Home Blog Page 2886

HDFC, HDFC બેન્કનું વિલીનીકરણઃ FD ગ્રાહકો માટે શા છે ફેરફાર?

નવી દિલ્હીઃ  દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC અને સૌથી મોટા ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા HDFC બેન્કની સાથે વિલીનીકરણ માટે તૈયાર છે. આ વિલીનીકરણ જૂન સુધી પૂરું થવાની અપેક્ષા છે. જોકે આ વિલીનીકરણ પછી  HDFCના ગ્રાહક, ધિરાણકર્તા કે ડિપોઝિટર્સ કેટલાક ફેરફાર જરૂર જોશે.

HDFCની વેબસાઇટ અનુસાર એની પાસે આશરે 21 લાખ જમા એકાઉન્ટ છે. આવો જાણીએ વિલીનીકરણ પછી ડિપોઝિટર્સ માટે શું ફેરફાર થશે-

HDFC બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજદરો સામાન્ય રીતે હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC દ્વારા અપાતા વ્યાજદરોથી ઓછા રહ્યા છે. દાખલા તરીકે જો તમે HDFCમાં 66 મહિના માટે રૂ. બે કરોડથી ઓછા ડિપોઝિટ કરશો તો વાર્ષિક વ્યાજ 7.45 ટકા મળશે, પણ HDFC બેન્ક તમને સમાન સમયગાળા માટે સાત ટકા વ્યાજ આપશે.

HDFCમાં રિટેલ જમા માટે વ્યાજદર 6.95 ટકાથી આઠ ટકા હોય છે. HDFCમાં રિટેલ FDનો સમયગાળો 22 મહિનાથી માંડીને 120 મહિના સુધી હોય છે, જ્યારે HDFC બેન્કમાં રિટેલ જમાના વ્યાજદર ત્રણ ટકાથી 7.5 ટકા હોય છે. તમે કોઈ પણ કાર્યકાળ માટે પસંદ કરી શકો છો.

આ વિલીનીકરણ HDFC બેન્કના રૂપે ઓળખાશે, HDFCના ડિપોઝિટર્સ પોતાના પૈસા પરત લઈને ખાનગી ક્ષેત્રની બેન્ક સાથે જમા કરવાનો વિકલ્પ અપનાવી શકે છે. વળી, જે લોકોએ FD બુક કરતા સમયે ઓટો નવીનીકરણનો વિકલ્પ પસંદ કર્યો હશે, તેમને HDFC બેન્કનો વ્યાજદર મળશે. આ ઉપરાંત HDFC બેન્કનો સમયથી પહેલાં ઉપાડનો નિયમ અલગ છે.

 

 

‘શ્યામ સમીપે’ પુસ્તકનું સ્નેહલ મુઝુમદારના હસ્તે લોકાર્પણ

મુંબઈઃ જ્યોત્સ્ના તન્ના રચિત પુસ્તક ‘શ્યામ સમીપે’ની બીજી આવૃત્તિનું લોકાર્પણ જાણીતા કટારલેખક અને સંતુરવાદક સ્નેહલ મુઝુમદારે ભારતીય વિદ્યા ભવન ખાતે કર્યું હતું. આ પ્રસંગે રાધાકૃષ્ણ અને મીરાનાં લોકપ્રિય ગીતો અને ભજનોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા કલાકાર આલાપ દેસાઇ અને હેમા દેસાઇએ લોકપ્રિય કૃષ્ણગીતો અને ભજનો રજૂ કરી શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી.

પુસ્તકના લોકાર્પણ કરીને સ્નેહલ મુઝુમદારે જણાવ્યું હતું કે, ‘લોકાર્પણ કરવાની નથી મારી લાયકાત, નથી મારી ઔકાત, નથી મારી તાકાત. પણ કૃષ્ણાર્પણ કરવાનો અધિકાર તો દરેક કૃષ્ણ ભક્તને છે અને એક કૃષ્ણ ભક્તને નાતે જ હું, આપણા સૌ વતી અહીં ઉપસ્થિત છું. બળતું ઘર કૃષ્ણાર્પણ તો ઘણા કરે પણ કૃષ્ણની વાત કૃષ્ણાર્પણ કરવાનો આનંદ જ અનેરો.’

એમણે ઉમેર્યું કે કૃષ્ણ વિશે તટસ્થભાવે લખવું અત્યંત અઘરું છે કારણ કે તમે કૃષ્ણના અભ્યાસી તરીકે દાખલ થાવ અને તમને ખ્યાલ પણ ન રહે કે તમે ક્યારે કૃષ્ણભક્તમાં વટલાઇ ગયા. જ્યોત્સનાબેન બોન્સાઇના વિશેષજ્ઞ છે અને આ વખતે નવી ફૂલદાની લઇને આવ્યા છે: આ પુષ્પોની ગોઠવણી કરી છે.  શ્યામપ્રિયા, શ્યામસખી, શ્યામસમર્પિતા અને શ્યામરંગી   શ્યામ સમીપે પુસ્તકમાં રાધા, દ્રોપદી, મીરા અને દક્ષિણની આંડાળ આ ચતુર્નારી અને ચતુર નારીનું અભ્યાસપૂર્ણ અને રસપૂર્ણ, તુલનાત્મક અને તટસ્થ આલેખન છે.  આ કાર્ય કપરું છે કારણ કે આ પાત્રો આપણા લોકમાનસમાં એવા તો વણાઈ ગયા છે કે શ્રદ્ધાના વિષયમાં સંશોધન, સમાલોચના કે શાણપણ લેખક માટે  જોખમકારક બની શકે. જ્યોત્સનાબેને એ કાર્ય અત્યંત વિવેકપૂર્વક કર્યું છે.

‘શ્યામ સમીપે’ પુસ્તકની આ દ્વિતીય આવૃત્તિ છે પણ એ દ્વિતીય હોવા છતાં અદ્વિતીય છે.  વસાવવા જેવું, વાંચવા જેવું, વાગોળવા જેવું, વિચારવા જેવું  અને વહેંચવા જેવું પુસ્તક છે. આ પુસ્તક વાચકોને શ્યામના સામીપ્યની, શ્યામના સાયુજ્યની, શ્યામના સાન્નિધ્યની અનુભૂતિ કરાવશે.

આ પુસ્તકનું પ્રકાશન એન.એમ. ઠક્કરની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. પ્રકાશક હેમંત ઠક્કરે વક્તવ્ય આપતાં કહ્યું હતું કે રાધા, મીરા, દ્રોપદી અને આંડાલ વિશે આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ઘણી બધી જાણી-અજાણી વાતો રજૂ કરવામાં આવી છે. તેમણે લેખિકા જ્યોત્સ્ના તન્નાને અભિનંદન આપ્યા હતા. અને આ પુસ્તક રાહત દરે આપવાની જાહેરાત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નંદિની ત્રિવેદીએ કર્યુ હતું. એમણે જણાવ્યું હતું કે જ્યોત્સનાબેને “મહાભારત અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર” વિષય ઉપર પી.એચ.ડી. કર્યુ છે. અને દ્રૌપદી વિશેનો લેખ લખતાં પહેલાં ૨૭ ગ્રંથોનો અભ્યાસ કર્યો છે.

બહુમૂલ્ય રત્ન નામે સંબંધ

ટિક્ ટિક્ ટિક્…. નીરવ શાંતિમાં દીવાલ પર ટિંગાયેલી ઘડિયાળના કાંટાનો ધ્વનિ કાનમાં પડઘાય છે. આ કાંટા ક્ષણો વીણતા રહે છે તો દીવાલ પર લટકતું કૅલેન્ડર તારીખ-વાર સરકાવતું રહે છે. સ૨કતા સમયની સાથે સાથે સંસારમાં એક દૌડ ચાલે છેઃ સંબંધ ખરડાવવાની, માણસાઈને મરોડવાની, પોતાને જિતાડવાની… પછી ભલે એ મેળવવા બીજાને પછાડવા પડે.

આજે અમીર થવાની ઘેલછામાં, પદ અને પ્રતિષ્ઠાની મહેચ્છામાં માનવસંબંધો તૂટવા લાગ્યા છે, લાગણીથી જોડાતા માણસો લાગણીશૂન્ય થતા જાય છે, પરંતુ યાદ રાખીએ કે જિંદગીની ઝાકઝમાળમાં એકલતા, હતાશા કે નિરાશાથી બચવાનો ઉપાય સ્નેહ, લાગણી અને સંવેદના છે. સંવેદનાથી દુઃખ સામે લડવાનું બળ મળે છે.

અમેરિકામાં જૉની કૅશ નામના ગાયકે પોતાના જીવનકાળ દરમિયાન ૧૫૦૦થી વધુ ગીતો ગાયાં, સંગીત ક્ષેત્રનો અતિ મૂલ્યવાન ગ્રેમી એવૉર્ડ મેળવ્યો. લાખો લોકો એને સાંભળવા લાઈવ કન્સર્ટમાં ધક્કમુક્કી કરતા. 1932માં જન્મેલો જૉની માત્ર પચીસ વર્ષની ઉંમરે લખલૂટ પૈસા-પ્રસિદ્ધિ અને સતત મળતા અટેન્શનથી છકી જઈને ડ્રગ્સના ફંદામાં ફસાયો. ૧૯૫૭નું એ વર્ષ હતું. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પણ પછી ડ્રગ્સના કારણે ધીરે ધીરે એની પડતી શરૂ થઈ. જેલના અને હૉસ્પિટલના, રિહેબિલિટેશન સેન્ટરના ધક્કા ચાલુ થઈ ગયા, મિત્રોએ સાથ છોડી દીધો.

છેવટે જૉનીએ એક નિર્ણય લીધો. એણે ટેનેસી રાજ્યમાં આવેલી નિકાજેક કેવ્સમાં અથડાઈ-કૂટાઈને જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું. આ બિહામણી ગુફામાં ઘણાએ પ્રાણ ખોયા છે. જૉની અંધારી ગુફામાં ગયો, અથડાતોકૂટાતો મૃતપ્રાય થઈને ઢળી પડ્યો. થોડા સમય પછી એ ભાનમાં આવ્યો તો એણે ફરી ગુફામાં અથડાવાનું શરૂ કરી દીધું. ચાલતાં-ચાલતાં ચમત્કારિક રીતે એ ગુફાની બહાર આવી ગયો. સામે તેની માતા અને પત્ની જૂન કાર્ટર ઊભાં હતાં. તેમણે જૉનીને પ્રેમથી આવકાર્યો. ઘરે લઈ જઈ તેની દેખભાળ કરવા લાગ્યાં. 2003માં 71 વર્ષની વયે એનું અવસાન થયું. જૉનીએ એની આત્મકથામાં નોંધ્યું કે ‘આજે હું જીવતો છું તેનું કારણ મારી માતા અને મારી પત્નીએ આપેલો પ્રેમ છે. હતાશામાં હિંમત અને એકલતામાં પ્રેમ આપ્યો.’  ટૂંકમાં પત્ની અને માતાએ લીધેલી સંભાળ, સંવેદનાએ એક કલાકારને મૃત્યુ અને ડ્રગ્સના વ્યસનમાંથી બચાવી લીધો.

અમેરિકાની કાર્નેગી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી નામની સંસ્થાએ માણસની સફ્ળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા દસ હજાર વ્યક્તિ પર રિસર્ચ કરીને તારણ કાઢ્યું કે, વ્યક્તિની સફ્ળતાનો ૧૫ ટકા આધાર તેની બુદ્ધિ, આવડત પર છે, જ્યારે ૮૫ ટકા સ્નેહાળ સંબંધ, સંવેદના, લાગણી પર છે. આપણા પરિવારજનો, મિત્રો, આપણી સાથે કાર્ય કરતા સાથીઓનો આદર પ્રાપ્ત કરવો હોય તો, તેની લાગણી અને તેની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી પ્રવૃત્તિ કરીશું તો જ સામી વ્યક્તિનું માનસ અને વલણ બદલાશે. લાગણીના સ્વીકાર દ્વારા આપણે લોકોનો આદર પ્રાપ્ત કરી શકીએ છીએ.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન કરેલા દરેક કાર્ય લાખો સ્વયંસેવકો અને હજારો સંતોને સાથે રાખી કર્યાં છે. ક્યારેય કોઈનામાં મનભેદ કે મતભેત નથી થયા. કારણ? તેમણે જે તે વ્યક્તિઓને પ્રેમ, હૂંફ આપ્યાં, તેમની સંભાળ રાખી, તેના વિચારોને સમજી અને સ્વીકારી, તેમની ભૂલોને અવગણી જે તે કાર્યના નિષ્ણાત બનાવ્યા છે. જેના કારણે આજે આપણે બીએપીએસ સંસ્થાનાં કાર્યો, પ્રગતિ જોઈએ છીએ.

હૂંફાળાં સંબંધ, સ્નેહ અને લાગણી તો રત્ન જેવાં છે. જોઈને સૌ કોઈ વિસ્મય પામેઃ કેટલાં સુંદર છે, પણ તે બનતાં કેટલો સમય લાગ્યો હશે તે કોઈ નથી સમજી શકતું. સમજાય છે એના માટે પ્રગતિના દરવાજા આપોઆપ ખૂલી જાય છે. હવે નિર્ણય આપણા હાથમાં કે આપણે સંબંધો કેવા બનાવવા છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

NCC મહિલા કેડેટ્સે ICGS જખૌની મુલાકાત લીધી

ભૂજઃ ભૂજ અને જામનગરના સૈન્ય પાંખના વરિષ્ઠ પ્રભાગની 60 NCC મહિલા કેડેટ્સે NCCની સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરના ભાગરૂપે 10 મેએ ICGS જખૌની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં કેડેટ્સને ICGS જખૌ, 68 ACV સ્ક્વોડ્રોન અને જખૌ બંદરે સ્થિત જહાજો ઉપર લઈ જવામાં આવ્યા હતા.

આ કેડેટ્સને ACV અને જહાજોની વિવિધ ક્ષમતાઓ અને સમુદ્રી દેખરેખ, શોધખોળ અને IMBLમાં બચાવ કામગીરીઓમાં તેમના દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાના મહત્ત્વ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કેડેટ્સને ઓનબોર્ડ ICG પ્લેટફોર્મ ઉપર સ્થાપિત કરાયેલા નેવિગેશનલ અને એન્જિનિયરિંગ ઉપકરણો અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.

વધુમાં, આ મુલાકાતમાં ICGની ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગે સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવી હતી. આ મુલાકાત કેડેટ્સ માટે સૈન્ય દળો સાથે જોડાવવા અને રાષ્ટ્ર પ્રત્યે તેમનું સન્માન વધુ દ્રઢ બનાવવા માટે પ્રેરણાદાયી પરિબળ બની રહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ કેસઃ ઉદ્ધવ ઠાકરેને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે અને તેણે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. તેણે આ માટે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરી નહોતી અને તેને બદલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું જે એમની ભૂલ હતી. કોર્ટે કહ્યું કે શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો કરીને છૂટા થનાર એકનાથ શિંદેના જૂથના વ્હિપને નિયુક્ત કરવાનો વિધાનસભા સ્પીકરનો નિર્ણય ખોટો હતો.

દેશના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની આગેવાની હેઠળ પાંચ-જજની બેન્ચે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું ન હોત તો અમે પૂર્વસ્થિતિ લાગુ કરીને એમની સરકારને પુનઃસ્થાપિત કરી દેત.

કોર્ટે એમ પણ કહ્યું કે, ગયા વર્ષના જૂનમાં ઉદ્ધવ સામે બળવો પોકારનાર એકનાથ શિંદે તથા શિવસેનાના બીજા 15 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય અમે રાજ્ય વિધાનસભાના સ્પીકર પર છોડીએ છીએ.

વિકરાળ રૂપ ધારણ કરશે વાવાઝોડું મોચાઃ ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું હવે ખતરનાક રૂપ ધારણ કરી રહ્યું છે.ખાડીના દક્ષિણ-પૂર્વમાં ઊંડું દબાણ છેલ્લા છ કલાકમાં આઠ કિમીની સ્પીડની સાથે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDનું કહેવું છે કે બંગાળની ખાડીની ઉપરનું દબાણ એક વાવાઝોડું મોચામાં ફેરવાઈ ગયું છે. આજે અડધી રાત્રે ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લે એવી શક્યતા છે. એને કારણે બંગલાદેશ અને મ્યાનમારમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

IMDના ભુવનેશ્વર રિજનલ સેન્ટરના ડિરેક્ટર એચઆર બિશ્વાસે જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન દક્ષિણી પૂર્વ બંગાળની ખાડી પર છે. એની મુવમેન્ટ ઉત્તર-પૂર્વ તરફ થવાની સંભાવના છે. બંગાળના સમુદ્ર તટો પર તેજ હવાઓની સાથે વરસાદ વરસશે. આંદામાનમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોને સમુદ્રમાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.

આ વાવાઝોડું 14 મેએ લેન્ડફોલ થશે. આ વાવાઝોડાને જોતાં પશ્ચિમ બંગાળમાં NDRFની છ ટીમોને તહેનાત કરવામાં આવી છે. આમાંથી ત્રણ ટીમોને પૂર્વ મિદનાપુરના રામનગર એક બ્લાક, રામનગર 2 અને હલ્દિયામાં તહેનાત કરવામાં આવી છે. અને અન્ય ત્રણ ટીમોને દક્ષિણ 24 પરગણાના ગોસાબ કુલતલી અને કાકદ્વીપમાં વધુ બે ટીમોને ઉત્તર પરગણાના હિંગલરાજ અને સંદેશખલીમાં તહેનાત કરવામાં આવી છે.

આ મોચા વાવાઝોડામાં ફેરવાવાથી હવાઓની ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને એ 100 કિમીની ઝડપથી મ્યાનમારના તટીય કિનારાને પાર કરશે.

 

 

 

 

 

LG વિરુદ્ધ દિલ્હી સરકારઃ કેજરીવાલ સરકારની કોર્ટમાં ‘સુપ્રીમ’ જીત

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપ રાજ્યપાલને મામલે અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ મામલે અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ પર દિલ્હી સરકારનો અધિકાર છે. CJI ડી. વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી. એસ. નરસિંહાની બંધારણીય બન્ચે કહ્યું હતું કે આ મામલો માત્ર સર્વિસિસ પર નિયંત્રણનો છે. અમે જસ્ટિસ ભૂષણના 2019ના ચુકાદાથી સહમત નથી. આ નિર્ણય બહુમતનો છે- બધા જજોની સહમતીથી છે. જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે સેવાઓ પર માત્ર કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર છે, પરંતુ દિલ્હી સરકારની શક્તિઓ સીમિત કરવા માટે કેન્દ્રની દલીલોથી નીપટવું આવશ્યક છે. આર્ટિકલ 239AA વ્યાપક સુરક્ષા આપે છે. સંસદની પાસે ત્રીજી અનુસૂચિમાં કોઈ પણ વિષય પર કાયદો બનાવવાની પૂર્ણ શક્તિ છે. જો કેન્દ્ર અને રાજ્યના કાયદાની વચ્ચે ઘર્ષણ થાય છે તો કેન્દ્રીય કાયદો મજબૂત થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જનતાની ઇચ્છાનું પ્રતિબિંબ છે. દિલ્હી એક પૂર્ણ રાજ્ય નથી, પણ વિધાનસભાની સૂચિ બે અને ત્રણ હેઠળના વિષયો પર અધિકાર આપવામાં આવ્યા છે. લોકતાંત્રિક પ્રકારે ચૂંટાયેલી સરકાર દિલ્હીની જનતા પ્રતિ જવાબદેહ છે. ચૂંટાયેલી સરકાર પાસે લોકોની ઇચ્છા લાગુ કરવાની શક્તિ હોવી જોઈએ. સંઘવાદના સિદ્ધાંતનું સન્માન થવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર વિરુદ્ધ દિલ્હી વિવાદના કેટલાય મુદ્દાઓ પર ચુકાદો આપ્યો હતો, પણ સર્વિસિસ એટલે કે અધિકારીઓ પર નિયંત્રણ જેવા કેટલાક મુદ્દાઓને આગળની સુનાવણી માટે છોડી મૂક્યા હતા.

 

 

 

 

કોરાનાના 1690 નવા કેસો, 14નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1690 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 14 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,76,599 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,736 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,25,250 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3469 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,613એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.04 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,47,177 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.82 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,86,764 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2294 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

પાકિસ્તાનઃ હિંસાખોરીને રોકવા પંજાબ પ્રાંતમાં લશ્કર તહેનાત કરાયું

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરાયા બાદ એમના સમર્થકો અને સુરક્ષા દળોના જવાનો વચ્ચે દેશમાં અનેક સ્થળે મોટા પાયે હિંસક અથડામણો ફાટી નીકળી છે. રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદમાં તો લશ્કરના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા જ છે, પણ હવે પંજાબ પ્રાંતને પણ લશ્કરને હવાલે કરી દેવામાં આવ્યું છે. પંજાબના લાહોર તથા બીજા અનેક શહેરોમાં પરિસ્થિતિ તંગ છે.

પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનના વડપણ હેઠળની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સમર્થકોએ ઓછામાં ઓછા 14 સરકારી મકાનો અને મથકોને આગ ચાંપી હતી. સુરક્ષા દળોએ પીટીઆઈના 1,150 સમર્થકોની ધરપકડ કરી છે. આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં પણ ગઈ કાલે લશ્કર ગોઠવી દેવામાં આવ્યું છે.

સુવર્ણ મંદિર નજીક ત્રીજો વિસ્ફોટ થયો; પાંચ શકમંદની અટક

અમૃતસરઃ અત્રેના સુવર્ણ મંદિર પરિસરમાં આવેલા શ્રી ગુરુ રામદાસ નિવાસ નજીક ગઈ મધરાત બાદ એક મોટો અવાજ સંભળાયો હતો. પંજાબ પોલીસે કહેવું છે કે તે અવાજ કોઈક વિસ્ફોટનો હોવાની શંકા છે. અવાજ ગઈ મધરાત બાદ લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ સંભળાયો હતો. પોલીસે આ સંદર્ભમાં પાંચ જણને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. શ્રી ગુરુ રામદાસ નિવાસ શહેરની સૌથી જૂની લોજ છે, જે સુવર્ણ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ, પર્યટકોમાં લોકપ્રિય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં સુવર્ણ મંદિર નજીક આ ત્રીજો વિસ્ફોટ થયો છે. ગઈ કાલે રાતના વિસ્ફોટની જાણ થયા બાદ પોલીસ જવાનો અને ફોરેન્સિક ટીમના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા. મકાનની પાછળથી એમને કેટલાક ટૂકડા મળી આવ્યા છે. તપાસ હજી ચાલી રહી છે. પંજાબના પોલીસ વડાએ એક ટ્વીટ મારફત જણાવ્યું છે કે અમૃતસરમાં ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટના કેસો ઉકેલાઈ ગયા છે.