
વિશ્વ હિંદી દિવસ પર ભારત-જાપાન મિત્રતાનો મજબૂત અવાજ
૮૪ વર્ષીય જાપાની વિદ્વાન, ભાષાવિદ્ અને ઓસાકા યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ પ્રો. મિઝોકામીએ પોતાનું આખું જીવન હિંદી તેમજ છ અન્ય ભારતીય ભાષાઓના અભ્યાસ, શિક્ષણ અને પ્રચારમાં સમર્પિત કર્યું છે. તેમના આ યોગદાન માટે ભારત સરકારે વર્ષ ૨૦૧૮માં તેમને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કર્યા હતા.
ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (આઈ.સી.સી.આર.) દ્વારા આયોજિત વિશ્વ હિંદી દિવસ કાર્યક્રમમાં બોલતાં આઈ.સી.સી.આર.ના મહાનિર્દેશક કે. નંદિની સિંગલાએ કહ્યું, “પ્રોફેસર તોમિયો મિઝોકામી ભારત અને જાપાન વચ્ચેની સાંસ્કૃતિક મિત્રતાનું જીવંત પ્રતીક છે. હિંદી અને ભારતીય ભાષાઓ માટે તેમનું સમર્પણ એ સાબિત કરે છે કે ભાષા દેશો વચ્ચેના સંબંધોનો સૌથી મજબૂત આધાર હોય છે.
”પ્રો. મિઝોકામીનું યોગદાન જાપાનમાં હિંદી, પંજાબી તેમજ અન્ય ભારતીય ભાષાઓને શૈક્ષણિક ઓળખ આપવામાં ઐતિહાસિક રહ્યું છે. તેમના પ્રયાસોથી જાપાનની યુનિવર્સિટીઓમાં ભારતીય ભાષાઓનું અધ્યયન શરૂ થયું અને ભારતની સંસ્કૃતિ, સાહિત્ય તેમજ દર્શનને નવી ઓળખ મળી.”
વિશ્વ હિંદી દિવસના મંચ પર પોતાના વિચાર વ્યક્ત કરતાં પ્રો. મિઝોકામીએ કહ્યું, “ભારતને સમજવા માટે હિંદીને સમજવી જરૂરી છે. હિંદી માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, સમાજ અને વિચારધારાને જાણવાની ચાવી છે.” તેમણે આગળ કહ્યું, “હિંદીમાં એવી શક્તિ છે કે એક દિવસ તે સંયુક્ત રાષ્ટ્રની આધિકારિક ભાષા બને. જેમ હિંદી કરોડો લોકોની અવાજ છે, તેમ આવનારા સમયમાં હિંદી સાહિત્યને નોબેલ પુરસ્કાર જેવી વૈશ્વિક માન્યતા પણ મળશે.”
પ્રો. તોમિયો મિઝોકામી હાલ આઈ.સી.સી.આર.ના વિશેષ આમંત્રણ પર ભારત પ્રવાસ પર છે અને તેઓ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ભારતમાં રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ, શોધાર્થીઓ અને ભાષા પ્રેમીઓ સાથે સંવાદ કરશે. વિશ્વ હિંદી દિવસ પર તેમની હાજરીએ એ સ્પષ્ટ સંદેશ આપ્યો કે હિંદી માત્ર એક ભાષા નથી, પરંતુ દેશો અને સંસ્કૃતિઓને જોડનારો પુલ છે—અને પ્રોફેસર તોમિયો મિઝોકામી તે પુલના સૌથી મજબૂત સ્તંભોમાંના એક છે.‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ
ગીર સોમનાથ: ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની વિભાવના ચરિતાર્થ કરવામાં આવી રહી છે. શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
જેના રૂટ પર કુલ ૨૦ જેટલાં સ્ટેજ પર કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની કૃતિ રજૂ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે શૌર્ય યાત્રાના રૂટ પર યક્ષગાન, કૂચિપુડી નૃત્ય મણિયારો રાસ, ભરત-નાટ્યમ સહિત વિવિધતામાં એકતા દર્શાવતા રાજ્યભરના કલાકારો દ્વારા રજૂ થતાં અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતાં.
EDની દરોડાની કાર્યવાહી મામલે મમતા સરકારે સુપ્રીમમાં ધા નાખી
નવી દિલ્હીઃ તપાસ એજન્સી ED દ્વારા રાજકીય સલાહકાર કંપની I-PACના કોલકાતા સ્થિત ઓફિસ પર કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી મામલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરી છે. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરવાનો અર્થ એ થાય છે કે કોઈ પણ નિર્ણય લેવાથી પહેલાં સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે.
I-PACના ઓફિસે પહોંચ્યાં હતાં મમતા બેનર્જી
ED દ્વારા I-PACના ઓફિસ પર દરોડા પાડવામાં આવતાં કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય માહોલ ગરમાયો છે. ગુરુવારે મમતા બેનર્જી પહેલા I-PACના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને અને ત્યાર બાદ સોલ્ટ લેક સ્થિત ઓફિસ પર પહોંચી હતી. મુખ્ય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ED, TMCના ચૂંટણી સંબંધિત સંવેદનશીલ ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતાએ ED પર પોતાની અધિકાર સીમા બહાર જઈને કાર્યવાહી કરવાનો આરોપ પણ મૂક્યો છે.
બીજી તરફ, EDએ કોલકાતા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જી દરોડા દરમિયાન સ્થળ પર પહોંચી અને મહત્વના પુરાવા—જેમાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામેલ છે—પોતાની સાથે લઈ ગયાં હતાં. TMCએ પણ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું
I-PACએ જણાવ્યું છે કે તે EDને સંપૂર્ણ સહયોગ આપશે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર જારી કરાયેલા નિવેદનમાં I-PACએ કહ્યું હતું કે EDના અધિકારીઓએ અમારી ઓફિસ અને અમારા ડિરેક્ટર પ્રતીક જૈનના કોલકાતા સ્થિત ઘરની તપાસ કરી હતી. I-PAC જેવી પ્રોફેશનલ સંસ્થા માટે આ એક ખૂબ જ ખરાબ દિવસ હતો.
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યાઃ બેરહમીથી માર, પછી ઝેર પિવડાવ્યું
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા કરવામાં આવી છે. જોય મહાપાત્રો નામના એક હિંદુ યુવકને પહેલાં બેરહમીથી માર મારવામાં આવ્યો અને એ પછી તેને ઝેર પિવડાવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હિંદુઓ પર થતા હુમલાઓ અટકવાનું નામ લઈ રહ્યા નથી. છેલ્લા 18 દિવસમાં બાંગ્લાદેશમાં સાત હિંદુ પુરુષોની હત્યા થઈ ચૂકી છે.
સુનામગંજ જિલ્લાના દિરાઈ ઉપઝિલાના ભંગદોહોર ગામમાં 8 જાન્યુઆરીએ જોય મહાપાત્રો નામના એક હિંદુ યુવકની હત્યા કરવામાં આવી. પરિવારજનોના જણાવ્યા અનુસાર જોયને પહેલાં માર મારવામાં આવ્યો હતો અને બાદમાં અમીરુલ ઇસ્લામ નામના એક સ્થાનિક મુસ્લિમે તેને ઝેર આપ્યું હતું. ત્યાર બાદ સિલહટ એમએજી ઉસ્માની મેડિકલ કોલેજ હોસ્પિટલના ICUમાં તેનું મોત થયું.
બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓમાં થયેલો વધારો ફરી એક વાર એ વાત સ્પષ્ટ કરે છે કે જ્યારે પણ સરકારની પકડ નબળી પડે છે, ત્યારે હિંદુ અલ્પસંખ્યકો સામે હિંસા વધે છે.
કઠોર કાર્યવાહી જરૂરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો તેમ જ તેમનાં ઘરો અને વ્યવસાયો પર અતિરેકવાદીઓ દ્વારા વારંવાર થઈ રહેલા હુમલાઓની ચિંતાજનક શ્રેણી જોઈ રહ્યા છીએ. આવી સાંપ્રદાયિક ઘટનાઓ સામે તરત અને કઠોર રીતે કાર્યવાહી કરવી જરૂરી છે. અમે આવી ઘટનાઓને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા બાહ્ય કારણો સાથે જોડવાની એક ચિંતાજનક પ્રવૃત્તિ પણ જોઈ છે. આવી અવગણનાથી ગુનેગારોના હિંમત વધે છે અને અલ્પસંખ્યકોમાં ભય તથા અસુરક્ષાની ભાવના વધુ ઘેરી બને છે.
સાંપ્રદાયિક હિંસાની 51 ઘટનાઓ નોંધાઈ
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ (BHB CUC) એ ગયા મહિને જ સાંપ્રદાયિક હિંસાની 51 ઘટનાઓ નોંધાવી હતી. તેમાં 10 હત્યાઓ, ચોરી અને લૂંટના 10 કેસ, તેમ જ ઘરો, વેપારી પ્રતિષ્ઠાનો અને મંદિરો પર કબજો, લૂંટફાટ અને આગજનીની 23 ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ચાર વધુ હિંદુઓની હત્યા થઈ ચૂકી છે, જેને કારણે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા વધીને 14 થઈ ગઈ છે.
સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રદ્ધાળુઓ
ગીર સોમનાથ: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 9 જાન્યુઆરીની રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો.
સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સૂરલહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાથી ભરપૂર બનાવી દીધુ હતું. આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં ગાયક કીર્તિ સાગઠીયા તથા લોકગાયક કરશન સાગઠિયાની જોડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. દરેક રચનાએ ભક્તિ, સંસ્કૃતિ અને લોકભાવનાનો સંગમ સર્જ્યો હતો.
સાથે જ કલાકાર હાર્દિક દવેએ શિવ સ્તુતિ, શિવ ભજન અને પાનબાઈના ભજનની રંગત જમાવી હતી, જેમાં એકતારાના સૂરે અલગ જ ભક્તિમય માહોલ બાંધ્યો હતો. કાર્યક્રમના અંતમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોક સાહિત્યના વિવિધ રસની શૈલીમાં રજૂઆત કરી હતી. જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને માણી હતી. રાજભા ગઢવીએ સોમનાથના ઐતિહાસિક પ્રસંગો રજૂ કર્યા હતા. જેનાથી માહોલમાં શિવભક્તિ અને દેશભક્તિનું અદભૂત સંયોજન જોવા મળ્યું હતું.
સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોએ એક અલૌકિક અનુભૂતિ માણી હતી. સંગીતની સૂરલહેરીઓ સાગરની લહેરોમાં ગૂંજી ઉઠી હતી અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને વધુ ગૌરવસભર અને સ્મરણિય બનાવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રસ્તુતિકરણ થયું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ડો.પ્રદુમનભાઈ વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, શિવાભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
I-PAC પર EDનો આરોપઃ કોલસા કૌભાંડનાં નાણાં ગોવા મોકલાયાં
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સહિત અનેક રાજકીય પક્ષો માટે કામ કરતી કન્સલ્ટન્સી ફર્મ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) એ વર્ષ 2021થી 2022 દરમિયાન ગોવામાં “અપરાધથી કમાયેલા 20 કરોડ રૂપિયા”નો ઉપયોગ કર્યો હોવાનો આરોપ EDએ શુક્રવારે કલકાત્તા હાઇકોર્ટમાં દાખલ કરેલી એક રિટ અરજીમાં લગાવ્યો છે.
EDના જણાવ્યા મુજબ આ “અપરાધની આવક” પશ્ચિમ બંગાળમાં સંગઠિત સિન્ડિકેટ દ્વારા કરાયેલી ગેરકાયદે કોલસા ખનનમાંથી આવી હતી, જેના કથિત નેતા અનુપ માજી હતા. એજન્સીએ જણાવ્યું હતું કે આ રકમ કોલકાતાની ફર્મ આર. કાંતિલાલ તથા અન્ય અનેક હવાલા ઓપરેટરો મારફતે ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ I-PAC તથા તેના નિર્દેશક પ્રતીક જૈન સુધી પહોંચી હતી, જેથી 2022માં ચૂંટણી ધરાવતા તટીય રાજ્ય ગોવામાં તેનો ઉપયોગ કરી શકાય. ગુરુવારે EDએ પ્રતીક જૈનના નિવાસસ્થાન તથા 2019થી પશ્ચિમ બંગાળની સત્તારૂઢ TMCને કન્સલ્ટન્સી સેવાઓ આપતી ફર્મના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા.
દરોડાની ખબર બહાર આવતા જ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી કોલકાતામાં જૈનના ઘેર અને I-PACના ઓફિસે પહોંચી ગયાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે ED આ વર્ષમાં થનારી રાજ્ય ચૂંટણી પહેલાં તેમની પાર્ટીની પ્રવૃત્તિઓ અને યોજનાઓ અંગે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. EDએ નિવેદન જાહેર કરીને આ આરોપોનો ઇનકાર કર્યો હતો. ED અને TMC બંનેની અરજીઓ શુક્રવારે હાઇકોર્ટમાં સૂચિબદ્ધ હતી, પરંતુ હોબાળાને કારણે સુનાવણી થઈ શકી નહોતી. હવે સુનાવણી 14 જાન્યુઆરી માટે નક્કી કરવામાં આવી છે.
I-PAC સામે EDના આરોપો
EDની તપાસની શરૂઆત CBIના તે કેસથી થઈ હતી, જે ઉદ્યોગપતિ અનુપ માજી અને ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ (કોલ ઈન્ડિયાની સહાયક કંપની)ના અનેક અધિકારીઓ સામે દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પશ્ચિમ બંગાળમાં લીઝ પર લેવાયેલા વિસ્તારોમાં ગેરકાયદે કોલસા ખનન અને ચોરીના આરોપો છે. EDના જણાવ્યા મુજબ આ કોલસા બાંકુરા, બર્ધમાન, પુરુલિયા અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવેલી વિવિધ ફેક્ટરીઓ અને પ્લાંટ્સને વેચવામાં આવ્યા હતા.
EDએ જણાવ્યું હતું કે તપાસમાં ખુલાસો થયો છે કે કોલસા તસ્કરી સિન્ડિકેટ દ્વારા અંદાજે 25.51 લાખ મેટ્રિક ટન કોલસાનું ગેરકાયદે ખનન કરવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 1114.35 કરોડ રૂપિયા થાય છે. એજન્સીએ આરોપ લગાવ્યો કે માજીના નેતૃત્વવાળા આ સિન્ડિકેટે ડિસેમ્બર 2017થી ઓક્ટોબર 2020 દરમિયાન 2742.32 કરોડ રૂપિયાની અપરાધિક આવકની કમાણી કરી હતી.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર બ્રિટિશ સાંસદે આક્રોશ વ્યક્ત કર્યો
બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે બ્રિટિશ સરકારને આ મામલે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.

બ્રિટિશ સંસદ સભ્ય અને વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ બાબતોના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રીતિ પટેલે બાંગ્લાદેશની પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી. દક્ષિણ એશિયાઈ દેશમાં ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે હાકલ કરતા, તેમણે યુકે સરકારને બાંગ્લાદેશમાં સ્થિરતા લાવવા અને એવા ભવિષ્ય તરફ કામ કરવા વિનંતી કરી જ્યાં ધાર્મિક સ્વતંત્રતા સુરક્ષિત હોય અને હિન્દુઓ સુરક્ષિત હોય.
બ્રિટિશ વિદેશ સચિવને પત્ર
બ્રિટિશ વિદેશ સચિવને લખેલા પત્રમાં, પટેલે જણાવ્યું હતું કે 18 દિવસના સમયગાળામાં ઓછામાં ઓછા છ હિન્દુઓની હત્યાના અહેવાલો આવ્યા છે. તેમણે આ સ્તરના અત્યાચાર અને હિંસાને અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે યાદ કર્યું કે ડિસેમ્બર 2024માં, તત્કાલીન ઇન્ડો-પેસિફિક મંત્રીએ કહ્યું હતું કે તેમણે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. પટેલે બ્રિટિશ સરકારને પૂછ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિંસામાં થયેલા હાલના વધારા અંગે ચર્ચા કરવા માટે તેમણે બાંગ્લાદેશી અધિકારીઓ સાથે કયો સીધો સંપર્ક કર્યો છે.
પ્રીતિ પટેલે પત્રમાં લખ્યું, “હિંસામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, શું તમે વર્ણન કરી શકો છો કે છેલ્લા એક વર્ષમાં કયા દેખરેખ અને પ્રતિનિધિત્વના પગલાં લેવામાં આવ્યા છે? શું તમે વર્ણન કરી શકો છો કે હિંસામાં થયેલા હાલના વધારા અંગે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તમે અને તમારા મંત્રીઓએ બાંગ્લાદેશી અધિકારીઓ અને તમારા સમકક્ષો સાથે કયો સીધો સંપર્ક કર્યો છે? હિન્દુ સમુદાયોને હિંસા અને હુમલાઓથી બચાવવા માટે લેવામાં આવતા પગલાં વિશે તમને શું ખાતરી મળી છે? શું તમે આ બાબતો પર યુકેમાં બાંગ્લાદેશના હાઇ કમિશનર સાથે વાત કરી છે?”
સાંસદે યુકે સરકારને પ્રશ્નો પૂછ્યા
સાંસદ પ્રીતિ પટેલે યુકે સરકારને પૂછ્યું કે તે બાંગ્લાદેશને સ્થિર કરવા અને લઘુમતીઓ માટે સન્માન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રદેશમાં ભાગીદારો સાથે શું કરી રહી છે. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ સામે હિંસામાં વધારો જોવા મળ્યો છે, જેનાથી વિશ્વભરના લોકો અને અસંખ્ય માનવાધિકાર સંગઠનો ગુસ્સે થયા છે.
7 મહિનામાં 100 થી વધુ મૃત્યુ
આ દરમિયાન, હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM) એ દેશભરમાં લઘુમતીઓ પર વધતા હુમલાઓનું નિરીક્ષણ કર્યું છે. એજન્સીએ છેલ્લા 7 મહિનામાં 100 થી વધુ મૃત્યુનું દસ્તાવેજીકરણ કર્યું છે. માનવાધિકાર સંગઠને આરોપ લગાવ્યો છે કે હિંસા એકલ-અસલ ઘટનાઓને બદલે લઘુમતીઓને લક્ષ્ય બનાવવાની રાષ્ટ્રવ્યાપી પેટર્નને પ્રતિબિંબિત કરે છે. 6 જૂન, 2025 અને 5 જાન્યુઆરી, 2026 ની વચ્ચે, બાંગ્લાદેશના તમામ આઠ વિભાગો અને 45 જિલ્લાઓમાં લિંચિંગ, હત્યા અને શંકાસ્પદ મૃત્યુ સહિત લઘુમતીઓના 116 મૃત્યુ નોંધાયા હતા. આ લક્ષિત અત્યાચારોનો રાષ્ટ્રવ્યાપી પેટર્ન છે.





આ અનુષ્ઠાન દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત વેદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બન્યું છે. મંત્રોચ્ચાર સાથે સાથે દરરોજ સાંજે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા છે. નમઃ શિવાય, ૐ નમઃ શિવાયની ધૂનથી સત્સંગ દરમિયાન સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું.

સત્સંગ કાર્યક્રમના આયોજનમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, બીનાબેન કોઠારી, કોર્પોરેટિો સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહી સહભાગી થયા હતા.
અબ્દુલ અહમદ શેખ કોણ છે? જેણે રામ મંદિરમાં નમાજ અદા કરવાનો કર્યો પ્રયાસ
અયોધ્યાઃ અયોધ્યામાં એક મુસ્લિમ યુવકે રામ મંદિર પરિસરમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો. આરોપીએ કથિત રીતે એક ખાસ સંપ્રદાય સાથે જોડાયેલા નારા પણ લગાવ્યા હતા. સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તરત જ યુવકને હિરાસતમાં લઈ લીધો હતો. સુરક્ષા એજન્સીઓ હાલ તેની પૂછપરછ કરી રહી છે.
મંદિર પરિસરની દક્ષિણ પ્રાચીર પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કરતી વખતે તેને પકડવામાં આવ્યો હતો. આ ઘટના આજે સવારે બની હતી. જિલ્લા પ્રશાસને આ મામલે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે, જ્યારે રામ મંદિર ટ્રસ્ટ તરફથી હજી સુધી આ ઘટનાને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આરોપી કથિત રીતે કાશ્મીરનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી યુવક કાશ્મીરનો નિવાસી છે અને તેની ઓળખ અહમદ શેખ તરીકે થઈ છે. જણાવવામાં આવે છે કે તે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રહે છે.
આરોપ છે કે તે દક્ષિણ પ્રાચીર વિસ્તારમાં સીતા રસોઈ નજીક નમાજ પઢી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ તેને હિરાસતમાં લઈ લીધો છે અને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસ આ મામલાની દરેક પાસેથી તપાસ કરી રહી છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આરોપી અયોધ્યા શા માટે આવ્યો હતો અને તેના ઇરાદા શું હતા, તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ સ્પષ્ટ હેતુ સામે આવ્યો નથી.
આ દરમિયાન, અયોધ્યા જિલ્લા પ્રશાસને રામ મંદિરના 15 કિલોમીટર વિસ્તારની અંદર માંસાહારી ભોજનની ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પંચકોશી પરિક્રમા વિસ્તારમાં આવતાં અયોધ્યા શહેર અને આસપાસના વિસ્તારોમાં ફૂડ ડિલિવરી કંપનીઓ દ્વારા માંસાહારી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો મળી હતી. અયોધ્યાના હોટેલ અને હોમસ્ટેને પણ તેમના મહેમાનોને કથિત રીતે માંસાહારી ભોજન અને દારૂ પીરસવાના આરોપસર ચેતવણી આપવામાં આવી છે.