Home Blog Page 319

ઈરાનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારની કડક ચેતવણી

ઈરાનમાં ચાલી રહેલા હિંસક સરકાર વિરોધી આંદોલન વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરી છે. નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રવાસી ભારતીયો, હાલ ઘરની બહાર ન નીકળે અને કોઈપણ પ્રકારની અશાંતિથી દૂર રહે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાનમાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

સોમવારે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જની ભારત મુલાકાત બાદ યોજાયેલી ખાસ મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસ્રી એ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સરકાર ઈરાનમાં બનતી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે અને ત્યાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોનો નોંધપાત્ર સમુદાય રહે છે, જેને ધ્યાનમાં રાખીને દૂતાવાસ સતત સંપર્કમાં છે.

વિદેશ સચિવે જણાવ્યું કે ઈરાનમાં ઇન્ટરનેટ પ્રતિબંધો અને સંચાર મર્યાદાઓ હોવા છતાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકો સાથે સંપર્ક સાધ્યો છે. હાલની માહિતી મુજબ બધા ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમને કોઈ તાત્કાલિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. તેમ છતાં, પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ભારત સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે નાગરિકો કોઈ પણ પ્રકારના પ્રદર્શન, ભીડ અથવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળે. વિક્રમ મિસ્રીના જણાવ્યા અનુસાર, “અમે અમારા તમામ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ બહાર ન નીકળે અને અશાંતિની પરિસ્થિતિમાં ફસાઈ ન જાય.” સરકાર કોઈ પણ ઇમરજન્સી સ્થિતિ માટે દૂતાવાસ મારફતે જરૂરી સહાય પૂરી પાડવા તૈયાર છે.

ઈરાનમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે. માનવાધિકાર સંગઠનોના અહેવાલો મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 544 લોકોના મોત થયા છે. અમેરિકામાં સ્થિત Human Rights Activists News Agencyનો દાવો છે કે મૃત્યુઆંક આથી પણ વધારે હોઈ શકે છે અને વાસ્તવિક આંકડા બહાર આવ્યા બાદ સ્થિતિ વધુ ભયાનક લાગી શકે છે.

આ સંગઠનના અનુસાર, અત્યાર સુધીમાં 10,600થી વધુ લોકોને ધરપકડ કરવામાં આવી છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના સામાન્ય પ્રદર્શનકારીઓ છે, જ્યારે સુરક્ષા દળોના પણ 48 સભ્યોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ આંકડાઓ ઈરાનમાં ચાલી રહેલા દમન અને હિંસાની વ્યાપકતા દર્શાવે છે.

વિશ્વભરમાં આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ભારત પણ સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને જરૂર પડે તો વધુ પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે. ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન અને ઇમરજન્સી સંપર્ક વ્યવસ્થા સક્રિય રાખી છે.

વિશ્લેષકો માને છે કે જો ઈરાનમાં હાલની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો વિદેશી નાગરિકોની સુરક્ષા એક મોટો આંતરરાષ્ટ્રીય મુદ્દો બની શકે છે. આવી સ્થિતિમાં ભારતની આ આગોતરી ચેતવણીને તેના નાગરિકોની સલામતી માટે જરૂરી અને સમયોચિત પગલું ગણવામાં આવી રહ્યું છે.

PM મોદીની જર્મન ચાન્સેલર સાથે મોટી ડિલ, ટ્રમ્પને ભારતનો સીધો જવાબ

અમદાવાદમાં 12 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જ વચ્ચે જોવા મળેલી નજીકતા માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતી સીમિત નહોતી. આ મુલાકાત દરમિયાન થયેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ અને થનારી સંભાવિત ડીલ્સે વૈશ્વિક રાજનીતિમાં એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે ભારત અને જર્મની વચ્ચે વધતું આ વ્યૂહાત્મક સહયોગ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની એકતરફી નીતિઓ માટે સીધો અને મજબૂત જવાબ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રંપ પ્રશાસનની આક્રમક વેપાર નીતિઓએ વૈશ્વિક અર્થતંત્રમાં અસંતુલન સર્જ્યું છે. 2025માં ભારત પર 50 ટકા સુધીના ટૅરિફ અને રશિયન તેલ ખરીદવા બદલ 500 ટકા સુધી દંડની ધમકી આપનાર અમેરિકી નીતિઓએ માત્ર ભારત નહીં, પરંતુ યુરોપને પણ ચિંતામાં મુકી દીધું છે. આવી પરિસ્થિતિમાં ભારતે યુરોપિયન દેશો સાથે સહકાર વધારવાની દિશામાં ઝડપી પગલાં ભર્યા છે અને જર્મની સાથેનો આ ગાઢ સહયોગ તેનું તાજું ઉદાહરણ છે.

ફ્રેડરિક મર્જની આ યાત્રા અનેક રીતે ઐતિહાસિક ગણાઈ રહી છે. મે 2025માં ચાન્સલર બન્યા બાદ તેમની આ પ્રથમ એશિયા મુલાકાત છે અને NATO તથા EU બહારની પ્રથમ દ્વિપક્ષીય યાત્રા પણ છે. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, પતંગ મહોત્સવમાં ભાગ લીધો અને વડાપ્રધાન મોદી સાથે લાંબી દ્વિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ MoU પર સહી થવાની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે.

સૌથી ચર્ચાસ્પદ અને મહત્વપૂર્ણ કરાર રક્ષા ક્ષેત્રમાં થયો છે. આશરે 70,000 કરોડ રૂપિયાનું Project-75I સબમરીન કરાર ભારત માટે ઐતિહાસિક માનવામાં આવે છે. જર્મનીની ThyssenKrupp Marine Systems અને ભારતની Mazagon Dock Shipbuilders મળીને 6 અદ્યતન AIP સજ્જ સ્ટેલ્થ સબમરીન ભારતમાં જ બનાવશે. આ ડીલ હેઠળ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર થશે, જે અત્યાર સુધી કોઈ યુરોપિયન દેશે ભારતને આપ્યો નથી.

આ કરાર માત્ર ભારતીય નૌકાદળની શક્તિ વધારશે એવું નથી, પરંતુ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ મજબૂત બનાવશે. ચીન અને પાકિસ્તાન તરફથી ઉભા થતા દરિયાઈ પડકારો સામે ભારત વધુ સક્ષમ બનશે. સાથે જ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ મોટો વેગ મળશે.

રક્ષા સિવાય સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, બેટરી ટેકનોલોજી અને માઈગ્રેશન જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર સહમતિ બની છે. આ કરારો થવાથી ભારતની ચિપ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જી ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ શકે છે. સાથે જ જર્મનીમાં ભારતીય કુશળ કામદારો માટે રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.

જર્મની EU–India Free Trade Agreementને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા માટે પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. EUના 27 દેશોને આવરી લેતું આ કરાર ભારત માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. જર્મની પહેલેથી જ ભારતનો યુરોપમાં સૌથી મોટો વેપાર સાથીદાર છે અને FTA થવાથી વેપારનું કદ અનેક ગણું વધશે. જર્મન નેતૃત્વે ભારતને “partner of choice” ગણાવીને તેની વ્યૂહાત્મક મહત્વતા સ્પષ્ટ કરી છે.

વિશ્લેષકોનું માનવું છે કે આ સમગ્ર ઘટના ટ્રંપ યુગની ‘America First’ નીતિઓ સામે ભારત અને યુરોપની સંયુક્ત પ્રતિક્રિયા છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે કોઈ એક શક્તિ પર નિર્ભર નહીં રહે. ફ્રાન્સ, જર્મની, ઇઝરાઇલ અને યુરોપિયન યુનિયન સાથે વધતો સહયોગ ભારતની ‘મલ્ટી-અલાઇનમેન્ટ’ નીતિની સફળતા દર્શાવે છે.

મોદી–મર્જ મુલાકાતે એ પણ સંકેત આપ્યો છે કે વૈશ્વિક વ્યવસ્થામાં હવે નવી ભાગીદારીઓ ઊભી થઈ રહી છે. અમેરિકા અને ચીનની વચ્ચે સંતુલન સાધતી એક નવી શક્તિ તરીકે ભારત અને યુરોપ સાથે મળીને આગળ વધવા તૈયાર છે. આ બદલાતી વૈશ્વિક રાજનીતિમાં અમદાવાદથી ઊઠેલો આ સંદેશ ઘણો દૂર સુધી ગુંજશે.

NSEનો પતંગ સાથે રોકાણકાર માટે જાગૃતિનો સંદેશ

રાજકોટ: આ વખતે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ (IKF) ૨૦૨૬માં NSEએ ઉત્તરાયણના ભાગરૂપે પતંગ ઉડાડવાના પ્રતીકને રોકાણ સાથે જોડીને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. પતંગ ઉડાડવો એ આકાંક્ષા, સંતુલન, સાવધાની અને દૂરદર્શિતાનું પ્રતીક છે. જે સ્માર્ટ રોકાણ અને રોકાણકારની સુરક્ષાના સિદ્ધાંતો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) રોકાણકાર જાગૃતિ, નાણાકીય સાક્ષરતા અને સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર સુરક્ષાને પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય ગણે છે. NSEએ રોકાણકારનું શિક્ષણ, જાગૃતિ કાર્યક્રમો અને મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા ભારતમાં સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસપાત્ર રોકાણ માટેના વાતાવરણ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.NSEના એમ.ડી. એન્ડ સી.ઈ.ઓ. અશીષકુમાર ચૌહાણે જણાવ્યું કે, “પતંગને ઊંચે ઉડાવવા માટે સંતુલન અને મજબૂત દોરીની જરૂર પડે છે. તેવી જ રીતે રોકાણમાં શિસ્ત અને જાણકારીપૂર્વકના નિર્ણયોની જરૂરી છે. NSE આ સાંસ્કૃતિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખાસ કરીને નવા અને રિટેલ રોકાણકારો સુધી સરળ અને આકર્ષક રીતે જાગૃતિ સંદેશ પહોંચાડશે.”આ અભિયાન હેઠળ IKF ૨૦૨૬માં NSEનો વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જ્યાં રોકાણકાર જાગૃતિ સંદેશા સાથે મફત પતંગો વિતરિત કરવામાં આવી રહ્યા છે. રોકાણકારોના અધિકારો, ફરિયાદ નિવારણ, છેતરપિંડી રોકથામ વગેરે વિશે સરળ માહિતી આપવામાં આવી અને મુલાકાતીઓ સાથે ઇન્ટરેક્ટિવ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.ગુજરાતમાં હાલમાં આશરે ૧.૧ કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે, જે ભારતમાં ત્રીજા ક્રમે છે અને દેશના કુલ રોકાણકારોના ૮.૭% છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતના રોકાણકારોનો આધાર ૧૭%થી વધુના CAGRથી વધ્યો છે. ૨૦૨૫માં જ ગુજરાતમાંથી ૧૦.૭ લાખથી વધુ નવા રોકાણકારો જોડાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓમાંથી ૫૫%થી વધુ નવા રજિસ્ટ્રેશન થયા છે. ગુજરાતમાં મહિલા રોકાણકારોનો હિસ્સો ૨૮.૧% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૨૪.૭%થી વધુ છે. આ રીતે NSE ઉત્તરાયણના આ ભવ્ય ઉત્સવમાં નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપીને લોકોને સુરક્ષિત રોકાણ તરફ પ્રેરિત કરશે.

વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલની મોટી આગાહી

ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતને વાતાવરણને લઈને આગાહી કરી છે. પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોને કારણે હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો અને માનવસર્જિત કારણોની સાથે કુદરતી ફેરફારો પશ્ચિમી વિક્ષેપ પર અસર કરી રહ્યા છે.

બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.

હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું થવાની શક્યતા રહેશે.

IJFAના 50 વર્ષ પૂર્ણ થવા પર ગોલ્ડફેસ્ટનું આયોજન

અમદાવાદ: IJFAના 50 વર્ષ પૂર્ણ થવાના સિલ્વર જ્યુબિલી (ગોલ્ડન જ્યુબિલી) નિમિત્તે ગોલ્ડફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA) એ છેલ્લા પાંચ દાયકાઓથી અનોખી ઓળખ અને સારા સંબંધો કેળવ્યા છે. 1975માં સ્થાપના થયેલી આ સંસ્થા ગુજરાતને “ભારતનું મિની-જાપાન” બનાવવાના વિઝન અને મિશનમાં અગ્રેસર રહી છે.
હમામત્સુ-અમદાવાદ સિસ્ટર સિટી સંબંધ અને શિઝુઓકા પ્રીફેક્ચર-ગુજરાત સિસ્ટર સ્ટેટ પાર્ટનરશિપની પ્રથમ વર્ષગાંઠ છે. જે નિમિત્તે “GOLDFEST” નામનો સાંસ્કૃતિક ઉત્સવ 10થી 14 જાન્યુઆરી સુધી યોજાશે. આ ઉત્સવની ઔપચારિક શરૂઆત 10 જાન્યુઆરી 2026ના રોજ શનિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “પતંગ-ઓ-દોરી” નામના પ્રથમ જાપાની પતંગ પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થઈ. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે મુંબઈમાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલના કલ્ચરલ અફેર્સના કોન્સલ મેગુમિ શિમાડા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદમાં જાપાનના ઓનરરી કોન્સલ મુકેશ પટેલ તેમજ જાપાની પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ગોલ્ડફેસ્ટમાં શિઝુઓકા પ્રીફેક્ચર અને હમામત્સુ શહેરના પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યા છે. જાપાની પતંગો, સંગીત અને પરંપરાગત માચા (મેચા) સંસ્કૃતિને કેન્દ્રસ્થાને રાખીને આ ઉત્સવમાં ભારત-જાપાનના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવશે.હમામત્સુ જાપાનનું પતંગ ઉડાનનું કેન્દ્ર છે, જ્યારે અમદાવાદ ઉત્તરાયણના પ્રખ્યાત ઉત્સવ માટે જાણીતું છે – આ પ્રદર્શન બંને શહેરોની સમાન પતંગ સંસ્કૃતિને ઉજાગર કરશે.

બજેટ 2026: મધ્યમ વર્ગના કરદાતાઓ પર FMનું ખાસ ધ્યાન રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2020માં આવકવેરાની નવી રિજિમ રજૂ કરી હતી. એ  સાથે-સાથે તેમણે જૂની ટેક્સ રિજિમ પણ ચાલુ રાખી હતી. વ્યક્તિગત કરદાતાઓ પાસે જૂની અને નવી રિજિમમાંથી કોઈ એક પસંદ કરવાનો વિકલ્પ છે. શરૂઆતમાં નવી રિજિમ પ્રત્યે કરદાતાઓએ ખાસ રસ બતાવ્યો નહોતો, પરંતુ હવે મોટી સંખ્યામાં વ્યક્તિગત કરદાતાઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર સતત નવી રિજિમને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસો કરી રહી છે.

નવી રિજિમમાં કરદાતાઓની વધતી રસરુચિ

આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓની સંખ્યા હવે નવ કરોડથી વધુ થઈ ગઈ છે. એસેસમેન્ટ યર 2024-25માં 5.2 કરોડથી વધુ રિટર્ન નવી રિજિમ હેઠળ ફાઇલ કરવામાં આવ્યા હતા. નવી રિજિમમાં મોટા ભાગના એક્ઝેમ્પ્શન અને ડિડક્શન મળતા નથી, પરંતુ તેમાં ટેક્સના દર ઓછા છે. આ રિજિમ ખાસ કરીને તે વ્યક્તિગત કરદાતાઓ માટે લાભદાયી છે, જે ડિડક્શન અને એક્ઝેમ્પ્શનનો મોટો લાભ લેતા નથી.

નવી રિજિમના કરદાતાઓ માટે મોટા એલાન

નવી રિજિમને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 75,000 રૂપિયા કરી દીધું છે, જ્યારે જૂની રિજિમમાં આ ડિડક્શન 50,000 રૂપિયા છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ માત્ર નોકરિયાત લોકોને મળે છે. યુનિયન બજેટ 2025માં નાણાં મંત્રીએ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ-ફ્રી જાહેર કરી હતી. નોકરિયાત લોકોને હવે વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

 નાણાં મંત્રી કરી શકે છે વધુ રાહતોની જાહેરાત

એક્સપર્ટ્સનું માનવું છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારામન મધ્યમ વર્ગને રાહત આપવા માટે કેટલાંક વધારાનાં પગલાં લઈ શકે છે. નવી રિજિમમાં પણ ટર્મ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિડક્શનની મંજૂરી આપી શકે છે, જેથી મોટી સંખ્યામાં કરદાતાઓને લાભ મળશે. એ સાથે-સાથે ટેક્સ સ્લેબને મોંઘવારી સાથે જોડવામાં આવી શકે છે. આમ થવાથી મોંઘવારી વધે ત્યારે લોકો પર ટેક્સનો બોજ ઓછો પડશે અને ખાસ કરીને મધ્યમ વર્ગને મોટો લાભ થશે.

શું ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ તણાવ વચ્ચે ભારત આવશે ?

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે બંને દેશોના સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મિત્રતા સાચી, મજબૂત અને વિશ્વાસ પર આધારિત છે.

સર્જિયો ગોરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર વ્યાપારિક ફાયદા પૂરતા સીમિત નથી, પરંતુ તે લાંબા ગાળાના સહકાર અને પરસ્પર સમજ પર ટકેલા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સચ્ચા મિત્રોમાં મતભેદ થઈ શકે છે, પરંતુ અંતે તે ઉકેલાઈ જ જાય છે.

ટ્રમ્પની ભારત મુલાકાત અંગે તેમણે સંકેત આપતાં જણાવ્યું કે આગામી એક કે બે વર્ષમાં અમેરિકી રાષ્ટ્રપતિ ભારત આવી શકે છે. તેમણે હાસ્યસભર અંદાજમાં કહ્યું કે ટ્રંપ ઘણી વખત રાત્રે 2 વાગ્યે ફોન કરે છે, જે નવી દિલ્હી માટે અનુકૂળ સમય બની જાય છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે રાજદૂતે કહ્યું કે બંને દેશો વચ્ચે સક્રિય ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ એક બેઠક યોજાવાની છે. વેપાર ઉપરાંત સુરક્ષા, ઊર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ અને આતંકવાદ સામે લડત જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધારવામાં આવી રહ્યો છે.

સર્જિયો ગોરે ભારત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે આવતા મહિને ભારતને PaxSilicaમાં પૂર્ણ સભ્યપદ માટે આમંત્રણ મળશે. આ પહેલનો હેતુ સેમિકન્ડક્ટર, AI, ઊર્જા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં સુરક્ષિત સપ્લાય ચેન ઉભી કરવાનો છે.

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસઃ નિમણૂક પ્રક્રિયા પર કાનૂની જંગ શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (ECI)ને એક નોટિસ ફટકારી છે. આ નોટિસ તે અરજીને આધારે આપવામાં આવી છે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનો (ECs)ને પ્રોસિક્યુશનમાંથી ‘આજીવન મુક્તિ’ આપતા નવા કાયદાને પડકારવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટ આ ગંભીર બંધારણીય પ્રશ્નની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

‘આજીવન સુરક્ષા’ પર વિવાદ

આ અરજીમાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ અધિનિયમ, 2023’ની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદો CEC અને ECsને તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કોઈ પણ કાર્ય માટે નાગરિક અને ફોજદારી કાર્યવાહીમાંથી જીવનભર માટે સુરક્ષા આપે છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે બંધારણ રચનાકારોએ આવી વ્યાપક સુરક્ષા તો ન્યાયાધીશોને પણ આપી નથી. તો પછી સંસદ કેવી રીતે એવું ‘કવચ’ આપી શકે, જે અન્ય બંધારણીય ઉચ્ચ અધિકારીઓ પાસે પણ નથી?

નિમણૂક સમિતિ પર પણ પ્રશ્નો

આ અરજીમાં તે ફેરફારને પણ પડકારવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી કમિશનરોની પસંદગી કરતી સમિતિમાંથી CJIને બહાર રાખવામાં આવ્યા છે. 2023ના કાયદા મુજબ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રધાન મંત્રી દ્વારા નામિત એક કેન્દ્રિય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ કાર્યકર જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે CJIને દૂર કરીને કેબિનેટ મંત્રીને સામેલ કરવાથી પસંદગી પ્રક્રિયામાં સરકારનું પલડું ભારે થઈ જાય છે, જે નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંત અને ચૂંટણી પંચની સ્વતંત્રતા વિરુદ્ધ છે.

 સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સંસદ

આ મામલો ન્યાયિક અને વિધાનસભાકીય શક્તિઓ વચ્ચેના ટકરાવ સાથે જોડાયેલો છે. માર્ચ, 2023ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સંસદ કોઈ કાયદો ન બનાવે ત્યાં સુધી નિમણૂકો વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને CJIની નિષ્પક્ષ પેનલ દ્વારા થવી જોઈએ. ડિસેમ્બર, 2023માં સરકારે શિયાળુ સત્ર દરમિયાન નવો કાયદો પસાર કર્યો અને પેનલમાંથી CJIને દૂર કરી દીધા. વિરોધ પક્ષે તેને કોર્ટના આદેશની ભાવનાને કચડવાનું પગલું ગણાવ્યું હતું.

આજના સંકટભર્યા યુગમાં દાદા લેખરાજના સિદ્ધાંતોની પ્રાસંગિકતા

અમદાવાદ: વિશ્વ જ્યારે અશાંતિ, સંઘર્ષ, માનસિક તણાવ અને મૂલ્યહ્રાસના યુગમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે બ્રહ્માકુમારી સંસ્થાના સાકારી સંસ્થાપક દાદા લેખરાજ (બ્રહ્મા બાબા) દ્વારા આપેલ આધ્યાત્મિક દૃષ્ટિ આજે વધુ પ્રાસંગિક બની છે. 18મી જાન્યુઆરી દાદા લેખરાજનો 57મો અવ્યક્ત દિવસ —જે માત્ર એક સ્મૃતિ દિવસ નહીં, પરંતુ માનવજાત માટેના તેમના દુરદર્શી વિચારોને ફરી વિચારવાનો અવસર છે.


દાદા લેખરાજ કોઈ સામાન્ય સમાજસુધારક નહોતા. તેઓ એક સફળ હીરાના વેપારી હતા, પરંતુ પરમાત્મા દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમજ આંતરિક જાગૃતિએ તેમને ભૌતિક સફળતાથી આધ્યાત્મિક પરિવર્તન તરફ દોરી ગયા. તેમણે જીવનમાં અનુભવી લીધું કે સાચો વિકાસ બાહ્ય સમૃદ્ધિમાં નહીં, પરંતુ આત્મિક શુદ્ધતા અને ચેતનાના પરિવર્તનમાં છે. પરમાત્મા શિવ દ્વારા કરાયેલા સાક્ષાત્કારના આધારે તેમણે ભવિષ્યની પરિસ્થિતિઓને ઓળખી અને માનવ સમાજને નવીદિશા આપવાના સિદ્ધાંતો રજૂ કર્યા.

દાદા લેખરાજે આપેલા મુખ્ય સિદ્ધાંતોમાં આત્મજ્ઞાન, પરમાત્મા શિવ પિતાને યાદ કરવાની વિધિ અર્થાત રાજયોગ મેડિટેશન, પવિત્રતા, અહિંસા, સર્વપ્રત્યે સન્માન અને વિશ્વ બંધુત્વનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે આવનારા સમયમાં માનવીને સૌથી મોટો સંઘર્ષ બાહ્ય નહીં પરંતુ આંતરિક હશે—મન, વિચાર અને સંબંધોના સ્તરે. આજે વિશ્વમાં વધતો તણાવ, અવસાદ, યુદ્ધો અને પર્યાવરણીય અસંતુલન તેમની આગાહીનો સાક્ષી પુરાવો આપે છે.
આ આધ્યાત્મિક દૃષ્ટિ પરથી જ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ. એક એવી સંસ્થા, જે કોઈ જાતિ, ધર્મ કે દેશની સીમામાં બંધાયેલી નથી, પરંતુ સમગ્ર માનવજાતને એક કુટુંબ તરીકે જોવાની ભાવનાને પ્રસારિત કરે છે.

દાદા લેખરાજનું એક અદ્વિતીય યોગદાન હતું મહિલાઓનું સશક્તિકરણ. જ્યારે સમાજમાં સ્ત્રીઓને નિર્ણયશક્તિ આપવાની કલ્પના પણ દુર્લભ હતી, ત્યારે તેમણે બહેનોને નેતૃત્વ સોંપ્યું. આજે આ જ દૃષ્ટિનું પરિણામ છે કે વિશ્વના 140થી વધુ દેશોમાં, આશરે 5,500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ ફેલાઈ રહી છે અને તેમાં 50,000થી વધુ બ્રહ્માકુમારી બહેનો તેમજ 10,000થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ સંપૂર્ણ સમર્પણ સાથે સેવા આપી રહ્યા છે.

આ ભાઇ-બહેનો માત્ર આશ્રમમાં સીમિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, વહીવટ, પોલીસ, સૈન્ય, રાજકારણ અને કોર્પોરેટ ક્ષેત્ર સુધી માનસિક શાંતિ અને મૂલ્યઆધારિત જીવનનો સંદેશ લઈ જઈ રહ્યા છે. સંસ્થા દ્વારા ભારતના છેવાડાના ગામડાઓમાં અભિયાન દ્વારા લાખો વ્યક્તિઓને વ્યસનથી મુક્ત કર્યા છે. સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપી છે. રાજયોગ ધ્યાન દ્વારા વ્યક્તિને અંદરથી મજબૂત બનાવવાનો આ પ્રયાસ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે.

57મો અવ્યક્ત દિવસના આ પાવન અવસરે દાદા લેખરાજનું જીવન આપણને એક જ સંદેશ આપે છે— વિશ્વ પરિવર્તન પહેલાં સ્વ-પરિવર્તન જરૂરી છે. જો આજનો માનવી તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે, તો વર્તમાન સંકટ પણ સંભાવનામાં પરિવર્તિત થઈ શકે છે. દાદા લેખરાજ આજે વ્યક્ત સ્વરૂપે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના વિચારો, સંકલ્પ અને સંસ્થાના માધ્યમથી તેઓ આજે પણ વિશ્વને શાંતિ, પવિત્રતા અને આશાના માર્ગે દોરી રહ્યા છે.

 ઉદગમ સુર પ્રભાતમાં સવારના રાગોની પ્રસ્તુતિ

અમદાવાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્સંધન સારું એકમાત્ર ઉદગમ ટ્રસ્ટ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરે છે. શાસ્ત્રીય સંગીતના આરાધક ગાંધીનગરના યુવા કલાકારોને મંચ પૂરો પાડવાના આશયથી ઉદગમ દ્વારા ઉદગમ સુર પ્રભાતની શરૂઆત કરવામાં આવી.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ સુર પ્રભાત – ધ મોર્નિંગ રાગ કોન્સર્ટ”નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રભાત સંગીત કાર્યક્રમ 11 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયો હતો.

ઉદગમ સુર પ્રભાત કાર્યક્રમમાં ગાંધીનગરના યુવા ગાયક કંદર્પ શુક્લાએ અનેક રાગ પર આધારિત ગીતો રજૂ કર્યા. પ્રારંભ રાગ આહિર ભૈરવ: મેરી અરજ સુન લી જે દિન દયાલ…થી કર્યો. ત્યારબાદ અલબેલા સજન આયો રે…થી વૃંદાવનની સારંગ: ટ્રેડિશનલ બંદીશ: બન બન ઢુંઢન જાઊં… રજૂ કરી. ત્યારબાદ મરાઠી અભંગ: હરિ મહણા તુંમી ગોવિંદ મ્હાના હરિ નારાયણ, પ્રભાતિયા : રાગ માંડ પર..જાગને જાદવા અખંડ રોજી, ઓધાજી મારા વાલા ને.., રાગ ભોપાલી: ઓમ નમઃ શિવાય, માંડ મિશ્રિત ખમાજ: રામસભામાં અમે રમવાને ગ્યાતા અને જાગોને અલબેલા કાના…. રજૂ કર્યાં. થોડાંક વિરામ સમયે: સચિન મોદીએ વાંસળીની ધૂન પર મારા ઘટમાં બિરાજતા અને કૃષ્ણ સીરીયલનું ટાઈટલ મ્યુઝિક, હનુમાનજીની ક્લાસિકલ સ્તુતિ રાગ જોગ પર હનુમાનલલા, મેરે પ્યારે લલા.., પ્રેક્ષકની પસંદ : રાગ કેદાર: દર્શન દો ઘનશ્યામ, અંતમાં ક્લાસિકલ રામધૂન રામ જય રામ જય જય રામ રજૂ કર્યા હતા.

કંદર્પ શુક્લની સાથે મોહિત વિશ્વકર્મા – હાર્મોનિયમ પર, સાહિલ ચૌહાણ – તબલા પર, સત્યમ કાનાબાર – મંજીરા પર, સચિન મોદી – વાંસળીની સાથે ભક્તિ, શાસ્ત્રીય સંગીત તથા પ્રભાતમાં ગવાતા રાગની રજૂઆત કરી હતી. પ્રભાતના શાંત અને પવિત્ર વાતાવરણમાં રજૂ થયેલા સંગીતથી ઉપસ્થિત શ્રોતાઓએ આત્મિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

ઉદગમ સુર પ્રભાતના અંતે ઉદગમના મે. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આવી અદભૂત પ્રસ્તુતિ બદલ કલાકારો અને સહુ ઉપસ્થિતિ શ્રોતાઓનો આભાર માન્યોં હતો. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મહેતાએ કર્યું અને સમગ્ર સફળ બનાવવા દીપાંશ છાબડા, વાગ્મી જોષી, કિરાત જોષી, કૃણાલ વાઘેલા એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ચાણક્ય જોષી, દીક્ષિતા જોષી, અનિતા ચાવડા, શરદ વ્યાસ, ડો. રાજેન્દ્ર જોષી, પન્નાબેન જોષી વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.