Home Blog Page 35

કેરળના ભૂતપૂર્વ CM વિજયનના ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ બુધવારે વહેલી સવારે તિરુવનંતપુરમમાં કેરળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી તેમની દીકરીની IT કંપની એક્સાલોજિક સોલ્યુશન્સ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસને લઈને કરવામાં આવી છે. EDની 12 સભ્યોની ટીમ વહેલી સવારે બેકરી જંક્શન સ્થિત વિજયનના ઘરે પહોંચી હતી અને તપાસ અંતર્ગત તપાસ શરૂ કરી હતી. આ કાર્યવાહી ED દ્વારા વિજયનની દીકરી ટી વીણાની કંપની એક્સાલોજિક સોલ્યુશન્સ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયા બાદ કરવામાં આવી છે.

શું છે  મામલો?

તપાસ એજન્સી રાજ્ય માલિકીની કોચિન મિનરલ્સ (CMRL) દ્વારા 2017થી 2020 દરમિયાન એક્સાલોજિક સોલ્યુશન્સને કરવામાં આવેલા આશરે 1.72 કરોડ રૂપિયાના ચુકવણાંની તપાસ કરી રહી છે. આવકવેરા આંતરિક સમાધાન બોર્ડે કથિત રીતે નોંધ્યું હતું કે કોઈ સેવા આપવામાં આવી નહોતી છતાં કંપનીને દર મહિને ચુકવણી કરવામાં આવતી હતી. બોર્ડે એ પણ જણાવ્યું હતું કે એક્સાલોજિક સોલ્યુશન્સ આ નાણાકીય લેવડદેવડ અંગે સંતોષકારક સ્પષ્ટતા આપવામાં નિષ્ફળ ગઈ હતી. વિજયનના નિવાસસ્થાન ઉપરાંત ED આ કેસ સાથે જોડાયેલાં કુલ 12 સ્થળોએ દરોડા પાડી રહી છે.

ભૂતપૂર્વ મંત્રી મોહમ્મદ રિયાસ, CMRL ઓફિસ અને અન્ય કેટલાંક સ્થળોએ પણ તપાસ ચાલુ છે. ED એ અગાઉ નાણાકીય વ્યવહારો સંબંધિત માહિતીને આધારે કેસ નોંધ્યો હતો અને ત્યાર બાદ તપાસ શરૂ કરી હતી. હાલમાં વધુ તપાસ ચાલુ છે.

CMRL ને કોર્ટમાંથી પણ ઝટકો

આ પહેલાં કેરળ હાઇકોર્ટે CMRL દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી, જેમાં લાંચ અને મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી રદ કરવાની માગ કરવામાં આવી હતી. ચુકાદા બાદ CMRLના વકીલે વચગાળાના સુરક્ષા આદેશને વધુ બે સપ્તાહ સુધી લંબાવવાની માગ કરી હતી, જેને કારણે કંપનીના અધિકારીઓને સમન્સ મોકલવામાં સ્ટે લગાવવામાં આવ્યો હતો. જોકે કોર્ટે આ માગ નામંજૂર કરી દીધી હતી. ED દ્વારા ગયા નાણાકીય વર્ષ દરમિયાન મની લોન્ડરિંગ કેસોમાં કરવામાં આવેલી ધરપકડોમાં આશરે 27 ટકા ઘટાડો નોંધાયો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન જપ્ત કરાયેલી સંપત્તિઓની કુલ કિંમત 81,000 કરોડ રૂપિયાથી વધુ રહી હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ ગણાય છે.

વાહ ભાઈ વાહ! ૨૭ મે ૨૦૨૬

મેંગો પુડીંગ ડેઝર્ટ

અગનગોળા વરસે એવી ગરમી વરસતી હોય એવા દિવસોમાં આઈસ્ક્રીમ કરતાં ઓછા સમયમાં બની જતું, કંઈક અલગ સ્વાદવાળું કેરીનું ડેઝર્ટ પુડીંગ બાળકોને ભાવશે!

સામગ્રીઃ દૂધ અડધો લિટર, કસ્ટર્ડ પાઉડર 1½ ટે.સ્પૂન, સાકર 2 ટે.સ્પૂન, એલચી પાઉડર ½ ટી.સ્પૂન, પાકી કેરી 2, મિલ્ક ક્રીમ 200 ગ્રામ, વેનિલા એસેન્સ ½ ટી.સ્પૂન, બદામ-કાજુ-પિસ્તાની કાતરી

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈમાં દૂધ ઉકળવા માટે મૂકો. પહેલીવાર દૂધમાં ઉભરો આવે એટલે તેમાંથી ચાર ટે.સ્પૂન દૂધ એક વાટકીમાં કાઢી લો.

ફરીથી દૂધ ઉકળે એટલે 10 મિનિટ બાદ તેમાં સાકર મેળવી દો. ત્યારબાદ તેમાંથી અડધી વાટકી દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર મેળવી દો. આ કસ્ટર્ડવાળું દૂધ કઢાઈમાં મેળવીને એલચી પાઉડર પણ મેળવી દો. ગેસ ધીમો રાખીને  દૂધને ઉકળવા દો.

પાકી કેરી ધોઈને છોલીને, સુધારી લીધા બાદ કેરીના થોડા ટુકડા બાઉલમાં રાખીને બાકીના ટુકડા મિક્સીમાં પીસીને પલ્પ તૈયાર કરી લો. કઢાઈમાંનું દૂધ ઘટ્ટ થવા લાગે એટલે કેરીનો 3 ચમચા જેટલો પલ્પ તેમાં મેળવી દો. ગેસ બંધ કરી દો.

અગાઉ 4 ટે.સ્પૂન દૂધ જે બાઉલમાં કાઢ્યું હતું. તેમાં એક એક કરીને ટોસ્ટ પલાળીને કાઢી લઈ એક મોટા બાઉલમાં મૂકતા જાવ. વધેલું દૂધ ટોસ્ટ ઉપર રેડી દો. ત્યારબાદ કસ્ટર્ડવાળું દૂધ ઉપરથી રેડી દો. આ બાઉલને ફ્રીજમાં 15 મિનિટ માટે મૂકી રાખો.

તે દરમ્યાન, ક્રીમને એક બાઉલમાં કાઢી લો અને તેને જેરણી અથવા બ્લેન્ડર વડે 2-3 જેરી લો. હવે તેમાં સાકર તેમજ વેનિલા એસેન્સ પણ મેળવી દો અને ફરીથી બ્લેન્ડર ફેરવીને ઘટ્ટ બનાવી લો.

આ મિશ્રણને ટોસ્ટવાળા મિશ્રણ ઉપર પાથરી દો. ઉપરથી તેને બાકી રાખેલા મેન્ગો પલ્પ, કેરીના થોડા ટુકડા તેમજ ડ્રાઈફ્રુટની કાતરીથી સજાવી દો.

 

પંચાંગ 27/05/2026

૨૭ મે ૨૦૨૬

RCB ફાઇનલમાં! રજત પાટીદારના વાવાઝોડામાં ઉડી ગયું ગુજરાત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની સિઝન હવે તેના ક્લાઇમેક્સ તરફ પહોંચી ગઈ છે. મંગળવારે (26 May) ધર્મશાલાના રમણીય HPCA સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ ક્વોલિફાયર-1 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સને 92 રનથી કચડી નાખ્યું છે. આ એકતરફી જીત સાથે જ બેંગલુરુએ આઈપીએલ 2026 ના ફાઇનલમાં ગૌરવભેર પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ, હારવા છતાં ગુજરાત ટાઇટન્સ માટે ફાઇનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે, કારણ કે તેમને ક્વોલિફાયર-2 રમવાની વધુ એક તક મળશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે બેંગલુરુના બેટ્સમેનોએ સંપૂર્ણપણે ખોટો સાબિત કરી દીધો હતો. આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને પ્લેઓફના ઇતિહાસનો સૌથી મોટો 254 રનનો સ્કોર બોર્ડ પર ખડકી દીધો હતો.

રજત પાટીદારનું ભયાનક તોફાન

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત સધી રહી હતી. ઓપનર વેંકટેશ અય્યર માત્ર 7 બોલમાં 19 રન બનાવીને કગિસો રબાડાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કિંગ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બાજી સંભાળી હતી અને બંને વચ્ચે 72 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. જો કે, જેસન હોલ્ડરે એક જ ઓવરમાં આ જોડીને તોડી નાખી હતી; પહેલા વિરાટ કોહલી (25 બોલમાં 43 રન) અને પછી પડિક્કલ (30 રન) આઉટ થતાં આરસીબી થોડી મુશ્કેલીમાં મુકાયું હતું.

પરંતુ તે પછી ક્રિઝ પર આવેલા રજત પાટીદારે (Rajat Patidar) મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરીને ગુજરાતના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા હતા. પાટીદારે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેને કૃણાલ પંડ્યાનો સારો સાથ મળ્યો, જેમણે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી. કૃણાલ આઉટ થતાં સ્કોર 189/4 થયો હતો. ટિમ ડેવિડ માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો, પણ અંતમાં જીતેશ શર્માએ 5 બોલમાં 15 રન ફટકારીને સ્કોરને 254 સુધી પહોંચાડ્યો હતો. ગુજરાત તરફથી કગિસો રબાડા અને જેસન હોલ્ડરને 2-2 વિકેટ મળી હતી.

255 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ઇનિંગની શરૂઆત ખરાબ સપના જેવી રહી હતી. માત્ર 51 રનના સ્કોર સુધી પહોંચતા જ ગુજરાતના મોખરાના 5 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ઓપનર સાઈ સુદર્શન (14) અને કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોસ બટલરે થોડો સંઘર્ષ કરીને 29 રન બનાવ્યા હતા, પરંતુ 51 ના સ્કોર પર જ બટલર, નિશાંત સિંધુ (5) અને જેસન હોલ્ડર (0) ઉપરાઉપરી આઉટ થતાં ગુજરાતની હાર નક્કી થઈ ગઈ હતી.

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. નીચલા ક્રમના બેટ્સમેનોએ ‘તુ ચલ મેં આયા’ ની જેમ વિકેટો ગુમાવી દીધી હતી. જો કે, એક છેડો સાચવીને લોઅર ઓર્ડરમાં રાહુલ તેવતિયાએ (Rahul Tewatia) શાનદાર લડત આપી હતી. તેવતિયાએ 68 રનની આક્રમક ઇનિંગ રમીને હારનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરસીબીના પહાડ જેવા સ્કોર સામે તેની આ ઇનિંગ નાની સાબિત થઈ હતી. આખી ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને બેંગલુરુએ 92 રનથી મેચ જીતી લીધી હતી.

ક્વોલિફાયર-1 માં હારવા છતાં ગુજરાત ટાઇટન્સ રેસમાંથી બહાર થઈ નથી. બુધવારે (27 May) રમાનારા એલિમિનેટર (Eliminator) મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે, તેની સામે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ક્વોલિફાયર-2 માં થશે. આ મહત્વનો ક્વોલિફાયર-2 મેચ 29 May ના રોજ મુલ્લાંપુરના મેદાન પર રમાશે, જ્યાં જીતનારી ટીમ ફાઇનલમાં આરસીબી સામે ટકરાશે.

 ગુજરાતના ટેક સેક્ટરમાં ‘શી વર્ક્સ’ અભિયાનને વેગ અપાશે

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ડેવલપમેન્ટ કન્સલ્ટન્સી આઈપીઈ ગ્લોબલ (IPE Global) દ્વારા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (GESIA IT Association) સાથે એક મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી, તેમની કારકિર્દીની સાતત્યતા, નેતૃત્વ અને લાંબાગાળાની પ્રગતિને મજબૂત બનાવવા માટે ‘શી વર્ક્સ’ (She Works) કાર્યક્રમને આગળ ધપાવવાનો છે.

આ એમઓયુ જીઈએસઆઈએ વિમેન ટેક વિંગ (GESIA Women Tech Wing) ની સફળ બે વર્ષની સફર અને પ્રભાવશાળી કામગીરીની ઉજવણીના અવસરે કરવામાં આવ્યા છે. વિમેન ટેક વિંગ રાજ્યના આઈટી (IT) અને સોફ્ટવેર ઉદ્યોગમાં મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ, વિઝિબિલિટી, મેન્ટરશિપ અને નવી તકો ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. આ જોડાણ એવા સમયે થયું છે જ્યારે ગુજરાતનું ડિજિટલ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ નવા ઉભરતા ક્ષેત્રો સાથે ઝડપથી વિસ્તરી રહ્યું છે અને ભવિષ્યના સક્ષમ કાર્યબળની માંગ વધી રહી છે.

આ પ્રસંગે વાત કરતા આઈપીઈ ગ્લોબલ લિમિટેડના સોશિયલ એન્ડ ઈકોનોમિક એમ્પાવરમેન્ટ વિભાગના ડાયરેક્ટર આશિષ મુખર્જીએ જણાવ્યું હતું કે,  “જીઈએસઆઈએ સાથેની આ ભાગીદારી મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા તરફનું એક સાર્થક પગલું છે. ગુજરાતનું ટેકનોલોજી ક્ષેત્ર દેશમાં સૌથી વધુ ગતિશીલ છે અને ભવિષ્ય માટે સક્ષમ રાજ્યના નિર્માણ માટે મહિલાઓને સમાન તકો મળે તે અત્યંત જરૂરી છે. ‘શી વર્ક્સ’ ના માધ્યમથી અમે જીઈએસઆઈએ, તેની સભ્ય કંપનીઓ અને વિમેન ટેક વિંગ સાથે મળીને આ વિઝનને વાસ્તવિક પરિણામોમાં બદલવા આતુર છીએ.”

આઈપીઈ ગ્લોબલ અને જીઈએસઆઈએ સાથે મળીને ટેકનોલોજી સેક્ટરમાં રોજગારીની નવી તકો, જરૂરી કૌશલ્યો અને વર્કફોર્સની જરૂરિયાતોને ઓળખશે. આ ઉપરાંત, તેઓ સમાવેશી ભરતી (inclusive hiring) માટે જાગૃતિ લાવશે, ઉદ્યોગો સાથેનું જોડાણ મજબૂત કરશે અને મહિલાઓ માટે કૌશલ્ય વિકાસથી લઈને સત્તાવાર રોજગાર સુધીના માર્ગો સરળ બનાવશે.

વર્ષ ૨૦૨૪માં લોન્ચ થયેલી જીઈએસઆઈએ વિમેન ઇન ટેક વિંગ વિશે વાત કરતા જીઈએસઆઈએના ઓનરરી ચેરમેન અને ડાયરેક્ટર સત્યાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે ‘શી વર્ક્સ’ પહેલ હેઠળ આઈપીઈ ગ્લોબલ સાથે ભાગીદારી કરીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ. ગુજરાતનો આઈટી અને સોફ્ટવેર ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે, અને આ વિકાસ યાત્રામાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવી એ વ્યાપારી અને સામાજિક બંને દ્રષ્ટિએ અનિવાર્ય છે. જીઈએસઆઈએ એવા ઉદ્યોગના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે જ્યાં મહિલાઓને તકો, નેતૃત્વ અને લાંબાગાળાની કારકિર્દીની સફળતા માટે સમાન અધિકાર મળે.”

વિમેન ઇન ટેક વિંગની સતત અસર અંગે વાત કરતા જીઈએસઆઈએ વિમેન ટેક વિંગના કન્વીનર ડૉ. અભિલાષા વ્યાસે જણાવ્યું હતું કે, “આ બે વર્ષ ગુજરાતના ટેક સેક્ટરમાં મહિલાઓ માટે સમુદાય, આત્મવિશ્વાસ અને ક્ષમતા નિર્માણની સફર સમાન રહ્યા છે. ‘શી વર્ક્સ’ દ્વારા આઈપીઈ ગ્લોબલ સાથેનું જોડાણ એક શક્તિશાળી આગામી પગલું છે. આ ભાગીદારીથી મેન્ટરશિપ, કૌશલ્ય વિકાસ અને લીડરશિપના માર્ગોને વધુ મોટા પાયે લઈ જવા અને ઉદ્યોગમાં મહિલાઓને મહત્વપૂર્ણ ભૂમિકામાં લાવવામાં મદદ મળશે.”

આ ભાગીદારીના ભાગરૂપે, બંને સંસ્થાઓ ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓ માટે કારકિર્દીના માર્ગોનો વિસ્તાર કરવા, કૌશલ્ય વર્ધન, મેન્ટરશિપ અને ઈન્ડસ્ટ્રી લિંકેજ સક્ષમ કરવા, જીઈએસઆઈએની સભ્ય સંસ્થાઓમાં સમાન ભરતી પ્રક્રિયા પ્રોત્સાહિત કરવા અને ગુજરાતના ટેક ઇકોસિસ્ટમનું ભવિષ્ય ઘડનારી મહિલા નેતાઓની નવી પેઢી તૈયાર કરવા માટે સાથે મળીને કામ કરશે.

પાયલટ ડે: તાત્કાલિક સારવારમાં સફળ 108ના પાયલટને સન્માનવાનો દિવસ

અમદાવાદ: પહેલાંના સમયમાં ડાયલ 100 કરીએ એટલે પોલીસ આવી જાય. 101 કરીએ એટલે ફાયર બ્રિગેડ આગ નિયંત્રણ સાથે એની એમ્બ્યુલન્સ પણ સેવા આપે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી 108ની મેડિકલ ઇમરજન્સી સેવાના કારણે જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. લોકોને કોઇપણ પ્રકારની અચાનક માંદગી અને અકસ્માતમાં 108 દ્વારા 24 x 7 ચાલતી સેવાઓએ અસંખ્ય જીવ બચાવ્યા છે.ગુજરાત સરકારની લોકભાગીદારી GVK EMRI GREEN HEALTH SERVICEની 108ની મેડિકલ સેવાઓએ નાગરિકોમાં એક જબરદસ્ત વિશ્વાસ ઉભો કર્યો છે. તાત્કાલિક સારવાર આપવાની આ સેવાઓમાં કોઇપણ ઘટના સ્થળે કે દર્દી સુધી ડોકટરની ટીમને સામગ્રી પહોંચાડવામાં પાયલોટનો મહત્વ પૂર્ણ ફાળો હોય છે. એ ગાડીના ચાલક પાયલટને આજે સન્માનવાનો દિવસ છે. 108ની સેવા, ઇ.એમ.આર.ઇ. ગ્રીન હેલ્થ સર્વિસિસ 26 મેના રોજ પાયલોટ દિવસની ઉજવણી કરે છે.

યોગ્ય એમ્પ્યુલન્સ પાયલોટના કારણે કોઇપણ માણસ માર્ગ પર બિમાર પડે કે અકસ્માત થાય ત્યારે એને તાત્કાલિક ઝડપી પ્રાથમિક સારવાર મળી જાય તેમજ એને યોગ્ય રીતે નજીકની હોસ્પિટલ પર પહોંચાડી શકાય.

પાયલટ ડેના આ દિવસે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં નક્કી કરેલા સ્થળે ઉમદા કામગીરી બદલ, 108, ખિલખિલાટ, 1962, દશ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું , મોબાઇલ વેટરનરી યુનિટ, ધનવન્તરિ આરોગ્ય રથ, આરોગ્ય સંજીવની 181 અભયમ, મહિલા હેલ્પલાઇન, 112 જનરક્ષક સેવામાં કાર્યરત પાયલટ, કેપ્ટન, ડ્રાઇવરને સન્માનિત કરવામાં આવ્યા હતા. 29 ઓગષ્ટ 2007થી 108 એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં અત્યાર સુધી અંદાજે 1 કરોડ 93 લાખ જુદા જુદા કિસ્સાઓમાં સેવાઓ પૂરી પાડી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

જગતના તાત માટે સરકારે ખોલી તિજોરી

ગુજરાતના સહકારી ક્ષેત્રને વધુ વેગવંતું બનાવવા અને જગતના તાતના આર્થિક ઉત્થાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૭-૦૮ થી વર્ષ ૨૦૧૪-૧૫ ના સમયગાળા દરમિયાન રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ દ્વારા શેરડી પકવતા ખેડૂતોને ચૂકવવામાં આવેલા ભાવોને સત્તાવાર રીતે બહાલી આપી દીધી છે. સરકારના આ ક્રાંતિકારી પગલાને કારણે રાજ્યની ખાંડ મંડળીઓ પર તોલાતી અંદાજિત રૂ. ૧,૫૦૦ કરોડના આર્થિક બોજાની આફત કાયમ માટે ટળી ગઈ છે, જેનો સીધો જ અને મોટો લાભ રાજ્યના બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને મળશે.

બાય-પ્રોડક્ટ્સનો લાભ અને ઇન્કમટેક્સનો જટિલ વિવાદ

આ અંગે વિગતવાર પૃષ્ઠભૂમિ આપતા રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતનું સહકારી માળખું સમગ્ર દેશમાં અનન્ય છે. દેશની અન્ય ખાંડ મંડળીઓ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાતા એફ.આર.પી. (Fair and Remunerative Price) એટલે કે ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈઝ મુજબ જ ખેડૂતોને ચૂકવણી કરતી હોય છે. જો કે, ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ માત્ર ખાંડના વેચાણ પર સીમિત ન રહેતા મોલાસીસ, ઇથેનોલ તેમજ કો-જનરેશન પ્લાન્ટ્સ દ્વારા ઉત્પાદિત થતી વીજળી જેવી વિવિધ ઉપ-પેદાશો (બાય-પ્રોડક્ટ્સ)માંથી થતી બમ્પર આવકનો મોટો હિસ્સો સીધો જ ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે. આ આયોજનબદ્ધ વહીવટના કારણે જ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશા વધુ અને પોષણક્ષમ ભાવો મળતા આવ્યા છે.

પરંતુ, ભૂતકાળમાં આ કલ્યાણકારી વ્યવસ્થા સામે એક મોટો કાયદાકીય પ્રશ્ન ઊભો થયો હતો. કેન્દ્રીય આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા એફ.આર.પી. કરતાં ખેડૂતોને ચૂકવાયેલા આ વધુ ભાવોને મંડળીઓનો ‘નફો’ ગણી લેવામાં આવ્યો હતો. આ અર્થઘટનના આધારે ઇન્કમટેક્સ વિભાગે ગુજરાતની વિવિધ ખાંડ સહકારી મંડળીઓને કરોડો રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસો ફટકારી હતી. વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૫ સુધીના લાંબા ગાળાના આ વિવાદને કારણે મંડળીઓ પર અંદાજે રૂ. ૧,૫૦૦ કરોડ જેટલી માતબર રકમનો આર્થિક બોજો જમા થઈ ગયો હતો, જે સહકારી ક્ષેત્રની કમર તોડી નાખે તેમ હતો.

ડબલ એન્જિન સરકારના સંયુક્ત પ્રયાસો લાવ્યા રંગ

આ ગૂંચવાયેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને ભગીરથ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે એક અલગ ‘સહકાર મંત્રાલય’ની સ્થાપના કરી અને તેનું સુકાન કેન્દ્રીય મંત્રી અમિત શાહને સોંપ્યું હતું. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩માં આવકવેરા કાયદાની જોગવાઈઓમાં એક ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો. આ સુધારા મુજબ, જો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને આવકવેરાના હેતુ માટે માન્યતા આપી દેવામાં આવે, તો મંડળીઓ પર લાદવામાં આવેલો વધારાનો ટેક્સ આપોઆપ રદ થઈ જાય છે.

ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો સ્વીકાર

કેન્દ્ર સરકારના આ ટેક્સ સુધારાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાએ યોગ્ય ભલામણો કરવા માટે તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિએ આપેલા હકારાત્મક અહેવાલ અને ભલામણોનો સ્વીકાર કરીને ગુજરાત સરકારે છેવટે ખેડૂતો અને મંડળીઓની તરફેણમાં આ મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ કલ્યાણકારી નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમગ્ર ખેડૂત આલમ વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર સહકારી ક્ષેત્રના પાયાને મજબૂત કરવા અને લાખો ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

શું ખરેખર રણવીર સિંહ હવે ફિલ્મોમાં કામ નહીં કરી શકે? પ્રતિબંધનો અર્થ શું છે?

રણવીર સિંહ (Ranveer Singh) અને ફિલ્મ ‘ડોન 3’ને લઈને વધતો જતો વિવાદ આખરે એ બિંદુએ પહોંચી ગયો છે જ્યાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ જાહેરાત કરી છે કે તેના 400,000 થી વધુ સભ્યો હવે રણવીર સિંહ સાથે કામ કરશે નહીં. ચાલો જાણીએ કે આ પ્રતિબંધનો અર્થ શું છે, અને શું આ અભિનેતા હવે બોલિવૂડમાં કામ કરી શકશે નહીં?

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) અને ફિલ્મ ‘ડોન 3’ (Don 3)ને લઈને ચાલી રહેલો વિવાદ સતત વધતો જાય છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ સોમવારે કહ્યું કે તેના ચાર લાખથી વધુ સભ્યો રણવીર સિંહ સાથે કામ કરશે નહીં કારણ કે તેણે છેલ્લી ઘડીએ ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’ માંથી પીછેહઠ કરી હતી, જેનું નિર્માણ ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું. હવે આ ઘટનાએ મોટી ચર્ચા જગાવી છે અને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ ના અભિનેતા રણવીર સિંહ હવે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી શકશે નહીં? અહીં તમને જણાવી દઈએ કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝે રણવીર સિંહ વિરુદ્ધ ‘અસહકાર નિર્દેશ’ જારી કર્યો છે.

FWICE પ્રતિબંધનો અર્થ શું છે?

FWICE પ્રતિબંધ એ સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ નથી કે તે કાયદેસર રીતે કોઈ અભિનેતાને ફિલ્મો સાઇન કરવાથી રોકતો નથી. તે કોઈ કાનૂની કાર્યવાહી નથી, પરંતુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ તરફથી અસહકારનો નિર્દેશ છે. આનો અર્થ એ છે કે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને અન્ય લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ આગળ કોઈ પણ શૂટિંગ અથવા નિર્માણમાં અભિનેતા સાથે સહયોગ ન કરે. ફિલ્મ નિર્માણ આ વ્યક્તિઓ પર ખૂબ આધાર રાખે છે, તેથી આવા પગલાથી વર્તમાન અને ભવિષ્યના કાર્યમાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે.

અભિનેતા વિરુદ્ધ નોન-કોઓપરેશન ડાયરેક્ટિવનો મતલબ એ છે કે ફેડરેશન સાથે જોડાયેલા સભ્ય, ટેક્શિયન અને વર્કર્સ હાલમાં રણવીર સિંહ અને તેના પ્રોજેક્ટ્સને સહયોગ નહીં આપે. આ સાથે જ ફેડરેશને આ મામલે નિર્માતાઓને સમર્થન આપવાની અપીલ કરી છે.

રિપોટ્સ અનુસાર જ્યાં સુધી રણવીર સિંહ અને ડૉન 3ના મેકર્સ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી અભિનેતા ભારતમાં નવી ફિલ્મોનું શૂટિંગ કે પ્રોડક્શનનું કામ કરી શકશે નહીં. ફિલ્મ સંસ્થાએ સોમવારે 25 મેના રોજ રણવીર સિંહ (Ranveer Singh) વિરુદ્ધ અસહયોગનો આદેશ જારી કર્યો છે.સંગઠનનું કહેવું છે કે અભિનેતાએ રૂબરૂ હાજર થઈને વાર્તાનો પોતાનો પક્ષ રજૂ કરવાની અનેક વિનંતીઓનો જવાબ આપ્યો નથી. આ દરમિયાન ‘ડોન 3’નું નિર્માણ કરતી કંપની, એક્સેલ એન્ટરટેઈનમેન્ટે રણવીર સિંહ પાસેથી ફિલ્મ છોડતા પહેલા થયેલા પ્રી-પ્રોડક્શન ખર્ચ માટે વળતર તરીકે 45 કરોડની માંગણી કરી છે.

FWICE ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે IANS સાથે વાત કરી, વિવાદને વિગતવાર સમજાવ્યો અને ઉદ્યોગમાં આ વધતા વલણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે “ફિલ્મ ઉદ્યોગ એક વિશ્વાસ આધારિત સિસ્ટમ છે. એકવાર નિર્માતા કોઈ અભિનેતાને સાઇન કરે છે, પછી આખી ટીમ તે મુજબ કામ કરવાનું શરૂ કરે છે. ફિલ્મની તૈયારી, શૂટિંગ આયોજન, સ્થાનો, તકનીકી ટીમો, સેટ અને બીજી બધી બાબતો પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.”

ફિલ્મ ઉદ્યોગ વિશ્વાસ પર બનેલી એક સિસ્ટમ છે. એકવાર નિર્માતા કોઈ અભિનેતાને સાઇન કરે છે, પછી આખી ટીમ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરે છે. ફિલ્મની તૈયારી, શૂટિંગ પ્લાનિંગ, લોકેશન, ટેકનિકલ ક્રૂ, સેટ અને બીજી બધી બાબતો પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.

તેમણે સમજાવ્યું કે ફિલ્મની તૈયારી શરૂ થતાં જ નિર્માતાના પૈસા આવવા લાગે છે. તેથી, જો કોઈ અભિનેતા છેલ્લી ઘડીએ પ્રોજેક્ટ છોડી દે છે, તો તેની અસર ફક્ત નિર્માતા પર જ નહીં પરંતુ સેંકડો કામદારો અને ટેકનિશિયન પર પણ પડે છે. તેમણે વધુમાં સમજાવ્યું કે ‘ડોન 3’ની તૈયારીઓ ખૂબ આગળ વધી ગઈ હતી. શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુનિટ જવાની તૈયારીમાં હતું. પરંતુ પછી રણવીર સિંહે અચાનક પ્રોજેક્ટ છોડી દેવાનો નિર્ણય લીધો. કારણ ગમે તે હોય, છેલ્લી ઘડીએ આવી રીતે પ્રોજેક્ટ છોડવો ઉદ્યોગ માટે ખતરનાક વલણ બની શકે છે.