Home Blog Page 2933

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું નિધન થયું છે. તેમણે 95 વર્ષની વયે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સવારે 8.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. સોમવારે તેમને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં પણ રાખવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા હતા. વરિષ્ઠ શિરોમણી અકાલી દળ (SAD) નેતાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બાદલની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.

 પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલને પણ ગેસ્ટ્રાઈટિસ અને શ્વાસ લેવામાં તકલીફને કારણે ગયા વર્ષે જૂનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોવિડ પછીની આરોગ્ય તપાસ માટે તેને ફેબ્રુઆરી 2022 માં મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદલ ગયા વર્ષે જાન્યુઆરીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલના નિધન બાદ કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.


27 એપ્રિલે બાદલ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

આવતીકાલે સવારે 10:00 થી 12:00 દરમિયાન, પ્રકાશ સિંહ બાદલના મૃતદેહને ચંદીગઢના સેક્ટર 28 સ્થિત પાર્ટી કાર્યાલયમાં લાવવામાં આવશે. અહીં લોકોને દર્શન કરાવવામાં આવશે. આ પછી, છેલ્લી યાત્રા ચંદીગઢથી શરૂ થશે અને ગામ બાદલ જશે, જેમાં રાજપુરા, પછી પટિયાલા, પછી સંગરુર, પછી બરનાલા, રામપુરા, ફૂલ, ભટિંડા માર્ગમાં બાદલ ગામ પહોંચશે. 27ના રોજ બપોરના 1 કલાકે બાદલ ગામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો હતો

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કર્યું કે શ્રી પ્રકાશ સિંહ બાદલ આઝાદી પછીના સૌથી મોટા રાજકીય દિગ્ગજોમાંથી એક હતા. જાહેર સેવામાં તેમની અનુકરણીય કારકિર્દી મોટાભાગે પંજાબ સુધી સીમિત હોવા છતાં, તેઓ સમગ્ર દેશમાં આદર પામ્યા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી દિલથી સંવેદના.

આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું – પીએમ મોદી

પંજાબના પૂર્વ સીએમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે તેઓ શ્રી પ્રકાશ સિંહ બાદલના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેઓ ભારતીય રાજનીતિની જબરદસ્ત વ્યક્તિ હતા, અને એક નોંધપાત્ર રાજનેતા હતા જેમણે આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને સાથ આપ્યો.


રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના પૂર્વ અધ્યક્ષ સરદાર પ્રકાશ સિંહ બાદલના નિધનના સમાચાર દુઃખદ છે. તેઓ ભારત અને પંજાબના રાજકારણના આજીવન નેતા હતા. હું શ્રી સુખબીર સિંહ બાદલ સહિત તેમના તમામ શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


પંજાબના સીએમએ શોક વ્યક્ત કર્યો

પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે.

દિલ્હીના સીએમએ શોક વ્યક્ત કર્યો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સરદાર પ્રકાશ સિંહ બાદલના નિધન અંગે ખૂબ જ દુઃખદ માહિતી મળી છે. વાહેગુરુજી તેમના આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે. મારી સંવેદના સુખબીર બાદલ જી અને તેમના સમગ્ર પરિવાર સાથે છે.

યુપીના સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

યુપીના સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન દિવંગત આત્માને તેમના પરમ ધામમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત સમર્થકો અને પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

Nisarga Niketan Trust: એક યજમાન… રોજના બે હજાર મહેમાન… કોઈ ભુખ્યુ રહેતુ નથી અને ભુખ્યુ જતુ પણ નથી

એક યજમાન, રોજના બે હજાર મહેમાન અને છતાય કોઈ ભુખ્યુ રહેતુ નથી અને ભુખ્યુ જતુ પણ નથી. માન્યામાં ન આવે તેવી વાત છે પણ આ વાત એકદમ સાચી છે. વાત છે એક સેવાભાવી દંપત્તિની દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રાબેનની…

દિનેશના નામનો અર્થ સચેત, સક્રિય, સક્ષમ, સ્વભાવગત, ખુશખુશાલ થાય છે અને ઠાકર નામમાં ભગવાન કૃષ્ણ સમાયેલા છે. એવા દિનેશભાઈ ઠાકર નામ અને અટકમાં બધાજ ગુણોનો સમન્વય છે. દિનેશભાઈ ઠાકર એક એવા યજમાન કે જેની મહેમાનગતી માણવા રોજ બે હજાર જેટલા પક્ષીઓ અને સરિસૃપ આવે છે.

દિનેશભાઈ ઠાકર અને તેમના પત્ની દેવેન્દ્રાબેન ઠાકર આમ તો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામ સ્થિત ’નિસર્ગ નિકેતન’ ખાતે જ રહે છે. તેમનો પ્રકૃતિ પ્રેમ એટલો અનન્ય છે. દંપત્તિએ બેચરાજીથી લગભગ ૧૫ કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે.

આ અશ્રમમાં નથી કોઈ વિદ્યાર્થીઓ ભણતા કે નથી કોઈ વૃધ્ધજનો રહેતા ત્યાં તો બસ પ્રવાસીઓ આવે છે અને એ પણ એકલ દોકલ નહી, પરંતુ અંદાજે બે હજાર જેટલા. મોર ઉપરાંત પોપટ, હોલા, ચીબરી, સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા ૨ હજાર જેટલા પક્ષીઓ-સરિસૃપ નિસર્ગ નિકેતનમાં આવે છે. નિસર્ગના ખોળે અને નિસર્ગ પ્રેમી ઠાકર દંપત્તિની નિશ્રામાં જ કૂદરતને માણે છે.

પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ બનાવ્યો છે. જો કે અત્યાર સુધી દિનેશભાઈ ઠાકરે દોઢ લાખ વૃક્ષો વાવ્યા છે. ગુજરાતના સુરેન્દ્રનગરના જિલ્લામાં પાટડી નજીક ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં પાટણના એક દંપત્તિએ આ રણમાં હરિયાળી સર્જી છે. સુરેન્દ્રનગરના જિલ્લાનો પાટડી વિસ્તાર એટલે જોજનો સુધી રણનો ઓછાયો.

સામાન્ય રીતે આપણે આંખ પર હથેળીનો પડદો કરીને રણને જોવા ટેવાયેલા છીએ, પણ અંહી તો રણની રેતીમાં પડતા સૂર્યના કિરણો જ એટલા તેજથી પરિવર્તિત થતા હોય છે કે આપણી આંખો અંજાઈ જાય. રણમાં દેખાતુ મૃગજળ ભલે પાણીની ભ્રામકતા ઉભી કરતું હોય પણ પાટણના 75 વર્ષીય દંપતિએ પાટડીના દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ માત્ર બે મહિનાના ટુંકાગાળામાં 5 હજારથી વધુ વૃક્ષો વાવીને સૂકા રણને એક વાસ્તવિક લીલી ચાદર ઓઢાડી છે.

જીવનના 75 વર્ષ વટાવી ચુકેલા દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રાબેન ઠાકર નિવૃત્તિ પછી અહીં સાચા અર્થમાં પ્રવૃત્ત થયા છે. વૃક્ષ ઉછેરનો શોખ તેમને આગવી ઉર્જા આપે છે. ઠાકર દંપત્તિએ વૃક્ષોને પોતાના બાળકની જેમ વાવ્યા અને ઉછેર્યા પણ છે. દિનેશભાઈ ઠાકર કહે છે કે, ‘હું છેલ્લા 45 વર્ષથી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છુ. મેં અત્યાર સુધી અંદાજે 1.50 લાખ વૃક્ષો જૂદી જૂદી જગ્યાએ વાવ્યા છે. પાટડી નજીક દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટની પર્યાવરણ જાળવણીની પ્રવૃત્તિ જોઈને હું અને મારા પત્ની બન્ને એ લગભગ બે માસ જેટલું અપ-ડાઉન કરીને ત્યાં 5 હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકર દંપત્તિ શિક્ષક તરીકેની કારકિર્દી પુર્ણ કરી નિવૃત્ત થયુ છે. દિનેશભાઈ ઠાકર શંખેશ્વરની ઉચ્ચતર બૂનિયાદી શાળામાંથી નિવૃત્ત થયા છે. ભાવનગર જિલ્લામાં પૂજ્ય.નાનાભાઈ ભટ્ટ અને દર્શક મનુભાઇ પંચોલીની લોકભારતી સણોસરા સંસ્થાના સ્નાતક છે. ‘આ જે જે પ્રવૃત્તિઓ સમાજ સેવાર્થે થઈ છે તે સંસ્કારોનું ઘડતર અને સિંચન તે સંસ્થાના ગુરૂજનોઍ કર્યુ છે’ એમ તેઓ કહે છે. પર્યાવરણ જાળવણી-વૃક્ષો વાવવા, અગરિયાઓના કલ્યાણ માટે સદાય તત્પર એવા દિનેશભાઈ ઠાકરને અત્યાર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે 12 જેટલા એવોર્ડ પણ મળી ચુક્યા છે.

પાટણ નજીક બેચરાજી પાસે નિસર્ગટ્રસ્ટ ચલાવતા દિનેશભાઈ ઠાકર કહે કહે છે કે, નિવૃત્ત થયા બાદ મેં 5 વિઘા જમીનમાં સંખ્યાબંધ વૃક્ષો વાવ્યા છે. મારા ફાર્મમાં 400 જેટલા મોર ઉપરાંત પોપટ, હોલા, ચીબરી, સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા 2 હજાર જેટલા પક્ષીઓ-સરિસૃપ આવે છે. એમને અત્યાર સુધી અંદાજે રૂપિયા 1 કરોડનું ચણ નાંખ્યુ છે. હવે તો આ જ મારો પરિવાર છે…’

લાલ મરચાથી ઉભરાતી રાજકોટની મરચા પીઠો: નદીના કિનારે આવેલી આ મરચા પીઠ 100 વર્ષથી પણ જૂની

મસાલાની આ સિઝનમાં રાજકોટની મરચા પીઠો લાલ મરચાથી ઉભરાઇ ગઇ છે. ભારતીય પાકશાસ્ત્ર મુજબ રોજિંદા ખોરાકની બનાવટમાં વપરાતા મસાલાઓ તૈયાર પેકમાં લેવાનું ચલણ આધુનિક સમયમાં પ્રચલિત થતું જાય છે. આમ છતાં હજુ પણ ઘણી ગૃહિણીઓ પોતાની નજર સામે લાલ મરચા ખરીદે છે, તેના ડીંટીયા તોડાવી જાતે જ લાલ મરચુ દળાવે છે અને દળાયેલા મરચાને તેલ દઇને આખા વર્ષ માટેનું લાલ મરચાનો સંગ્રહ કરે છે. તીખું અને ચટાકેદાર ખાવના શોખીન ગુજરાતીઓ થકી મરચાનો મસમોટો કારોબાર ધમધમે છે.

રાજકોટમાં અનેક સ્થળોએ મસાલા માર્કેટ ભરાતી હોય છે, પરંતુ અહીં વાત કરીશુ રાજકોટની સૌથી જૂની મરચાપીઠની. જે “જૂની મરચાપીઠ” તરીકે જ ઓળખાય છે. આજી નદીના આવેલ દરબારગઢની પાછળની બાજુ નદી કિનારે આવેલ કાળમીંઢ પત્થર- બેલાની દીવાલ પાસે રાજકોટની સો વર્ષથી પણ “જૂની મરચાપીઠ” આજે પણ કાર્યરત છે. આ સ્થળે 15 જેટલા વેપારીઓ મરચાનો કારોબાર ચલાવે છે. ઉલ્લેખનિય છે કે આ તમામ વેપારીઓ પાંચ-પાંચ પેઢીઓથી આ વ્યવસાય કરી રહ્યા છે. સરકારી જગ્યા ઉપર મંડપ બાંધી કાયદેસર રીતે મહાનગર પાલિકાને આ જગ્યાનું ભાડુ ચૂકવી તેઓ આ વ્યવસાય કરે છે.

અહીંના વેપારીમાંના એક છે. વિક્રમભાઇ સોલંકી. તેમના કહેવા મુજબ અમે છેલ્લા 80 વર્ષથી અહીં દર ઉનાળામાં મરચાની સિઝનમાં બે થી ત્રણ માસ વેપાર કરીએ છીએ. અમારા બાપ દાદા અહીં મરચા વેચતાં. તેમનો જ કારોબાર અમે ચાલુ રાખ્યો છે. અનેક પ્રકારના મરચાં અમે રાખીએ છીએ. જેમાં ડબલ અને સીંગલ રેશમપટ્ટો, તેજા મરચી, ઘોલર વગેરે પ્રકારના મરચા પૈકી સૌથી વધુ ઉપાડ ડબલ રેશમપટ્ટોનો થાય છે. કલર માટે રેશમપટ્ટો અને કાશ્મીરી તથા તીખાશ માટે તેજા મરચી લોકો વધુ પસંદ કરે છે. અહીં નદીના નીચાણવાળા વિસ્તારમાં મરચા દળવાનું કામ થાય છે. મરચાની ઘંટી ધરાવનાર મનોજભાઇ સોલંકી કહે છે કે, અમે 1989થી અહી દર વર્ષે બે થી ત્રણ માસ મરચુ દળવાનું કામ કરીએ છીએ. જે દરમિયાન અમે 15 હજાર કિલોથી પણ વધુ મરચુ દળીએ છીએ.

આ મરચા પીઠમાં ચાર – ચાર પેઢીથી મરચાના ડીંટીયા તોડીને છુટક રોજગારી મેળવનારા ગંગા સ્વરૂપા સુશિલાબેન રામાનુજ કહે છે કે, પેટિયુ રળવા અમે અહીં કામે આવીએ છીએ. મારા સાસુ અહીં કામે આવતા હતા. જે બાદ હું પણ આ કામ કરવા લાગી, હવે મારી ત્રણેય દીકરીઓ પણ અહીં કામે આવે છે. દીકરીની દીકરીઓ પણ આવે છે.

મરચાની આવક વિશે રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઇ બોઘરાએ જણાવ્યું કે, આપણા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 1800 કિલો જેટલા લાલ સુકા મરચા ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવે છે. યાર્ડમાં સરેરાશ 300 ભારી આવે, જે પૈકીની એક ભારીમાં સરેરાશ ત્રણ મણ એટલે કે 60 કિલો મરચા હોય. આ તમામ મરચાઓની ખરીદી ખેડૂતો પાસેથી વેપરીઓ સીધી જ કરે છે. યાર્ડમાં માત્ર રાજકોટ જિલ્લાના કે ગોંડલ તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના મરચાનો પાક લેતા ખેડૂતો મરચા વેચવા આવે છે.

અગ્નિપથ વીર યોજના હેઠળ ગુજરાતમાં ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

 અમદાવાદઃ ભારતીય સેનાએ અગ્નિવીરો, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને અન્ય શ્રીણીની ભરતી કરવા માટેની પ્રક્રિયામાં પહેલા તબક્કામાં ફેરફાર કર્યો છે. રાજ્ય માટે અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી 2023-24 માટે યોગ્ય નોંધાયેલા ઉમેદવારો માટે ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર સહિત 12 પરીક્ષા કેન્દ્રોમાં શરૂ થઈ ગઈ છે, જે પરીક્ષા 26 એપ્રિલ સુધી લેવામાં આવશે.

શિક્ષણ મંત્રાલય હેઠળની મિની રત્ન કંપની એજ્યુકેશન કન્સલ્ટન્સી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડની મદદથી ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે.

દેશમાં યુવાઓમાં ટેક્નોલોજીને લઈને ઘણો સુધારો થયો છે અને નેટવર્ક કનેક્ટિવિટી અને સ્માર્ટફોનના વપરાશને લીધે યુવાઓ પરીક્ષાઓ માટે  લાંબા અંતરના પ્રવાસ ખેડવાને બદલે ઓનલાઇન પરીક્ષાઓ આપવા માંડ્યા છે. આ બદલાયેલી કાર્ય પદ્ધતિને લીધે યુવાઓની જ્ઞાનશક્તિના પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને પસંદગી પ્રક્રિયામાં થતી ગેરરીતિઓની શક્યતાઓને અટકાવશે. એની દેશમાં વ્યાપક પહોંચ હશે અને ભરતી પ્રક્રિયામાં દેખાતી મોટી ભીડને ઓછી કરવા માટે વહીવટી અને સંચાલન કરવામાં સરળતા લાવશે.

આ નવી ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવશે. પહેલા તબક્કામાં બધા ઉમેદવારો કે જેમણે રજિસ્ટ્રેશન અને અરજી કરી છે- તેમણે ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામમાંથી પસાર થવાનું રહેશે. બીજા તબક્કામાં પસંદ થયેલા ઉમેદવારોને જૂન, 2023થી ભરતી ઓફિસ દ્વારા નક્કી કરવામાં આવેલાં સ્થળોએ બોલાવવામાં આવશે અને ત્રીજા તબક્કામાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર બાદ સફળ ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાને વધુ યોગ્ય અને પારદર્શી બનાવવામાં આવશે અને એને દેશમાં ભરતી કરતી વખતે લાગુ કરવામાં આવશે.

 

 

 

 

 

 

 

‘હીરામંડી’ વેબસીરિઝ માટે ભણસાલી મુંબઈમાં બંધાવે છે વિરાટ સેટ

મુંબઈઃ ‘હીરામંડી’ વેબસીરિઝ સાથે બોલીવુડના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી વેબ અથવા ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરી રહ્યા છે. આ સીરિઝના શૂટિંગ માટે તેઓ મુંબઈમાં 1,60,000 સ્ક્વેર ફીટ વિસ્તારનો વિશાળ સેટ ઊભો કરાવી રહ્યા છે. ‘ફ્રી પ્રેસ જર્નલ’ના અહેવાલ મુજબ, ભણસાલીએ કહ્યું છે કે, ”હીરામંડી’ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તે ખૂબ વિશાળ પાયે બનશે. તેથી મારે કંઈક વિશેષ જ કરવું પડે.’

આ વેબસીરિઝ આઝાદી પૂર્વેના ભારતમાં તવાયફો (ગણિકાઓ)નાં જીવનમાં ઊભાં થયેલા પ્રેમ અને વિશ્વાસઘાતના સંજોગો પર આધારિત હશે. આ વેબસીરિઝ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરાશે.

એસજીએક્સ નિફ્ટી હવે બની જશે ‘ગિફ્ટ નિફ્ટી’

અમદાવાદઃ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવેલા નેશનલ સ્ટોક એક્સચેંજના ઈન્ટરનેશનલ એક્સચેંજ પર નવું અને મહત્ત્વનું ડેવલપમેન્ટ આકાર પામી રહ્યું છે. સિંગાપોર એક્સચેંજ પરથી એસજીએક્સ નિફ્ટી ડિલિસ્ટ થશે અને એ તેને બદલે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં એનએસઈ આઈએફએસસી નિફ્ટી લિસ્ટ થશે અને તા. ૩ જુલાઈથી આ ઈન્ડેક્સનું ટ્રેડિંગ ગિફ્ટ સિટીના એક્સચેંજમાં શરૂ થઈ જશે. એજીએક્સ પર જે છેલ્લી પોઝિશન ઊભી હશે તેને કન્વર્ટ કરી શકાશે.

નિફ્ટીના સોદા ભારતમાં એનએસઈ પર તો થાય જ છે, કિંતુ ડોલર ટર્મમાં સિંગાપોર એક્સચેંજ પર થતા રહ્યા છે, જેની અસર અહીં આપણી બજાર પર પણ થતી હોય છે. જેમાં મોટેભાગે આપણા દેશના આ બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં મોટાભાગનો વેપાર ભારત બહાર સિંગાપોરમાં વધુ થતો રહ્યો છે, જેના દિવસો હવે પૂરા થવા આવ્યા છે.

ભારતીય ઈક્વિટીમાં ગ્લોબલ રસ

છેલ્લા અમુક વર્ષોથી એસજીએક્સ નિફ્ટી-50 ઈન્ડેક્સના ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ સિંગાપોર એક્સચેંજ પર ડોલરમાં થતા રહ્યા હોવાથી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ તેમાં સક્રિય ભાગ લેતા રહ્યા છે. આ સોદા યુએસ ડોલરમાં થવા સાથે યુરોપ, એશિયા અને યુએસના કામકાજના કલાકોમાં થાય છે. નિફ્ટીમાં ડેરિવેટિવ્ઝ સોદા કરીને ગ્લોબલ રોકાણકારો પરોક્ષ રીતે ભારતીય ઈક્વિટી માર્કેટમાં એક્સપોઝર અથવા કહો કે રસ લેતા અથવા રોકાણ-સ્પેક્યુલેશન કરતા રહ્યા છે. એસજીએક્સના આ સોદાઓની અસર ભારતીય માર્કેટ-નિફ્ટી ઉપર પણ થતી રહી છે. આપણે ત્યાં સવારે માર્કેટ ખુલે કે ખેલાડીઓની નજર એસજીએક્સ નિફ્ટીની મૂવમેન્ટ કે ટ્રેન્ડ પર જાય છે, જેના આધારે અહીં નિફ્ટી કેવો ખુલશે કે વધશે યા ઘટશે તેનું અનુમાન પણ મુકાય છે.

સરકારની આવક પણ વધશે

હવે જ્યારે આપણા દેશમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર (ગિફ્ટ સિટીમાં) છે ત્યારે આપણા ઈન્ડેક્સના સોદા ડોલર ટર્મમાં ભારતમાં જ થાય એ વધુ બહેતર છે. આ વિચારણા ઘણા સમયથી ચાલતી હતી, જેને હવે આકાર મળવા જઈ રહ્યો છે. હવે જુલાઈથી એસજીએક્સ નિફ્ટી ‘ગિફ્ટ નિફ્ટી’ કહેવાશે. અર્થાત, હવે પછી સિંગાપોર એક્સચેંજ પોતે જ ગિફ્ટ સિટીમાં બ્રોકરની ભૂમિકામાં રહેશે, જેથી તેનો તમામ નિફ્ટી બિઝનેસ ગિફ્ટ સિટીમાં શિફ્ટ થઈ જશે. આમ ભારતીય માર્કેટમાં નિફ્ટીમાં ગ્લોબલ રોકાણ પ્રવાહ-સોદા વધશે અને તેનો લાભ આપણા બજાર અને સરકારને પણ થશે. સરકારની ટેક્સ આવક પણ વધશે.

GSRTCએ ગિફ્ટ સિટીને જોડતી ઇલેક્ટ્રિક બસ સેવાઓ શરૂ કરી

ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTCએ)  ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં આવવા-જવા માટે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને મજબૂત કરવાના પ્રયાસરૂપે  અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોને ગિફ્ટ સિટી સાથે જોડતી ત્રણ નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરી છે.

હાલમાં નારોલથી ગિફ્ટ સિટી, શાંતિપુરા-એસજી હાઇવેથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર પથિકાશ્રમથી ગિફ્ટ સિટી એમ ત્રણ રૂટ પર બસો દોડે છે. જાહેર પરિવહનની વધતી જતી માગ, ઓફિસના સમય અને અમદાવાદ તથા ગાંધીનગરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ સાથે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ત્રણ રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટીએ ગયા વર્ષે ઇલેક્ટ્રિક વેહિકલ (EV) પરિવહન સેવાઓ માટે ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા અને ગિફ્ટ સિટી સાથે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વિવિધ રૂટ પર ચાર ઇલેક્ટ્રિક બસો પહેલેથી જ દોડી રહી છે.

GSRTC દ્વારા ત્રણ રૂટ પર ચલાવવામાં આવી રહેલી ઇલેક્ટ્રિક બસોનો નવીનતમ ઉમેરો ગિફ્ટ સિટીમાં કામ કરતા 20,000થી વધુ લોકોને પોસાય તેવા ખર્ચે કનેક્ટિવિટીની સરળતા પૂરી પાડશે.

ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO તપન રેએ જણાવ્યું હતું કે પ્રારંભથી જ ગિફ્ટ સિટીએ પર્યાવરણને ભોગે વિકાસ ન સાધવા માટે ગ્રીન પહેલ હાથ ધરી છે. અમે ગયા વર્ષથી ગિફ્ટ સિટીમાં ઈ-મોબિલિટી સુવિધાઓ શરૂ કરી છે. અને GSRTC દ્વારા ત્રણ નવી ઇલેક્ટ્રિક બસોની તાજેતરની રજૂઆતથી ગિફ્ટ સિટીમાં અને ત્યાંથી આવતા મુસાફરોને ચોક્કસપણે ફાયદો થશે.

 

 

 

 

કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ

ભારતીય રેસલિંગ ફેડરેશન પાર્ટ-2 સામે કુસ્તીબાજોનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ ચાલુ છે. ફરી શરૂ થયો છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક ખેલાડીઓ દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમની હડતાળ ચાલુ છે. કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પણ વિરોધ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ આપી છે

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીર ગણાવ્યો છે. આ મામલે શુક્રવારે સુનાવણી થશે.

કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂતો બહાર આવ્યા હતા

સોનીપતના ખેડૂતોનું એક જૂથ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપવા દિલ્હીના જંતર-મંતર માટે રવાના થયું. ખેડૂત નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી WFI ચીફ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીથી પાછા નહીં ફરે. તેમણે કહ્યું કે જંતર-મંતર પર લાખો ખેડૂતો ધામા નાખશે.

કુસ્તીબાજોની અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ 

ભારતીય રેસલિંગ ફેડરેશન પાર્ટ-2 સામે કુસ્તીબાજોનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ ચાલુ છે. ફરી શરૂ થયો છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક ખેલાડીઓ રવિવારે (23 એપ્રિલ) દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમની હડતાળ ચાલુ છે. કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પણ વિરોધ કર્યો હતો. તેમની ફરિયાદ પર એક સમિતિ પણ બનાવવામાં આવી હતી, પરંતુ કુસ્તીબાજો તેના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ખેલાડીઓ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સામે કાર્યવાહી કરવા પર અડગ છે.

સુદાનમાં 400થી વધુ લોકોના મોત બાદ 72 કલાકનો યુદ્ધવિરામ

હિંસાગ્રસ્ત સુદાનમાં બંને સેનાપતિઓ 72 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ જાણકારી આપી. આ યુદ્ધવિરામ લગભગ 10 દિવસની લડાઈ, સેંકડો મૃત્યુ અને મોટી સંખ્યામાં વિદેશીઓના હિજરત બાદ થવા જઈ રહ્યો છે. આ પહેલા પણ બંને પક્ષોમાં યુદ્ધવિરામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. બ્લિંકને જાહેરાત કરી કે 48 કલાકની તીવ્ર વાટાઘાટો પછી, સુદાન સશસ્ત્ર દળો અને ઝડપી સહાયક દળોએ રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ યુદ્ધવિરામ 24 એપ્રિલની મધ્યરાત્રિથી શરૂ થશે અને આગામી 72 કલાક સુધી ચાલશે.

 

સુદાનમાં ફસાયેલા ભારતીયોને ટૂંક સમયમાં બચાવવામાં આવી શકે છે

કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. યુદ્ધવિરામના અમલીકરણ સાથે, ભારત ટૂંક સમયમાં આ આફ્રિકન દેશમાં ફસાયેલા પોતાના લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી શકે છે. સોમવારે કોચીમાં યુવમ કોન્ક્લેવને સંબોધતા પીએમ મોદીએ પોતે કહ્યું હતું કે ‘સુદાનમાં ગૃહયુદ્ધને કારણે આપણા ઘણા લોકો ત્યાં અટવાઈ ગયા છે. તેથી અમે તેમને સુરક્ષિત લાવવા માટે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે. કેરળના પુત્ર અને અમારી સરકારમાં મંત્રી મુરલીધરન તેની દેખરેખ કરી રહ્યા છે.

સુદાનમાં હજુ કેટલા ભારતીયો અટવાયેલા છે?

દેશમાં હિંસા, તણાવ અને અસુરક્ષિત એરપોર્ટના કારણે વિદેશી નાગરિકોનું સ્થળાંતર મુશ્કેલ બની રહ્યું છે. દરમિયાન, અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) રાજધાની ખાર્તુમના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફસાયેલા વિદેશી નાગરિકોમાં આશરે 3,000 ભારતીયોનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેરળના 48 વર્ષીય આલ્બર્ટ ઓગસ્ટિનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.

સુદાનમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અનુસાર, સુદાનમાં હિંસામાં અત્યાર સુધીમાં 427 લોકોના મોત થયા છે અને 3700થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ખાર્તુમમાં ઇજિપ્તની દૂતાવાસના એક અધિકારીનો સમાવેશ થાય છે, જેઓ તેમના કાર્યાલયથી ઘરે પરત ફરતી વખતે હુમલો હેઠળ આવ્યા હતા. અત્યાર સુધીમાં વિવિધ દેશોના 4 હજારથી વધુ લોકોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, સુદાનના રહેવાસીઓએ ચાડ, ઇજિપ્ત અને દક્ષિણ સુદાનમાં પણ મોટી સંખ્યામાં સ્થળાંતર કર્યું છે. લોકો પાણી, ખોરાક અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે.

વિવાદનું કારણ શું છે

સમજાવો કે ઓક્ટોબર 2021 માં નાગરિકો અને સેનાની સંયુક્ત સરકારના બળવાથી, સેના (SAF) અને અર્ધ લશ્કરી દળ (RSF) વચ્ચે તણાવ હતો. સેનાનું નેતૃત્વ જનરલ અબ્દેલ ફતેહ અલ-બુરહાન કરે છે અને આરએસએફનું નેતૃત્વ હમદાન દગાલો એટલે કે હેમેદતી કરે છે. સેના અને આરએસએફ એક સાર્વભૌમ કાઉન્સિલ દ્વારા સાથે મળીને દેશ ચલાવી રહ્યા હતા. હાલમાં જ આરએસએફ જવાનોને પોતાના માટે ખતરો માનીને સેનાએ ભૂતકાળમાં આરએસએફ જવાનોની તૈનાતીની સિસ્ટમમાં ફેરફાર કરીને નવી સિસ્ટમ શરૂ કરી હતી, જેના માટે આરએસએફ જવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ધીરે ધીરે આ નારાજગી હિંસામાં ફેરવાઈ ગઈ અને લડાઈ શરૂ થઈ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ભારતીય ટીમ 7 થી 11 જૂન દરમિયાન યોજાનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. રહાણે ઉપરાંત ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની પણ ટીમમાં વાપસી થઈ છે.

રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ ચાલુ રાખશે. તેની સાથે ટીમમાં શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે અને કેએલ રાહુલ છે. કેએસ ભરતને નિષ્ણાત વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઝડપી બોલરોમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. સાથે જ સ્પિન વિભાગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા પર રહેશે.

સૂર્યા સાથે આ ખેલાડી પણ બહાર છે

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સામેલ સૂર્યકુમાર યાદવની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. સૂર્યકુમાર ઉપરાંત કુલદીપ યાદવ અને ઈશાન કિશન પણ કાંગારૂ ટીમ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે પસંદ કરાયેલી ટીમમાં નથી. તે જ સમયે, શ્રેયસ અય્યર ઈજાના કારણે લાંબા સમયથી વ્યાવસાયિક ક્રિકેટથી દૂર છે. તે IPLમાં પણ રમી શક્યો નહોતો.

રહાણેએ ભારત માટે 82 ટેસ્ટ રમી છે

અજિંક્ય રહાણેએ ભારત માટે છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે ભારત માટે 82 ટેસ્ટમાં 38.52ની એવરેજથી 4932 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 12 સદી અને 25 અડધી સદી નીકળી છે. ઘણી મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી ચુકેલા રહાણે 15 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે.

રહાણેને રણજી ટ્રોફી અને આઈપીએલમાં પ્રદર્શનનો લાભ મળ્યો

રહાણેએ તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી છે. આ કારણોસર તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રહાણેએ રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ માટે બે સદીની મદદથી 57.63ની એવરેજથી 634 રન બનાવ્યા. જો કે તેની ટીમ નોકઆઉટ સુધી પહોંચી શકી નહોતી. IPLમાં રહાણેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પાંચ ઇનિંગ્સમાં 52.25ની એવરેજથી 209 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 199.04 છે. રહાણેને આનો ફાયદો મળ્યો અને તેની ટીમમાં પસંદગી થઈ. તેમને શ્રેયસ ઐયરની ગેરહાજરી અને સૂર્યકુમાર યાદવના ખરાબ ટેસ્ટ પ્રદર્શનનો પણ ફાયદો થયો.

ભારત ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ. યાદવ, જયદેવ ઉનડકટ.

છેલ્લી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પાછળ બીજા સ્થાને છે.