Home Blog Page 367

અમેરિકાએ સિરિયામાં ISISનાં સ્થાનો પર કર્યો ભીષણ બોમ્બમારો

વોશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના બે સૈનિકોના મોતનો બદલો લેવા માટે સિરિયામાં ‘ઓપરેશન હોકઆઈ’ (Operation Hawkeye) શરૂ કર્યું છે. શુક્રવારે અમેરિકન લડાકુ વિમાનો દ્વારા સિરિયામાં સક્રિય આતંકી સંગઠન ISISના અનેક સ્થાનોઓ પર ભારે હુમલા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 13 ડિસેમ્બરે થયેલા તે હુમલાના જવાબમાં કરવામાં આવી છે, જેમાં બે અમેરિકન સૈનિકો અને એકનાં મોત થયાં હતાં.

ઓપરેશન હોકઆઈ શું છે?

અમેરિકન સેનાએ સિરિયા સામે કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીને ‘ઓપરેશન હોકઆઈ’ નામ આપ્યું છે. આ નામ શહીદ થયેલા બે સૈનિકોના વતન રાજ્ય આયોવાના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેને ‘હોકઆઈ સ્ટેટ’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન અધિકારીઓના  જણાવ્યાનુસાર આ હુમલાઓમાં ISIS સાથે જોડાયેલાં માળખાં, હથિયારોના સંગ્રહ કેન્દ્રો અને ગુપ્ત સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તાજેતરમાં હાથ ધરાયેલા 10 અલગ-અલગ અભિયાનો દરમિયાન જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળેલી ગુપ્તચર માહિતીને આધારે આ સ્થાનોની ઓળખ કરવામાં આવી હતી.

આ ઓપરેશનમાં અમેરિકા સાથે જોર્ડન જેવા દેશોએ પણ ભાગ લીધો હતો. 13 ડિસેમ્બરના હુમલા બાદ અત્યાર સુધી અમેરિકા અને તેના સહયોગી દળોએ સિરિયામાં કુલ 10 મોટાં ઓપરેશન કર્યાં છે. આ ઓપરેશનોમાં લગભગ 23 આતંકીઓ માર્યા ગયા છે અથવા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સિરિયામાં બચેલા ISISનાં તત્વોને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ બદલો લેવાની જાહેરાત છે

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ કોઈ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલો લેવાની જાહેરાત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે ક્યારેય અચકાતું નથી અને ન તો ક્યારેય પાછળ હટશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકન સૈનિકો પર થનારા કોઈપણ હુમલાને અમેરિકા સહન નહીં કરે અને તેનું પરિણામ પણ એટલું જ ભયંકર હશે.

સુખ અને ઉપયોગિતા મૂલ્ય વચ્ચે કોઈ સંબંધ છે ખરો?

હાલમાં મેં ગૌર ગોપાલદાસને સાંભળ્યા. એમનાં અમુક પ્રવચનો અતિ સુંદર છે. એક વક્તવ્યમાં એમણે સુખ અને ઉપયોગિતા મૂલ્ય વિશે વાત કરી છે. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એ વસ્તુ સુખ આપી શકે નહીં એ બાબતે એમણે ચર્ચા કરી હતી. એમણે કહ્યું હતું કે ઉપયોગિતા મૂલ્ય અને સુખ એ બન્નેની ભેળસેળ કરવી જોઈએ નહીં.

સૌથી પહેલાં એમણે શ્રોતાઓને પ્રશ્ન પૂછ્યો, “તમારામાંથી કેટલા લોકો માને છે કે પૈસાથી સુખ મળતું નથી?” મોટાભાગના લોકોએ હાથ ઉંચો કર્યો. એમનો બીજો સવાલ હતો, “તમારામાંથી કેટલા લોકો વધુ પૈસા પ્રાપ્ત કરવા માગે છે?” બીજા પ્રશ્નના જવાબમાં બધાએ હાથ ઉંચા કર્યા.

આપણને બધાને ખબર છે કે પૈસાથી સુખ મળતું નથી, છતાં આપણે વધુ પૈસા મેળવવા ઈચ્છીએ છીએ. આનું કારણ એ છે કે પૈસાથી ખરીદાતી વસ્તુઓ સુખ આપશે એવી આપણી ગેરસમજ છે. પૈસાથી ખરીદાતી વસ્તુઓની સાથે ઉપયોગિતા મૂલ્ય સંકળાયેલું છે. મર્સિડીઝ કારનું ઉપયોગિતા મૂલ્ય છે. એ આપણને એકથી બીજી જગ્યાએ સહેલાઈથી અને સુવિધાપૂર્વક લઈ જશે, પરંતુ એનાથી સુખની પ્રાપ્તિ નહીં થાય. આ જ રીતે, ઉપયોગિતા મૂલ્ય ધરાવતી મોટાભાગની વસ્તુઓ સુખ આપે એવું જરૂરી નથી. આથી જ ગૌર ગોપાલદાસે કહ્યું કે સુખને ઉપયોગિતા મૂલ્ય સાથે સાંકળવું જોઈએ નહીં.

આવી જ એક સરસ મજાની ચર્ચામાં સદગુરુએ આપણે મનુષ્યો શું નથી એના વિશે વાત કરી છે. એમનું કહેવું છે કે રાત્રે સૂવા જતાં પહેલાં આપણે એ વિચાર કરવો જોઈએ કે આપણે શું નથી. દા.ત. આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર આપણે નથી, જે પથારીમાં સૂઈએ છીએ એ પથારી આપણે નથી અને જે કપડાં પહેરીએ છીએ એ પણ આપણે નથી.

ગૌર ગોપાલદાસ અને સદગુરુએ કહેલી વાતનું તાત્પર્ય સમજીએ તો કહી શકાય કે આપણે એવી કોઈ વસ્તુ નથી, જેનું કોઈ ઉપયોગિતા મૂલ્ય હોય. ઘર, પથારી, વસ્ત્રો, વાસણો, કાર, ફર્નિચર, વગેરે બધી વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય છે અને આપણને એ બધાની જરૂર પણ છે, પરંતુ એનાથી સુખ મળતું નથી. સુખ બાહ્ય કોઈ વસ્તુથી નહીં, પણ અંદરથી ઊપજે છે.

યોગિક વેલ્થમાં પણ અંદરથી ઉત્પન્ન થતા સુખની વાત કહેવાઈ છે. આપણા બધામાં આત્મા વસેલો છે. શાંત આત્મા જ સુખ અપાવી શકે છે. એ રીતે મળતું સુખ કાયમી હોય છે અને આપણને પ્રસન્નતા અર્પે છે.

ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ સુખ અપાવશે એવું માની લેવાથી આપણામાં એક અતૃપ્તિ પેદા થાય છે. તેને લીધે આપણે ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વધુ ને વધુ વસ્તુઓ મેળવવાની અવિરત કોશિશ કરતાં રહીશું.

સદગુરુએ જે કહ્યું છે એ પ્રયોગ રોજની પ્રાર્થનામાં કરવા જેવો છે. અધ્યયન કરતાં રહેવાથી આપણને સમજાઈ જશે કે આપણે કંઈ ઉપયોગિતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ નથી.

બ્રહ્માકુમારી શિવાની દીદીએ પણ એમના એક પ્રવચનમાં સરસ ઉદાહરણ આપ્યું હતું: “જો બીએમડબ્લ્યુ કારથી તમને સુખ મળતું હોય તો ચોક્કસ એની ખરીદી કરો. પછી જ્યારે પણ તમને અસુખ લાગે ત્યારે એ કારના દરવાજા ખોલો, અંદર બેસી જાઓ અને સુખ મેળવી લો.” શું આવું શક્ય છે? બસ, આ એક ઉદાહરણ પરથી ઘણો મોટો બોધ મળી જાય છે.

યોગિક વેલ્થમાં આપણે દર સપ્તાહે આ એક જ વસ્તુની ચર્ચા અલગ અલગ સ્વરૂપે કરીએ છીએ. વિષય એક જ છે, પણ એનાં ઉદાહરણ અલગ અલગ છે. આપણા સાધુસંતો અને વડવાઓ પણ આ વાતો કહી ગયા છે.

નવું વર્ષ આપ સૌને સુખી રાખે એવી પ્રાર્થના. ગૌર ગોપાલદાસ, સદગુરુ અને શિવાની દીદીએ કહેલી વાતો પ્રમાણે મહાવરો કરતાં રહો અને શક્ય હોય તો કોઈ ધર્મગ્રંથ કે શાસ્ત્ર વાંચવાનું રાખો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

સલમાનની ફિલ્મના ‘હટકે’ ગીતમાં ‘ભાઈ’ આવ્યો!

બોલિવૂડમાં ‘ભાઇજાન’ તરીકે જાણીતા સલમાન ખાનના એક ગીતને ખાસ તૈયાર કરવામાં આવ્યા બાદ એમાં ‘ભાઈ’ શબ્દ કેવી રીતે આવ્યો એની વાત બહુ રસપ્રદ છે. સલમાનની ઘરની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ (1998) ના મુખ્ય સંગીતકાર જતિન – લલિત હતા પણ ફિલ્મ માટે ‘ઓઢલી ચુનરિયા’ ગીત જ્યારે સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સુધાકર શર્માએ તૈયાર કર્યું અને સંભળાવ્યું ત્યારે નિર્દેશક સોહેલ ખાન સહિતનાને બહુ પસંદ આવ્યું અને એમણે કહ્યું કે આ ટીમનું જ બીજું એક ગીત તૈયાર કરો.

હિમેશે સુધાકર પાસે જઈને ફિલ્મના દ્રશ્યની સ્થિતિ સમજાવીને વધુ એક ગીત લખવા કહ્યું. ત્યારે સુધાકરે કહ્યું કે આપણે આ વખતે એક અનોખું ગીત બનાવીએ. હિમેશ પહેલા ટ્યુન બનાવતા હતા અને સુધાકર એના પર ગીત લખતા હતા. હિમેશે ધૂન બનાવીને સંભળાવી અને સુધાકરે મુખડું લખ્યું કે, ‘તુમ પર હમ હૈં અટકે યારા, દિલ ભી મારે ઝટકે, ક્યોંકિ તુમ હો હટકે.’ આ ગીત સલમાન સહિત ફિલ્મ સાથે સંકળાયેલા બધાને સંભળાવી હિમેશે સુધાકર પાસે આવીને કહ્યું કે ગીત તો સરસ બન્યું છે પણ એક સમસ્યા છે.

સુધાકરે પૂછ્યું કે શું સમસ્યા છે? ત્યારે હિમેશે પૂછ્યું કે ગીતમાં ‘ભાઈ’ શબ્દ આવી શકે એમ છે કે નહીં? સુધાકરે કહ્યું કે આ રોમેન્ટિક ગીતમાં ‘ભાઈ’ ક્યાં આવી શકે? અને એમાં ભાઈ શબ્દને શું લેવાદેવા છે? હિમેશે કહ્યું કે એ ભાઈ સલમાનના અરબાઝભાઈ છે. સલમાન અને કાજોલ ગીત ગાય છે ત્યારે એમાં કાજોલના ભાઈ બનેલા અરબાઝ વિશે કશું કહેવાની ગીતમાં જરૂર જણાઈ હતી. અને સુધાકરે વિચાર કરીને એક પંક્તિ લખી કે, ‘અરે, બચકે રહના પ્યાર મેં પડ જાયે ના તુઝકો ફટકે, ભૈયા કો તૂ ખટકે, હો મેરે ભૈયા તો ભરવાયેંગે તુઝસે પાની કે મટકે.’ અને એ વાત ફિલ્મમાં જે સ્થિતિ હતી એની સાથે બરાબર બંધબેસતી બની ગઈ.

સુધાકર શર્માએ આ ગીત પંદર મિનિટમાં લખી કાઢ્યું હતું પણ એક કાફિયા માટે ત્રણ દિવસ વિચાર કર્યો હતો. ગીતમાં કાફિયા ઓછા પડ્યા હતા. અંતે ‘રટકે’ કાફિયાનો ઉપયોગ કરી ‘તુઝે ભૈયા કો પટાના હોગા, કર લે યાદ યે રટકે’ લખ્યું હતું. હિમેશે શંકા વ્યક્ત કરી હતી કે ‘રટકે’ શબ્દ લોકોની સમજમાં આવશે ખરો ને? ત્યારે સુધાકરે કહ્યું હતું કે આ કાફિયા જ છે. લોકો સમજી લેશે. અને ખરેખર એવું બન્યું કે આખું ગીત લોકોએ આવકાર્યું અને ખૂબ લોકપ્રિય થઈ ગયું.

આલૂ મટર સેન્ડવિચ

અમદાવાદની પ્રખ્યાત આલૂ મટર સેન્ડવિચ બનાવવા માટે કોઈ ટોસ્ટર કે તવાની જરૂર નથી પડતી. તેના વગર પણ તે ઝટપટ બની જાય છે.

સામગ્રીઃ તેલ 2 ટે.સ્પૂન, બટર 1 ટે.સ્પૂન, લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, ગરમ મસાલો 1 ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ખાંડ 1 ટી.સ્પૂન, બાફેલા વટાણા ½ કપ, બાફેલા બટેટા 4-5, હીંગ 2-3 ચપટી, સમારેલી કોથમીર 1 કપ, ખાંડ ¼ ટી.સ્પૂન, ચણાના લોટની ઝીણી સેવ

લીલી ચટણીઃ ધોઈને સમારેલી કોથમીર 2 કપ, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 4-5, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બરફના ટુકડા 2-3, શીંગદાણા 2 ટે.સ્પૂન, કળીપત્તાના પાન 10-12

તીખી લસણની ચટણીઃ સૂકા લાલ મરચાં 8-10, લસણની કળી 10-12, સ્વાદ મુજબ મીઠું,

રીતઃ એક પેનમાં તેલ તેમજ બટર ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં હીંગ તેમજ બધાં સૂકા મસાલા મેળવીને તરત જ વટાણા તેમજ બટેટા છૂંદો કરીને મેળવી દો. લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર તેમજ ખાંડ પણ મેળવી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

લીલી ચટણી માટે મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર તેમજ કળીપત્તાના પાન લો. તેમાં આદુ-મરચાં, શીંગદાણા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું તેમજ બરફના ટુકડા મેળવી ઘટ્ટ ચટણી પીસીને એક બાઉલમાં કાઢી લો.

લસણની ચટણી માટે સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મરચાંને મિક્સીમાં લઈ તેમાં લસણની કળી જીરુ, સ્વાદ પ્રમાણે મીઠું મેળવીને બારીક તેમજ ઘટ્ટ ચટણી પીસી લો.

બ્રેડની કિનારી કટ કરી લો. દરેક બ્રેડ ઉપર બટર લગાડી દો તેમજ એક બ્રેડ ઉપર લીલી ચટણી અને બીજી બ્રેડ ઉપર લસણની ચટણી લગાડી લો. એક બ્રેડની ઉપર બટેટા વટાણાનું પૂરણ ફેલાવીને લગાડી લો અને ઉપર ઉપરની બ્રેડ ઉપર થોડું માખણ તેમજ લસણની ચટણી લગાડીને બીજી બ્રેડ ગોઠવી દો. ઉપર ટોમેટો કેચ-અપ લગાડી, ઝીણી સેવ ભભરાવીને સેન્ડવિચના ચપ્પૂ વડે પીસ કરીને સેન્ડવિચ પીરસો.

૨૦ ડિસેમ્બર, ૨૦૨૫

પંચાંગ 20/12/2025

ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધ

ભાવનગર: સોનગઢમાં સુવર્ણપૂરી જૈન તીર્થક્ષેત્રમાં હાલ નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. સમાજના આગેવાનોને કહેવું છે કે, કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય, ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય તેમ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાઓ બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે.

સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સોનગઢમાં દિગંબર જૈન ધર્મનું સુવર્ણપુરી તીર્થધામ બન્યું છે. આધ્યાત્મિક સંત પૂજ્ય કાનજી સ્વામી અને પૂજ્ય બહેન ચંપાબેને અહીં 45 વર્ષ સુધી સાધના કરીને જૈન ધર્મના ઉપદેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અહીં ટ્રસ્ટ દ્વારા એક કૃત્રિમ પર્વત બનાવીને બાહુબલી ભગવાનની 41 ફૂટ ઉંચી પ્રતિમા, સૂર્યકીર્તિ ભગવાનની આરસની મોટી પ્રતિમા બિરાજમાન કરવા તથા જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન તેમજ જ્ઞાની પુરુષ કાનજી સ્વામી તેમજ બહેન ચંપાબેનનો ઈતિહાસ મોડેલ સ્વરૂપે ટંકોત્કીર્ણ કરીને ઝાંખી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે વિશ્વમાં પહેલો વહેલો વિશાળ લંબગોળ ડોમ અને તેમાં ઝાંખી બનાવવાનો વિચાર અને ડિઝાઈન રાજેન્દ્ર વી. શાહ (રાજુભાઈ-પાર્લા)એ આપ્યો હતો. તે મુજબના આયોજન સાથે અહીં કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડોમમાં ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ, ટ્રસ્ટી કે બીજી વિચારધારા ધરાવતા વ્યક્તિના મન મુજબ ફેરફાર ન કરી શકે કે બીજી કોઈ સ્થાપના ન કરી શકે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.જો કે, નેમિષ શાંતિલાલ શાહે પોતાના પાવર, પોતાની પ્રસિદ્ધિ માટે અને પોતાના ઈરાદાઓ પાર પાડવા અહીં સૂર્યકિર્તિ ભગવાનને બિરાજમાન કરવા ઉપર ચેરિટી કમિશનર પાસે જઈને ખોટી રીતે ગેરકાયદેસર સ્ટે લઈ આવ્યા હતા. તેમણે છળ કપટથી, પ્રપંચો કરીને અહીં ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટ બનાવવા માટે જીદ કરીને, જબરદસ્તીથી પ્રમુખ હસમુખભાઈ વોરા પાસે ગેરકાયદેસર રીતે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું નક્કી કરાવડાવ્યું હતું. જો કે, સમય જતાં સમાજને અને ટ્રસ્ટીઓને ખબર પડી હતી કે, આ ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટમાં મોટાં પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, લાઈટોનો ઉપયોગ થવાનો છે અને મોટાં-મોટાં એસી લાગવાના છે. વળી, તેમાં ભારે માત્રામાં પાણીનો પણ ઉપયોગ થવાનો છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ છ કાયના જીવોની મોટી હિંસા થાય તેવી ભીતિ છે. જે અમારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની આજ્ઞાની વિરૂધ્ધ છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટનું નિર્માણ અમારા ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ વિરૂધ્ધ છે અને નીતિ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે.

આ પ્રોજેક્ટનું કામ 2017 થી ઓક્ટોબર-2025 સુધી બંધ હતું. પરંતુ તેમણે અહીં ફરીથી પ્રોજેક્ટનું નિર્માણકાર્ય શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ જીવ હિંસાને પ્રેરે છે તેથી જૈન સમાજ આનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું છે. આ પ્રોજેક્ટના નિર્માણ કાર્યને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પણ અપીલ જૈન સમાજ તરફથી કરવામાં આવી છે.

નીતિશ કુમાર વિવાદ: યુવતી નોકરી જૉઈન કરશે, કૉલેજના પ્રિન્સિપાલનો દાવો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ છોકરીના ચહેરા પરથી હિજાબ હટાવવાનો મુદ્દો વિવાદ બન્યો. જોકે, જે કોલેજમાં આ ઘટના બની હતી તેના પ્રિન્સિપાલે અલગ જ દાવો કર્યો છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના હિજાબને લઈને વિવાદ હજુ પણ વકરતો જાય છે. એક કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ છોકરીનો હિજાબ ઉતારવા બદલ તેમની ટીકા થઈ રહી છે. વિપક્ષી નેતાઓએ તેમના આ કૃત્યને શરમજનક ગણાવીને તેની નિંદા કરી છે, જ્યારે ઘણા રાજ્યો તેમની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જો કે, આ વિવાદ વચ્ચે, ઘટનાનો ભોગ બનેલી યુવતીના કોલેજ પ્રિન્સિપાલે એક ચોંકાવનારો દાવો કર્યો છે.

પ્રિન્સિપાલે શું દાવો કર્યો?

હકીકતમાં, ડૉ. નુસરત પ્રવીણ, જેમનો હિજાબ બિહારના સીએમ નીતિશ કુમારે હટાવવાનો પ્રયાસ કર્યો હતો, તે પટણાની તિબ્બી કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજના પ્રિન્સિપાલ મહફુઝુર રહેમાને ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં તેમણે નુસરતની એક બેચમેટ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નુસરત નારાજ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તે કામ કરવા તૈયાર નથી, એવી કોઈ વાત નથી. નુસરત જોડાશે. જોકે, એવા અહેવાલ હતા કે નુસરત આ સમગ્ર ઘટનાથી હચમચી ગઈ હતી અને તે પોતાના માતા-પિતા પાસે કોલકાત જતી રહી હતી.

નુસરતની બેચમેટે શું કહ્યું?

ડૉ. નુસરત પ્રવીણના બેચમેટ, બિલ્કિસ, જે હિજાબ વિવાદમાં સામેલ હતી, તેમણે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. નુસરત ક્યારે જોડાશે તે પૂછવામાં આવતા, બિલ્કિસે કહ્યું, “મને સમાચાર મળ્યા છે કે તે શનિવારે જોડાશે. તે હંમેશા બુરખો પહેરતી હતી.” કોલેજના પ્રિન્સિપાલે પણ પુષ્ટિ આપી હતી કે ડૉ. નુસરત શનિવારે સવારે 10 વાગ્યે પટણા સદર હોસ્પિટલમાં ડ્યુટીમાં જોડાશે.

સમગ્ર વિવાદ

આખો વિવાદ ગયા સોમવારથી શરૂ થયો હતો. બિહારની રાજધાની પટનામાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર નવા નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રો આપી રહ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારે નિમણૂક પત્ર મેળવતી એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો, જેના કારણે વ્યાપક હોબાળો મચી ગયો. આરજેડી સહિત વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓએ નીતિશ કુમારના કાર્યોને “શરમજનક” ગણાવ્યા.

નીતિશ કુમારે માફી માંગવી જોઈએ – સપા સાંસદ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાનો હિજાબ હટાવવાના પ્રયાસ અંગે, સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું, “આ એક શરમજનક કૃત્ય છે. નીતિશ કુમારે માફી માંગવી જોઈએ. જો તેઓ આમ ન કરે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.” આ દરમિયાન મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ પણ નીતિશ કુમાર સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે.

ગુજરાત ટાઇટન્સના ચેરમેનની ટીમ હરાજી માટેની વ્યૂહરચના શું રહી?

અમદાવાદ: IPL સાથે એક મુલાકાતમાં ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ચેરમેન જીનલ મહેતા તથા ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર શાન મહેતાએ ટીમ વિશે, ટીમની અત્યાર સુધીના પ્રવાસ અને આગામી સિઝન માટેની વ્યૂહરચના અંગે માહિતી આપીતી. તેમણે ટીમના કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વ પ્રત્યે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સના ચેરમેન અને ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર જીનલ મહેતાએ જણાવ્યું  કે, “અમે અમારા મુખ્ય ખેલાડીઓ સાથે હરાજીમાં સામેલ થયા હતાં અને અમે અમારી ટીમમાં ખૂબ ઓછા ફેરફારો કર્યા હતા. અમે ફક્ત પાંચ ખેલાડીઓ બદલ્યા હતા. અમે ખૂબ જ ચોક્કસ જરૂરિયાતો સાથે આવ્યા હતા. અમારે બે ફાસ્ટ બોલર, એક ઓલરાઉન્ડર અને એક મિડલ-ઓર્ડર બેટ્સમેનની જરૂર હતી. અમે આ પરિણામથી ખુશ છીએ અને અમારા તમામ ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે. મને લાગે છે કે, અમે જે ઇચ્છતા હતા તે જ પ્રમાણે કામ થયું છે, અમે આ તમામ નવા ખેલાડીઓનું સ્વાગત કરીએ છીએ અને આગામી સિઝન માટે ઉત્સુક છીએ.”

વધુમાં કહ્યું કે, “અમે ચાર સીઝનમાં રમ્યા છીએ, જેમાં અમે શરૂઆતમાં જ જીત મેળવી હતી અને બીજી સીઝનમાં રનર્સ-અપ રહ્યા હતાં. અમારી પાસે જે ટીમ છે તેની સાથે અમે આ યાત્રાને આગળ વધારવા માટે આતુર છીએ. મને લાગે છે કે અમે આગામી સીઝનમાં શાનદાર પર્ફોર્મન્સ કરીશું.”

શુભમન ગિલની લીડરશીપ અંગે ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ચેરમેન જીનલ મહેતાએ જણાવ્યું હતું કે, “મને લાગે છે કે જીટીએ શુભમનની બેટિંગ પ્રતિભા અને તેની નેતૃત્વ ક્ષમતાઓને શરૂઆતમાં જ પારખી લીધી હતી. તેણે જીટી અને ભારત બંને માટે અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યું છે.”

ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર શાન મહેતાએ ઉમેર્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમનું બોન્ડિંગ સતત વધ્યું છે અને આગામી ઘણા વર્ષો સુધી શુભમનના નેતૃત્વ હેઠળ ટીમ આગળ વધશે.”

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશે વાત કરતા ટોરેન્ટ ગ્રૂપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ચેરમેન જીનલ મહેતાએ કહ્યું કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમારા ઘર જેવું છે. જ્યારે પણ ગુજરાત ટાઇટન રમી રહ્યું હોય છે ત્યારે સ્ટેડિયમમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તે ખરેખર અમારા ખેલાડીઓને વધુ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા યોગ્ય માહોલ સર્જે છે. અને મને લાગે છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતાં વધુ સારું ઘર અમારું બીજું કોઈ ન હોઈ શકે.”

મહાત્મા મંદિર ખાતે 21 ડિસેમ્બરે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી

ગાંધીનગર: માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બપોરે ૨:૩૦ કલાકથી રાજ્યસ્તરીય ધ્યાન કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરના દિક્ષાંત સમારોહનું મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત તેમજ ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિત રહેશે.

યોગ અને ધ્યાનને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમ એ જ દિશામાં એક મોટી પહેલ છે, જે ગુજરાતને વધુ આધ્યાત્મિક અને માનસિક રીતે જાગૃત બનાવશે. ૨૧ ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેને વિશેષ માનવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય બે હેતુઓમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ભાવપૂર્ણ અને અર્થસભર ઉજવણી કરવાનો, જ્યારે દ્વિતીય હેતુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલા યોગ કોચ અને યોગ ટ્રેનર્સનો દીક્ષાંત સમારોહ યોજવાનો છે. આ દીક્ષાંત સમારોહ રાજ્યમાં યોગ શિક્ષણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.

આ કાર્યક્રમમાં હજારો સાધકો એકસાથે સામૂહિક ધ્યાનમાં ભાગ લઈ માનસિક શાંતિ, આંતરિક ઊર્જા અને આધ્યાત્મિક જોડાણનો અનુભવ કરશે. રાજ્યના તમામ નાગરિકો, યોગપ્રેમીઓ અને સાધકોને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનવા અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીને સ્મરણિય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.