Home Blog Page 37

શું ડીકે શિવકુમારને મળશે કર્ણાટકની કમાન કે સિદ્ધારમૈયા રહેશે કેપ્ટન?

નવી દિલ્હી: સિદ્ધારમૈયા અને ડી. કે. શિવકુમાર  વચ્ચે ચાલી રહેલા નેતૃત્વ વિવાદને લઈને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે. કેરળમાં સરકાર બન્યા બાદ મુખ્ય મંત્રીની પસંદગીનો મુદ્દો શાંત થયો હતો, પરંતુ હવે કર્ણાટકમાં નેતૃત્વને લઈને ફરી આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે.

 દિલ્હીમાં થશે કર્ણાટક વિવાદનો ઉકેલ

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા પર આજે દિલ્હીના ઇંદિરા ભવનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સવારે 11 વાગ્યે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર સાથે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને નેતાઓ સાથે પહેલા અલગ-અલગ અને પછી સંયુક્ત બેઠક થશે.

 CM અને ડેપ્યુટી CMનાં નિવેદનો

77 વર્ષીય મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે મને દિલ્હી બોલાવવામાં આવ્યો છે, પરંતુ ચર્ચાનો વિષય શો છે તેની મને જાણ નથી. તેમણે કહ્યું હતું કે તેમની બેઠક મંગળવારે સવારે 11 વાગ્યે નક્કી કરવામાં આવી છે. એ સાથે જ તેમણે ઉમેર્યું કે રાજકીય અટકળો તો ચાલતી જ રહેતી હોય છે.

બીજી તરફ, કોંગ્રેસના નેતા અને ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારને શરૂઆતમાં આ બેઠક માટે સત્તાવાર આમંત્રણ મળ્યું ન હતું. તેમણે અગાઉ કહ્યું હતું કે હાઈકમાન્ડ બોલાવશે તો હું દિલ્હી જઈશ. મુખ્ય મંત્રી બદલાવ અંગે ટિપ્પણી કરવી મારું કામ નથી. જોકે બાદમાં તેઓ પણ મોડી સાંજે દિલ્હી પહોંચી ગયા હતા, જેના કારણે રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.

 સિદ્ધારમૈયાએ રચ્યો ઇતિહાસ

આ જ વર્ષના જાન્યુઆરીમાં સિદ્ધારમૈયાએ કર્ણાટકના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્ય મંત્રી બનીને ઇતિહાસ રચ્યો હતો.

 વિવાદ ક્યારે શરૂ થયો?

આ નેતૃત્વ વિવાદ ગયા વર્ષના નવેમ્બરમાં શરૂ થયો હતો, જ્યારે કોંગ્રેસ સરકારને રાજ્યમાં અઢી વર્ષ પૂર્ણ થયા હતા. ડી.કે. શિવકુમારના સમર્થકોએ 2023માં સરકાર રચાઈ ત્યારે થયેલા પાવર-શેરિંગ ફોર્મ્યુલાની યાદ અપાવી હતી, જેમાં નેતૃત્વ બદલાવ અંગે કથિત સમજૂતી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

બિલાડીના પેટમાં ખીર ના ટકે

 

બિલાડીના પેટમાં ખીર ના ટકે

 

એવી એક માન્યતા છે કે બિલાડી ખીર પચાવી શકતી નથી. એટલે એક યા બીજી રીતે એ એના પેટમાંથી બહાર ફેંકાઇ જાય છે.

જે વ્યક્તિને કોઈ ખાનગી વાત કહેવામાં આવે અને તે વ્યક્તિ એ વાતની ગોપનીયતા જાળવી ન શકે.

એટલે કે વાત છુપાવી રાખવામાં અસમર્થ રહે અને આખરે વાત બહાર આવી જાય, તેવા સંજોગોમાં ‘બિલાડીના પેટમાં ખીર ના ટકે’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘મેરી જંગ’નું ટાઇટલ ગીત એક સામૂહિક સર્જન હતું!

ફિલ્મ મેરી જંગ (1985) નિર્માતા એન. એન. સિપ્પીના પ્રોડક્શન હાઉસને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે બનાવવામાં આવી હતી. તેમની અગાઉની ફિલ્મો ફ્લોપ જતાં તેઓ આર્થિક સંકટમાં હતા. સુભાષ ઘઈએ તેમની મદદ કરવા માટે જાવેદ અખ્તર પાસેથી એક વાર્તા લીધી હતી, જે મૂળભૂત રીતે કોર્ટરૂમ ડ્રામા હતી. રમેશ સિપ્પી આ ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે બનાવવાના હતા.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે અનિલ કપૂરનું નામ જાવેદ અખ્તરે જ સૂચવ્યું હતું. સિપ્પી શરૂઆતમાં કોઈ મોટા અને હિટ અભિનેતાને લેવા માંગતા હતા, પરંતુ સુભાષ ઘઈએ અનિલ કપૂરના અભિનય પર વિશ્વાસ રાખીને તેમને જ લેવાનો આગ્રહ કર્યો હતો.

નિર્દેશક સુભાષ ઘઈની મેરી જંગના દરેક ગીતો લોકપ્રિય રહ્યા હતા, પરંતુ ફિલ્મના લેખક જાવેદ અખ્તર શરૂઆતમાં ફિલ્મમાં ગીતો રાખવાના વિરોધમાં હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ અને સંગીતને લઈને બંને વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ હતી. જાવેદને લાગતું હતું કે આ એક ગંભીર કોર્ટરૂમ ડ્રામા છે, જેમાં ગીતો ન હોવા જોઈએ. તેમણે બી.આર. ચોપરાની કાનૂન ફિલ્મનું ઉદાહરણ આપ્યું હતું.

પરંતુ સુભાષ ઘઈએ તેનો વિરોધ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે તેમની દરેક ફિલ્મમાં ગીતો વાર્તાની ગતિશીલતા સાથે જોડાયેલા હોય છે. ઉપરાંત, જાવેદ જાફરીનું પાત્ર ડાન્સ કરતું હોવાથી ગીતોની જરૂરિયાત પણ હતી.

‘જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ’ ગીતના શબ્દો જાવેદ અખ્તર અને સુભાષ ઘઈ વચ્ચેની ચર્ચા દરમિયાન જ જન્મ્યા હતા. ઘઈએ લાઇન કહી, “જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ,” અને તરત જ જાવેદ અખ્તરે જવાબ આપ્યો, “જીત જાયેંગે હમ તૂ અગર સંગ હૈ.”

બાદમાં આનંદ બક્ષીએ આ ગીતને પૂર્ણ સ્વરૂપ આપ્યું હતું. આમ, આ ગીતના સર્જનમાં ત્રણ વ્યક્તિઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સુભાષ ઘઈએ નક્કી કર્યું હતું કે આ ગીત વાર્તાના પ્રવાહમાં ક્યાં અને શા માટે હોવું જોઈએ. જાવેદ અખ્તરે ગીતના મુખ્ય ભાવને પકડીને તરત જ તેની પ્રતિભાવરૂપ પંક્તિ રચી હતી. જાવેદ પોતે મોટા ગીતકાર હોવા છતાં આ ગીતના મામલે તેમણે ઘઈ સાથે મળીને ગીતનું માળખું તૈયાર કર્યું હતું.

જ્યારે મુખડું તૈયાર થઈ ગયું, ત્યારબાદ સમગ્ર ગીતને આકાર આપવાનું અને પૂર્ણ કરવાનું કામ આનંદ બક્ષીએ કર્યું હતું. ગીતને લક્ષ્મીકાંત-પ્યારેલાલે ખૂબ જ સુંદર રીતે સંગીતબદ્ધ કર્યું હતું.

આ ગીત સાથે એક ખાસ પિયાનો ટ્યુન પણ જોડવામાં આવી હતી, જે તે સમયની અન્ય લોકપ્રિય ધૂનો જેવી કે કર્ઝની ગિટાર ટ્યુન અને હીરોની ફ્લૂટ ટ્યુનની જેમ ખૂબ પ્રખ્યાત બની હતી.

એક રીતે કહીએ તો આ ગીત એક સામૂહિક સર્જન હતું, જેમાં એક નિર્દેશક સુભાષ ઘઈનું વિઝન, એક લેખક જાવેદ અખ્તરની ત્વરિત કલ્પના અને એક અનુભવી ગીતકાર આનંદ બક્ષીની કુશળતા — એમ ત્રણેયનો સુંદર સમન્વય જોવા મળે છે.

શરૂઆતમાં જાવેદ અખ્તર ફિલ્મમાં આ ગીતના વારંવાર ઉપયોગથી નારાજ હતા. તેમને લાગતું હતું કે દરેક પરિસ્થિતિમાં આ ગીતનો ઉપયોગ કરવાથી વાર્તા નબળી પડી રહી છે. પરંતુ ઘઈએ સમજાવ્યું હતું કે આ તેમનું દિગ્દર્શક તરીકેનું વિઝન છે અને તે વાર્તાની ગતિને આગળ ધપાવે છે.

અંતે જાવેદ અખ્તરે પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હતો. જ્યારે ફિલ્મ પૂર્ણ થઈ અને તેમણે જોઈ, ત્યારે તેમણે સુભાષ ઘઈને ગળે લગાવીને કહ્યું હતું કે, “સંગીત સાથે મારી વાર્તામાં આવો જાદુ માત્ર તમે જ કરી શકો છો.”

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

પંચાંગ 26/05/2026

૨૬ મે ૨૦૨૬

ઈરાનમાં 85 દિવસના લાંબા બ્લેકઆઉટનો અંત

મિડલ ઈસ્ટના અગ્રણી દેશ ઈરાનમાંથી ત્યાંના સામાન્ય નાગરિકો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયેલા ઈરાનમાં આખરે ડિજિટલ બ્લેકઆઉટનો અંત આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેતા દેશભરમાં આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ સેવાઓ ફરીથી બહાલ કરવાનો આદેશ આપ્યો છે. આ સરકારી નિર્ણય બાદ ઈરાનના કરોડો નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે, કારણ કે તેઓ લાંબા સમયથી બાકીની દુનિયાથી વૈશ્વિક સ્તરે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. ઈરાનના સંચાર મંત્રાલય  અને સત્તાવાર સરકારી મીડિયા પ્લેટફોર્મ્સે આ અહેવાલને પુષ્ટિ આપતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ પેઝેશકિયાને ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવવા માટેની ઓફિશિયલ મંજૂરી આપી દીધી છે. સાયબર સ્પેસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ઉચ્ચ સ્તરીય અધિકારીઓની એક ખાસ બેઠક યોજાયા બાદ જ આ મહત્વપૂર્ણ નિર્ણય પર આખરી મહોર મારવામાં આવી હતી.

જાન્યુઆરી 2026 માં લાગ્યો હતો કડક સેન્સરશિપનો કોરડો

નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી 2026 માં ઈરાનભરમાં સરકાર વિરોધી ઉગ્ર પ્રદર્શનો શરૂ થયા હતા. આ આંદોલનોને ડામવા અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાના બહાના હેઠળ ઈરાન સરકારે ઈન્ટરનેટ સેવાઓ પર કડક કાપ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ એટલો કઠોર હતો કે સામાન્ય જનતા માટે ગ્લોબલ ઈન્ટરનેટની એક્સેસ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી. દેશના મોટાભાગના વિસ્તારોમાં માત્ર સરકારી ઇન્ટ્રાનેટ અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મર્યાદિત વેબસાઇટ્સ જ ઓપરેટ થઈ રહી હતી.

રિ-નીટ પરિક્ષાના પેપરોના વેચાણનું કૌભાંડ? ટેલિગ્રામ પર લાખોની ઠગાઈ?

મેડિકલ વિદ્યાર્થી માટેની નીટ યુજી 2026 (NEET UG 2026)ની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત થઇ છે. પરંતુ આ મામલે વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે.અમદાવાદના એક વિદ્યાર્થીએ ટેલિગ્રામ પર પેપર લીક અને હજારો રૂપિયામાં તેનું વેચાણ થતું હોવાના કૌભાંડ અંગે ખુલાસો કર્યો છે. આખરે શું છે આ સમગ્ર મામલો? વિગતથી જાણીએ…

નીટ 2026 પેપર લીક (NEET Exam Paper Leak)પછી પુન: પરીક્ષા લેવાનો નિર્ણય તો લેવાયો છે પણ એ પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ ટેલિગ્રામ પર પેપર લીકના નામે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં શુભમ ઠાકર નામના વિદ્યાર્થીએ આવી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ટેલિગ્રામ પર હજારોમાં અને લાખોમાં નીટની રી-ટેસ્ટના ગેસ પેપરની હેરાફેરીના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ટેલિગ્રામ પર રિ-નીટ પરીક્ષા 2026 (Re-NEET Exam 2026)ના નામે અનેક ચેનલો ખુલ્લેઆમ ચાલી રહી છે. આ ચેનલો વિદ્યાર્થીઓને દાવો કરે છે કે રિ-નીટનું પેપર લીક થઈ ગયું છે અને લાખો રૂપિયા લઈને પેપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કેટલાક ચેનલો ખુદ દાવો કરે છે કે તેઓએ હજારો વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત કરી છે.

ચિત્રલેખા ડોટ કોમે આ મામલે વિદ્યાર્થી શુભમ ઠાકરનો સંપર્ક કર્યો હતો. શુભમે આ સમગ્ર મામલે પ્રકાશ પાડતાં જણાવ્યું કે ‘મારા જુનિયર વિદ્યાર્થીએ મને કહ્યું હતું કે ટેલિગ્રામ પર કેટલાક ગ્રુપ્સ છે જે રિ-નીટ 2026( Re-NEET 2026)ના પેપર લીક કરવાનો દાવો કરે છે. આ વાતની ચકાસણી કરવા માટે હું એ ગ્રુપમાં જોડાયો. ટેલિગ્રામ પર સક્રિય થયો તો મને ખબર પડી કે આ માત્ર એક ગ્રુપ નથી પણ અનેક ગ્રુપ્સનો વેબ છે, જે બધા ઈન્ટરલિંક્ડ છે. જેમાં સીધું પેપર નહીં પરંતુ પ્રશ્નોની વિગતો શેર થાય છે. અગત્યની વાત એ કે કોઈ રાઘવ સર નામે વ્યક્તિ છે જે કહે છે જે લોકોએ પેપર ખરીદવું હોય એ તેમનો સંપર્ક કરે.’

આ મામલે વઘુ વિગતો જણાવતાં શુભમે ઉમેર્યુ કે ‘પેપર મામલે મેં રાઘવ સરનો સંપર્ક કર્યો. તેમણે મને કહ્યું કે પહેલા 60 હજાર ટોકન રકમ આપવી પડશે. પૈસા આપ્યા બાદ અડધા પ્રશ્નો મળશે અને અડધા પરીક્ષાના આગલા દિવસે મળશે એવું રાઘવ સરે જણાવ્યું. કેટલીક ગાઈલાઈન્સને અનુસરવી આવશ્યક હોવાનું પણ તેમણે કહ્યું. સાથે સાથે એ પણ જણાવ્યું કે આ વાતની કોઈને ખબર પડવી જોઈએ નહીં, તેમના સંપર્કમાં કોઈ ધારાસભ્ય હોવાથી તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં. આ આખા નેટવર્ક અંગે શંકા જતા મેં અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. મેં ત્યાં સમગ્ર પુરાવા સાથે રજૂઆત કરી છે. તેઓ આ અંગે તપાસ કરી રહ્યાં છે.

ટેલિગ્રામ પર નીચે આપેલા નામે ચેનલો ચાલી રહી છે. આ તમામ ચેનલો વિશે સાઈબર ક્રાઈમ (Cyber Crime)એ વિગતવાર તપાસ હાથ ધરી છે.
@RENEETLEAKER
@RENEET_LEAKER
@RENEET_LEAKERS
@RENEET_PAPERLEAK
@NEET_HANDLER
@WASSPHERE
@RAREOB

એક ચેનલ દ્વારા તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે ક આશરે રૂપિયા 5,74,40,243/- જેટલી રકમ 7901 લોકો પાસેથી રિ-નીટ પેપર (Re- NEET Paper Scam)ના નામે વસૂલવામાં આવી છે.

ટેલિગ્રામ પર ખરેખર પેપર લીકની હેરાફેરી થઈ રહી છે? પેપર લીકના નામે સાઈબર ગઠિયાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઠગવામાં આવી રહ્યા છે? કે પછી આ માત્ર સ્કેમ નહીં પણ ખુલ્લેઆમ પરીક્ષાના પેપર વેચવામાં આવી રહ્યાં છે? આ તમામ સવાલોના જવાબ તો તપાસ બાદ જ સામે આવશે.

(અહેવાલ- નિરાલી કાલાણી)

અભિષેક બેનરજીને ઘરમાં ગેરકાયદે બાંધકામ બદલ ફટકારાઈ નોટિસ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીના ઘરે કોલકાતા પોલીસ પહોંચી હતી. તેમના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોમવારે પોલીસ અભિષેક બેનર્જીના 188A હરીશ મુખર્જી રોડ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) દ્વારા જારી કરાયેલા નોટિસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અભિષેક બેનર્જીને ઘરમાં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ બેનર્જીના ઘરે CCTV કેમેરાની દેખરેખ માટે ત્રણ ટીવી સેટ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો પણ ત્યાં હતા. કોલકાતા પોલીસની એક ટીમ આજે આ તમામ સાધનોને દૂર કરવા માટે તેમના ઘરે પહોંચી હતી.

17 મિલકતોને લઈને નોટિસ જારી

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અભિષેક બેનર્જીની માલિકી અથવા સહ-માલિકી ધરાવતી અનેક મિલકતો અંગે તપાસ શરૂ કરી હતી. આ અંતર્ગત તેમની 17 મિલકતોને લઈને નોટિસ જારી કરવામાં આવી હતી. ત્યાર બાદ અભિષેક બેનર્જીએ ગેરકાયદે બાંધકામ સંબંધિત નોટિસનો જવાબ આપવા માટે વધુ સમય માગતો પત્ર લખ્યો હતો.

આ નોટિસોની નકલ સંબંધિત મિલકતોની દીવાલો પર પણ ચોંટાડવામાં આવી છે. ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીનાં બે નિવાસસ્થાન — 188A હરીશ મુખર્જી રોડ અને નજીકમાં આવેલું 121 કાલીઘાટ રોડ — બંને KMCની તપાસ હેઠળ છે. હરીશ મુખર્જી રોડ સ્થિત મિલકત મામલે ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની એક કોર્પોરેટ સંસ્થાને પણ નોટિસ આપવામાં આવી છે, જેની માલિકી બેનર્જી પરિવાર પાસે હોવાનું કહેવાય છે.

ધર્મેન્દ્રને મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’થી નવાજવામાં આવ્યા

ભારતીય સિનેમા જગતના ઇતિહાસમાં જેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી, તેવા સદાબહાર અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના એક એવા ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે એટલે કે 25 May ના રોજ યોજાયેલા આ ગૌરવપૂર્ણ સમારોહમાં ધર્મેન્દ્રને આ સન્માન મરણોપરાંત એનાયત કરવામાં આવ્યું છે. ‘હીમેન’ તરીકે જાણીતા અભિનેતા વતી આ એવોર્ડ તેમના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યો હતો. આ ક્ષણ દેઓલ પરિવાર અને ધર્મેન્દ્રના દેશભરમાં ફેલાયેલા કરોડો ચાહકો માટે અત્યંત ગર્વની સાથે-સાથે ભારે ભાવુક કરી દેનારી સાબિત થઈ હતી.

એવોર્ડ સમારોહમાં હેમા માલિની તેમની નાની પુત્રી અહાના દેઓલ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ગુલાબી (Pink) રંગની સુંદર સાડીમાં સજ્જ હેમા માલિની જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પોતાના સ્વર્ગસ્થ પતિનો એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે તેમના ચહેરા પર ધર્મેન્દ્રને ગુમાવવાનું દુઃખ અને આટલા મોટા સન્માન મેળવવાનો ગર્વ એમ બંને ભાવો સ્પષ્ટ દેખાતા હતા. હેમા માલિનીએ પોતાની આંખોમાં આવેલા આંસુઓને માંડ-માંડ કાબૂમાં રાખીને આ એવોર્ડ રિસીવ કર્યો હતો. બીજી તરફ, સામે પ્રેક્ષકોની ગેલેરીમાં બેઠેલી દીકરી અહાના દેઓલ પિતાને મળેલા આ સર્વોચ્ચ સન્માનને જોઈને પોતાના ઈમોશન્સ પર કંટ્રોલ રાખી શકી નહોતી. અહાના પિતાના માનમાં તાળીઓ વગાડતા-વગાડતા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી હતી. આ કપરી અને ભાવુક ક્ષણે તેની સાથે હાજર તેના પતિ વૈભવ વોહરા અહાનાને સંભાળતા અને સાંત્વના આપતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થતાં જ ધર્મેન્દ્રના ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.

સની-બોબી અને પ્રકાશ કૌર સમારોહમાં ન દેખાયા

આ અગાઉ હેમા માલિનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી ઈશા દેઓલ પણ આ ઐતિહાસિક પળની સાક્ષી બનવા માટે રાષ્ટ્રપતિ ભવન આવવા માંગતી હતી, પરંતુ કોઈ કારણોસર તે આવી શકી નહોતી. હેમાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આખા પરિવાર માટે આ એક અત્યંત ભાવનાત્મક ક્ષણ છે અને ધર્મેન્દ્રને મળી રહેલા આ સન્માનથી પરિવારનો દરેક સભ્ય ખુબ જ ખુશ છે. સની દેઓલ અને બોબી દેઓલ પણ આ સન્માનથી વાકેફ હતા. જો કે, આ ભવ્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ધર્મેન્દ્રના પ્રથમ પત્ની પ્રકાશ કૌરનો પરિવાર જોવા મળ્યો નહોતો. અભિનેતા સની દેઓલ, બોબી દેઓલ કે પ્રકાશ કૌર રાષ્ટ્રપતિ ભવનના આ કાર્યક્રમમાં ક્યાંય નજરે પડ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા હતા, જેમાં તેમના પ્રથમ પત્ની પ્રકાશ કૌર છે અને બીજા પત્ની હેમા માલિની છે.

6 દાયકા લાંબી શાનદાર ફિલ્મી સફર

ધર્મેન્દ્ર ભલે આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ પોતાની જીવંત એક્ટિંગ, ડેશિંગ લુક અને અત્યંત સરળ વ્યક્તિત્વના કારણે તેઓ હંમેશા સિનેમા પ્રેમીઓના હૃદયમાં અમર રહેશે. ધર્મેન્દ્રએ પોતાના 6 દાયકા (સિક્સ ડેકેડ્સ) લાંબા શાનદાર ફિલ્મી કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં મુખ્ય અને યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

તેમણે વર્ષ 1960 માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘શોલે’, ‘ફૂલ ઓર પત્થર’, ‘અનપઢ’, ‘હકીકત’, ‘બંદિની’, ‘સીતા ઓર ગીતા’ અને ‘મેરા ગાવ મેરા દેશ’ જેવી અગણિત સુપરહિટ અને આઇકોનિક ફિલ્મો આપીને દાયકાઓ સુધી બોક્સ ઓફિસ પર રાજ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ (Ekkis) હતી, જે તેમના અવસાન બાદ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ધર્મેન્દ્ર પોતાના જીવનના અંતિમ સમય સુધી કેમેરા સામે સક્રિય રહ્યા હતા અને તેમની આ જ જીવંતતા ચાહકોને કાયમ પ્રેરણા આપતી રહેશે.