Home Blog Page 3036

ગુજરાત સરકારે કુલ રૂ. 79,375 કરોડના 56 MoU કર્યા

‘આત્મનિર્ભર ભારત’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-2022 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના પાંચ તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ 79,375 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં 20 માર્ચે એક જ દિવસમાં 20 MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.

નાણાં-ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ 20 MoU દ્વારા રાજ્યમાં રૂ. 11,820 કરોડનું સૂચિત રોકાણ આવશે અને 16,100 જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MoU અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.

આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડી માં પોતાના ઉત્પાદન એકમો દ્વારા 2025 સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે. ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ MoU કરેલા છે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ આપ-લે કરી હતી.આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ્ટ–બી ના એમ.ડી. સુશ્રી મમતા હિરપરા, વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ભાજપના તમામ સાંસદોને મંગળવારે દિલ્હી હાજર રહેવા સૂચના

ગુજરાત ભાજપના તમામ સાંસદોને મંગળવારે દિલ્હી હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે સાંજે 4.30 કલાકે ભાજપ અધ્યક્ષ સી આર પતિલની અધ્યક્ષતામાં આ સાંસદોની બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ હજાર રહેવાના છે. આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ 26 સાંસદો અને રાજ્યસભાના સાંસદો પણ આ બેઠકમાં હજાર રહશે.

લોકસભા 2024 ની ચુંટણી આવતા વર્ષે યોજવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ચુંટણીની તૈયારીમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આ બેઠકમાં કેટલાક સાંસદોણે મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવે તેવી અટકળો થઈ રહી છે. હમણાં થોડા સમય અગાઉ પણ એવી માહિતી સામે આવી હતી કે ચાલુ સંસદોમાંથી 22 જેટલા સાંસદોની ટિકિટ પણ 2024 માં કપાઈ શકે છે ત્યારે આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઈ શકે છે. ગઇકાલની જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીના નિવસ્થાને પણ કેન્દ્રીય ભાજપ મંત્રી, સી આર પાટીલ, રત્નાકર અને ભૂપેન્દ્ર પટેલની બંધ બારણે એક બેઠક થઈ હતી.

 

રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ છે તો ક્યાંક ચોમાસાની જેમ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ઉનાળું શરૂ હજી પણ ચાર દિવસોમાં શરૂ થાય નહીં તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.

 

આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે, 21 માર્ચનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

22 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. 23 માર્ચના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.

રવિવારે મોડી સાંજે ગાંધીનગર અને અમદાવાદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં તેજ પનવ, કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે. ખેડૂતોને પાકના નુકસાનની ભીતિ છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં કેટલાક દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ અને કરા પડી રહ્યા છે.

કાંદિવલીમાં બાળકો માટે ‘મસ્તી કી પાઠશાલા’નું ઉદઘાટન

મુંબઈઃ ગયા રવિવાર (તા. ૧૯ માર્ચ)ની બપોરે કાંદિવલીમાં બે ફાઉન્ડેશનનું અનોખું મિલન થયું હતું. એક કાંદિવલીનું મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને બીજું ચિલ્ડ્રન ટોય ફાઉન્ડેશન. આ બે ફાઉન્ડેશનના મિલનનું કારણ હતું ‘મસ્તી કી પાઠશાલા’. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) દ્વારા સ્થાપિત, ગુજરાતી ભાષા ભવન સંચાલિત પરિવર્તન પુસ્તકાલયના ઉપક્રમે ‘મસ્તી કી પાઠશાલા’ના ઉદઘાટનનો આ પ્રસંગ હતો, જેમાં નાનાં બાળકો અને તેમના માતા-પિતાએ હાજરી આપી આ અવસરને માણ્યો હતો.

રમો અને રમાડો

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ચિલ્ડ્રન ટોય ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્ર દેસાઈએ તેમના ફાઉન્ડેશનના ઉદ્દેશ્યો અને પ્રવૃતિઓની જાણકારી આપી હતી. એમણે કહ્યું, ‘દરેક બાળકને રમવાનો અધિકાર છે’, ‘રમો અને રમાડો’ – આ બે અમારા સુત્રો છે. આ લક્ષ્ય સાથે કામ કરતા ચિલ્ડ્રન ટોય્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં દેશભરમાં ૩૫૩ રમકડાં-ગેમ્સ લાઈબ્રેરીની સ્થાપના કરાવી છે. ફાઉન્ડેશનની પ્રવૃતિઓ મુંબઈ, ચેન્નાઈ અને ભુજમાં પણ ચાલે છે. આ ઉપરાંત તેઓ એક મોબાઈલ વેનમાં હરતી-ફરતી ટોય્સ-ગેમ્સ લાઈબ્રેરી પણ ચલાવે છે. દેવેન્દ્ર દેસાઈ ગેમ્સના માસ્ટર અને ચેમ્પિયન છે. તેમણે આ પ્રવૃતિ અને લક્ષ્યને જીવન સમર્પિત કર્યુ છે. આજે ૭૮ ની ઉંમરે પણ તેઓ આ પ્રવૃતિમાં સક્રિય છે. તેમના ૮૧ વરસના સક્રિય સાથી અરૂણભાઈ મહેતાએ મીટ ઈન્ડિયાના સભ્યોને અનેકવિધ ગેમ્સની તાલીમ આપી હતી અને દર રવિવારે પાઠશાળામાં હાજર રહી બાળકોને કંઈક વધુ શીખવવાની અને ગમ્મત કરાવવાની ખાતરી આપી હતી.

ટોય ફાન્ડેશનના સક્રિય કાર્યકર્તા વંદનાબેન સોનાવણેએ ગેમ્સની સમજ આપી હતી. ચિલ્ડ્રન ટોય્સ ફાઉન્ડેશન દેશના દરેક રાજ્યમાં એક લાઈબ્રેરી હોય એવા પ્લાન પર કામ કરી રહ્યું છે, જે નજીકના સમયમાં પૂર્ણ થઈ જશે. મુંબઈના પરાંઓમાં પણ લાઈબ્રેરીના પ્રસારનો તેમનો વિચાર છે. આ લાઈબ્રેરીની ગેમ્સની વિશેષતા એ છે કે તે  માઈન્ડ ગેમ્સ હોવાથી તે બાળકોની બુધ્ધિશક્તિને ધારદાર બનાવે છે, તેમનામાં એકાગ્રતા લાવે છે, તેમનામાં રચનાત્મકતા ખીલવે છે.

ત્રણ બાળકોના ત્રણ પુસ્તકોનું વિમોચન

આ અવસરે સોનામાં સુગંધ ભળે તેમ ત્રણ પુસ્તકોનું દેવેન્દ્ર દેસાઈના હસ્તે વિમોચન કરાયું હતું. આમાં મહત્ત્વની વાત એ છે કે આ પુસ્તકો ત્રણ બાળકોએ લખ્યા છે. નિષ્ઠા હાર્દિક મોદી (પ્રિન્સેસ લીના એન્ડ હર મેજિક વેન્ડ), દિવ્યમ હાર્દિક સંઘવી (ડિની એન્ડ મિસ્ટરિયસ કેવ) અને ખુશી સુનિલ (લીટલ મિસ્ટરી સોલ્વર્સ)એ પુસ્તક લખ્યાં છે. આ ત્રણેય બાળકોએ પોતાને પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે ટૂંકમાં વાત કરી હતી.

કઠપુતલીથી શરૂઆત અને હાઉઝીથી પૂર્ણાહતિ

ઈશ્વર પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીટ ઈન્ડિયાનાં સભ્ય પૂર્ણાબેન મોદીએ રસપ્રદ શૈલીમાં કર્યુ હતું. તેમણે બાળકોને કઠપુતલીના શો મારફત ગમ્મત કરાવી હતી અને વાર્તા કહેવાના તેમ જ ગીતો સંભળાવવાના ઈન્ટરેસ્ટિંગ પ્રયોગો બતાવ્યાં હતાં. સોનલબેન શાહે બાળકોને કઈ-કઈ રચનાત્મક પ્રવૃતિઓ થશે અને કઈ રીતે તેમને વિવિધ કળા શીખવાશે તેનો ચિતાર આપ્યો હતો. તૃપ્તિબેન નિસરે ‘મસ્તી કી પાઠશાલા’નો ઉદ્દેશ્ય સમજાવવા સાથે દર રવિવારે બાળકોને આ પાઠશાળામાં કઈ અને કેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે તેની જાણકારી આપી હતી. જયેશ ચિતલિયાએ દેવેન્દ્ર દેસાઈનો પરિચય કરાવ્યો હતો. હરેશભાઈ ગાલાએ ‘બાળક વાર્તા કહે તો કઈ રીતે કરે’ તેની રસપ્રદ રમુજી અભિનય સાથે પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમને અંતે, દેવેન્દ્રભાઈએ બાળકો-પેરેન્ટ્સને દેશભક્તિનાં ગીતો આધારિત હાઉઝી રમત રમાડી હતી. મીટ ઈન્ડિયાનાં સિનિયર સભ્ય ઉમાબેન અરવિંદ સંઘવીએ આભારવિધિ કરી હતી. મીટ ઈન્ડિયાના ટ્રસ્ટી મહેશ ગાંધી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

‘મસ્તી કી પાઠશાલા’ વિશે…

‘મસ્તી કી પાઠશાલા’ દર રવિવારે કાંદિવલીના પરિવર્તન પુસ્તકાલયના (સરનામુંઃ દેવજી ભીમજી સ્કુલ બિલ્ડિંગ, દેવજી ભીમજી લેન, મથુરાદાસ રોડ, કાંદિવલી-વેસ્ટ) આંગણે બપોરે ૧ થી ૫ સુધી યોજાશે. તેમાં બાળકોને પસંદ પડે તેવી અનેક રચનાત્મક પ્રવૃતિઓ સામેલ હશે, જેમ કે, ગેમ્સ રમવી, વાર્તા સાંભળવી, અભિનય, ચિત્રકામ-હસ્તકામ, શોર્ટ ફિલ્મો દર્શાવવાની, યોગવિદ્યા, ભાષા, વગેરે.

આમાં પાંચથી લઈને પંદર વરસની વયનાં બાળકો ભાગ લઈ શકશે. જેને જે સમયે આવીને પ્રવૃતિમાં ભાગ લેવો હોય તે લઈ શકશે. બાળકોને અહીં કોઈ પ્રકારના બોજ વગર માત્ર મસ્તીનો માહોલ મળશે. તેઓ એમની મનપસંદ પ્રવૃત્તિ કરી શકશે. તદુપરાંત સંખ્યાબંધ પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ રહેશે. મીટ ઈન્ડિયાના કાયકર્તાઓ તેમને આ વિવિધ પ્રવૃત્તિઓ માટે મદદ કરશે. આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ, રચનાત્મક્તા, બોલવાની કળા, વાંચનની ટેવ, ગેમ્સ મારફત માનસિક વિકાસ પ્રાપ્ત કરી શકશે.

અહીં ૧૦૦થી વધુ રમતોનું કલેક્શન અને પાંચસોથી વધુ પુસ્તકોનું કલેક્શન છે, જેમાં સમયાંતરે વધારો થતો રહેશે. બાળકોમાં ભારતીય સંસ્કૃતિની સમજ વિકસે, ભારતીય પારિવારિક સંસ્કારોનું સિંચન થાય, વાંચનનો પ્રસાર થાય, સકારાત્મક વિચારો સાથે તેઓ ભવિષ્યના સારા નાગરિક તરીકે તૈયાર થઈ શકે એવું લક્ષ્ય રહેશે. બાળકોને મોબાઈલ ફોન-વિડિયો ગેમ્સના વ્યસનમાંથી મુક્ત કરવામાં આ ગેમ્સ-પ્રવૃતિઓ મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે એવી આશા છે. આ તમામ પ્રવૃતિમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી અને દરેક બાળકો માટે તે દર રવિવારે ખુલ્લું રહેશે.

 

સુપ્રીમ કોર્ટનો સેબીને NSEને રૂ. 300 કરોડ આપવાનો આદેશ

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે એક મામલાની સુનાવણીમાં સેબીને આદેશ કર્યો હતો કે એ NSEને રૂ. 300 કરોડ પરત કરે, જે એણે SATના આદેશ હેઠળ જમા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)ના આદેશ પર મનાઈહુકમ લગાવવાથી ઇનકાર કરી દીધો હતો. SATએ આ વર્ષે જાન્યુઆરીમાં NSEને મોટી રાહત આપી હતી, જ્યારે સેબીએ એપ્રિલ, 2019ના એક આદેશને ફગાવી દીધો હતો. હવે સેબીને કોર્ટથી આંચકો લાગ્યો જ છે. એ સિવાય કોર્ટે સેબીની અરજી પર NSEને પણ નોટિસ જારી કરી હતી.

શું છે સેબી-NSE વચ્ચેનો મામલો?

એ મામલો કો-લોકેશન કૌભાંડથી જોડાયેલો છે. આ કૌભાંડ હેઠળ કેટલીક ટ્રેડર્સને NSEના ડેટા ગેરકાયદે રીતે ઝડપી એક્સેસ મળે છે અને એનો તેને ખૂબ લાભ ઉઠાવ્યો હતો. સેબીએ 30 એપ્રિલ, 2019એ NSEને આદેશ આપ્યો હતો કે તે એપ્રિલ, 2014થી માંડીને અત્યાર સુધી 12 ટકા વાર્ષિક વ્યાજની સાથે રૂ. 624.89 કરોડ જમા કરે. જોકે આ મામલે NSEને જાન્યુઆરી, 2023માં SATથી મોટી રાહત મળી છે.

કોર્ટે તપાસની ધીમી ગતિ અને રેગ્યુલેટરી ઓર્ડર્સ માટે બજાર નિયામકને ફટકારી હતી અને સવાલ કર્યો હતો કે શું એ આટલા સમયથી સૂઈ રહી હતી. આરોપોની ગંભીરતાને જોતાં NSEને સોંપવાને બદલે કુધ કરવી જોઈતી હતી. બેન્ચે એના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કેવી રીતે સેબીએ NSEને પોતાની સામે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

 

 

 

હેમા માલિનીએ ‘ગંગા’નું સ્વરૂપ ધારણ કરી પ્રસ્તુત કર્યો ઉત્તમ સ્ટેજ પરફોર્મન્સ

પીઢ બોલીવુડ અભિનેત્રી અને સંસદસભ્ય હેમા માલિનીએ 19 માર્ચ, રવિવારે મુંબઈમાં એનસીપીએ સ્થિત જમશેદ ભાભા થિયેટરમાં ક્લાસિક ડાન્સ બેલે – ‘ગંગા’ પ્રસ્તુત કર્યું હતું. તેમાં એમની સાથે સંદીપ સોપારકરે ભગવાન શિવનું પાત્ર ભજવ્યું હતું. આ નૃત્ય-નાટિકાના માધ્યમથી હેમા માલિનીએ જળનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને દેશભરમાં નદીઓનો પુનર્વિકાસ કરવો જરૂરી છે એવો સંદેશ પણ આપ્યો હતો. ભારત સરકારના ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર તથા અન્ય રાજકીય મહાનુભાવો, કોકિલાબેન અંબાણી, રાજશ્રી બિરલા, નીરજા બિરલા, તેમજ શત્રુઘ્ન સિન્હા, સુભાષ ઘઈ, રમેશ સિપ્પી, સંજય ખાન, એશા દેઓલ-તખ્તાની, જેકી શ્રોફ, આશુતોષ ગોવારીકર, પદ્મિની કોલ્હાપુરે, અદિતી ગોવિત્રીકર, મિકા સિંહ, સુરેશ વાડકર જેવી ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

માવઠાથી પાકને નુકસાન, શાકભાજીના ભાવમાં બમણો વધારો

ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જારી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) અનુસાર કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરાવલી, બનાસકાંઠા, સુરત અને અન્ય જિલ્લાઓમાં શનિવાર મોડી રાત સુધી 15 મિમીથી વધુ વરસાદ વરસ્યો છે. રવિવાર રાત્રે 27 જિલ્લાઓના 11 તાલુકામાં એકથી 47 મિમી અને 18 જિલ્લાઓના 33 તાલુકાઓમાં 10 મિમીથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રવિવારે બેઠક કર રાહત અને બચાવ કાર્યો અને પાકોને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં કેરી સહિત વિવિધ પાકોને ભારે નુકસાન થયો છે. મુખ્ય પ્રધાન પટેલે બધા જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકસાનની પ્રારંભિક સમીક્ષા કરીને રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

હવામાન વિભાગે ગઈ કાલે કહ્યું હતું કે આગામી પાંચ દિવસો સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ હવાઓની સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં ઓલાવૃષ્ટિની સંભાવના પણ છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં સતત ત્રણ દિવસોથી સાંજથી મોડી રાત સુધી વરસાદ વરસે છે.

મુદાના ગામમાં વીજ પડવાથી 12 ઘેટાં, જમવારા ગામમાં એક ગાય અને દેલિયાથારા ગામમાં એક ભેંસ વૃક્ષની ઝપટમાં આવવાથી મોત થયું છે. ત્રણ તાલુકાઓમાં જીરું, વરિયાળી, તંબાકુ સહિત શાકભાજીઓનો પાક બરબાદ થવાથી ખેડૂતોની હાલત દયનીય છે.

રાજ્યમાં અનેક જગ્યાઓ પર માવઠાનો માર શાકભાજી પર પડ્યો છે. કોથમીર, મરચાં સહિત અનેક શાકભાજીઓની આવક ઘટી ગઈ છે. જેથી શાકભાજીની કિંમતો આકાશે આંબી રહી છે.

 

 

 

 

 

સ્ટોક એકસચેંજના સર્વેલન્સના નિયમો પારદર્શક હોય છેઃ એનએસઈ

મુંબઈ તા. 20 માર્ચ, 2023: સ્ટોક એક્સચેન્જમાં શેરોને તેમની યોગ્યતા મુજબ સર્વેલન્સ અને એડિશનલ સર્વેલન્સનાં જે પગલાં લાગુ પાડવામાં આવે છે, તે પૂર્વ-ઘોષિત અને આપોઆપ લાગુ પડતા નિયમો અનુસારનાં હોય છે, તેમાં કોઈ વ્યક્તિગત હસ્તક્ષેપ કે દરમ્યાનગીરીને અવકાશ હોતો નથી. અર્થાત કોઈ અધિકારી પોતાની મરજી મુજબ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, એમ એનએસઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ સર્વેલન્સ પગલાં અને ટ્રેડિંગ હેઠળની યાદીમાંથી સ્ટોક્સ બહાર કરવાના કે યાદીમાં સમાવવાનો આધાર ચોક્કસ નિયમો અનુસારનો હોય છે, જેમાં કિંમતની વધઘટ, વોલ્યુમ્સ, માર્કેટ કેપિટલાઈઝેશન, ગ્રાહકોના કેન્દ્રીકરણ, પ્રવાહિતા માપદંડો વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે. આ નિયમો અને પુનર્સમીક્ષા ગાળાની બજારમાં અગાઉથી જાહેરાત કરાયેલી હોય છે. અગાઉથી જાહેરાત કરાયેલા નિયમો અનુસાર લેવાતાં પગલાંનાં પરિણામ સાર્વજનિકપણે ઉપલબ્ધ છે અને બધા સ્ટોક્સને કોઈ પણ ભેદભાવ વિના લાગુ પાડવામાં આવે છે. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર કરાય તો તે લાગુ પાડતાં પૂર્વે તેની જાહેરાત કરવામાં આવે છે. એની ખાતરી માટે સમયાંતરે ઓડિટ અને તપાસ કરવામાં આવે છે.

ઈન્ડેકસમાં કરાતા ફેરફાર પણ

એ જ પ્રમાણે સમયાંતરે નિફ્ટી ઈન્ડાયસીસમાં સ્ટોક્સને ઉમેરવાના કે બહાર કાઢવાનાં પગલાં પારદર્શક અને કડક નિયમો અનુસારનાં હોય છે. ઈન્ડાયસીસની જાળવણી એનએસઈની સબસિડિયરી એનએસઈ ઈન્ડાયસીસ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આ સંબંધિત સંપૂર્ણ માહિતી એક્સચેન્જની અને એનએસઈ ઈન્ડાયસીસની વેબસાઈટ પર ઉપલબ્ધ રહે છે. એક વાર ઈન્ડાયસીસ અંગેના નિયમો તૈયાર કરાય એ પછી તેમાં એક્સચેન્જની કમિટી કે અન્ય કોઈ પણ વ્યક્તિની દરમિયાનગીરી ચલાવી લેવામાં આવતી નથી.

બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર 425મી કંપની પ્રોસ્પેક્ટ કોમોડિટીઝ લિસ્ટ થઈ

મુંબઈ તા.20 માર્ચ, 2023: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 425મી કંપની તરીકે પ્રોસ્પેક્ટ કોમોડિટીઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. પ્રોસ્પેક્ટ કોમિડિટીઝનો પબ્લિક ઈશ્યુ 13 માર્ચ, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 12.26 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.61ની કિંમતે ઓફર કર્યા હતા.

આ કંપની અમદાવાદમાં રજિસ્ટર્ડ છે અને તે કાજુ અને તેને સંબંધિત પ્રોડક્ટ્સનું પ્રોસેસિંગ કરે છે. કંપનીનાં પ્રોડક્ટ્સનું વેચાણ મુખ્યત્વે ગુજરાતમાં થાય છે. કાજુના કદ અને રંગ પ્રમાણે તેના ગ્રેડ્સ હોય છે.

જાપાનના PMએ G7 બેઠક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કર્યા

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ક્રિટિકલ ટેક્નોલોજી, ડિજિટલ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. લોજિસ્ટિક્સ, ફૂડ પ્રોસેસિંગ, સ્ટીલ, MSME જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર પણ ચર્ચા થઈ હતી. પ્રવાસન વિનિમય તરીકે 2023ની ઉજવણી. જાપાનના વડા પ્રધાને મે મહિનામાં યોજાનારી G7 બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું.


બેઠક બાદ બંને દેશોના નેતાઓએ શું કહ્યું

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની વહેંચાયેલ લોકતાંત્રિક મૂલ્યો અને કાયદાના શાસન પર આધારિત વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે. વડાપ્રધાને કહ્યું કે તેઓ અને પીએમ કિશિદા તાજેતરના સમયમાં ઘણી વખત મળ્યા છે અને દરેક વખતે તેઓ સકારાત્મક ઉર્જા અનુભવે છે. જાપાનના પીએમ સાથેની આજની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.

જાપાનના વડા પ્રધાન કિશિદાએ કહ્યું કે તેમણે વડા પ્રધાન મોદીને G7 હિરોશિમા સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે અને તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે. કિશિદાએ કહ્યું કે બંને દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. ભારત સાથેના અમારા વધતા આર્થિક સહયોગથી માત્ર ભારતને જ ફાયદો થશે નહીં પરંતુ જાપાનમાં આર્થિક વૃદ્ધિ પણ થશે. જાપાન આગામી પાંચ વર્ષમાં ભારતમાં પાંચ ટ્રિલિયન યેનનું રોકાણ કરશે. આ પહેલા સોમવારે સવારે જાપાનના વડાપ્રધાન દિલ્હી પહોંચ્યા હતા. જાપાનના વડાપ્રધાનની મુલાકાતનો હેતુ ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ, વેપાર, રોકાણ અને ઉચ્ચ ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. Fumio કિશિદા અને વડા પ્રધાન મોદીએ ભારતની અધ્યક્ષતામાં G20 અને જાપાનની અધ્યક્ષતામાં G7 ની બેઠકોની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી.

ચીનના પડકારનો સામનો કરવા પર ધ્યાન આપો

વડા પ્રધાન મોદીને મળ્યા પછી, તેઓ એક થિંક ટેન્ક ઇવેન્ટમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ તેમના સંબોધનમાં મુક્ત ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટેની તેમની યોજનાઓનું અનાવરણ કરશે. જણાવી દઈએ કે હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીન સતત પોતાની તાકાત વધારી રહ્યું છે. આ જ કારણ છે કે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ક્વોડ બનાવીને ચીનના પડકારનો સામનો કરવાની યોજના બનાવી છે. તેઓ કિશિદા મુક્ત હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર માટે ભારતની વધતી ભૂમિકા અંગે પણ તેમના મંતવ્યો આપશે. મુક્ત હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર માટે ભારત અને જાપાન વચ્ચે પેટ્રોલિંગ વધારવા, દરિયાઈ કાયદાઓનું પાલન કરવાની ક્ષમતા વધારવા, સાયબર સુરક્ષા, ડિજિટલ અને ગ્રીન એનર્જી સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશો વચ્ચે સતત સહકાર વધી રહ્યો છે

તમને જણાવી દઈએ કે ભારત અને જાપાન સતત ચીનના વધતા પડકારનો સામનો કરી રહ્યા છે. લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં LAC પર ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. તે જ સમયે, ચીન સેનકાકુ ટાપુઓ પર પણ તેની સત્તાનો દાવો કરે છે, જેના માટે તેનો જાપાન સાથે વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને જાપાન વચ્ચે વધતા સહકારનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા વર્ષ 2022માં ત્રણ વખત મળ્યા હતા. વર્ષ 2023માં પણ બંને નેતાઓ ત્રણ વખત મળશે. જેમાં G20, G7 અને Quadની બેઠક સામેલ છે.

પીએમ મોદીને મળ્યા બાદ થિંક ટેન્ક કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપ્યું. તેમણે કહ્યું કે જાપાન યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણની સખત નિંદા કરે છે અને તેને ક્યારેય ઓળખશે નહીં. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને પણ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી. જાપાન વિશ્વમાં ગમે ત્યાં યથાસ્થિતિમાં એકપક્ષીય ફેરફારોનો વિરોધ કરે છે. યુક્રેન સામે રશિયાની આક્રમકતા આપણને શાંતિની સુરક્ષા માટેના સૌથી મૂળભૂત પડકારનો સામનો કરવા દબાણ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 2016માં ભૂતપૂર્વ PM શિન્ઝો આબેએ ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસિફિક (FOIP) નામનું વિઝન આપ્યું હતું. જાપાન FOIP માટે સહયોગ વિસ્તારશે. જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે હું માનું છું કે આ વિઝન વિવિધ દેશોના અવાજો દ્વારા પોષાય છે જેને અમારા FOIP તરીકે દર્શાવી શકાય છે. આંતરરાષ્ટ્રિય સમુદાયને વિભાજન અને મુકાબલો કરવાને બદલે સહકાર તરફ લઈ જવાના ધ્યેય તરફ આ પહેલા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. બદલાતા વર્તમાન સંજોગોને જોતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સત્તા પરિવર્તનનું સંતુલન નાટકીય રીતે બદલાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય એવા યુગમાં પ્રવેશ્યો છે જેમાં સહકાર અને વિભાજન ગૂંચવણભરી રીતે જોડાયેલા છે.