Home Blog Page 338

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 માઓવાદીઓને કર્યા ઠાર

નવી દિલ્હીઃ આ વર્ષેના સૌથી મોટા ‘નક્સલ વિરોધી’ ઓપરેશનોમાંના એકમાં સુરક્ષા દળોએ છત્તીસગઢના દક્ષિણ બસ્તર વિસ્તારના સુકમા અને બિજાપુર જિલ્લાઓમાં બે અલગ-અલગ અથડામણોમાં 14થી વધુ માઓવાદીઓને ઠાર કર્યા છે. સુકમાનાં ગાઢ જંગલોમાં માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લાંબા સમય સુધી જોરદાર ગોળીબાર થયો, જેમાં 14 માઓવાદી માર્યા ગયા છે.

સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાં આવેલાં ગાઢ જંગલોમાં મુખ્ય અથડામણ થઈ હતી. અહીં સુરક્ષા દળોની સંયુક્ત ટીમો ગુપ્તચર માહિતીના આધારે મોટું સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. માઓવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં બંને તરફથી ઘણા કલાકો સુધી ભારે ગોળીબાર થયો હતો. સુકમા-બિજાપુર અથડામણમાં 14થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં મુખ્ય નક્સલી કમાન્ડરો પણ સામેલ હોવાનું જણાવાયું છે.સુકમા અને બિજાપુરના પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અથડામણમાં અનેક માઓવાદીઓ ઠાર થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ સુકમા અને બિજાપુરમાં માર્યા ગયેલાઓની સંખ્યા 14થી વધુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે મરેલા મોટા ભાગના માઓવાદી દરભા વેલી કમિટી (DVCM) કેડરના હતા, જે એક મહત્વપૂર્ણ માઓવાદી સંગઠન છે. ખાસ વાત એ છે કે કોન્ટાના એડિશનલ એસપી આકાશ ગિરપુંજેની હત્યામાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવતો નક્સલી કમાન્ડર પણ માર્યા ગયેલાઓમાં સામેલ છે, જેનાથી સંગઠનને મોટો ઝટકો લાગ્યો છે. સુકમા અથડામણ સ્થળેથી હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે; ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા દળો પરત ફર્યા બાદ જ મૃતકોની ચોક્કસ સંખ્યા જાણી શકાશે.

જપ્ત કરાયેલા હથિયારોમાં એક AK-47, એક INSAS રાઇફલ તેમ જ અન્ય ગોળા-બારુદ અને વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. ઓપરેશન હજુ ચાલુ છે અને ટીમો વિસ્તારની ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. મૃતકોની ચોક્કસ સંખ્યા અને ઓળખ ત્યારે જ થશે, જ્યારે સુરક્ષા દળો ગાઢ જંગલવાળા વિસ્તારોમાંથી પરત ફરશે. નક્સલવિરોધી ઓપરેશનની સંવેદનશીલ અને ચાલુ સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ગોળીબારનું ચોક્કસ સ્થળ અથવા તૈનાત દળોની સંખ્યા જેવી વિગતો જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.

બાંગ્લાદેશમાં એક વધુ હિંદુની હત્યા

ઢાકાઃ બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ પર મંડરાતું સંકટ અટકતું નથી. બાંગ્લાદેશમાં ઇસ્લામિક ભીડના હાથે ચઢી ગયેલા એક વધુ હિંદુનું શુક્રવારે મોત થયું છે. મૃતકનું નામ ખોકન દાસ છે. ખોકન બાંગ્લાદેશમાં વેપાર કરતા હતા. થોડા દિવસો પહેલા ભીડે ખોકન પર હુમલો કર્યો હતો. ભારે મારપીટ કર્યા બાદ ભીડે ખોકનને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, પરંતુ શુક્રવારે ખોકનનું મોત થયું. ખોકન દાસના મોતની જાણકારી તેમના પરિવારે આપી છે.

બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ મદદ નહીં

ખોકન દાસના એક સંબંધીને જણાવ્યું હતું કે ખોકનનું મોત સવારે થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી. સંબંધીના જણાવ્યા અનુસાર ખોકન પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓ હજી પણ ફરાર છે. ખોકનના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રો છે. તેઓ પોતાના પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા.

ગામમાં દવાઓ અને મોબાઇલ બેન્કિંગનો વ્યવસાય કરતા હતા ખોકન

ખોકન દાસ ઢાકાથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં દવાઓ અને મોબાઇલ બેન્કિંગનો વ્યવસાય કરતા હતા. બુધવારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરતી વખતે તેમના પર હુમલો થયો હતો. ભીડે તેમના પર પેટ્રોલ ઢોળીને તેમને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ આગ બુઝાવવા માટે ખોકન કોઈ રીતે તળાવમાં કૂદી ગયા હતા.

મારપીટ કર્યા બાદ આગ ચાંપી હતી

તળાવમાં કૂદ્યા પછી પણ ખોકન ગંભીર રીતે દાઝી ગયા હતા. એ સાથે જ તેમના શરીર પર ઊંડા ઘા હતા. સ્થાનિક લોકોએ તેમને પહેલા નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને ઢાકાની એક મોટી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ આજે ખોકન દાસનું મોત થયું હતું.

15 દિવસમાં 4 હિંદુઓને નિશાન બનાવાયા

બાંગ્લાદેશમાં છેલ્લા 15 દિવસમાં ચાર હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરે અમૃત મંડલની ભીડ દ્વારા પિટાઈ કરીને હત્યા કરવામાં આવી. થોડા દિવસો પહેલા બજેન્દ્ર વિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે ખોકન દાસનું પણ મોત થયું છે.

અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, રાજધાની કારાકાસમાં બોમ્બ વિસ્ફોટ

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો શરૂ કર્યો છે. બંને દેશો વચ્ચે ઘણા દિવસોથી તણાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નિકટવર્તી હુમલાની ચેતવણી આપી હતી.

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓછામાં ઓછા 7 વિસ્ફોટ અને નીચા ઉડતા વિમાનોનો અવાજ સંભળાયો. રશિયા ટુડેના અહેવાલ મુજબ, યુએસ એરફોર્સે વેનેઝુએલાના ઇસ્લા માર્ગારીટા ટાપુ પર બોમ્બમારો કર્યો છે, જ્યાં સૈન્યના ટોચના બેઝ છે. હુમલાઓ પછી, વેનેઝુએલામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. વેનેઝુએલાની સરકારે અમેરિકા પર નાગરિકો અને લશ્કરી બેઝ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

શહેરના વિવિધ ભાગોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા. શહેરના દક્ષિણ ભાગમાં, એક મુખ્ય લશ્કરી થાણા પાસે, વીજળી પણ કાપી નાખવામાં આવી હતી. અગાઉ, વેનેઝુએલાએ પાંચ અમેરિકન નાગરિકોની ધરપકડ કરી હતી, જેના કારણે અમેરિકાએ કાર્યવાહીની ધમકી આપી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં યુએસ સૈન્ય વેનેઝુએલાની અંદર જમીન પર હુમલો કરી શકે છે.

લોકો રસ્તા પર ઉતરી આવ્યા

વેનેઝુએલાની સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. રાજધાની કારાકાસમાં થયેલા વિસ્ફોટો બાદ, વિવિધ વિસ્તારોના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાક કારાકાસ છોડીને જતા પણ જોવા મળ્યા હતા. આ ત્યારે આવ્યું છે જ્યારે યુએસ સૈન્ય તાજેતરના દિવસોમાં ડ્રગ હેરફેર કરતી બોટોને નિશાન બનાવી રહ્યું છે. શુક્રવારે, વેનેઝુએલાએ કહ્યું કે તે ડ્રગ હેરફેર સામે લડવા માટે યુએસ સાથે કરાર પર વાટાઘાટો કરવા તૈયાર છે.

યુએસ વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે

દક્ષિણ અમેરિકન દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ ગુરુવારે પ્રસારિત એક પૂર્વ-રેકોર્ડેડ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે યુએસ વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે. માદુરોએ એમ પણ કહ્યું હતું કે યુએસ દેશના વિશાળ તેલ ભંડારમાં પ્રવેશ મેળવવા માંગે છે.

ડોકિંગ વિસ્તાર પર ડ્રોન હુમલો

માદુરો પર યુનાઇટેડ સ્ટેટ્સમાં નાર્કો-આતંકવાદનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે વેનેઝુએલાના ડ્રગ કાર્ટેલ દ્વારા ઉપયોગમાં લેવાતા ડોકિંગ વિસ્તાર પર ડ્રોન હુમલા પાછળ સીઆઈએનો હાથ હતો. સપ્ટેમ્બરમાં યુએસએ બોટો પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારથી વેનેઝુએલાની ધરતી પર આ પહેલું જાણીતું સીધું ઓપરેશન હતું.

અમદાવાદમાં ત્રણ દિવસીય પોલો ટુર્નામેન્ટનું આયોજન

અમદાવાદ: ત્રણ દિવસની ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો શુક્રવારે ઉદ્ધાટન સમારોહ યોજાયો. ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત, આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ છે. જે સ્કેલ અને પ્રેઝન્ટેશનની રીતે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઇવેન્ટ છે. 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ઈવેન્ટ યોજાવાની છે.શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ઓપનિંગ સેરેમનીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિશાળ ડાન્સ ગ્રુપનું પર્ફોર્મન્સ અને એક્રોબેટિક ડાન્સ ક્રૂ, ‘વી અનબીટેબલ’એ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અને ટીમના માલિકો દ્વારા ટુર્નામેન્ટ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસની પહેલી મેચમાં જિંદાલ પેન્થર્સનો મુકાબલો મેફેર પોલો સાથે થયો હતો. ત્યારબાદ NAV યુનિકોર્નનો મુકાબલો પુણે વોરિયર્સ સાથે થયો હતો. જ્યારે ત્રીજી મેચમાં KP કિંગ્સનો મુકાબલો અદાણી આર્ચર્સ સાથે થયો હતો.

ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું કે, “આ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસનો પ્રતિસાદ અત્યંત પ્રોત્સાહક રહ્યો છે અને એણે અમારા વિશ્વાસને મજબૂત બનાવ્યો છે. અમદાવાદ શહેર, પોલોને એક મુખ્ય રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે અપનાવવા માટે તૈયાર છે.”ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પાલડિયાએ જણાવ્યું કે, “આજે અમે જે જોયું અને અનુભવ કર્યું, તે ગુજરાતમાં પોલો માટે અભૂતપૂર્વ છે. અમારું ફોકસ એક વલ્ડ-ક્લાસ ટુર્નામેન્ટ રજૂ કરવા પર છે, જે રમતના વારસાનું સન્માન કરવાની સાથે પ્રેક્ષકોને પસંદ પડે એવા સ્તરે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. અમદાવાદની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમ, તેને આ પહેલ માટે એક આદર્શ સ્થળ બનાવે છે.”

આ ટુર્નામેન્ટમાં 30થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી 25 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. મેચ ઉપરાંત, આ ઈવેન્ટમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, ફેમિલી-ફ્રેન્ડલી ઝોન અને સમગ્ર સ્થળ પર લાઇવ મનોરંજનનો સમાવેશ થાય છે. આગામી બે દિવસ સુધી, મ્યુઝિકલ પર્ફોર્મન્સ ચાલુ રહેશે તેમજ ભવ્ય આતશબાજી, લેસર ડિસ્પ્લે અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે.

વર્તમાનમાં જીવો અને બીજું બધું ભગવાન પર છોડી દો

આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ કે ભવિષ્યમાં? આપણે વર્તમાનમાં શ્વાસ તો લઈ રહ્યા છીએ, પરંતુ આપણું મન હંમેશાં ભૂતકાળ કે ભવિષ્યના વિચારમાં ખોવાયેલું રહે છે. માત્ર તમે નહીં, હું પણ આવું જ કરું છું. હકીકતમાં, આવા વિરોધાભાસી વર્તનને લીધે સમસ્યાઓ સર્જાય છે. જે દિવસે આપણા શ્વસન અને વિચારો બન્ને વર્તમાનકાળમાં હશે ત્યારે આપણું જીવન સુમેળભર્યું, પ્રસન્નતાપૂર્ણ તથા શાંતિપૂર્ણ બનશે.

આપણું મન અને વિચારો જ્યારે ભવિષ્યમાં પરોવાયેલાં હોય ત્યારે તેને અપેક્ષાઓ કહેવાય. તેમાંથી ઈચ્છાઓ સર્જાય છે અને ઈચ્છાઓ પૂરી થાય તો કંઈક સિદ્ધ કર્યાની લાગણી થાય છે. જોકે, એમાં પૂરેપૂરી શક્યતા છે કે એ સિદ્ધિને લીધે મળનારું સુખ હંગામી હશે અને વળી પાછી ભવિષ્ય તરફ દોટ મૂકવામાં આવશે. જો ઈચ્છાઓ પૂરી નહીં થાય તો નિરાશા આવશે અને તેને પગલે ડિપ્રેશન સુધીની નોબત આવી શકે.

બીજી બાજુ, જો આપણે ભૂતકાળના વિચારોમાં વ્યસ્ત રહીએ તો વર્તમાન અને ભૂતકાળની તુલના થવા માંડે છે. તેને લીધે કાં તો સારું લાગી શકે છે અથવા ઉદાસી આવી શકે છે. અહીં દરેક જગ્યાએ મેં ‘આપણે’ શબ્દ વાપર્યો છે, કારણ કે હું પણ એમાં આવી જાઉં છું.

આપણે વર્તમાનમાં જ શ્વસન કરીએ અને મન તથા વિચારો વર્તમાનના જ હોય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું અશક્ય નથી. જોકે, એના માટે ઘણી જહેમત ઉઠાવવી પડે છે. આપણે તેના માટે મનને કેળવવાની જરૂર હોય છે અને એમાં યોગ્ય ગુરુ કે માર્ગદર્શકની પણ જરૂર પડે છે અને એમાં ઘણો સમય લાગી જાય છે.

કોઈ ગુરુ મળી જાય ત્યારે એમના પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ કેળવી લેવો. તેઓ જે કહે એ કરતાં જવું. એમનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો. અહીં ખાસ કહેવાનું કે વિશ્વાસ હંમેશાં પૂરેપૂરો હોય છે, અધૂરો નહીં. તમે કોઈના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકો અથવા તો જરાય વિશ્વાસ ન હોય. “હું એમના પર ક્યારેક વિશ્વાસ મૂકું છું અને ક્યારેક નહીં” એવું કહેવામાં આવે ત્યારે જાણે એવું કહેવામાં આવતું હોય છે કે “હું કોઈને ક્યારેક પ્રેમ કરું છું અને ક્યારેક કરતો નથી.” વાસ્તવમાં પ્રેમ અને વિશ્વાસ એ બન્ને વસ્તુ બિનશરતી હોય છે.

યોગિક વેલ્થ કહે છે કે આપણે વર્તમાન સ્થિતિનો બિનશરતી અને નિર્ભેળ આનંદ લેવો જોઈએ. એવું ત્યારે જ બને જ્યારે આપણે વર્તમાનમાં જીવતા હોઈએ. જો આપણા વર્તમાન જીવનમાં સુમેળ નહીં હોય તો સમસ્યા સર્જાશે અને એ સ્થિતિ દુઃખમાં પરિણમશે. સંપત્તિ અને ભૌતિક સુખ હોવા છતાં દુઃખમાં જીવવું એનો કોઈ અર્થ નથી.

આપણે આ લેખ દ્વારા એવું જરાય કહેવા માગતા નથી કે કોઈએ ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ નહીં કે ભવિષ્ય માટે કોઈ જોગવાઈ કરવી જોઈએ નહીં. ભવિષ્ય માટેનું આયોજન અને જોગવાઈ એ બન્ને આપણા અધિકાર અને જવાબદારી કહેવાય. એ કર્યા બાદ પણ કોઈ પણ ઈચ્છા કે અપેક્ષા વગર જીવવું અને બધું ઈશ્વર પર છોડી દેવું. એને યોગિક વેલ્થ કહી શકાય. આપણા માટે સારું શું છે અને યોગ્ય શું છે એની ખબર ભગવાનને હોય છે, આપણને ક્યારેય એની ખબર પડી શકતી નથી.

વર્તમાનમાં શ્વાસ લો, વર્તમાનમાં વિચારો અને મનને વર્તમાનમાં સ્થિર કરો અને બીજું બધું ભગવાન પર છોડી દો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

અંબાણી પરિવારે નવા વર્ષની શરૂઆતમાં સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી

અંબાણી પરિવારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષા નીતા અંબાણી અને પરિવારના સભ્યોએ સોમેશ્વર પૂજન અને ધ્વજાજી પૂજન કર્યુ.

Photo: Deepak Dhuri

સોમનાથ મંદિરની મુલાકાત લીધા પછી મુકેશ અંબાણીએ બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. નીતા અંબાણીએ “જય સોમનાથ, હર હર મહાદેવ!” ના નારા લગાવ્યા.

Photo: Deepak Dhuri

સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર ગુજરાતમાં આવેલું છે. તેને બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિર ભવ્ય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. અનેક વખત નાશ પામ્યું – આ મંદિર વિશે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઘણા શાસકોએ તેનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં, તે હજુ પણ અરબી સમુદ્રના કિનારે ગર્વથી ઉભું છે.

Photo: Deepak Dhuri

મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ મહાદેરના દર્શન કર્યા હતાં. જેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

સંજય ખાન ‘હકીકત’ માં ખરેખર રડ્યા હતા

નિર્દેશક ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ (1964) ના શુટિંગ દરમિયાન સંજય ખાન માટે રડવાનું એક દ્રશ્ય ખરેખર અગ્નિપરીક્ષા જેવું સાબિત થયું હતું. તેને વાસ્તવિક બનાવવા પાછળની વાત બહુ દિલચસ્પ છે. સંજય ખાનની આ પહેલી જ ફિલ્મ હતી અને ચેતન આનંદ જેવા કડક શિસ્તવાળા દિગ્દર્શક સામે પોતાની જાતને સાબિત કરવાનું દબાણ હતું.

એક મહત્વના દ્રશ્યમાં સંજય ખાને ભાવુક થઈને રડવાનું હતું પણ નવાસવા હોવાને કારણે અને આટલા બધા દિગ્ગજ કલાકારોની હાજરીમાં ગ્લિસરીન વગર કુદરતી રીતે રડી શકતા નહોતા. ચેતન આનંદને ડ્રામામાં સહેજ પણ બનાવટ ગમતી ન હતી એટલે તેઓ વારંવાર રીટેક લઈ રહ્યા હતા પણ જોઈએ તેવું દર્દ સંજયના ચહેરા પર આવતું નહોતું.

આ જોઈને ચેતન આનંદે એક અનોખી તરકીબ અજમાવી. તે બધાની સામે સંજયને થોડા ખીજાયા અને તેમને એવો અનુભવ કરાવ્યો કે જો તેઓ આ સીન બરાબર નહીં કરે તો કદાચ તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવશે. સંજય ખાન પોતે બહુ સંવેદનશીલ અને સ્વાભિમાની હતા. તેમને આ વાત દિલ પર લાગી ગઈ. તે જ સમયે લદ્દાખની હાડ થીજવતી ઠંડી અને પહાડોની એકલતાએ તેમના માનસિક દબાણમાં વધારો કર્યો. જ્યારે ફાઈનલ ટેક શરૂ થયો ત્યારે સંજયના મનમાં પોતાની કારકિર્દીની ચિંતા અને અપમાનિત થયાની લાગણી એટલી તીવ્ર બની ગઈ કે તેમની આંખોમાંથી સાચા આંસુ વહેવા માંડ્યા હતા.

ચેતન આનંદે કેમેરા ચાલુ રાખ્યો અને એ દ્રશ્ય એટલું તો વાસ્તવિક બન્યું કે સેટ પર હાજર ધર્મેન્દ્ર અને અન્ય કલાકારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પાછળથી ચેતન આનંદે સંજય ખાનને ગળે લગાવીને કહ્યું હતું કે આ બધું માત્ર તેમના અંદરના સાચા કલાકારને બહાર લાવવા માટેનું એક નાટક હતું. સંજય ખાને પોતે કબૂલ્યું હતું કે તે દિવસે તેમને સમજાયું કે અભિનય એ માત્ર ડાયલોગ બોલવામાં નથી પણ પાત્રની પીડાને પોતાની પીડા બનાવવામાં છે. આ રીતે એક નવા નિશાળિયા કલાકારે જીવનના વાસ્તવિક ડર અને લાગણીઓને ભેગી કરીને સિનેમાના પડદા પર એક અમર દ્રશ્ય કંડાર્યું હતું. હકીકત’ માં જે રડવાના દ્રશ્યની વાત છે તે ફિલ્મના સૌથી ભાવુક વળાંક પર આવે છે.

આ એ દ્રશ્ય છે જ્યારે યુદ્ધના મેદાનમાં કેપ્ટન રામ સિંહનું પાત્ર ભજવતા સંજય ખાન સાથી સૈનિકોને નજર સામે શહીદ થતા જુએ છે અને પોતે પણ લાચારી અનુભવે છે. પહાડોની વચ્ચે બરફથી ઢંકાયેલી જમીન પર લોહીથી લથપથ સાથીઓને જોઈને જ્યારે સંજય ખાનની ચીખ નીકળે છે અને તે રડે છે એ દ્રશ્ય જોઈને થિયેટરમાં પ્રેક્ષકો પણ રડી પડ્યા હતા.

ચેતન આનંદે સંજયની પસંદગી કરી તેનો એક રોમાંચક કિસ્સો છે. સંજય તે સમયે ફિલ્મોમાં આવવા માટે મુંબઈમાં દિગ્દર્શક સાદિક અલી પાસે કામ શીખતા હતા. ચેતન ‘હકીકત’ માટે એક એવો ચહેરો શોધી રહ્યા હતા જે યુવાન હોય, દેખાવડો હોય અને જેનામાં સૈનિક જેવી ગરિમા દેખાય. ચેતને સંજયને પહેલીવાર એક સામાજિક મેળાવડામાં જોયા હતા. સંજયની ઊંચાઈ, બોલવાની છટા અને વ્યક્તિત્વમાં રહેલા આત્મવિશ્વાસથી ચેતન એટલા પ્રભાવિત થયા કે તેમણે ત્યાં જ નક્કી કરી લીધું કે ‘હકીકત’ નો મહત્વનો સૈનિક આ જ છોકરો બનશે.

સંજયને જ્યારે ખબર પડી કે ચેતન આનંદ જેવા દિગ્ગજ તેમને બોલાવી રહ્યા છે ત્યારે પોતે પણ આશ્ચર્યમાં હતા. ચેતને કોઈ મોટો સ્ક્રીન ટેસ્ટ લીધા વગર જ સંજય સાથે થોડી વાતો કરી અને તેમની આંખોમાં કરુણા જોઈ ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો પડદા પર ઇમોશનલ સીન્સ બહુ સારી રીતે કરી શકશે. કોઈ મોટી ઓળખાણ વગર માત્ર પોતાની સ્ટાઈલ અને ચેતન આનંદની ઝવેરી જેવી નજરને કારણે સંજયને આ આઈકોનિક ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઈ હતી.

 

 

BCCIનો મુસ્તફિઝુર રહેમાન KKRમાંથી દૂર કરવા આદેશ

મુંબઈઃ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ભાગ લઈ શકશે નહીં. BCCIના સચિવ દેવજિત સાયકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. સાયકિયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને તેમની સ્ક્વોડમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા માટે સૂચના આપી દીધી છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો KKR તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને સ્ક્વોડમાં સામેલ કરવા માગે, તો BCCI તેની મંજૂરી આપશે. મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે યોજાયેલા મિની ઓક્શનમાં 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

ડાબોડી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કર્યા બાદ KKRને સોશિયલ મિડિયા પર ભારે ટીકા સહન કરવી પડી હતી. ફેન્સ ઉપરાંત કેટલાક રાજકારણીઓ અને સાધુ-સંતોએ બાંગ્લાદેશી ખેલાડીના IPLમાં રમવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.ઓગસ્ટ, 2024માં શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે અને અનેક હિંસક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં બે હિંદુઓની નિર્મમ હત્યા બાદ દેશમાં બાંગ્લાદેશ સામે વિરોધ જોવા મળી રહ્યો છે.

BCCI ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત ચર્ચા કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના મુકાબલા કોલકાતા અને મુંબઈમાં રમવાના છે. બોર્ડને વિશ્વાસ છે કે ખેલાડીઓના વિઝા બાબતે કોઈ મોટી અડચણ નહીં આવે.

IPL 2025 માટે થયેલા મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લગાવી નહોતી. જોકે IPL 2026ના મિની ઓક્શનમાં KKRએ મુસ્તફિઝુર રહમાન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. આ સાથે જ મુસ્તફિઝુર IPL ઇતિહાસના સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બની ગયો હતો.

મુસ્તફિઝુર રહેમાને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), મુંબઈ ઇન્ડિયન્સ (MI), રાજસ્થાન રોયલ્સ (RR), ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) માટે મેચો રમી છે. 30 વર્ષના મુસ્તફિઝુરે અત્યાર સુધી 60 IPL મેચોમાં 28.44ની સરેરાશ અને 8.13ની ઇકોનોમી રેટ સાથે કુલ 65 વિકેટ ઝડપી છે.

ચાર વર્ષની માસૂમ સાથે બળાત્કાર બાદ હત્યાઃ આરોપીનું ત્રણ કલાકમાં એન્કાઉન્ટર

બુલંદશહેર: જિલ્લાના સિકંદરાબાદ વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કાર અને હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જોકે પોલીસે માત્ર ત્રણ કલાકની અંદર જ એન્કાઉન્ટર દરમિયાન આરોપીઓને પકડી લીધા છે. માસૂમ સાથે દરિંદગી કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમને એન્કાઉન્ટર દરમિયાન ગોળી પણ વાગી છે. બંને આરોપીઓની ઓળખ રાજુ અને વીરા કશ્યપ તરીકે થઈ છે. તેઓ હાલ ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. બંને આરોપીઓ લખીમપુર અને બલરામપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાંજથી માસૂમ બાળકી ગુમ હતી. ઘણી શોધખોળ બાદ તેના ઘરના પાછળથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બળાત્કાર બાદ આરોપીઓ ફરાર

બુલંદશહેર પોલીસે ચાર વર્ષની માસૂમ સાથે બળાત્કાર બાદ હત્યા કરનાર બે આરોપીઓને એન્કાઉન્ટર પછી ધરપકડ કરી છે. આરોપીઓએ મકાનમાલિકની ચાર વર્ષની દીકરી સાથે પહેલા દુષ્કર્મ કર્યું અને પછી તેને ખેતરમાં ફેંકી દઈને ફરાર થઈ ગયા હતા. બાળકીના પિતાએ સિકંદરાબાદ થાણામાં ફરિયાદ નોંધાવી, જેના બાદ પોલીસ તાત્કાલિક સક્રિય થઈ અને તપાસ શરૂ કરી. પિતાએ તેમના મકાનમાં ભાડે રહેતા બે યુવકો પર શંકા વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ આરોપીઓ કાંવરા રોડ પર આવેલી એક નિર્માણાધીન કોલોનીમાં છુપાયા હતા.

પોલીસે એન્કાઉન્ટરમાં કરી ધરપકડ

આરોપીઓની શોધ દરમિયાન પોલીસની ત્રણ ટીમોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં બંને બદમાશોના પગમાં ગોળી વાગી. ત્યાર બાદ પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી લીધી હતી.

પ્રારંભિક પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. ફરિયાદ નોંધાયા પછી માત્ર ત્રણ કલાકની અંદર પોલીસે બંને આરોપીઓને પકડી લીધા. હાલ બંને આરોપીઓ ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.