Home Blog Page 2944

નવા વર્ષમાં સાહિત્ય અકાદમીનો પ્રથમ કાર્યક્રમ કાંદિવલીમાં `મારું પ્રિય પુસ્તક’

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની નવનિયુક્ત સમિતિ દ્વારા આ વર્ષનો પ્રથમ કાર્યક્રમ શનિવાર તા.૨૨ એપ્રિલે સાંજે ૫.૩૦ વાગ્યે જયંતીલાલ એચ. પટેલ લૉ કૉલેજ, બીજે માળે, કાંદિવલી (પશ્ચિમ) ખાતે યોજાશે. કેઈએસ સંચાલિત ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ પુસ્તક દિન’ને અનુલક્ષીને આયોજિત આ કાર્યક્રમમાં `મારું પ્રિય પુસ્તક’ વિષય પર સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલ, ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી અને ઉદ્યોગસાહસિક મહેશ શાહ પોતાના પ્રિય પુસ્તક વિશે વકતવ્ય આપશે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેનાર વરિષ્ઠ સાહિત્યકાર દિનકર જોષીના આશીવર્ચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. કાર્યક્રમનું સંચાલન પ્રતિમા પંડ્યાનું રહેશે. કાર્યક્રમનું સંયોજન કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર અને કવિ સંજય પંડ્યાએ કર્યું છે. વહેલો તે પહેલો ધોરણે સર્વ સાહિત્યરસિકોને જાહેર આમંત્રણ છે.

NSE-SME મંચ પરથી મેઈન-બોર્ડ પર કેવી કંપનીઓ શિફટ થઈ શકે?

મુંબઈ તા.21 એપ્રિલ, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જે તાજેતરમાં તેના  એસએમઈ પ્લેટફોર્મ પરની કંપનીઓના મેઈન બોર્ડમાં સ્થળાંતર સંબંધિત નીતિની પુનર્સમીક્ષા કરી છે અને એને સંબંધિત માપદંડો જાહેર કર્યા છે. એસએમઈ પ્લેટફોર્મ પરની કઈ કંપનીઓ મેઈન બોર્ડમાં જઈ શકે એમ છે એની પાત્રતાને રોકાણકારો આ માપદંડના આધારે અગાઉથી જાણી શકે છે. એક્સચેન્જે જાહેર કરેલા માપદંડો નીચે પ્રમાણે છે.

  1. મેઈન બોર્ડમાં સ્થળાંતર કરવા ઈચ્છતી કંપનીની પેઈડ-અપ કેપિટલ 10 કરોડથી ઓછી ન હોવી જોઈએ અને ઈક્વિટી મૂડીનું કેપિટલાઈઝએશન રૂ.25 કરોડથી ઓછું ન હોવું જોઈએ. માર્કેટ કેપિટલાઈઝેશન નક્કી કરવા માટે સંબંધિત કંપનીના સ્ટોક એક્સચેન્જના ત્રણ મહિના દરમિયાનના સાપ્તાહિક હાઈ અને લો બંધ ભાવની સરેરાશ લેવામાં આવશે.
  2. અરજી કર્યા પૂર્વેનાં ત્રણ વર્ષ દરમિયાન કંપની તેના કામકાજના ખર્ચથી અધિક એટલે કે (વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વે) હકારાત્મક રોકડ આવક (કેશ એક્રુઅલ) ધરાવતી હોવી જોઈશે અને અરજી કર્યા પૂર્વેના તત્કાળના નાણાકીય વર્ષમાં કરવેરા બાદનો નફો કર્યો હોવો જોઈશે. મેઈન બોર્ડમાં મજબૂત નાણાકીય ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓ જ જઈ શકે એ આ જોગવાઈનો હેતુ છે.
  3. અરજદાર કંપની એસએમઈ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી લિસ્ટેડ હોવી જોઈએ. વળી કંપની બોર્ડ ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ફાઈનાન્સિયલ રિકંસ્ટ્રક્શન (બીઆઈએફઆર)માં ગઈ ન હોવી જોઈએ કે કંપની વિરુદ્ધ વાઈન્ડિંગ અપની પિટિશન પ્રાપ્ત કરી ન હોવી જોઈએ. કંપનીની નેટવર્થ ઓછામાં ઓછા 50 કરોડ હોવી જોઈએ.
  4. અરજી કરવાની તારીખ પૂર્વેના ક્વાર્ટરમાં કંપનીમાં કુલ પબ્લિક શેરહોલ્ડર્સની સંખ્યા ઓછામાં ઓછા 1000ની હોવી જોઈએ.
  5. કંપનીના શેર્સ જ્યાં લિસ્ટેડ હોય ત્યાં કંપની સામે લિટિગેશન્સ, વિવાદ કે નિયમન સંબંધિત જે પગલાં લેવામાં આવ્યાં હોય તેની પૂરી જાણકારી અરજદાર કંપનીએ જાહેર કરવી પડશે. કંપની વિરુદ્ધના કોઈ પણ સર્વેલન્સ પગલા કે ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાંથી સિક્યુરિટી બહાર લવાય એ પછી બે મહિનાનો કૂલિંગ પિરિયડ રહેશે. આ સિવાય પણ અન્ય કેટલાંક ડિસ્ક્લોઝર્સ કંપનીએ કરવાનાં રહેશે.

સૌરાષ્ટ્ર-તમિળ સંગમના સમાપન સમારોહમાં હાજર રહેશે PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે રાજ્યની મુલાકાતે આવશે. તેઓ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યની મુલાકાતે આવવાના છે. સોમનાથમાં યોજાનારા સૌરાષ્ટ્ર તમિળ સંગમ કાર્યક્રમ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોદી આવશે. તેઓ 17 એપ્રિલે શરૂ થઈ રહેલા આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં આવવાના હતા, પરંતુ તેમની આ મુલાકાત અમુક કારણોસર મોકૂફ રહી હતી.

તામિલનાડુના થાંજાવુર અને કાંચીપુરમ વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાંથી 1000 વર્ષ પૂર્વે હાથવણાટના કારીગરો રોજગારી અર્થે સ્થાયી થયા હતા. તેમને ગુજરાત સાથે ફરીથી જોડવાના ભાગરૂપે  રાજય સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.આ સિવાય કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા તામિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોનો સંગમ નથી, પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પ્રાંગણમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના 65 કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરૂ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે 3200 ખીલીમાંથી તૈયાર કરેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દીવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ શેખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.

 

 

 

 

 

આઇસી15 ઇન્ડેક્સ 635 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના બીએનબી સિવાયના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. ડોઝકોઇન, અવાલાંશ, પોલકાડોટ અને ચેઇનલિંકમાં 4થી 9 ટકાનો ઘટાડો થયો હતો. બિટકોઇન 28,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

દરમિયાન, ટેક્સાસની ધારાસભાએ ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોને એમનાં રિઝર્વ જાહેર કરવાનું કહેતો ખરડો – એચબી1666 પસાર કર્યો છે. બીજી બાજુ, યુરોપિયન સંસદે માર્કેટ્સ ઇન ક્રીપ્ટો એસેટ્સ એક્ટ નામનો કાયદો મંજૂર કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ એસેટ ઉદ્યોગનું નિયમન કરવાનો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.62 ટકા (635 પોઇન્ટ) ઘટીને 38,554 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,189 ખૂલીને 39,330ની ઉપલી અને 38,316 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

આઈપીએલ-2023 માટે રોહિત શર્મા બન્યો જિયો સિનેમાનો બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની માલિકીના ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયો સિનેમાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આ વર્ષની મોસમ માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માને કરારબદ્ધ કર્યો છે.

રોહિતને દર્શાવતી જાહેરખબરો અને પ્રચાર ક્લિપ્સને જિયો સિનેમા ટૂંક સમયમાં જ પ્રસ્તુત કરશે. જિયો સિનેમા અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ, બંને રિલાયન્સ ગ્રુપની માલિકીના છે. આઈપીએલ માટેના ડિજિટલ પ્રસારણના હક જિયો સિનેમાએ મેળવ્યા છે જ્યારે ટીવી પ્રસારણ હક સ્ટાર સ્પોર્ટ્સે મેળવ્યા છે. જિયો સિનેમાએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચીન તેંડુલકર, સૂર્યકુમાર યાદવ, એમ.એસ. ધોની, સ્મૃતિ મંધાનાને પણ કરારબદ્ધ કર્યાં છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૧ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૧ એપ્રિલ, ૨૦૨૩

કેવળ ભાઈ, જરાય નહીં જાન જેવી છે ‘કિસી કા ભાઈ’ વોટેવર વોટેવર…

2015માં ‘બાહુબલી’ રિલીઝ થઈ તે પછી સિનેમાપ્રેમી સતત એક સવાલ પૂછ્યા કરતા કે “કટપ્પાએ બાહુબલીને માર્યો શું કામ?” જવાબ, જો કે, ‘બાહુબલી’ના સેકન્ડ પાર્ટમાં મળી ગયો, પરંતુ અમુક સવાલ એવા હોય છે, જેના જવાબ ક્યારેય નથી જડતા. જેમ કે, મૂળ ફિલ્મ ઓટીટી પર કે ટેલિવિઝન પર જોઈએ એ ભાષામાં મળતી હોવા છતાં શા માટે અમુક કલાકારો-સર્જકો એની રિમેકના ફંદામાં પડતા હશે?

વસ્તુ એવી છે કે આજથી આઠેક વર્ષ પહેલાં અજિત નામના તમિળ સુપરસ્ટારની એક ફિલ્મ આવેલીઃ ‘વીરમ.’ ઠીક ઠીક ચાલેલી. એના પરથી તેલુગુ ઍક્ટર પવન કલ્યાણે ‘કટમારાયુડુ’ બનાવી. સુપર ફ્લૉપ. એ જ ‘વીરમ’ અને ‘કટમારાયુડુ’થી પ્રેરિત થઈને સલમાન ખાન અને ડિરેક્ટર ફરહાદ સામજીએ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બનાવી. હવે, આ લોકોએ તમિળમાંથી બનાવી કે તેલુગુમાંથી એ તો એમને ખબર, પણ બન્નેએ મળીને પ્રેક્ષકોને બનાવ્યા એટલું ચોક્કસ.

વાર્તા કેટલીક પુરાણી હિંદી ફિલ્મોની ભેળપૂરી જેવી છે, જેવી કે છ ભાઈના એક મોટા ભાઈવાળી ‘સત્તે પે સત્તા,’ બે ભાઈના મોટા ભાઈવાળી ‘હમ,’ ચાર ભાઈના મોટા ભાઈ અમરીશ પુરીવાળી ‘હલચલ,’ વગેરે. દિલ્હીના કોઈ એક કાલ્પનિક મહોલ્લામાં ચાર ભાઈનો એક પરિવાર (સલમાન ખાન-રાઘવ જુયાલ-જસ્સી ગિલ-સિદ્ધાર્થ નિગમ) છે. ત્રણ નાના ભાઈને એકલા હાથે ઉછેરનાર ભાઈજાન (સલમાન ખાન) લગ્ન નથી કરવા માગતા કેમ કે ઘરવાળી કેવી આવે ખબર નહીં. સંપીને રહેતા ભાઈઓમાં ફાટફૂટ પડાવે તો? જો કે ત્રણ ભાંડરડાંની ગર્લફ્રેન્ડ (શેહનાઝ ગિલ-વિનાલી ભટનાગર-પલક તિવારી) છે એટલે પોતાની ગાડી પાટે ચડે એ સારુ એ લોકો ભાઈજાનને ભાગ્યલક્ષ્મી (પૂજા હેગડે) સાથે પ્રેમમાં પાડવાનો પ્લાન બનાવે છે. આમાં ટ્રબલ એ છે કે ભાગ્યલક્ષ્મીના મોટા ભાઈ અનન્ય ગુંડામનેની (વેંકટેશ)ને મારામારી કરવાવાળા ગમતા નથી. ભાઈજાનને અહિંસક બનવામાં વાંધો નથી, પણ એને ખબર પડે છે કે કોઈ એક નાગેશ્વરે (જગપતિ ચૌધરીએ) ભાગ્યલક્ષ્મીને, એના મોટા ભાઈને, આખા પરિવારને મારવાનો પ્લાન બનાવ્યો છે એટલે એ ભાવિ પત્ની-સાળા સાહેબ ઍન્ડ ફૅમિલીને બચાવવા દિલ્હીથી હૈદરાબાદ પહોંચે છે.

ઈન્ટરવલ પહેલાંનો ભાગ તો જેમતેમ સહન થાય છે, પણ સેકન્ડ હાફ એટલે કે ઉત્તરાર્ધમાં મુશ્કેલીની વણજાર છે. ભાઈની ઈમેજને સુટ થાય તે માટે સર્જક (ભાઈ પોતે એમ વાંચો) સાવ જુદો ટર્ન લઈ લે છેઃ જાવું’તું અમદાવાદ ને પહોંચી ગયા હૈદરાબાદ જેવો ઘાટ. અને ફિલ્મની પહેલી ફ્રેમ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે ડિરેક્ટર ફરહાદ સામજીને કોણ ડિરેક્શન આપી રહ્યું હશે. ભાઈની એન્ટ્રી પર થિએટરમાં કોઈ સીટી મારે એની રાહ જોયા વગર ફિલ્મના ઍક્ટરો પાસે જ સીટી મરાવી દીધી છે, ભાઈનું ન તો નામ છે ન અટક એટલે આખી ફિલ્મમાં…. સમજી ગયાને, શું રીપીટ થયા કરે છે? ભાઈજાન અચાનક ભગવદ્ ગીતાના શ્ર્લોક બોલવા મંડે છે (“ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે… સમવેતા યુયુત્સવ…”), ભાઈજાન સાઉથ-ટાઈપ ગીત પર નાચે (‘યેંત્મ્મા યેંત્મ્મા’) અને સાઉથના સુપરસ્ટાર વેંકટેશ પંજાબી સોંગ (બિલ્લી બિલ્લી) ભાંગડા કરે…

આઘાતજનક હકીકત તો એ કે સલમાન ખાન જેવો સ્ટાર 2023માં આવી ફૂલિશ-બાલિશ સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપે છે? શું એને કોઈ કહેવાવાળું નથી કે ભાઈ, જરીક જાળવ્યો જા. શું ભાઈનો (તેમ જ અન્ય કલાકારો-દિગ્દર્શકોનો) હિંદી સિનેમાલેખકો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે? આજે કેટલાબધા પ્રતિભાશાળી લેખકો બચાડા અવનવા વિષયોવાળી કથા-પટકથા લઈને પ્રોડ્યુસર-ડિરેક્ટરની ઑફિસના ધક્કા ખાય છે. એમની કથા-પટકથા વાંચવી તો બાજુએ, એમને ઑફિસમાં પ્રવેશ પણ મળતો નથી.

ટૂંકમાં, મસાલા મૂવીના નામે વાર્તામાં કોઈ પણ જાતના નાવીન્ય વિનાની કથા, ચવાઈને ચુથ્થો થઈ ગયેલું કથાકથન અને બુદ્ધિવિહીન કૉમેડી-ડ્રામા-ઍક્શન પાછળ સવાબે કલાક (ઘેરથી થિએટર સુધી જવાના ને પાછા આવવાના અલગ) આપવા હોય તો તમારી મરજી.

દક્ષિણ ફિલ્મોદ્યોગે બોલીવૂડને ચટાડી ધૂળઃ વાર્ષિક રૂ. 8000 કરોડનો વેપાર

નવી દિલ્હીઃ દક્ષિણની ફિલ્મોએ પાછલા કેટલા દિવસોમાં સારો વેપાર કર્યો છે, જ્યારે બોલીવૂડની હિન્દી ફિલ્મો સામાન્ય ઊંધા માથે પડવા લાગી છે. પાછલા ઘણા સમયથી દેશભરમાં દર્શકોમાં દક્ષિણ ભારતીય ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. દક્ષિણ ભારતની ફિલ્મો દેશમાં કમાણી મામલે સારો દેખાવ કરી રહી છે, એમ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)નો એક રિપોર્ટ કહે છે.

વર્ષ 2022માં તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ રૂ. 2950ની આવક થઈ હતી, જ્યારે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ રૂ. 2500 કરોડ, કન્નડે રૂ. 1570 કરોડ અને મલયાલમે રૂ. 816 કરોડનો વેપાર કર્યો હતો.વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવક 96 ટકા વધીને રૂ. 7800 કરોડે પહોંચી હતી.

દેશભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એની અડધી કમાણી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવી રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ઇન્ડસ્ટ્રી સામેલ છે, જેનો વેપાર વર્ષ 2021માં આશરે રૂ. 4000 કરોડ હતો, જે વર્ષ 2022માં એ વધીને રૂ. 8000 થઈ ગયો હતો. દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું વર્ષ 2022માં વેપાર રૂ. 15,000 કરોડ પર હતો.

રિપોર્ટ કહે છે કે તમિળ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાઉથ ઇન્ડિયન ફિલ્મ બિઝનેસમાં કેટલાંક વર્ષો પહેલાં સુધી ઘણી અસરકારક હતી, પણ વર્ષ 2022માં કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મના રિલીઝ સાથે એ ટ્રેન્ડ બદલાયો છે.

 

 

 

 

વિરાર-ચર્ચગેટ એસી લોકલનું એસી બંધ થઈ જતાં પ્રવાસીઓ પરેશાન

મુંબઈઃ આજે સવારે વિરારથી ચર્ચગેટ તરફ જતી પશ્ચિમ રેલવેની એક એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનમાં કોઈક ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. ટ્રેન દોડી રહી હતી તે છતાં એનો એક બાજુનો દરવાજો ખુલ્લો જ રહેતો હતો. વધુમાં ટ્રેનની અંદર એરકન્ડિશનિંગ સિસ્ટમ પણ કામ કરતી નહોતી. આ બનાવ વિશે અનેક પ્રવાસીઓએ ટ્વિટર ઉપર ફરિયાદ કરી છે.

(ફાઈલ તસવીર)

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે, સ્લો લાઈન પર દોડતી ટ્રેન સવારે 9.02 વાગ્યે મીરા રોડ સ્ટેશને પહોંચી હતી ત્યારે એમાં ઠંડકની સમસ્યા હોવાને લીધે કોઈકે એલાર્મ ચેન ખેંચી હતી. પરિણામે તે ટ્રેનને ખુલ્લા દરવાજાઓ સાથે દોડાવવી પડી હતી. સંબંધિત સ્ટાફે તરત જ એસી ચેક કરી તેની ખામી દૂર કરી હતી. ટ્રેન મહાલક્ષ્મી સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા અને એરકન્ડિશનિંગ સિસ્ટમ પણ પ્રસ્થાપિત કરી દેવામાં આવી હતી. એસી લોકલ ટ્રેનની મોટરમાં સમસ્યા ઊભી થવાને કારણે કેટલીક એસી ટ્રેનોને નોન-એસીમાં ફેરવી દેવાની સત્તાવાળાઓને પડી છે.

સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડના આઠ દોષીઓને જામીન આપ્યા

નવી દિલ્હીઃ ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવનારા આઠ દોષીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જેથી ઉંમરકેદની સજા ભોગવી રહેલા લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ બધા દોષી 17થી 20 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે ચાર દોષીઓને હાલમાં જામીન આપવાથી ઇનકાર કરી દીધો હતો. નીચલી કોર્ટે ફાંસીની સજા આપી હતી, પણ ત્યાર બાદ હાઇકોર્ટે ઉંમરકેદમાં ફેરવી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહાની બેન્ચે ગોધરા મામલામાં દોષીઓના જામીન મામલે નિર્ણય કર્યો હતો. જામીન મેળવનારા આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે જામીનની શરતો પૂરી કરીને બાકીના લોકોને જામીન પર છોડવામાં આવે. દોષીઓના વકીલ સંજય હેગડેએ ઇદને ધ્યાનમાં રાખીને જામીન પર છોડવા માટે અપીલ કરી હતી.

ઘટના શું હતી?

સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડીને 59 લોકોને જીવતા સળગાવી માર્યાના મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા અબ્દુલ રહેમાન ધંતિયા, અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ ગદ્દી સહિત 27 દોષી તરફથી દાખલ થયેલી જામીન અરજી પર સુનાવણી કરી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ માત્ર પથ્થરમારો મામલો નથી. દોષીઓએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને બંધ કરી દીધી હતી. જેનાથી ટ્રેનમાં સવાર 59 યાત્રીઓનાં મોત થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.