Home Blog Page 2983

પંચાંગ 08/04/2023

GUની સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રંગેચંગે વાર્ષિકોત્સવ ઊજવાયો

 વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની સાયન્સ કોલેજ- મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ દ્વારા તાજેતરમાં વાર્ષિકોત્સવ-સિનર્જી 23ની ભારે રંગચંગ ઊજવવામાં આવ્યો હતો, જેમાં વિશેષ મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર (મેમ્બર-સેક્રેટરી) પ્રો. ડો. જયેન્દ્ર શાહ જાદવ તેમ જ લેખિકા, અનુવાદિકા અને પ્રા. ડો. દ્રષ્ટિ રઘુવીરભાઈ ચૌધરી-પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. યુનિવર્સિટીની સાયન્સ અને ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન પ્રો. એસ. એસ. પંચોલી તેમ જ સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડો. અમિત પરીખ સહિત અનેક વિદ્વાન પ્રાધ્યપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિનર્જી ઈવેન્ટના પ્રારંભે મહેસાણા અર્બન ઇન્સ્ટિ. ઓફ સાયન્સના પ્રિન્સિપાલ અને સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડો. અમિત પરીખે પ્રવચનમાં મહેમાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓના સ્વાગત બાદ કોલેજમાં વર્ષભર થયેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ- સંશોધન તેમ જ કલા, સાહિત્ય અને સ્પોર્ટ્સના ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલી વિવિધ સિદ્ધિઓને બિરદાવી હતી.

આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ (એલ્યુમ્ની સ્ટુડન્ટ્સ)નું પણ તેમણે સ્વાગત કર્યું હતું અને તેમની સિદ્ધિઓ બિરદાવી હતી. એક્ઝિ. ડીન પ્રો. ડો. એસ.એસ. પંચોલીએ પણ વિદ્યાર્થીઓને ઊજવાઈ રહેલા કલા મહોત્સવની જીવનમાં શી મહત્તા છે – એ સમજાવી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.

વિશેષ મહેમાન પ્રો. ડો. જયેન્દ્ર સિંહે વાર્ષિકોત્સવને બહુ યોગ્ય રીતે જ અપાયેલા નામ-સિનર્જીની વિવિધ અર્થછાયાઓ વિશે વિશદ્ છણાવટ કરી અને વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે જીવનમાં જે કંઈ કરો, એ શ્રેષ્ઠ કરો- પછી એ નૃત્ય હોય, ચિત્રકલા હોય કે એન્જિનિયરિંગ હોય કે વિજ્ઞાન, તમારી મનગમતી પ્રવૃત્તિ કરો અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો.

બીજા વિશેષ મહેમાન દ્રષ્ટિબહેન પટેલે તેમના વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો કરતાં કહ્યું હતું કે જીવનમાં ઊંચા આદર્શો-મૂલ્યોને જાળવીને જીવવું જોઈએ.

વર્ષમાં ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ-સંશોધનમાં, NSSમાં, સમાજસેવા ક્ષેત્રે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, સ્પોર્ટ્સમાં, યૂથ ફેસ્ટિવલમાં, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઇનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ ડાન્સ, મ્યુઝિક અને ડ્રામા જેવા અનેક પર્ફોર્મન્સ રજૂ કરીને સાંજને કલરફુલ બનાવી હતી.

 

 

માનસિક આરોગ્ય એ શારીરિક આરોગ્ય જેટલું જ મહત્ત્વ

ગાંઘીનગરઃ  શહેરમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સના યુનિટમાં આ સેશન યોજવામાં આવ્યું હતું. કેડિલાના જમ્મુ, ધોળકા, અંકલેશ્વર, કડી ને હીરપુરના એકમોના કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આ પરિસંવાદનો ઉદ્દેશ ટોચના થોટ લીડર્સ (વિચારકો)ને આ વિષયે સાંભળીને સ્વીકૃતિ અને આધ્યાત્મિકતા સાથે તંદુરસ્ત જીવન માટે કુદરતી સાથે રહીને જીવન જીવતા શીખવવાનો હતો.  

હરેકૃષ્ણ મુવમેન્ટના રસા પારાયણ પ્રભુએ આધ્યાત્મિકતા અંગે પોતાના વિચારો વ્યકત કરતાં જણાવ્યું હતું કે આપણે શારિરિક આરોગ્યની દરકાર  કરીએ  છીએ, પણ આપણા  માનસિક આરોગ્ય અંગે વિચારતા નથી. શારીરિક આરોગ્યનુ ધ્યાન રાખવું આવશ્યક છે, પણ આપણે મનુષ્યો આપણા શરીરના પ્રકાર,રંગ, અને કદ અંગે હજુ સંતુષ્ટ નથી. મોટા ભાગના લોકો શારીરિક અને માનસિક આરોગ્ય અંગે સ્થિરતા ધરાવે છે, પરંતુ આપણામાં આધ્યાત્મિકતા અંગે સ્થિરતા નથી. આપણે આપણા માનસ અને શરીર અંગે દરકાર કરીએ છીએ, પણ આત્મા અંગે દરકાર કરતા નથી.

માનસિક આરોગ્ય નિષ્ણાત ડો. સ્પંદન ઠાકેર માનસિક આરોગ્ય અને તેની આપણા સામાન્ય આરોગ્ય અંગે વાત કરતાં કહ્યું હતું કે દરેક વ્યક્તિ તાણનો અનુભવ કરે છે, પણ આપણે જ્યારે મનસિકતાની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં સૌથી પહેલી આવતી બાબત હતાશા છે. આપણને જ્યારે તાવ આવે છે ત્યારે આપણુ શરીર સંકેત આપે છે કે આપણે માંદા છીએ  આપણે જ્યારે તાણમાં હોઈએ છીએ ત્યારે આપણુ શરીર આપણને માનસિક બીમારીનો સંકેત આપે છે. આ પરિસંવાદમાં સામેલ થયેલા લોકોને તેમણે Worry, Hurry and Bury concept અપનાવવા જણાવ્યું હતું.

પર્યાવરણ નિષ્ણાત અને પ્રોજેકટ અમદાવાદ અને મંજલી મેટર્સનાં સ્થાપક અંજલી મહેતાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને કુદરતી વાતાવરણની આપણા આરોગ્યને થતી અસર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણા આરોગ્યમાં પર્યાવરણ  ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવે છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેની 95 ટકા અસર થતી હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની પાંચ ટકા અસર થાય છે. ટૂંકમાં કહીએ તો આપણને શ્વાસમાં સ્વચ્છ અને તાજી હવા લેવાની જરૂર છે. અમદાવાદ જેવા શહેરને મોટા હરિયાળા આવરણની જરૂર છે. આથી દરેક વ્યક્તિએ સાથે મળીને વૃક્ષોનુ વાવેતર કરવુ જોઈએ. આપણામાં વર્તણુકલક્ષી ફેરફારોની પણ જરૂર છે. કે જેથી આપણે  આપણા કચરાને આપણી જવાબદારી સમજવો જોઈએ.

મઢ વિસ્તારમાં આવેલો ગેરકાયદેસર ફિલ્મ સ્ટુડિયો જમીનદોસ્ત કરાયો

મુંબઈઃ અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં અરબી સમુદ્ર કાંઠા નજીક આવેલા મઢ ટાપુ વિસ્તારમાં ‘રામ સેતૂ’ અને ‘આદિપુરુષ’ ફિલ્મોનું જ્યાં શૂટિંગ કરવામાં આવ્યું હતું તેને મુંબઈ મહાનગરપાલિકાએ આજે તોડી પાડ્યો છે. આ ફિલ્મ સ્ટુડિયો ગેરકાયદેસર હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હરિત લવાદે મુંબઈ મહાપાલિકાને આ સ્ટુડિયો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

કહેવાય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાનો આદિત્ય ઠાકરે અને અસલમ શેખના આશીર્વાદથી તે ફિલ્મ સ્ટુડિયો બાંધવામાં આવ્યો હતો. ભાજપના આક્રમકમિજાજી નેતા કિરીટ સોમૈયાએ એવો આક્ષેપ કર્યો હતો કે મઢ વિસ્તારમાં અડધો ડઝન જેટલા ગેરકાયદેસર ફિલ્મ સ્ટુડિયો છે. આ સ્ટુડિયોના નિર્માણથી સીઆરઝેડ (કોસ્ટલ રેગ્યૂલેશન ઝોન) નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ મામલો રાષ્ટ્રીય હરિત લવાદ સમક્ષ રજૂ કરાયો હતો અને લવાદે આ સ્ટુડિયો સામે કાર્યવાહી કરવાનો મહાપાલિકાને આદેશ આપ્યો હતો. આજે તેનો અમલ કરીને તે સ્ટુડિયોને તોડી પાડવામાં આવ્યો. હવે આવા અન્ય સ્ટુડિયો પણ જમીનદોસ્ત કરાશે.

લોકતંત્ર નહીં, જાતિવાદ, વંશવાદનું રાજકારણ જોખમમાં: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારે કૌશાંબી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કૌશાબ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઉપ મુખ્ય મંત્રી બૃજેશ પાઠક અને ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા.

આ દરમ્યાન જનસભાને સંબોધિત કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દેશમાં પહેલાં ક્યારેય એવું નથી થયું છે, જ્યારે લોકસભાનું બજેટ સત્ર વગર એક પણ ચર્ચાથી પૂરું થઈ ગયું હોય. વિપક્ષના નેતાઓએ સંસદને ચાલવા નથી દીધી, કારણ એટલું જ છે રાહુલ ગાંધીને અયોગ્ય ઘોષિત જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એ કાયદો બનાવ્યો છે. કોંગ્રેસના નેતા મનમોહન સિંહ લાલુ પ્રસાદ યાદવને બચાવવા માટે કાયદો સુધારવા માગતા હતા, પણ રાહુલે તેમને અટકાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે સુરતની એક કોર્ટે તેમને સજા આપી હતી. અત્યાર સુધી 17 વિધાનસભ્ય અને સાંસદોની સદસ્યતા રદ કરવામાં આવી હતી, પણ કોંગ્રેસ નેતાઓએ કાળા કપડાં પહરીને દેખાવ કર્યો હતો અને સંસદીય કાર્યવાહી બંધ કરવામાં આવી હતી.  હું રાહુલ ગાંધીને કહેવા ઇચ્છું છું કે કાયદાનું પાલન કરવું દરેક નાગરિકનો ધર્મ હોય છે. તમે તો સાંસદ હતા. આ સજાને પડકાર આપી શકત. કોર્ટમાં લડતા, પણ તમે સંસદીય કાર્યવાહીની બલિ ચઢાવી દીધી.

 તેમણે કોંગ્રેસના આરોપ પર પલટવાર કહ્યું હતું કે તેઓ કહે છે કે લોકતંત્ર ખતરામાં છે, પણ લોકતંત્રનહીં તમારો પરિવાર ખતરામાં છે. પરિવારવાદી રાજકારણ ખતરામાં છે. તમારા પરિવારની ઓટોક્રસી જોખમમાં છે. તમે દેશને લોકતંત્રને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના ત્રણ માપદંડોથી ઘેરીને રાખ્યું છે. વડા પ્રધાન મોદીએ જાતિવાદને સમાપ્ત કર્યું છે.

 

 

પુત્રી માલતી સાથે પ્રિયંકા ચોપરાએ સિદ્ધિવિનાયકનાં દર્શન કર્યાં

મુંબઈઃ બોલીવૂડથી માંડીને હોલીવૂડ સુધી એક ખાસ જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલના સમયે પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી ચોપડા જોનસ સાથે મુંબઈમાં છે. માલતી સૌપ્રથમ વાર ભારત આવી છે, એવામાં પ્રિયંકા તેને સિદ્ધવિનાયક મંદિરમાં દર્શનાર્થે લઈ ગઈ હતી. તેની ઝલક સોશિયલ મિડિયા પર છવાઈ છે.  

પ્રિયંકાએ પુત્રી માલતીને ભારતના પ્રતિષ્ઠિત મંદિર સિદ્ધિવિનાયકના મંદિરમાં દર્શન કરાવ્યાં, જેના કેટલાક ફોટો અને વિડિયોઝ સોશિયલ મિડિયા પર ઘણા વાઇરલ થઈ રહ્યા છે.એ દરમ્યાન પ્રિયંકા ટ્રેડિશનલ સલવાર-કમીઝ અને દુપટ્ટામાં સુંદર લાગી રહી હતી. તેની પુત્રી માલતી વાઇટ ફ્રોકમાં ઘણી ક્યુટ દેખાતી હતી.

માલતી અમને તેમના પતિ-ગાયક નિક જોનાસ મુંબઈ પહોંચ્યા પછી પ્રિયંકાએ સ્ટાર-સ્ટડેડ NMACC ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેને અંબાણીએ હોસ્ટ કર્યો હતો.

AGBO સ્પાય સિરીઝ સિટાડેલના ગ્લોબલ પ્રારંભ પહેલાં પ્રિયંકાને એક નવો હોલિવૂડ પ્રોજેક્ટ મળ્યો હતો, જેમાં તે જોન સિના અને ઇદરિસ એલ્બાની સાથે ‘હેડ્સ ઓફ સ્ટેટ’માં સ્ક્રીન સ્પેસ શેર કરશે. તેમની વેબ સિરીઝ ‘સિટાડેલ’ છે-જેને રુસો બ્રધર્સને બનાવી છે. એક્શનથી ભરપૂર એ શો જાસૂસી એજન્સી ‘સિટાડેલ’ના બે વિશિષ્ટ એજન્ટો મેસન કેન (રિચાર્ડ મેડન) અને નાદિયા (પ્રિયંકા)ની આસપાસ ઘૂમે છે.  આ શો વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે વાર્તા સ્ટન્ટ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે. ‘સિટાડેલ’ 28 એપ્રિલે બહાર પડશે.

 

 

 

નડિયાદમાં સરદાર પટેલનું કાયમી પ્રદર્શન ખુલ્લું મુકાયું

નડિયાદઃ “સરદારનું પ્રદર્શન દર્શન માટે છે એમની છબીઓ જોવા માટે નહીં, પરંતુ પ્રેરણા લેવાનો રસ્તો છે. એમના વિચારોની તાકાત અને એકતાની ભાવનાને આગળ વધારવાની આપણાં સહુની ફરજ છે.” આ શબ્દો આજે પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલે નડિયાદમાં સરદાર સાહેબની શાળામાં સરદાર પટેલના જીવન કાર્યને રજૂ કરતાં કાયમી પ્રદર્શનને ખુલ્લું મૂકતાં કહ્યા હતા.

દોઢસો વર્ષ જૂની નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ હાઇસ્કૂલમાં સરદાર સાહેબએ S.S.C  ની ડિગ્રી મેળવી હતી. આ શાળામાં સરદારનું ઓરિજીનલ રજીસ્ટર (જી.આર) અને બેંચીસ (પાટલી) અસલ સ્વરૂપે જળવાઈ છે. એ ઉપરાંત સરદાર સાહેબના જીવન કાર્યને રજૂ કરતી દુર્લભ તસ્વીરોનું કાયમી પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે લંડન સ્થિત દાતા ઠાકોરભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી વિણાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે લાખો રૂપિયાની આર્થિક સહાયથી આ કાયમી પ્રદર્શનના નિર્માણમાં પાયાનો ફાળો આપ્યો છે. તેમનાં ટ્રસ્ટના ટ્રસ્ટી એડવોકેટ જૈમિનભાઈ મેહતાએ સરદાર સાહેબના “એક ભારત શ્રેસ્ઠ ભારત”ના જીવનકાર્યને યાદ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ સંબોધન કર્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.નિરંજનભાઈ પટેલે એસ.પી. યુનિવર્સિટી તરફથી સરદારની આ શાળાને દત્તક લેવાની જાહેરાત કરી હતી. જ્યારે દિનશા પટેલે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સરદાર સ્મારક તરફથી એક લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે સરદાર સાહિત્યના અભ્યાસુ, જાણીતા કૉલમ લેખક અને “ગ્રામ ગર્જના” પત્રના તંત્રી મણિલાલ પટેલે સરદાર સાહેબના જીવન કાર્યને રજૂ કરતું અભ્યાસ પૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યુ કે આજનું પ્રદર્શન એ પ્રેરણાનું સ્થાન છે. તેમણે સરદારે કરાંચીના અધિવેશનમાં નાતજાતના બંધનમાંથી મુક્ત થવાની કહેલી વાત અને કરમસદના અધિવેશનમાં કહેલી આખા દેશના પુત્ર તરીકેની વાત યાદ કરી હતી. સરદાર પટેલ યુનિવર્સિટી ચરોતરની અમુલ ડેરી,સોમનાથનું મંદિર….. આ બધા સરદારના સાચા સ્મારકો છે.

સંસ્થાના ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ સાક્ષર કુલિનચંદ્ર યાજ્ઞિકે અધ્યક્ષ પદેથી શાળા અને ટ્રસ્ટના ઐતિહાસિક વારસાને યાદ કરીને જણાવ્યુ હતું કે સરદાર સાહેબનું નામ આખા વિશ્વમાં તેમના જીવનકાર્યને કારણે જાણીતું છે. તેઓ સાચા રાજપુરુષની સાથેસાથે સાચા સમાજ પુરુષ પણ હતા.

 ‘ગુડ ફ્રાઇડે’ નિમિત્તે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી

અમદાવાદઃ ખ્રિસ્તી ધર્મમાં ‘ગુડ ફ્રાઇડે’નું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે ઇસાઈ ધર્મપ્રવર્તક પ્રભુ ઇસુ મસીહાએ માનવ કલ્યાણ માટે વધસ્તંભ પર લટકી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમને વધસ્તંભ પર લટકાવી યાતનાઓ આપી હતી. જેનાં દ્રશ્યો અમદાવાદની સેંટ ઝેવિયર્સ શાળામાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જમાલપુર રાયખડમાં આવેલી ચર્ચ પાસેથી ગુડ ફ્રાઇડે નિમિત્તે એક રેલી નીકળી હતી. શહેરના તમામ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી. 

આજના દિવસને ઇસાઈ અનુયાયી શોક દિવસ તરીકે મનાવે છે. આ દિવસે ઇસાઈ ધર્મને માનતા લોકો ચર્ચમાં જઈ પ્રભુને યાદ કરે છે. આજના દિવસે ઇશુ પ્રભુને ક્રોસ પર લટકાવાયા હતા.

ઇસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસોમાં પૂજા-સ્થળ ખાલી રહે છે. આ દિવસોમાં  પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે.

માનવામાં આવે છે કે ઈસુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ‘ગુડ ફ્રાઇડ’ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારએ ઇસુ મસીહા ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.

ઇસાઈ ધર્મ અનુસાર ઈસુ મસીહા પરમેશ્વરના પુત્ર હતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો, કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગ્રત કરી રહ્યા હતા. એ  સમયે કટ્ટરપંથીઓ  એમનો વિરોધ કરી રહ્યા હતા. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નરને ઇસુની ફરિયાદ કરી હતી. કટ્ટરપંથીઓને ભય હતો અને તેમણે તેમના વિરુદ્ધ આરોપ ઘડી નાખ્યો.. ઇસુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો.

જોકે પ્રભુ  ઇશુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી કે ઇશ્વર તેમને ક્ષમા કરે, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

સલમાને ખરીદી બુલેટ-પ્રૂફ કાર

મુંબઈઃ જાનથી મારી નાખવાની અનેક ધમકીઓ મળ્યા બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાને એક બુલેટ પ્રૂફ એસયૂવી કાર ખરીદી છે, જેમાં બેસીને તે આજકાલ ઘૂમી રહ્યો છે. હજી અમુક મહિનાઓ પહેલાં જ એણે આત્મરક્ષણ માટે બંદૂક લાઈસન્સ પણ મેળવ્યું હતું.

સરકાર તરફથી સલમાનને વાઈ-પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. તે છતાં સલમાન પોતાની સલામતીમાં કોઈ કચાશ રાખવા માગતો નથી અને એણે નિસ્સાન કંપનીની બુલેટ પ્રૂફ પેટ્રોલ એસયૂવી ખરીદી છે. આ કાર હજી બજારમાં લોન્ચ કરાઈ પણ નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન અને એના સંવાદલેખક પિતા સલીમ ખાનને માફિયા ડોન લોરેન્સ બિશ્નોઈ અને એની ગેંગ તરફથી છેલ્લા અમુક મહિનાઓથી અનેક વાર ધમકી આપવામાં આવી છે.

સલમાનની નવી ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાન આ મહિને ઈદના તહેવારમાં રિલીઝ થવાની છે. ત્યારબાદ આ વર્ષના દિવાળી તહેવાર વખતે એની ટાઈગર-3 ફિલ્મ રિલીઝ થશે.

‘લીડર ઇન મી’ કાર્યક્રમ અંતર્ગત 300 શિક્ષકોને ટ્રેનિંગ અપાઈ

અમદાવાદઃ એકવીસમી સદીમાં સફળ થવા માટે યુવાનોમાં લીડરશીપ સ્કિલ અને લાઇફ સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. હાલમાં યોજાયેલા ‘લીડર ઇન મી’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓના લગભગ ત્રણસો જેટલા શિક્ષકોને “વિદ્યાર્થીઓમાં લીડરશીપ સ્કિલ અને લાઇફ સ્કિલનો વિકાસ કેવી રીતે કરવો એ માટે કેટેલાઇઝર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. “એવરીવન ઇઝ અ લીડર”- એ ‘લીડર ઇન મી’ કાર્યક્રમનો મહામંત્ર છે. બેસ્ટ એજ્યુકેશન પોલિસીના હિમાયતી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત “બ્રુક જુડ” આ કાર્યક્રમના ટ્રેનર અને વક્તા હતા. ‘લીડર ઇન મી” પ્રોગ્રામ “સ્ટિફન કોવે”ની બેસ્ટ સેલર પુસ્તક, “ધ 7 હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલ” પર આધારિત છે, જેને કોવેએ સફળ લોકોમાં જોવા મળતી સાત કોમન હેબિટ તરીકે ઓળખી હતી.

આ કાર્યક્રમમાં બ્રુક જુડેએ આ સાત અસરકારક હેબિટ્સ- “બી પ્રોએક્ટિવ, બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, થિંક વિન વિન, સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અંડરસ્ટુડ, સિનર્ઝાઇઝ, શાર્પઇન સો” વગેરેને બાળકોના સર્વાંગી વિકાસના વ્યાપક અભિગમ તેમ જ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના ડેવલપમેન્ટ સાથે ભારપૂર્વક જોડી રજૂ કરી હતી.

આ સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું કે સક્રિય બનો, તમારા પોતાના જીવન અને કાર્યોની જવાબદારી લો. તકો તમારી પાસે આવે તેની રાહ ન જુઓ, તેને ઊભી કરો. અંતને ધ્યાનમાં રાખીને પ્રારંભ કરો: તમારા ધ્યેયો અને ઉદ્દેશોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરો અને એ માટે કામ કરો. તમે શું પ્રાપ્ત કરવા માંગો છો તેની કલ્પના કરો અને તે મુજબ કાર્ય કરો. તમારા સમયને પ્રાધાન્ય આપો અને સૌથી મહત્વપૂર્ણ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

આ કાર્યક્રમના અંતે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેનારા શિક્ષકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની ઘણી બધી અસરકારક ટેક્નિક્સ અને સ્કિલ્સ જાણવા અને શીખવા મળી.