Home Blog Page 2928

આઇસી15 ઇન્ડેક્સમાં 55 પોઇન્ટની મામૂલી વૃદ્ધિ

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે વોલેટિલિટી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 ફ્લેટ રહ્યો હતો. ઇન્ડેક્સના કાર્ડાનો અને બિટકોઇન સિવાયના તમામ ઘટક કોઈન ઘટ્યા હતા. ચેઇનલિંક, લાઇટકોઇન, સોલાના અને પોલકાડોટમાં 2થી 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – એફટીએક્સ પડી ભાંગ્યું એને પગલે આ ક્ષેત્રનું નિયમન કરવા માટે બહામામાં ચુસ્ત ધારાધોરણો ઘડવાનું આયોજન છે. દરમિયાન, હોંગકોંગના સિક્યોરિટીઝ ફ્યુચર્સ કમિશને ક્રીપ્ટો એક્સચેન્જને લાઇસન્સ આપવા સંબંધેની માર્ગદર્શિકા આવતા મહિને ઘડવાનું વિચાર્યું છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમે પર્યાવરણમાં આવી રહેલા પ્રતિકૂળ ફેરફારોનો સામનો કરવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજી કેવી રીતે ઉપયોગી થઈ શકે એ દર્શાવતું શ્વેતપત્ર બહાર પાડ્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.14 ટકા (55 પોઇન્ટ) વધીને 39,191 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,136 ખૂલીને 40,113ની ઉપલી અને 37,744 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

NSEએ ઈક્વિટી ઈન્ડેક્સની ગણતરીમાં ડિમર્જર કંપની સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જની એનએસઈ ઈન્ડાયસીસ લિમિટેડે વિશ્વની પદ્ધતિઓના કરેલા અભ્યાસ અને બજારના સહભાગીઓ પાસેથી પ્રાપ્ત થયેલાં મંતવ્યોના આધારે એનએસઈ ઈન્ડાયસીસમાં સમાવિષ્ટ સ્ક્રિપ્સના ડિમર્જરના કિસ્સામાં નિફ્ટી ઈક્વિટી ઈન્ડેક્સની ગણતરીની પદ્ધતિમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.

અત્યારે ઈન્ડેક્સમાાં સમાવિષ્ટ કોઈ પણ સ્ક્રિપ કે જે ડિમર્જરની એરેન્જમેન્ટ સ્કીમ ધરાવતી હોય અને તે તેના બિઝનેસ ડિવિઝનને અન્ય અલગ કંપની તરીકે ડિમર્જર કરી રહી હોય તે કંપનીને જ્યારે શેરહોલ્ડરો એરેન્જમેન્ટ સ્કીમ મંજૂર કરે કે તરત જ ઈન્ડેક્સમાંથી પડતી મૂકવામાં આવે છે અને તેને સ્થાને અન્ય પાત્ર કંપનીનો સમાવેશ કરવામાં આવે છે. (આ બાબત એવા ઈન્ડાયસીસને લાગુ પડે છે, જેમાં સ્ક્રિપ્સની સંખ્યા નિશ્ચિત છે). જે ઈન્ડાયસીસમાં સ્ક્રિપ્સની સંખ્યા નિશ્ચિત નથી એવા ઈન્ડાયસીસમાં પણ ડિમર્જર કંપની માટે આ જ નિયમને અત્યારે અનુસરવામાં આવે છે.

એવા ઈન્ડાયસીસ કે જેમાં સમાવિષ્ટ કંપનીઓના એનએસઈમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સના સોદા થતા હોય તો તેવી ડિમર્જર થનારી કંપનીના કિસ્સામાં ઈન્ડાયસીસમાં ફેરફારની જાહેરાત ચાર સપ્તાહ પૂર્વે કરવામાં આવે છે.

હવે જે નવા સુધારા કરવામાં આવ્યા છે એ મુજબ જો એક્સચેન્જ દ્વારા સ્પેશિયલ પ્રિ-ઓપન સેશન હાથ ધરવામાં આવશે તો  ડિમર્જ કંપનીને ઈન્ડેક્સમાં જાળવી રાખવામાં આવશે. એ ઉપરાંત અલગ થયેલો વેપાર કે હસ્તીને કંપનીના એક્સ-ડિમર્જર બંધ ભાવ અને એક્સ-ડિમર્જર દિવસના સ્પેશિયલ પ્રિ-ઓપન સેશન દરમિયાનના  ભાવના ફરકે ઈન્ડેક્સમાં સમાવવામાં આવશે.

જે વેપાર કે હસ્તી અલગ કરવામાં આવશે તે નવી લિસ્ટેડ હસ્તી હશે અને તેને લિસ્ટિંગના ત્રીજા દિવસના અંતે ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવશે.

આ ત્રણ દિવસમાંથી પ્રથમ બે દિવસ જો પ્રાઈસ બેન્ડ્સને સ્પર્શશે તો તેને ઈન્ડેક્સની બહાર કરવાનું બીજા ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં  આવશે.અલગ થયેલો વેપાર કે હસ્તી સતત બે દિવસ પ્રાઈસ બેન્ડને ન સ્પર્શે એ જોયા બાદ તેને આવું નિરીક્ષણ કર્યાના ત્રીજા દિવસે ઈન્ડેક્સ બહાર કરવામાં આવશે.

જો ત્રીજા દિવસે પણ ડિમર્જ્ડ હસ્તીને પ્રાઈસ બેન્ડ લાગુ પડશે તો પણ તેના શેરને ઈન્ડેક્સમાંથી બહાર કરવાનું મોકૂફ રાખવામાં નહિ આવે.

જો એક્સચેન્જ દ્વારા સ્પેશિયલ પ્રી-ઓપન સેશન યોજવામાં આવ્યું ન હોય તો ડિમર્જ કરાયેલી કંપનીને એક્સ-ડિમર્જર તારીખે ઈન્ડેક્સમાંથી બહાર કરવામાં આવશે અને નિશ્ચિત સંખ્યાના ઈન્ડાયસીસમાં અન્ય પાત્ર કંપનીનો સમાવેશ કરવામાં આવશે. જે ઈન્ડાયસીસમાં સ્ક્રિપ્સની નિશ્ચિત સંખ્યા ફરજિયાત નથી તેવા ઈન્ડાયસીસમાંથી ડિમર્જ કંપનીના સ્થાને અન્ય કંપનીનો સમાવેશ કરવામાં આવશે નહિ.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૭ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૭ એપ્રિલ, ૨૦૨૩

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,શિક્ષકોએ શિક્ષિકાની સહાય માટે ફંડ એકઠું કર્યું

અમદાવાદઃ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં ભૂતપૂર્વ શિક્ષિકા શુભા ભાવેશ ગોડબોલેને એક્યુટ મેલોઇડ લ્યુકેમિયાની બીમારી છે, જે એક પ્રકારનું જીવનઘાતક બ્લડ કેન્સર છે. વર્ષ 2009માં ઉદગમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાનાર શુભાને બે મહિના પહેલાં જ્યારે તેમના પરિવારને તેમની બીમારી વિશે જાણ થઈ ત્યારે સૌકોઈ આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમને અમદાવાદના એક ખાનગી કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ડોક્ટરોએ અમને કહ્યું હતું કે તેમની સારવાર જટિલ રહેશે, જેમાં કેમોથેરાપી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને બીજી જરૂરી સારવાર કરવી પડશે. આનો અંદાજિત ખર્ચ રૂ. 35 લાખ જેટલો થશે. અમારા જેવા સામાન્ય પરિવારને આટલી મોટી રકમ ભેગી કરવી ખૂબ મુશ્કેલ હતી, છતાં બચતમાંથી અને લોન લઈને અમે જેમતેમ કરીને રૂ. 10 લાખ ભેગા કર્યા હતા. બાકીની રકમ માટે લોકોની મદદ લેવા મેં ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ પર જઈને અપીલ કરી હતી, એમ શુભાનાં દીકરી વૈશાલી ગોડબોલેએ જણાવ્યું હતું. શુભાની બીમારીના સમાચાર ઉદગમ સ્કૂલની એક ટીમ સુધી પહોંચ્યા, જે અગાઉ સ્કૂલમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ્સ જાળવવાનું કામ કરે છે. પોતાની સ્કૂલના જ શિક્ષકની આવી સ્થિતિ જાણી આ ટીમ તરત જ હરકતમાં આવી ગઈ અને તમામ વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મેસજ મોકલીને શક્ય એટલી નાણાકીય સહાય પૂરી પાડવા અપીલ કરી હતી.

એક દિવસ સ્કૂલની ટીમને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી કોલ આવ્યો, જે હાલ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ છે. તેમણે આ શિક્ષિકાની બીમારી વિશે પૂછપરછ કરી અને તેમનું નામ, પરિવાર, નાણાકીય સ્થિતિ કે મેડિકલ રિપોર્ટ્સ પણ જોયા વિના જ સીધી રૂ. પાંચ લાખની સહાય કરવાનો નિર્ણય લીધો હતો. આટલી મોટી રકમની મળેલી સહાયથી શિક્ષિકાના પરિવારજનો સહિત અનેક લોકોએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું અને તેની પ્રશંસા કરી હતી. નામ ન આપવાની શરતે સિનિયર એડવોકેટે આ ઉમદા પહેલ અંગે જણાવ્યું હતું કે હું આને ચેરિટી નહીં પણ મારી નૈતિક જવાબદારી માનું છું. મને જ્યારે સમાચાર મળ્યા કે ઉદગમના એક શિક્ષિકા એક જીવલેણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં છે ત્યારે મેં તરત જ વિચાર કરી લીધો કે મારે તેમના માટે જે શક્ય બને તે કરવું છે.

અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાંથી એક જાણીતાં મહિલા ડોક્ટર છે અને બીજા એક પ્રસિદ્ધ બિલ્ડરનાં પુત્રી છે, તેમણે પણ વ્યક્તિગત રીતે રૂ. 50,000ની સહાય કરી છે. ઉદગમ સ્કૂલના દરેક શિક્ષકે પણ વ્યક્તિગતપણે કમસે કમ રૂ. 500ની સહાય પૂરી પાડીને સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ અંગે ટિપ્પણી કરતાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન શિક્ષકોએ એક પળનોય વિચાર કર્યા વિના મદદનો હાથ લંબાવ્યો અને રૂ. 10 લાખથી વધુનું ફંડ એકત્રિત કર્યું તેમાં અમારી સંસ્થાનાં મૂલ્યો તથા ઉદારતાનું પ્રતિબંબ ઝળકે છે. બીમાર શિક્ષિકાની સારવારના ખર્ચમાં જે રકમ ખૂટતી હશે તે પૂરી પાડવા અમે ઉદગમ સ્કૂલ તરફથી વચનબદ્ધ છીએ.

‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી T20-લીગ રમો’: IPL-ટીમમાલિકોની 6 ખેલાડીને 50-કરોડની ઓફર?

મુંબઈઃ આઈપીએલ-2023ની અમુક ટીમના માલિકોએ 6 ઈંગ્લિશ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડીને એક વર્ષ માટે T20 લીગ રમવા માટે રૂ. 50 કરોડની ઓફર કરી છે. ‘ટાઈમ્સ લંડન’ના અહેવાલ મુજબ, અનેક ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ સાથે વર્ષભરનો કરાર કરવા પ્રયત્નશીલ છે. આ કરાર અનુસાર, ખેલાડીઓએ આખા વર્ષ દરમિયાન જુદી જુદી T20 લીગ સ્પર્ધાઓમાં રમવાનું રહેશે. આમાં આઈપીએલ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝની સીપીએલ, દક્ષિણ આફ્રિકાની SAT20 લીગ, યૂએઈની ગ્લોબલ T20 લીગ અને અમેરિકામાં યોજાનાર T20 લીગ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ તમામ લીગમાં 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝી સહિત અનેક ટીમો છે.

ટાઈમ્સ લંડનના અહેવાલમાં જોકે એ સ્પષ્ટ કર્યું નથી કે કયા ખેલાડીઓને આ ઓફર કરવામાં આવી છે અને ઓફર કરનાર ટીમના માલિકો કોણ છે? હાલ ફૂટબોલમાં આવું જ ચાલે છે. પરંતુ ક્રિકેટમાં પ્રત્યેક દેશના ખેલાડીને તેના દેશના ક્રિકેટ બોર્ડની પરવાનગી પ્રમાણે રમવું પડે છે.

ગૂગલે કર્મચારીઓની છટણીને પગલે 2.6 અબજ ડોલરનું નુકસાન

બેંગલુરુઃ ગૂગલ પેરેન્ટ કંપની આલ્ફાબેટે આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કર્મચારીઓ અને ઓફિસ સ્પેસમાં કાપ સંબંધિત 2.6 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. કંપનીએ ચાલુ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 69.79 અબજ ડોલરની આવક નોંધાવી છે. કંપનીએ જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે કંપની ઉત્પાદન ક્ષેત્રે, કામગીરી ક્ષેત્રે 12,000ની કર્મચારીઓની છટણી કરશે.

કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે કંપની આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં એની ઓફિસની સ્પેસમાંથી 56.4 લાખ ડોલરના ખર્ચમાંથી કાપ મૂકશે. આ ઉપરાંત કંપનીએ એની સ્થાવર મિલકતની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી.

વળી, કંપનીએ જાહેરાત કરી હતી કે છૂટા થતા કર્મચારીઓને કંપની એના નોટિફિકેશનના સમયગાળાની પૂરી ચુકવણી કરશે અને એ લઘુતમ 60 દિવસ કે 16 સપ્તાહનો પગારની ઓફર કરશે. કંપનીની વિરોધી કંપની માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણી કરી હતી. જોકે કંપનીએ આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાના સ્ટ્રીટ અંદાજોને ઠેરવતાં સાત ટકાના વધારા સાથે 52.9 અબજ ડોલર નોંધાવી હતી.

જોકે બંને કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે આલ્ફાબેટે કરેલી મોટા પાયે કરેલી કર્મચારીઓની છટણીને પગલે કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. ગૂગલની જાહેરાતની મંદી અને ભવિષ્યની ચિંતાએને કારણે કંપનીના શેરોમાં આશરે 15 ટકા ઘટાડો નોંધાયો છે.

 

 

 

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભીષણ અકસ્માત; 11 વાહનો ભટકાયા, અનેક જખ્મી

મુંબઈઃ અત્રે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આજે 11 વાહનોની ભીષણ અથડામણનો અકસ્માત સર્જાયો છે. આને કારણે અનેક જણ જખ્મી થયા છે.

મિડિયા અહેવાલો અનુસાર, એક્સપ્રેસવે પર સાતથી આઠ વાહનો એકબીજા સાથે અથડાઈ પડ્યા હતા. એને કારણે વાહનોનો મોટો ખડકલો થઈ ગયો હતો. આ અકસ્માત ખોપોલી એક્ઝિટ નજીક અને મુંબઈ તરફની લેન પર બન્યો હતો. એને કારણે મુંબઈ તરફ આવતા વાહનોને અટકી જવું પડ્યું હતું. પરિણામે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતનું સાચું કારણ હજી જાણવા મળ્યું નથી.

બધા ભ્રષ્ટ નેતાઓની સામે કાર્યવાહી કરવાની રાજનાથ સિંહની ચીમકી

બેલાગવીઃ કર્ણાટકની ચૂંટણીમાં એક જનસભાને સંબોધિત કરતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે ભાજપ સરકાર બધા ભ્રષ્ટ નેતાઓની તપાસ કરશે, પછી ભલે તેમનું રાજકીય કદ કેટલું પણ મોટું હોય. તેમણે ધારવાડમાં એક જનસભા સંબોધતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થઈ રહી છે અને મોટા નેતાઓ જેલમાં જઈ રહ્યા છે અને તેઓ (વિરોધ પક્ષ) દાવો કરે છે કે એ તપાસ જાણીબૂજીને કરી રહી છે. સરકાર બધા ભ્રષ્ટ નેતાઓની તપાસ કરશે, પછી ભલે તે કોઈ પણ ચમરબંધી હોય.

કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય વિરોધ પક્ષ સત્તામાં આવતાં ધર્મનું રાજકારણ રમે છે. તેમણે ચાર ટકા મુસ્લિમ અનામતની પણ ટીકા કરતાં કહ્યું હતું કે એ માત્ર મુસલમાનોને ખુશ કરવા માટે આપવામાં આવી હતી. બેલગાવી જિલ્લાના કાગવાડમાં એક અન્ય જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે દેશના ઇતિહાસમાં જોકોઈ રાજકીય પક્ષે સત્તામાં આવવા માટે ધર્મનો સહારો લીધો હોય તો એ કોંગ્રેસ છે.

ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તે દક્ષિણ રાજ્યમાં રમખાણો થશે. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, એમ તેમણે કહ્યું હતું. બીજી બાજુ, કોંગ્રેસ પ્રવકતાએ શાહ પર પલટવાર કરતાં કહ્યું હતું કે આ એક ડરાવનારું નિવેદન છે.

 

 

ફિલ્મફેર એવોર્ડ્સ પર પ્રતિબંધ મૂકવાની વિવેક અગ્નિહોત્રીની માગણી

મુંબઈઃ વ્યાપકપણે લોકપ્રિય થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ દાયકાઓ જૂના ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. ટ્વિટરના માધ્યમથી એમણે ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ અને તેના સમારોહને ભ્રષ્ટ, અનૈતિક, ચાપલૂસી કરતા લોકોના એવોર્ડ્સ તરીકે ઓળખાવી આકરી ટીકા કરી છે.

નવાઈની વાત એ છે કે આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સ માટે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને સાત કેટેગરીમાં નામાંકન મળ્યું હોવા છતાં અગ્નિહોત્રીએ આ એવોર્ડ્સ પ્રતિ જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. એમણે આ એવોર્ડ્સને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

અગ્નિહોત્રીએ સોશિયલ મિડિયા પર એક લાંબી નોંધ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે તેઓ એવી શોષણખોર અને ભ્રષ્ટ વ્યવસ્થા કે પુરસ્કારોનો હિસ્સો બનવા ઈચ્છતા નથી જે લેખકો, દિગ્દર્શકો અને ફિલ્મને નીચા સ્તરના કે ગુલામ ગણે છે. આ અપમાનજનક વ્યવસ્થાનો અંત આવવો જોઈએ. ‘મને મિડિયા તરફથી માલૂમ પડ્યું છે કે ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને 68મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ હું નમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા-વિરોધી એવોર્ડ્સનો હિસ્સો બનવાની ના પાડું છું. જાણો કેમઃ ફિલ્મફેરના મતે સિતારાઓ સિવાય બીજા કોઈના કોઈ ચહેરા જ નથી.’

ભારત-અમેરિકા સંબંધ વિશ્વના ભવિષ્ય માટે મહત્ત્વનાઃ ગાર્સેટી

વોશિંગ્ટનઃ અમેરિકાના એમ્બેસેડર એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે અમેરિકા અને ભારતના સંબંધ વિશ્વ માટે મહત્ત્વના છે. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા આજે જેટલા મુદ્દા પર નિકટતાથી કામ કરી રહ્યા છે, આવું પહેલાં ક્યારેય નથી થયું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના નજીકના સહયોગી ગાર્સેટી (52)એ ગયા મહિને ભારતમાં  અમેરિકાના એમ્બેસેડર તરીકે સત્તાવાર રીતે શપથગ્રહણ કર્યા હતા. અમેરિકા માટે સૌથી મહત્ત્વના પદોમાં સામેલ આ પદ પરની નિયુક્તિ બે વર્ષથી વધુ સમય પછી થઈ હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા મળીને જે પગલાં લેશે, એને તેઓ આ G-20 વર્ષ  અને એના પછી 21 સદીને આકાર આપશે.

ગાર્સેટીએ કોંગ્રેશનલ ઇન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ રો ખન્ના અને માઇકલ વાલ્ત્જ દ્વારા આયોજિત ભારત-અમેરિકા શિખર સંમેલનમાં પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોની સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે વિશ્વમાં કેટલાક એવા સંબંધ છે, જે અમેરિકા અને ભારત માટે વધુ મહત્ત્વના છે. ભારત-અમેરિકા સંબંધ વિશ્વના ભવિષ્ય માટે મહત્ત્વના છે. જેવી રીતે રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદાર છે. ગાર્સેટીએ કહ્યું હતું કે ભારત જતાં પહેલાં મેં અમેરિકા અને ભારતના સંબંધોને લઈને રાષ્ટ્રપતિ બાઇડનના વિચારો માટે તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે આ સંબંધ કેટલા મહત્ત્વના છે. આ સંબંધ બંને દેશો માટે વધુ મહત્ત્વના છે.