Home Blog Page 346

શું બાંગ્લાદેશ સુઅરના મળથી ઉગાડેલી મકાઈ ખાય છે?

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ અમેરિકા પાસેથી મકાઈ આયાત કરી રહ્યું છે. આ અંગે ઢાકા સ્થિત અમેરિકી દૂતાવાસે માહિતી આપી છે. અમેરિકી દૂતાવાસે X (પૂર્વ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે અમેરિકી મકાઈ આ મહિને બાંગ્લાદેશમાં આવી રહી છે. આ પોસ્ટ બાદ સોશિયલ મિડિયા પર ભારે ચર્ચા અને હોબાળો મચી ગયો છે અને ઘણા લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી.

અમેરિકી દૂતાવાસની પોસ્ટ

અમેરિકી દૂતાવાસે પોસ્ટમાં લખ્યું છે કે અમેરિકી મકાઈ આ મહિને બાંગ્લાદેશમાં આવશે. તે તેની પૌષ્ટિક ગુણવત્તા માટે જાણીતી છે. તે કોર્નબ્રેડ અને બ્રેકફાસ્ટ સિરિયલ જેવા મુખ્ય ખોરાક સહિત અનેક ખાદ્ય પદાર્થોમાં મહત્વપૂર્ણ ઘટક તરીકે વપરાય છે. મકાઈનો ઉપયોગ પશુઓને ખવડાવવા માટે પણ થાય છે, જેનાથી માંસ, ડેરી અને ઇંડાની વિશ્વસનીય સપ્લાય સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.

લોકોએ ઉડાવી મજાક

આ પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મિડિયા પર લોકો તેની જોરદાર મજાક ઉડાડવા લાગ્યા. કેટલાક લોકોએ કહ્યું હતું કે અમેરિકામાં મકાઈની ખેતીમાં સુઅરના મળનો ખાતર તરીકે ઉપયોગ થાય છે, તો પછી બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશે?

અંકલ સેમ બાંગ્લાદેશને બરબાદ કરી રહ્યા છે

એક પત્રકારે ટ્વીટ કરીને લખ્યું હતું કે ડોન (ટ્રમ્પ) સામે ઝૂકવાના બદલામાં બાંગ્લાદેશને અમેરિકા તરફથી મકાઈ (સુઅરના મળમાં ઉગાડેલી) મળી છે અને પાકિસ્તાનને ગાઝામાં શાંતિ સેના મોકલવાનો અધિકાર મળ્યો છે. એક અન્ય યુઝરે લખ્યું હતું કે અંકલ સેમ બાંગ્લાદેશને બરબાદ કરી રહ્યા છે. હવે બાંગ્લાદેશીઓને સૂઅરના ખાતરમાં ઉગાડેલી મકાઈ ખાવી પડશે.

ફ્લાવર શો 2026: ધર્મ ઉત્સવ નૃત્ય વિજ્ઞાન અને વિકાસની રફ્તારનો સમન્વય

અમદાવાદ: રિવરફ્રન્ટ પર નવા વર્ષની શરૂઆતમાં જ ઇવેન્ટ સેન્ટરથી ફ્લાવર શો 2026ની શરૂઆત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વર્ષે જુદા-જુદા ઝોન પાડવામાં આવ્યા છે. લાખો ફૂલોની સુંદરતા અને સુગંધ વચ્ચે જુદા-જુદા ઝોનમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ વિષયો સાથે સ્ટ્રક્ચર આકર્ષણનું કેન્દ્ર બનશે. ધાર્મિક, ઉત્સવો, નૃત્ય શૈલી સાથે બુલેટ ટ્રેન અને ઇસરો સહિતના તમામ સ્ટ્રક્ચરને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા છે.ફ્લાવર શો 2026માં 127 જેટલા જુદા-જુદા થીમવાળા સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. 48 પ્રકારના 10 લાખ છોડ મુકવામાં આવ્યા છે. ફ્લાવર શોને સંલગ્ન સ્ટોલની સાથે મુલાકાતીઓ માટે ફૂડ સ્ટોલ તૈયાર કરી મુકવામાં આવ્યા છે. ફલાવર શો 2026ના જુદા-જુદા ઝોન પર એક નજર કરીએ તો,

ઝોન 1—ઉત્સવોનું ભારત

ફ્લાવર શોની શરૂઆતના જ આ ઝોનમાં દીપોત્સવી, હોળી-ધૂળેટી, ઓણમ, બિહુ જેવા ઉત્સવોને સુંદર રીતે પ્રદર્શિત કરી વિવિધતામાં એકતા ભારત દેશની આ અનોખી પરંપરાઓ રજૂ કરવામાં આવી છે.ઝોન 2— શાશ્વત ભારત

સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ, અને રામ સેતુ જેવા પૌરાણિક ધાર્મિક પ્રસંગોને ફ્લાવર શોમાં વિશાળ સ્ટ્રકચર ફૂલોની સુંદરતા વચ્ચે તૈયાર કરી પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

ઝોન 3— કલા, નૃત્ય અને આધુનિક ભારત

ફ્લાવર શોના ત્રીજા ઝોનમાં ભારતની શાસ્ત્રીય તેમજ લોકનૃત્ય પરંપરાની ફૂલોની વચ્ચે અનોખા સ્ટ્રક્ચરમાં જોવા મળશે. કુચિપુડી, ભાંગડા, ગરબા, કથકલી જેવા નૃત્યોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આજ વિભાગમાં ભગવાન નટરાજનું વિશાળ સ્ટ્રક્ચર મુકવામાં આવ્યું છે.

ઝોન 4— ભારતની સિધ્ધિઓ

હાઇ સ્પીડ રેલ, ઉર્જામાં નવીનીકરણ, સ્પેસ ટેકનોલોજી, રમતગમત, શિક્ષણ ક્ષેત્રે ભારતે મેળવેલી સફળતાને ફૂલો દ્વારા રજૂ કરવામાં આવી છે.ઝોન 5— ગિનીસ રેકોર્ડ

આ ઝોનમાં 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું પોર્ટ્રેટ રજૂ કરવામાં આવ્યું છે.

વર્ષ 2025ની 31મી ડિસેમ્બરની છેલ્લી ક્ષણો સુધી મુલાકાતીઓ ફ્લાવર શો 2026ની મજા માણે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પ્રયત્નશીલ રહ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

ફરીદાબાદમાં 25 વર્ષની યુવતી પર ચાલતી કારમાં ગેંગરેપ

ફરીદાબાદઃ હરિયાણાના ફરીદાબાદમાંથી વાનમાં લિફ્ટ લેનારી 25 વર્ષની એક યુવતી સાથે ચાલતી ગાડીમાં બે વ્યક્તિઓએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો અને ત્યાર બાદ તેને ગુડગાંવ–ફરીદાબાદ રોડ પર ચાલતી વાનમાંથી બહાર ફેંકી દીધી હતી. આ ઘટનામાં યુવતીના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને 12 ટાંકા આવ્યા હતા.

બે શંકાસ્પદોની ધરપકડ

ગાઢ ધુમ્મસની વચ્ચે ફરીદાબાદના સૂમસામ વિસ્તારોમાંથી પસાર થતી વાનમાં યુવતીને લગભગ ત્રણ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. યુવતીના પરિવારની ફરિયાદ બાદ, કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે મંગળવારે બે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધી છે.

પોલીસ ફરિયાદ મુજબ યુવતીનો માતા સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી હતી અને તેણે પોતાની બહેનને જણાવ્યું હતું કે તે એક મિત્રના ઘરે જઈ રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે બે-ત્રણ કલાકમાં ઘરે પાછી આવી જશે, પરંતુ બહાર નીકળવામાં મોડું થયું અને અંતે મધરાત થઈ હતી. ત્યાર બાદ યુવતીએ એક વાનમાં લિફ્ટ લીધી હતી. વાનમાં બે પુરુષો હાજર હતા. તેને બેસાડ્યા બાદ તેમણે તેને ઘર લઈ જવાને બદલે ગુડગાંવ–ફરીદાબાદ રોડ તરફ લઈ ગયા હતા.

યુવતીએ મદદ માટે ચીસો પાડી હતી, પરંતુ કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે રસ્તા પર લોકો ઓછી સંખ્યામાં હોવાથી કોઈએ તેની ચીસો સાંભળી ન હતી. પરિવારનો આરોપ છે કે બંને પુરુષોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

પીડિતા ત્રણ બાળકોની માતા

પરિવારજનોએ તેને ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિતા પરિણિત છે અને ત્રણ બાળકોની માતા છે. પારિવારિક વિવાદને કારણે તે પતિથી અલગ રહી રહી હતી.

હું ધુરંધર જેવી ફિલ્મ નહીં બનાવું:ડિરેક્ટર શ્રીરામ રાઘવન

શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ ‘ઈક્કીસ’રિલીઝ થાય તે પહેલા જ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે રણવીર સિંહની “ધુરંધર” સામે ટકી રહેવું એક મોટો પડકાર હશે. હવે, શ્રીરામ રાઘવને “ધુરંધર” વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જાણો શા માટે તેમણે આવી ફિલ્મ બનાવવાનો ઇનકાર કર્યો.

દિગ્દર્શક શ્રીરામ રાઘવન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ઈક્કીસ’માટે સમાચારમાં છે.’ઈક્કીસ’એક વૉર ડ્રામા છે, જે 1 જાન્યુઆરી, નવા વર્ષના દિવસે રિલીઝ થશે. શ્રીરામ રાઘવને પ્રથમ વખત યુદ્ધ ડ્રામા દિગ્દર્શન કરવાનું જોખમ લીધું છે.તેમણે એક્શન-થ્રિલર્સ અને સ્પાય-થ્રિલર્સનું દિગ્દર્શન કર્યું છે. તેમણે સ્પાય-થ્રિલર “ધુરંધર” ની બોક્સ ઓફિસ સફળતા વિશે વાત કરી. તેમણે કહ્યું કે “ધુરંધર” જેવી તેમની પ્રકારની ફિલ્મ નથી.

“ધુરંધર” એક અલગ પ્રકારની ફિલ્મ છે. ધ હિન્દુ સાથેની એક મુલાકાતમાં શ્રીરામ રાઘવને ‘ઈક્કીસ’ અને ‘ધુરંધર’વિશે વાત કરી. “ધુરંધર” ની સરખામણી તેમની જાસૂસી-થ્રિલર “એજન્ટ વિનોદ” સાથે કરવા વિશે પૂછવામાં આવતા, દિગ્દર્શકે કહ્યું, “ધુરંધર” એક શાનદાર ફિલ્મ છે. તેમાં શાનદાર અભિનય છે, પરંતુ તે આપણા પ્રકારની ફિલ્મ નથી. આપણે સમજવું પડશે કે આપણે એક અલગ યુગમાં જીવીએ છીએ. “ધુરંધર” એક અલગ પ્રકારની ફિલ્મ છે. તે સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ તે એકમાત્ર ફોર્મેટ નથી. જો હું તેને અપનાવવાનું શરૂ કરીશ, તો તે સૌથી મોટી મૂર્ખાઈ હશે.”

આદિત્ય ધરના વખાણ કર્યા

શ્રીરામ રાઘવને “ધુરંધર” અને દિગ્દર્શક આદિત્ય ધરની સફળતાની પ્રશંસા કરી. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આદિત્ય ધરની સંવેદનશીલતા અને કલાત્મકતા અનોખી છે. મને તેમની ફિલ્મો જોવાની મજા આવે છે, તો પણ હું આવી ફિલ્મ નહીં બનાવું.

ધુરંધર બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. બોક્સ ઓફિસ પર 25 દિવસથી વધુ સમય વિતાવેલી “ધુરંધર” ભારતમાં ₹700 કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે. ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન પણ ₹1,000 કરોડને વટાવી ગયું છે.

શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત ‘ઈક્કીસ’ આવતીકાલે, 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભારતના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે, જે 21 વર્ષની ઉંમરે યુદ્ધમાં શહીદ થયા હતા. આ ફિલ્મ મોટા પડદા પર અગસ્ત્ય નંદાની શરૂઆત છે. તે સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ પણ છે.

વર્ષ 2025માં ટોપ પાંચ ફ્લોપ IPO, જેમણે આપ્યું નકારાત્મક વળતર

અમદાવાદઃ વર્તમાન વર્ષ IPO માર્કેટ માટે મિશ્ર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કુલ 107 મેઈનબોર્ડ IPO લિસ્ટ થયા છે. આ વર્ષે 51 શેરો પોતાના ઈશ્યુ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે લગભગ 48 ટકા  IPOએ હાલ સુધી નેગેટિવ રિટર્ન આપ્યું છે.

  1. ગ્લોટિસ લિમિટેડ

IPO પ્રાઈસની સરખામણીએ ઘટાડો: 52 ટકા

ગ્લોટિસ લિમિટેડનો શેર 7 ઓક્ટોબરે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઇસ બેન્ડ રૂ. 129 હતી, પરંતુ લિસ્ટિંગના દિવસે શેર રૂ. 84 પર બંધ થયો, એટલે આશરે 35 ટકાનો ઘટાડો થયો. હાલ શેરનો ભાવ રૂ. 62 છે, જે IPO પ્રાઈસથી 52 ટકા ઓછી છે.

  1. લક્ષ્મી ડેન્ટલ

IPO પ્રાઈસની સરખામણીએ ઘટાડો: 39 ટકા

લક્ષ્મી ડેન્ટલનો શેર 20 જાન્યુઆરીએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 428 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 551 પર બંધ થયો (લગભગ 29 ટકાનો ઉછાળો), પરંતુ હાલ શેરનો ભાવ રૂ. 263 છે, જે IPO પ્રાઈસથી 39 ટકા ઓછો છે.

  1. જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ

IPO પ્રાઈસની સરખામણીએ ઘટાડો: 39 ટકા

જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચનો શેર 30 સપ્ટેમ્બરે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 890 હતો, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 744 પર બંધ થયો (આશરે 16 ટકા ઘટાડો). હાલ શેરનો ભાવ રૂ. 540 છે, જે IPO પ્રાઈસથી 39 ટકા ઓછો છે.

  1. VMS TMT

IPO પ્રાઈસની સરખામણીએ ઘટાડો: 46 ટકા

VMS TMTનો શેર 24 સપ્ટેમ્બરે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 99 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 95 પર બંધ થયો હતો. હાલ શેરનો ભાવ રૂ. 54 છે, જે IPO પ્રાઈસથી 46 ટકા ઓછો છે.

  1. જેમ એરોમેટિક્સ

IPO પ્રાઈસની સરખામણીએ ઘટાડો: 49 ટકા

જેમ એરોમેટિક્સનો શેર 26 ઓગસ્ટે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 325 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 319 પર બંધ થયો. હાલ શેરનો ભાવ રૂ. 166 છે, જે IPO પ્રાઈસથી 49 ટકા ઓછો છે.

2025માં 1.76 લાખ કરોડ રૂપિયાનું ફંડ રેઝિંગ

‘IPO સેન્ટ્રલ’ના આંકડા મુજબ વર્ષ 2025માં રજૂ થયેલા 103 નવા IPO દ્વારા કુલ રૂ. 1.76 લાખ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આ રકમ 2024માં 90 કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવેલા  રૂ. 1.6 લાખ કરોડ અને 2023માં 57 કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવેલા રૂ. 49,436 કરોડ કરતાં વધુ છે.

એક વખતના રાજમાર્ગ પર આવેલો અડીખમ દરવાજો

અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો આ દરવાજો એટલે દિલ્લી દરવાજો. શહેરનું સૌથી જૂનું, સૌથી મોટું એવું ઐતિહાસિક સ્થાપત્ય. સુલતાન અહમદ શાહે 15મી સદીમાં આ દરવાજાો બનાવ્યો ત્યારે એ શહેરની સુરક્ષા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ હતો. એનો મૂળ હેતુ ઉત્તર દિશામાંથી, ખાસ કરીને દિલ્હી તરફથી આવતા માર્ગ પર નિયંત્રણ રાખવા માટેનો હતો.

એની મજબૂત ઇસ્લામિક-ગુજરાતી સ્થાપત્ય શૈલી અને એની વિશાળ કમાનો હેરિટેજ સિટી અમદાવાદની ઓળખ છે. પંદરમી સદીની આ ઐતિહાસિક ધરોહર મજબૂત પથ્થર રચના, વિશાળ કમાનો, ખૂણા અને ઉપર છતવાળું મંચ ધરાવે છે. આ દરવાજો નગર સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ચેકપોસ્ટ, શતાબ્દીઓના ઇતિહાસનો સાક્ષી અને સુલતાન વખતનું શક્તિનું પ્રતીક છે. એક વખતનો આ રાજ માર્ગનો સમાવેશ આજે જૂના અમદાવાદના વ્યસ્ત બજાર વિસ્તારમાં થાય છે. દિલ્લી દરવાજો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ઉંદરો ખાઇ ગયા 200 કિલો ગાંજોઃ આરોપી નિર્દોષ જાહેર

રાંચીઃ ત્રણ વર્ષ પહેલા ઝારખંડ પોલીસે એક વાહન રોકીને મોટી માત્રામાં નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા, પરંતુ 2024માં કેસની સુનાવણી દરમિયાન જ્યારે આ પદાર્થો કોર્ટમાં રજૂ કરવાની વારો આવ્યો, ત્યારે પોલીસે દાવો કર્યો કે ગોડાઉનમાં રાખવામાં આવેલા ગાંજાને ઉંદરો ખાઈ ગયા હતા.

આ દાવા બાદ રાંચીની એક સ્પેશલ NDPS કોર્ટે ડ્રગ્સ કેસમાં એકમાત્ર આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો અને તપાસમાં થયેલી અનેક ખામીઓને ઉજાગર કરી હતી. તેમાં તપાસ અધિકારીનો એ દાવો પણ સામેલ હતો કે 200 કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા હતા.

રાંચી જિલ્લાના ઓરમાંઝી પોલીસે 17 જાન્યુઆરી 2022S NH-20 પર એક સફેદ બોલેરો વાહન રોક્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે રાંચીથી રામગઢ તરફ નશીલા પદાર્થોની દાણચોરી થઈ રહી છે. પોલીસના જણાવ્યાનુસાર વાહન રોકતાં જ તેમાં બેઠેલા ત્રણ લોકો કૂદી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, જેમાંથી ઇન્દ્રજિત રાય ઉર્ફે અનારજિત રાયને પકડી લેવામાં આવ્યો, જ્યારે વિકાસ ચૌરસિયા અને કુંદન રાય ભાગી જવામાં સફળ રહ્યા હતા. વાહનની તલાશી દરમિયાન ખાસ રીતે બનાવેલા ખાનામાં છુપાવેલા લગભગ 170 પેકેટમાં ભરેલો 200 કિલો ગાંજો મળ્યો હોવાનો પોલીસનો દાવો હતો.

NDPSની અનેક કલમો હેઠળ કેસ નોંધાયો

આ બાદ NDPS એક્ટની કલમ 20 (બી) (ii) (સી) અને 22 (સી) હેઠળ FIR નોંધવામાં આવી. જાન્યુઆરી 2022માં ઇન્દ્રજિત રાયની ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાયલ દરમિયાન તે કસ્ટડીમાં રહ્યો હતો.

19 ડિસેમ્બર 2025ના આદેશમાં એડિશનલ જ્યુડિશિયલ કમિશનર અને સ્પેશલ જજ આનંદ પ્રકાશે ઇન્દ્રજિત રાયને નિર્દોષ જાહેર કર્યો અને કહ્યું કે અભિયોજન પક્ષ આરોપોને સંદેહની બહાર સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે. કોર્ટે નશીલા પદાર્થોની જપ્તી અને તેના સંચાલન પર પણ શંકા વ્યક્ત કરી હતી. સ્ટેશનની ડાયરીમાં કરવામાં આવેલી તે એન્ટ્રીનો ઉલ્લેખમાં લખ્યું હતું કે જપ્ત કરાયેલો ગાંજો ઉંદરો દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યો હતો, કોર્ટે ટિપ્પણી કરી હતી કે આથી કેસની જપ્તી અને પોલીસ દ્વારા તેના સંચાલન પર જ શંકા ઊભી થાય છે.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધી, પોલીસે ઇમરાન ખાનની બહેન અલીમાની ધરપકડ કરી

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન જેલમાં છે. તેમની બહેનો અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન, પોલીસે ખાનની બહેન અલીમાની ધરપકડ કરી છે.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધી રહી છે. પાકિસ્તાનના કાયર ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ કેટલી હદે ઝૂકી શકે છે. ઇમરાન ખાનને મળવા માટે આદિયાલા જેલની બહાર વિરોધ કરી રહેલી બહેનો સામે મધ્યરાત્રિ પછી કાર્યવાહી કરવામાં આવી હતી. ઇમરાનની બહેન અલીમા ખાનની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ઇમરાનના સમર્થકો પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

બહેનો ખાનને મળવા આવી હતી

હકીકતમાં, મુનીર ઈમરાનના નામથી એટલો ડરી ગયો છે કે ખાનના સમર્થકોને જેલની બહાર પણ જવા દેવામાં આવી રહ્યા નથી. કોર્ટે આદેશ આપ્યો છે કે નજીકના સંબંધીઓ દર મંગળવારે ઈમરાનને મળે. કોર્ટના આદેશ પર ઈમરાનની બહેનો તેને મળવા આવી હતી. જ્યારે ખાનને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો, ત્યારે બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે પોલીસ કાર્યવાહી થઈ. ફક્ત અલીમા ખાનની ધરપકડના ફોટા જ સામે આવ્યા છે.

ધરપકડ દરમિયાન ઇમરાનની બહેન અલીમા ખાને અસીમ મુનીર પર ઉગ્ર હુમલો કર્યો. અલીમાએ કહ્યું કે મુનીર ગમે તેટલો જુલમ કરે, લોકો ટૂંક સમયમાં ઈમરાનના સમર્થનમાં રસ્તા પર ઉતરશે. તેણે કહ્યું, “અમે આ દેશના લોકો છીએ, અહીં અમારો અધિકાર છે, આ દેશ અમારો છે, 25 કરોડ લોકોને દેશમાંથી હાંકી શકાય નહીં, જો તેઓ ઈચ્છે તો તેઓ આ દેશને પણ વેચી શકે છે, તેઓએ તેને વેચવાનું શરૂ કરી દીધું છે, અમે ઈમરાન ખાન સાથે ઉભા છીએ, તમે જોશો ઈન્શાઅલ્લાહ, ખૂબ જ ટૂંક સમયમાં લોકો રસ્તા પર આવશે અને બીજો કોઈ રસ્તો બાકી નથી.” અલીમાએ કહ્યું, “અમારી પાસે જવા માટે કોઈ કોર્ટ નથી અને અહીં કોઈ કાયદો નથી. તેઓ આખો દિવસ કાયદો તોડી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ, પછી લોકો પોતાનો કાયદો ફરીથી સ્થાપિત કરશે.”

ઇમરાનના સમર્થકોએ જોરથી ગર્જના કરી. ઇમરાનની બહેનો સાથે, મોટી સંખ્યામાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સમર્થકો પણ અદિયાલા જેલ પહોંચ્યા. આ દરમિયાન, ઇમરાનના સમર્થકોએ મુનીર અને શાહબાઝ શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઇમરાનના સમર્થકોએ કહ્યું કે જેમ તેમના નેતા જેલની અંદર અડગ ઉભા છે, તેમ તેઓ તેમના પરિવાર સાથે બહાર પણ તેમના માટે અડગ ઉભા છે.

ભાજપે 54 લાખ મતદારોનાં નામ કર્યાં દૂરઃ CM મમતાનો દાવો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે પાર્ટીએ ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી 54 લાખ મતદારોનાં નામ કાઢી નાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કર્યો છે. સોશિયલ મિડિયા પર “ડિજિટલ હેરફેર” અને નકલી વિડિયો સામે ચેતવણી આપતાં બેનર્જીએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ હતી, જેથી ખોટા અથવા નકલી નામ ઉમેરીને લોકોનો મતાધિકાર છીનવી શકાય.

બાંકુરા જિલ્લાના બરજોરામાં એક જનસભાને સંબોધતાં મુખ્ય મંત્રી બેનર્જીએ કહ્યું હતું કે સોશિયલ મિડિયા પર આવતા દરેક વિડિયોને વિશ્વાસ ન કરો. આજકાલ AIનો યુગ છે. ભાજપે AIની મદદથી 54 લાખ મતદારોનાં નામ કાઢી નાખ્યા છે. જુઓ, ભાજપ આવું કરી રહ્યો છે. તમારા મતાધિકારને છીનવવા માટે નકલી નામ બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે તમે મતદાન કેન્દ્ર પર જશો, ત્યારે તમને ખબર પડશે કે તમે મત આપી શકતા નથી, કારણ કે તમારા નામની કોઈ બીજી વ્યક્તિ પહેલેથી જ મત આપી ચૂકી હશે. આંખો અને કાન ખુલ્લા રાખજો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) તમારા માટે વિનાશકારી સાબિત થશે.

ભાજપાનું 1.5 કરોડ નામ કાઢી નાખવાનું કાવતરું

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે બંગાળની મતદાર યાદીમાંથી 1.5 કરોડ નામ દૂર કરવાનું કાવતરું રચ્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે મતદાન કેન્દ્રોની અંદર બુથ લેવલ એજન્ટ્સ (BLA)ને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મુખ્ય મંત્રીએ જણાવ્યું  હતું કે વોટ્સએપ મારફતે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જો તમારી (ચૂંટણી પંચની) પાસે હિંમત હોય તો અમને લેખિતમાં આપો. અમે ન્યાય માટે જનતા કોર્ટમાં જઈશું.

SIRને નામે લોકોને પરેશાન કરવાનું બંધ કરો

તેમણે કહ્યું હતું કે પુરુલિયાની એક વૃદ્ધ વ્યક્તિનો ગુનો શું હતો? તેમને ગઈ કાલે SIR સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આ અપમાનથી દુઃખી થઈ તેમણે આત્મહત્યા કરી લીધી. શું તમને તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી? જો તમારા માતા-પિતાને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હોત, તો શું તમને શરમ ન આવત? થોડી શરમ કરો અને SIRને નામે બંગાળના લોકોને પરેશાન કરવાનું બંધ કરો.

ચીનનો ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મધ્યસ્થતા કર્યાનો દાવોઃ ભારતનો ઇનકાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીને પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને મોટો દાવો કર્યો છે. ચીનનું કહેવું છે કે તેણે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મધ્યસ્થતા કરી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે દાવો કર્યો હતો કે આ વર્ષે ચીન દ્વારા ‘મધ્યસ્થતા’ કરાયેલા મુખ્ય સંવેદનશીલ મુદ્દાઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ સામેલ છે.

બીજિંગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ચીનના વિદેશ સંબંધો પરની એક સંગોષ્ઠિમાં વાંગ યીએ કહ્યું હતું કે આ વર્ષે દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછીના કોઈ પણ સમયની તુલનામાં સ્થાનિક યુદ્ધો અને સરહદ પારના સંઘર્ષો વધુ વાર ભડક્યાં છે. ભૂ-રાજકીય ઊથલપાથલ સતત ફેલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે અમે એક નિષ્પક્ષ અને તર્કસંગત અભિગમ અપનાવ્યો છે અને લક્ષણો તેમ જ મૂળ કારણો બંનેને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.તેમણે કહ્યું હતું કે જડ બનેલા મુદ્દાઓ ઉકેલવા માટે ચીનના આ અભિગમને અનુસરતા, અમે ઉત્તર મ્યાનમાર, ઈરાનના પરમાણુ મુદ્દે, પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવમાં, પેલેસ્ટાઈન અને ઇઝરાઇલના મુદ્દે તેમ જ કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં મધ્યસ્થતા કરી છે.

ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહીં

ભારત સરકારે ચીનના આ દાવા પર વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે 7-10 મેની વચ્ચે ચાલેલા સંઘર્ષમાં 10 મેએ બંને દેશોના DGMOની વચ્ચે સીધા ફોન કોલ પછી ખતમ થયું હતું. ભારતે વૈશ્વિક મંચો પર વારંવાર દોહરાવ્યું છે કે પાકિસ્તાનની સાથે એના મુદ્દા સંપૂર્ણ રીતે દ્વિપક્ષી છે અને એમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.

 ભારત-ચીન સંબંધોમાં સુધારોચીનની વિદેશ નીતિ સંબંધિત પહેલ પર પોતાના સંબોધનમાં વાંગ યીએ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં આવી રહેલી સકારાત્મક ગતિનો ઉલ્લેખ કર્યો અને આ વર્ષે ઓગસ્ટમાં તિયાનજિનમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજિંગ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો પણ ઉલ્લેખ કર્યો હતો.