Home Blog Page 3031

ભારતની બ્રિટન સાથે જેવા સાથે તેવાની નીતિ

નવી દિલ્હીઃ દિલ્હીમાં બ્રિટિશ એમ્બેસીની બહાર તહેનાત સુરક્ષાને ઓછી કરી દેવામાં આવી છે. બુધવારે બે રાજાજી માર્ગ સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સ દૂર કરી દેવામાં આવ્યા છે. બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કમિશનરની સામે બેરિકેડ્સ- સિમેન્ટ બ્લોક લગાવવામાં આવ્યા હતા, જેને દૂર કરી દેવામાં આવ્યા . આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઇ કમિશનરમાં સુરક્ષાના ઘટાડાના રૂપે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય કમિશનરના પ્રાંગણની બહાર કોઈ સ્પષ્ટ સુરક્ષા નથી. રવિવારે અહીં ખાલિસ્તાની સમર્થક સૂત્રોચ્ચાર કરવાવાળા લોકોના એક ગ્રુપે ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરી હતી.

એને લઈને ભારત સરકારે બ્રિટિશ હાઇ કમિશનરના વરિષ્ઠ અધિકારીને બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે ભારતી હાઈ કમિશનરની બહાર સુરક્ષાની કમીને લઈને બ્રિટિશ અધિકારી પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું અને પૂછ્યું હતું કે આવાં તત્ત્વોને ઓફિસમાં કેવી રીતે પ્રવેશ કર્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમને (ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટ)ને વિયેના કન્વેશનના હેઠળ યુકે સરકારને પાયાની જવાબદારીના સંબંધો યાદ કરાવવામાં આવ્યા.દિલ્હી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ વડા મથકના નિર્દેશ પછી ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઇ કમિશન અને બ્રિટિશ કમિશનરના નિવાસસ્થાનની બહાર આશરે 12 બેરિકેડ દૂર કરી દેવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2013માં દિલ્હીમાં અમેરિકી દૂતાવાસની સાથે પણ એવું થયું હતું. ભારતીય એમ્બેસેડર દેવયાની ખોબરાગડેને ભારતીય ઘરેલુ કામદારના કથિત શોષણથી સંબંધિત વિસા છેતરપિંડીના આરોપના મામલે ન્યુ યોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કર્યા પછી ભારત સરકારે દિલ્હીમાં અમેરિકી એમ્બેસીની બહાર સુરક્ષા ઘટાડવામાં આવી હતી.

 

 

 

 

માર્ચ પૂરો થાય ત્યાં સુધી બેન્કોમાં રજા નહીં: રવિવારે પણ કામ ચાલુ રહેશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે આવતી 31 માર્ચ સુધી દેશમાં તમામ બેન્ક ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. મતલબ કે 31 માર્ચ સુધી બેન્કોની તમામ શાખાઓ ખુલ્લી રહેશે. રવિવારે પણ ખાતેદારો, ગ્રાહકો બેન્કોને લગતા કામ કરાવી શકશે. 31 માર્ચ પછી સતત બે દિવસ સુધી (એપ્રિલ 1 અને એપ્રિલ 2ના રોજ) બેન્કોમાં કામકાજ નહીં થાય.

આરબીઆઈએ તમામ બેન્કોને મોકલેલા આદેશમાં જણાવ્યું છે કે 31 માર્ચે નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થશે. તેથી સરકાર સાથે સંકળાયેલા તમામ વ્યવહારો-સોદાઓ આ તારીખ સુધીમાં સેટલ થઈ જવા જોઈએ. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમ અંતર્ગત થનારા ટ્રાન્ઝેક્શન્સ 31 માર્ચે રાતે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. સરકારી ચેકના કલેક્શન માટે સ્પેશિયલ ક્લિયરિંગ કંડક્ટ કરાવાશે. એ માટે ડિપાર્ટમેન્ટ ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (ડીપીએસએસ) જરૂરી સૂચના બહાર પાડશે.

પંજાબ પોલીસ અમૃતપાલના ઘરે પહોંચી, માતા-પિતાની દોઢ કલાક કરી પૂછપરછ

પંજાબ પોલીસે બુધવારે બપોરે ‘વારિસ પંજાબ દે’ના વડા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના માતા-પિતાની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમ બપોરે લગભગ 1 વાગ્યે જલ્લુપુર ખેડા ગામમાં અમૃતપાલ સિંહના ઘરે પહોંચી હતી અને લગભગ દોઢ કલાક પછી ત્યાંથી પરત આવી હતી. પોલીસે અમૃતપાલ વિશે પૂછ્યું. પરંતુ પિતા તરસેમ સિંહ અને માતાએ કહ્યું કે તેમને પુત્ર વિશે કોઈ માહિતી નથી. આ પોલીસ ટીમમાં સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ સામેલ હોવાના અહેવાલ હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. અમૃતપાલ સિંહના ઘરની બહાર પોલીસની ટીમ તૈનાત છે.

અત્યાર સુધીમાં 154 લોકોની ધરપકડ

પાંચ દિવસ પછી પણ પંજાબ પોલીસ અમૃતપાલને પકડી શકી નથી. આ કેસમાં અત્યાર સુધીમાં સમગ્ર પંજાબમાંથી 154 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, પાંચ લોકોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ સહિત છ લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અમૃતપાલના કાકાનું નામ પણ સામેલ છે. પંજાબ પોલીસે મંગળવારે રાત્રે અમૃતપાલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સતત પોતાનો દેખાવ બદલી રહ્યો છે. આ જ કારણ છે કે પંજાબ પોલીસે તેની કેટલીક તસવીરો પણ જાહેર કરવી પડી હતી.

શેરબજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજાર ઝડપથી બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 140 પોઈન્ટના ઉછાળા સાથે 58,214 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટના ઉછાળા સાથે 17,151 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારની નજર યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ પર છે. જે આજે વ્યાજદર અંગે નિર્ણય લેવા જઈ રહી છે.

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો છે. આજના કારોબારમાં ફરી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે જ્યારે 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 34 શેરો ઉછાળા સાથે જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં બજાજ ફિનસર્વનો શેર 2.18 ટકા, બજાજ ફાઇનાન્સ 2.16 ટકા, સન ફાર્મા 1.65 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1 ટકા, ટાટા મોટર્સ 0.89 ટકા, ટીસીએસ 0.80 ટકા, ICICI બેન્ક 0.73 ટકા, અલ્ટ્રાઇકમેન્ટ 0.73 ટકા વધીને બંધ રહ્યા હતા. 0.55 ટકા થયો છે.

આ શેરોના ભાવમાં થયો ઘટાડો

જો તમે ઘટતા શેરો પર નજર નાખો તો, એનટીપીસી 1.50 ટકા, એક્સિસ બેન્ક 0.66 ટકા, નેસ્લે 0.55 ટકા, એચડીએફસી બેન્ક 0.26 ટકા, એચસીએલ ટેક 0.26 ટકા, ભારતી એરટેલ 0.21 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

બજારમાં સતત બીજા દિવસે ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 257.99 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 256.89 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 1.10 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સ્વચ્છ, આધુનિક દિલ્હી માટે 78,800 કરોડનું કેજરીવાલ સરકારનું બજેટ

નવી દિલ્હીઃ કેન્દ્ર અને LG સાથે ઘર્ષણ થયા પછી દિલ્હીની કેજરીવાલ સરકારે બજેટ રજૂ કર્યું હતું. કેજરીવાલ સરકારે રૂ. 78,800 કરોડના બજેટમાં દિલ્હીના સૌદર્યકરણથી માંડીને સ્વચ્છ અને આધુનિક દિલ્હી પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કેટલીય જોગવાઈ કરવામાં આવી હતી. બજેટમાં શિક્ષણથી માંડીને આરોગ્ય અને ટ્રાન્સપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. દિલ્હીના નાણાપ્રધાન કૈલાશ ગહેલોતે વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. એ બજેટ 2014-15ના રૂ. 30,940 કરોડના ખર્ચથી આશરે અઢી ગણો ખર્ચ વધારવામાં આવ્યો છે.

દિલ્હી સરકાર કુલ બજેટનો 27 ટકા MCD દ્વારા વિકાસકાર્યોમાં ખર્ચ કરશે. જે હેઠળ મોહલ્લા બસ શરૂ થશે, કચરાના પહાડ, સ્વચ્છતા કાર્યક્રમ, દરેક ઘરે સીવરથી એટેચ, સ્કૂલો અને શિક્ષણ સહિત કેટલાય પ્રકારનાં કાર્યો માટે ખર્ચ કરવામાં આવશે. દિલ્હીમાં 26 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે.

દિલ્હીના રૂ, 78,800 કરોડના બજેટમાં સૌથી વધુઆશરે 27 ટકા MCDને ફાળવવામાં આવશે. MCDને કુલ રૂ. 21,000 કરોડની ફાળવવાનો પ્રસ્તાવ કર્યો છે. આ રકમમાંથી વિકાસ કાર્યો અને યોજનાઓનું સંચાલન કરવામાં આવશે. નાણાપ્રધાને MCD પછી શિક્ષણ ક્ષેત્રે રૂ. 16,575 કરોડનું બજેટ ફાળવ્યું છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે 12 નવી એપ્લાઇડ લર્નિંગ સ્કૂલનો પ્રારંભ થશે, જેમાં નવમાં ધોરણથી એડમિશન લેવામાં આવશે બધા ટીચર, વાઇસ પ્રિન્સિપાલ અને અન્ય ટીચિંગ સ્ટાફને નવા ટેબ્લેટ આપવામાં આવશે.

 

 

દિલ્હી સરકાર મોહલ્લા બસ યોજના શરૂ કરશે. આ યોજના પર રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દિલ્હીમાં 1600 ઇલેક્ટ્રિક બસોને પણ ચલાવવાની ઘોષણા કરવામાં આવી હતી. દિલ્હીમાં કચરાના પહાડને ખતમ કરવા માટે રૂ. 850 કરોડ ખર્ચ કરવામાં આવશે. નાણાપ્રધાને કહ્યું હતું કે નવા ફ્લાયઓવર્સ માટે રૂ. 722 કરોડ ખર્ચ કરવામાં આવશે. શહેરમાં ત્રણ ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે.

 

 

પાકિસ્તાની પત્ની પાસેથી બંને સંતાનનો કબજો માગે છે મુંબઈવાસી ફિલ્મ નિર્માતા

મુંબઈઃ અહીં રહેતા બોલીવુડ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાની પાકિસ્તાની પત્ની મરિયમ ચૌધરી 2020ની સાલથી પાકિસ્તાન એનાં પિયર ચાલી ગઈ છે. પોતાની સાથે બંને સંતાનને પણ લઈ ગઈ છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. મુશ્તાકનો દાવો છે કે મરિયમે બંને સંતાનને ગોંધી રાખ્યા છે. મુશ્તાકનું કહેવું છે કે 9 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીને પાકિસ્તાનમાંથી પાછાં ભારત લાવવામાં સરકાર પોતાને મદદ કરે એવો કોર્ટ એને આદેશ આપે. કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. સરકારે કહ્યું કે તેણે આ બાબતમાં ઈસ્લામાબાદસ્થિત ભારતીય હાઈકમિશન મારફત પાકિસ્તાન સરકાર પાસેથી વિગતો માગી છે, પણ પાકિસ્તાન સરકારે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. ભારતે નડિયાદવાલાના બંને સંતાન હાલ ક્યાં છે, એમના વિઝા અને નાગરિકત્વની સ્થિતિ શું છે એ વિશે વિગત મગાવી છે. ભારતે 2022ના ઓક્ટોબર અને 2023ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સરકારને રીમાઈન્ડર મોકલ્યા હતા.

મુશ્તાક મુંબઈના નામાંકિત ફિલ્મ નિર્માતાઓના પરિવારના સભ્ય છે. મુશ્તાક સ્ટુડિયો વનના માલિક છે. આ સ્ટુડિયોએ અત્યાર સુધીમાં અઢીસો જેટલી ફિલ્મો માટે પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ પૂરી પાડી છે. તેની પાસે અવ્વલ દરજ્જાના ટેક્નિશિયનો છે. અનેક નિર્માતા, દિગ્દર્શકો સાથે મુશ્તાક નડિયાદવાલાને નિકટના સંબંધ છે. મુશ્તાકના પિતા અબ્દુલ ગફાર નડિયાદવાલા ‘આ ગલે લગ જા’, ‘લહુ કે દો રંગ’, ‘શંકર શંભૂ’, ‘જુઠા સચ’, ‘સોને પે સુહાગા’, ‘વતન કે રખવાલે’, ‘વેલકમ’, ‘હેરાફેરી’ જેવી 50થી વધારે મસાલા હિન્દી ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. એક સમયે મુંબઈના મલાડ-ગોરેગાંવ (વેસ્ટ) ઉપનગરોમાં નડિયાદવાલા પરિવારોની 5,000 એકરથી વધારે જમીન હતી. એમણે મુંબઈ અને ગુજરાતમાં ફિલ્મ સ્ટુડિયો બાંધ્યા હતા અને ફિલ્મ વિતરણ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું હતું. અન્ય નિર્માતા સાજિદ નડિયાદવાલા મુશ્તાકના પિતરાઈ ભાઈ છે.

મુશ્તાકનો આરોપ છે કે એમના સંતાનને એમની પત્ની મરિયમ ચૌધરી અને એનાં પરિવારે ગેરકાયદેસર રીતે તાબામાં રાખ્યાં છે. મરિયમે ભારત પાછાં ફરવાની ના પાડી દીધી છે અને મુશ્તાકને છોડી દેવા માટે કોઈ ઉચિત કારણ પણ આપ્યું નથી. મુશ્તાક અને મરિયમે 2012ના એપ્રિલમાં પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ મરિયમ ભારત રહેવા આવી હતી અને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી. તે પછી દંપતીને બે સંતાન થયા હતા. 2020ના નવેમ્બરમાં મરિયમ બંને સંતાનને લઈને પાકિસ્તાન જતી રહી હતી. 2021ના ફેબ્રુઆરીએ એણે લાહોરમાં બંને સંતાનનાં વાલીપણા અરજી નોંધાવી હતી અને કોર્ટે તેને કાયદેસર વાલી તરીકે માન્યતા પણ આપી હતી. મુશ્તાકનો આરોપ છે કે પાકિસ્તાનમાં એમનાં સંતાનોની ગેરકાયદેસર જાળવણી બંને દેશના ઈમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન છે.

MBA છોડીને ડ્રેગન ફ્રૂટથી ચમકાવ્યું નસીબ

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીના મહિલા પટ્ટી ગામમાં ખેડૂત યશપાલે આફતમાં અવસર શોધ્યો છે. MBA કર્યા પછી યશપાલ ખાનગીમાં નોકરી કરતો હતો, પણ કોરોના કાળમાં નોકરી છૂટી ગયા પછી તેણે શોધ ને ટેક્નિકની સાથે ખેતીની રાહ પકડી લીધી. તેની મહેનત રંગ લાવી અને માત્ર સવા વર્ષમાં તેણે નોકરીની તુલનાએ વધુ આવક હાંસલ કરી લીધી. તે સૌનો પ્રેરણા બની ગયો છે.

યશપાલ બરેલીનો પહેલો ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક છે. તેની પાસે આશરે પાંચ એકર જમીન હતી, જેમાંથી તે શેરડી, ઘઉં વગેરે પાક લેતો હતો, પણ નીચલો વિસ્તાર હોવાને કારણે વરસાદના સમયે ખેતરમાં પાણી ભરાઈ જતાં હતાં. જેથી તેના ખેતરમાં પાક નષ્ટ થતો હતો. એટલે તેણે ખેતીના એક ભાગને ઊંચો કર્યો, પછી તેમાં તેણ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી. પહેલાં તેણે સોશિયલ મિડિયાથી ખેતીને લગતી માહિતી એકત્ર કરી. ત્યાર બાદ તેણે હરિયાણાના પાણીપતમાં ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક પાસે તાલીમ લીધી.

પ્રારંભમાં તેણે 48 છોડ લગાવ્યા. શિયાળામાં ફંગસનો ડર હતો. તે સતત એક-એક છોડની રોજ નિગરાની કરતો. આ રીતે તેને 15 મહિનામાં 40 કિલો ડ્રેગન ફ્રૂટ પ્રાપ્ત થયા, જે તેણે કિલોદીઠ રૂ. 450થી 500ની કિંમતે વેચાણ કર્યું અને રૂ. 20,000ની આવક પ્રાપ્ત કરી. જે ખર્ચથી સવા ગણી વધુ હતી. પ્રયોગ સફળ રહેતાં તેણે એક એકરમાં એની ખેતી કરી. એના પર તેને રૂ. 10 લાખનો ખર્ચ કર્યો હતો અને આવક રૂ. 20 લાખથી વધુ પ્રાપ્ત કરી.ત્યાર બાદ તેણે અઢી એકરમાં ડ્રેગન ફ્રૂટના છોડ વાવ્યાં. હવે તે 10 એકરમાં નવું ડ્રેગન ફ્રૂટ ફાર્મ તૈયાર કર્યું હતું. યશપાલ કહે છે કે ખેતીમાં સમયની સાથે ટેક્નિકનો ઉપયોગ જરૂરી છે.

 

 

 

શરાબનીતિ કૌભાંડઃ સિસોદીયા પાંચ-એપ્રિલ સુધી કસ્ટડીમાં

નવી દિલ્હીઃ અત્રેના રાઉઝ એવેન્યૂ વિસ્તારસ્થિત કોર્ટ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની અદાલતી કસ્ટડીની મુદતને પાંચ એપ્રિલ સુધી લંબાવી દીધી છે. આ કેસ રાષ્ટ્રીય પાટનગરમાં હવે રદ કરી દેવામાં આવેલી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડ્રિંગને લગતો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદીયા કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરાયેલા આ કેસમાં મુખ્ય આરોપી છે.

કોર્ટે પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે સિસોદીયાને જેલમાં જે પુસ્તકો વાંચવા હોય એ તેમને પૂરા પાડવા.

47 વયની ઉંમરે એક્ટ્રેસની માતાએ પુત્રીને જન્મ આપ્યો

મુંબઈઃ મલયાલમ ટીવી એક્ટ્રેસ આર્ય પાર્વતી હાલ સાતમા આસમાને છે. ટીવી એક્ટ્રેસ પરિવારમાં એક નવા સભ્યના આગમથી ખુશખુશાલ છે. 23 વર્ષીય દક્ષિણ સ્ટારે સોશિયલ મિડિયા પર ફેન્સ સાથે ખુશખબર શેર કર્યા હતા ને પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે ખુશીથી ફૂલી નથી સમાતી કેમ કે 23 વર્ષ પછી અમારા પરિવારમાં મારી નાની બહેન આવી છે. એક મોટી બહેનની સાથે-સાથે એક માતાની ભૂમિકા નિભાવવા પણ તૈયાર છું અને તેને પ્રેમ અને ટેકો આપવા માટે તૈયાર છું…વેલકમ લિટલ વન.

કેટલાય ફેન્સે આર્ય પાર્વતીને તેની બહેનના આગમન પર શુભેચ્છાઓ આપી હતી. આ મામલે હ્યુમન ઓફ બોમ્બે સંગ થયેલી એક વાતચીતમાં આર્ય પાર્વતીએ ખુશી જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે મને જ્યારે સૌપ્રથમ વાર માતાની પ્રેગનન્સી વિશે માલૂમ પડ્યું તો હું શોક્ડ રહી ગઈ હતી. એટલા માટે નહીં, કેમ કે 23 વર્ષે હું બહેન બનવાની છું, બલકે એ માટે કે એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેના જન્મ પછી તેની મતાના ગર્ભાશયમાં સમસ્યા હતી. તે વખતે ડોક્ટરે જણાવ્યું હતું કે સમસ્યાઓને કારણે તે ફરીથી ગર્ભ ધારણ નહીં કરી શકે.

અમ્મા અને અપ્પા મંદિર ગયા હતા, ત્યાં અમ્મા અચાનક બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલ પહોમચ્યા તો માલૂમ પડ્યું કે તે સાત મહિનાથી પ્રેગ્નન્ટ છે. જોકે કોઈ કારણને લીધે તેમનો બેબીબમ્પ નજરે નહોતો ચઢતો. જોકે અપ્પાએ એને ગુપ્ત રાખ્યું હતું, કેમ કે તેમને માલૂમ નહોતું કે હું કેવી પ્રતિક્રિયા આપીશ.

 

 

 

વિશ્વમાં 26 ટકા વસતિ પાસે સ્વચ્છ પેયજળનો અભાવ

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રના પહેલા સંમેલનની પૂર્વસંધ્યાએ જારી થયેલા એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વની 26 ટકા વસતિની પાસે હજી સુરક્ષિત પેયજળ સુધી પહોંચ્યું અને 46 ટકા લોકો પાસે પાયાની સુવિધા- સ્વચ્છતાનો અભાવ છે.સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ જળ વિકાસ રિપોર્ટ 2023માં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે 2030 સુધી બધા લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સુધી પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રએ જરૂરી પગલાં લેવાની જરૂર છે.

રિપોર્ટના એડિટર-ઇન-ચીફ રિચાર્ડ કોનોરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે લક્ષ્યોને પૂરાં કરવા માટે અંદાજે 600 અબજ ડોલર કે પ્રતિ વર્ષ એક લાખ કરોડ ડોલરની જરૂર છે. તેમણે કહ્યું હતું કે UN રોકાણકારો, ફાઇનાન્સરો, સરકારો અને જળવાયુ પરિવર્તનના સમુદાયોની સાથે ભાગીદારી કરી રહ્યું છે, જેથી એ નાણાં પર્યાવરણને જાળવી રાખવાના પ્રકારોમાં રોકાણ કરી શકાય અને જે બે અબજ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે છે અને જેમની પાસે એ નથી અને સ્વચ્છતા માટે 36 લાખ ડોલરની જરૂર છે.

રિપોર્ટ કહે છે કે છેલ્લાં 40 વર્ષોમાં વિશ્વ સ્તરે આશરે એક ટકો પાણીનો વપરાષ પ્રતિ વર્ષ વધી રહ્યો છે અને 2050 સુધી એ જ દરે વધવાની અપેક્ષા છે. કોર્નરે કહ્યું હતું કે માગમાં વાસ્તવિક વધારો વિકાસશીલ દેશો અને ઊબરતાં અર્થતંત્રોમાંથી થઈ રહી છે, જ્યાં ઓદ્યૌગિક વિકાસ અને શહેરીકરણમાં ઝડપથી વધારો થઈ રહ્યું છે.