Home Blog Page 2935

સિંગાપોરમાં ગાંજાની દાણચોરીના અપરાધી ભારતીય-તામિલને બુધવારે અપાશે ફાંસી

સિંગાપોરઃ 1 કિલોગ્રામ કરતાં થોડાક વધારે વજનમાં કેફી પદાર્થ કેનાબિસ (ગાંજો) દાણચોરીપૂર્વક સિંગાપોરમાં લાવવાના ગુના બદલ અહીંના સત્તાવાળાઓ એક ભારતીય-તામિલ પુરુષને ફાંસીની સજા આપવાની છે. અપરાધીનું નામ છે તાંગારાજુ સુપૈયાહ. એની મૃત્યુદંડની સજાનો અમલ આવતીકાલે, બુધવારે કરવામાં આવશે. તેને મોતની સજાનો ચુકાદો ગયા વર્ષે આપવામાં આવ્યો હતો.

કેફી દ્રવ્યો વિરુદ્ધ દુનિયામાં સૌથી કડક કાયદા સિંગાપોરમાં છે. આ માટે તેની દલીલ એવી છે કે સમાજને કેફી દ્રવ્યોના વ્યસનના દૂષણ સામે રક્ષણ આપવા માટે અપરાધીઓને મોતની સજા આપવી જરૂરી  છે.

46 વર્ષના તાંગારાજુ પર આરોપ છે કે એણે 2013માં મલેશિયામાંથી એક કિલો કરતાં વધારે વજનનો કેનાબિસ (ગાંજો) દાણચોરીપૂર્વક સિંગાપોરમાં ઘૂસાડીને ડ્રગ્સના દાણચોરોને મદદ કરી હતી.

રિલાયન્સ, અદાણી સહિત 48 કંપનીઓ ફ્યુચર રિટેલ ખરીદવાની રેસમાં

મુંબઈઃ દેવાંમાં ડૂબેલી ફ્યુચર રિટેલ લિ.ના હસ્તાંતરણ માટે સંભવિત અરજદારોની અંતિમ યાદીમાં 48 કંપનીઓને સામેલ કરવામાં આવી છે, જેમાં રિલાયન્સ રિટેલ, જેસી ફ્લાવર્સ, યુકે સ્થિત ટ્રાવેલ રિટેલર WH સ્મિથ ટ્રાવેલ, જેસી ફ્લાવર્સ, જિંદાલ પાવર લિ અને અદાણી ગ્રુપ પણ સામેલ છે. ફ્યુચર રિટેલ લિ. (FRL)એ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

રિઝોલ્યુશન પ્રોફેશનલે FRLની એસેટ માટે બોલી લગાવવા માટે કંપનીઓ પાસે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મગાવ્યા હતા. 48 સંભવિત રિઝોલ્યુશન અરજીકર્તાઓની છેલ્લી યાદી જાહેર થયા પછી માનવામાં આવે છે કે આ પ્રક્રિયા આગામી તબક્કામાં આગળ ધપશે. ફ્યુચર રિટેલે લોન આપનારી કંપની પાસે ઇન્સોલ્વન્સી રિઝોલ્યુઝન પ્રોસેસ (CIRP)ને પૂરી કરવા માટે 90 દિવસ વધારવાની મંજૂરી માગી હતી. FRL બેન્કોને લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. ત્યાર બાદ નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ ઠરાવ માટે 330 દિવસનો સમય નક્કી છે. આ કાયદાની કલમ 12 (1) મુજબ પ્રારંભના 180 દિવસની અંદર ઠરાવ પૂરો થઈ જવો જોઈએ. જોકે NCLT એ માટે 90 દિવસનો વધારાનો સમય આપી શકે છે. આ વધારાનો સમય એક જ વખત આપી શકાય છે. આ રીતે CIRPને પૂરી કરવા માટે મહત્તમ સમય 330 દિવસ છે.

આ પહેલાં FRLએ જણાવ્યું હતું કે તેની એસેટ્સ ખરીદવા માટે એને 49 પ્લેયર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મળ્યા છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ FRLને રૂ. 1441 કરોડ નહીં ચૂકવવા બદલ NCLTનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.

 

 

 

40 ટકા કમિશન નહીં લેવા પર ભાજપે શેટ્ટારને ટિકિટ નહીં આપીઃ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણટકના મતદાતાઓને 10 મેએ થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40થી વધુ સીટ નહીં આપવાની અરજ કરી હતી. હાવેરી જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે લોકોને કોંગ્રેસને કમસે કમ 150 સીટ આપવાની વિનંતી કરી હતી. અન્યથા ભાજપે ફરીથી સરકાર બનાવવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ભ્રષ્ટ નેતાઓની સાથે મંચ શેર કરે છે, જે 40 ટકા કમિશન લે છે. એનાથી માલૂમ પડે છે કે તેઓ ભ્રષ્ટાચારની સામે નથી લડતા, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારને ભાજપે ટિકિટ નથી આપી, કેમ કે તેઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત નહોતા અને તેમણે 40 ટકા કમિશન નથી લીધું. મૈસુર સેન્ડલ સાબુ કૌભાડંમાં એક વિધાનસભ્યનો પુત્ર લાંચ લેતા રંગે ઙાથ પકડાયો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી કૌભાંડ, એસિસ્ટન્ટ પ્રોફેસર કૌભાંડ, એસિસ્ટન્ટ એન્જિનિયર નોકરીનું કૌભાંડ વગેરે સહિત કેટલાય અન્ય કૌભાંડો થયા હતા. ભાજપે  પાછલી સરકારને નાણાં આપીને વિધાનસભ્યોની ચોરી કરી હતી, આ ચોરીની સરકાર હતી. ભાજપે પાંચ વર્ષમાં દરેક કોન્ટ્રેક્ટ પર 40 ટકા કમિશન લીધું છે. હવે અમે (કોંગ્રેસ) લોકો માટે કંઈક કરવા ઇચ્છીએ છીએ.

અમે કર્ણટકના ગરીબ લોકોને ચાર વચન આપીએ છીએ, જેમાં ગૃહલક્ષ્મી યોજના- જેમાં ઘરની પ્રત્યેક મુખ્ય મહિલાને રૂ. 2000 પ્રતિ મહિને મળશે. ગૃહ જ્યોતિ યોજના-જેમાં 200 યુનિટ મફત વીજ મળશે- પ્રત્યેક મહિને આપવામાં આવશે. આ ઉપરાંત અન્ન ભાગ્ય યોજના- જેમાં BPL પરિવારોને 10 કિલો ચોખા આપવામાં આવશે અને યુવા નિધિ યોજના –જેમાં પ્રત્યેક સ્નાતકને રૂ. 3000 મહિનાદીઠ આપવામાં આવશે અને ડિપ્લોમા ધારકદીઠને રૂ. 1500 મહિનાદીઠ આપવામાં આવશે.

 

 

મુલુંડમાં રહેણાક મકાનમાં આગ લાગી; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી

મુંબઈઃ શહેરના પૂર્વ ભાગમાં આવેલા મુલુંડ ઉપનગરમાં રેલવે સ્ટેશન નજીક આવેલી એક રહેણાક ઈમારતમાં આજે સવારે આગ લાગી હતી. અગ્નિશામક દળના જવાનોએ અડધા કલાકમાં જ આગને બુઝાવી દેવામાં સફળતા મેળવી હતી. ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી.

આજે સવારે 11.30 વાગ્યાના સુમારે પાંચ માળવાળા ધીરજ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળ પરના ઘરમાં આગ લાગી હતી. અગ્નિશામક દળને તે વિશે જાણ કરાયા બાદ તરત જ તેના જવાનો પાંચ ફાયર એન્જિન્સ અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અડધા કલાકમાં આગને બુઝાવી દીધી હતી. આગનું કારણ તત્કાળ જાણી શકાયું નહોતું, પરંતુ શોર્ટ સર્કિટને કારણે તે લાગી હોવાનું મનાય છે. મકાનમાં ઘણા લોકો રહે છે. આગ લાગ્યા બાદ ઘણા લોકો નીચે રસ્તા પર દોડી ગયા હતા તો બાકીનાને નીચે ઉતારવામાં આવ્યા હતા.

રોકાણકારો અલ્ગો માસ્ટર્સની સ્કીમ્સથી ચેતે

મુંબઈઃ રોકાણકારો છેતરપિંડીનો અને અન્ય લોકોના ગેરકાનૂની કૃત્યનો ભોગ બનતાં અટકે એ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ગેરકાનૂની વેપાર કરતા લોકો અને તેમના ફોન નંબરો જાહેર કરતું રહે છે એ ક્રમમાં એક્સચેન્જે જણાવ્યું છે કે “અલ્ગો માસ્ટર” નામની હસ્તી મારફત કામ કરતી “વીણા” નામની વ્યક્તિ રોકાણકારોને મૂડીરોકાણ પર ગેરન્ટેડ વળતર ઓફર કરી રહી છે અને રોકાણકારોને તેમનાં ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવાની પણ ઓફર કરી રહી છે. આ વ્યક્તિ મોબાઈલ નંબરો “8530550095” અને “8530990063” મારફત ઓપરેટ કરે છે.

કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા રોકાણ પર ગેરન્ટીડ વળતર ઓફર કરાય એવી કોઈ પણ રોકાણ યોજના કે પ્રોડક્ટ પર કાનૂની પ્રતિબંધ છે એટલે રોકાણકારોને તેમની સલામતી માટે જણાવવામાં આવે છે કે તેઓ આવાં સાધનોમાં રોકાણ કરવાથી દૂર રહે અને પોતાના લોગ ઈન આઈડી અને પાસવર્ડ શેર્સ ન કરે એવું એનએસઈએ તેની અખબારી યાદીમાં સ્પષ્ટ કર્યુ છે.

વિરાટ કોહલી ધ્યાન નહીં રાખે તો લાગી શકે પ્રતિબંધ

બેંગલુરુઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ આ સીઝનમાં સારો દેખાવ કરી રહી છે. વિરાટ કોહલીએ છેલ્લી બે મેચમાં RCBની કેપ્ટનશિપ પણ કરી હતી, કોહલી અને તેની ટીમ સામે વિરાટ મુશ્કેલી ઊભી થઈ છે, જેના પર કોહલી પર પ્રતિબંધનું જોખમ ઝળૂંબી રહ્યું છે. IPLમાં રમાયેલી 27મી અને 32મી મેચમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે RCB માટે રમી રહ્યો હતો. RCBએ પંજાબ કિંગ્સને અને રાજસ્થાન રોયલ્સને હરાવી હતી, પણ રાજસ્થાન સામે RCBની ટીમે ધીમી ઓવરના નિયમોનો ભંગ કર્યો હતો. વિરાટની કેપ્ટનશિપમાં આ નિયમ તોડ્યો હતો.

આ પહેલાં ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં RCB આ ભૂલ કરી ચૂકી છે. પહેલી મેચમાં ફાફ પાસેથી રૂ. 12 લાખ અને બીજી મેચમાં વિરાટ પાસેથી રૂ. 24 લાખ દંડ તરીકે વસૂલવામાં આવ્યો છે. હવે જો આગામી મેચમાં RCBની ટીમ આ નિયમો તોડશે તો તેની કેપ્ટનશિપ પર રૂ. 30 લાખનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવશે. પછી ભલે કેપ્ટન વિરાટ હોય કે ફાફ ડુ પ્લેસિસ હોય. સ્લો ઓવર રેટના નિયમની વાત કરીએ તો કોઈ બોલિંગ કરતી ટીમ નિર્ધારિત સમયની અંદર 20 ઓવર નથી કરી શકતી તો આ નિયમનો તેણે ભંગ કર્યો છે. IPLમાં ટીમોને 20 ઓવર ફેંકવા માટે 90 મિનિટનો સમય હોય છે. એમાં 85 મિનિટનો સમય રમત માટે અને પ્રત્યેક 150 સેકન્ડ બે સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ માટે પાંચ મિનિટનો સ્લોટ હોય છે.

 આ દરમ્યાન DRS, ઈજા કે આઉટ થવાનો સમય સામેલ નથી થતો. જોકોઈ ટીમ  20 ઓવરની બોલિંગ કરવા માટે 90 મિનિટથી વધુનો સમય લે તો તેના કેપ્ટન પર રૂ. 12 લાખનો દંડ, બીજી વાર આ નિયમના તોડવા પર કેપ્ટનને રૂ. 24 લાખ અને ટીમના બાકીના ક્રિકેટરો પર પણ દંડ લગાવવામાં આવે છે. તેમના પર રૂ. 6 લાખ કે મેચની ફીસના 25 ટકા દંડ આપવો પડે છે. જો ત્રીજી વાર ભૂલ થાય તો એક મેચ માટે પ્રતિબંધ અને રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવે છે.

 

 

 

 

 

સુપ્રીમે મહિલા પહેલવાનોની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાજપના સાંસદ અને WFIના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની સામે યૌન ઉત્પીડનના આરોપી પર FIR નહીં નોંધવાના આરોપવાળી સાત મહિલા પહેલવાનોની અરજી પર મંગળવારે દિલ્હી સરકાર અને અન્યને નોટિસ જારી કરી છે.

CJI ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળા પહેલવાનોની અરજીમાં યૌન ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે કોર્ટ દ્વારા વિચાર કરવાની જરૂર છે. કપિલ સિબ્બલે કોર્ટમાં આ મામલે જલદી સુનાવણીની માગ કરી છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે સાત મહિલા પહેલવાનોએ અરજી આપી છે. કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર કોર્ટ 28 એપ્રિલે સુનાવણી કરશે.

સોમવારે દેખાવકાર પહેલવાનોએ ધમકી આપી હતી કે જો ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની સામે FIR નહીં નોંધવામાં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવશે. જ્યારે સ્પોર્ટ્સ મંત્રાલયે મહાસંઘની સાત મેએ થનારી ચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને ચૂંટણી કરાવવા માટે સમિતિની રચના કરવા માટે કહ્યું હતું.

સરકારે WFI અધ્યક્ષની વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ડરાવવા-ધમકાવવાને મામલે તપાસ માટે 23 જાન્યુઆરીએ છ સભ્યોની સમિતિ રચના કરી હતી. સમિતિએ પાંચ એપ્રિલે એનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો, પણ સરકારે અત્યાર સુધી એને જાહેર નથી કર્યો.

 

 

 

કોરાનાના 6925 નવા કેસો, 24નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 6925 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 24 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,05,827 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,369 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,11,078 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9213 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 63,380એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.14 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,89,087 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,44,679 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4943 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ભારત સાથે યુદ્ધ કરવાની પાકિસ્તાનની તાકાત જ નથીઃ ભૂતપૂર્વ પાક લશ્કરી વડાની કબૂલાત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ પોતે જ કબૂલાત કરી છે કે પાકિસ્તાનની આર્થિક હાલત હાલ અત્યંત ખરાબ છે. દેશ પાસે પૈસા નથી. દારૂગોળો, શસ્ત્રો ખરીદવા માટે પાકિસ્તાન પાસે પૈસા નથી. વ્યાપારમાં પણ ભારત કરતાં પાકિસ્તાન ઘણું પાછળ છે. આ બધા કારણોને લીધે ભારત સાથે યુદ્ધ કરવાની પાકિસ્તાનમાં ક્ષમતા જ નથી.

જનરલ બાજવા અમુક દિવસો પૂર્વે બ્રિટનસ્થિત પાકિસ્તાની મિડિયા ‘UK44’ના બે વરિષ્ઠ પત્રકાર – હમીદ મીર અને નસીમ જહરાના શોમાં ઉપસ્થિત રહ્યા હતા. એ વખતે એમને સવાલ પૂછતાં એમણે ઉપર મુજબ કબૂલાત કરી હતી.

‘બમ બમ ભોલે’ના નાદ વચ્ચે કેદારનાથ મંદિરના દ્વાર ફરી ખુલ્લા મુકાયા

દેહરાદૂનઃ શિયાળાની મોસમમાં અત્યંત ભયજનક પ્રતિકૂળ હવામાન સમાપ્ત થતાં પવિત્ર કેદારનાથ ધામ મંદિરને આજથી શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સાથે જ કેદારનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ ગઈ છે.

સવારે 6.20 વાગ્યે ગાત્રો થીજાવી દે એવી ઠંડીમાં, પરંપરાગત પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચાર સાથે અને ‘હર હર કેદાર’, ‘હર હર મહાદેવ’, ‘જય બાબા કેદારનાથ’, ‘બમ બમ ભોલે’, ‘જય ભોલેનાથ’ જેવા નારા અને ઢોલ-નગારાના તાલ વચ્ચે હિન્દૂઓના પવિત્ર એવા કેદારનાથ ધામ મંદિરના દ્વાર આજે વહેલી સવારે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

મંદિરના વડા પૂજારી જગદ્દગુરુ રાવલ ભીમા શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના દ્વાર ખોલ્યા હતા. એ વખતે ત્યાં હાજર હજારો શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દિવ્ય, અલૌકિક દર્શનનો લ્હાવો લીધો હતો. લગભગ 8,000 ભક્તોની મોટી ભીડ દર્શન માટે ઉમટી હતી. મંદિર પરિસરમાં એ માટે લાંબી લાઈન લાગી હતી.

11મા જ્યોતિર્લિંગ ભગવાન શ્રી કેદારનાથ (શંકર ભગવાન)ને સમર્પિત આ મંદિરને દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરને કેસરી રંગના ગલગોટાના 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

હિન્દૂધર્મીઓ કેદારનાથ ધામને દેશના સૌથી પવિત્ર યાત્રાસ્થળોમાંનું એક ગણે છે.

જોકે પ્રતિકૂળ હવામાન હજી ચાલુ જ હોવાથી અને એક અઠવાડિયા સુધી રહેવાનું હોવાથી ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રા માટે યાત્રાળુઓ તરફથી નવી રજિસ્ટ્રેશન અરજીઓ સ્વીકારવાનું હાલ અટકાવી દીધું છે. યાત્રાના સ્થળે ભારે હિમવર્ષા થવાની અને હવામાન ખરાબ રહેવાની ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. કેદારનાથ ધામના રૂટ પર ભારે હિમવર્ષા થવા વિશે હવામાન વિભાગે એલર્ટ ઘોષિત કર્યું છે. કેદારનાથ ધામ માટેના પગપાળા રૂટ પર ત્રણથી ચાર ફૂટ બરફ છવાયો છે.