Home Blog Page 314

US એમ્બેસેડર સર્ગિયો ગોરે રાષ્ટ્રપતિ મુર્મુને ઓળખપત્રો સોંપ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો પરિચય પત્ર એટલે કે ક્રેડેન્શિયલ્સ સોંપ્યા હતા. 38 વર્ષીય ગોરે ગયા વર્ષના નવેમ્બરના મધ્યમાં ભારત માટે અમેરિકાના રાજદૂત તરીકે શપથ લીધા હતા. અમેરિકી સેનેટે ગયા વર્ષના ઓક્ટોબરમાં તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. તેઓ અગાઉ વ્હાઇટ હાઉસ (અમેરિકાના રાષ્ટ્રપતિનું અધિકૃત નિવાસસ્થાન અને કાર્યાલય)માં પર્સનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ, 2025માં તેમની ભારત માટે આગામી અમેરિકી રાજદૂત તરીકે નિમણૂક કરી હતી.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં મુર્મુએ ગોર પાસેથી તેમનું પરિચય પત્ર સ્વીકાર્યું હતું. ગોરે સોમવારે તણાવપૂર્ણ સંબંધોને ફરી સુધારવાના ઇરાદાની ઝાંખી આપતાં કહ્યું હતું કે અમેરિકા માટે ભારત જેટલું મહત્વપૂર્ણ બીજો કોઈ દેશ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિય રીતે પ્રયત્નશીલ છે.

ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. તેમાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકાનો વધારાનો ટેરિફ પણ સામેલ હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગોર સિવાય ત્રિનિદાદ અને ટોબેગો ગણરાજ્યના ઉચ્ચાયુક્ત ચંદ્રદાથ સિંહ અને ઓસ્ટ્રિયા ગણરાજ્યના રાજદૂત રોબર્ટ જિશ્ચગે પણ મુર્મુને પોતાનું પરિચય પત્ર રજૂ કર્યું હતું.

દિલ્હીમાં અમેરિકાના નવા રાજદૂત સર્ગિયો ગોરે તણાવ દૂર કરીને દ્વિપક્ષી સંબંધોને ફરી મજબૂત કરવાનો સંકેત આપતાં સોમવારે કહ્યું હતું કે વોશિંગ્ટન માટે ભારત જેટલું જરૂરી બીજો કોઈ દેશ નથી. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વેપાર કરારને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહ્યા છે.

તેમના આગમન સંબોધનમાં ગોરે મહત્વપૂર્ણ ખનિજો અને AI  ક્ષેત્રે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક ગઠબંધન ‘પેક્સ સિલિકા’માં ભારતને જોડાવા માટે આમંત્રણ આપવાની પણ જાહેરાત કરી હતી. ગોરે કહ્યું  હતું કે અમેરિકા અને ભારત માત્ર સહભાગી હિતોથી જ જોડાયેલા નથી, પરંતુ આ સંબંધ સર્વોચ્ચ સ્તરે આધારિત છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે અથવા તેના પછીના વર્ષે ભારતની મુલાકાત લેશે. પદભાર સંભાળ્યા પછી માત્ર થોડા કલાકોમાં ગોર દ્વારા આપવામાં આવેલાં આ નિવેદનોને ટ્રમ્પ પ્રશાસનની તરફથી એક સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યા છે, એવા સમયે જ્યારે તાજેતરના મહિનાઓમાં ટેરિફ અને H-1B વિઝાને લઈને ભારત પર દબાણ વધારવામાં આવ્યું છે.

I-PAC મામલોઃ ફાઈલો મમતા બેનર્જી લઈ ગયાંનો HCમાં EDનો દાવો

કોલકાતાઃ પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનનાં ઘરો પર થયેલી દરોડાની કાર્યવાહી મામલે EDએ કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાની માગ કરી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વકીલે તેનો વિરોધ કર્યો છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તીવ્ર દલીલો થઈ હતી.

ED તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે આવી જ એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ લંબિત છે અને ત્યાં જલદી સુનાવણી થવાની શક્યતા છે, તેથી હાઈકોર્ટમાં આ મામલે હાલની સુનાવણી ટાળી દેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી જેવી જ માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ પેન્ડિંગ છે.

TMC તરફથી વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર નથી. દરોડાની કાર્યવાહી થઈ હતી, પરંતુ અમારી ગોપનીયતા જળવાઈ રહેવી જોઈએ. અમે એક બંધારણીય લોકશાહીમાં જીવીએ છીએ. અમારો રાજકીય ડેટા સુરક્ષિત રહેવો જોઈએ. ગોપનીયતાનો અધિકાર અમારો હક છે.

TMCએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમની મુખ્ય માગ એ છે કે તેમનો રાજકીય ડેટા સુરક્ષિત રાખવામાં આવે, તેને મિડિયા સાથે જાહેર ન કરવામાં આવે અને રાજકીય હેતુઓ માટે તેનો ઉપયોગ ન થાય. TMCએ એ પણ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર નથી.

8 જાન્યુઆરીએ I-PAC અને પ્રતીક જૈનના નિવાસસ્થાને EDની દરોડાની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી વરિષ્ઠ અધિકારીઓ સાથે ત્યાં પહોંચી ગયાં હતાં. આ ઘટનાને લઈને EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ 17 ગુનાઓની CBI તપાસની માંગ કરી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મમતા બેનર્જી, બંગાળના ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશનરે દરોડા દરમિયાન માત્ર અવરોધ જ ઊભો કર્યો નહોતો, પરંતુ અધિકારીઓને ડરાવી-ધમકાવીને પુરાવાઓ સાથે પણ ચેડાં કર્યાં હતાં.

Makar Sankranti 2026: CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી

રાજ્યભરમાં ઉતરાયણનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધે છે, તેમ તેમ પતંગરસિકોનો ઉત્સાહ પણ બમણો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વ્યવસ્થાની કમાન સંભાળતા મુખ્યમંત્રીએ આજે હાથમાં પતંગની દોરી પણ સંભાળી લીધી હતી. ઉંમર અને હોદ્દાને ભૂલીને સામાન્ય નાગરિકની જેમ તેમણે પણ પતંગ મહોત્સવની મજા લૂંટી હતી. એક બાજુ જ્યા વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું હતું. ત્યા બીજી બાજુ રાજ્યના કર્તાહર્તા મુખ્યમંત્રી પણ પતંગના પેચ લડાવવા નીકળી પડ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક એવા દરિયાપુર વિસ્તારમાં કરી હતી. દરિયાપુરના વાડીગામ ખાતે સ્થાનિક રહીશોનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે. તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બલુન્સને આકાશમાં છોડીને ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરજનો સાથે મળીને પતંગ ઉડાવ્યો હતો. અને આનંદ માણ્યો હતો. ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાવતા મુખ્યમંત્રીએ સૌ નાગરિકજનોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને મમરાના લાડુ અને તલની ચિક્કીનું વિતરણ કર્યું હતું.

ઓનલાઇન મહિલાથી મિત્રતા પડી ભારે, યુવકે ગુમાવ્યા રૂ. 1.92 કરોડ

લખનૌઃ શહેરમાંથી એક મોટો સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની ઓનલાઈન મળી આવેલી એક મહિલાથી વોટ્સએપ પર થયેલી મિત્રતા મોટી સાયબર છેતરપિંડીમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં તેને રૂ. 1.92 કરોડનું નુકસાન થયું હતું. વધુ મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પોલીસે શોધી કાઢ્યું કે ‘મહિલા’ હકીકતમાં એક પુરુષ હતો, જેણે ખોટી ઓળખ બનાવીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યાનુસાર આરોપી ઇમરાન ગાજી (ઉંમર 34), જે ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મિશ્રિપુર ડિપો વિસ્તારનો રહેવાસી છે, તેની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.2 જૂન, 2025એ પીડિત શલભ પાંડે દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ આરોપીએ વોટ્સએપ પર પોતાનું નામ ભાવિકા શેટ્ટી બતાવી પરિચય આપ્યો હતો અને નિયમિત વાતચીત શરૂ કરી હતી. ધીમે-ધીમે તેણે પાંડેને ઊંચા રિટર્ન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે રાજી કર્યો હતો. આ દાવાઓ પર વિશ્વાસ કરીને પાંડેએ વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1.92 કરોડ ટ્રાન્સફર કરી દીધા, પરંતુ બાદમાં તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

IT એક્ટ હેઠળ કેસ નોંધાયો

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમ જ IT એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે કોમ્પ્યુટર દ્વારા ખોટી ઓળખ બનાવીને કરાતી છેતરપિંડી સંબંધિત છે.

પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપી ઇમરાન ગાજીએ ખુલાસો કર્યો હતો કે એક્સિસ બેંકમાં તેનું ખાતું ફ્રીઝ થઈ ગયા બાદ તેણે શહજાદ નામના એક સાગરિતની મદદથી નકલી આધાર અને પેન કાર્ડ બનાવડાવ્યા અને તેને આધારે અનેક બેંક ખાતાઓ ખોલ્યાં, જેના દ્વારા તે છેતરપિંડીની રકમ હાંસલ કરતો રહ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કરી ઉત્તરાયણની ઉજવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે છે. તેઓ દર વર્ષે ઉત્તરાયણનો પર્વ અમદાવાદમાં આવીને ઉજવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે પોતાની આ પરંપરાને બરકરાર રાખી છે. અમિતભાઈ શાહે અમદાવાદમાં કાર્યકરો અને પરિવારજનો સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યકરો સાથે ધાબે પતંગ ઉડાવી. હર્ષોલ્લાસ સાથે તેમણે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો.

અમિતભાઈ શાહ નારણપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાના અર્જૂન ગ્રીન ફ્લેટ (Arjun Green Flat) પહોંચ્યા હતા. સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ તેમનું હરખ સાથે સ્વાગત પણ કર્યું હતુ. અર્જુન ગ્રીન્સના ધાબા પર ચઢીને તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી. હંમેશાની જેમ અમિતભાઈ શાહ પતંગ ચગાવતા અને અમદાવાદના આકાશમાં અન્ય પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યાં.

‘ચૂંટણી વચન’ પૂરું કરવા માટે 500 કૂતરાઓની હત્યા

હૈદરાબાદઃ ભલે દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા હોય, પરંતુ વિસંગતિ એ છે કે હવે કૂતરાઓનો નાશ કરવો પણ ચૂંટણી વચનોનો ભાગ બની રહ્યો છે. યોગ્ય ઉકેલ શોધવાને બદલે તેમને ઝેર આપી મારી નાખવામાં આવી રહ્યા છે.તેલંગાણામાં રખડતા કૂતરાઓને મોટા પાયે મારી નાખવાના આરોપોથી હડકંપ મચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં અનેક ગામોમાં લગભગ 500 કૂતરાઓને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હોવાના આરોપ છે. આ કૃત્ય તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં કરાયેલાં વચનો પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

પશુ કલ્યાણ કાર્યકર અદુલાપુરમ ગૌતમ (ઉમર 35)એ 12 જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ મૂક્યો કે કામારેડ્ડી જિલ્લાના ભવાનીપેટ, પાલવંચા, ફરીદપેટ, વાડી અને બંદારમેશ્વરપલ્લી સહિતનાં અનેક ગામોમાં રખડતા કૂતરાઓને યોજના મુજબ મારી નાખવામાં આવી રહ્યા છે. તેનો દાવો છે કે ગયા બે-ત્રણ દિવસમાં જ લગભગ 200 કૂતરાઓને મારી નાખવામાં આવ્યા છે.

ગામના સરપંચોના કહેવા પર હત્યાકાંડ

ગૌતમને કૂતરાઓની મોટા પાયે હત્યાની પાકી માહિતી મળી. તેણે આરોપ મૂક્યો કે આ બધું સંબંધિત ગામોના સરપંચોના આદેશ પર કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં પાંચ ગામોના સરપંચો અને એક વ્યક્તિ કિશોર પાંઢેનો સમાવેશ થાય છે, જેને આ હત્યાઓ કરવા માટે ભાડે રાખવામાં આવ્યો હતો.

 અમે ઘણા કૂતરાઓની લાશો જોઈ

ફરિયાદકર્તાએ આરોપ મૂક્યો કે કૂતરાઓને ઝેરી ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં, જેને કારણે તેમનાં મોત થયાં છે. તેણે કહ્યું કે એ જ દિવસે સાંજે લગભગ 6 વાગ્યે તેઓ અને તેમનો એક મિત્ર ભવાનીપેટ ગામે ગયા હતા, જ્યાં એક મંદિર પાસે ઘણા કૂતરાઓની લાશો પડી હતી.

આ હરકતોને જાણબૂજીને કરવામાં આવેલી અને અત્યંત ક્રૂર ગણાવીને ફરિયાદકર્તાએ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શબોને દફનાવવામાં આવ્યાં

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કૂતરાઓનાં શબો ગામોના બહારના વિસ્તારોમાં દફનાવવામાં આવ્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ તપાસ માટે પશુચિકિત્સા ટીમોએ તેમને બહાર કાઢ્યાં હતાં. ગામોના સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તાજેતરમાં થયેલી પંચાયત ચૂંટણી દરમિયાન ગ્રામજનોને આપેલા વચનો પૂર્ણ કરવા માટે રખડતા કૂતરાઓને મારી નાખ્યાં હતાં.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી ઉત્તરાયણની ભવ્ય ઉજવણી

ગુજરાતમાં આજે મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્તરાયણના પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હર્ષભાઇ સંઘવીએ પોતાના હોમટાઉન સુરતના  વીઆઈપી રોડ પર આવેલી રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો મનભરીને આનંદ માણ્યો હતો. ડીજેના તાલે અને ‘કાઈપો છે’ ના ગુંજતા નારાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ પતંગ ચગાવીને આકાશમાં પેચ લડાવ્યા હતા. આ દરમિયાન ધાબા પર હાજર સૌ કોઈનો ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો. એક સામાન્ય નાગરિકની જેમ જનતા વચ્ચે રહીને પર્વની ઉજવણી કરતા હર્ષ સંઘવીએ આ તકે તમામ સુરતીલાલાઓને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે સુરતના વીઆઈપી રોડ સ્થિત રિવ્યુલેટ રેસિડન્સીના ધાબા પર હર્ષભાઇ સંઘવીએ ઉત્તરાયણની (Harsh Sanghavi Uttarayan celebration Surat) ભવ્ય ઉજવણી કરી હતી. ડીજેના સાઉન્ડ અને ‘કાઈપો છે’ ના નારાઓ વચ્ચે તેમણે પતંગ ચગાવી હતી. પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં તેમણે આખો દિવસ પતંગબાજી અને પેચ લડાવવાની મજા માણી હતી.

ચીનના પ્રતિનિધિમંડળ સાથે RSSની મુલાકાતઃ કોંગ્રેસ કહ્યું, આત્મસમર્પણ

નવી દિલ્હીઃ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના એક પ્રતિનિધિમંડળે સોમવારે દિલ્હીમાં ભાજપના નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. તેના એક દિવસ બાદ મંગળવારે આ પ્રતિનિધિમંડળે દિલ્હીમાં RSSના મુખ્યાલયમાં સંઘના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેને કારણે કોંગ્રેસ અને સત્તાધારી પાર્ટી વચ્ચે રાજકીય ટકરાવ શરૂ થયો છે. કોંગ્રેસે ભાજપ પર પાખંડનો આરોપ લગાવતાં આ બેઠકને આત્મસમર્પણ ગણાવી છે. બીજી તરફ ભાજપે કહ્યું  હતું કે આ ચર્ચાઓ આંતર-દળ સંચારને આગળ વધારવા પર કેન્દ્રિત હતી, જ્યારે RSSએ આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ તરીકે વર્ણવી છે.

RSSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ એક શિષ્ટાચાર ભેટ હતી. વિનંતી તેમની તરફથી આવી હતી અને અમે તેને સ્વીકારી હતી. બેઠકનો કોઈ નક્કી એજન્ડા નહોતો. એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે RSS પ્રમુખ મોહન ભાગવત પ્રવાસ પર હોવાને કારણે બેઠકમાં હાજર નહોતા.

ચીની પ્રતિનિધિમંડળની RSS નેતાઓ સાથે મુલાકાત

ચીની પ્રતિનિધિમંડળે RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબળે અને તેમની ટીમ સાથે લગભગ એક કલાક સુધી બેઠક કરી. સોમવારે CPC પ્રતિનિધિમંડળ અને ભાજપ વચ્ચે થયેલી ચર્ચામાં પાર્ટીઓ વચ્ચે પરસ્પર સંવાદ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ RSS સાથે મહત્વપૂર્ણ સંપર્ક ધરાવતા ભાજપના નેતાઓ પણ આ ચર્ચામાં સામેલ હતા. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ સંસ્થા અને તેના કાર્યપ્રણાલી વિશે જાણવાની ઉત્સુકતા ધરાવતા હતા. અમે તેમને અમારા 100 વર્ષની સફર, સમાજમાં કરેલાં કાર્યો અને અમારા દૃષ્ટિકોણ વિશે વિગતે માહિતી આપી હતી.

કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

આ મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ બેઠકને નબળું આત્મસમર્પણ ગણાવ્યું. ખેડાએ નિવેદનમાં કહ્યું હતું કે આત્મસમર્પણ — ભાજપની ચીન પ્રત્યેની નીતિ માટે આ સૌથી યોગ્ય શબ્દ છે. ચીન સાથેના વર્તનમાં મોદી સરકારની દ્વિચરિત્રતાએ ભારતની વિદેશ નીતિને ગૂંચવી નાખી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની ‘લાલ આંખ’ની વાતો CPC માટે ‘લાલ સલામ’માં ફેરવાઈ ગઈ છે.

ભાજપનો કોંગ્રેસના આરોપો પર જવાબ

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે આ બેઠકો ભારત અને ચીન વચ્ચે સુધરતા સંબંધોને દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સારી બને ત્યારે ઔપચારિક બેઠકો થાય છે અને આ પણ એવી જ એક ઔપચારિક બેઠક હતી.

થાઈલેન્ડમાં ટ્રેન પર ભારે ક્રેન પડતાં 22 મુસાફરોનાં મોતઃ 30થી વધુ ઘાયલ

બેન્ગકોકઃ થાઈલેન્ડમાં એક ભયાનક અકસ્માત થયો છે. બેન્ગકોકથી દેશના ઉત્તર-પૂર્વ પ્રાંત તરફ જઈ રહેલી એક ટ્રેન પર અચાનક ભારે ક્રેન પડતાં ટ્રેન પાટા પરથી  ખડી પડી હતી. પોલીસે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત બુધવારે બેન્ગકોકથી લગભગ 230 કિમી દૂર નખોન રાચાસીમા પ્રાંતના સીખિયો જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું  હતું કે દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ ઘાયલ છે. ટ્રેન થાઈલેન્ડના ઉબોન રાચથાની પ્રાંત તરફ જઈ રહી હતી. સ્થાનિક મિડિયા અહેવાલો અનુસાર એક ક્રેન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યારે તે અચાનક ધરાશાયી થઈ હતી અને પસાર થતી ટ્રેન પર સીધી પડી ગઈ. આ કારણે ટ્રેન પાટા પરથી ઊથલી પડી હતી અને થોડી વાર માટે આગ પણ લાગી ગઈ.

બચાવ કામગીરીનો એક વિડિયો સોશિયલ મિડિયામાં સામે આવ્યો છે, જેમાં બચાવ કર્મચારીઓ ટ્રેનના કાટમાળને કાપીને ઘાયલોને બહાર કાઢતા નજરે પડે છે.

ટ્રેનમાં કુલ 195 મુસાફરો સવાર હતા

થાઈલેન્ડના પરિવહન મંત્રી ફિફાટ રત્ચાકિટપ્રકર્ણે જણાવ્યું હતું કે ટ્રેનમાં કુલ 195 લોકો સવાર હતા અને અધિકારીઓ મૃતકોની ઓળખ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ ક્રેનનો ઉપયોગ થાઈલેન્ડમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્ક બનાવવા માટેના 5.4 અબજ ડોલરના પ્રોજેક્ટમાં થઈ રહ્યો હતો. આ પ્રોજેક્ટને ચીનનો સહયોગ છે. આ યોજના ચીનની વિશાળ “બેલ્ટ એન્ડ રોડ” ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલનો ભાગ છે, જેના અંતર્ગત 2028 સુધીમાં લાઓસ મારફતે બેન્ગકોકને ચીનના કુનમિંગ સાથે જોડવાનો ઉદ્દેશ છે.

થાઈલેન્ડમાં ઔદ્યોગિક અને બાંધકામ સ્થળોના અકસ્માતો લાંબા સમયથી સામાન્ય રહ્યા છે. અહીં સુરક્ષા નિયમોના ઢીલા અમલને કારણે અવારનવાર જીવલેણ ઘટનાઓ બને છે.

આડંબરને આડે હાથ લેનાર અખા ભગતનું સંભારણું…

એક મુરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન….
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ના પહોંચ્યા હરીને શરણ,
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન….

ચોટદાર છપ્પા લખવા માટે જાણીતા અખા ભગત જેવા સર્જકથી ગુજરાતી સાહિત્ય રળિયાત છે. આવા વાસ્તવિક અને ક્રાંતિકારી વિચારો છપ્પા રુપે લખનાર આ સર્જકનું એક સંભારણું અમદાવાદ શહેરના ખાડિયા રાયપુર વિસ્તારની દેસાઈની પોળમાં છે. હેરિટેજ અમદાવાદની સૌથી સમૃદ્ધ મકાનો, ઈમારતો, સ્થાપત્યો જે વિસ્તારમાં આવેલા છે એની વચ્ચે જ અખા ભગતની યાદમાં એક સ્મારક મુકવામાં આવ્યું છે.

અમદાવાદ નજીક આવેલા જેતલપુરથી ખાડિયામાં આવીને વસેલા અખા સોનીએ સમાજમાં ચાલતાં આડંબર વિશે અનેક છપ્પા લખ્યા હતા. આ વખતે રિવરફ્રન્ટ પર મોટા પાયે યોજાયેલા પતંગોત્સવમાં આ જ પોળના સ્થાપત્યોની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)