Home Blog Page 2991

મીડિયાને લઈને સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર

સુપ્રીમ કોર્ટે બુધવારે કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી મીડિયા વનની અરજીને મંજૂરી આપી હતી જેણે ન્યૂઝ ચેનલનું લાઇસન્સ રદ કરવાના સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ચાર સપ્તાહની અંદર ચેનલને રિન્યુઅલ લાયસન્સ આપવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ સુધી નવીકરણ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન કોર્ટે પ્રેસની સ્વતંત્રતા પર મોટી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સમાજની કામગીરી માટે મુક્ત પ્રેસ મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મલયાલમ ન્યૂઝ ચેનલ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન ગંભીર ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મીડિયા માટે સ્વતંત્ર રહેવું જરૂરી છે અને સરકારની નીતિઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં. આ સાથે જ મીડિયાને સલાહ આપતા કોર્ટે કહ્યું કે સત્ય રજૂ કરવાની જવાબદારી પ્રેસની છે. લોકશાહી મજબૂત રહે તે માટે મીડિયાનું સ્વતંત્ર રહેવું જરૂરી છે. તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે તેઓ માત્ર સરકારનો પક્ષ લે.

મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી

કેન્દ્ર સરકારે મંત્રાલય દ્વારા સુરક્ષા મંજૂરીના અભાવને કારણે મલયાલમ ન્યૂઝ ચેનલના પ્રસારણ લાયસન્સનું નવીકરણ કરવાનો ઇનકાર કર્યો હતો જેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે સીલબંધ પરબીડિયામાં રિપોર્ટ દાખલ કરવો ન્યાય અને તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને હવામાં ટાંકી શકાય નહીં. તેની પાછળ નક્કર કારણો હોવા જોઈએ.

તપાસના અહેવાલ સામે સંપૂર્ણ મુક્તિનો દાવો નહીં

કોર્ટે કહ્યું કે સરકાર મીડિયાના તપાસ અહેવાલ સામે સંપૂર્ણ મુક્તિનો દાવો કરી શકે નહીં, જ્યારે આ પ્રકારના અહેવાલ લોકો અને સંસ્થાઓના અધિકારો સાથે સંબંધિત છે. લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ચેનલની અરજી પર વચગાળાનો ચુકાદો આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને ચાર સપ્તાહની અંદર લાઇસન્સ રિન્યુ કરવાનો આદેશ આપ્યો છે.

શહેરમાં કાર્તિક સ્વામી મંદિરમાંથી કાવડ યાત્રા કાઢવામાં આવી

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર વિસ્તારના શ્રી બાલાજી મુરુગન દેવસ્થાનમ સંચાલિત કાર્તિક સ્વામી મંદિરનો 57મો ઉતરીમ મહોત્સવ ઊજવવામાં આવ્યો. આ મહોત્સવના ભાગરૂપે એક વિશાળ કાવડ યાત્રા નીકળી હતી.

અમદાવાદ શહેરમાં અનેક સમાજના લોકો વર્ષોથી રહે છે. પોતાના તહેવાર, ઉત્સવો ધામધૂમથી ઊજવે છે. ખોખરા હાટકેશ્વર સહિત અમદાવાદના ઘણા વિસ્તારોમાં દક્ષિણ ભારતના લોકો વસે છે.

હાટકેશ્વર વિસ્તારના કાર્તિક સ્વામી મંદિરના ઉત્સવમાં દક્ષિણ ભારતના લોકો પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા હતા. આ કાવડ યાત્રામાં ભાવિક ભક્તો દૂધ અને જળ ભરેલા કુંભ, ખભા પર કાવડ લઈ મોરપીંછ સાથે સમગ્ર વિસ્તારમાં પ્રદક્ષિણા કરી જ્યાં સૌએ સ્વાગત કર્યું હતું.. કલરફૂલ કાવડ યાત્રાનો નજારો અદભુત લાગતો હતો..

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોલકાતા ટીમે ઐયરની જગ્યાએ જેસન રોયને કરારબદ્ધ કર્યો

કોલકાતાઃ આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે તેના ઈજાગ્રસ્ત રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ ઐયરની જગ્યાએ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને કરારબદ્ધ કર્યો છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકીબ અલ-હસન પણ આ વખતની સ્પર્ધામાંથી ખસી જતાં કોલકાતા ટીમે જેસન રોયને પસંદ કર્યો છે.

રોય ટીમ માટે 9 એપ્રિલની મેચથી ઉપલબ્ધ થશે. એ દિવસે કોલકાતા ટીમનો મુકાબલો ગુજરાત ટાઈટન્સ સામે થશે. બે વખત ચેમ્પિયન બનેલી કોલકાતા ટીમનો કેપ્ટન ઐયર પીઠની ઈજાને કારણે આખી આઈપીએલ-2023માં રમી શકવાનો નથી.

બીકોમ પેપર લીકઃ ભાવનગરની કોલેજના પ્રિન્સિપાલની ધરપકડ

ભાવનગરઃ ગુજરાત પોલીસે કથિત રીતે બીકોમ પેપર લીક મામલામાં ભાવનગરની એક કોલેજના પ્રભારી પ્રિન્સિપાલ અને અન્ય બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે. પોલીસે આ સંબંધમાં આરોપી પ્રિન્સિપાલ અને ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોની સામે FIR નોંધ્યો હતો. પોલીસે ગઈ કાલે પ્રિન્સિપાલની પૂછપરછ કરવા માટે અટકાયત કરી હતી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા પેપરલીક સંબંધમાં રવિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદની તપાસ દરમ્યાન પોલીસે જી. એલ. કાકડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ (GJKCCM)ના પ્રભારી પ્રિન્સિપાલ અમિત ગલાનીની પૂછપરછ કરવા માટે અટકાયતમાં લીધા હતા. પ્રિન્સિપાલની સાથે-સાથે GLKCCMના બે વિદ્યાર્થી- અજય લાડુમોર અને વિવેક મકવાણાની પણ ધરપકડ કરી છે.

નીલમ બાગ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. ડી. પરમારે જણાવ્યું હતું કે કોવિડ19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી અમે ઔપચારિક રૂપે મંગળવારે સાંજે છ કલાકે ત્રણેની ધરપકડ કરી લીધી છે. અમે તેમને મેજિસ્ટ્રેટની સામે હાજર કરીશું. MKBUના રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટની ફરિયાદને આધારે નોંધાવાયેલા FIRમાં GLKCCMની વિદ્યાર્થિની સૃષ્ટિને પણ આરોપી બનાવવામાં આવી છે. ચારે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406,409, 120B, 114 અને 34 અને સૂચના ટેક્નિકલ અધિનિયમની કમ 72 અને 72A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

FIR અનુસાર પ્રિન્સિપાલ અમિત ગલાનીએ બપોરે 3.30 કલાકે MKBU દ્વારા આયોજિત પરીક્ષા શરૂ થવાના કેટલાક કલાકો પહેલાં બીકોમના છઠ્ઠા સેમિસ્ટરના ફાઇનાન્સ અકાઉન્ટ XII ( મેનેજમેન્ટ અકાઉન્ટિંગ II)ના પ્રશ્નપત્રોનું એક પેકેટ ગેરકાયદે રીતે ખોલી દીદું હતું. ત્યાર બાદ તેણે મોબાઇલ ફોનથી પ્રશ્નપત્રનો ફોટો ખેંચીને સૃષ્ટિ બોરદાને આપ્યું હતું. બોરદાએ એ પેપર મકવાણાને ગલાનીના ફોનથી પ્રશ્નપત્રોનો ફોટો ક્લિક કરવા માટે કહ્યુ હતું. ત્યાર બાદ એ પેપર સોશિયલ મિડિયા પર વાઇરલ થયું હતું.

 

 

 

 

 

ભારત રામરાજ્ય તરફ આગળ વધી રહ્યું છેઃ સંરક્ષણપ્રધાન

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત રામરાજ્યની દિશામાં આગળ વધી રહ્યું છે અને સરકાર ખેડૂતો, મજૂરો, મહિલાઓ તથા યુવાઓના કલ્યાણ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. તેમણે એક પુસ્તક વિમોચન સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે સરકાર ભગવાન રામ દ્વારા બતાવવામાં આવેલા આદર્શોને માર્ગે ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થઈ રહ્યો છે આપણે ભગવાન રામ દ્વારા નિર્ધારિત આદર્શોને માર્ગે ચાલવા માટે સક્ષમ છે. અમે ખેડૂતો, મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને મહિલાઓના કલ્યાણ માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

સિંહ ભૂતપૂર્વ અધિકારી ધીરજ ભટનાગર દ્વારા રામચરિતમાનસના સરળ હિન્દી કાવ્યાનુવાદના વિમોચન સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું તમને અસમંજસમાં મૂકવા નથી ઇચ્છતો. હું એમ નહીં કહું કે અમે દેશમાં રામ રાજ્યનો પ્રારંભ કર્યો છે, પરંતુ એ દિશામાં આગળ વધી ચૂક્યા છીએ. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હેઠળ વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર બોલતું હતું, ત્યારે એને ગંભીરતાથી કોઈ નહોતું લેતું, પણ આજે ભારતનું કદ વધ્યું છે. ભારતનું સન્માન વધ્યું છે. આજે ભારત જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મંચો પર કંઈક કહે છે તો વિશ્વ એને સાંભળે છે. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે ભગવાન રામની જીવનગાથાએ સરકાર માટે એક માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.

 

 

 

કેરળ ટ્રેન અગ્નિકાંડ: આરોપી શાહરૂખ સૈફી રત્નાગિરીમાંથી પકડાયો

રત્નાગિરી (મહારાષ્ટ્ર): કેરળના કોઝીકોડ શહેર નજીક એક ટ્રેનમાં મગજના ફરેલ એક પ્રવાસીએ કેટલાક સહપ્રવાસીઓ પર પેટ્રોલ નાખીને આગ લગાડવાની બનેલી ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરી છે. કેરળ પોલીસની સ્પેશિયલ ટૂકડીએ મહારાષ્ટ્ર પોલીસના આતંકવાદ-વિરોધી દળના જવાનોની મદદથી સૈફીને રત્નાગિરી રેલવે સ્ટેશને પકડી લીધો છે. કહેવાય છે કે સૈફી ઉત્તર પ્રદેશના નોઈડાનો રહેવાસી છે.

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પાસે એ ભયાનક ઘટના બની હતી. શાહરૂખ સૈફ ગયા રવિવારે રાતે લગભગ દસ વાગ્યાના સુમારે અલપૂઝા-કન્નૂર એક્સપ્રેસના ડી-2 કોચમાં ઘૂસ્યો હતો. ટ્રેન કોઝીકોડ સ્ટેશનની નજીક હતી ત્યારે એણે ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો પર પેટ્રોલ નાખ્યું હતું અને એમને સળગાવ્યા હતા. પરિણામે ટ્રેનમાં મોટા પાયે નાસભાગ મચી ગઈ હતી. આગથી ગભરાઈને અમુક પ્રવાસીઓએ દોડતી ટ્રેનમાંથી છલાંગ મારી હતી. એમાં એક નાના બાળક અને બે નાગરિકનું મરણ નિપજ્યું હતું. ગુનો કરીને સૈફી ભાગી ગયો હતો. ત્યારબાદ પ્રવાસીઓએ કરેલા વર્ણનના આધારે પોલીસે હુમલાખોર આરોપીનું રેખાચિત્ર તૈયાર કર્યું હતું અને રિલીઝ કર્યું હતું. એને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગુનો કરતી વખતે આરોપી પોતે પણ આંશિક રીતે દાઝ્યો હતો. પોલીસે કહ્યું કે સૈફી સારવાર માટે હોસ્પિટલ શોધતો હતો. પોલીસને બાતમી મળતાં જ સતર્ક પોલીસીઓએ એને રત્નાગિરી રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ માટે મહારાષ્ટ્ર પોલીસ, રેલવે પોલીસ અને એનઆઈએ એજન્સીઓનો આભાર માન્યો છે.

ચીનને અમેરિકાનો જવાબઃ અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનના નાગરિક મામલોના મંત્રાલયના અરુણાચલ પ્રદેશની 11 જગ્યાઓનાં નામ બદલવા પર આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ ભારતને ટેકો આપતાં કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગના રૂપે માન્યતા આપે છે. અને ક્ષેત્રીય દાવાઓ હેઠળ સ્થાનિક વિસ્તારોનાં નામ બદલવા માટે કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરે છે. વાસ્તવમાં ચીન અરુણાચલ પ્રદેશના આ ક્ષેત્રને દક્ષિણી તિબ્બતનો હિસ્સો જણાવીને એના પર દાવો કરે છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કૈરિન જ્યાં પિયરેએ કહ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને લાંબા સમયથી ભારતનું અભિન્ન અંગ તરીકે માન્યતા આપતું રહ્યું છે. અમે વિસ્તારોના નામ બદલીને ક્ષેત્રીય દાવાઓને આગળ વધારવાના કોઈ પણ એકતરફી પ્રયાસનો આકરો વિરોધ કરીએ છીએ.

અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોનું ચીન દ્વારા પુનઃ નામકરણ કરવાની વચ્ચે ભારતે મંગળવારે કહ્યું હતું કે એ રાજ્ય ભારતનું અભિન્ન અને અતૂટ હિસ્સો છે અને મનઘડંત નામ રાખવાથી એ હકીકત નહીં બદલાઈ જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે એવી ન્યૂઝ જોયા છે. આવું પહેલી વાર નથી થયું. જ્યારે ચીને આવા પ્રયાસ કર્યા છે. અમે ચીનના પ્રસ્તાવને ફગાવીએ છીએ.

હાલમાં ચીને અરુણચલ પ્રદેશ માટે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોની ત્રીજી યાદી જારી કરી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશ માટે જારી કરવામાં આવેલી ભૌગોલિક નામોની એ ત્રીજી યાદી છે. અરુણાચલમાં છ સ્થળોના નામોની પહેલી યાદી 2017માં અને 15 સ્થળોની બીજી યાદી 2021માં જારી કરી હતી.

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળોના પુનઃ નામકરણ એવી સમયે આવ્યું છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં મે,2020માં બેને દેશોની વચ્ચે ઘર્ષણ હજી સુધી સમાપ્ત નથી થયું.

 

 

 

સાવરકરવિરોધી ટિપ્પણી માટે રાહુલ ગાંધી માફી માગેઃ ગડકરી

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હિન્દુત્વ વિચારક દિવંગત વી. ડી. સાવરકર પર તેમની ટીકાત્મક ટિપ્પણી માટે માફી માગવા કહ્યું હતું. કોઈને પણ તેમનું (સાવરકરનું) અપમાન કરવાનો અધિકાર નથી. તેમણે નાગપુરના શંકરનગરમાં સાવરકર ગૌરવ યાત્રા હેઠળ આયોજિત એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મહેસૂસ કરવું જોઈએ કે તેમને કંઈક ગેરસમજને કારણે સાવરકરનું અપમાન કર્યું છે.

ભાજપના નેતાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે મોટું દિલ બતાવવું જોઈએ અને પોતાના ગુના માટે માફી માગવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમણે સાવરકરનું અપમાન કરવાનો અધિકાર કોઈ આપ્યો?  કોઈ પણ સાવરકરનું અપમાન સહન નહીં કરે. તેમણે હળવા અંદાજમાં ગાંધીનો આભાર માટે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ યાત્રા દ્વારા દેશના યુવાઓને સાવરકરના જીવન અને સંદેશ વિશે જાણવાની તક આપી છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે સાવરકરની દયા અરજીનો મુદ્દો ઉઠાવીને સતત તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે હાલમાં લોકસભામાં તેમની અયોગ્યતા પછી કહ્યું હતું કે મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે અને ગાંધી કોઈનાથી માફી નથી માગતા. ભાજપ અને મહારાષ્ટ્રના મુક્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ હિન્દુત્વ વિચારકનું સન્માન કરવા અને તેમની સામે ગાંધીની ટીકાનો મુકાબલો કરવા માટે રાજ્યમાં સાવરકર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે.

 

 

 

ભીતરના અવકાશમાં

મનુષ્યની પૂર્ણ શક્તિઓ અમાપ છે તેને માપી શકાય નહી. મનુષ્યનો સ્વભાવ અને અણુની રચનામાં ઘણું સામ્ય છે. અણુના કેન્દ્રમાં હકારાત્મકતા (ઘન ભાર) છે. જ્યારે નકારાત્મક કણો પરિધિ માં હોય છે. તે જ રીતે માણસમાં રહેલી નકારાત્મકતા એ એનો મૂળ સ્વભાવ નથી એ નકારાત્મકતા ફક્ત બહારની જ હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિ કેન્દ્રિત હોય, પોતાના સ્વમાં સ્થિત હોય ત્યારે તે ખૂબ જ શાંત, સ્થિર અને ખુશહાલ હોય છે. હિંસા મનુષ્યનો સ્વભાવ નથી. પરંતુ તે દર્શાવે છે કે વ્યક્તિ મૂળ સ્વભાવ થી હટી ગઈ છે.

આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણને જે જ્ઞાન છે તે સાચું છે કે નહિ? અરે, 10000 વર્ષ પહેલા પણ લોકો જાણતા હતા કે ગુરુના ગ્રહને ૧૨ ઉપગ્રહો છે. તેઓ વ્યક્તિગત તરીકાઓ જેમ કે અંતઃસ્ફૂરણા, મનને શાંત કરવું અને એ દ્વારા જાણકારી હાંસલ કરવી. જ્યારે મન શાંત હોય ( એટલે કોઈ વ્યક્તિ સૂતી હોય છતાં પણ સજગ હોય) ત્યારે મનમાં હેતુ ઉદ્દભવે છે અને તેની સાથે અંતઃસ્ફૂરણા, જ્ઞાન તેમજ પ્રેરણા ઉદ્દભવે છે.આજ માર્ગને અપનાવીને પ્રાચીન કાળથી મનુષ્યએ બ્રહ્માંડનું જ્ઞાન હાંસિલ કર્યું હતું. અને તેની સાથે ગાણિતિક તકનિક પણ વિકસાવી જે આજે પણ ખૂબ જ પ્રચલિત છે.

પ્રાચીન કાળથી ચાલી આવતા પંચાંગમાં ગ્રહણ ક્યારે થશે તેની સ્પષ્ટ માહિતી મળે છે. આમ જ્યોતિષ વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનનો આજ રીતે ઉદ્દભવ થયો હતો.પ્રાચીન કાળથી માણસ જાણતો હતોકે સૂર્ય, સૂર્યમાળાના કેન્દ્રમાં છે અને બાકીના ગ્રહો તેની ચારે બાજુ ફરતા છે જે અંતઃ સ્ફુરણા થી જાણતો હતો. તે જ રીતે મનુષ્ય એ પણ જાણતો હતો કે તેના શરીરનો પ્રત્યેક કોષ જીવંત છે અને મન શાંત છે. આ અવસ્થા એ સમાધિ અવસ્થા છે.

આપણે પણ વર્ષ માં બે ત્રણ દિવસ મૌનમાં રહીને આપણા વિચારો,લાગણીઓનું અવલોકન કરીશું તો સમજાશે કે મૌન શું છે? વિચારોની માયાજાળ થી મુક્તિ એ અંતઃ સ્ફુરણાના પાયામાં છે અને અંતઃ સ્ફુરણા એ નવા આવિષ્કારનો જ ભાગ છે.

આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં ઘણા બધા વિચારો અને ઉત્તેજનાઓ ઉભરાતા હોય છે પરંતુ તેના પર ધ્યાન કે અવરોધ હોતો નથી. આજે બાળકોમાં ધ્યાનની ઉણપ સિંડ્રોમની સમસ્યા ખૂબ જ વર્તાય છે અને માટે જ વસ્તુ કે પરિસ્થિતિને ખાળવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. જ્યારે તમે શાંત હોવ છો ત્યારે તમારી બુદ્ધિમત્તા ગુમાવતા નથી પરંતુ તેથી વિપરિત તમારી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને ધ્યાનનો વ્યાપ વધે છે. ધ્યાન અથવા એવી જ કોઈ આત્મવિકાસ લક્ષી પ્રક્રિયા ધારણા ધારણ કરવાની ક્ષમતા વધારે છે અને તેના પરિણામ સ્વરુપ આપની અભિવ્યક્તિને વધારે નિખારે છે. એક અભિગમ તનાવ થી મુક્ત થવાનો છે અને બીજો અભિગમ એ છે કે તનાવનો પ્રવેશ જ ન થાય. આ બીજા અભિગમ માટે આપણે આપણી આસપાસ ઘટતી ઘટનાઓ પ્રતિ આપણી અભિવ્યક્તિમાં પરિવર્તન લાવવું જરુરી છે.

આપણે ગરમી કે દાહકતાને હસતા હસતા સહન કરીએ. એક આરામદાયક અભિગમ અપનાવીએ અને તે પણ ખૂબ જ આત્મવિશ્વાસ પૂર્વક. વ્યક્તિએ મનને એવું કેળવવું જોઈએ કે તનાવ આપણા મનમાં પ્રવેશી શકે જ નહિ. પરંતુ તનાવ હોય જ નહિ તે શક્ય જ નથી. કંઈ પણ રીતે તનાવ થઈ શકે છે પણ તે તનાવને ખાળતા શીખવું જોઈએ. તમે જો સહજતાથી તમારી આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિનો સામનો કરો છો તો મારા મતે તમારી શક્તિનો પૂર્ણ પણે ઉપયોગ થયો ગણાશે. જ્યારે તમારામાં પૂર્ણ શક્તિ વ્યાપ્ત હોય છે ત્યારે કંઈ પણ તમને વિચલિત કરી શક્તુ નથી અને એ જ તમારા મુખ પર સ્મિત અને આત્મવિશ્વાસ આણે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કોરાનાના 4431 નવા કેસો, 11નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 4431 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 11 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,33,719 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,916 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,79,712 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2508 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 23,091એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,31,086 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.21 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,16,373 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1979 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.