Home Blog Page 2974

ડોકલામ પાસે ચીની સેનાની તૈનાતી, ભારતીય સેના એલર્ટ

ચીન ડોકલામ પાસે સતત પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે, જેને લઈને ભારતીય સેનાએ ચિંતા વ્યક્ત કરી છે. ચીને તેના સૈનિકો માટે ભૂટાનની અમો ચુ ખીણ પાસે મોટી સંખ્યામાં બંકરો બનાવ્યા છે. અમો ચુ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડોકલામ ઉચ્ચપ્રદેશની નજીક સ્થિત છે, જ્યાંથી ભારતનો સિલિગુડી કોરિડોર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની સીધી રેખામાં છે. ભારત-ચીન-ભૂતાન ડોકલામ ટ્રાઇ-જંક્શનથી તે ભાગ્યે જ એક પથ્થર ફેંકાય છે, જ્યાં બેઇજિંગ રોડના નિર્માણને લઈને 2017 માં ભારત અને ચીન વચ્ચે તીવ્ર સૈન્ય સંઘર્ષ થયો હતો.

ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. તેઓ બુધવાર (12 એપ્રિલ) સુધી સામાજિક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. મંગળવારે તેઓ જાપાન અને બાંગ્લાદેશના મંત્રીઓને મળશે અને ત્રિપુરાથી કનેક્ટિવિટી સંબંધિત અનેક પ્રોજેક્ટ પર ચર્ચા કરશે. આ પહેલા તેમણે સોમવારે એક કાર્યક્રમમાં પાડોશી દેશને ચેતવણી આપતા કહ્યું હતું કે સેના અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની બહાદુરીએ એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ ભારતની જમીનનો એક ઈંચ પણ અતિક્રમણ ન કરી શકે. તેમણે કહ્યું કે, એ જમાનો વીતી ગયો છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણી જમીન પર અતિક્રમણ કરી શકતું હતું, પરંતુ હવે સોયના ટીપા જેટલી પણ જમીન પર અતિક્રમણ કરી શકાતું નથી.

ચીને ગૃહમંત્રીની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો

ગૃહમંત્રીની મુલાકાત પર પોતાની ભ્રમર સંકોચતા ચીને કહ્યું હતું કે, અરુણાચલ ચીનનો એક ભાગ છે અને ભારતના કોઈપણ અધિકારી અને નેતાની ત્યાં મુલાકાત તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસ સરહદી વિસ્તારોમાં શાંતિ માટે અનુકૂળ નથી.

રિલાયન્સની આઇસક્રીમ બજાર પર નજરઃ ગુજરાતની કંપની સાથે કરાર

નવી દિલ્હીઃ રિલાયન્સ કંપનીના વડા મુકેશ અંબાણી FMCG બિઝનેસ પર મોટો દાવ રમી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં પેપ્સી અને કોકથી સ્પર્ધા કરવા માટે તેમણે કેમ્પાને લોન્ચ કર્યું હતું. જેથી કોલા માર્કેટમાં પ્રાઇસ વોર છેડાયું હતું. રિલાયન્સ ચેરમેનની નજર હવે રૂ. 20,000 કરોડના આઇસક્રીમ બજાર પર છે. તેઓ જલદી આઇસક્રીમ બજારમાં પ્રવેશ સંબંધિત એલાન કરે એવી શક્યતા છે.

રિલાયન્સની સહયોગી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ પોતાની ઇન્ડિપેન્ડસ બ્રાન્ડની સાથે આઇસક્રીમ બિઝનેસમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. ગુજરાતમાં ઇન્ડિપેન્ડસ બ્રાન્ડ ગયા વર્ષે લોન્ચ કરી હતી.

ઇન્ડિપેન્ડસ બ્રાન્ડમાં મસાલા, એડિબલ ઓઇલ, દાળ, અનાજ અને પેકેજ્ડ ફૂડથી લઈને ખાણીપીણીના સામાનોની પૂરી રેન્જ સામેલ છે. જોકે રિલાયન્સ હાલ આઇસક્રીમનું આઉટસોર્સિંગ કરે એવી સંભાવના છે. કંપની એ માટે ગુજરાતની કંપની સાથી વાટાઘાટ કરી રહી છે. FMCG એક્સપર્ટનું કહેવું છે કે આઇસક્રીમ માર્કેટમાં રિલાયન્સના પ્રવેશથી સંગઠિત માર્કેટમાં તીવ્ર હરીફાઈ થવાની શક્યતા છે. દેશનું આઇસક્રીમ માર્કેટ રૂ. 20,000 કરોડથી વધુનું છે અને એમાં સગઠિત ક્ષેત્રનો હિસ્સો 50 ટકા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ગુજરાતની આઇસક્રીમ કંપનીની સાથે અંતિમ તબક્કામાં વાટાઘાટ ચાલી રહી છે. રિલાયન્સ આ વર્ષે ગરમીઓમાં આઇસક્રીમ લોન્ચ કરે એવી શક્યતા છે. કંપની ડેડિકેટેડ ગ્રોસરી રિટેલ આઉટલેટ દ્વારા આઇસક્રીમનું વેચાણ કરે એવી શક્યતા છે. કંપનીનો આઇસક્રીમ માર્કેટમાં પ્રવેશ ભાવયુદ્ધ છેડે એવી શક્યતા છે. એ જોવું રસપ્રદ રહેશે કે કંપનીના ઉત્પાદનોની રેન્જ શી હશે અને કયા માર્કેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 

 

 

 

આઈપીએલ-2023: ગાવસકરના મતે બેટિંગ ભાગીદારીઓનો અભાવ મુંબઈ ઈન્ડિયન્સને નુકસાનકારક

મુંબઈઃ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને એક્સપર્ટ કોમેન્ટેટર સુનીલ ગાવસકરનું માનવું છે કે મહત્ત્વની બેટિંગ ભાગીદારીઓના અભાવને કારણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને આઈપીએલ-2023માં નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને પાંચ વખત ચેમ્પિયન બનેલી ટીમ હજી સુધી એકેય વિજય નોંધાવી શકી નથી. ટીમ પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અને બીજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.

ગાવસકરે આઈપીએલના સત્તાવાર ટીવી બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને જણાવ્યું કે જ્યાં સુધી તમે મોટી ભાગીદારી ન નોંધાવો ત્યાં સુધી તમારે માટે મોટી જીત હાંસલ કરવાનું મુશ્કેલ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રોહિત શર્મા અને ઈશાન કિશન વચ્ચે ભલે ટૂંકી, પણ ઉપયોગી થાય એવી ભાગીદારી બનાવવી જોઈતી હતી, પરંતુ તેઓ એમાં નિષ્ફળ ગયા છે.

બાઇડને કોવિડ ઇમર્જન્સી સ્થિતિ ખતમ કરવા માટે બિલ પર હસ્તાક્ષર કર્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સત્તાવાર રૂપે દેશમાં કોવિડ19 નેશનલ હેલ્થ ઇમર્જન્સીને સત્તાવાર રૂપે ખતમ કરી દીધી છે. અમેરિકામાં કોવિડ19ને કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં આશરે રૂ. 10 લાખથી વધુ લોકો આ બીમારી માર્યા ગયા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે આ પગલું 11 મે માટે નિર્ધારિત અલગ જાહેર આરોગ્ય ઇમર્જન્સીને પ્રભાવિત નહીં કરશે. જાહેર આરોગ્ય કાર્યક્રમે સરકારે અમેરિકનવાસીઓને મફતમાં કોવિડ19ના પરીક્ષણ, સારવાર અને રસી લેવા માટે સક્ષમ બનાવ્યા હતા.

રોગચાળાના પ્રભાવને ઓછો કરતા અમેરિકાએ મહામારીથી નિપટવામાં મદદ કરવા માટે એને સામાજિક લાભોને વધાર્યા હતા.વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડને કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા એક કાનૂન પર હસ્તાક્ષર કર્યા હતા, જે કોવિડ19 રોગચાળાથી સંબંધિત રાષ્ટ્રીય ઇમર્જન્સીને ખતમ કરે છે.

જોકે આ નવો કાયદો રાષ્ટ્રીય ઇમર્જન્સી અને જાહેર આરોગ્યની ઇમર્જન્સીને ખતમ કરે છે, જે પહેલાં ટ્રમ્પ સરકાર દરમ્યાન લાગુ કરવામાં આવ્યા હતા અને બાઇડન વહીવટી તંત્રમાં પણ જારી રહ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ વાર 13 માર્ચ, 2020એ વાઇરસ પર રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરી હતી, જે એ વર્ષની પહેલી માર્ચથી લાગુ હતી. હાઉસે ડેમોક્રેટિક ટેકેદારોએ ફેબ્રુઆરીમાં 229-197 દ્વારા  પસાર કરવામાં આવ્યો હતો અને સેનેટે ગયા મહિના 68-23 મતોની સાથે આશરે ડેમોક્રેટસના પક્ષમાં મતદાન કર્યું હતું.

 

સલમાન ખાનને ધમકી આપનારો પકડાયો; ‘રોકીભાઈ’ કિશોરવયનો છે

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને ગઈ કાલે સાંજે ફરીથી ધમકી આપતો ફોન કોલ આવ્યો હતો, પણ પોલીસે પડોશના થાણે જિલ્લામાંથી કોલ કરનારને પકડી લીધો છે. એનું નામ ‘રોકીભાઈ’ છે.

(ફાઈલ તસવીર)

રોકીભાઈએ ગઈ કાલે મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પોતે 30 એપ્રિલે સલમાન ખાનની હત્યા કરશે. નવા અહેવાલ મુજબ, રોકીભાઈની પોલીસે ધરપકડ કરી લીધો છે. એ સગીર વયનો છોકરો હોવાનું કહેવાય છે. એ મૂળ રાજસ્થાનનો છે અને હાલ પડોશના થાણે જિલ્લાના શાહપુરમાં રહે છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

DGCAએ ગેરવર્તણૂક કરનારા પેસેન્જરો માટે એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ એવિયેશન નિયામક DGCAએ અસભ્ય પેસેન્જરોને નિયંત્રણમાં લેવા માટે બધી એરલાઇન્સ માટે ફરી એડવાઇઝરી જારી કરી છે. હાલના દિવસોમાં વિમાનમાં પેસેન્જરોના દુર્વ્યવહારોની ઘટનાઓ વધી છે. જ્યારે એર ઇન્ડિયાની દિલ્હી-લંડન ફ્લાઇટમાંથી એક પુરુષ પેસેન્જરને બે કેબિન ક્રૂ સભ્યોને શારીરિક નુકસાન પહોંચાડવા માટે ઉતારવામા આવ્યા હતા. જેથી આ એડવાઇઝરી ફ્લાઇટમાં વધતી પેસેન્જરોની ગેરવર્તણૂકને લીધે આપવામાં આવી છે. આ એડવાઇઝરીમાં DGCAએ કહ્યું હતું કે સિવિલ એવિયેશન રિક્વાયર્મેન્ટ (CAR) હેઠળ ગેરવર્તણૂક કરનાર પેસેન્જરોથી નિપટવા માટે એરલાઇન દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જોગવાઈ છે. આ સિવાય CARમાં પાઇલટો, કેબિન ક્રૂ સભ્યો અને ઇનફ્લાઇટ સર્વિસના ડિરેક્ટરની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

DGCAએ કહ્યું હતું કે હાલના દિવસોમાં એણે ધૂમ્રપાન, માદક પીણાંના સેવનના પરિણામસ્વરૂપ ગેરવર્તણૂકના વ્યવહારો, પેસેન્જરોની વચ્ચેના વાદવિવાદ અને ક્યારેક-ક્યારેક ફ્લાઇટમાં પેસેન્જરો દ્વારા અયોગ્ય સ્પર્શ અથવા યૌન ઉત્પીડન જેવી ઘટનાઓ પર ધ્યાન આપ્યું છે, જેમાં પોસ્ટ હોલ્ડર્સ, પાઇલટ અથવા કેબિન ક્રૂ સભ્ય યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.  

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓમાં એરક્રાફ્ટ સંચાલનની સુરક્ષાથી સમજૂતી કરવાની ક્ષમતા હોય છે. એરલાઇન્સે પાઇલટ, ચાલક દળના સભ્યો તથા સંબંધિત પદો પર બેઠેલા લોકોને યોગ્ય પ્રકારે ગેરવર્તણૂક કરનારા પેસેન્જરો સાથે વ્યવહાર કરવા માટે સલાહ આપી છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે AI 111 એરપોર્ટ પર ઊતરી અને યાત્રીઓની સુરક્ષાકર્મચારીઓને સોંપાયા હતા તથા પોલીસમાં FIR નોંધાવવામાં આવ્યો હતો.

 

 

‘મર્સિડીઝ-AMG GT 63 S E પર્ફોર્મન્સ’ કાર ભારતમાં લોન્ચ કરાઈ; કિંમત રૂ. 3.30 કરોડ

મુંબઈઃ જર્મનીની મર્સિડીઝ-બેન્ઝ ભારતની સૌથી મોટી લક્ઝરી કાર બ્રાન્ડ છે. એણે દેશમાં ‘મર્સિડીઝ-AMG GT 63 S E પર્ફોર્મન્સ’ કાર લોન્ચ કરી છે.

ચાર દરવાજાવાળી આ કૂપે કારની કિંમત છે રૂ. 3.30 કરોડ (એક્સ-શોરૂમ). આ કાર ખરીદનારને ફોર્મ્યુલા-1 રેસ ચેમ્પિયન લૂઈસ હેમિલ્ટનના હાથે કારની ચાવી આપવામાં આવશે. આ કાર માત્ર 2.9 સેકંડમાં જ 0-100 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. એની ટોપ સ્પીડ 316 કિ.મી. પ્રતિ કલાક છે.

સાબરમતી ટુ પ્રયાગરાજઃ અતીક અહેમદને લેવા પહોંચી UP પોલીસ

નવી દિલ્હીઃ પ્રયાગરાજના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવનકેદની સજા થયા પછી માફિયા ડોન અતીક અહેમદને ફરીથી ગુજરાતની સાબરમતી જેલમાં પહોંચાડવામાં આવ્યો હતો. હવે ફરી તેને પ્રયાગરાજ લાવવા માટે UP પોલીસ પહોંચી રહી છે. UP પોલીસ અતીક અહેમદને લેવા સાબરમતી જેલ પહોંચી ચૂકી છે.

ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. અતીક અહેમદમને હાઇ સિક્યોરિટી ઝોનના બેરેક નંબર 200માં ખસેડવામાં આવ્યો હતો. જોકે માત્ર જગ્યા જ બદલવામાં આવી છે, પરંતુ તેની સુરક્ષા યથાવત્ જ રાખવામાં આવી હતી. આજે ઉમેશ પાલ હત્યા કેસમાં ફરી અતીકને લેવા યુપી પોલીસ અમદાવાદ આવી છે, જેમા ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર, 30 કોન્સ્ટેબલનો કાફલો, એક જીપ અને બે કેદી ગાર્ડ વાહનો ત્યાં હાજર છે. પ્રાપ્ત માહિતી અનુસાર માફિયા અતીકની સામે UPમાં એક વધુ FIR નોંધવામાં આવ્યો છે. ચાર વર્ષ જૂના કેસમાં પ્રયાગરાજના ધૂમનગંજ સ્ટેશનમાં અતીક અને તેના પુત્ર અલી અહમદ સહિત 13 લોકોની સામે FIR નોંધવામાં આવેયો હતો. અતીકની સામે IPCની કલમ 147,148, 149, 307, 386, 286, 504, 506 અને 120 B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે તેને સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની MP MLA કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા સંભળાવી. જોકે આ કેસમાં સાત લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સજા બાદ સાબરમતી જેલમાં અતીકને ફરીથી લાવવામાં આવ્યો હતો.

 

 

જળવાયુ પરિવર્તનને કારણે ગુજરાતના દરિયાકાંઠાનું થતું સંકોચન

અમદાવાદઃ રાજ્યની પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો છે.જોકે નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR) અનુસાર રાજ્યની પાસે 1945.60 કિમી લાંબો છે. જોકે સમુદ્રના વધતા સ્તર અને ઝલવાયુ પરિવર્તનને લીધે 537.5 કિમીનો દરિયાકાંઠાનું ધોવાણ થઈ રહ્યું છે. આ ધોવાણનું સ્તર દેશમાં સૌથી વધુ છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જના રાજ્યના મંત્રી અશ્વિનકુમાર ચૌબીએ રાજ્યસભાને જણાવ્યું હતું કે NCCRએ 1990થી 2018 સુધી દેશના 6632 કિમી લાંબા દરિયાકાંઠાનો અભ્યાસ કર્યો હતો, જેમાં 2318.31 અથવા 33.6 ટકા ભાગનું ધોવાણ થયું છે. ગુજરાતના દરિયાકાંઠાનમાંથી 27.6 ટકાનું ધોવાણ થઈ રહ્યું છે, પણ રાજ્યના દરિયાકાંઠો 512.3 કિમી સુધી સરકી રહ્યો હતો, એમ 2016નો એક રિપોર્ટ કહે છે. બે વર્ષમાં કપાયેલી જમીન 25 કિમીથી વધુ વધી ગઈ છે. રાજ્યસભાના 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે.

વળી, હાલમાં દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળી છે, પણ બીચનો દરિયાકાંઠો જોખમમાં છે. શિવરાજપુરનો સમુદ્ર તટ 32,692.74 સ્ક્વેર મીટર ધોવાણ હેઠળ છે અને 2396 સ્ક્વેર મીટરમાં કાંપનો વધારો થયો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી,  સુવાલી અને ડાભરી જેવા બીચ ગાયબ થવાને આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે કચ્છના માંડવી તટે પણ 20,471.44 સ્કવેર મીટર વિસ્તારમાં કાંપનો વધારો થયો છે. દેશમાં 33.6 ટકા દરિયાકાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાકાંઠામાં કાંપ, કીચડ અને કચરાના લીધે નુકસાન થઈ રહ્યું છે.

 

 

 

ઘાસની ગંજી ઉપરનો કૂતરો ના બનો

ઘાસની ગંજી ઉપરનો કૂતરો ના બનો

(૧) પોતાને કંઈ જ ઉપયોગી ન હોય એવી વસ્તુનું પણ સ્વામિત્વ પોતાના હાથમાં આવવાથી મગરૂર થઈ ગયેલો માણસ

(૨) પોતાને નિરુપયોગી વસ્તુ પણ બીજાને ઉપયોગમાં ન લેવા દે એવો અદેખો માણસ

કૂતરો ઘાસ ખાતો નથી. એને માટે ઘાસ જરાય ઉપયોગી નથી. આમ છતાંય ઘાસની ગંજી પર ચડીને બેઠેલો કૂતરો જો કોઈ ગાય કે ભેંસ જેવુ પ્રાણી ચાર ખાવા મોઢું નાખે તો એકદમ ભસીને એને રોકવા પ્રયત્ન કરે છે. અથવા એના ભસવાના કારણે માલિક સાવધાન થઈ જાય તો ગાય અથવા ભેંસ કે બીજા પ્રાણીને ભગાડી મૂકે છે. આ કારણથી શરૂઆતમાં લખેલ બાબત સાચી  પડે છે અને એના પરથી કહેવત પડી છે કે ઘાસની ગંજી ઉપરનો કૂતરો ના બનો.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)