Home Blog Page 356

અલ્પસંખ્યકો પર હુમલાઓ મુદ્દે ભારતની બાંગ્લાદેશને આકરી ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે શુક્રવારે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકો સામે તાજેતરમાં થયેલી હિંસા અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે આવી ઘટનાઓને માત્ર મિડિયા દ્વારા વધારીને રજૂ કરાયેલા સમાચાર અથવા રાજકીય હિંસા કહીને અવગણવામાં નહીં આવે.

બાંગ્લાદેશમાં થયેલી તાજેતરની ઘટનાઓ પર પ્રતિભાવ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે બાંગ્લાદેશમાં ફેલાતી ખોટી માહિતી (ફેક ન્યૂઝ)ને નકારી કાઢતાં અનેક નિવેદનો જાહેર કર્યાં છે.તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલા ઘટનાક્રમોથી તેઓ સંપૂર્ણ રીતે અવગત છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ સહિતના અલ્પસંખ્યકો સામે ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી સતત હિંસા અત્યંત ચિંતાજનક છે. તેમણે તાજેતરમાં હિંદુ યુવક અમૃત મંડલની થયેલી જઘન્ય હત્યાની કડક નિંદા કરી અને આશા વ્યક્ત કરી હતી કે આ ગુનાના દોષિતોને વહેલી તકે ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વચગાળાની સરકારના સમયગાળામાં સ્વતંત્ર સ્ત્રોતોએ અલ્પસંખ્યકો સામે 2900થી વધુ હિંસાત્મક ઘટનાઓ નોંધાવી છે, જેમાં હત્યા, આગ ચાંપવી અને જમીન કબજા જેવા કેસો સામેલ છે. બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક અન્ય મંડલને માર મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટનાના એક દિવસ બાદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે કહ્યું હતું કે આ ઘટના સાંપ્રદાયિક હિંસાથી જોડાયેલી નથી. સરકારના જણાવ્યા અનુસાર મૃતક મંડલ સામે અનેક ગંભીર ગુનાઓના આરોપો હતા.

બાંગ્લાદેશ સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હત્યાના મામલે સોશિયલ મિડિયા પર ફેલાતી “ભ્રામક માહિતી”ની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે બીએનપીના નેતા તારિક રહમાનની 17 વર્ષ બાદ વાપસીને પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ.

કાંકરિયા કાર્નિવલ 2025 શરૂ

અમદાવાદ: 25 ડિસેમ્બર ક્રિસમસ શરુ થાય એટલે 31 ડિસેમ્બર સુધી ઘણાં દેશોમાં કાર્નિવલની ઉજવણી થાય છે. હેરિટેજ સિટી અમદાવાદના કાંકરિયા તળાવના વિશાળ પરિસરમાં આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણીની શરૂઆત કરી હતી.કાંકરિયા તળાવ જૂના સ્થાપત્ય અને આધુનિકતાના સમન્વય શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાંકરિયા તળાવનું નવીનીકરણ કર્યું એ વર્ષના છેલ્લા સપ્તાહમાં કાંકરિયાના કિનારે ભવ્ય કાર્નિવલની શરૂઆત થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કાંકરિયા કાર્નિવલ 2025ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિત અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂઆત થઈ ગઈ છે.સ્વચ્છતામાં અગ્રેસર અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલની શરૂઆત ભવ્ય ‘લાઈટ એન્ડ શો ‘ સાથે થઈ હતી. આ સાથે વોકલ ફોર લોકલ, કોમન વેલ્થ ગેમ, સાયકલ, રાષ્ટ્ર ધ્વજ જેવી અનેક થીમ સાથે ડ્રોન શોની મજા કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં લોકોએ માણી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોની શરુઆતમાં જ કિર્તીદાન ગઢવી અને સાથી કલાકારોના પરફોર્મન્સથી લોકો ઝુમી ઉઠ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખાય કાર્નિવલ પર નજર રહે એ માટે આધુનિક સી.સી.ટી.વી કેમેરા લગાવ્યા છે. આ સાથે કંટ્રોલ રૂમ સાથેનો સ્ટાફ, ફાયર બ્રિગેડ, હોમ ગાર્ડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કાંકરિયા કાર્નિવલની ઉજવણીને દેશ વિદેશથી આવતા લોકો માટે વધુ સરળ બનાવી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)

AMAએ ફિલ્મ ‘લાલો’ના કલાકારો સાથે એડવાન્સ્ડ ડિપ્લોમા કોર્સ લોન્ચ કર્યો

ગુજરાત: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા ‘રૂપા અને આનંદ પંડિત – AMA સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ’ હેઠળ ગુજરાતી ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો અને સર્જકો દ્રારા AMAનો ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો હતો અને “ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના બદલાતા પ્રવાહો: ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ની સફળતાની ગાથા” વિષય પર AMA ખાતે એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પેનલ ડિસ્કશનમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને સર્જકો અંકિત સાખિયા (દિગ્દર્શક), અજય પડરિયા (નિર્માતા), શ્રુહદ ગોસ્વામી (અભિનેતા – પાત્ર: કૃષ્ણ), કરણ જોશી (અભિનેતા – પાત્ર: લાલજી) અને રીવા રાછ (અભિનેત્રી – પાત્ર: તુલસી) જોડાયા હતાં. આ ઉપરાંત, આર વર્લ્ડ મલ્ટિપ્લેક્સના ચેરમેન અને ૧૯૯૪માં રાજશ્રી સિનેમા લોન્ચ કરનાર અજયસિંહ ચુડાસમાએ ફિલ્મ ઉદ્યોગના વ્યાપક પરિપ્રેક્ષ્ય વિશે જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન AMAના પૂર્વ પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા દ્રારા કરવામાં આવ્યું હતું.

AMA દ્રારા કારકિર્દી ઘડતર અને સ્કીલ ડેવલપમેન્ટ માટે ફિલ્મ નિષ્ણાતો દ્રારા સમકાલીન પ્રેક્ટીસ આધારિત તૈયાર કરાયેલ ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કોર્સ’ સર્જનાત્મક દ્રષ્ટિકોણ અને સિનેમાના વ્યવસાય વચ્ચેના અંતરને ઘટાડવા માટે તૈયાર કરવામાં આવેલ છે અને આ કોર્સ પ્રોડક્શન વર્કફ્લો અને મેનેજમેન્ટમાં વ્યવહારુ તાલીમ આપે છે. છ મહિનાનો આ કોર્સ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬થી શરૂ થશે. વર્ગો AMA કેમ્પસમાં અઠવાડિયામાં બે વાર, શુક્રવાર અને શનિવારે સાંજે ૬:૩૦થી ૮:૩૦ દરમિયાન લેવામાં આવશે. અભ્યાસક્રમમાં વર્તમાન બજારના પ્રવાહો સાથે ઉદ્યોગના નિષ્ણાતોના અનુભવને સાંકળીને પ્રાયોગિક અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે.

માનસિકતા અને વાસ્તુનો અદ્રશ્ય દોષ

શું પ્રજાનો નિર્વાહ કરવાની જવાબદારી માત્ર સરકારની જ છે? પોતાના માટે જીવવાની ખુમારી સમાજમાં ઓછી થઈ રહી છે. સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરી ને ગરીબડાં દેખાઈ સરકાર પર દબાણ વધારવા પ્રયત્નો થાય એ કરુણતા છે. કોઈ પણ સાધન કે સંસાધન નો સભાનતા પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સરકારી વસ્તુઓ નું નુકશાન અંતે તો પ્રજા પર જ ભારણ ઊભું કરે છે.

તો બીજી તરફ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય માણસોનું શોષણ કરવાનું ચૂકતા નથી. આ બંને પરિસ્થિતિ દેશના વિકાસ માટે નકારાત્મક છે.

એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે અન્ય નાગરિકોનું સન્માન કરીએ. જેથી સરકાર અન્ય અગત્યના કામ કરી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સ: જ્યારથી બધું જ મફતમાં આપવાની રેસ શરુ થઇ છે ત્યારથી ભિખારીઓ વધી રહ્યા છે. ભલભલા ખેરખાં પણ મફતનું લેવા નાટકો કરી રહ્યા છે. પારકે પૈસે દિવાળીઓ વધી રહી છે. હું એક કલાકાર છુ. એક સંસ્થામાંથી મને નોકરીની ઓફર આવી. વિદ્યાથીઓ આવી ગયા હતા. પણ શિક્ષક ન હતા. મેં કામ કરવાની ના પાડી તો પ્રિન્સિપાલે કહ્યું કે જો કોઈ નહિ મળે તો મારે ઝેર ખાવું પડશે. કોઈ બીજું મળે ત્યાં સુધી ચલાવી આપો. મેં હા પાડી. થોડા સમય પછી સંસ્થાના માલિકે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું. મારી ઓળખાણથી એમણે કલાકરોને બોલાવવા માટે આજીજી કરી. ફરી એ જ નાટક કે જો નહિ થાય તો ઝેર ખાવું પડશે.

ભવ્ય કાર્યક્રમ થયો. માલિકે કાર્યક્રમ પહેલા કલાકારો ને પેમેન્ટ આપવાનું કહ્યું હતું. પણ એ સમયે રડી કકળીને ન આપ્યું. પોતે અમારા ફોટા પડાવીને સોસીયલ મીડિયા પર મુક્યા. કાર્યક્રમ પત્યા પછી તરત જ પ્રિન્સિપાલે કહ્યું કે અમે તો વિદ્યાર્થીઓને પેપર આપીને જ પાસ કરાવીએ છીએ. એટલે પગારની તો અમારે ત્યાં પ્રથા જ નથી. વળી તમે તો સ્ટાફમાં હતા એટલે તમારે બીલ ન મુકવાનું હોય.

મને છેતરીને એમણે મારું ખુબ મોટું નુકશાન કરાવી દીધું. ફોનમાં ગમેતેમ વાત કરે છે. શું કરું?

જ: ભિખારી હોવા માટે ગરીબ હોવું જરૂરી નથી. ક્યારેક આવા ધનવાન ભીખારીઓ પણ હોય છે. આવી માનસિકતા માટે સંસ્કાર જવાબદાર હોય છે. દુખદ બાબત એ છે કે આવા લોકો શિક્ષણ જેવા પવિત્ર કાર્ય સાથે જોડાયેલા છે. ભવિષ્યમાં કોઈ ઝેર ખાવાનું કહે તો તમને વિશ્વાસ નહિ આવે. ખાનગી શિક્ષણમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર આવી સંસ્થાઓને ચાલવા દે છે. બાકી જ્યાં પગાર ન અપાતો હોય એ સંસ્થા વરસોથી ચાલે કેવી રીતે? વાલી અને વિદ્યાર્થીઓ એ પણ આવી સંસ્થાઓનો બહિષ્કાર કરવો જોઈએ.

સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ ચઢાવો. પેપર વર્ક કર્યા વગર કોઈ પ્રોજેક્ટ હાથમાં ન લ્યો.

સુચન: શિક્ષણ સંસ્થાના મુખ્ય વ્યક્તિ ઉત્તર મુખી બેસતા હોય તો ત્યાં ભૌતિકતા વધારે હોઈ શકે છે. એડમિશન લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો    Email: vastunirmaan@gmail.com )

વર્ષ 2025માં: ભારતે સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ ઊજવ્યો

નવી દિલ્હીઃ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાયેલા મહાકુંભથી લઈને નવેમ્બરમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની રચનાનાં 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વર્ષભર યોજાનારા કાર્યક્રમોની શરૂઆત સુધી- વર્ષ 2025માં સંસ્કૃતિ મંત્રાલય અત્યંત વ્યસ્ત રહ્યું. વર્ષના અંત સુધી પહોંચતાં દીપાવલીને પ્રકાશના પર્વ તરીકે યુનેસ્કોની માન્યતા મળી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ‘કલાગ્રામ’ મારફતે ભારતની સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું. 10.24 એકર વિસ્તારમાં ફેલાયેલું ‘કલાગ્રામ’ એક સંવેદનાત્મક યાત્રા રજૂ કરતું હતું, જેમાં ભારતની સાંસ્કૃતિક વારસાનાં મૂર્ત તથા અમૂર્ત – બન્ને પાસાઓને એકસાથે રજૂ કરવામાં આવ્યાં હતાં.

સંસ્કૃતિ મંત્રાલયે નવેમ્બરમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની રચનાનાં 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વર્ષભર ચાલનારા કાર્યક્રમોની શરૂઆત કરી. આ જ સમયગાળામાં ભોપાલમાં અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતીનો ભવ્ય સમારોહ યોજાયો અને દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવાઈ.

વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ભારતને યુનેસ્કોથી બે મહત્વપૂર્ણ માન્યતાઓ પ્રાપ્ત થઈ. પ્રથમ, ‘ભારતના મરાઠા સૈન્ય પરિદૃશ્ય’ને જુલાઈમાં પેરિસમાં યોજાયેલી વિશ્વ વારસા સમિતિની 47મી બેઠક દરમિયાન વિશ્વ વારસા યાદીમાં સામેલ કરવામાં આવ્યું. ‘ભારતના મરાઠા સૈન્ય પરિદૃશ્ય’ના 12 ઘટકોમાં મહારાષ્ટ્રના સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ કિલ્લો, ખંડેરી કિલ્લો, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ અને સિંધુદુર્ગ તેમજ તામિલનાડુનો જિંજી કિલ્લાનો સમાવેશ થયો છે.

બીજી માન્યતા 10 ડિસેમ્બરે દિવાળીને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યુનેસ્કોની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવાની રૂપે મળી. આ યાદીમાં સામેલ થતો ભારતનો દિવાળી 16મો તહેવાર છે. અન્ય 15 તહેવારોમાં કુંભ મેલો, કોલકાતાની દુર્ગા પૂજા, ગુજરાતનો ગરબા નૃત્ય, યોગ, વૈદિક મંત્રોચ્ચારની પરંપરા અને રામલીલાનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ સમાવેશ સાથે યુનેસ્કો નવચેતના, શાંતિ અને સારા પર વિજયની શાશ્વત માનવીય આકાંક્ષાને સન્માન આપે છે. તેમણે કહ્યું કે કુંભારોમાંથી લઈને કારીગરો સુધી, લાખો હાથ આ વારસાને જીવંત રાખે છે. આ યુનેસ્કો ટેગ એક જવાબદારી પણ છે અને આપણે ખાતરી કરવી પડશે કે દિવાળી જીવંત વારસા તરીકે જળવાઈ રહે.

શું તમને કાયમ મોટીવેશનની જરૂર પડે છે?

નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આપણામાંથી દરેક પાસે નવા વર્ષ માટે કંઈક ને કંઈક પ્લાનિંગ હોય છે. કોઈને જિમ શરૂ કરવું છે, કોઈને ડાયેટ કરવો છે, કોઈને કંઈક ખરીદવું છે, તો કોઈને પોતાની આદતોમાં ફેરફાર કરવો છે. પરંતુ આ બધાનો મુખ્ય હેતુ એક જ છે – ટ્રાન્સફોર્મેશન.

એવી બદલાવની પ્રક્રિયા, જ્યાં થોડાં પગલાં સુધારા તરફ લઈ જઈ શકે. જે આપણે અત્યાર સુધી કરી શક્યા નથી, અથવા કોઈને કોઈ કારણસર ટાળતા રહ્યા છીએ.

સમયના બહાને કે આળસના કારણે આપણે અમુક કામ હંમેશા માટે મુલતવી રાખીએ છીએ, કારણ કે આપણે એ માટે સતત મોટીવેશન શોધતા રહીએ છીએ.

કોઈ આપણને ટ્રિગર કરે, કોઈ જોશભર્યા પ્રવચનો સાંભળીએ, ત્યારે ઉલ્લાસમાં આવીને આપણે કોઈ નિર્ણય લઈ લઈએ છીએ. પરંતુ થોડા દિવસોમાં એ ઉત્સાહ ધીમે ધીમે ઓસરવા લાગે છે અને ફરી બધું જ સાઈડ પર જતું રહે છે. સમયના બહાને એ કામ ફરીથી સ્થગિત થઈ જાય છે.

પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે? શા માટે આપણને દરેક કામ માટે વારંવાર મોટીવેશનની જરૂર પડે છે?

મોટીવેશન શબ્દને સમજવા માટે એક નાની વાર્તા જોઈએ.

એક વખત એક ટીનએજ દીકરાએ તેના પપ્પાને કહ્યું,

“પપ્પા, હું અત્યારે બહુ ડિમોટિવેટ અનુભવું છું. મને કશું કરવાનું મન નથી થતું. થોડા સમયમાં ફરી હું મોટીવેટ થઈ જઈશ, પરંતુ મારો પ્રશ્ન એ છે કે મારું મોટીવેશન કાયમી નથી.”

પપ્પાએ શાંતિથી પૂછ્યું, “તુ હમણાં શું કરીને આવ્યો?”

દીકરાએ કહ્યું, “હું પ્લે ગ્રાઉન્ડમાંથી બાસ્કેટબોલ રમીને આવ્યો છું.”

“કેમ?”

“અરે પપ્પા, હું તો 9 વર્ષથી બાસ્કેટબોલ રમું છું. એમાં શું મોટીવેશનની જરૂર?”

પપ્પાએ કહ્યું,

“એજ તો હું સમજાવવું માગું છું. રમવા માટે, નેટફ્લિક્સ જોવા માટે કે જમવા માટે તું ક્યારેય ડિમોટિવેટ થતો નથી. તો પછી અમુક કામ કરવા માટે જ તને મોટીવેશનની જરૂર કેમ પડે છે?”

આ નાની વાર્તા બહુ મોટો સંદેશ આપે છે.

જ્યાં સુધી આપણે કોઈ કામની જવાબદારી સ્વીકારતા નથી, ત્યાં સુધી આપણે એ કરવા માટે અસમર્થ જ રહીએ છીએ. ઘણીવાર આપણે એ કામની સાચી કિંમત સમજી શકતા નથી, એટલે બહાનાં શોધી લઈએ છીએ.

રોજ જમવા, ફોન સ્ક્રોલ કરવા કે ગપ્પાં મારવા માટે આપણને કોઈ મોટીવેશનની જરૂર પડતી નથી. પરંતુ જે કામ ખરેખર મહત્વનું છે, એ માટે આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ.

એક સમય હતો, જ્યારે ક્યારેક જ કોઈ ગુરુ અથવા શિક્ષક પોતાના શિષ્યોને જીવનના મૂલ્યો સમજાવતા. આજે ડિજિટલ યુગમાં આ બધું એક ક્લિકમાં ઉપલબ્ધ છે. એક જ સ્ક્રોલમાં જીવન, મરણ, ધર્મ, કર્મ, સ્વર્ગ-નર્ક બધું જ સમજાવનારાઓ મળી જાય છે – એ પણ અલગ અલગ ઉદાહરણો સાથે.

પરિણામે “મોટીવેશન” શબ્દ ચણા-મમરા જેવો હાથવગો બની ગયો છે. દરેક તેને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે, એટલે તેનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું ગયું. સફળતાનું માપ હવે સોશિયલ મીડિયાની લાઈક્સ અને કોમેન્ટ્સ બની ગયું છે. સ્ટેટસનું કન્ટેન્ટ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ બનતું જાય છે. ચમકદાર ફિલ્ટર્સ અને એપ્સે માણસાઈની પારદર્શિતા ઝૂંટી લીધી છે.

કોઈને દેખાડવા માટે બદલાવ જરૂરી બન્યો, એટલે આપણી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ. અને જે કામ “કરવું જ પડે” એવા બન્યા, એ માટે આપણે મોટીવેશન શોધવા લાગ્યા.

આજે પણ ગામડાંમાં દાદા ભર ઉનાળે ખેતરે જાય છે, માતાઓ માથે પાણીના બેડલા લઈને માઈલો ચાલે છે – એ માટે તેમને કોઈ મોટીવેશન સ્પીકર કે લેક્ચરની જરૂર પડતી નથી. કારણ કે એ તેમની જરૂરિયાત છે, દેખાડો નથી.

હેલ્થ હોય કે વેલ્થ, બચત કરવી હોય કે યોગા શરૂ કરવો હોય – જ્યાં સુધી આપણે એનું મહત્વ સાચે સમજી શકીએ નહીં, ત્યાં સુધી એ કામ આપણાથી થવાનું જ નથી.

આ નવા વર્ષે, રિઝોલ્યુશનનું લિસ્ટ બનાવતા પહેલા, તેની વેલ્યુનું એનાલિસિસ જરૂર કરજો.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

કબીરવાણી :જ્યાં વિશ્વપ્રેમ છે ત્યાં દરેક ક્ષણ શુભ

 

જહાં પ્રેમ તહં નેમ નહીં, તહાં ન બુદ્ધિ વ્યવહાર, 
પ્રેમ મગન જબ મન ભયાં, કૌન ગિને તિથિવાર.

આજકાલ આપણને દરેક કાર્ય માટે શુભ મુહૂર્તનો વિચાર કરવાની ટેવ પડતી જાય છે.વાસ્તુ, ફેંગસૂઈ, ટેરોટ, કાર્ડ, જ્યોતિષ, મંત્રતંત્ર, અંકગણિત, ગ્રહશાંતિ જેવા અનેક નુસ્ખા અજમાવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો મરણિયો પ્રયાસ કરીએ છીએ.

કબીરજી કહે છે કે, જ્યાં પ્રેમ છે ત્યાં બીજો કોઈ હેતુ નથી. બુદ્ધિથી સ્વાર્થ સાધવા માટે કોઈ વ્યવહાર કરવામાં નથી આવતો. મન પ્રેમના અમાપ અને અવિરત પ્રવાહમાં તરબોળ બને છે. આવી અવધૂત અવસ્થાનો, સાચા સંન્યાસીનો સંકલ્પ એ હોય છે કે, “અમે શ્રેય માર્ગ ઉપર જ ચાલીશું પછી તેમાં ગમે તેટલાં દુઃખ કેમ ન આવે ?”

યજુર્વેદ કહે છે, “હે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર દેવ, મને બધા જીવો મિત્રની દૃષ્ટિએ જુએ. હું બધાં પ્રાણીઓને મિત્રની દૃષ્ટિએ જોઉં અને અમે બધાં પરસ્પર મિત્રની દૃષ્ટિથી જોઈએ. આવી રીતે તમે અમને દૃઢ બનાવો.” (યજુર્વેદ-૨૬/૧૮). જેમનામાં વિશ્વપ્રેમની ભાવના છે તેમના માટે હરઘડી શુભ છે, મંગળમય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

અરાવલીને સૌથી વધુ નુકસાન કોને પહોંચાડ્યું – ભાજપ કે કોંગ્રેસ સરકાર?

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં અરાવલીના પહાડો પર ગેરકાયદે ખનનને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. અનેક સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓએ ભજનલાલ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને કોઈ પણ કિંમતે અરાવલીનાં શિખરોને બચાવવાની માગ કરી છે.

આ દરમિયાન સામે આવેલા આંકડાઓ બતાવે છે કે છેલ્લાં 7 વર્ષોમાં રાજસ્થાનમાં ગેરકાયદે ખનનના કુલ 7173 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર અરાવલીના શિખરો સાથે સંબંધિત 4181 કેસ છે. જો મોટા અને નાના બંને પ્રકારના ખનનને જોડીએ તો ગેરકાયદે માઇનિંગના કુલ 71,322 કેસ સામે આવ્યા છે. તેમાં પણ માત્ર અરાવલી વિસ્તારમાંથી 40,175 કેસ નોંધાયા છે.

ભાજપના ધારાસભ્યના આંકડા

આ આંકડાઓ અંગે ત્રણ વખતના ભાજપના ધારાસભ્ય રામલાલ શર્માનું કહેવું છે કે કોંગ્રેસના શાસન દરમિયાન ગેરકાયદે ખનન વધુ થતું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલની સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ એ છે કે અરાવલીના એક નાનકડા પર્વતના ટુકડાને પણ નુકસાન ન પહોંચે. રામલાલ શર્માએ ઉમેર્યું હતું કે વર્તમાન ભાજપ સરકારે છેલ્લાં બે વર્ષોમાં ગેરકાયદે માઇનિંગ અને માઇનિંગ માફિયા સામે કડક નિર્ણયો લીધા છે.

ભાજપના ધારાસભ્ય દ્વારા શેર કરાયેલા આંકડાઓ મુજબ 15 ડિસેમ્બર 2018થી 14 ડિસેમ્બર 2023 વચ્ચે અરાવલીમાં ગેરકાયદે ખનનના 29,209 કેસ સામે આવ્યા હતા. જ્યારે ભજનલાલ સરકારના બે વર્ષના કાર્યકાળમાં 10,966 કેસ નોંધાયા છે. આંકડાઓ મુજબ, છેલ્લા 7 વર્ષોમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરતાં રાજ્ય સરકારે દંડ રૂપે કુલ 637.16 કરોડ રૂપિયા વસૂલ્યા છે. તેમાંમાંથી 231.75 કરોડ રૂપિયા માત્ર અરાવલી વિસ્તારમાં થયેલા ઇલિગલ માઇનિંગ સામે વસૂલવામાં આવ્યા છે.

જો અગાઉની અશોક ગેહલોત સરકાર અને હાલની ભજનલાલ સરકાર – બંનેના કાર્યકાળને મળીને જોઈએ, તો સમગ્ર રાજ્યમાં ગેરકાયદે ખનનના મામલામાં 3736 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ સાથે જ 70,399 મશીનો જપ્ત કરવામાં આવી છે. માત્ર અરાવલી વિસ્તારમાં જ કાર્યવાહી કરતાં 29,138 મશીનો જપ્ત કરવામાં આવી છે. તેમાંમાંથી 10,616 મશીનો ભજનલાલ સરકારના બે વર્ષના કાર્યકાળમાં જપ્ત થઈ છે.

સપનાં લખો, જીવન ઘડો

2025નો આ અંતિમ વિચારમેળો. થોડા જ દિવસમાં 2026નો ઉદય થશે. તો આવા ટાણે થોડી વેગળી વાત કરીએ. આશરે ચાળીસેક વર્ષ જૂની વાત છે. દુનિયાના કેટલાક ચિંતકો-વિચારકો એક જગ્યાએ ભેગા થયા. ઈતિહાસનાં પૃષ્ઠો જોતાં-ફેરવતાં એમણે વિચાર્યું કે સફળ લોકોનાં જીવનચરિત્ર વાંચીએ. આવી કેટલીક બાયોગ્રાફી વાંચતાં એમના ધ્યાનમાં આવ્યું કે ઘણી સફળ વ્યક્તિઓનાં જીવન સંસાધન અથવા રિસોર્સીસ સારાં હતાં, એમનાં બેકગ્રાઉન્ડ અને પરિવારની સપોર્ટ સિસ્ટમ પણ સારી હતી, મજબૂત હતી, પરંતુ આ બધાં સંસાધનો છતાં કેટલાક લોકો એવા પણ હતા, જે સફળ ન થઈ શક્યા. બીજી બાજુ, એવા પણ કેટલાક લોકો સફળ થયા, જેમનું લેખન-વાંચન ઓછું હતું. સાધનસગવડ પણ એવાં કંઈ ખાસ નહોતાં, પરિવારની સપોર્ટ સિસ્ટમ પણ મજબૂત નહોતી.

આ બધું જોઈને વિચારકો દ્વિધામાં પડ્યા. 10-12 વર્ષ સુધી અવલોકન કરતાં આ તમામ વિચારકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે તમારા જીવનમાં સાધન-સગવડ ઓછાં હોય કે વધુ, પણ તેનાથી વધુ મહત્વ તમારા અંગત વિચારો અને એટિટ્યુડ ધરાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ કામ કરતી વખતે કે સંબંધ રાખતી વખતે તમે કેવા વિચાર રાખો છો, એ જ તમારી સફળતા નક્કી કરે છે.

અમેરિકાના વિચારક અને લેખક જેફ કેલરે આ વાત ખૂબ વિશ્વાસ સાથે તેના પુસ્તકમાં લખીઃ એટિટ્યૂડ ઈઝ એવરીથિંગ. એટલે કે જીવનમાં જે કંઈ પણ છે તે તમારા વિચાર અને દૃષ્ટિકોણ છે. જેફ કહે છે, સફળતા સૌપ્રથમ તમારા મગજમાં આવે છે. માટે સારું વિચારો. વિચાર યોગ્ય હોવા જોઈએ.

બીજા ભાગમાં એ લખે છેઃ તમારા શબ્દો જ તમારા વ્યક્તિત્વ અને ચરિત્રનું નિર્માણ કરે છે. માટે વિચારીને, બુદ્ધિપૂર્વક બોલવું. ત્રીજા ભાગમાં એ લખે છે કે તમારા કામથી જ હકીકતમાં પરિણામ આવે છે. માટે એક ધ્યેયને કેન્દ્રમાં રાખી કામ કરો.

આ વિચાર જીવનને દિશા આપનારા છે. આપણે વાસ્તવમાં પ્રગતિને જ સફળતા માની લઈએ છીએ, જ્યારે સાચી સફળતા ઘણી નાની નાની પ્રગતિઓને જોડીને મળે છે. એ વાત યાદ રાખો કે સફળતા ક્યારેય રાતો-રાત નથી મળતી. તમે હિમાલય ઉપર જો હેલિકોપ્ટરથી પહોંચશો તો છાપાંમાં તમારી તસવીર છપાશે નહીં કે ટીવી પર એના બ્રેકિંગ ન્યુઝ બનશે નહીં, જ્યારે તમે નીચેથી એક એક ડગલું આગળ વધીને શિખર પર પહોંચો છો, ત્યારે જ વિક્રમ સર્જાય છે. જલદી સફળતા મેળવનારાઓએ પણ એક દિશામાં મહેનત કરી હોય છે.

તમારી વિચારધારા શું છે કેવી છે? કાલે જાગીશું તો કંઈક કરીશું… પડશે એવા દેવાશે. આના બદલે એક ડાયરી રાખો. ડાયરીમાં નોંધ કરો કે જીવનમાં કઈ કઈ બાબતોને કરવી છે. આમાંની મહત્વનાં કામની યાદી ઘર-ઓફિસમાં એવી જગ્યાએ ચોંટાડી દો કે, જ્યાં તમે રોજ બેસો છો. દ૨રોજ તમારી સામે એ વાત આવશે. ઘણી વખત મગજમાંથી વાત ઊડી જાય છે, પણ સામે લખેલું રોજેરોજ યાદ અપાવશે. અમેરિકામાં એક જોન ગોડાર્ડ નામના સાહસસફરી હતા. માત્ર 14-15 વર્ષની વયે એમણે એક ડાયરીમાં પોતાનાં સપનાં-લક્ષ્ય લખી રાખ્યાં. દાખલા તરીકે, મારે એવરેસ્ટ પર જવું છે. નાઈલ રિવરમાં તરીને સામે પાર જવું છે, વગેરે. આવાં 57 લક્ષ્યોનું લિસ્ટ બનાવ્યું. ગોડાર્ડ 60 વર્ષના થયા ત્યારે તેમણે પેલી ડાયરી ઉઘાડી, ટારગેટ્સ તપાસ્યાં. એક પછી એક લક્ષ્ય પર એ ખરાની નિશાની અથવા ટિક્ કરતા ગયા. એમને પોતાને નવાઈ લાગી કે 57માંથી 55 ટારગેટ અચિવ થઈ ગયાં હતાં.

કહેવાનું તાત્પર્ય એ કે લખવું જરૂરી છે. એ તમારું લક્ષ્ય બની જાય છે, તમારું જીવન બની જાય છે. એટલે 2026ના ઉદયે નિયમ લો કે સપનાંની-લક્ષ્યની નોંધ રાખીશ અને એ સાકાર કરવાનાં પૂરા પ્રયાસ કરીશ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સાઉદી અરેબિયાએ યમન પર કર્યો હુમલો

દુબઈ: વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે હવે સાઉદી અરેબિયાએ યમનમાં અલગાવવાદીઓની સેના પર એરસ્ટ્રાઈક કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દક્ષિણ યમનના અલગાવવાદીઓએ શુક્રવારે સાઉદી અરેબિયા પર આ આરોપ લગાવ્યો છે. અલગાવવાદીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયાએ તેમની સેના પર હવાઈ હુમલો કર્યો છે. જોકે સાઉદી અરેબિયાએ હજી સુધી આ આરોપોને સ્વીકાર્યા નથી.

ચેતવણી બાદ સાઉદી અરેબિયાનો હુમલો

સાઉદી અરેબિયા પર હુમલાનો આ આરોપ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એક દિવસ અગાઉ જ તેણે અલગાવવાદીઓને તેમના કબજામાં લીધેલા ગવર્નરેટ્સ (વિસ્તારો)માંથી પાછા હટવાની ચેતવણી આપી હતી. સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલે (STCએ) જણાવ્યું હતું કે હુમલાઓ યમનના હદરમૌત વિસ્તારમાં થયા હતા, જે હાલ તેમના કબજામાં છે. આ હુમલામાં કોઈને ઇજા થઈ હોવાની તાત્કાલિક કોઈ સ્પષ્ટ માહિતી નથી. કાઉન્સિલના સેટેલાઇટ ચેનલ AICએ મોબાઇલ ફોનથી લેવાયેલું ફુટેજ પ્રસારિત કર્યું હતું, જેને તેણે હુમલાનું દૃશ્ય હોવાનું જણાવ્યું છે.સાઉદી અરેબિયા પર અલગાવવાદીઓનો રોષ

આ હુમલા બાદ અલગાવવાદીઓ સાઉદી અરેબિયા પર ભડકી ઊઠ્યા છે. એક વિડિયોમાં એક વ્યક્તિને સાઉદીનાં વિમાનોને આ હુમલાના જવાબદાર ગણાવતાં સાંભળી શકાય છે. સાઉદી અરેબિયાના અધિકારીઓએ એસોસિયેટેડ પ્રેસ દ્વારા કરાયેલા ટિપ્પણીના વિનંતી પર તરત કોઈ જવાબ આપ્યો નથી. ગુરુવારે સાઉદી અરેબિયાએ દક્ષિણ યમનમાં યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સમર્થિત અલગાવવાદીઓને બે નવા ગવર્નરેટ્સમાંથી પાછા હટવાની અપીલ કરી હતી, જે હાલમાં તેમના નિયંત્રણમાં છે. આ પગલું ગઠબંધનની અંદર તણાવ વધારી શકે છે, જે દેશના ઉત્તરમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો સામે છેલ્લા એક દાયકાથી લડી રહ્યું છે. આ આરોપ UAE  સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) દ્વારા લગાવવામાં આવ્યો છે.

STCએ આ વિસ્તારો પર કબજો કર્યો

STCએ ડિસેમ્બર 2025ની શરૂઆતમાં હદરમૌત અને અલ-મહરા ગવર્નરેટ્સ પર કબજો મેળવી લીધો હતો. સાઉદી અરેબિયાએ આ પગલાને “અનાવશ્યક ઉશ્કેરણી” ગણાવીને પાછા હટવાની માગ કરી હતી. આ ઘટના યમનના દક્ષિણ ભાગમાં સાઉદી અને UAE સમર્થિત ગઠબંધનો વચ્ચે વધતા તણાવને દર્શાવે છે, જે હૂતીવિરોધી ગઠબંધનને નબળું પાડી શકે છે.