Home Blog Page 2916

BCCIએ કોહલી, ગંભીરની 100 ટકા મેચ ફી કાપી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની 43મી મેચમાં ક્રિકેટ ફેન્સ એ અચંબિત થયા હતા, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને લખનઉ સુપરજાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરની વચ્ચે મેચ પછી મોટી ચણભણ થઈ હતી. આ મામલો એટલો બધી ગયો હતો, કેટલાક ખેલાડીઓએ વચ્ચે પડીને બચાવ કરવો પડ્યો હતો. ક્રિકેટનો શરમજનક બનાવ ત્યારે જોવા મળ્યો, જ્યારે RCBએ લખનઉની સામે મેચમાં જીત હાંસલ કરી હતી. મેચ પૂરી થયા પછી મેદાનમાં બબાલ થઈ હતી. હવે BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને સજા આપી છે.

BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પછી નવીન ઉલ-હક પર 50 ટકા મેચ ફીનો દંડ ફટાકરવામાં આવ્યો હતો.

વિરાટ અને ગંભીર વચ્ચે કોઈક વાતે ચડસાચડસી થઈ ગઈ હતી. આ ચણભણ એટલી વધી ગઈ હતી કે બાકીના ખેલાડીઓએ અને સ્ટાફે વચ્ચે પડીને બચાવ કરવો પડ્યો હતો. આ ઘટનાનો વિડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણ જોઈ શકાય છે કે લખનઉ સુપર જાયન્ટ્સના અમિત મિશ્રા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસ પણ બચાવમાં ઊતર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લખનઉ સુપર જાયન્ટ્સને બેંગલોરમાં 10 રનથી હરાવી દીધી હતી. વિરાટ કોહલીના ફેન્સને ગંભીરન સાથે આ ગરમાગરમી માફક નહીં આવી. તેમણે ટ્વિટર ગુસ્સો ઠાલવ્યો હતો. યુઝરે લખ્યું હતું કે ભાજપના એક સાંસદ કર્ણાટકની શાન RCBને ધમકી આપી રહ્યો હતો, જેથી કર્ણટકની જનતા 13 મેએ તેમને સબક શીખવા માટે તૈયાર છે.

 

 

 

 

મહાત્મા ગાંધીના પૌત્ર અરૂણ ગાંધી (89)નું નિધન

કોલ્હાપુરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અને લેખક અરૂણ ગાંધીનું આજે અહીં નિધન થયું છે. તો 89 વર્ષના હતા. એમના અંતિમસંસ્કાર કરવામાં કોલ્હાપુરમાં આવશે એમ તેમના પુત્ર તુષાર ગાંધીએ કહ્યું છે.

અરૂણ ગાંધી છેલ્લા બે મહિનાથી કોલ્હાપુરમાં રહેતા હતા. તેઓ ગાંધીજીના દ્વિતીય પુત્ર મણીલાલ ગાંધીના પુત્ર હતા. અરૂણ ગાંધીનો જન્મ 1934ની 14 એપ્રિલે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. દાદા મહાત્મા ગાંધીને પોતાના આદર્શ ગણીને તેમણે અનેક સામાજિક કાર્યોમાં સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો.

NCP પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું આપ્યું; એમના નિર્ણયથી સમર્થકો નારાજ

મુંબઈઃ એક મોટી બનેલી ઘટનામાં, રાજકીય દિગ્ગજ નેતા શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખપદેથી રાજીનામું આપવાની આજે જાહેરાત કરી છે. અત્રે યશવંતરાવ ચવ્હાણ ફાઉન્ડેશન સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે આ જાહેરાત કરી હતી. 82-વર્ષીય પવારે જોકે એમ પણ કહ્યું કે પોતે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય. પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોને બનાવવા તેનો નિર્ણય પક્ષની કાર્યકારી સમિતિ લેશે.

દરમિયાન, એનસીપીના સમર્થકો પવારના નિર્ણયથી નારાજ થયા છે. પક્ષના ઘણા કાર્યકર્તાઓએ કાર્યક્રમના સ્થળે વિરોધ વ્યક્ત કરીને તેમની નારાજગી દર્શાવી હતી. અનેક કાર્યકર્તાઓએ વિનંતી કરી હતી કે પવાર પદ છોડે નહીં. કાર્યક્રમનું સ્થળ કાર્યકર્તાઓ દ્વારા ‘શરદ પવાર, શરદ પવાર’ના નાદથી ગાજી ઉઠ્યું હતું. કાર્યક્રમ વખતે મંચ પર બેઠેલા પક્ષના સિનિયર નેતાઓ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ ડઘાઈ ગયા હતા અને મંચ પર રડી પડ્યા હતા.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર બેન, મફત વીજનાં ચૂંટણી વચનો

બેંગલુરુઃ કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે બેંગલુરુમાં ઘોષણાપત્ર જારી કરી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણાપત્ર જારી કર્યું છે. પાર્ટીએ ખાલી પડેલાં સરકારી પદોને ભરવાનું વચન આપ્યું છે. એ પણ કહેવામાં આવ્યું છે કે 2006 પછી નિયુક્ત સરકારી કર્મચારીઓને OPS હેઠળ પેન્શન મળશે.

આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, AICCના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા, KPCC અધ્યક્ષ ડી. કે. શિવકુમાર, વિધાનસભા વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બી. કે. હરિપ્રસાદ અને ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ જી. પરમેશ્વર શંઘરેલા પણ હાજર હતા.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?

  • બધાં ખાલી સરકારી પદોને એક વર્ષમાં ભરવામાં આવશે.
  • 2006 પછી નિયુક્ત બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન આપવામાં આવશે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 15-20 વર્ષ કાર્યરત રહેલા કર્મચારીઓને સ્થાયી કરવામાં આવશે.
  • પોલીસમાં નિયુક્ત સ્ટાફમાં એક તૃતીયાંશ મહિલા અને કમસે કમ એક ટકા થર્ડ જેન્ડર અનામત કરાશે. સાયબર અને આર્થિક ગુનાઓ અટકાવવા માટે સંશોધન કરવામાં આવશે. એના માટે રૂ. 200 કરોડ ફાળવવામાં આવશે.
  • સમાજમાં હિંસા ફેલાવતાં ગ્રુપ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બજરંગ દળ, PFI જેવાં સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
  • ગ્રામ પંચાયતમાં હાઇ સ્પીડ વાઈ-ફાઈ હોટસ્પોટ. 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં રસ્તાઓનું વિસ્તરણ કરવામાં આવશે.
  • પ્રોપર્ટી ટ્રાન્સફર કરવી સરળ બનાવવા માટે કર્ણાટક ઓનરશિપ એક્ટ 1972માં સંશોધન.
  • ભાજપે બનાવેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવામાં આવશે.
  • નંદિની વિવાદની વચ્ચે દૂધ ઉત્પાદન વધારીને 1.5 લાખ લિટરનું વચન આપ્યું હતું.
  • સમુદ્રમાં માછલી પકડવા માટે પ્રતિ વર્ષ 5000 લિટર કરમુક્ત ડીઝલ ઉપલબ્ધ કરાવાશે.
  • 200 યુનિટ મફત વીજળી, પરિવારની પ્રત્યેક મહિલા વડાને પ્રત્યેક મહિને રૂ. 2000 આપવામાં આવશે.
  • બેરોજગારોને બે વર્ષ માટે પ્રતિ મહિને રૂ. 3000 આપવામાં આવશે અને ડિપ્લોમાધારકોને રૂ. 1500 પ્રતિ મહિને આપવામાં આવશે.
  • KSRTC-BMTCમાં બધી મહિલાઓને યાત્રા મફત કરવા દેવામાં આવશે.

 

 

GSEBનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામઃ મોરબી પ્રથમ સ્થાને

 ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ મંગળવારે સવારે જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોકે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામમાં સાત ટકાનો ઘટાડો થયો છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે.  બોર્ડે સૌપ્રથમ વાર વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ નંબરથી પરિણામ જાણવાની વ્યવસ્થા ગોઠવી છે. બોર્ડની વેબસાઇટ http://gseb.org/ ઉપરાંત વોટ્સએપ નંબર (63573 00971) પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકે છે. આ વખતે 83.22 ટકા સાથે મોરબી પ્રથમ સ્થાને છે, જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 22 ટકા આવ્યું છે, જ્યારે 90.41 ટકા સાથે સૌથી વધુ પરિણામ હળવદનું આવ્યું છે.

બોર્ડની 12ની પરીક્ષા 14 માર્ચે શરૂ થઈ હતી અને 28 માર્ચએ પૂરી થઈ હતી. ડેટા મુજબ  કુલ 1.09 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી, લગભગ 40,000 વિદ્યાર્થીઓએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર (PCM) સાથે તેમની બોર્ડના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જ્યારે બાકીના 59,000 વિદ્યાર્થીઓએ જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર (PCB) સાથે બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી.

આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયું છે. જ્યારે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યું છે. B ગ્રુપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત AB ગ્રુપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. એટલે આ વખતે વિદ્યાર્થિનીઓ કરતાં વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

A1- 61

A2- 1523

B1- 6188

B2- 11984

C1-19135

C2- 24185

D- 8975

E1- 115

રાજ્યમાં આજે ગુજરાત બોર્ડની સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ત્રીજી એપ્રિલે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. આ વર્ષે નોંધાયેલા 1,30,788 પૈકી 1,26,605એ પરીક્ષા આપી હતી. જ્યારે 4183 ગેરહાજર રહ્યા હતા. જેમાં A ગ્રુપમાં 488 સ્ટુડન્ડ્સ અને B ગ્રુપમાં 781 સ્ટુડન્ટ્સે 99થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે.

 

 

 

 

દિવા હેઠળ અંધારું

 

                દિવા હેઠળ અંધારું

 

પહેલા કોડિયું, ફાનસ કે એ પ્રકારના દીવા વપરાતા જેનું મોં ઉપર તરફ હોય. આ કારણથી દીવાનું અજવાળું આજુબાજુ તો ફેલાય પણ એના નીચે તો અંધારું જ હોય.

આ વાતને જોડીને કોઈ સક્ષમ અથવા તેજસ્વી વ્યક્તિ હોય જે પેલા દીપકની માફક પ્રકાશતો હોય પણ એના નીચે એટલે કે એના વંશમાં પેદા થયેલા બાળકો એટલા સક્ષમ ના હોય અને ક્યારેક તો મૂરખ પણ હોય ત્યારે આ કહેવત વપરાય છે. જોકે આજે વીજળીના દીવાના યુગમાં જીવીએ છીએ એટલે એ દીવાની નીચે અંધારું હોતું નથી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 3318 નવા કેસો, 17નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3318 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 17 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,52,996 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,564 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,77,257 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6379 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 44,175એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.10 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.71 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,45,309 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.69 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,68,613 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2180 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ધર્મેન્દ્રએ રાજેન્દ્રકુમારની ‘આરઝૂ’ ના સ્વીકારી           

ફિલ્મ ‘આરઝૂ’ (૧૯૬૫) માં ધર્મેન્દ્ર કામ કરે એવી રાજેન્દ્રકુમારની ઇચ્છા પૂરી થઈ ન હતી. નિર્દેશક રામાનંદ સાગરે બે હીરોવાળી ફિલ્મ ‘આરઝૂ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એમાં રાજેન્દ્રકુમાર નક્કી હતા. હીરો તરીકે કયા અભિનેતાને લેવા એની મૂંઝવણમાં હતા ત્યારે રાજેન્દ્રકુમારે સૂચન કર્યું કે એ અત્યારે ધર્મેન્દ્ર સાથે ‘આઈ મિલન કી બેલા’ (૧૯૬૪) માં કામ કરી રહ્યા છે એટલે એમને તૈયાર કરશે. રાજેન્દ્રકુમારે ધર્મેન્દ્રને વાત કરી ત્યારે એમણે બહુ પ્રેમથી ના પાડી દીધી. કારણ આપતાં કહ્યું કે હવે બે હીરોવાળી ફિલ્મોને બદલે માત્ર એકલ હીરોની મુખ્ય ભૂમિકાવાળી જ કરવાના છે. અને એવી ભૂમિકાઓ મળી રહી છે.

રાજેન્દ્રકુમારને વાત યોગ્ય લાગી અને વધારે આગ્રહ કર્યો નહીં. જ્યારે રામાનંદ સાગરને આ વાત જણાવી ત્યારે એમને દુ:ખ થયું. એમને ધર્મેન્દ્ર જ એ ભૂમિકા માટે યોગ્ય લાગતા હતા. વિકલ્પ શોધવા બીજા અભિનાતોઓનો વિચાર કરતાં રામાનંદને મનોજકુમાર યાદ આવ્યા. એમણે રાજેન્દ્રકુમારને મનોજકુમાર વિશે પૂછ્યું ત્યારે રાજેન્દ્રકુમારે એ વાત યાદ કરી કે એમને પહેલી સફળ ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’ પોતાને કારણે જ મળી હતી. મનોજકુમાર સાથે પોતે જ વાત કરી લેશે એમ રામાનંદને કહી દીધું. રાજેન્દ્રકુમારે જ્યારે મનોજકુમારને ‘આરઝૂ’ ની ભૂમિકા માટે વાત કરી ત્યારે એ જવાબ આપતાં ખચકાયા પણ પછી પોતાની ઇચ્છા ના હોવાનો નિર્ણય જણાવી જ દીધો. એ પણ બે હીરોવાળી ફિલ્મ કરવા માગતા ન હતા.

બીજા હીરો તરીકે કોઈ અભિનેતા ધ્યાનમાં આવી રહ્યો ન હોવાથી રામાનંદની ‘આરઝૂ’ શરૂ થઈ શકી ન હતી. એક દિવસ રાજેન્દ્રકુમાર મદ્રાસ ગયા હતા ત્યારે એમને ગુરુદત્ત-ફિરોઝ ખાન- માલા સિંહાની ફિલ્મ ‘બહુરાની’ (૧૯૬૩) જોવાની તક મળી. એમને ફિરોઝ ખાનનો અભિનય પસંદ આવ્યો અને ‘આરઝૂ’ માટે એમના નામનો વિચાર કર્યો. એ દિવસોમાં રાજેન્દ્રકુમારના નિર્દેશકભાઈ નરેશકુમાર ફિરોઝ સાથે જ ‘એક સપેરા એક લુટેરા’ (૧૯૬૫) બનાવી રહ્યા હતા. રાજેન્દ્રકુમારે નરેશકુમારને સંદેશો મોકલાવ્યો કે ફિરોઝ મને મળવા આવે એમ કહેવું.

ફિરોઝની સાથે મુલાકાત કરીને રાજેન્દ્રકુમારે એમને ‘આરઝૂ’ માટે પસંદ કરી લીધા અને રામાનંદ સાગરને જાણ કરી. પરંતુ રામાનંદ એમને સાઇન કરવા તૈયાર થયા નહીં. એમણે ફિરોઝની એકપણ ફિલ્મ જોઈ ન હતી. એમણે કહ્યું કે ફિરોઝ નવો છે અને વળી ‘બી’ ગ્રેડની ફિલ્મો કરતો હોવાથી આપણી ફિલ્મમાં મેળ પડશે નહીં. રાજેન્દ્રકુમારે વિશ્વાસ અપાવ્યો કે ફિરોઝ એ ભૂમિકાને ન્યાય આપશે. રાજેન્દ્રકુમારના આગ્રહથી રામાનંદ સાગરે એના માટે હા પાડી દીધી. થોડા દિવસોના શૂટિંગ પછી એમને ફિરોઝની પસંદગી યોગ્ય લાગી. એમને રાજેન્દ્રકુમારની પસંદગી માટે માન થયું. ફિલ્મ સફળ રહી અને એવી વાત થવા લાગી હતી કે ફિરોઝ એના વ્યક્તિત્વને કારણે ઘણા દ્રશ્યોમાં રાજેન્દ્રકુમાર કરતાં વધુ પ્રભાવશાળી લાગે છે.

 

મેટ ગાલા-2023: રેડ કાર્પેટ પર આલિયાની પહેલી જ વાર હાજરી

ન્યૂયોર્કઃ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં કરેલા અભિનય બદલ હાલમાં જ વર્ષ 2022 માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ‘ફિલ્મફેર’ એવોર્ડ જીતનાર બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે વિશ્વપ્રસિદ્ધ ફેશન શો – ‘મેટ ગાલા’માં ડેબ્યૂ કર્યું છે. ગઈ કાલે અહીં ‘મેટ ગાલા-2023’માં એ સફેદ ડ્રેસમાં સજ્જ થઈને રેડ કાર્પેટ પર હાજર થઈ હતી. વ્હાઈટ ગાઉનમાં તે કોઈ પરી જેવી બહુ સુંદર દેખાતી હતી. એણે અનોખી વીંટી અને કાનમાં ઈયરિંગ્સ પહેર્યાં હતાં. આલિયા નેપાળી-અમેરિકન ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરંગે તૈયાર કરેલા મોતીથી મઢેલા આઉટફિટમાં સજ્જ થઈ હતી. આલિયાએ પોતાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

દરમિયાન, આલિયાની નવી ફિલ્મ આવી રહી છે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’. એમાં તેની સાથે રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી પણ મુખ્ય કલાકારો તરીકે છે. તે ઉપરાંત આલિયાએ એક અન્ય નવી ફિલ્મ ‘જી લે ઝરા’નું શૂટિંગ શરૂ કરી દીધું હોવાનો અહેવાલ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફરહાન અખ્તર સંભાળશે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

 

(તસવીર સૌજન્યઃ aliaabhatt)

અમેરિકાના શિક્ષણવિદ્ ડેનિયલ મોન્ટપ્લેઇસરની ગણપત યુનિવર્સિટીના “જોઈન્ટ ડિરેક્ટર જનરલ” તરીકે નિમણૂક

ગણપત વિદ્યાનગરઃ વિદ્યા દ્વારા સમાજના ઉત્કર્ષના સંકલ્પ-સૂત્ર સાથે પોતાના વિદ્યાર્થીઓનાં કારકિર્દી તેમજ ચારિત્ર  ઘડતર માટે તત્પર અને શ્રેષ્ઠ પ્રયત્નો કરતી ગુજરાતની હાઈ-ટેક તરીકે ખ્યાતિ પામેલી ગણપત  યુનિવર્સિટીએ એની સિદ્ધિનું એક નવું શિખર હાંસલ કર્યું છે.

દક્ષિણ કેલિફોર્નિયા, અમેરિકાની સુપ્રતિષ્ઠિત યુનિવર્સિટી કાલ પોલિ પોમોના “યુનિવર્સિટી એડવાન્સમેન્ટ”ના વાઇસ પ્રેસિડેન્ટ એવા જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધ ડેનિયલ ઈ. મોન્ટપ્લેઇસરની ગણપત યુનિવર્સિટીના “જોઈન્ટ ડિરેક્ટર જનરલ” તરીકે નિમણૂક થતા એમણે ફરજ ઉપર હાજર થઈ પોતાના કાર્યનો પહેલી મે, ગુજરાતના સ્થાપના-દિવસના રોજ શુભ આરંભ કર્યો હતો. યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર ડો. મહેન્દ્ર શર્માએ એમને મીઠાઈથી ગળ્યું મોઢું કરાવીને તો પ્રો. રેમી મિત્રા અને ડો. શ્રીમતી નાગેશ્વરને ફુલ-ગુચ્છથી એમનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. આ અવસરે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે પણ ઓનલાઇન ઉપસ્થિત રહીને ડેનિયલને શુભકામનાઓ પાઠવી હતી. ગણપત યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર પ્રો.  ડો.આર.કે. પટેલ, પ્રો. ડો.સૌરભ દવે, પ્રો. ડૉ.સત્યેન પરીખ, પ્રો. ડૉ.કિરણ અમીન, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર (એડમીન) ડો.ગિરીશ પટેલ સહિત અન્ય ડીન સાહેબો, આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડેનિયલે અમેરિકાની સુવિખ્યાત યુનિવર્સિટીના “કાલ પોલિ પોમોના ફિલાન્થૉપિક ફાઉન્ડેશન”ના સી.ઈ.ઓ. (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) તરીકે બહુ મહત્વની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.

ભારતમાં અને ગુજરાત રાજ્યમાં ઉચ્ચ અભ્યાસ માટેની એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકેનું સન્માન પામેલી ગણપત યુનિવર્સિટીના હજુ વધુ વિકાસ-ઉત્કર્ષમાં પોતાનો ઉત્કૃષ્ટ સહયોગ પ્રદાન કરી એક મહત્વના હોદ્દેદાર-આગેવાન તરીકે ડેનિયલ મોન્ટપ્લેઇસર  યુનિવર્સિટીની બ્રાન્ડને-પ્રતિષ્ઠાને વધુ તેજ અને વધુ શ્રેષ્ઠ બનાવવાની બહુમૂલ્ય સેવાઓ અર્પણ કરશે.

ઉત્તમ કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એજ્યુકેશનલ પાર્ટનરશીપ, સરકાર તેમજ કોર્પોરેટ્સ  સાથેના સંબંધોની જાળવણી, ફંડ રેઈઝિંગ, એલ્યુમની  એસોસિએશન્સ, સ્ટાર્ટ-અપ્સ તેમજ સંસાધનોની વૃદ્ધિ દ્વારા દેશની આત્માનિર્ભર બનવાની જે કોશિશ છે તેમાં પણ ડેનિયલ યુનિવર્સિટીની પ્રગતિ દ્વારા પોતાનું મહત્વનું પ્રદાન કરશે.

અમેરિકાની અનેક જાહેર તેમજ ખાનગી ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓમાં જવાબદાર હોદાઓ  ઉપર રહી કામ કરવાનો ડેનિયલને 30 વર્ષ જેવો બહોળો અનુભવ છે.

અમેરિકાના “સોશિયલ મોબિલિટી ઇન્ડેક્ષ”માં કાલ પોલિ પોમોના યુનિવર્સિટીની બહુ ઊંચી રેન્ક છે, કારણ કે અહીં ભણવા આવતા દરેક ગરીબ વિદ્યાર્થીઓ પણ પોતાના શિક્ષણ દરમિયાન ઊંચું કાર્ય-કૌશલ્ય હાંસલ કરી પોતાની મનગમતી જોબ મેળવી કે મનગમતું કામ કરી સારી આર્થિક-સ્થિતિનું નિર્માણ કરી શકે છે !

કાલપોલી યુનિવર્સિટી પહેલા ડેનિયલ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇરવિન (યુસીઆઈ)માં “આસિસ્ટન્ટ વાઇસ ચાન્સેલર”  તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યાં એમણે વન બિલિયન ડોલરના “રોપિંગ ધી ફ્યુચર” કેમ્પેઇનની જવાબદારી સહિત અનેક મહત્વની ફરજો સફળતાપૂર્વક બજાવી હતી. આ યુનિ. પણ અમેરિકાની 1400 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ 10માં ગૌરવભર્યું સ્થાન શોભાવે છે.

અમેરિકાની બીજી પણ અનેક યુનિવર્સિટીઓમાં ખૂબ મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ડેનિયલે બી.એ. થઈ મેનેજમેન્ટમાં માસ્ટર કરેલું છે.  ઉપરાંત તેઓ સર્ટિફાઈડ ફન્ડ-રેઈઝર પણ છે. એમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે.