Home Blog Page 377

સેલિના જેટલીએ પતિ સામે રૂ.  100 કરોડનું માગ્યું વળતર

નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ, ઓસ્ટ્રિયાના હોટેલ ઉદ્યોગપતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો છે. બંનેનાં લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યાં છે. સેલિનાનો આરોપ છે કે પતિએ તેને ભાવનાત્મક, શારીરિક અને મૌખિક રીતે હેરાન કરી છે. તેણે જણાવ્યું હતું કે પીટરે તેને આર્થિક રીતે નબળી બનાવવાની કોશિશ કરી, કામ કરવાથી રોક્યા અને નાના પ્રોજેક્ટ માટે પણ પરવાનગી લેવી પડતી હતી. સેલિનાની ફરિયાદ મુજબ પીટર સ્વાર્થી સ્વભાવના છે અને બાળકો પ્રત્યે પણ સંવેદના નથી રાખતા.

100 કરોડ રૂપિયાનું વળતર માગ્યું

સેલિનાએ પતિ પર તેમના બેંક ખાતામાંથી પૈસા કાઢી લેવાનો, કાર્ડનો દુરુપયોગ કરવાનો અને પાસપોર્ટ જેવા મહત્વના દસ્તાવેજો પોતાના કબજામાં રાખવાનો આરોપ મૂક્યો છે. તેણે ત્રણ બાળકોની કસ્ટડી પણ માગી છે, જે હાલ પીટર સાથે ઓસ્ટ્રિયામાં રહે છે. સેલિનાનો દાવો છે કે ભારતમાં કેસ દાખલ થયા પછી તેમને બાળકો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ કેસમાં સેલિનાએ 100 કરોડ રૂપિયાનું વળતર અને દર મહિને 10 લાખ રૂપિયાનું ભરણપોષણ માગ્યું છે.

આવકનું એફિડેવિટ રજૂ કરવાનો આદેશ

આ કેસ 25 નવેમ્બરે નોંધાયો હતો. તાજેતરમાં શુક્રવારે બંને અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે બંનેને 27 જાન્યુઆરી સુધી પોતાની આવકનું એફિડેવિટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. પીટરને ફરિયાદનો જવાબ પણ આપવો પડશે. આગામી સુનાવણીમાં આવક સંબંધિત દસ્તાવેજોની તપાસ થશે અને હવે સેલિનાની અંતરિમ માગ પર નિર્ણય લેવાશે.

બીજી તરફ, ઓસ્ટ્રિયાની કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, જ્યાં પીટરે આ વર્ષે ઓગસ્ટમાં અરજી કરી હતી. ત્યાંની કોર્ટે સેલિનાને બાળકો સાથે દરરોજ એક કલાક ફોન પર વાત કરવાની પરવાનગી આપી છે. સેલિના અને પીટરના જોડકાં પુત્રો વિન્સ્ટન અને વિરાજનો જન્મ 2012માં થયો હતો. 2017માં બીજા જોડકા પુત્રોમાંથી એકનું હૃદયની બીમારીને કારણે નિધન થયું હતું. આ મામલો સેલિના માટે ખૂબ જ કઠિન છે, કારણ કે તે એકલી આ લડાઈ લડી રહી છે.

‘જો તમારામાં હિંમત હોય તો આવો..’ સની દેઓલની ‘બોર્ડર 2’નું ટીઝર રિલીઝ

‘બોર્ડર 2’ ફિલ્મ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં જોવા મળશે. ફિલ્મના અનેક પોસ્ટરો રિલીઝ થયા પછી હવે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં મેજર કુલદીપ સિંહની ગર્જના અને તેમની બટાલિયનનો હૂંકાર જોવા મળે છે.

સની દેઓલ સ્ટારર ફિલ્મ “બોર્ડર 2” નું આજે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. વિજય દિવસના ખાસ પ્રસંગે રિલીઝ થયેલ આ ટીઝર ફિલ્મની અતૂટ દેશભક્તિ અને ઉચ્ચ-ઓક્ટેન એક્શનની પ્રથમ ઝલક આપે છે, જેમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની શાનદાર હાજરી દેખાઈ છે. ફરી એકવાર, પાકિસ્તાન સ્ક્રીન પર મેજર કુલદીપ સિંહની ગર્જનાથી હચમચી જવા માટે તૈયાર છે, અને આનું એક નાનું ઉદાહરણ ટીઝરમાં જોવા મળે છે. ફિલ્મનું ટીઝર ડ્રામા, એક્શન, ગોળીઓની જેમ દુશ્મન પર વરસતા શક્તિશાળી સંવાદો અને મજબૂત દેશભક્તિના ઉત્સાહથી ભરેલું છે.

“તમે જ્યાં પણ પ્રવેશવાનો પ્રયાસ કરો છો, આકાશમાંથી, જમીન પરથી, સમુદ્રમાંથી, તમને એક ભારતીય સૈનિક તમારી સામે ઊભો રહેલો જોવા મળશે, જે આપણી આંખોમાં જોઈને કહેશે, ‘જો તમારામાં હિંમત હોય તો આગળ આવો, ભારત અહીં જ ઉભુ છે.'” ફિલ્મનું ટ્રેલર આ સંવાદથી શરૂ થાય છે અને “અવાજ ક્યાં સુધી…લાહોર સુધી” સાથે સમાપ્ત થાય છે. સની દેઓલ બંને સંવાદો બોલતા જોવા મળે છે. તેમની શક્તિશાળી સંવાદ ડિલિવરી તેમની પ્રભાવશાળી સ્ક્રીન હાજરી સાથે અદ્ભૂત છે. દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી અને વરુણ ધવન પણ ઉત્સાહી અભિનયમાં દેખાય છે. ફિલ્મની નાયિકાઓની ઝલક પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by tseriesfilms (@tseriesfilms)

ફિલ્મની વાર્તા અને રિલીઝ તારીખ

આ ફિલ્મ 1997ની ક્લાસિક “બોર્ડર” ની સિક્વલ છે અને 23 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસના સપ્તાહના અંતે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પોસ્ટર્સ અને ટીઝર પહેલાથી જ સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ ઉભો કરી ચૂક્યા છે, જેનાથી દર્શકોને આગામી વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એકનો સ્વાદ માણવા મળશે. ભારતના બહાદુર સૈનિકોને સલામ કરતા, આ “બોર્ડર 2” ટીઝરમાં ફિલ્મનો સ્કેલ અને ભાવનાની ઝલક પણ જોવા મળે છે.

મીડિયા અહેવાલો અનુસાર, “બોર્ડર 2” નું અંદાજિત બજેટ આશરે 250થી 300 કરોડ છે, જે તેને મોટા બજેટનો પ્રોજેક્ટ બનાવે છે. “કેસરી” નું દિગ્દર્શન કરનાર દિગ્દર્શક અનુરાગ સિંહે ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. ફિલ્મ જે.પી. દત્તા અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. વરુણ ધવન મેજર હોશિયાર સિંહ દહિયાની ભૂમિકા ભજવી રહ્યા હોવાનો દાવો છે. દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સોનમ બાજવા, મેધા રાણા અને મોના સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.

Nutshell in 99

થાઇલેન્ડથી ભારત લવાયા લુથરા ભાઈઓ, પટિયાલા કોર્ટમાં કરાશે હાજર

નવી દિલ્હીઃ ગોવાના ચર્ચિત અગ્નિકાંડના આરોપી લુથરા ભાઈઓને આજે થાઇલેન્ડથી ભારત લાવવામાં આવ્યા છે. આરોપી ગૌરવ લુથરા અને સૌરભ લુથરાને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગોવાની એક નાઇટ ક્લબમાં થયેલા આગના અકસ્માતમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ નાઇટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા અકસ્માત બાદ તરત જ દિલ્હીથી થાઇલેન્ડ ફરાર થયા હતા.

આજે લૂથરા ભાઈઓ દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઊતરતાં જ ગોવા પોલીસની એક ટીમ તેમની રાહ જોઈ રહી હતી. બંનેને દિલ્હી એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

નાઇટક્લબમાં આગ લાગવાની ઘટનાને લઈને તેમના વિરુદ્ધ બિનઇરાદાપૂર્વક હત્યા અને બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઓનલાઈન પ્રસારિત વિડિયોમાં 44 વર્ષીય ગૌરવ અને 40 વર્ષીય સૌરભને ભારત રવાના થતાં પહેલાં બેન્કોક એરપોર્ટ પર થાઇલેન્ડ પોલીસની દેખરેખ હેઠળ લઈ જતા જોવા મળ્યા હતા.

ફુકેટમાં લુથરાભાઈઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતા

ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપ બાદ થાઇલેન્ડના અધિકારીઓએ 11 ડિસેમ્બરે ફુકેટમાં લુથરાભાઈઓને હિરાસતમાં લીધા હતા. ભારતીય મિશન આ મામલે થાઇલેન્ડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ગૌરવ લુથરા અને સૌરભ લુથરા ઉત્તર ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબના સહ-માલિક છે. આગની ઘટના બાદ તરત જ તેઓ થાઇલેન્ડના ફુકેટ ગયા હતા.

એવું જણાવવામાં આવ્યું છે કે ઘટના સમયે તેઓ દિલ્હીમાં એક લગ્ન સમારોહમાં હાજર હતા. તેમના વિરુદ્ધ ઇન્ટરપોલનીં ‘બ્લુ કોર્નર નોટિસ’ જારી કરવામાં આવી હતી. બંને ભાઈઓનાં પાસપોર્ટ રદ કર્યા બાદ ભારતીય સરકારે 25 લોકોના મોતમાં તેમની કથિત સંડોવણીને લઈને થાઇલેન્ડના અધિકારીઓને એક ‘ડોઝિયર’ સોંપ્યું હતું અને તેમને નિર્વાસિત કરવાની ઔપચારિક વિનંતી કરી હતી. ભારત અને થાઇલેન્ડે 2013માં એક પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જે જૂન, 2015માં અમલમાં આવી હતી.

વિપક્ષના વિરોધ વચ્ચે વીબી-જી રામ જી’ બિલ લોકસભામાં પાસ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના અંતિમ અઠવાડિયાનો આજે બીજો દિવસ છે. દિવસની શરૂઆત પ્રશ્નકાળથી થઈ હતી. સરકાર ઈચ્છે છે કે સત્રના છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મહત્વના બિલો પાસ કરાવી લેવામાં આવે. બીજી તરફ આજે લોકસભામાં કેન્દ્રની મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS)ને બદલીને નવી રોજગાર ગેરંટી યોજના લાવવા માટે એક વિધેયક રજૂ કર્યું છે, જે વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે લોકસભામાં પાસ થું હતું. જોકે વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.  સરકારે આ યોજનાનું નામ વિકસિત ભારત– રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી: વીબી-જી આરએએમજી વિધેયક, 2025 રાખ્યું છે.

આ મુદ્દે વિરોધ પક્ષોએ BJP અને RSS પર તીવ્ર હુમલો કર્યો છે અને તેને મનરેગા ખતમ કરવાનું કાવતરું ગણાવ્યું છે. વિરોધ પક્ષોએ કહ્યું હતું કે મજૂરીના દિવસો વધારવામાં આવી રહ્યા છે, પરંતુ મજૂરીનું વેતન વધારવામાં આવ્યું નથી.

 કૃષિ મંત્રીએ સંસદમાં વીબી-જી રામજી બિલ રજૂ કર્યું

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે લોકસભામાં ગ્રામીણ રોજગાર સંબંધિત પ્રસ્તાવિત કાયદા, વીબી-જી રામજી વિધેયક રજૂ કરવાની દરખાસ્ત કરી. આ વિધેયકનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન માટેના હાલના માળખામાં સુધારો લાવવાનો છે.

મનરેગાનું નામ બદલવાને મુદ્દે પ્રિયંકા ગાંધીનો હુમલો

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મંગળવારે લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી: વીબી-જી રામ જી વિધેયક, 2025નો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મનરેગા હેઠળ સૌથી ગરીબ લોકોને 100 દિવસના રોજગારનો અધિકાર આપવામાં આવ્યો હતો અને આ વિધેયક તે અધિકારને નબળો બનાવશે.

તેમણે કહ્યું કે જેમ રીતે આ વિધેયકમાં બે-ત્રણ બાબતો ઉમેરવામાં આવી છે, તે પરથી એવું લાગે છે કે દિવસોની સંખ્યા વધારવામાં આવી છે. પરંતુ શું મજૂરી વધારવામાં આવી છે? આ દરમિયાન, વિરોધ પક્ષના નેતાઓએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું અને મનરેગા અધિનિયમનું નામ બદલવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે આ પગલું આ મહત્વની ગ્રામિણ રોજગાર યોજનાની ભાવના અને અધિકાર આધારિત માળખાને નબળું પાડે છે.

Filmfare Ott Awards: કોને મળ્યો બેસ્ટ અભિનતાનો એવોર્ડ?

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2025 (Filmfare Ott Awards 2025) ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. જાણો કોણે કયો એવોર્ડ જીત્યો?

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2025 મુંબઈમાં 15 ડિસેમ્બરના રોજ યોજાયો હતો. મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં વિજેતાઓને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. અભિનય, દિગ્દર્શન, શ્રેષ્ઠ વાર્તા, શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન અને ટેક્નિકલ શ્રેષ્ઠતા સહિત વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. અનન્યા પાંડે અભિનીત ફિલ્મ CTRL એ ત્રણ એવોર્ડ જીત્યા હતા.

જયદીપ અહલાવતે પાતાલ લોક સીઝન 2 માટે એવોર્ડ જીત્યો

અભિનેતા જયદીપ અહલાવતને “પાતાલ લોક સીઝન 2” માટે બેસ્ટ અભિનેતા, કેટેગરી (પુરુષ) ડ્રામા માટેનો ફિલ્મફેર OTT એવોર્ડ મળ્યો છે. “પાતાલ લોક સીઝન 2” એ બેસ્ટ સીરીઝ ક્રિટીક્સ એવોર્ડ પણ જીત્યો.

કોને મળ્યો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ?

પ્રીતિ પાણિગ્રહીને ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ માટે બેસ્ટ અભિનેત્રી, વેબ ઓરિજિનલ ફિલ્મ (ફિમેલ) માટે ક્રિટિક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેણીએ પોતાનો આનંદ શેર કર્યો અને દર્શકોનો આભાર માન્યો. અભિષેક બેનર્જીને થ્રિલર ‘સ્ટોલન’ માટે શ્રેષ્ઠ અભિનેતા, વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ) માટે ફિલ્મફેર OTT એવોર્ડ મળ્યો.

વિક્રાંત મેસીને “સેક્ટર 36” માટે વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ) માં શ્રેષ્ઠ અભિનેતાનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો. ફિલ્મફેર OTT એવોર્ડ્સમાં શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા (મેલ): ક્રિટિક્સ ડ્રામા “બ્લેક વોરંટ” માટે જહાન કપૂરને મળ્યો. અનુભવ સિંહાએ “IC 814: ધ કંધાર હાઇજેક” માટે શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શક (ક્રિટિક્સ) જીત્યો. નાગેશ કુકુનૂરને “ધ હન્ટ: ધ રાજીવ ગાંધી એસેસિનેશન કેસ” માટે શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શક (સમીક્ષકો) માટે ફિલ્મફેર OTT એવોર્ડ પણ મળ્યો.

ફાતિમા સના શેખને “આયશા” માટે શોર્ટ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રી (ફિમેલ) માટે ફિલ્મફેર OTT એવોર્ડ મળ્યો. દીપક ડોબરિયાલે “સેક્ટર 36” માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર OTT એવોર્ડ જીત્યો.

 

 

 

ECએ પશ્ચિમ બંગાળમાં 58 લાખથી વધુ મતદારોનાં નામ કાપ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા SIR હેઠળ રાજ્યની મતદાર યાદીમાંથી 58 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થાય એવી શક્યતા છે. ચૂંટણી પંચે રવિવાર સાંજથી જ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે રાતભર ચાલી હતી. આ કામગીરી માટે સમગ્ર રાજ્યમાં 90,000થી વધુ બૂથ લેવલ અધિકારીઓ (BLOs) તહેનાત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળની વસ્તી 7.66 કરોડથી વધુ છે.

SIR હેઠળ મોટા પાયે નામ કાઢવાની તૈયારી

બંગાળમાં SIR અભ્યાસ ચોથી ડિસેમ્બરે શરૂ થયો હતો અને ડેડલાઇન વધાર્યા બાદ 11 ડિસેમ્બરે પૂર્ણ થયો. શનિવાર બપોર સુધીની સ્થિતિ રિપોર્ટ મુજબ લગભગ 58,20,897 મતદારો (કુલ મતદારોના અંદાજે 7.6 ટકા)નાં નામ યાદીમાંથી દૂર થવાની શક્યતા છે. ચૂંટણી પંચે ASD શ્રેણી (Absent – ગેરહાજર, Shifted – સ્થળાંતરિત, Dead – મૃત્યુ પામેલા અને Duplicate – ડુપ્લિકેટ) સંબંધિત લગભગ 13.74 લાખ વિસંગતતાઓ પણ ઓળખી છે. આ ઉપરાંત, 31 લાખથી વધુ વ્યક્તિઓને સુનાવણી માટે હાજર રહેવાની જરૂર પડે એવી શક્યતા છે.આજે, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ નાગરિકો તેની તપાસ કરી શકશે અને કોઈ પણ વિસંગતતા અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકશે. ડ્રાફ્ટ રોલ જાહેર તપાસ માટે ખુલ્લો મૂકવામાં આવશે. ‘દાવા અને આપત્તિ’ નોંધાવવાનો સમયગાળો 16 ડિસેમ્બર, 2025થી 17 જાન્યુઆરી, 2026 સુધી રહેશે. નોટિસ, સુનાવણી અને ચકાસણી સહિતનો તબક્કો પણ 16 ડિસેમ્બરથી શરૂ થઈ 7 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. અંતિમ મતદાર યાદી ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત થવાની શક્યતા છે.

વિજય દિવસ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને અમિત શાહે વિજય દિવસ (Vijay Diwas) પર સૈનિકોના બલિદાન અને બહાદુરીને શ્રદ્ધાંજલિ આપી. 1971 માં આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનને કારમી હાર આપી હતી.

આ દિવસે (16 ડિસેમ્બર, 1971), ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું અને અંતે પાકિસ્તાની સૈનિકોના શરણાગતિ સાથે સમાપ્ત થયું. આ યુદ્ધના અંત સાથે બાંગ્લાદેશને પણ સ્વતંત્રતા મળી. ભારતીય સૈનિકોની બહાદુરી સમક્ષ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી. આશરે 93,000 પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને અમિત શાહે આ યુદ્ધના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પર લખ્યું, “વિજય દિવસ નિમિત્તે, હું ભારત માતાના બહાદુર સપૂતોને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત, બહાદુરી અને માતૃભૂમિ પ્રત્યેની અતૂટ ભક્તિએ હંમેશા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તેમની બહાદુરી અને દેશભક્તિ દેશવાસીઓને પ્રેરણા આપતી રહેશે. ભારતીય સેનાની ‘સ્વદેશીકરણ દ્વારા સશક્તિકરણ’ પહેલ ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવાની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઓપરેશન સિંદૂરમાં, સેનાએ આત્મનિર્ભરતા, વ્યૂહાત્મક પરાક્રમ અને આધુનિક યુદ્ધના અસરકારક ઉપયોગનું પ્રદર્શન કર્યું, જે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયક છે. હું બધા સૈનિકો અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ પાઠવું છું. જય હિંદ!”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં કહ્યું, “વિજય દિવસ પર, આપણે એ બહાદુર સૈનિકોને યાદ કરીએ છીએ જેમની હિંમત અને બલિદાનથી 1971 માં ભારતને ઐતિહાસિક વિજય મળ્યો. તેમના દૃઢ નિશ્ચય અને નિઃસ્વાર્થ સેવાએ આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને આપણા ઇતિહાસમાં ગૌરવની ક્ષણ બનાવી. તેમની બહાદુરીને સલામ. આ દિવસ આપણને તેમની અજોડ ભાવનાની યાદ અપાવે છે. તેમની બહાદુરી રાષ્ટ્રની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર બહાદુર સૈનિકો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, “1971 માં આ દિવસે, સુરક્ષા દળોએ તેમની અદમ્ય હિંમત અને સચોટ રણનીતિથી પાકિસ્તાની સેનાને હરાવી અને તેને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી. અન્યાય અને જુલમ સામે ઢાલ બનીને, આ વિજયે સમગ્ર વિશ્વમાં માનવતાના રક્ષણનું એક આદર્શ ઉદાહરણ રજૂ કર્યું અને ભારતીય સશસ્ત્ર દળોની અનન્ય લશ્કરી ક્ષમતા અને બહાદુરીને સાબિત કરી. વિજય દિવસ પર, હું યુદ્ધમાં પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર શહીદોને સલામ કરું છું.”

ડોનાલ્ડ ટ્રમ્પે BBC સામે માનહાનિ કેસ દાખલ કર્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની મિડિયા સંસ્થા BBC સામે પાંચ અબજ ડોલર (અંદાજે 40,000 કરોડ રૂપિયા)નો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પનો આરોપ છે કે BBCએ એક ડોક્યુમેન્ટરીમાં તેમના ભાષણને ખોટી રીતે કાટછાંટ કરીને રજૂ કર્યું, જેને કારણે એવું લાગ્યું કે તેમણે હિંસા માટે ઉશ્કેરણી કરી હતી.

વ્હાઇટ હાઉસમાં બોલતાં ટ્રમ્પે કહ્યું હતું  કે હું BBC સામે કેસ કરી રહ્યો છું, કારણ કે તેમણે મારા મોઢામાં એવા શબ્દો નાખ્યા છે, જે મેં ક્યારેય કહ્યા નથી. આ કેસ મિયામીની એક ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો 6 જાન્યુઆરી, 2021એ અમેરિકી સંસદ (કેપિટલ) પર થયેલા હુમલા પહેલાં ટ્રમ્પ દ્વારા આપેલા ભાષણ સાથે સંકળાયેલો છે. ટ્રમ્પનું કહેવું છે કે BBCના એડિટિંગને કારણે તેમની ભૂમિકાને ખોટી રીતે દર્શાવવામાં આવી હતી.

BBCએ ભૂલ સ્વીકારી, પરંતુ વળતર આપ્યું નહીં

BBCના ચેરમેન સમીર શાહે નવેમ્બરમાં સ્વીકાર્યું હતું કે 2024માં પ્રસારિત થયેલા પેનોરામા કાર્યક્રમમાં બતાવવામાં આવેલા એક એડિટેડ વિડિયો કારણે એવો ખોટો સંદેશ ગયો કે ટ્રમ્પે સીધી રીતે હિંસાની અપીલ કરી હતી. ત્યાર બાદ BBCએ માફી માગી અને કાર્યક્રમને હટાવી પણ લીધો હતો. જોકે, BBCએ ટ્રમ્પને કોઈ પણ પ્રકારનું વળતર આપવાનો ઇનકાર કર્યો. શરૂઆતમાં ટ્રમ્પે 10 લાખ ડોલરની માગ કરી હતી, જેને બાદમાં વધારીને પાંચ અબજ ડોલર કરદેવામાં આવી હતી.

આ ડોક્યુમેન્ટરીમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પે તેમના સમર્થકોને કેપિટલ સુધી ચાલો અને પૂરી તાકાતથી લડો એવી વાત કહી હતી, પરંતુ ટ્રમ્પનો દાવો છે કે fight like hell વાળું નિવેદન ભાષણના બીજા ભાગમાંથી લેવામાં આવ્યું હતું અને તેને ખોટી રીતે જોડવામાં આવ્યું હતું.

ટ્રમ્પના આરોપ

ટ્રમ્પના વકીલે કહ્યું કે BBCએ જાણબૂજીને વિડિયોમાં છેડછાડ કરી હતી અને તેનો ઉદ્દેશ ચૂંટણીને પ્રભાવિત કરવાનો તથા ટ્રમ્પની છબી ખરાબ કરવાનો હતો. તેમણે આરોપ લગાવ્યો કે BBC અગાઉ પણ ટ્રમ્પના ભાષણોને ખોટી રીતે રજૂ કરતું આવ્યું છે.

 

 

 

 

 

અહમદ, તમે ઓસ્ટ્રેલિયાના હીરો છે… : PM અલ્બેનીઝ

ઓસ્ટ્રેલિયા: સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી સમુદાયના હનુક્કાહ ઉજવણી દરમિયાન થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ માનવતા અને હિંમતનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે હોસ્પિટલમાં અહેમદ અલ-અહમદની મુલાકાત લીધી, જેમણે આતંકવાદી પાસેથી રાઈફલ છીનવીને ઘણા લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

વડાપ્રધાન અલ્બેનીઝે અહમદને “ઓસ્ટ્રેલિયન હીરો” ગણાવતા કહ્યું, “અહમદ, તમે સાચો ઓસ્ટ્રેલિયન હીરો છે. બીજાઓને બચાવવા માટે તમે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, બોન્ડી બીચ પર તમે આતંકવાદીઓ તરફ દોડી ગયા અને તેને નિઃશસ્ત્ર કર્યો.”

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા, PM અલ્બેનીઝે લખ્યું, “સૌથી ખરાબ સમયમાં, આપણે ઓસ્ટ્રેલિયનોમાં શ્રેષ્ઠ જોઈએ છીએ. રવિવારની રાત્રે આવું જ બન્યું. દરેક ઓસ્ટ્રેલિયન વતી, હું તમારો આભાર માનું છું.”

પિતા-પુત્રની જોડીએ સિડની બીચ પર હુમલો કર્યો

સિડનીના પિતા-પુત્રની જોડી સાજિદ અકરમ અને નવીદ અકરમને હુમલાખોરો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, સાજિદ અકરમનું ઘટનાસ્થળે જ ગોળી વાગીને મોત થયું હતું, જ્યારે 24 વર્ષીય નવીદ અકરમની હોસ્પિટલમાં ગંભીર પરંતુ સ્થિર હાલતમાં છે.

નવીદ અકરમની 2019માં પૂછપરછ કરવામાં આવી હતી

વડાપ્રધાન અલ્બેનીઝે પણ પુષ્ટિ કરી હતી કે ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ગુપ્તચર એજન્સી, ASIO એ 2019માં નવીદ અકરમની પૂછપરછ કરી હતી. અલ્બેનીઝેના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વ્યક્તિઓ સાથેના જોડાણ માટે ઓક્ટોબર 2019માં નવીદની તપાસ કરવામાં આવી હતી, તપાસ લગભગ છ મહિના ચાલી હતી. તે સમયે, તેને તાત્કાલિક ખતરો માનવામાં આવતો ન હતો.

બંદૂક લાઇસન્સિંગ નિયમો કડક કરવામાં આવશે

આ ઘટના બાદ, સુરક્ષા એજન્સીઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું હુમલો અટકાવી શકાયો હોત. દરમિયાન, સરકારે સંકેત આપ્યો છે કે તે બંદૂક કાયદાઓને વધુ કડક બનાવશે. PM અલ્બેનીઝે અને રાજ્યના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે દેશભરમાં શસ્ત્ર લાઇસન્સ અને શસ્ત્રોની સંખ્યા અંગેના નિયમોમાં એકરૂપતા રહેશે, ખાસ કરીને હુમલાખોર પાસે કાયદેસર રીતે છ શસ્ત્રો હોવાનું બહાર આવ્યા પછી.