Home Blog Page 33

રોકાણ, ઇનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પાવરહાઉસ બનશે વડોદરા

ગાંધીનગર: ડોદરા ખાતે 06 ડિસેમ્બર 2022ના રોજ સ્થાપિત થયેલું ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ અને એકમાત્ર ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કુશળ માનવસંસાધન તૈયાર કરવું તે સાંપ્રત સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. ગુજરાત સરકારે ઉદ્યોગ, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સર્જેલા વિકાસના કારણે વડોદરા નવી સંભાવનાઓનું કેન્દ્ર બની રહ્યું છે. આગામી સમયમાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત વિસ્તાર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – થકી રાજ્યમાં રોકાણની તકો, નવીન આયામો અને ટેક્નોલોજી / સંશોધનો આધારિત વિકાસને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા ખાતે યોજાનારી આ VGRC રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

વડોદરાના લાલબાગ વિસ્તારમાં સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ ઉદ્યોગ, સંશોધન અને નવીનતાને એકસાથે જોડતી “ઇન્ડસ્ટ્રી ડ્રિવન એન્ડ ઇનોવેશન લેડ” એટલે કે ઉદ્યોગ-સંચાલિત અને નવીનીકરણ આધારિત સંસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. અહીંયા રેલવે, એવિએશન, મેરિટાઈમ, રોડ-હાઈવે, મેટ્રો રેલ, સપ્લાય ચેઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક કારકિર્દી માટે તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટી કેમ્પસ આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, હોસ્ટેલ અને વધારાના બાંધકામ હેઠળના ઉદ્યોગ-સંકલિત તાલીમ માળખાથી સજ્જ છે.

ગતિશક્તિ યુનિવર્સિટી લાલબાગ (વડોદરા) ખાતે વર્તમાન કેમ્પસ ઉપરાંત વાઘોડિયા ખાતે એક અન્ય કેમ્પસ સ્થાપવાની પ્રક્રિયામાં છે. હાલમાં, સમગ્ર ભારતમાં 23થી વધુ રાજ્યોના 1,000થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક/માસ્ટર્સ/ડોક્ટરલ સ્તરે વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે, જે પરિવહન અને લોજિસ્ટિક્સ શિક્ષણ માટે એક મજબૂત રાષ્ટ્રીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે. કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક પોલિસી સાથે સંકળાયેલ અભ્યાસક્રમો દેશના વિકાસમાં સીધો સહયોગ આપે છે.

આ વિશ્વવિદ્યાલયમાં B.Tech, M.Tech, MBA અને Ph.D. સહિતના વિવિધ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. AI અને ડેટા સાયન્સથી લઈને એવિએશન એન્જિનિયરીંગ તથા મેરિટાઇમ એન્જિનિયરીંગ સુધીના અભ્યાસક્રમો નવી પેઢીને ટેક્નોલોજી આધારિત અર્થતંત્ર માટે સજ્જ બનાવી રહ્યા છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દર વર્ષે ભારતીય રેલવે, સંરક્ષણ દળો અને મિત્ર દેશોના 1100થી વધુ અધિકારીઓને વિશેષ એક્ઝિક્યુટિવ તાલીમ આપીને કુશળ માનવબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. વિદ્યાર્થીઓને ભારતીય રેલવેની સેન્ટ્રલાઇઝ્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ, લાઈવ પ્રોજેક્ટ્સ અને હેન્ડ્સ-ઓન લર્નિંગ દ્વારા પ્રાયોગિક અનુભવ પણ આપવામાં આવે છે. “નવીનતા-આધારિત અને ઉદ્યોગ-આધારિત” વિઝન સાથે, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એરબસ, પ્લાસર, L&T, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), સિમેન્સ, એમેઝોન, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), સિસ્ટમ્સ, એપ્લિકેશન્સ, એન્ડ પ્રોડક્ટ્સ ઈન ડેટા પ્રોસેસીંગ (SAP), કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), નોકિયા, ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL), કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CONCOR), ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને મોનાશ યુનિવર્સિટી વગેરે સહિત અનેક વૈશ્વિક શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સહયોગ થકી વૈશ્વિક સ્થાન મેળવેલ છે. એરબસ સેન્ટર ઓફ એક્સેલન્સ જેવી વ્યવસ્થા દ્વારા સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ આર.એન્ડ.ડી અને AI આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સ્માર્ટ મોબિલિટી અને લોજિસ્ટિક્સ જેવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તથા અનેક પેટન્ટ્સ અને સ્ટાર્ટઅપ રચના દ્વારા “આત્મનિર્ભર ભારત”ના વિઝનને વેગ આપવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર ડૉ. વેંકટ ચિંતલાને સસ્ટેનેબિલિટીના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી વિકાસ માટે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટ (ઓસ્ટ્રેલિયા) સાથેના તાજેતરના એમ.ઓયુ.એ ટ્રાન્સપોટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં સંશોધન અને ટેકનોલોજી ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને એપ્લાઇડ રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત ઇન્ક્યુબેશન અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે.

ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ પ્લેસમેન્ટ અને રોજગાર સર્જનમાં અસાધારણ અને સતત પ્રગતિ કરી છે. તેના કારકિર્દી વિકાસ કેન્દ્ર દ્વારા, 60 થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લીધો છે, જેમાં સિમેન્સ, અલ્સ્ટોમ, ટાટા કન્સલ્ટન્સી એન્જીનિયરિંગ, એલ એન્ડ ટી (L&T), કિનેટ, હિતાચી, મેર્સ્ક (Maersk), એનવાયકે ગ્રૂપ (NYK GROUP), જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ (JSL), જિંદાલ સાઉથ વેસ્ટ (JSW), ઈન્ડીકોલ્ડ (Indicold), આર્સેલા (ARCELA), ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL), રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (RITES), હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં, GSV એ 89% (2026) અને 91% (2025) ના દરે ઉત્તમ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ત્રણ દીક્ષાંત સમારોહ સફળતાપૂર્વક યોજ્યા છે.

આજે, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ એક મુખ્ય રાષ્ટ્રીય સંસ્થા તરીકે વ્યાપકપણે સ્થાન મેળવેલ છે, તથા “ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ” પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રો માટે કુશળ માનવશક્તિનું નિર્માણ કરીને “વિકસિત ભારત @2047” ના વિઝનમાં નોંધપાત્ર ફાળો આપે છે.

વાઈસ એડમિરલ સંજય વત્સાયને વેસ્ટર્ન નેવલ કમાન્ડની કમાન સંભાળી

મુંબઈ: મુંબઈના આઈએનએસ શિકરા (INS Shikra) ખાતે શનિવારે એક ભવ્ય ઔપચારિક ચેન્જ ઓફ કમાન્ડ પરેડ યોજાઈ. આ દરમિયાન વાઈસ એડમિરલ સંજય વત્સાયને વેસ્ટર્ન નેવલ કમાન્ડના વડા તરીકેનો કાર્યભાર સત્તાવાર રીતે સંભાળી લીધો છે. વાઈસ એડમિરલ સંજય વત્સાયને વાઈસ એડમિરલ ક્રિષ્ના સ્વામીનાથન પાસેથી આ મહત્વની જવાબદારી મેળવી હતી. આ ખાસ પ્રસંગે નવનિયુક્ત કમાન્ડર વાઈસ એડમિરલ સંજય વત્સાયનને પરંપરાગત રીતે ‘ગાર્ડ ઓફ ઓનર’ (Guard of Honor) આપવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન નેવલ કમાન્ડ એ ભારતીય નૌકાદળની સૌથી મહત્વપૂર્ણ કમાન્ડ ગણાય છે, જે દેશની પશ્ચિમી દરિયાઈ સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.
(તસવીરો – દીપક ધૂરી)

IPL ફાઇનલનો ક્રેઝ: હવાઈ ભાડાં, હોટેલ બુકિંગમાં પણ ભારે ઉછાળો

અમદાવાદઃ દેશના સૌથી મોટા ક્રિકેટ મહોત્સવનો ખિતાબી મુકાબલો રવિવારે રમાવાનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલમાં ગત ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. એ દરમિયાન ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સ પર મેચ સ્થળની આસપાસની હોટેલો અને અમદાવાદ માટેની ફ્લાઇટ બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, દેશભરના રેસ્ટોરાં પણ વિવિધ ઓફર્સ, ડિસ્કાઉન્ટ્સ અને લાઈવ સ્ક્રીનિંગ દ્વારા ક્રિકેટપ્રેમીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઈઝમાયટ્રિપના સહ-સ્થાપક અને સીઈઓ રિકાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે અમારા પ્લેટફોર્મ પર ફ્લાઇટ સર્ચ અને છેલ્લી ક્ષણની હોટેલ બુકિંગમાં સામાન્ય વીકએન્ડની સરખામણીએ દ્વિઅંકની વૃદ્ધિ નોંધાઈ છે. ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ યાત્રા પર અમદાવાદ માટે દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે અને કોલકાતા સહિતનાં શહેરોમાંથી ભારે પ્રમાણમાં પૂછપરછ થઈ રહી છે. યાત્રા ઓનલાઈન લિમિટેડના ફ્લાઇટ અને હોટેલ બિઝનેસના ઉપપ્રમુખ ભારત મલિકના જણાવ્યા અનુસાર IPL ફાઇનલને કારણે હોટેલ બુકિંગમાં જોરદાર વધારો થયો છે. કુલ બુકિંગ મૂલ્યમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. લોકો પ્રીમિયમ કેટેગરીની હોટેલો અને વધુ મૂલ્યવાળી રહેવાની વ્યવસ્થાઓ પસંદ કરી રહ્યા છે.

ફેડરેશન ઓફ એસોસિયેશન્સ ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH)ના મહાસચિવ રાજીવ મહેરાના જણાવ્યાનુસાર મુંબઈ-અમદાવાદ હવાઈ ભાડું સામાન્ય રીતે રૂ. 3000થી રૂ. 5000 વચ્ચે રહેતું હતું, જે હવે વધીને રૂ. 13,000 થી રૂ. 15,000 સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી-અમદાવાદ રૂટ પરનું ભાડું રૂ. 4000-5000માંથી વધીને લગભગ રૂ. 14,000 થઈ ગયું છે. તેમણે ઉમેર્યું કે સ્ટાર કેટેગરીની હોટેલોના દરોમાં 30થી 40 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

અમદાવાદ આવનારા ઘણા લોકો માટે આ વીકએન્ડ હવે એક નાનકડા વેકેશનમાં ફેરવાઈ રહ્યો છે. રિકાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે લોકોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર, ઉદયપુર સર્કિટ અને ગુજરાતનાં સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવાની પણ વધતો રસ જોવા મળી રહ્યો છે. FAITHના રાજીવ મહેરાનું માનવું છે કે ઉનાળાની રજાઓના સીઝનને કારણે આ IPL ફાઇનલ અનેક લોકો માટે એક ટૂંકી મનોરંજન યાત્રામાં પરિવર્તિત થઈ શકે છે.

દરેક વસ્તુને ઈશ્વરની કૃપા તરીકે સ્વીકારી લેવાનો ફાયદો

દર સપ્તાહે લેખ લખવા માટે વિષય શોધવાનું કામ ઘણું અઘરું હોય છે. જો નિયત સમયે લેખ મોકલી શકાય નહીં તો તંત્રીશ્રીની તાકીદ આવે. આવી સ્થિતિમાં હું મારાં પત્ની પર મદાર રાખું છું. એમના કોઈક પ્રતિભાવ પરથી મને લેખનો વિષય સૂઝી આવે છે. આજે પણ મેં એમને પૂછ્યું. એમણે જવાબ આપ્યો, “તમારી આ તકલીફનો હલ તમે જ કાઢો, મારે ઘણું કામ બાકી છે. એમ પણ મેં નક્કી કર્યું હોય કંઈક અને થાય છે બીજું.” મને આ પ્રતિભાવ પરથી વિષય મળી ગયોઃ ” મેં નક્કી કર્યું હોય કંઈક અને થાય છે બીજું.”

હકીકત છે. માણસ ધારે છે એ પ્રમાણે બધું થતું નથી. અંગ્રેજીમાં કહેવત છે, “Man proposes, God disposes” (આપણે ધારીએ છીએ કંઈક અને ભગવાન કરાવે છે કંઈક). આવામાં આપણી પાસે બે વિકલ્પ હોય છે; એક, જે પરિસ્થિતિ હોય એને ભગવાનના આશીર્વાદ સમજીને સ્વીકારી લેવી અને બે, પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવી અને પછી એને વશ થઈ જવું. આથી જ પૂજ્ય મોરારિબાપુ કહે છે, “જો બધું આપણી ઈચ્છા મુજબ થાય તો હરિ કૃપા અને ન થાય તો હરિ ઈચ્છા.”

પૂજ્ય મોરારિબાપુએ કહેલી વાત જીવનનાં બધાં જ ક્ષેત્રે લાગુ પડે છે. આપણા ભૌતિકવાદી જીવનમાં પણ. દરેક પરિસ્થિતિને ભગવાનની કૃપા સમજીને ચાલવું. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની આપણી બધી જ વસ્તુઓ પ્રત્યે આ દૃષ્ટિકોણ રાખવો. આ રીતે જીવવાથી આપણે ભૌતિક ચીજવસ્તુઓ બાબતે માનસિક શાંતિ અનુભવી શકીશું. કોઈકે લખેલી આ વાત સો ટકા સાચી છેઃ “સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને કંઈ મળતું નથી.”

ઉપર જે કહ્યું તેનો અર્થ એવો નથી કે આપણે કોઈ આયોજન કરવું જ ન જોઈએ. મારાં પત્નીએ શું કહ્યું એ યાદ કરીએ. એમણે કહ્યું હતું, “મેં કરેલા આયોજન પ્રમાણે કંઈ થતું નથી.” બીજા શબ્દોમાં કહીએ તો એમણે આજ સુધી આયોજન કરવાનું બંધ કર્યું નથી. અહીં મને ભગવદ્ ગીતાનો શ્લોક ક્રમાંક 2.47 યાદ આવે છે.

कर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाचन | माकर्मफलहेतुर्भूर्मातेसङ्गोऽस्त्वकर्मणि ||

(કર્મ કરવાનો આપણો અધિકાર છે, એનાં ફળ મળે પણ ખરાં અને ન પણ મળે. આથી કર્મના ફળની આશા રાખવી નહીં. તારી અકર્મની સ્થિતિમાં પણ આસક્તિ ન હોવી જોઈએ)

આમ, આયોજન અને એનો અમલ ચોક્કસપણે કરવાં, પણ એમાંથી કોઈ વસ્તુ ધાર્યા પ્રમાણે થાય નહીં તો ઈશ્વરની ઈચ્છા ગણીને આગળ વધવું. ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હું લોકોને સલાહ આપવાનું કામ કરું છું. એ મારો વ્યવસાય છે, પરંતુ મેં કહ્યું હોય એ પ્રમાણે જ બધું થાય એવી અપેક્ષા રાખવા લાગું તો મગજ ચકરાવે ચડી જાય.

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણાં કાર્યોનું આખરી પરિણામ ધારવા કરતાં વધારે સારું અને સંતોષકારક નીવડે છે. તેમાં આપણી બીજી ઘણી આવશ્યકતાઓ પૂરી થઈ જાય છે, પરંતુ આપણું મગજ એક જ પ્રકારના પરિણામની અપેક્ષા રાખીને બેઠું હોય તેને કારણે બીજું સારું પરિણામ મગજમાં ઊતરતું નથી.

અહીં એક ઉદાહરણ યાદ આવે છે. મારા એક ક્લાયન્ટે એક દિવસ મને કહ્યું, “ગૌરવ, બે મોટી બેગ સમાઈ જાય એવડી ટ્રન્ક સાઇઝ ધરાવતી કોમ્પેક્ટ સીડાન ગાડી ખરીદવી છે.” એમનું મન સીડાન પર અટકેલું હતું. મેં એમને અમુક નવાં હેચબૅક મોડેલમાંથી કોઈકની પસંદગી કરવાનું સૂચન કર્યું, પરંતુ એ વખતે તેઓ માન્યા નહીં. થોડા સપ્તાહ પછી એમણે ફોન પર કહ્યું, “ગૌરવ, તારા કારણે મારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. મને જોઈએ એટલી ટ્રન્ક સાઇઝની કાર મળી ગઈ છે, જે શહેરમાં ફેરવવા માટે અનુકૂળ છે અને દેખાવમાં પણ સરસ છે. મારા જેવા સીનિયર સિટિઝન માટે તો આ કાર સારામાં સારી કહેવાય.”

યોગિક વેલ્થ બીજું કંઈ નહીં, પણ ભગવાનની કૃપાથી મળેલી સંપત્તિ છે. દરેક વસ્તુને ઈશ્વરની કૃપા તરીકે સ્વીકારવા લાગીશું તો ભૌતિકવાદનો આનંદ પણ માણી શકાશે અને મનની શાંતિ પણ મળશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

સુભાષ ઘઈએ ‘વિશ્વનાથ’ માં ફેરફાર કરવા પડ્યા હતા!

સુભાષ ઘઈએ ફિલ્મ ‘વિશ્વનાથ’ (Vishwanath, 1978) ની આખી સ્ક્રિપ્ટ માત્ર 15 દિવસમાં જ લખી નાખી હતી અને એક મહિનાની અંદર તો ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું.

ઘઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે શત્રુઘ્ન સિન્હા સાથેની તેમની પ્રથમ ફિલ્મ ‘કાલીચરણ’ (Kalicharan, 1976) સુપરહિટ રહ્યા પછી તેઓ આગામી ફિલ્મ ‘ગૌતમ ગોવિંદા’ (Gautam Govinda) પર કામ કરી રહ્યા હતા. પરંતુ સેન્સર બોર્ડની કેટલીક અડચણોને લીધે એ ફિલ્મમાં વિલંબ થઈ રહ્યો હતો.

બરાબર એ જ સમયે શત્રુઘ્ન સિન્હાના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ખાન દોસ્ત’ (Khaan Dost) બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી, જેના કારણે શત્રુઘ્નના ડિસ્ટ્રિબ્યુટર્સ ચિંતામાં હતા. શત્રુઘ્ને મુશ્કેલીના સમયે સુભાષ ઘઈને તાત્કાલિક એક ફિલ્મ કરવા વિનંતી કરી હતી.

ઘઈએ અગાઉ ક્યારેય એકસાથે બે ફિલ્મો ન બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મિત્રતા ખાતર તેઓ ‘વિશ્વનાથ’ (Vishwanath) બનાવવા માટે તરત જ તૈયાર થઈ ગયા હતા. તે સમયે કોઈ વાર્તા તૈયાર નહોતી. ડિસ્ટ્રિબ્યુટર્સનો ભરોસો જાળવી રાખવા તાત્કાલિક ફિલ્મની જાહેરાત કરવી જરૂરી હતી.

આથી ઘઈ 3-4 દિવસ માટે ખંડાલા ગયા અને ત્યાં તેમને એક એવા ક્રિમિનલ લોયરનો વિચાર આવ્યો, જે પોતે જ ગુનેગાર બની જાય છે. મુંબઈ પાછા આવીને તેમણે માત્ર 15 દિવસમાં આખી વાર્તાને આખરી ઓપ આપ્યો હતો.

સુભાષ ઘઈએ શત્રુઘ્નને કહ્યું હતું કે, “તમે અત્યાર સુધી સ્ક્રીન પર ઘણા ગુનેગારોના રોલ કર્યા છે, પણ આ ફિલ્મમાં તમે દેશના સૌથી બુદ્ધિશાળી વકીલનો રોલ કરશો, જેની બુદ્ધિ પર લોકો શરત લગાવતા હોય. અને જ્યારે અન્યાય તેને હરાવી દે છે ત્યારે તે રાખમાંથી બેઠો થઈને એક સામાન્ય નાગરિક તરીકે બદલો લે છે.”

ફિલ્મના કોર્ટ સીન માટે તેમણે શત્રુઘ્ન સિન્હાનું પાત્ર ખૂબ જ પાવરફુલ લખ્યું હતું. ફિલ્મનું શૂટિંગ નવ મહિનામાં પૂરું થઈ ગયું હતું. પરંતુ જ્યારે એડિટિંગ ટેબલ પર ફિલ્મ જોઈ ત્યારે ઘઈને લાગ્યું કે વાર્તામાં કેટલીક ખામીઓ રહી ગઈ છે. આથી તેમણે ક્રેડિટ કે પૈસાની ચિંતા કર્યા વગર વધુ આઠ દિવસ સુધી ફિલ્મનું રી-શૂટિંગ કર્યું હતું, જેમાં કેટલીક બાબતો વધુ સ્પષ્ટ કરવામાં આવી હતી.

વાર્તામાં જ્યારે મુખ્ય પાત્ર (વકીલ વિશ્વનાથ) જેલમાંથી બહાર આવે છે અને અન્યાય સામે લડવા માટે પોતે ગુનાખોરીનો રસ્તો અપનાવે છે, ત્યારે એ બદલાવ પ્રેક્ષકોને ગળે ઉતરે તેવો અને પૂરતો પ્રભાવશાળી લાગતો નહોતો. વાર્તા જે ઝડપથી આગળ વધી રહી હતી તેમાં પાત્રની માનસિક સ્થિતિ પૂરતી સ્પષ્ટ થતી નહોતી.

બીજું, ઘઈને લાગ્યું કે ફિલ્મમાં ડ્રામા અને એક્શન તો ભરપૂર છે, પરંતુ જે દૃશ્યો પ્રેક્ષકોને પાત્ર સાથે ભાવનાત્મક રીતે જોડી રાખે તે એટલા મજબૂત બન્યા નહોતા. જો પ્રેક્ષકો વકીલ પર થયેલા અન્યાયથી દુઃખી ન થાય, તો પાછળથી તેનો બદલો માણવાની મજા પણ ન આવે.

પ્રખ્યાત અભિનેતા પ્રેમનાથ મુખ્ય વિલન ‘ધનિકલાલ’ના રોલમાં હતા. ઘઈને લાગ્યું કે વિલનનું પાત્ર જેટલું ક્રૂર અને શક્તિશાળી દેખાવું જોઈએ તેટલું સ્ક્રીન પર દેખાઈ રહ્યું નહોતું. જો વિલન નબળો લાગે તો હીરોની લડાઈ પણ નાની થઈ જાય.

તેથી નવા ઉમેરાયેલા દૃશ્યોમાં ધનિકલાલના પાત્રને વધુ ઘાતકી અને ચાલાક બતાવવામાં આવ્યું. બંને પાત્રો વચ્ચેના સંવાદો અને ટકરાવને એટલા ચુસ્ત અને પાવરફુલ બનાવવામાં આવ્યા કે ફિલ્મનો બીજો ભાગ અને ક્લાઇમેક્સ પ્રેક્ષકોને જકડી રાખે તેવો વધુ મજબૂત બન્યો.

શત્રુઘ્નનો પ્રસિદ્ધ સંવાદ — “જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ, જિસ રાખ સે બારૂદ બને ઉસે વિશ્વનાથ કહેતે હૈ…” — ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી આઇકોનિક અને યાદગાર સંવાદોમાંનો એક છે. થિયેટરોમાં આ ડાયલોગ પર લોકો સિક્કા ઉછાળતા હતા.

સુભાષ ઘઈના આશ્ચર્ય વચ્ચે ‘વિશ્વનાથ’ (Vishwanath) તેમની અગાઉની ફિલ્મ ‘કાલીચરણ’ (Kalicharan) કરતાં પણ ઘણી મોટી હિટ સાબિત થઈ હતી.

પાકિસ્તાને ટ્રમ્પનો અબ્રાહમ એકોર્ડસનો ફગાવ્યો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક નવી માગને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાન ઇરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે સંભવિત કરારના ભાગરૂપે ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે ‘અબ્રાહમ અકોર્ડ્સ’ પર હસ્તાક્ષર કરે. ટ્રમ્પે ઇઝરાયેલને માન્યતા આપવા માટે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને અન્ય મુસ્લિમ દેશો પર દબાણ વધાર્યું છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા મુસ્લિમ દેશોને અબ્રાહમ અકોર્ડ્સમાં જોડાવા અપીલ કરી હતી. જોકે પાકિસ્તાને ટ્રમ્પની આ અપીલને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

ટ્રમ્પે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોને અબ્રાહમ અકોર્ડ્સ પર સહી કરવાની અપીલ કરી છે જેથી ઇરાન સાથેના કરારનો માર્ગ સરળ બની શકે. ટ્રમ્પના આ નિવેદનથી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. પાકિસ્તાનનાં કટ્ટરપંથી જૂથોએ ઇઝરાયેલને માન્યતા આપવાના મુદ્દે વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરને ચેતવણી આપી છે. આ સંકટમાંથી બહાર આવવા માટે શહબાઝ શરીફ અને આસિમ મુનીર- બંને અચાનક સાઉદી અરેબિયાની મુલાકાતે જવાના છે.

પાકિસ્તાન પોતાના વલણ પર અડગ

પાકિસ્તાને ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સ્વતંત્ર પેલેસ્ટિન રાષ્ટ્રની સ્થાપના નહીં થાય ત્યાં સુધી તે ઇઝરાયેલ અંગેની પોતાની નીતિમાં ફેરફાર નહીં કરે. આથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પના વારંવારના આગ્રહ છતાં પાકિસ્તાન અબ્રાહમ અકોર્ડ્સમાં જોડાય તેવી શક્યતા ઓછી છે. ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા અને ‘અબ્રાહમ ડિકલેરેશન’ પર હસ્તાક્ષર કરવાની અમેરિકાની દરખાસ્તને પાકિસ્તાને નકારી કાઢી છે. પોતાના નજીકના મિત્ર અમેરિકા સામે પાકિસ્તાને દુર્લભ રીતે વિરોધી વલણ અપનાવ્યું છે.

જો પાકિસ્તાન આ કરાર માટે તૈયાર થાય તો તેને પોતાની દાયકાઓ જૂની વિદેશ નીતિમાં મોટો ફેરફાર કરવો પડશે. ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાન અને અન્ય કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરે. ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને કતાર જેવા દેશોએ અબ્રાહમ અકોર્ડ્સનો ભાગ બનવું જોઈએ. આ કરારની શરૂઆત 2020માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન થઈ હતી.

મમરાના પૌંઆનો નાસ્તો

સહેલાઈથી બનતો, સ્વાદમાં બટેટા પૌંઆ જેવો લાગતો મમરામાંથી બનતો પૌંઆનો નાસ્તો કર્ણાટકનો પ્રખ્યાત નાસ્તો છે.

સામગ્રીઃ મમરા 100 ગ્રામ, કાંદો 1, બટેટું 1, ટામેટું 1, શીંગદાણા 2 ટે.સ્પૂન, કોથમીર ધોઈને સમારેલી ½ કપ, રાઈ ½ટી.સ્પૂન, જીરૂ ½ટી.સ્પૂન, હીંગ ¼ટી.સ્પૂન, તેલ 2ટે.સ્પૂન, હળદર ½ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, ચણાના લોટની સેવ 2 ટે.સ્પૂન

રીતઃ મમરાને એક બાઉલમાં લઈ તે ડૂબે તેટલું પાણી તેમાં રેડીને એકાદ મિનિટ બાદ મમરાને હાથમાં લઈ દાબીને તેમાંથી પાણી નિતારી લો અને મમરાને એક સ્ટીલની ચાળણીમાં મૂકી દો. જેથી વધારાનું પાણી તેમાંથી નિતરી જાય.

કાંદા, બટેટા તેમજ ટામેટાંને અલગ અલગ ઝીણાં ચોરસ સમારી લો. લીલા મરચાંને ઝીણાં ગોળ સમારી લો.

એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં શીંગદાણા શેકીને કાઢી લો. હવે એ જ તેલમાં રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે જીરૂ તેમજ હીંગનો વઘાર કરી, હળદર, કળી પત્તાના પાન અને સમારેલાં લીલા મરચાં ઉમેરી દો. હવે તેમાં સમારેલો કાંદો વઘારીને એકાદ મિનિટ સાંતળીને ઝીણાં સમારેલાં બટેટા ઉમેરી દો. ઢાંકણ ઢાંકીને 1-2 મિનિટ બાદ સમારેલાં ટામેટાં મેળવી દો. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે બટેટા તેમજ ટામેટાં ચઢવા દો.

બટેટા તેમજ ટામેટાં ચઢી જાય એટલે પલાળેલાં મમરા તેમજ સાંતળેલા શીંગદાણા તેમજ લીંબુનો રસ તેમાં મેળવી દો.

મમરાના પૌંઆનો નાસ્તો પ્લેટમાં પીરસો ત્યારે ઉપર સમારેલી કોથમીર અને ચણાના લોટની સેવ ભભરાવીને પીરસો.

પંચાંગ 30/05/2026

ગુલકંદ ૩૦ મે ૨૦૨૬

૩૦ મે ૨૦૨૬