ગાંધીનગર: ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે. આ સમયગાળા દરમિયાન અહીં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા આયોજિત સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે. આ મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે.
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પ્રથમ વખત એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. 80થી વધુ કલાકારો તેમની શાસ્ત્રીય અને લોક પરંપરાઓ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કરશે.
આ વર્ષે રેઈન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે. મોનસૂન ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા પ્રખ્યાત ગુજરાતી કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બૅન્ડ પણ ખાસ પર્ફોર્મન્સ રજૂ કરશે. પ્રવાસીઓને સમગ્ર સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે, તો સન્ડે સાઇક્લોથોન, દહીં હાંડી સ્પર્ધા સાથે જન્માષ્ટમીની ઉજવણી અને સ્વતંત્રતા દિવસે આયોજિત મિનિ મૅરથોન વગેરે કાર્યક્રમો સાંસ્કૃતિક અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.
સાપુતારા આવતા પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. આ વખતે ફેસ્ટિવલ અંતર્ગત સાપુતારા મેઈન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે સ્થાનિક કલાકારો દ્વારા દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તો મેઈન ડોમ ઇવેન્ટ્સ એરિયામાં ટ્રાઇબલ ફૂડ ફેસ્ટિવલ, ટ્રાઇબલ ટેટૂ વર્કશોપ, ટ્રાઇબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ, વરલી પેઇન્ટિંગ વર્કશોપ, લોક સંગીત, મૅજિક શૉ વગેરે પ્રવૃત્તિઓ પ્રવાસીઓનો અનુભવ યાદગાર બનાવશે.
ફેસ્ટિવલની ફળશ્રુતિરૂપે ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. 2022માં સાપુતારા આવનારા લોકોની સંખ્યા 8.16 લાખ હતી, જે 2023 અને 2024માં અનુક્રમે 11.13 લાખ અને 11.67 લાખ નોંધાઈ હતી. ડાંગ જિલ્લામાં આવનારા પ્રવાસીઓની વાત કરીએ, તો 2022માં 10.40 લાખ, 2023માં 22.40 લાખ અને 2024માં 26.91 લાખ જેટલા લોકોએ જિલ્લાની મુલાકાત લીધી હતી.