ચીફને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પીટીઆઈ ચીફને જોઈને ચીફ જસ્ટિસે કહ્યું કે તમને જોઈને આનંદ થયો.

ધરપકડ પહેલા પરવાનગી લેવી જોઈએ

ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોય તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને. મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.

સુપ્રીમ કોર્ટે NABને ફટકાર લગાવી

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પીટીઆઈ ચીફ ઈમરાન ખાનની અરજી પર સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મોહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહને બેન્ચમાં સામેલ કરવા જોઈએ. આ દરમિયાન જસ્ટિસ અતહર મિનાલ્લાહે ટિપ્પણી કરી હતી કે NAB ઘણા વર્ષોથી આ કરી રહી છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ધરપકડ કરવામાં આવી રહી છે, આ પ્રક્રિયા બંધ થવી જોઈએ.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે ઈમરાન ખાનની કેટલા લોકોની ધરપકડ કરી? આના પર ઈમરાન ખાનના વકીલ સલમાન સફદરે કહ્યું કે તેમની 80 થી 100 લોકોએ ધરપકડ કરી છે. જણાવી દઈએ કે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો યુનિવર્સિટીની જમીન સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈમરાન ખાનની સાથે તેની પત્ની બુશરા બીવીનું નામ પણ સામેલ છે. જો કે હજુ સુધી તેની પત્નીની ધરપકડ કરવામાં આવી નથી.

શું બિહારમાં નીતીશકુમારનો વિકલ્પ બનવા ઇચ્છે છે RCP સિંહ?

પટનાઃ બિહાર રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે. અહીંથી કેટલાય મોટા નેતા નીકળ્યા છે, જ્યાં શરૂ થયેલા આંદોલનોએ દેસના રાજકારણ પર અસર પડી છે. હવે રાજ્યમાં મુખ્ય પ્રધાન નીતીશકુમારને પડકાર આપવા તેમના રાઇટ હેન્ડ મનાતા આર RCP સિંહ ભાજપમાં પ્રવેશ કર્યો છે. હવે સીધો પડકાર CM નીતીશકુમાર માટે ઊભો થયો છે, પણ શું RCP સિંહ બિહારના રાજકારણના એટલા મોટા ખેલાડી છે?

RCP સિંહનું રાજકારણ જુઓ તો માલૂમ પડશે કે તેમને મળેલું પ્રમોશન નીતીશકુમારને આભારી હતું. તેઓ IAS અધિકારી હતા. તેઓ UPમાં સેવાઓ આપી રહ્યા હતા. તેઓ અને નીતીશકુમાર બિહારના નાલંદાથી આવે છે અને જાતિથી કુર્મી છે. તેમણે નીતીશકુમારના આશીર્વાદથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમને JDU તરફથી રાજ્યસભામાં મોકલ્યા હતા. 2016માં તેમને ફરીથી રાજ્યસભામાં સીટ આપવામાં આવી હતી.

જોકે નીતીશકુમાર અને RCP સિંહ વચ્ચે ખટરાગ થતાં તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળમાં એક વર્ષ સુધી RCP કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા. આમ તો તેઓ JDUનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પણ તેમની અને નીતીશકુમાર વચ્ચે શકને લીધે બંને વચ્ચે અંતર વધ્યું હતું. નીતીશકુમારને લાગી રહ્યું હતું કે તેઓ ભાજપના ઇશારે JDUમાં ફૂટ પાડી રહ્યા છે. જેને લીધે નીતીશકુમારે રાજ્યસભામાં તેમની જગ્યાએ ખીરો મહતોને મોકલી દીધા. જેથી RCP  ના રાજ્યસભાના સભ્ય રહ્યા અને મંત્રીપદ ગુમાવ્યું. જે પછી તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. જે પછી નીતીશકુમારે JDUને તૂટવાથી બચાવી લીધી હતી.

આઇસી15 ઇન્ડેક્સ 84 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અમેરિકામાં ગ્રાહક ભાવાંક નીચો આવ્યો હોવાને પગલે માર્કેટ ફ્લેટ રહી હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઈસી15ના વધેલા કોઇનમાં યુનિસ્વોપ, કાર્ડાનો, પોલકાડોટ અને લાઇટકોઇન સામેલ હતા, જ્યારે ઘટેલા કોઇન ઈથેરિયમ, ડોઝકોઇન, પોલીગોન અને ચેઇનલિંક હતા.

અમેરિકાના સાંસદોએ ડિજિટલ એસેટ્સનું નિયમન કરવા સંબંધે ચર્ચા કરી છે અને ક્રીપ્ટો ઉદ્યોગ માટે પણ સમાન માળખું સૂચવ્યું છે. બીજી બાજુ, કેનિયા વેબ3 ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ત્યાંની સરકારે અબુ ધાબીસ્થિત બ્લોકચેઇન પ્લેટફોર્મ – વીનોમ ફાઉન્ડેશન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. દેશમાં બ્લોકચેઇન કેન્દ્ર સ્થાપવા તથા વેબ3 એપ્લિકેશન્સના ડેવલપમેન્ટ પર લક્ષ કેન્દ્રીત કરવા આ સહયોગ સાધવામાં આવ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.22 ટકા (84 પોઇન્ટ) ઘટીને 37,885 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,969 ખૂલીને 38,618ની ઉપલી અને 37,330 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

ડમી કાંડમાં વધુ 2 આરોપીઓને SITએ ઝડપી પાડ્યા

રાજ્યનો બહુચર્ચિત ડમીકાંડમાં એકપછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યારસુધી ડમીકાંડ મામલે 15 આરોપીઓ પકડાયા હતા. આજરોજ SIT દ્વારા ડમીકાંડ મામલે વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ડમીકાંડમાં કુલ 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જેમાંથી અત્યાર સુધી આજના 2 આરોપીઓ સાથે કુલ ધરપકડનો આંકડો 17 એ પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં રાજ્યનો સૌથી મોટા ડમી કાંડ મામલે SITની ટીમે તળાજાના રહેવાસી કૌશીકભાઇ મહાશંકરભાઇ જાની અને રાજુભાઇ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયાની ધરપકડ કરી છે. ડમી કાંડમાં 36 વિરુદ્ધ નોંધાયેલી FIR પૈકીના આ પકડાયેલ બન્ને આરોપી છે. ડમીકાંડ મામલે SIT ટીમ દ્વારા અત્યાર સુધીમાં 36 માંથી 17 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે હજુ પણ ડમીકાંડના 19 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

ઉલ્લેખનીય છે કે ડમીકાંડ જે રીતે સામે આવ્યો તે બાદ બિપિન ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો હતો જે બાદ યુવરાજસિંહ જાડેજા પર તોડકાંડનો આરોપ લાગ્યો હતો. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર ડમીકાંડમાં નામ ન લેવા માટે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો હતો અને હાલ યુવરાજસિંહ અને તેના સાથીદારો તોડકાંડ મામલે જેલ હવાલે છે. એકતરફ પોલીસ દ્વારા તોડકાંડ મામલે એકદમ ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ડમીકાંડના હજુ પણ 36 માંથી 19 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેણે લઈને પણ અનેક સવાલો પોલીસ પર થઈ રહ્યા છે. હવે સમગ્ર ડમીકાંડ અને તોડકાંડમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે, કારણકે ડમીકાંડમાં હજુ પણ ઘણા નામ ખૂલવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે ગરમીના પ્રકોપ વચ્ચે આંધી-તોફાનની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને ફરી એક વાર મહત્વની આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે અને 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા રહેલી છે.તેમજ આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે તેમ પણ જણાવવામા આવ્યું છે.

રાજ્યમા કમોસમી વરસાદ બાદ આગ ઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 4 દિવસ સુધી ભુક્કા કાઢી નાખે તેવી ગરમી પડવાની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈને આગાહી કરી છે. જેમાં તેઓએ 12 મેથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી-વંટોળની આગાહી પણ કરી છે. અને 18 મે સુધીમાં રાજ્યમાં ભારે ગરમી પડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આકરી ગરમીની વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આગામી 22 મેથી 24 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામા આવી છે. અને  આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ  વધવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. ત્યારે  આંધી વંટોળના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના વધુ છે. અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે મે મહિનામાં પણ વાતાવરણ ફેરફાર થયા કરશે અને એક ધારી ગરમી રહેશે નહીં. તાપમાનમાં ઉત્તર ચડાવ રહેશે તેમજ 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે.

આવતીકાલે PM મોદી ગુજરાતમાં, રૂ. 1,654 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વિભાગ હેઠળના રૂ. 1,654 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં મુમતપુરા બ્રિજનો સમાવેશ થાય છે, જેનો એક ભાગ ડિસેમ્બર 2021 માં લોડ ટેસ્ટ દરમિયાન તૂટી પડ્યો હતો. AUDA હાલમાં તેના લોડ ટેસ્ટ માટે કાર્યરત છે. ઓવર બ્રિજ પર લોડ ટેસ્ટ કરવા માટે તંત્ર દ્વારા તેના પર ડમ્પર મૂકવામાં આવ્યા હતા. મહાત્મા મંદિરથી વડાપ્રધાન મોદી વર્ચુયલ રીતે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન અન્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે જેમાં પાણી પુરવઠા વિભાગ હેઠળના રૂ. 734 કરોડ અને માર્ગ અને પરિવહન વિભાગના રૂ. 39 કરોડ અને ખાણ અને ખનીજ વિભાગના રૂ. 25 કરોડના કામોનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગના કાર્યોમાં મહેસાણા અને નાગલપુરમાં અનુક્રમે 18.46 MLT અને 3.18 MLTની ક્ષમતાવાળા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs)નો સમાવેશ થાય છે. અમદાવાદના બાપુનગરમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLTની ક્ષમતાવાળા STP ટર્મિનલ અને અપસ્ટ્રીમ મુખ્ય લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી દહેગામમાં એક ઓડિટોરિયમ અને ફ્લાયઓવર તેમજ એસપી રિંગ રોડ અને મુમતપુરા નજીકના પુલનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન, નરોડા પાટિયા જંકશન અને સતાધાર જંકશનને જોડતો ફોર લેન ફ્લાયઓવર મળશે. ઇવેન્ટ દરમિયાન વિવિધ ટાઉન પ્લાનિંગ રોડ રિપેવિંગ અને AMCના અન્ય વિકાસ કાર્યોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સમાં સિપુ ઓગમેન્ટેશન પ્રોવિન્શિયલ વોટર સપ્લાય પેકેજ 1, 2 અને 3નો સમાવેશ થાય છે, જે જાહેર જનતાને ફાળવવામાં આવશે. ચેસન-પોલ પાઈપલાઈન તેમજ બેનગાઝીર અને જાલોન્દ્રા સમૂહ માટે પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાઓ માટે શિલાન્યાસ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલડી-નવાપુરા-સરોડા-ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રિવર ફ્લાયઓવર જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. માઇન્સ એન્ડ મેટલ્સ વિભાગ હેઠળ રૂ. 25 કરોડના ખર્ચે બનેલ નરોડા જીઆઇડીસીમાં ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

વડા પ્રધાન ઇમરાનની ધરપકડ ગેરકાયદે, કોર્ટમાં હાજર કરોઃ સુપ્રીમ કોર્ટ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ઇમરાન ખાનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડ મામલે આકરું વલણ અનાવ્યું છે. કોર્ટે ધરપકડને ગેરકાયદે ગણાવી છે. વાસ્તવમાં ઇમરાન ખાનની ધરપકડ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. કોર્ટે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે પાકિસ્તાનને જેલ નહીં બનવા દઈએ. તપાસ એજન્સી NABએ દેશને બહુ બરબાદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ભવિષ્ય માટે મિશાલ બનાવવાની જરૂર છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોનના રિપોર્ટ અનુસાર ઇમરાન ખાનની ધરપકડ મામલે સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાને કહ્યું હતું કે કોર્ટ આજે ઉચિત આદેશ જારી કરશે. આ મામલે કોર્ટ બહુ ગંભીર છે. આ મામલે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના ત્રણ સંભ્યોની બેન્ચ સુનાવણી કરી રહી છે. આ બેન્ચમાં પાકિસ્તાનના ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનલ્લા શામેલ છે.

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ ઇમરાન ખાનની ભ્રષ્ટાચારને મામલે ધરપકડ કર્યા પછી તેમના સમર્થકો દ્વારા દેશમાં ઠેર-ઠેર દેખાનો થઈ રહ્યા છે અને ઇમારતો અને સંપત્તિઓની વ્યાપક તોડફોડ થઈ રહી છે. દેખાવકારોએ પાકિસ્તાના નેશનલ રેડિયો બ્રોડકાસ્ટરની ઓફિસમાં આગ લગાવી દીધી હતી. કેટલાક ટ્વિટર યુઝરોએ સળગતી ઇમારતના વિડિયો પોસ્ટ કર્યા હતા. લાખો સમર્થક દરેક રસ્તાઓ પર વિરોધ દેખાવ માટે ઊતરી રહ્યા છે.

 

 

 

 

 

 

જર્મનીમાં મર્સિડીઝ કારની ફેક્ટરીમાં ગોળીબારમાં બે જણના મરણ

સિન્ડેલફિન્જેન (જર્મની): સ્ટટગાર્ડ નજીક આવેલા સિન્ડેલફિન્જેન શહેરમાં આવેલા મર્સિડીઝ-બેન્ઝ કારની ફેક્ટરીમાં આજે એક શખ્સે ગોળીબાર કરતાં બે જણના મરણ થયા છે. હુમલાખોર 53 વર્ષનો છે અને તેને પકડી લેવામાં આવ્યો છે. પ્લાન્ટ ખાતે ગોળીબાર થયાની પોલીસને આજે સવારે સ્થાનિક સમય મુજબ 7.45 વાગ્યે જાણ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું છે કે ફેક્ટરીમાં કર્મચારીઓ પર હવે કોઈ ખતરો નથી. હુમલાખોરના ઈરાદા વિશે તત્કાળ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

મર્સિડીઝ-બેન્ઝના મેનેજમેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે પ્લાન્ટ ખાતે બે જણના મૃત્યુની ઘટનાથી તેને દુઃખ થયું છે અને ઘેરો આઘાત લાગ્યો છે. મૃતકો, એમના પરિવારજનો તથા પ્લાન્ટ ખાતેના સહયોગીઓ પ્રતિ અમારી સંવેદના છે.

સિન્ડેલફિન્જેન પ્લાન્ટમાં આશરે 35,000 કામદારો કામ કરે છે. તેઓ ઈ-ક્લાસ, એસ-ક્લાસ લક્ઝરી કાર અને સીએલએસ તથા જીએલસી કૂપે કારનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત આ પ્લાન્ટમાં પ્લાનિંગ, પરચેસિંગ અને ડેવલપમેન્ટ તેમજ ડિઝાઈન વિભાગો પણ આવેલા છે.

જગતપુરનો ઓવરબ્રિજ ખુલ્લો મૂકવા તડામાર તૈયારીઓ

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચેનપુર, ન્યુ રાણીપ, સેવી સ્વરાજ, ગોદરેજ ગાર્ડન સિટીથી જગતપુર એસ.જી. હાઇવે તરફ જતા ઓવરબ્રિજને ખુલ્લો મૂકવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જગતપુર ગામના ક્રોસિંગ પર શહેરનો અતિ મહત્વનો ઓવરબ્રિજ તૈયાર થઈ રહ્યો છે. આ ઓવરબ્રિજ તૈયાર થવાના છેલ્લા તબક્કામાં છે. ઓવરબ્રિજ તૈયાર થઈ ખુલ્લો મૂકતાની સાથે જ રાણીપ, ન્યુ રાણીપ, ચેનપુર, જગતપુર, ગોતા, છારોડી, એસ.જી. હાઇવે તરફ આવતા-જતા હજારો વાહનોને સરળતા રહેશે. ત્રાગડ, જગતપુર, છારોડી, ચેનપુરનો વિસ્તાર નવા રહેણાક અને કોમર્શિયઇ ઇમારતોની એકદમ ઝડપથી વિકસી રહ્યો છે.

હાલ જગતપુર ક્રોસિંગ બંધ હોવાથી હજારો વાહનો ગોતા અને ત્રાગડ તરફ લાંબો રસ્તો પસાર કરી એસ.જી. હાઇવે તરફ જાય છે. ઝડપથી ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા જ ટ્રાફિક હળવો થશે અને લોકોને એસ.જી હાઇવે તરફના વિસ્તારોમાં જવાનું સરળ થશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)