ગંગટોકઃ સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS) અને સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી (SPU)-ગંગટોકના વિદ્યાર્થીઓ દ્વારા જેનેરિક દવાઓ વિશે જાગરુકતા ફેલાવવા માટે ‘સૌથી નાની માનવ કેપ્સ્યૂલ’ બનાવવાનો રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવીને કર્યો છે. સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીની સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS)ના કુલ 70 વિદ્યાર્થીઓએ નવ ડિસેમ્બર, 2022એ કેમ્પસમાં જેનેરિક દવાઓ વિશે જાગરુકતા ફેલાવવા માટે એક નાની માનવ કેપ્સ્યૂલ બનાવી હતી.
એશિયા બુક ઓફ રેકોર્ડસે ત્રીજી જાન્યુઆરી, 2023એ આ રેકોર્ડની પુષ્ટિ કરી હતી અને 23-3-2023એ સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS), સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી (SPU)ના એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધી રેકોર્ડ નોંધ્યો હતો.
સિક્કિમ પ્રોફેશનલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS), સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી (SPU)ની આ સફળતા માટે કુલ સચિવ પ્રોફેસર રમેશકુમાર રાવત, સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીની વિવિધ કોલેજોના બધા શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટી કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ (SPCOPS)ના બધા વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીના સભ્યોને આ સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક અફઘાન-અમેરિકન ધારાસભ્યએ જાતિ-આધારિત ભેદભાવ રાખવાની વૃત્તિને ગેરકાયદેસર જાહેર કરવા માટેનો એક પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો છે. જો એ પાસ થઈ જશે તો જાતિ-આધારિત ભેદભાવને ગેરકાયદેસર બનાવનાર અમેરિકાનું પહેલું રાજ્ય બનશે.
આ ખરડો ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર આઈશા વહાબે તૈયાર કર્યો છે અને રજૂ કર્યો છે. એમણે તેમાં એવું સૂચન કર્યું છે કે કેલિફોર્નિયામાં અમલમાં મૂકાયેલા ભેદભાવ-વિરોધી કાયદાઓમાં કોઈ વ્યક્તિના લિંગ, વંશ અને વિકલાંગતાની સાથે જાતિનો પણ સંરક્ષિત શ્રેણી તરીકે ઉમેરો કરવો જોઈએ. ગયા મહિને સીએટલ શહેરમાં સ્થાનિક પરિષદે મૌખિક મતદાન દ્વારા જાતિ-આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો. આવું કરનાર સીએટલ અમેરિકાનું પ્રથમ શહેર બન્યું છે.
ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે અને છેલ્લીમાં 21 રને હાર્યા પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ હારનું ઠીકરું સામૂહિક નિષ્ફળતાને આપ્યું છે. રોહિત શર્માએ ટીમની બેટિંગને જવાબદાર ઠેરવી છે, જેથી ટીમે ત્રણ મેચોની શૃંખલા 1-2થી ગુમાવી છે. રોહિતે મેચ પછી કહ્યું હતું કે મને નથી લાગતું કે લક્ષ્ય બહુ મોટું હતું.વિકેટ બીજી ઇનિંગ્સમાં થોડી પડકારજનક હતી, પણ મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી હતી. ભાગીદારી મહત્ત્વની હોય છે અને અમે એ બનાવવામાં અસફળ રહ્યા હતા.
તેણે કહ્યું હતું કે અમે જે રીતે આઉટ થયા છે, તે નિરાશાજનક રહ્યું હતું. અને આવી જ વિકેટ પર રમતા મોટા થયા છીએ. તેણે કહ્યું હતું કે મહત્ત્વનું એ હતું કે એક બેટ્સમેન અંત સુધી રમતો રહે, પણ અમે બધા સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે જાન્યુઆરીથી નવ વનડે રમી હતી. અમે એમાંથી ઘણી સકારાત્મક બાબતો લઈ શકીએ છીએ. એ સંપૂર્ણ ટીમની હાર છે.
એડમ જમ્પાએ 45 રન આપીને ચાર વિકેટ લઈને સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મને અહીં સફળતા મળી છે. અહીં રમવું મોટો પડકાર છે, એમ તેણે કહ્યું હતું. એશટન એગરે મેચનું પાસું પલટી કાઢ્યું હતું. મિચેલ માર્શને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો, જેણે ત્રણ મેચોમાં 194 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ રેલવેએ AC-3 ઇકોનોમી ક્લાસનું ભાડું સસ્તું કરી દીધું છે. એ સાથે બેડિંગ રોલની વ્યવસ્થા પહેલાંની જેમ લાગુ રહેશે. હવે AC-3 ઇકોનોમી કોચમાં પ્રવાસ કરવું ફરીથી સસ્તું કરી દેવામાં આવ્યું છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા સર્કયુલર મુજબ જૂની વ્યવસ્થાને ફરીથી સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
પહેલાંના એક સર્ક્યુલર જેમાં AC-3 ટિયર ઇકોનોમી ક્લાસની ટિકિટની કિંમત AC 3-ટિયર ટિકિટની કિંમતના બરાબર નિર્ધારિત કરવામાં આવી હતી. જે પ્રારંભમાં ઇકોનોમી એરકન્ડિશન્ડ ક્લાસમાં ઓફર કરવામાં નહોતી આવી, પણ મર્જરને કારણે નક્કી કરવામાં આવી હતી.
આ આદેશ મુજબ જે યાત્રીઓએ ઓનલાઇન અને કાઉન્ટરથી ટિકિટ બુક કરાવી છે, તેમને પહેલેથી ટિકિટ માટે વધારાની રકમ રિફન્ડ કરવામાં આવશે. રેલવેએ સપ્ટેમ્બર, 2021માં 3Eને એક શ્રેણીમાં રજૂ કરવાની ઘોષણા કરી હતી. બુધવારથી એ નિર્ણય લાગુ થયો છે, એમ રેલવે અધિકારીઓએ કહ્યું હતું.
નવા આદેશ મુજબ ઈકોનોમી ક્લાસ સીટનું એ ભાડું સામાન્ય ACથી ઓછું છે. ગયા વર્ષે રેલવે બોર્ડે એક સર્ક્યુલર જારી કર્યો હતો, એમાં AC-3 ઇકોનોમી કોચ અને AC-3 કોચનું ભાડું બરાબર કરી દીધું છે. નવા સર્ક્યુલર મુજબ ભાડું ઓછું થતાંની સાથે ઇકોનોમી કોચમાં પહેલાંની જેમ કાંબળો અને આદર આપવાની વ્યવસ્થા લાગુ રહેશે.
આવતા અઠવાડિયે (30 માર્ચ, 2023) રામનવમી છે અને આ જ દિવસે રામજન્મભૂમિ અયોધ્યા પાસે આવેલા એક નાનકડા ગામ, છપૈયા ગામમાં ૩ એપ્રિલ, ૧૭૮૧ની રાત્રિએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. આથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો રામનવમીને સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઊજવે છે. ભગવાન સ્વામિનારાયણે ૧૮૦૬ની સાલમાં પોતાના ભક્તોને એક પત્ર લખીને જણાવેલું કે ‘ભગવાન સિવાય કોઈ પણ, કોઈને મા૨વા, જિવાડવા કે દુઃખ દેવા સમર્થ નથી. જો ટુચકાવાળાનું ચાલતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? એક ટુચકાવાળાને જ ન રાખે? માટે નિર્ભય રહી ભગવાનને સર્વ કર્તાહર્તા સમજી ભજન કરજો.’
ટુચકો એટલે આમ તો રસ પડે એવો નાનકડો વાર્તાપ્રસંગ કે ઍનેક્ડૉટ એવો થાય છે, પણ એનો બીજો અર્થ થાય છેઃ મંતરજંતરનો પ્રયોગ. સ્વામિનારાયણ ભગવાન ભક્તોને એ કહેવા માગતા હતા કે સાચી શ્રદ્ધા આ જ છે. તમામ ધર્મોનો પણ આ જ મત છે કે કોઈ વાતે ગભરાવું નહીં અને એક ભગવાનમાં શ્રદ્ધા દઢ કરવી.
કમનસીબે આજે માનવી જેટલો પ્રગતિશીલ થતો જાય છે એટલો જ વહેમની દુનિયામાં વધુ ને વધુ અટવાતો જાય છે. દરરોજ આવા કોઈ ને કોઈ કિસ્સા જોવા-સાંભળવા-વાંચવા મળે છે.
વહેમની એક અલગ દુનિયા છે. જો કે વહેમમાં પડવું જેટલું સહેલું છે તેટલું વહેમને સમજવું અઘરું છે કેમ કે વહેમની જુદી જુદી ભાષા, પરિભાષા પ્રચલિત છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએઃ ‘જોજે, તું એ વહેમમાં ન રહેતો…’ આ વાક્યમાં ધમકીની તીવ્રતા વરતાય છે. કોઈ વળી એમ કહે છે કે ‘આને તો ફ્લાણા ફિલ્મસ્ટારનો વહેમ છે.’ અર્થાત્ એ વ્યક્તિની કોઈ સેલિબ્રિટીની કૉપી કરવાની ઈચ્છા જણાવે છે.
ભગવદ્ ગોમંડલ અને અન્ય કોશો વહેમને અંધશ્રદ્ધા, કુશંકા અને ભ્રમણા રૂપે સમજાવે છે. કાલાંતરે વિજ્ઞાનની સીમાથી બહાર અનેક મનઘડંત રિવાજો વ્યાપક બન્યા, જેમાંથી અતિ વિકસિત અને સમૃદ્ધ દેશો પણ બાકાત નથી. જેમ કે અમેરિકામાં લોકો ૧૩નો અંક અપશુકનિયાળ ગણે છે. કેટલીય ઍરલાઈન્સમાં ૧૩ નંબરની સીટ જોવા ન મળે. જાપાનમાં ૪નો અંક અપશુકનિયાળ ગણાય છે. ભારતની વાત નિરાળી છે. અહીં બિલાડી સામે આવે તો રસ્તો બદલી દેવામાં આવે છે. ઘરેથી બહાર નીકળતાં છીંક આવે તો બહાર જવાનું પણ ટાળી દેવામાં આવે છે. નવી ગાડી કે ઘર લેવામાં આવે ત્યારે નજર ના લાગે તે માટે લીંબુ અને મરચાં લટકાવતાં હોય છે. કોઈ વળી ઘરની બારસાખ પર ઘોડાની નાળ કે મંત્રેલાં ઢીંગલા-ઢીંગલી લટકાવતાં હોય છે. કુંડાળામાં પગ પડી ગયો, ડાબો પગ પહેલાં બહાર મૂકવાથી દુ:ખ આવ્યું જેવા અનેક વહેમ આપણને મનથી અસ્થિર અને ભૌતિક દૃષ્ટિએ કંગાળ બનાવે છે.
આવી શુકન-અપશુકન કે છીંક-બિલાડી જેવી ખીંટીઓ પર પોતાનાં જીવન ટિંગાડતાં રહીને હજારો લોકોએ લાખો તકો ગુમાવી છે, લાખો લોકોએ કરોડો કલાકો આવી રીતે વહેમના કારાગૃહમાં વિતાવી દીધા છે. અને વહેમને જ્યારે શ્રદ્ધા અને અધ્યાત્મના આવરણ નીચે ખીલવવામાં આવે ત્યારે વધુ દુ:ખ થાય. આ બાબત બે રીતે ઘાતક છે. એક તો ધર્મની ધજા નીચે ચાલતી વહેમની વિધિમાં ગરીબ માણસો પણ લાખો રૂપિયાનો ધુમાડો કરતા અચકાતા નથી અને બીજું, નવી પેઢીમાંથી આધ્યાત્મિક શ્રદ્ધાની નનામી ઊઠી જાય છે.
ખરેખર, અહીં વહેમ શ્રદ્ધાની ભૂમિમાંથી જીવનરસ લઈને અંધશ્રદ્ધાનાં ફૂલ ખીલવે છે. પરિણામે તે વધુ જડ બને છે. વળી, આપણે ત્યાં જેટલા લાગણીશીલ અને પ્રેમી માણસો છે તેવા બીજે મળવા મુશ્કેલ છે, પરંતુ યાદ રાખીએ કે લાગણીશીલ ઉપજાઉ હૃદય-ધરતી ઉપર વહેમનો વિપુલ પાક ફળતાં વાર નથી લાગતી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
સુરતઃ લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકવાળા નિવેદનને લઈને માનહાનિના એક કેસમાં રાજ્યની સુરત સેશન્સ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. તેમને આ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેમને રૂ. 1000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે તેમને આ જ કોર્ટમાંથી રૂ. 10,000માં જામીન મળી ગયા છે. જોકે તેમની આ સજા પર કોર્ટે 30 દિવસનો સ્ટે લગાવ્યો છે. જેથી તેઓ ઉપલી કોર્ટમાં જઈ શકે.
રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયાએ કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોર્ટે કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું એલાન કર્યું હતું. જોકે તેમને સંભળાવાયેલી સજા પર 30 દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે, અને કોર્ટે તેમને જામીન આપી દીધા છે. કોંગ્રેસ દ્વારા નીચલી કોર્ટના ફેસલાને ઉપલી કોર્ટમાં પડકારવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.
કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં કોઈ ઇરાદાપૂર્વક નિવેદન આપ્યું નથી. મારો ઇરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. કોઈને અપમાનિત કરવાનો મારો હેતુ ન હતો. હું નામદાર કોર્ટના ચુકાદાને આવકારું છું.
રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ચૂંટણી સભામાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં સુરતની કોર્ટે આજે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 504 મુજબ સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું હતું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જોકે અમને પૂર્ણ ભરોસો છે કે હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. ફરિયાદી પક્ષ વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે કાયદાના ઘડનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને માફ કરી શકાય નહીં. જેથી તેમને સજા થાય એ માટેની દલીલ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1300 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,99,418 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,30,816 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,60,997 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 718 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7605એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 89,078 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.
દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,28,710 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 7530 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ ઈન્ડિગો એરલાઈનની દુબઈ-મુંબઈ ફ્લાઈટમાં દારૂ પીને ગેરવર્તન કરનાર બે પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. એ બંને પ્રવાસીએ શરાબ પીધા બાદ ક્રૂ સભ્યો અને સહ-પ્રવાસીઓને ગાળો દઈને ગેરવર્તન કર્યું હતું. ફ્લાઈટ મુંબઈ આવી પહોંચ્યા બાદ એ બંને જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એ બંનેને સ્થાનિક કોર્ટમાં ઊભા કર્યા હતા. કોર્ટે એમને જામીન પર છોડ્યા છે.
એક પ્રવાસી મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારા ઉપનગરનો વતની છે જ્યારે બીજો મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરનો છે. તેઓ અખાતના દેશોમાં એક વર્ષ સુધી કામ કર્યા બાદ ભારત પાછા ફર્યા છે. એની ખુશીમાં એમણે એક ડ્યૂટી-ફ્રી શોપમાંથી ખરીદેલો શરાબ પીધો હતો. જ્યારે સહ-પ્રવાસીઓએ વાંધો ઉઠાવ્યો ત્યારે એ બંનેએ હંગામો મચાવી દીધો હતો. સહ-પ્રવાસીઓ સાથે ઝઘડો કર્યો હતો. ક્રૂ સભ્યો વચમાં પડ્યા તો એમને પણ ગાળો દીધી હતી. બેમાંના એક આરોપીએ વિમાનના આઈલ પર ચાલતા ચાલતા દારૂ પીધે રાખ્યો હતો. ક્રૂ સભ્યોએ એમની બોટલો જપ્ત કરી હતી.
આ બંને જણ સામે ભારતીય પીનલ કોડની કલમ 336 (અન્ય લોકોના જાન અને સલામતીને જોખમમાં મૂકવા) તેમજ એરક્રાફ્ટ રુલ્સની 21,22 અને 25મી કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ફ્લાઈટ સફરમાં હોય ત્યારે દારૂ ઢીંચીને બેકાબૂ બની ગેરવર્તન કરવાનો આ વર્ષમાં આ સાતમો કિસ્સો છે.
નવી દિલ્હીઃ વિશ્વ બેન્કનું નેતૃત્ત્વ કરવા માટે અમેરિકાએ જાહેર કરેલા ઉમેદવાર અજય બંગા હાલ માતૃભૂમિના પ્રવાસે આવ્યા છે. માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ અને ભારતીય મૂળના બંગા પોતાને માટે સમર્થન મેળવવા તેમજ દાતા તથા ધિરાણ લેનાર દેશો સાથે આર્થિક વિકાસ અને પર્યાવરણને લગતી જરૂરિયાતોના મુદ્દાઓ પર ચર્ચા કરવા ત્રણ-અઠવાડિયાના વિશ્વ પ્રવાસે નીકળ્યા છે. 23 અને 24 માર્ચે તેઓ નવી દિલ્હીમાં રહેશે.
બે દિવસના ભારત-રોકાણ દરમિયાન બંગા નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તે ઉપરાંત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સાથે પણ મુલાકાત કરશે.