Home Blog Page 324

બેકાબૂ લક્ઝરી કારે 16 લોકોને કચડ્યાઃ એકનું મોત

જયપુરઃ પત્રકાર કોલોની વિસ્તારમાં ખરબસ સર્કલ પાસે એક ઝડપી લક્ઝરી કારે પગપાળા ચાલતા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે 15 લોકો ઘાયલ થયા. ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને સારવાર માટે સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુવસાર કાર પહેલાં ડિવાઇડર સાથે અથડાઈ, ત્યાર બાદ બેકાબૂ બની ગઈ અને લગભગ 30 મીટરના વિસ્તાર સુધી રસ્તા કિનારે આવેલા સ્ટોલો અને ખાવા-પીવાના ઠેલાઓને ટક્કર મારતી આગળ વધતી રહી અને અંતે અટકી. આ ઘટનામાં અનેક ઊભી ગાડીઓ પણ નુકસાનગ્રસ્ત થઈ, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પોલીસના જણાવ્યાનુસાર કારમાં ચાર લોકો સવાર હતા અને બધા કથિત રીતે નશામાં હતા. એક વ્યક્તિની ધરપકડમાં કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા છે. ઉપરાંત, વાહન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જયપુરની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જેમાંથી આઠને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા અને કેટલાક લોકો પોતાના પરિવારજનો સાથે ઘરે પરત ફર્યા છે. આ દરમિયાન, ઘાયલોમાંના એક ભીલવાડા નિવાસી રમેશ બૈરવાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે જણાવ્યું હતું કે ચાર ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

SHOએ આપી માહિતી

SHO ગુરભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે લગભગ રાત્રે 9:30 વાગ્યે અમને અકસ્માતની માહિતી મળી. અનેક લોકો ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ હતી. માનવીય દૃષ્ટિકોણ અપનાવીને, ઘાયલોને તરત ખાનગી વાહનો, પોલીસ ચેતક વાન અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

CMએ અધિકારીઓને આપ્યા નિર્દેશ

મુખ્ય મંત્રી ભજનલાલ શર્માએ એક વ્યક્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા.

World Hindi Diwas: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ હિન્દી દિવસ?

વિશ્વ હિન્દી દિવસ 2026: વિશ્વ હિન્દી દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે, અહીં જાણોહિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. તે ફક્ત ભાષા વિશે જ નથી; લોકો માટે તેમની લાગણીઓ વ્યક્ત કરવી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમે ભારતમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ વિશે સાંભળ્યું હશે. જો કે, શું તમે વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day) વિશે જાણો છો? આ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? તેની પાછળના કારણો જાણીએ.

હિન્દી ફક્ત એક ભાષા નથી; તે વાતચીતનું એક માધ્યમ છે જેની સાથે દરેક ભારતીય જોડાણ અનુભવે છે. ભારતમાં બોલાતી બધી ભાષાઓ પર નજર કરીએ તો, હિન્દી સૌથી ઉપર છે. વિકિપીડિયા અને વિવિધ સ્ત્રોતો અનુસાર, 600 મિલિયનથી વધુ લોકો હિન્દી બોલે છે. વિવિધ સરકારી અને ખાનગી શાળાઓમાં હિન્દી ફરજિયાત રીતે શીખવવામાં આવે છે.

હિન્દી દિવસ દર વર્ષે હિન્દી ભાષાના સન્માનમાં ઉજવવામાં આવે છે. તમે રાષ્ટ્રીય હિન્દી દિવસ વિશે વાંચ્યું હશે કે સાંભળ્યું હશે. પણ શું તમને ખબર છે વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day) શા માટે ઉજવવામાં આવે છે.

વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. તે રાષ્ટ્રીય હિન્દી દિવસથી અલગ છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન 10 જાન્યુઆરી, 1975 ના રોજ નાગપુરમાં યોજાયું હતું. તેનું ઉદ્ઘાટન તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 30 દેશોના 122 સહભાગીઓએ હાજરી આપી હતી.

વિશ્વ હિન્દી દિવસનો હેતુ શું છે?

વિશ્વ હિન્દી દિવસનો હેતુ સમગ્ર વિશ્વમાં હિન્દી ભાષાના પ્રચાર અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દી દિવસની ઉજવણી સત્તાવાર રીતે ક્યારે શરૂ થઈ?

હિન્દી દિવસની ઉજવણી 2006 માં સત્તાવાર રીતે શરૂ થઈ હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે 2006 માં 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ દિવસે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.

હિન્દી દિવસ 2026 ની થીમ શું છે?

2026 માં વિશ્વ હિન્દી દિવસની થીમ “હિન્દી: પરંપરાગત જ્ઞાનથી કૃત્રિમ બુદ્ધિ સુધી” છે. ઉદ્દેશ્ય એ વાતને પ્રકાશિત કરવાનો છે કે હિન્દી, એક પરંપરાગત ભાષા હોવા છતાં, ટેકનોલોજીકલ વિશ્વમાં પણ મોખરે છે. આ ભાષાનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિના ક્ષેત્રમાં પણ થઈ શકે છે. સરકાર કોડિંગથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ સુધી તેનો ઉપયોગ સરળ બનાવવાના પ્રયાસો કરી રહી છે.

આ દરમિયાન ભારત સરકાર લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને સાતમી સત્તાવાર ભાષા બનાવવા માટે દબાણ કરી રહી છે. હાલમાં, સત્તાવાર ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, ચાઇનીઝ, અરબી અને રશિયન છે.

સાયબર ફ્રોડ: નોકરીની લાલચ આપી ઠગોએ 29 લાખની કરી છેતરપિંડી

પુણેઃ સાયબર અપરાધીઓએ હિંજેવાડીની એક પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી થેરગાંવના 27 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર પાસેથી રૂ. 29 લાખની છેતરપિંડી કરી છે. ગયા વર્ષે મેથી ઓક્ટોબર દરમિયાન અલગ-અલગ બહાનાં બનાવીને આરોપીઓએ પૈસા વસૂલ્યા, પરંતુ નોકરી અપાવી નહીં. પીડિતે સાયબર પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ ગુરુવારે વાકડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.

વાકડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે પીડિત હાલ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. નોકરી બદલવા માટે તેણે વિવિધ વેબસાઇટ્સ પર પોતાનો રિઝ્યુમ મૂક્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં એક અજાણી વ્યક્તિએ તેની સાથે સંપર્ક કર્યો અને હિંજેવાડીની એક મોટી આઈટી કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયરની નોકરીની ઓફર આપી હતી.તેમણે જણાવ્યું કે આરોપીએ પછી અલગ-અલગ બહાનાં બનાવીને તેની પાસેથી પૈસા માગવાનું શરૂ કર્યું. પહેલાં સભ્યતા ફી તરીકે પૈસા લીધા. પછી ખાતું ખોલવા, ઇન્કમ ટેક્સ માટે F-16 ફોર્મ ભરવા, કિટ એક્ટિવેશન, ખાતું બંધ કરવા, ડિલિવરી પ્રક્રિયા અને કંપનીની સિક્યોરિટી પ્રક્રિયા જેવાં બહાનાંઓ હેઠળ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.

અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે ટેક્નિશિયને ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં આરોપીએ આપેલા વિવિધ બેંક ખાતાં નંબરોમાં કુલ રૂ. 29.16 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અધિકારીએ કહ્યું હતું કે જ્યારે તેને નોકરી મળી નહીં, ત્યારે ટેક્નિશિયને પોતાના પૈસા પાછા મેળવવા માટે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આરોપીએ ફોન લેવાનું બંધ કરતા તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

તેમણે જણાવ્યું કે પોલીસે ટેક્નિશિયનની બેંક પાસેથી લેણદેણની વિગતો મગાવી છે. તેમણે ઉમેર્યું હતું અમારી તપાસ ચાલુ છે.

ટ્રમ્પની હુમલો કરવાની ખુલ્લી ધમકીઃ ઇરાનમાં હાઇ એલર્ટ

નવી દિલ્હીઃ ઈરાનમાં રસ્તાઓ પર ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. અમેરિકા સ્થિત ‘હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ’ નામની સંસ્થા દ્વારા મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે, એમ અહેવાલ કહે છે.  એજન્સીના જણાવ્યા મુજબ વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 2300 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નબળા અર્થતંત્ર સામે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. દેશનાં 50થી વધુ શહેરોમાં હિંસા ફેલાઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોમિની સરકારે ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એ સાથે જ એર સ્પેસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈરાનની પરિસ્થિતિ પર અમેરિકા પણ કડક નજર રાખી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાનમાં ગોળીબાર થાય અને કોઈ નિર્દોષની જાન જાય, તો અમેરિકા તરફથી આકરો જવાબ આપવામાં આવશે.

 ‘ટ્રમ્પને પકડી લો’- ઈરાની અધિકારીનું સૂચન

ઈરાનના એક અધિકારી હસન રહીમપુર અઝગાદીએ ઈરાનમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો અંગે વોશિંગ્ટનના વલણના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પકડી લેવાનું સૂચન કર્યું છે.

ટ્રમ્પની ખુલ્લી ધમકી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે જો પ્રદર્શનકારો પરના હુમલા નહીં અટકે, તો ત્યાં હુમલો કરવામાં આવશે જ્યાં સૌથી વધુ દુઃખ પહોંચશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે’, ખોમિની

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિનીએ છેલ્લાં બે સપ્તાહથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો પર શુક્રવારે આકરી ચેતવણી આપી. તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક રિપબ્લિક કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં. ખોમિનીએ આરોપ લગાવ્યો કે આ પ્રદર્શનો વિદેશી શક્તિઓના સમર્થનથી કરાવવામાં આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ દેશને અસ્થિર કરવાનો છે.

‘શોલે’ પછી ‘શાન’ માં અમિતાભ સાથે ધર્મેન્દ્રને બદલે શશી આવ્યા

ફિલ્મ ‘શાન’ (1980) ના કલાકારોની યાદી જોતા આજે પણ એમ લાગે કે ‘શોલે’ ના નિર્દેશક રમેશ સિપ્પી પાસે જાદુઈ છડી છે. પણ તેની પડદા પાછળની વાર્તા બહુ નાટકીય છે. એમાં ઘણા કલાકારોની અદલ બદલ થઈ હતી. ‘શોલે’ ની પ્રચંડ સફળતા પછી રમેશ સિપ્પી ફરીથી અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડી સાથે જ ‘શાન’ બનાવવા માંગતા હતા. શરૂઆતમાં ધર્મેન્દ્ર આ ફિલ્મનો હિસ્સો હતા પણ તેમને જે ભૂમિકા મળી હતી તેનાથી સંપૂર્ણ સંતુષ્ટ નહોતા.

ફિલ્મ પ્લાન થઈ રહી હતી ત્યારે ‘શોલે’ જેવી જ જોરદાર પટકથાની અપેક્ષા હતી. જેમ જેમ ‘શાન’ નું લખાણ આધુનિક થતું ગયું તેમ તેમ ધર્મેન્દ્રને લાગ્યું કે અમિતાભ બચ્ચનના પાત્રને વધુ મહત્વ મળી રહ્યું છે અથવા તો તેમની પોતાની ભૂમિકા માત્ર મજાક-મસ્તી અને એક્શન પૂરતી સીમિત રહી જશે. ધર્મેન્દ્ર હંમેશા એવા પાત્રો પસંદ કરતા હતા જેમાં થોડો ઈમોશનલ પંચ હોય. આ સિવાય બીજું મોટું કારણ એ પણ હતું કે ધર્મેન્દ્ર તે સમયે પોતાની કારકિર્દીના એવા તબક્કે હતા જ્યાં સોલો ફિલ્મો જેમ કે ‘ધરમ વીર’ કે ‘ચરસ’ ના સુપરસ્ટાર હતા.

મલ્ટીસ્ટારર ફિલ્મમાં અમિતાભ સાથે ફરીથી જોડી જમાવવામાં તેમને કોઈ વાંધો નહોતો પણ પટકથામાં સમાન વજન ન દેખાતા અને ઉપરથી હેમામાલિની સાથેના લગ્ન અને તારીખોની સમસ્યા જેવી અંગત જીવનની દોડધામને કારણે આ ફિલ્મમાંથી ખસી જવાનું વધુ યોગ્ય માન્યું હતું. તે નીકળી ગયા બાદ જ શશી કપૂરનો પ્રવેશ થયો હતો અને અમિતાભ-શશીની જોડી ‘રવિ-વિજય’ તરીકે બહુ જાણીતી થઈ હતી. ફિલ્મમાંથી કલાકારો નીકળવાનો સિલસિલો અહીં જ અટક્યો નહોતો.

શરૂઆતમાં હેમામાલિની આ ફિલ્મમાં હતી પણ ધર્મેન્દ્ર નીકળી ગયા હોવાથી અંગત કારણોસર તેણે પણ પીછેહઠ કરી હતી. ‘શાકાલ’ના પાત્ર માટે રમેશ સિપ્પીની પહેલી પસંદ સંજીવ કુમાર હતા. તે ઈચ્છતા હતા કે ‘શોલે’ ના ઠાકુર આ વખતે એક એવા વિલન બને જે શારીરિક શક્તિથી નહીં પણ પોતાના તેજ મગજ અને હાઈટેક ગેજેટ્સથી હીરોને હંફાવી દે. સંજીવકુમારને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે સંજીવકુમારને લાગ્યું કે આ રોલમાં અભિનય કરતાં ‘ગેટઅપ’ અને ટેકનિકલ બાબતો પર વધુ ભાર છે અને તેઓ તે સમયે કોઈ લાક્ષણિક ‘વિલન’ તરીકે સ્થાપિત થવા માંગતા નહોતા. ત્યારબાદ આ રોલ કુલભૂષણ ખરબંદા પાસે ગયો અને તેમણે પોતાનું માથું મુંડાવીને જે રીતે આ પાત્ર ભજવ્યું કે તે ઈતિહાસ બની ગયું.

‘શાન’ ને આધુનિક જેમ્સ બોન્ડ સ્ટાઈલની બનાવવાનું નક્કી કર્યું ત્યારે રમેશ સિપ્પીને એવી અભિનેત્રીની જરૂર હતી જે પશ્ચિમી કપડાંમાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ દેખાય. તે સમયે પરવીન બાબી અને ઝીનત અમાન આ ઈમેજમાં સૌથી ફિટ બેસતા હતા. અંતે પરવીન બાબીને લેવામાં આવ્યા. કારણ કે તેમની પર્સનાલિટી ‘શાન’ ના ગ્લોસી અને સ્ટાઇલિશ વાતાવરણ સાથે બરાબર મેળ ખાતી હતી.

ગુલકંદ ૧૦ જાન્યુઆરી ૨૦૨૬

તલ ગોળની બરફી

તલ અને ગોળની આ બરફી મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેટલી નરમ બને છે. તલના લાડુની જેમ આ બરફી પણ સહેલાઈથી બની શકે છે!

સામગ્રીઃ

  • તલ 250 ગ્રામ
  • ગોળ (સાદો) 250 ગ્રામ
  • શેકેલા શીંગદાણા 100 ગ્રામ
  • ઘી 2 ટે.સ્પૂન
  • એલચી પાઉડર ½ ટી.સ્પૂન

રીતઃ તલને કઢાઈમાં ગેસની મધ્યમ આંચે તલ તતડે ત્યાં સુધી શેકી લો. ગેસ બંધ કરીને તલ ઠંડા થાય એટલે મિક્સીમાં અધકચરા વાટી લો. ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લઈ શીંગદાણાનો પણ ભૂકો કરીને તેમાં મેળવી દો.

ગોળને ઝીણો સમારી લો. કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગાળી લો. ગોળ ઓગળી જાય એટલે તેમાં એલચી પાઉડર મેળવીને સાથે સાથે તલ-શીંગદાણાનો ભૂકો પણ મેળવી દો. બધું મિશ્રણ એકરસ થાય એટલે થાળીમાં ઘી લગાડીને આ મિશ્રણ પાથરી દો. થોડીવાર બાદ ચપ્પૂથી તેના ચોસલા પાડી લો. એકાદ કલાક બાદ બરફી ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લો.

૧૦ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 10/01/2026

મને નિશાન બનાવશો તો મને વધુ શક્તિ મળશેઃ CM મમતા

કોલકાતાઃ રાજકીય સલાહકાર કંપની આઈ-પેકના કાર્યાલય અને તેના સ્થાપક પ્રતીક જૈનના નિવાસસ્થાન પર કરાયેલી દરોડાની કાર્યવાહી સામે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ શુક્રવારે કોલકાતામાં પાર્ટીપ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં માર્ચ કાઢ્યો અને ત્યાર બાદ રેલી પણ કાઢી હતી.

EDના દરોડાઓ સામે યોજાયેલી વિરોધ રેલીને સંબોધતાં CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોઈ મને રાજકીય રીતે નિશાન બનાવવાનો પ્રયાસ કરશે, તો એથી મને વધુ રાજકીય શક્તિ મળશે. મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, સાંસદો, વિધાનસભ્યો અને સમર્થકો સાથે 8B બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રેલી શરૂ કરી હતી, જે હાઝરા મોર તરફ આગળ વધી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે નારા લગાવ્યા અને 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં “રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ” કરવાનો આરોપ મૂક્યો હતો.આ વિરોધ માર્ચ રેલી ગુરુવારે પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ સ્થિત નિવાસ પર ED દ્વારા લેવામાં આવેલી તલાશી દરમિયાન મમતા નાટકીય રીતે ત્યાં પહોંચ્યા બાદના એક દિવસ પછી કાઢવામાં આવી હતી છે.

મમતાએ આરોપ લગાવ્યો છે કે ED વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના આંતરિક દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને ગુપ્ત સંગઠનાત્મક ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેની કોઈ પણ નાણાકીય તપાસ સાથે કોઈ લેવાદેવા નથી.