અમદાવાદઃ અક્ષય તૃતીયાના શુભ ભાજપ દ્વારા રાજ્યનાં 24 મોટાં મંદિરોમાં મહાસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડા પ્રધાન મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કુવરજી બાવળિયા સાથે રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરમાંથી સફાઈ કરી સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત સુરતમાં પણ પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
રાજ્ય સરકારના મંત્રીઓ રાજ્યનાં વિવિધ તીર્થસ્થાનો પર સફાઈ ઝુંબેશમાં જોડાયા છે. વિવિધ ધર્મસ્થાનો પર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. 15થી વધુ ધર્મસ્થળો પર વિવિધ મંત્રી હાજર રહી સફાઈ કરાવશે.
મુખ્ય મંત્રી સફાઈ ઝુંબેશ શરૂ કરાવ્યા પછી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ત્યાર બાદ તેઓ લોકસભા ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લામાં બેઠક કરશે. એ પછી તેઓ સાંજે સૌરાષ્ટ્ર-તમિળ સંગમ અંતર્ગત તમિળના ડેલિગેશનની મુલાકાત લેશે.
ભાજપ દ્વારા સુરતમાં પણ અંબિકા નિકેતન મંદિરથી સવારે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યભરનાં 23 જેટલાં ધાર્મિક સ્થળોની આસપાસ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સુરતમાં અંબિકા નિકેતનમાં પ્રદેશાધ્યક્ષની હાજરીમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં હર્ષ સંઘવી દ્વારા મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ હાથમાં ગ્લવ્ઝ પહેરી અને સાવરણાથી મંદિર પરિસરની સફાઈ કરી હતી. આ મંદિર સફાઈ ઝુંબેશમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના કોર્પોરેટરો અને શહેર સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.
બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાનની સાથે બધાની નજર કેટલાક મુખ્ય ચૂંટણી વિસ્તારો પર ચોંટેલી છે. આગામી કર્ણટક વિધાનસભાની ચૂંટણીમાં હુબલી-ધારવાડ સેન્ટ્રલ ચૂંટણી ક્ષેત્રમાં જંગ વધુ રસપ્રદ થવાનો છે, કેમ કે બે મુખ્ય લિંગાયત નેતાઓની વચ્ચે ગુરુ-શિષ્યની લડાઈએ આ બેઠક પર ચૂંટણી ગરમાવો વધારી દીધો છે.
મહેશ તેંગિંકાઇએ 18 એપ્રિલે હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ માટે પોતાનું નામાંકન દાખલ કરતાં પહેલાં જગદીશ શેટ્ટાર પાસે આશીર્વાદ માગ્યા હતા. તેમણે કહ્યું હતું કે જગદીશ શેટ્ટાર મારા ગુરુ છે એ લડાઈ એક ગુરુ અને તેમના શિષ્ય વચ્ચે છે. મને વિશ્વાસ છે કે મારા ગુરુ મને આશીર્વાદ આપશે.
હું મહેશ તેંગિકાઈનો ગુરુ નથીઃ શેટ્ટાર
બીજી બાજુ, જગદીશ શેટ્ટારે કહ્યું હતું કે હું ના તો મહેશ તેંગિંકાઈનો ગુરુ છું અને ના તો તે મારા શિષ્ય છે. તેમના ગુરુ દિલ્હીમાં છે અને તેઓ દિલ્હીમાં પોતાના ગુરુના વફાદાર શિષ્ય છે. BL સંતોષ તેમના ગુરુ છે અને તેમને કારણે તેમને ટિકિટ મળી છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી તેંગિંકાઈ પર છેલ્લા છ-સાત મહિનામાં તેમની સામે દુષ્પ્રચાર ઝુંબેશ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
શેટ્ટારે વધુમાં કહ્યું હતું કે તેમનું શું યોગદાન છે? માત્ર એક પદાધિકારી હોવું પૂરતું નથી. હુબલીના લોકો ચૂંટણીના મતક્ષેત્રમાં પોતાના પ્રતિનિધિની ભાગીદારી ઇચ્છે છે. માત્ર ભાજપથી ટિકિટ હાંસલ કરવી પૂરતી નથી. કર્ણાટકમાં 10 મેએ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં ભાજપ છોડ્યાના એક દિવસ પછી શેટ્ટાર કોંગ્રેસમાં સામેલ થયા હતા.
અભિનેત્રી મધુએ પહેલી હિન્દી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ (૧૯૯૧) પહેલાં પણ એક ફિલ્મમાં કામ શરૂ કર્યું હતું. એમાં એનો અભિનય યોગ્ય ના લાગતા નિર્દેશકે કાઢી મૂકી હતી. મધુને બાળપણથી જ અભિનય અને ડાન્સનો શોખ હતો. તેનું સાચું નામ પદમા માલિની હતું. પણ ઉમાબહેન એને ‘મધુ’ કહીને બોલાવતી હતી. પિતાને એ નામ એટલું પસંદ આવ્યું કે અધિકૃત રીતે બદલીને મધુ કરી દીધું હતું. અભિનેત્રી હેમામાલિની મધુની ફોઇની છોકરી થાય છે.
ઘરમાં પહેલાંથી જ ફિલ્મી માહોલ હતો. છતાં પિતા ઇચ્છતા ન હતા કે મધુ અભિનયમાં જાય. પરંતુ સંજોગો મધુની તરફેણમાં હતા એટલે તે કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે એક ફિલ્મની ઓફર મળી ત્યારે પિતા એને કામ કરવા દેવા તૈયાર થઇ ગયા. એટલું જ નહીં રોશન તનેજાના અભિનય ક્લાસમાં ત્રણ મહિના માટે મોકલી. જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે મધુમાં આત્મવિશ્વાસ આવ્યો ન હતો અને એ અભિનય બરાબર કરી શકતી ન હતી. થોડા દિવસ પછી એક દ્રશ્ય ભજવી રહી હતી એમાં એણે ફોન ઉપાડીને વાત કરવાની હતી. નિર્દેશક એના કામથી ખુશ ન હતા. એમણે એમ કહીને મધુને કાઢી મૂકી કે,’જે છોકરીને ફોન ઉપાડતા આવડતું નથી એ અભિનેત્રી કેવી રીતે બની શકશે?’ આ વાતનો મધુને મોટો આંચકો લાગ્યો હતો. તે ફરી કોલેજના અભ્યાસમાં જોડાઇ ગઇ.
મધુના મનમાંથી એ વાત જતી ન હતી. પિતાએ એ બનાવ ભૂલીને આગળ વધવા કહ્યું હતું. કોલેજનો અભ્યાસ પૂરો કરીને મધુ અભિનય શીખવા ફરી રોશન તનેજાના ક્લાસમાં ગઇ અને આખો કોર્ષ પૂરો કર્યો ત્યારે આત્મવિશ્વાસ આવી ચૂક્યો હતો. એક દિવસ તે દાદીને મળવા ચેન્નઇ ગઇ ત્યારે હેમામાલિનીના મમ્મી જે મધુના ફોઇ થતા હતા એ એમના ઘરે આવ્યા અને નિર્દેશક કે. બાલાચંદર સાથે મુલાકાત કરાવી. અસલમાં કે. બાલાચંદરે એક મેગેઝીનમાં મધુનો ફોટો જોયો હતો અને એમાં તે હેમામાલિનીની કઝીન હોવાનો ઉલ્લેખ હતો. એમણે હેમાજીને ત્યાં સંપર્ક કરી મધુની ઓળખ મેળવી હતી. એમણે પોતાની મમૂટી સાથેની તમિલ ફિલ્મ ‘અઝગન’ (૧૯૯૧) કરવાનું કહ્યું ત્યારે મધુને આંચકો લાગ્યો.
મધુને પહેલાં હિન્દી ફિલ્મ કરવી હતી. તેણે દક્ષિણની ફિલ્મ હોવાથી રસ ના બતાવ્યો પણ પિતાએ હા પાડી દીધી. કેમકે તેને હજુ સુધી કોઇ હિન્દી ફિલ્મ મળી ન હતી અને ઘરે જ બેઠી હતી. એમનું કહેવું હતું કે જો કોઇ લોન્ચ કરવા માગે છે તો શા માટે ફિલ્મ ના કરવી. મધુએ ફિલ્મ સ્વીકારી લીધી અને પાછી મુંબઇ આવી ત્યારે નિર્દેશક કુકૂ કોહલીએ અજય દેવગન સાથેની ‘ફૂલ ઔર કાંટે’ કરવા કહ્યું. એમાં પહેલાં હીરોઇન બીજી કોઇ છોકરી હતી અને અડધાથી વધુ ફિલ્મનું શુટિંગ થઇ ચૂક્યું હતું. પરંતુ મધુએ પહેલી હિન્દી ફિલ્મ મળી રહી હોવાથી અગાઉની અભિનેત્રીએ કેમ છોડી દીધી એ બધું જાણવાની જરૂર ના સમજી અને હા પાડી દીધી. મધુનું નસીબ એટલું સારું હતું કે તમિલ ‘અઝગન’ અને હિન્દી ‘ફૂલ ઔર કાંટે’ બંને ફિલ્મોનું શુટિંગ એકસાથે જ ચાલતું રહ્યું. બંને સાથે જેવી જ રજૂ થઇ અને બંને સફળ પણ રહી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,683 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 42 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,81,877 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,300 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,83,021 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,765 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 67,556એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.15 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.66 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,97,477 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,37,581 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 5602 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મનુસ્મૃતિના શ્લોક ક્ર. 8.179માં રોકાણને લગતી પાયાની વાત કરવામાં આવી છે. પોતાના નાણાં સારા પરિવારમાં જન્મેલી, પ્રામાણિક, કાયદાપાલન કરનારી અને સત્યવચન બોલનારી વ્યક્તિને સોંપવાં એવું તેમાં કહેવામાં આવ્યું છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પ્રામાણિક સંસ્થાને સોંપવાં એમ કહેવું પડે.
આજકાલ આપણે કૌભાંડો અને લોકોને છેતરનારી રોકાણની સ્કીમના કેટકેટલાય સમાચારો વાંચીએ છીએ. પ્રશ્ન એ જાગે છે કે આપણે જેને નાણાં સોંપીએ એ સંસ્થા વિશ્વસનીય છે કે કેમ એ કેવી રીતે ચકાસવું. આ સવાલનો જવાબ સાવ સરળ છે. કઈ સંસ્થા આ સંસ્થાનું કે રોકાણની સ્કીમનું નિયમન કરે છે એ જોવું.
હાલ દેશમાં ચાર મુખ્ય નિયમનકાર સંસ્થાઓ છેઃ 1) રિઝર્વ બૅન્કઃ આ સંસ્થા બૅન્કોનું નિયમન કરે છે. રિઝર્વ બૅન્કના નિયમન હેઠળની બૅન્કોમાં નાણાં રાખવાં. 2) સેબીઃ આ નિયમનકાર સંસ્થા સિક્યૉરિટીઝ માર્કેટનું નિયમન કરે છે. સ્ટૉક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસીસ (PMS) તેના નિયમન હેઠળ આવે છે. સિક્યૉરિટીઝ માર્કેટને લગતી કોઈ પણ સ્કીમ લાવવી હોય તો તેને સેબી પાસે મંજૂર કરાવવી પડે છે. 3) ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI): સમગ્ર વીમા ઉદ્યોગનું નિયમન આ સંસ્થા કરે છે. વીમા કંપનીઓ જે પોલિસીઓ ઑફર કરવા માગતી હોય એ તમામ પોલિસીઓને IRDAI પાસે મંજૂર કરાવવી પડે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA): ભારતમાંનાં તમામ પેન્શન ફંડ્સનું નિયમન આ સંસ્થા કરે છે.
કોઈ પણ રોકાણકારે ઉક્ત નિયમનકાર સંસ્થાઓની મંજૂરી હોય એવી જ એન્ટિટીઝમાં અને સ્કીમમાં નાણાં રોકવાં જોઈએ.
ઘણી વાર લોકો ઓછા સમયમાં નાણાં બમણાં કરવાની લાયમાં બોગસ સ્કીમમાં રોકાણ કરે છે. જલદીથી શ્રીમંત કરવા માટે ચાલતી સ્કીમ ખરેખર તો જલદીથી ગરીબ બનાવી દેનારી હોય છે.
માણસ નાણાં રોકે એટલું જરૂરી નથી. એ રોકાણ પોતાની નાણાકીય આવશ્યકતાઓ અને આકાંક્ષાઓને સંતોષનારું હોવું જોઈએ.
હું આ લેખ લખી રહ્યો હતો એવામાં એક મહિલાનો ફોન આવ્યો. તેઓ ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરીની સર્વિસીસ ઈચ્છતા હતા. તેમણે અગાઉ કેટલાંક રોકાણ કર્યાં હતાં અને હવે તેઓ વધુ વળતર આપે એવા વિકલ્પોમાં રોકાણ કરવા માગતાં હતાં. જ્યારે મેં તેમને કહ્યું કે અમે ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી સેવાઓ આપતા નથી ત્યારે તેમને આંચકો લાગ્યો. તેમને એમ જ હતું કે અમારું કામ ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરીનું છે. મોટાભાગના લોકોના મનમાં આવી જ છાપ હોય છે. મેં તેમને સમજાવ્યું કે ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી અને ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં ફરક છે.
મેં એરોપ્લેન અને સાઇકલનું ઉદાહરણ આપતાં કહ્યું કે એરોપ્લેનથી ઝડપી પ્રવાસ થઈ શકે છે, પરંતુ માત્ર એક કિલોમીટર સુધી જવું હોય તો એરોપ્લેન ન ચાલે. આથી રોકાણ કરતાં પહેલાં એ નિર્ણય લેવાવો જોઈએ કે એ રોકાણ કઈ ઈચ્છા કે કયા સ્વપ્નની પૂર્તિ માટે કરવું છે. નાણાકીય લક્ષ્ય કે ઉદ્દેશ્ય વગરનું રોકાણ નુકસાનદાયક નીવડી શકે છે.
આપણે પોતાના ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મહેનત કરીને નાણાં ભેગાં કરતાં હોઈએ છીએ. આથી યોગ્ય એન્ટિટી પાસે અને પોતાની જરૂરિયાતો-લક્ષ્યો પૂરાં થાય એ રીતે રોકાણ કરવું જરૂરી છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
ગુજરાતના ચિત્રકળામાં અગ્રણી કલાકારોમાં સીમા પટેલ એક આગલી હરોળમાં બિરાજે છે. અમદાવાદમાં આગામી 23 એપ્રિલ, 2023ના રોજ સિંઘુભવન રોડ પર આવેલા મારુતિનંદન ખાતે સાંજે 5.30થી 9.30 દરમિયાન તેમના આકર્ષક પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવાનું છે જેનો બહુ જ રસપ્રદ વિષય છે: નારીત્વ. આ પરથી જ સમજી શકાય કે કળા દ્વારા પોતાની અંતરની વાતો રજૂ કરતાં સીમા પટેલે અહીં સ્ત્રીઓના વિવિધ સ્વરૂપો અને તેમની વિવિધ ભાવનાઓને વાચા આપવાનું સર્જનાત્મક કામ કર્યું છે.
સીમા 8 વર્ષની કુમળી વયથી ચિત્રકળામાં ખૂબ રુચિ ધરાવતા હતા પરંતુ આ રુચિને ક્યારેય ગંભીરતાપૂર્વક લઈને તેને પૂરતો સમય આપવાનો મોકો જ ન મળ્યો. અરે, તેમને પોતાને એવી કલ્પના સુદ્ધાં નહોતી કે તે ચિત્રકળામાં કશુંક કરી શકે છે. ફેમિલી બિઝનેસ માટે તેમણે કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું અને તે સમયે સૌથી વધુ પ્રચલિત એવા કોમ્પ્યુટર એપ્લિકેશનમાં તેમણે ડિપ્લોમા પણ કર્યું. અભ્યાસ પૂરો કર્યા બાદ લગ્ન કરીને ઠરીઠામ થયા અને બાળકો થયા પછી તેમના ઉછેરમાં વ્યસ્ત થઈ ગયા. એક સામાન્ય ગૃહિણી જેવો જ જીવનનો ઘટનાક્રમ સીમા પટેલનો પણ હતો.
આ ચિત્ર યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ લાઈવ કોન્ટેસ્ટમાં ત્યાં બેસીને બનાવ્યું હતું
વર્ષ 2015માં એક દિવસ તેમણે બસ એમ જ કોઈ દ્રશ્યની કલ્પના કરીને તેને કાગળ પર ઉતારવા પ્રયત્ન કર્યો. સીમાએ કોઈ પણ ખાસ હેતુ વિના દોરેલા આ ચિત્રને સૌએ ખૂબ વખાણ્યું. હવે તેમણે તેમની આ કળા પર ધ્યાન આપ્યું અને તેને વધુ મઠારવા માટે તેમણે અમદાવાદમાં ફાઇન આર્ટ્સનો એક કોર્સ પણ કર્યો. એક વખત પોતાની કળા અને તે પ્રત્યે લગાવ વિશે જાણ થઈ ગયા પછી સીમાએ ક્યારેય પાછું વળીને નથી જોયું. અત્યાર સુધીમાં તેમણે વિવિધ માધ્યમોમાં સેંકડો ચિત્રો બનાવ્યા છે જેમાં ઓઇલ કલર, એક્રેલિક, પેસ્ટલ, વોટર કલર, ગ્રેફાઇટ ચારકોલ, પોસ્ટર કલર, સોફ્ટ પેસ્ટલ, કલર પેન્સિલ, ટેક્ષ્ચર પેઇન્ટ, કોફી પેઇન્ટ વગેરે સ્વરૂપમાં આર્ટનો સમાવેશ થાય છે. એક્રેલિક તેમને મનપસંદ હોવાને કારણે તેમના પેઇન્ટિંગના કલેક્શનમાં તેની સંખ્યા મહત્તમ છે. વળી, એક અનુભવી કલાકારોની જેમ સીમાના દરેક પેઇન્ટિંગ પણ તે પાછળ રહેલી સીમાની લાગણી તેમજ તેમના વિચારોની અભિવ્યક્તિ છે.
પેઇન્ટિંગ જગતમાં એક સન્માનનીય નામ ધરાવતા સીમાનું માનવું છે કે તેમની તમામ સફળતા તેમના કુટુંબીજનો, તેમના ગુરુ બિપિન પટેલ તેમજ તેમના સૌ મિત્રોના સહયોગ અને સમર્થન થકી શક્ય બન્યું છે. તેમણે પોતાના પરિવારને હંમેશા પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે પણ સાથોસાથ સમય કાઢીને (અથવા ક્યારેક ‘ઓવરટાઈમ’ કરીને) પોતાના પેઇન્ટિંગના શોખને પણ સતત ધબકતો રાખ્યો છે.
ચિત્રકળામાં સતત કઈક નવું કરવા પ્રયત્નશીલ તેવા સીમાએ ચાંપાનેર અને અમદાવાદની હેરિટેજ સાઇટ્સ પર બેસીને લાઈવ પેઇન્ટિંગ કર્યા છે અને એક મહત્વની સિદ્ધિની વાત કરીએ તો સીમા હરિયાણાના ક્ષિતિજ આર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ પણ જીત્યા છે. સીમાનો આ સંગ્રહ આધુનિક સમયની એ દરેક સ્ત્રી વિશે છે જે રોજિંદા પડકારોનો સામનો કરવામાં સ્વ-અસ્તિત્વને ભૂલી જાય છે. તેમના માટે પોતાની જાતને અને પોતાની લાગણીને પ્રતિબિંબિત કરવી એ અન્ય તમામ મહત્વના કામ જેટલું જ જરૂરી છે. સામાન્ય રીતે તેઓ પોતાની આસપાસ બનતી ઘટનાઓ કે સંવાદોનો આધાર લઈને પોતાની કલ્પના અનુસાર પેઇન્ટિંગ બનાવતા હોય છે. કોવિડ લોકડાઉન દરમિયાન તેમણે રોજનું એક પેઇન્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને ગમે તે રીતે પોતાની જ આ ચેલેન્જને પૂરી પણ કરી હતી.
વિવિધ ઉંમરની, વિવિધ બેકગ્રાઉંડની વિવિધ સ્ત્રીઓની વિવિધ લાગણીઓ અને તેમના ગુણોને માત્ર કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરીને વાચા આપવાનો પડકાર સીમાએ પોતાની જાતને આપ્યો હતો અને એનું જ આકર્ષક પરિણામ છે ‘નારીત્વ’. રસ્તા પર બબલ્સ બનાવતી બાળકી, શાળાએ જતી ટીનેજર, ગર્ભમાં બાળક ઉછેરતી સ્ત્રી, સફળતાને પોતાની મુઠ્ઠીમાં સમાવી રાખવા માંગતી સફળ યુવતી, સ્વની શોધમાં ભટકતી સ્ત્રી કે મોડર્ન મીરા. આ કલેક્શનમાં સીમાના દરેક ચિત્રો સ્ત્રીના ભિન્ન સ્વરૂપો કે લાગણીને વાચા આપે છે.
સીમા બહુ દ્રઢપણે માને છે કે હકારાત્મક રહેવું, ખુશ રહેવું એ સુખી જીવનની ચાવી છે. કલા એ તમારી જાતને જાગૃત કરવામાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને કલા પ્રત્યેનો આ જ પ્રેમ અને સન્માન તેમના દરેક પેઇન્ટિંગમાં ઝળકે છે. આવા ઉત્કૃષ્ટ કલાકારની વિવિધ કલાકૃતિને માણવા માટે અમદાવાદના કલા-પ્રેમીઓ માટે ‘નારીત્વ’ની મુલાકાત બહુ અનેરો અનુભવ સાબિત થશે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડમાં આખરે વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય યુવરાજસિંહ જાડેજાની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. યુવરાજ ઉપર આ પ્રકરણમાં રૂપિયા 1 કરોડની ખંડણી લેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ સવારે 11 કલાકથી તેની આ પ્રકરણમાં પુછપરછ કરવામાં આવી રહી હતી. જેમાં આખરે તેની સામે નિલમબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વધુ ખુલાસા પત્રકાર પરિષદ મારફત કર્યા હતા.
યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી
મળતી માહિતી મુજબ ડમીકાંડ મામલે આખરે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે રેન્જ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતો હતો. આ પ્રકરણમાં યુવરાજસિંહ જાડેજા ઉપરાંત શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.