Home Blog Page 357

સાઉદી અરેબિયાએ યમન પર કર્યો હુમલો

દુબઈ: વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે હવે સાઉદી અરેબિયાએ યમનમાં અલગાવવાદીઓની સેના પર એરસ્ટ્રાઈક કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દક્ષિણ યમનના અલગાવવાદીઓએ શુક્રવારે સાઉદી અરેબિયા પર આ આરોપ લગાવ્યો છે. અલગાવવાદીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયાએ તેમની સેના પર હવાઈ હુમલો કર્યો છે. જોકે સાઉદી અરેબિયાએ હજી સુધી આ આરોપોને સ્વીકાર્યા નથી.

ચેતવણી બાદ સાઉદી અરેબિયાનો હુમલો

સાઉદી અરેબિયા પર હુમલાનો આ આરોપ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એક દિવસ અગાઉ જ તેણે અલગાવવાદીઓને તેમના કબજામાં લીધેલા ગવર્નરેટ્સ (વિસ્તારો)માંથી પાછા હટવાની ચેતવણી આપી હતી. સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલે (STCએ) જણાવ્યું હતું કે હુમલાઓ યમનના હદરમૌત વિસ્તારમાં થયા હતા, જે હાલ તેમના કબજામાં છે. આ હુમલામાં કોઈને ઇજા થઈ હોવાની તાત્કાલિક કોઈ સ્પષ્ટ માહિતી નથી. કાઉન્સિલના સેટેલાઇટ ચેનલ AICએ મોબાઇલ ફોનથી લેવાયેલું ફુટેજ પ્રસારિત કર્યું હતું, જેને તેણે હુમલાનું દૃશ્ય હોવાનું જણાવ્યું છે.સાઉદી અરેબિયા પર અલગાવવાદીઓનો રોષ

આ હુમલા બાદ અલગાવવાદીઓ સાઉદી અરેબિયા પર ભડકી ઊઠ્યા છે. એક વિડિયોમાં એક વ્યક્તિને સાઉદીનાં વિમાનોને આ હુમલાના જવાબદાર ગણાવતાં સાંભળી શકાય છે. સાઉદી અરેબિયાના અધિકારીઓએ એસોસિયેટેડ પ્રેસ દ્વારા કરાયેલા ટિપ્પણીના વિનંતી પર તરત કોઈ જવાબ આપ્યો નથી. ગુરુવારે સાઉદી અરેબિયાએ દક્ષિણ યમનમાં યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સમર્થિત અલગાવવાદીઓને બે નવા ગવર્નરેટ્સમાંથી પાછા હટવાની અપીલ કરી હતી, જે હાલમાં તેમના નિયંત્રણમાં છે. આ પગલું ગઠબંધનની અંદર તણાવ વધારી શકે છે, જે દેશના ઉત્તરમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો સામે છેલ્લા એક દાયકાથી લડી રહ્યું છે. આ આરોપ UAE  સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) દ્વારા લગાવવામાં આવ્યો છે.

STCએ આ વિસ્તારો પર કબજો કર્યો

STCએ ડિસેમ્બર 2025ની શરૂઆતમાં હદરમૌત અને અલ-મહરા ગવર્નરેટ્સ પર કબજો મેળવી લીધો હતો. સાઉદી અરેબિયાએ આ પગલાને “અનાવશ્યક ઉશ્કેરણી” ગણાવીને પાછા હટવાની માગ કરી હતી. આ ઘટના યમનના દક્ષિણ ભાગમાં સાઉદી અને UAE સમર્થિત ગઠબંધનો વચ્ચે વધતા તણાવને દર્શાવે છે, જે હૂતીવિરોધી ગઠબંધનને નબળું પાડી શકે છે.

Chitralekha Gujarati – 05 January, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ટોરોન્ટો યુનિવર્સિટી બહાર ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

નવી દિલ્હીઃ કેનેડાના ટોરોન્ટોમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સ્કારબરો કેમ્પસ નજીક ગોળીબારની ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ ઘટનાને લઈને ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું છે કે તે પીડિત પરિવારને દરેક શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.

દૂતાવાસ પીડિત પરિવારના સંપર્કમાં

દૂતાવાસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તે પીડિત પરિવારના સંપર્કમાં છે. દૂતાવાસે કહ્યું હતું કે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરો કેમ્પસ નજીક થયેલી ગોળીબારની ઘટનામાં ભારતીય પીએચડી વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુઃખદ મોત અંગે અમને અત્યંત દુઃખ છે. આ મુશ્કેલ સમયમાં દૂતાવાસ શોકસંતપ્ત પરિવારના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને દરેક જરૂરી મદદ પૂરી પાડી રહ્યો છે.

ભારતીય વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત

આ પહેલાં ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે હાઇલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સ્ટન રોડ વિસ્તારમાં શિવાંક અવસ્થીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ મુજબ ઘટનાસ્થળે જ વિદ્યાર્થીનું મોત થયું હતું., પોલીસ પહોંચે તે પહેલાં જ શંકાસ્પદો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની તપાસ દરમિયાન કેમ્પસને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે શહેરમાં થયેલી આ 41મી હત્યાની ઘટના છે.


ભારતવંશી મહિલાનું મોત

આ પહેલાં પણ ટોરોન્ટો પોલીસે શહેરમાં એક 30 વર્ષીય ભારતવંશી મહિલાની હત્યાની માહિતી આપી હતી. મૃતકાની ઓળખ હિમાંશી ખુરાના તરીકે થઈ હતી, જે ટોરોન્ટોની રહેવાસી હતી. આ કેસમાં પોલીસે દેશવ્યાપી ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. પોલીસ મુજબ આરોપી 32 વર્ષીય અબ્દુલ ગફૂરી છે, જે ટોરોન્ટોનો જ રહેવાસી છે અને પીડિતાને ઓળખતો હતો.

૨૬ ડિસેમ્બર ૨૦૨૫

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫

૨૫ ડિસેમ્બર ૨૦૨૫

ગુલમર્ગ અને પહેલગામમાં લઘુત્તમ તાપમાનનો પારો શૂન્યથી નીચે પહોંચ્યો

શ્રીનગર: બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરમાં રાત્રિનું તાપમાન શૂન્યથી ઉપર રહ્યું.બીજી તરફ ગુલમર્ગ અને પહેલગામ હિલ સ્ટેશનોમાં તે શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગુલમર્ગ અને પહેલગામમાં અનુક્રમે માઈનસ 4.2 અને માઈનસ 2.2 ડિગ્રી હતું. જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ, કટરા શહેરમાં 9.4, બટોટમાં 4.2, બનિહાલ 6.4 અને ભદરવાહમાં 0.6 ડિગ્રી હતું. હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે અને કહ્યું છે કે રાત્રિનું આકાશ સ્વચ્છ રહેવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

પૃથ્વી પરના સ્વર્ગ પર 21 ડિસેમ્બરના રોજ ‘ચિલ્લાઈ કલાન’ નામની 40 દિવસની કડકડતી ઠંડીનો સમયગાળો શરૂ થયો છે. બીજી તરફ ખીણના તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં બહુ રાહ જોવાતી હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખીણમાં સમસ્યાઓ ઊભી કરતી 3 મહિનાની સૂકી ઠંડીનો અંત આવ્યો હતો, કારણ કે મોટાભાગના લોકોએ શરદી, ફ્લૂ અને છાતી સંબંધિત બીમારીઓની ફરિયાદ કરી હતી.વરસાદ અને બરફવર્ષાથી હોટેલ માલિકો, ટૂર અને ટ્રાવેલ ઓપરેટરો અને પ્રવાસન ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા અન્ય લોકોની આશા પણ વધી છે. આ લોકો હવે ગુલમર્ગ અને અન્ય હિલ સ્ટેશનો પર નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રવાસીઓના આગમનની રાહ જુએ છે. ગુલમર્ગમાં સ્કીઅર્સનું પણ આગમન થવાની અપેક્ષા છે કારણ કે આ રિસોર્ટ તેના ભવ્ય સ્કી ઢોળાવને કારણે ‘સ્કીઅર્સ પેરેડાઇઝ’ તરીકે ઓળખાય છે.

ચીને ભારતની ફરિયાદ કરતાં લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ ભારત સામે ચીને એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભરતાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ ભારત દ્વારા સોલર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટર માટે અમલમાં મૂકવામાં આવેલી સપોર્ટ નીતિઓને લઈને કરવામાં આવી છે. ચીનનો આરોપ છે કે ભારતની આ નીતિઓ ચીની ઉત્પાદનો સાથે ભેદભાવ કરે છે.

ચીનનો આરોપ

ચીનનું કહેવું છે કે ભારત કેટલાંક ટેકનિકલ ઉત્પાદનો પર ટેરિફ (આયાત શુલ્ક) બાબતે એવો વ્યવહાર કરી રહ્યું છે, જે WTOના નિયમોને અનુરૂપ નથી. એ ઉપરાંત ભારત દ્વારા ઘરેલુ ઉત્પાદનોના ઉપયોગને આયાતીત માલની સરખામણીમાં પ્રાધાન્ય આપતી શરતો પણ ચીની ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ છે. ચીન આ બંને સેક્ટરમાં મોટો નિકાસકાર છે.

WTOને મોકલાયેલા સત્તાવાર સંદેશ અનુસાર ચીને WTOની વિવાદ નિવારણ પ્રક્રિયા હેઠળ ભારત સાથે પરામર્શ કરવાની માગ કરી છે. ચીનનો દાવો છે કે ભારતની આ સપોર્ટ નીતિઓ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (GATT) 1994, સબસિડી એન્ડ કાઉન્ટરવેલિંગ મેજર્સ એગ્રીમેન્ટ અને ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ એગ્રીમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરે છે.

 WTO પાસે પેનલ રચવાની માગ કરી શકે છે ચીન

ચીને ખાસ કરીને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળના નેશનલ પ્રોગ્રામ ઓન હાઈ એફિશિયન્સી સોલર પીવી મોડ્યુલ્સ માટે નક્કી કરાયેલી શરતો પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેનું કહેવું છે કે સોલર મોડ્યુલ કાર્યક્રમ હેઠળ આપવામાં આવતાં ઇન્સેન્ટિવ્સ અનેક શરતો પર આધારિત છે, જેમાં ન્યુનતમ લોકલ વેલ્યુ એડિશનની ફરજિયાત શરત પણ સામેલ છે. ભારતે આ પગલાં ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે અપનાવ્યા છે.

WTOના નિયમો હેઠળ પરામર્શની માગ કરવી વિવાદ નિવારણ પ્રક્રિયાનું પહેલું પગલું હોય છે. જો ભારત સાથેની ચર્ચાઓથી કોઈ ઉકેલ ન નીકળે, તો ચીન આ મામલે WTO પાસે પેનલ રચવાની માગ કરી શકે છે. ચીન ભારતનો બીજો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની ચીનને નિકાસ 14.5 ટકા ઘટીને 14.25 અબજ ડોલર રહી છે, જ્યારે આયાત 11.52 ટકા વધીને 113.45 અબજ ડોલર પહોંચી ગયું. 2024-25 દરમિયાન ભારતનો ચીન સાથેની વેપાર ખાધ વધીને 99.2 અબજ ડોલર થઈ છે.

તર્કસંગત મનથી પરે…સાચી મુક્તિનો અનુભવ

આપણે સામાન્ય રીતે એ જ કાર્ય કરીએ છીએ જે ઉદ્દેશ્યપૂર્ણ, ઉપયોગી અને તર્કસંગત હોય. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, તેને તર્કના દ્રષ્ટિકોણથી પારખીએ છીએ. પરંતુ અંતર્જ્ઞાન, એટલે કે નવી શોધો અને નવું જ્ઞાન તર્કસંગત મનથી પરે છે. સત્ય તર્કથી પરે છે. તર્કસંગત મન એ રેલ્વે પાટા જેવી છે જે એક નક્કી કરેલી લીટીમાં ચાલે છે, જ્યારે સત્ય એક ફુગ્ગા જેવું છે જે ગમે ત્યાં તરી શકે છે.

કેટલાક લોકો સમાજના નિયમોની વિરુદ્ધ જઈને તેમને તોડવાનો પ્રયાસ કરે છે. તેઓ વિચારે છે કે આ તર્કસંગત વિચારસરણીથી આગળ વધી રહ્યું છે, પરંતુ ઘણીવાર તે અહંકાર, ક્રોધ, દ્વેષ અથવા પોતાની તરફ ધ્યાન ખેંચવાની ઇચ્છાથી પ્રેરિત હોય છે. આ વાસ્તવમાં તર્કથી પરે જવું નથી.

આપણે કોઈ પણ કાર્ય ઉદ્દેશ્ય વિના કરીએ, ત્યારે આપણે ખરેખર તર્કસંગત મનની સીમાઓમાંથી બહાર આવીએ છીએ. ધ્યેય વિનાનું કર્મ એક રમત બની જાય છે, અને જીવન સરળ અને આનંદમય બની જાય છે. જો આપણે ફક્ત તર્કસંગત કર્મોને વળગી રહીએ, તો જીવન બોજારૂપ બની જાય છે. પરંતુ જ્યારે આપણે જીત-હારની ચિંતા કર્યા વિના રમીએ છીએ અથવા કોઈ હેતુ વિના કંઈક કરીએ છીએ, ત્યારે તે સાચી સ્વતંત્રતા છે – એક નૃત્યની જેમ.

જ્યારે આપણે તર્કસંગત મનથી આગળ વધીએ છીએ, ત્યારે આપણે અપાર સ્વતંત્રતા અને ઊંડી શાંતિનો અનુભવ કરીએ છીએ. તે આપણને સત્ય સાથે રૂબરૂ કરાવે છે, કારણ કે સત્ય તર્ક અને મર્યાદાઓથી પર છે. જ્યાં સુધી આપણે તર્કસંગત મનના બંધનોથી મુક્ત નથી થતા, ત્યાં સુધી સર્જનાત્મકતા અને અનંતતાનો અનુભવ શક્ય નથી.

યાદ રાખો – જો તમે ફક્ત મુક્તિ મેળવવા માટે કંઈક તર્કવિહીન કરો છો, તો તે પણ એક પ્રકારનો ઉદ્દેશ્ય જ છે અને તે ફરી તર્કસંગતતામાં પરિણમે છે. તેથી, તર્કસંગત મનની સીમાઓથી પરે જઈને સાચી મુક્તિનો અનુભવ કરો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)