Home Blog Page 368

ઓનલાઇન સટ્ટાબાજી કેસઃ યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પાની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બે ભૂતપૂર્વ કિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા, ઉર્વશી રૌતેલા, સોનુ સુદ, મિમી ચક્રવર્તી, અંકુશ હજારા અને નેહા શર્માનાં નામ સામેલ છે ,જેમનાં નામ ઓનલાઈન બેટિંગ કેસમાં સામે આવ્યાં હતાં અને જેમને ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા,  હવે તે મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ED દ્વારા યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં યુવરાજ સિંહની રૂ. 2.5 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જ્યારે રોબિન ઉથપ્પાની રૂ. 8.26 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત

જપ્ત કરાયેલી સંપત્તિની વિગતો:

* યુવરાજ સિંહ – રૂ. 2.5 કરોડ

* રોબિન ઉથપ્પા – રૂ. 8.26 કરોડ

* ઉર્વશી રૌતેલા – રૂ. 2.02 કરોડ (આ સંપત્તિ ઉર્વશીની માતાને નામે રજિસ્ટર્ડ છે)

* સોનુ સુદ – રૂ. 1 કરોડ

* મિમી ચક્રવર્તી – રૂ. 59 લાખ

* અંકુશ હજારા – રૂ. 47.20 લાખ

* નેહા શર્મા – રૂ. 1.26 કરોડ

મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા સંપત્તિ એટેચ

 

EDએ 1xBet કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાની સંપત્તિ એટેચ કરી છે. આ કેસમાં ED દ્વારા બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. EDની આ કાર્યવાહી યુવરાજ અને ઉથપ્પા બંને માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે.

આજની કાર્યવાહી દરમિયાન ED દ્વારા કુલ રૂ. 7.93 કરોડની સંપત્તિ એટેચ કરવામાં આવી છે. આ પહેલાં પણ આ જ કેસમાં EDએ શિખર ધવનની રૂ. 4.55 કરોડ અને સુરેશ રૈનાની રૂ. 6.64 કરોડની સંપત્તિ એટેચ કરી હતી. અત્યાર સુધી 1xBet કેસમાં ED કુલ રૂ. 19.07 કરોડની સંપત્તિ એટેચ કરી ચૂકી છે. આ મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.

આ તપાસ કથિત ગેરકાયદે બેટિંગ એપ્સ સાથે જોડાયેલી છે. આરોપ છે કે આ એપ્સ સાથે સંકળાયેલા લોકોએ સામાન્ય લોકો અને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે અથવા મોટા પાયે કરચોરી કરી છે.

‘એલા એય… પિક્ચર હિટ થવી જ જોઈએ, શું?’

“આપણી ફિલ્મનો સબ્જેક્ટ એવો હાર્ડ હિટિંગ છે કે, પચ્ચા કરોડનું ઓપનિંગ તો રમતાં રમતાં થઈ જશે… તમતમારે આંખ મીંચીને પૈસા લગાડો.”

એક દિગ્દર્શકે મારી નજર સામે આવું એક નિર્માતાને કહ્યું ત્યારે હું ચોંકી ગયેલોઃ શું બાકી કોન્ફિડન્સ કહેવાય. એ જુદી વાત છે કે પચાસ કરોડના ઓપનિંગની ગેરન્ટીવાળી ફિલ્મ બની જ નહીં.

આ પ્રસંગ યાદ કરવાનો રિયલ મીનિંગ તમને પછી કહું, પહેલાં આ વાંચોઃ 1970ના નવેમ્બર-ડિસેમ્બર હિંદી સિનેમા માટે મહત્વના હતા. આ સાઠેક દિવસામાં દેવ આનંદ-પ્રાણની મુખ્ય ભૂમિકાવાળી ‘જોની મેરા નામ’ 20 નવેમ્બરે રિલીઝ થઈ, દિલીપકુમારની મુખ્ય ભૂમિકાવાળી ‘ગોપી’ 27 નવેમ્બરે અને રાજ કપૂરની બે ઈન્ટરવલવાળી ‘મેરા નામ જોકર’ 18 ડિસેમ્બરે રિલીઝ થઈ.

હવે, બનેલું એવું કે તે સમયના મોટા ગજાના વિતરક-થિએટરમાલિક ગુલશન રાયને નિર્માતા બનવાનું મન થતાં એમણે વિજય આનંદને ડિરેક્ટર તરીકે રોક્યા. ગોલ્ડન કલરના વાળ હોવાના લીધે ગોલ્ડીનું હુલામણું નામ ધરાવતા વિજય આનંદે બિગ બ્રદર દેવ આનંદને અને એમની હીરોઈન તરીકે હેમામાલિનીને ફાઈનલ કર્યાં. રાઈટર કે. એ. નારાયણ લિખિત ‘જોની મેરા નામ’ના એક મહત્વના કેરેક્ટર માટે પ્રાણને લેવાનું નક્કી થયું, પણ એમણે ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડતાં કહ્યું કે “મારી પાસે ટાઈમ નથી.”

વિજય આનંદે નિર્માતા ગુલશન રાયને પ્રાણનો જવાબ કહ્યો ને સૂચન કર્યું કે “આપણે બીજા કોઈનું વિચારીએ.”

ગુલશન રાયને મિત્રોએ એમને ચેતવેલા કે જે ધંધો કરો છો એ જ કરો, ફિલ્મનિર્માણ બહુ રિસ્કી બિઝનેસ છે. એમણે એ મિત્રોને બતાવી આપવું હતું. એમણે વિજયજીને કહ્યું, “સાંભળો, આપણી પિક્ચર કમર્શિયલી હિટ થવી જ જોઈએ. તમે પ્રાણ માટે ફરીથી ટ્રાય કરો.”

વિજયભાઈએ ફરી ટ્રાય કરી. પ્રાણ માની ગયા. વિજય આનંદને હાશકારો થયો, પરંતુ સાથે ટેન્શન પણ થયું કે “પિક્ચર હિટ થવી જ જોઈએ” એનું કેમ કરવું? ‘જોની મેરા નામ’ હિટ નહીં સુપરહિટ થઈ એ જુદો વિષય.

અત્યારે આપણો વિષય એ છે કે ફિલ્મ બનાવવા ફદિયાં રોકનાર એમ કહે કે “આપણી ફિલ્મ હિટ થવી જ જોઈએ” અથવા ડિરેક્ટર છાતી ઠોકીને કહે કે “ફિલ્મ હિટ થશે જ” એ શક્ય છે?

આ ચર્ચા છેડવાનું કારણ એ કે હાલ રાઈટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર વિક્રમ ભટ્ટની અરેસ્ટથી સિનેજગતમાં ખળભળાટ મચેલો છે. વિક્રમ ભટ્ટ અને એમનાં પત્ની શ્વેતાંબરીની ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ૭ ડિસેમ્બરે મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મામલો ઉદયપુરનો છે એટલે હાલ બન્ને ઉદયપુરની જેલમાં છે.

વારુ, શું છે એમની પર આરોપ?

મૂળ ઉદયપુરની અને દેશભરમાં સેન્ટરો ધરાવતી INDIRA IVFના માલિક ડો. અજય મર્ડિયાએ પોતાની પત્ની ઈન્દિરાના જીવન પર ફિલ્મ બનાવવા વિક્રમ ભટ્ટનો 2024માં સંપર્ક કરેલો. દેશભરમાં IVF સેન્ટર શરૂ કરવાની પ્રેરણા ડો. અજયને પત્ની ઈન્દિરાએ આપેલી, જેનું ૨૦૨૪માં અવસાન થયું. ડો. મર્ડિયાનો આક્ષેપ છે કે “વિક્રમે 200 કરોડ રૂપિયાનો પ્રોફિટ થશે એવો વાયદો કર્યો હતો, પરંતુ વાયદો પૂરો કર્યો નહીં.”

(તુમકો મેરી કસમના ટ્રેલર લોન્ચ અવસરે ડો. અજય મર્ડિયા- વિક્રમ ભટ્ટ-મહેશ ભટ્ટ.)

પોલીસનાં કહ્યા મુજબ, ૨૦૨૪ના મે મહિનામાં ડો. મર્ડિયાએ વિક્રમ ભટ્ટ સાથે 47 કરોડ રૂપિયાનો એગ્રીમેન્ટ કર્યો. એ મુજબ, વિક્રમે કુલ 4 ફિલ્મ બનાવવાની હતી, પણ બનાવી બે જ, જેમાં ડો. અજય મર્ડિયા અને એમનાં પત્નીના સંઘર્ષ વિશેની ‘તુમકો મેરી કસમ’નો સમાવેશ થાય છે, જે આ વર્ષે રિલીઝ થઈ, પણ એમાં લોસ થયો.

સવાલ એ કે કોઈ પણ સર્જક શૂટિંગ શરૂ થાય એ પહેલાં નિર્માતાને 200 કરોડ રૂપિયાના પ્રોફિટની ખાતરી કેવી રીતે આપી શકે? અને એ ખાતરી સાચી માનીને કોઈ પૈસા રોકવા તૈયાર કેવી રીતે થઈ શકે?

જો કે હિંદી સિનેમાના જાણતલોએ મને આપેલી માહિતી મુજબ વિક્રમે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં ત્રીસ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. આ માટે નકલી બિલો, વાઉચરો બનાવવામાં આવ્યાં એવો ડો. મર્ડિયાનો આક્ષેપ છે. એક જાણકારે કહ્યું કે, “ફિલ્મ શરૂ થાય એ પહેલાં ત્રીસ કરોડ રૂપિયા જેવી રકમ તો કરણ જોહર જેવો નિર્માતા પણ નથી ખર્ચતો. પ્રિ-પ્રોડક્શનમાં બહુ બહુ તો એકાદ-બે કરોડ ખર્ચ થાય, પણ ત્રીસ કરોડ?”

આશરે બત્રીસ વર્ષની કરિયરમાં 56 વર્ષી વિક્રમે ફિલ્મો તો ઘણી બનાવી, પણ ઓળખ મળી 2002માં આવેલી ‘રાઝ’થી. આ ભૂતિયા ફિલ્મ અને એનાં ગીતો ધૂમ ચાલ્યાં. ‘રાઝ’ પછી એમણે ડઝનબંધ હોરર, થ્રિલર ફિલ્મો બનાવી, જેમાંની અમુક ચાલી, અમુક ભપ્ થઈ ગઈ. દરમિયાન વિક્રમે તમામ આરોપોનો ઈનકાર કર્યો છે. એમનું કહેવું છે કે “અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી નથી. એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) ભ્રામક છે.”

એક સમયે એમ કહેવાતું કે મનમોહન દેસાઈ-સુભાષ ઘાઈ-પ્રકાશ મેહરા જેવા સર્જકો પાસે પ્રેક્ષકની નાડ હતી, પરંતુ આ બધા દિગ્દર્શકો પણ એક તબક્કે ભયંકર હદે નિષ્ફળ નીવડ્યા હતા.

થોડા સમય પહેલાં ‘હેલ્લારો’ અને ‘ઉંબરો’ જેવી ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ આ લખનારની વાત થઈ. ટોક-વિધિન-ટોકમાં અભિષેક કહેઃ “ભલભલા નિર્માતા-દિગ્દર્શકો કે કોઈને પણ, ગુરુવારની રાત સુધી ખબર નથી હોતી કે શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ હિટ થશે કે નહીં.”

યસ્સ, ચિત્રગુર્જરીમાં આ વર્ષે સર્જાયેલો ચમત્કાર નામે ‘લાલો’ના સર્જક અંકિત સખિયા અને એમની ટીમને ફિલ્મ આ હદે દર્શકોને ઘેલું લગાડશે એની ક્યાં ખબર હતી? ભઈ, દ્વારીકાધીશની લીલા અપરંપાર છે.

આશા રાખીએ કે, વિક્રમભાઈના કેસમાં સત્ય ઝટ સામે, ડોક્ટર સાહેબ સાથે સુલેહ થાય, સૌ સારાં વાનાં થાય ને એ ઝટ બહાર આવી જાય.

 

વર્લ્ડ મેડિટેશન ડે: 21 ડિસેમ્બરે લાખો લોકો શાંતિમાં એક થવા તૈયાર

અમદાવાદ: 21 ડિસેમ્બર 2025ના રોજ વિશ્વ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે. આ દિવસે 160+ દેશોમાં લાખો લોકો એકસાથે વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવા માટે જોડાશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન રેવ. દાજી (ડૉ. કમલેશ પટેલ), હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઇડ દ્વારા આપવામાં આવશે. “વન વર્લ્ડ વન હાર્ટ” થીમ હેઠળ આ કાર્યક્રમ હાર્ટફુલનેસ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારિત થશે. જેમાં વ્યક્તિઓ, પરિવારો, સંસ્થાઓ અને સમુદાયો શાંતિ, કરુણા અને એકતા માટે ધ્યાનમાં જોડાશે.

આ કાર્યક્રમ માટે 30 લાખ નોંધણીઓ અને 10 લાખથી વધુ પીક કન્કરન્ટ દર્શકો સુધી પહોંચવાનો છે, જે આંતરિક જોડાણની વૈશ્વિક લહેર સર્જશે. ભાગ લેનારાઓને 45 મિનિટનું સત્ર મળશે જેમાં આરામ, માર્ગદર્શિત ધ્યાન અને દાજીનો સમાપન સંદેશ સામેલ રહેશે. લાઇવ નકશા દ્વારા દર્શકોના સ્થાન દર્શાવવામાં આવશે અને તમામ નોંધાયેલા ભાગ લેનારાઓને વ્યક્તિગત પ્રમાણપત્ર આપવામાં આવશે.

કાર્યક્રમ માટે ભારત તથા વિશ્વભરમાં વ્યાપક મોટેરાઇઝેશન પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી મજબૂત ભાગીદારી અપેક્ષિત છે. હાર્ટફુલનેસ સેન્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને પરિવારો ગ્રુપ વ્યૂઇંગનું આયોજન કરી રહ્યા છે, જેમાં દરેક વ્યક્તિને અલગથી લોગિન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી અસર વધે.

એક મજબૂત ડિજિટલ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ઇન્ફ્લુએન્સર સહકાર, સોશિયલ મીડિયા બ્લિટ્ઝ અને વિવિધ ભાષાઓમાં પરંપરાગત મીડિયા આઉટરીચ સામેલ છે. ગ્લોબલ હાર્ટ ચેઇન પોર્ટલ નોંધણી, રિમાઇન્ડર્સ અને સ્વયંસેવકો માટે પૂર્વ-પ્રશિક્ષણ સત્રોને સપોર્ટ કરે છે.

ટેકનિકલ ટીમો નિરંતર કનેક્ટિવિટી સુનિશ્ચિત કરી રહી છે, જેમાં સેલ્યુલર ડેટા, ડિવાઇસ તૈયારીઓ, અને અનન્ય લોગિન પર ભાર મૂકવામાં આવ્યો છે. દરેક ઉપકરણ મહત્વનું છે—ભાગ લેનારાઓને અલગ-અલગ ઇમેઇલ આઈડી અથવા ગેસ્ટ મોડનો ઉપયોગ કરીને લોગિન કરવા વિનંતી કરવામાં આવે છે જેથી દરેક લોગિન નોંધાય.

નોંધણી મફત છે : [hfn.link/meditation](https://hfn.link/meditation)
લાઇવ સ્ટ્રીમ લિંક : [hfn.link/21dec](https://hfn.link/21dec)
મીડિયા રિસોર્સિસ : [tinyurl.com/21decDocs](https://tinyurl.com/21decDocs)
સોશિયલ હેન્ડલ્સ : @heartfulness | #OneWorldOneHeart #WorldMeditationDay #WMD25

આ માત્ર એક કાર્યક્રમ નથી—આ માનવજાતને શાંતિ દ્વારા ફરી જોડવાનો એક આંદોલન છે.

નેશનલ ઊર્જા મેલા 2025નું આયોજનઃ 1000થી વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણીના અવસર પર ટાટા પાવરે દિલ્હી સ્થિત રોહિણીના ટાટા પાવર ડીડીએલ લર્નિંગ સેન્ટર (CENPIED) ખાતે નેશનલ ઊર્જા મેલા 2025નું આયોજન કર્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશનાં 15 રાજ્યોમાંથી 200 શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકત્ર થયા, જ્યાં યુવા પ્રતિભાઓએ સ્વચ્છ ઊર્જા અને સંરક્ષણ પર કેન્દ્રિત નવીન વિચારો અને વ્યવહારુ ઉકેલો રજૂ કરવા માટે જીવંત મંચ મેળવ્યો.

ટાટા પાવરની ફ્લેગશિપ ક્લબ એનર્જી સ્કૂલ પહેલ અંતર્ગત આયોજિત નેશનલ ઊર્જા મેલા, ટાટા પાવરના દશકા જૂના સ્કૂલ એંગેજમેન્ટ કાર્યક્રમનો પરિપૂર્ણ પડાવ છે, જે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શીખેલી અને હાથ ધરાયેલી ક્રિયેટિવ પહેલને એકત્ર કરે છે. 2025ની આવૃત્તિમાં દેશભરના યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ વર્ષની થીમ’ ક્લીન એનર્જી, ગ્રીનર ટુમોરો’ પર આધારિત STEM આધારિત ઉકેલો રજૂ કર્યા. આ સંમેલનમાં સાયન્સ મોડેલ એક્ઝિબિશન,  પોસ્ટર મેકિંગ કૉમ્પિટિશન અને ક્વિઝ કૉમ્પિટિશન જેવી વિવિધ ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ યોજાઈ,  જેના માધ્યમથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શીખેલા જ્ઞાનને વ્યાવહારિક અને વાસ્તવિક જીવનમાં ઉપયોગમાં મૂકવાની તક મળી. આ પ્રવૃત્તિઓએ જિજ્ઞાસા, ટીમવર્ક અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને પ્રોત્સાહન આપ્યું,તેમ જ ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સંભાળ અંગે જવાબદાર વિચારસરણી દર્શાવવાની તક પૂરી પાડી હતી.

નેશનલ ઊર્જા મેલા 2025માં એનસીસીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, બ્રિગેડિયર અતુલ્ય બમજાઈ મુખ્ય મહેમાન તરીકે અને પ્રમોદ કાતિયાર, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, નવી દિલ્હી, વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટાટા પાવરના વરિષ્ઠ લીડર્સમાં હિમલ તિવારી, CHRO અને ચીફ, સસ્ટેનેબિલિટી અને CSR, ટાટા પાવર, દ્વિજ દાસ બાસક, CEO, ટાટા પાવર-ડીડીએલ, પંકજકુમાર સિંહ, ચીફ, કમ્યુનિટી ઇમ્પેક્ટ તેમ જ ભારતકુમાર છાબરા, ચીફ, SIG અને ચીફ એથિક્સ કાઉન્સેલર ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસ પહેલોમાં સતત શોધખોળ કરવા, શીખવા અને નેતૃત્વ આપવા માટે પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે વાત કરતાં, ટાટા પાવરના CHRO અને ચીફ, સસ્ટેનેબિલિટી અને CSR હિમલ તિવારીએ જણાવ્યું હતું કે ટાટા પાવરમાં અમે માનીએ છીએ કે સ્વચ્છ ઊર્જાવાળા ભવિષ્ય તરફનું પરિવર્તન ત્યારે જ ટકાઉ બની શકે જ્યારે તે જાણકાર અને જવાબદાર નાગરિકો દ્વારા આગળ વધારવામાં આવે. અમારી ક્લબ એનર્જી પહેલ અંતર્ગત નેશનલ ઊર્જા મેલા જેવાં મંચો બાળપણથી જ આવી વિચારસરણી ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવી, વિવિધ ક્ષેત્રોમાં સહકાર સાધી અને ઊર્જા તથા સંરક્ષણ સંબંધિત વાસ્તવિક પડકારો સાથે અર્થપૂર્ણ રીતે જોડાઈ રહ્યા છે તે જોવું ખરેખર પ્રેરણાદાયક છે. જ્યારે શિક્ષણ વર્ગખંડની સીમાઓને પાર કરી દૈનિક પસંદગીઓમાં પ્રતિબિંબિત થાય છે, ત્યારે જ સાચું અને દીર્ઘકાલીન પરિવર્તન શરૂ થાય છે.

કોમેડિયન ભારતી સિંહના ઘરે ગૂંજી કિલકારી, આપ્યો દીકરાને જન્મ

કોમેડિયન ભારતી સિંહનું ઘર ફરી એકવાર ખુશીઓથી ભરાઈ ગયું છે. ભારતી સિંહે એક દીકરાને જન્મ આપ્યો છે. હર્ષ અને ભારતી ફરીથી માતા-પિતા બન્યા છે.

કોમેડિયન ભારતી સિંહ ફરી એકવાર માતા બની છે. ભારતીએ શુક્રવારે સવારે એક બાળકને જન્મ આપ્યો. ભારતી તે દિવસે તેના લોકપ્રિય ટીવી શો “લાફ્ટર શેફ્સ” ના શૂટિંગ માટે સેટ પર જવાની હતી. સવારે, તેણીને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ, અને થોડા જ સમયમાં તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે તેણીને હોસ્પિટલમાં લઈ જવી પડી. બાદમાં તેણીએ ડોકટરોની દેખરેખ હેઠળ એક બાળકને જન્મ આપ્યો. સમયસર સારવાર મળવાને કારણે માતા અને બાળક બંને સુરક્ષિત હોવાનું કહેવાય છે.

હર્ષ અને ભારતી બીજી વાર માતા-પિતા બન્યા

પોતાના દીકરા ગોલાનું સ્વાગત કર્યા પછી, ભારતી અને હર્ષ ફરી એકવાર માતા-પિતા બન્યા છે. ભારતીની ડિલિવરી સમયે પતિ હર્ષ લિંબાચિયા હાજર હતા. લેખક અને નિર્માતા હર્ષે આ મુશ્કેલ સમયમાં ભારતીને ટેકો આપ્યો હતો. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકના જન્મના સમાચાર પરિવાર અને મિત્રો સુધી પહોંચતાની સાથે જ બધાએ રાહતનો શ્વાસ લીધો અને ઉજવણી કરી. જોકે, પરિવાર કે મિત્રોમાંથી કોઈએ હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી. લાફ્ટર શેફ્સના શૂટિંગ દરમિયાન જ્યારે પાપારાઝીએ કૃષ્ણા અને કાશ્મીરાને પૂછ્યું, ત્યારે તેઓએ ભારતી અને હર્ષને અભિનંદન આપ્યા.

નોંધનીય છે કે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા પહેલાથી જ એક પુત્રના માતા-પિતા છે. આ કપલે તાજેતરમાં ચાહકો સાથે તેમની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેમના કૌટુંબિક વેકેશનના આ ખુશખબર શેર કર્યા હતા, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ભારતીએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું

થોડા અઠવાડિયા પહેલા, ભારતીએ તેનું મેટરનિટી ફોટોશૂટ શેર કર્યું હતું, જેમાં તે વાદળી સિલ્ક ગાઉનમાં જોવા મળી હતી. ફોટામાં તેનો આત્મવિશ્વાસ અને ખુશી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. ભારતીએ ફોટો સાથે એક મજેદાર કેપ્શન લખ્યું હતું, જેનાથી ચાહકોને આ નવી સફર વિશેના તેના ઉત્સાહનો ખ્યાલ આવ્યો હતો.

કર્ણાટકમાં CM બદલવાની અટકળો ફરી તેજ

બેંગલુરુઃ કર્ણાટકમાં CM પદને લઈને ચાલી રહેલી ખેંચાતાણ ફરી એક વાર તેજ બની છે. ગુરુવારે CM સિદ્ધરમૈયાના સમર્થક ધારાસભ્યોને મંત્રી સતીશ જારકિહોલીના નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં ઉપમુખ્ય મંત્રી ડી. કે. શિવકુમારે પણ રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં મંત્રી જી. પરમેશ્વર, એચ.સી. મહાદેવપ્પા, બી.ઝેડ. જામીર અહમદ ખાન, એમ.સી. સુધાકર તેમ જ ધારાસભ્યો એ.એસ. પોનન્ના અને નસીર અહમદ હાજર રહ્યા હતા. આ તમામ નેતાઓ સિદ્ધરમૈયાના નજીકના માનવામાં આવે છે.આ પહેલાં જારકિહોલીએ 17 ડિસેમ્બરની રાત્રે અહીં એક હોટેલમાં 30થી વધુ “સમાન વિચારધારા ધરાવતા” ધારાસભ્યોને રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા હતા. જોકે 17 ડિસેમ્બરના રાત્રિભોજનમાં સિદ્ધારમૈયા હાજર રહ્યા ન હતા, પરંતુ તેમના પુત્ર અને એમએલસી યતીન્દ્ર સિદ્ધારમૈયા તેમ જ તેમના નજીકના ધારાસભ્ય કે.એન. રાજન્ના રાત્રિ ભોજનમાં સામેલ થયા હતા. જ્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે આ બેઠકમાં માત્ર કેટલાક જ લોકો હાજર હતા, ત્યારે શિવકુમારે કહ્યું હતું કે  હું એના પર ટિપ્પણી શા માટે કરું? તેઓ રાત્રિભોજન દરમિયાન મળ્યા. અમે બધા (બેલગાવી વિધાનસભા સત્ર માટે) અલગ-અલગ સ્થળોથી આવ્યા છીએ. જો બધા મળે તો તેમાં ખોટું શું છે?

રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન રાત્રિભોજન બેઠકોનો સિલસિલો ચાલુ છે. એક અઠવાડિયા પહેલાં 30થી વધુ કોંગ્રેસ ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓ બેલગાવીના બહારના વિસ્તારમાં રાત્રિભોજન દરમિયાન શિવકુમારને મળ્યા હતા. એક તરફ રાત્રિભોજનમાં હાજર રહેલા કેટલાક નેતાઓ આ બેઠકોને “સામાન્ય રાત્રિભોજન” ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાકે સંકેત આપ્યો છે કે શક્ય છે કે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હોય.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના 20 નવેમ્બરે અઢી વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારથી રાજ્યમાં મુખ્ય મંત્રી બદલવાની અટકળો સતત ચાલી રહી છે. સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે 2023માં થયેલા “સત્તા-વહેંચણી” કરારથી આ અટકળોને વધુ બળ મળ્યું છે.

સાઉદી અરેબિયાએ 56,000 પાકિસ્તાની ભિખારીઓની હકાલપટ્ટી કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. સાઉદી અરેબિયાએ ભીખ માગવાના આરોપમાં આશરે 56,000 પાકિસ્તાની નાગરિકોને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ 2025માં સંગઠિત ભીખ માગવાની ગેંગોને વિદેશ જવાથી રોકવા માટે 66,154 મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતાર્યા હતા.

ઘરેલુ નો-ફ્લાય લિસ્ટ અને વિદેશી સરકારોની કડક ચેતવણીઓ હોવા છતાં  હજારો પાકિસ્તાની માત્ર ભીખ માગવા માટે વિદેશ યાત્રા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા અને UAE એ પાકિસ્તાની નાગરિકો પર દેખરેખ વધારી છે. સાઉદી અને દુબઈમાં પાકિસ્તાની નાગરિકો સાથે જોડાયેલી સંગઠિત ભીખ માગવાની પ્રવૃત્તિઓ અને અન્ય ગુનાહિત કૃત્યો વિદેશોમાં ચિંતા ઊભી કરી રહ્યા છે. આ બધું પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડી રહ્યું છે. વિદેશોમાં અપમાન બાદ હવે પાકિસ્તાન પોતાના ભિખારીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. સાઉદી બાદ હવે UAE એ પણ પાકિસ્તાની નાગરિકો પર વિઝા પ્રતિબંધો લાદ્યા છે.

UAE એ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં પ્રવેશ કર્યા બાદ કેટલાક લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા હતા. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્ર સાઉદી અરેબિયાએ જ ભીખ માગવાના આરોપમાં 56,000 પાકિસ્તાનીઓને દેશ બહાર કાઢ્યા છે, જ્યારે UAE એ મોટા ભાગના પાકિસ્તાની નાગરિકો પર વિઝા પ્રતિબંધ લગાવ્યા છે. ખાડી દેશોનું કહેવું છે કે કેટલાક વિઝિટર્સ દેશમાં આવ્યા પછી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા હતા.

 અનેક દેશોમાંથી પાકિસ્તાની નાગરિકોને હાંકી કઢાયા

મુખ્તારે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ આ વર્ષે માત્ર ભીખ માગવાના આરોપમાં 56,000 પાકિસ્તાનીઓને બહાર કાઢ્યા હતા, જ્યારે દુબઈએ 6000થી વધુ લોકોને પરત મોકલ્યા છે. તેમણે કહ્યું હતું કે અઝરબૈજાને પણ આશરે 2500 પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી કાઢી મૂક્યા છે. આફ્રિકા અને યુરોપની યાત્રા સાથે જોડાયેલા આવા જ કેસો પણ સામે આવ્યા છે.

આ ઉપરાંત કમ્બોડિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં ટુરિસ્ટ વિઝાનો ખોટો ઉપયોગ થવાના મામલા પણ સામે આવ્યા છે. ગયા વર્ષે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કહ્યું હતું કે તે ઉમરાહ વિઝાનો દુરુપયોગ કરીને મક્કા અને મદીના જેવાં પવિત્ર શહેરોમાં ભીખ માગવા જતા ભિખારીઓને રોકે.

ભગવાન રામ મુસ્લિમ હતા: TMC ધારાસભ્ય મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રા દ્વારા ભગવાન રામને લઈને આપેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયા પર તેમના ભાષણની એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં TMC ધારાસભ્ય દાવો કરતા જોવા મળે છે કે ભગવાન રામ મુસ્લિમ હતા. તેમના આ નિવેદનને લઈને ભાજપ ભડક્યો છે.

ભાજપે TMC પર આક્રમક વલણ અપનાવ્યું

બંગાળ ભાજપે તેના X હેન્ડલ પર ગુરુવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના કમરહાટીથી ધારાસભ્ય મદન મિત્રાના ભાષણનો એક વિડિયો શેર કર્યો છે અને તેને હિંદુ ભાવનાઓનું અપમાન ગણાવ્યું છે. શેર કરાયેલા વિડિયોમાં મદન મિત્રાને એક જાહેર સભામાં ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સાંભળવામાં આવે છે. જોકે આ વિડિયોની સત્યતા ચકાસવામાં આવી નથી.

રાજ્ય ભાજપે X પર વિડિયો શેર કરતાં લખ્યું હતું કે આ અમારી સંસ્કૃતિ અને ઇતિહાસનું સતત અપમાન છે. આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે TMC સૌથી ‘હિંદુ વિરોધી’ પાર્ટી છે અને તેથી જ તેમના વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે TMCને મદન મિત્રા સામે કાર્યવાહી કરવાની ચેલેન્જ પણ આપી છે.

TMCએ ધારાસભ્યના નિવેદનથી અંતર રાખ્યું

બીજી તરફ, સત્તારૂઢ TMCએ પોતાના ધારાસભ્યની આ કથિત ટિપ્પણીથી પોતાને અલગ કરી લીધી છે. TMC પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે અમે બધા ‘રામાયણ’ અને અયોધ્યા વિશે જાણીએ છીએ અને મદન મિત્રા જે કહી રહ્યા છે, તેના પર અમે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.

ધારાસભ્યના નજીકના લોકોનો વિડિયો ખોટો હોવાનો દાવો

આ મામલે મદન મિત્રાએ હજી સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. જોકે, તેમના નજીકનાં સૂત્રોએ દાવો કર્યો છે કે વિડિયો ખોટો, બનાવટી અને AI દ્વારા જનરેટ કરાયેલો છે. ઉલ્લેખનીય છે કે મદન મિત્રા અગાઉ પણ પોતાનાં નિવેદનોને કારણે વિવાદમાં ફસાયા છે.

AQI અને ફેફસાના રોગો વચ્ચે કોઈ સંબંધ નથી, સંસદમાં ચોંકાવનારું નિવેદન

સરકારના મતે ઉચ્ચ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) અને ફેફસાના રોગ વચ્ચે કોઈ જોડાણ સ્થાપિત કરતો કોઈ ડેટા નથી. સરકારે સંસદમાં વાયુ પ્રદૂષણ અંગેના પ્રશ્નના જવાબમાં આ આશ્ચર્યજનક જવાબ આપ્યો.

સરકારે ઉચ્ચ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સ્તર અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે AQI સ્તર અને ફેફસાના રોગો વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરતો કોઈ નિર્ણાયક ડેટા નથી. જોકે, ગુરુવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે સ્વીકાર્યું કે વાયુ પ્રદૂષણ શ્વસન રોગો અને સંબંધિત બીમારીઓનું એક મુખ્ય કારણ છે.

ભાજપના સાંસદે મંત્રીને આ પ્રશ્નો પૂછ્યા

તેઓ ભાજપના સાંસદ લક્ષ્મીકાંત બાજપેયીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેમણે પૂછ્યું હતું કે શું સરકારને ખબર છે કે અભ્યાસ અને તબીબી પરીક્ષણોએ પુષ્ટિ આપી છે કે દિલ્હી-એનસીઆરમાં ખતરનાક AQI સ્તરના લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી ફેફસાના ફાઇબ્રોસિસ થઈ રહ્યા છે, જે ફેફસાની ક્ષમતામાં અપરિવર્તનીય ઘટાડો છે.

બાજપેયી એ પણ જાણવા માંગતા હતા કે શું દિલ્હી-એનસીઆરના નાગરિકોની ફેફસાની ક્ષમતામાં એવા શહેરોમાં રહેતા લોકોની તુલનામાં આશરે 50 ટકાનો ઘટાડો થયો છે જ્યાં AQI સ્તર વધુ સારું છે.

શું દિલ્હી/એનસીઆરના લોકોને જીવલેણ રોગોથી બચાવવા માટે કોઈ ઉકેલ છે?

ભાજપના સાંસદે વધુમાં પૂછ્યું કે શું સરકાર પાસે લાખો દિલ્હી/એનસીઆર રહેવાસીઓને પલ્મોનરી ફાઇબ્રોસિસ, સીઓપીડી, એમ્ફિસીમા, ફેફસાના કાર્યમાં ઘટાડો અને ફેફસાની સ્થિતિસ્થાપકતામાં પ્રગતિશીલ ઘટાડો જેવા જીવલેણ રોગોથી બચાવવા માટે કોઈ “ઉકેલ” છે?

તેમના જવાબમાં, મંત્રીએ જણાવ્યું કે પ્રોગ્રામ મેનેજરો, તબીબી અધિકારીઓ અને નર્સો, નોડલ અધિકારીઓ, સર્વેલન્સ સાઇટ્સ, આશા કાર્યકરો જેવા ફ્રન્ટલાઈન કાર્યકરો, મહિલાઓ અને બાળકો સહિતના સંવેદનશીલ જૂથો અને ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જેવા વ્યવસાયિક રીતે ખુલ્લા જૂથો માટે વાયુ પ્રદૂષણના ક્ષેત્રમાં સમર્પિત તાલીમ મોડ્યુલ વિકસાવવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે વાયુ પ્રદૂષણ સંબંધિત રોગોને લક્ષ્ય બનાવતી માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર (IEC) સામગ્રી અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં વિકસાવવામાં આવી છે. સિંહે ઉમેર્યું કે રાષ્ટ્રીય આબોહવા પરિવર્તન અને માનવ આરોગ્ય કાર્યક્રમ (NPCCHH) એ ઘણા સંવેદનશીલ જૂથો માટે કસ્ટમાઇઝ્ડ માહિતી અને સંદેશાવ્યવહાર (ICE) સામગ્રી પણ વિકસાવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યો અને શહેરોમાં વાયુ પ્રદૂષણ માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ અને ચેતવણીઓ, તેમજ હવાની ગુણવત્તાની આગાહીઓ પ્રસારિત કરવામાં આવે છે જેથી આરોગ્ય ક્ષેત્ર અને સંવેદનશીલ વસ્તી સહિત સમુદાયોને તૈયાર કરવામાં મદદ મળે.

મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના રૂપમાં સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડીને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારનું સ્વચ્છ ભારત મિશન શહેરો, નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ, શેરીઓ અને માળખાગત સુવિધાઓને સાફ કરવાનો પ્રયાસ કરે છે, અને ઉમેર્યું હતું કે “સ્વચ્છ હવા” આ મિશનનો એક અભિન્ન ભાગ છે.

બિલ ગેટ્સ સહિત અનેક હસ્તીઓની રંગીન લાઈફના ખુલાસા

અમેરિકા: એપસ્ટિન ફાઇલ્સની વધુ 68 તસવીરોએ ફરી એકવાર સનસની મચાવી દીધી છે. જેમાં અનેક સેલિબ્રિટીની રંગીન જીવનશૈલી વિશે ખુલાસા કરવામાં આવ્યા છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફ્રી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે હવે તબક્કાવાર જાહેર કરાઈ રહ્યા છે.

2019માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફ્રીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. ત્યારે હવે હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ્સે ગુરુવારે જેફ્રી એપસ્ટિનની ફાઈલમાંથી મેળવેલી 68 તસવીરો જાહેર કરી છે. આ નવી તસવીરો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એપસ્ટિનની ફાઈલોનો મોટો જથ્થો જાહેર કરવાની સમયસીમાના એક દિવસ પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, સંપૂર્ણ ફાઈલ હજુ આજે (19 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે. ડેમોક્રેટ્સે જણાવ્યું કે આ તસવીરો ગયા અઠવાડિયે સમિતિને મળેલા 95,000 તસવીરોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. આ રિલીઝ તસવીરોમાં વ્યક્તિના શરીર પર લખેલી “લોલિતા” નવલકથાની પંક્તિઓ, વિવિધ મુસાફરીના દસ્તાવેજો, રશિયાની 18 વર્ષની યુવતી વિશેના ટેક્સ્ટ મેસેજના સ્ક્રીનશોટ અને ઘણું બધું સામેલ છે. આ ફોટા ઓનલાઈન એક્સેસ કરી શકાય છે.

ડેમોક્રેટ્સે ગયા અઠવાડિયે પણ ડઝનબંધ ફોટા જાહેર કર્યા હતા, જેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, વુડી એલન, બિલ ગેટ્સ અને અન્ય હાઈ-પ્રોફાઈલ હસ્તીઓ જોવા મળી હતી. જોકે, આ ફોટામાં દેખાતા કોઈપણ વ્યક્તિનો એપસ્ટિનના ગુનાઓમાં સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું નથી.

રિપબ્લિકન અને વ્હાઇટ હાઉસે ડેમોક્રેટ્સ પર રાષ્ટ્રપ્રમુખને શરમાવવા અને “ખોટી નેરેટિવ” ઉભી કરવા માટે પસંદગીના (cherry-picking) ફોટા જાહેર કરવાનો આરોપ લગાવ્યો છે.મહિલાના શરીર પર મેસેજ લખેલા જોવા મળ્યા

જાહેર કરાયેલી કેટલીક તસવીરમાં જાણીતિ નવલકથા “લોલિતા”ના અંશો કોઈ મહિલાના શરીરના વિવિધ ભાગો પર લખેલા જોવા મળે છે.

બિલ ગેટ્સના નવી તસવીરો સામે આવી

એક તસવીરમાં બિલ ગેટ્સ અજાણી મહિલા સાથે જોવા મળી રહ્યા છે, જેમાં મહિલાનો ચહેરો છુપાવવામાં આવ્યો છે. આ અગાઉ જાહેર થયેલી એક તસવીરમાં પણ મહિલા સાથે બિલ ગેટ્સ જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરો કયા ઉદ્દેશ્યથી ખેંચવામાં આવી હતી તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.નોમ ચોમ્સ્કી સાથે એપસ્ટિન જોવા મળ્યા

એક તસવીરમાં એપસ્ટિન પ્રખ્યાત ભાષાશાસ્ત્રી નોમ ચોમ્સ્કી સાથે પ્લેનમાં જોવા મળી રહ્યો છે.

જેફ્રી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલને કયા અપરાધ આચર્યા હતા? 

જેફ્રી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલે સગીર બાળાઓની જાતીય તસ્કરી (sex trafficking) અને શોષણ (sexual abuse)નું આપરાધિક નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં જેફ્રી મુખ્ય ગુનેગાર હતો. તે નાણાં પૂરા પાડનાર ક્લાયન્ટ શોધી લાવતો. ‘મેડમ’ તરીકે ઓળખાતી ગિસ્લેઇન જેફ્રીની સહયોગી તરીકે કામ કરીને સગીર છોકરીઓની ભરતી કરતી, તેમને તાલીમ આપતી અને પછી તેમને એપસ્ટિનના શક્તિશાળી મિત્રો પાસે ખાનગી ટાપુ કે અંગત માલિકીના મકાનોમાં મોકલતી, જ્યાં નાણાંના બદલામાં એ છોકરીઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરવામાં આવતો.

અપરાધીઓને કેવી સજા મળી? 

જેફ્રી એપસ્ટિને 10 ઑગસ્ટ, 2019ના રોજ ન્યૂ યોર્કની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેનું મૃત્યુ વિવાદાસ્પદ રહ્યું છે. અનેકોએ જેફ્રીને મારી નંખાયો હોવાની શંકા વ્યક્ત કરી છે. ડિસેમ્બર, 2021માં કોર્ટે ગિસ્લેઇનને ‘બાળ-તસ્કરી’ અને બીજા ‘પાંચ ફોજદારી ગુના’ માટે દોષિત ઠેરવીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી, જે તેણી હાલ ભોગવી રહી છે.

આટલા સમય બાદ ફાઈલો કેમ જાહેર થઈ રહી છે?

કારણ છે એક ખાસ કાયદો. કોંગ્રેસ (અમેરિકાની સંસદ) એ એક નવો નિયમ પસાર કર્યો છે, જેને ‘એપસ્ટિન ફાઈલ્સ ટ્રાંસપેરેન્સી એક્ટ’ કહેવાય છે. આ નિયમ ફક્ત ત્રણ પાનાનો છે, પણ ખૂબ સ્પષ્ટ છે. નિયમ મુજબ, ન્યાય વિભાગે(DOJ- ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) હવે એપસ્ટિન અને તેની સહયોગી ગિસ્લેઇન મેક્સવેલ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર કરવા ફરજ પડી ગઈ છે. એટલે કે, જે કંઈ પણ ખુલ્લી (અવર્ગીકૃત) માહિતી તેમની પાસે છે, તે બહાર પાડવી પડશે. જેમ કે,

– કોણે, ક્યારે, ક્યાં મુસાફરી કરી તેના રેકોર્ડ.

– બેંક અને નાણાંના લેવડ-દેવડના કાગળિયાં.

– કંપનીઓના દસ્તાવેજો.

– જેલમાં એપસ્ટિનના મૃત્યુની તપાસના કાગળિયાં.

સીધા શબ્દોમાં કહીએ તો, કોંગ્રેસે કાયદો બનાવીને સરકારને આ માહિતી છુપાવવાની મનાઈ ફરમાવી દીધી છે, તેથી જ હવે તે જાહેર થઈ રહી છે.

જાહેર થનારી સામગ્રીમાં શું શામેલ હોઈ શકે?

– FBIની બે તપાસની વિગતો: 2006માં ફ્લોરિડામાં શરૂ થયેલી પ્રથમ તપાસ અને 2019માં ન્યૂ યોર્કમાં શરૂ થયેલી બીજી (મુખ્ય) તપાસની વિગતો.

– વિવિધ પુરાવા: 300થી વધુ ગીગાબાઇટનો ડેટા, જેમાં FBIના સાક્ષી ઇન્ટરવ્યૂ, સર્ચ વોરંટ્સ, બેંક રેકોર્ડ, ઇમેઇલ્સ, ફોરેન્સિક રિપોર્ટ્સ, પામ બીચ પોલીસ દસ્તાવેજો અને ઇમિગ્રેશન રેકોર્ડ શામેલ હોઈ શકે છે.

– ગ્રાન્ડ જ્યુરી સામગ્રી: ન્યાયાધીશોએ આ સામગ્રી જાહેર કરવાનો માર્ગ મોકળો કર્યો છે, પરંતુ મેક્સવેલના કેસમાંથી મોટાભાગની સામગ્રી પહેલેથી જ જાહેર થઈ ચુકી હોવાનું મનાય છે.

શું છુપાવવામાં આવશે? શેમાં સુધારા કરાશે?

કાયદો સ્પષ્ટ કરે છે કે, શરમ, પ્રતિષ્ઠાને નુકસાન અથવા રાજકીય સંવેદનશીલતાના આધાર પર કોઈ સામગ્રી રોકી શકાતી નથી. માત્ર નીચે દર્શાવેલા મુદ્દાઓમાં જ સુધારા કરવાની છૂટ છે:

1.  પીડિતોની ઓળખ છુપાવવી.

2. બાળ દુર્વ્યવહારની ગ્રાફિક સામગ્રી.

3. શારીરિક દુર્વ્યવહારની ગ્રાફિક સામગ્રી.

4. સક્રિય તપાસને જોખમમાં મૂકતી માહિતી.

5. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત દસ્તાવેજો.

નોંધ: એપસ્ટિનની મિલકતમાંથી મળેલા હજારો નગ્ન ફોટોગ્રાફ્સ જાહેર થશે નહીં.

ગોપનીયતાની અને રાજકીય પક્ષપાતની ચિંતા

– પીડિતોની ગોપનીયતા: ઘણા પીડિતો તેમની ઓળખ જાહેર થવાથી ભયભીત છે, તેઓ કાળજીપૂર્વકના સંપાદનની માંગ કરી રહ્યા છે. એટલે કે તેઓ ઈચ્છે છે કે, જે કંઈ દસ્તાવેજ જાહેર કરવામાં આવે એમાં એ રીતે સુધારા કરાય કે કોઈની ઓળખ છતી ન થાય.

– રાજકીય પક્ષપાતની આશંકા: કેટલાકને શંકા છે કે ટ્રમ્પ પ્રશાસન સંબંધિત સામગ્રી ઇરાદાપૂર્વક છુપાવવામાં આવશે, જ્યારે ડેમોક્રેટ્સ સંબંધિત માહિતી આસાનીથી જાહેર કરી દેવાશે.

– નવી માહિતીની અપેક્ષા: નિષ્ણાતોને અપેક્ષા છે કે આ દસ્તાવેજોમાંથી કંઈક નવી માહિતી મળશે. અત્યારે સુધી દાખલ ન થયેલા આરોપોના ડ્રાફ્ટ, FBIને મળેલા સૂચનો અને તપાસકર્તાઓ વચ્ચેના આંતરિક સંદેશાવ્યવહાર જાહેર થવાની અપેક્ષા રખાઈ રહી છે.

પર્દાફાશ કે પુનરાવર્તન?

ઘણા દસ્તાવેજો પહેલાથી જ વિવિધ મુકદમાઓ દ્વારા જાહેર થઈ ચુક્યા છે. તેમ છતાં આ વખતે ખૂબ મોટી માત્રામાં દસ્તાવેજો જાહેર થવાની ધારણા હોવાથી કેટલીક નવી માહિતી મળી શકે એમ છે, ખાસ કરીને તપાસના આંતરિક સંદેશાવ્યવહારોમાં. છેવટનું લક્ષ તો ન્યાયની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનું જ છે, પરંતુ પીડિતોની ગોપનીયતા જળવાઈ રહે અને ન્યાયિક પ્રક્રિયાનું રક્ષણ થાય, એ પણ ધ્યાનમાં રાખવું પડશે.