Home Blog Page 3828

બ્રિટનની કંપનીએ બધા સ્ટોર બંધ કર્યા; 12,000 લોકોની નોકરી ગઈ

લંડનઃ બ્રિટનમાં છેક 18મી સદી જેટલી જૂની અને રીટેલ ક્ષેત્રની જાણીતી કંપની ડેબનમ્સનું ગયા મહિને આર્થિક પતન થઈ ગયું છે. આ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેન કંપનીએ તેના તમામ સ્ટોર્સ બંધ કરી દીધા છે. આને કારણે આશરે 12,000 લોકોની નોકરી જતી રહી છે. ઓનલાઈન રીટેલરો તરફથી તીવ્ર હરીફાઈનો સામનો ન કરી શકતાં ડેબનમ્સનું પતન થયું છે. જોકે બ્રિટનના ઓનલાઈન ફેશન ગ્રુપ બુહૂએ 5 કરોડ પાઉન્ડમાં ડેબનમ્સની બૌદ્ધિક સંપત્તિ ખરીદી લીધી છે, તેથી આ બ્રાન્ડ જીવંત રહેશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાતાં લોકો ઓનલાઈન માધ્યમથી શોપિંગ કરવા લાગ્યા છે તેથી ડેબનમ્સ આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ. બ્રિટનમાં લોકડાઉન સમાપ્ત થશે તે પછી ડેબનમ્સના સ્ટોર્સ બાકી રહેલો સ્ટોક ખતમ થાય ત્યાં સુધી ખોલવામાં આવશે, તે પછી કાયમને માટે બંધ કરી દેવામાં આવશે, એમ વહીવટકારોએ જણાવ્યું છે.

કોરોના-રસીની અફવા ફેલાવનારા સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

નવી દિલ્હીઃ કોવિડ-19ની રસીને લઈને અફવા ફેલાવનારાં તત્ત્વો સામે કેન્દ્ર સરકારે કાયદાકીય કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ આ સંબંધે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. અફવાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રએ લખેલા પત્રમાં કહ્યું છે કે આવી ફેલાયેલી અનિયંત્રિત આંશકાઓ કોરોનાની રસીની સલામતી અને અસરકારકતા વિશે ભ્રાંતિ ઊભી કરે છે.

દેશમાં નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીએ બંને રસી સલામત અને ઇમ્યુનોજેનિક હોવાનું જણાવ્યું છે. સોશિયલ મિડિયામાં રસી વિશે નિર્થક અને ભ્રામક અફવાઓ ચાલી છે, જે રસીની અસરકારકતા વિશે શંકાકુશંકા પેદા કરે છે, એમ કેન્દ્રએ જણાવ્યું હતું.

કોરોના રસી વિશેની અફવાઓને ધ્યાનમાં રાખીને લેભાગુ તત્ત્વો દ્વારા સામાન્ય જનતામાં તર્ક-વિતર્ક કરીને શંકાઓ ઊભી કરવામાં આવી છે. જોકે આ તમામ અફવાઓ નિરાધાર છે, એમ કેન્દ્રએ કહ્યું હતું.

ડ્રર કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનકાની કોવિશિલ્ડની રસીને મંજૂરી આપ્યા પછી 16 જાન્યુઆરીથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે.

કેન્દ્રએ પત્રમાં રાજ્યોને કોરોના રસી વિશે અફવાઓ અને ખોટા સમાચાર વહેતા મૂકવા બદલ કોઈ પણ વ્યક્તિ અનમે સંસ્થાને કાનૂની જોગવાઈઓ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડા પ્રધાન મોદીએ પણ લોકોને રસીની અફવા ના ફેલાવવા અને એનાથી બચવા માટે ક્હ્યું હતું.

 

 

 

 

કંગનાને મળવાનો રાજ્યપાલ પાસે સમય છે, પણ ખેડૂતો માટે નથીઃ પવારનો ટોણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં શિવસેના, કોંગ્રેસના સહભાગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા કૃષિ કાયદા સામે બે મહિનાથી દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે અહીં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે સંયુક્ત શેતકરી-કામગાર મોરચાના નેતૃત્ત્વ હેઠળ એકત્ર થયેલા ખેડૂતોની રેલીમાં હાજરી આપી હતી અને સંબોધન પણ કર્યું હતું. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશ્યારી, જે ભાજપના છે, તેમની ટીકા કરી હતી. પવારે કહ્યું કે એ કમનસીબી છે કે સત્તા પર બેઠેલાઓને આંદોલન કરી રહેલા, કષ્ટ ભોગવી રહેલા ખેડૂતોની કોઈ પરવા નથી. આટલા દિવસોથી, કાતિલ ઠંડીનો સામનો કરીને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ દેશના વડા પ્રધાને તે વિશે ક્યારેય કોઈ તપાસ કરાવી છે ખરી? આવા રાજ્યપાલ મેં ક્યારેય જોયા નથી. એમની પાસે કંગના (રણોત, અભિનેત્રી)ને મળવાનો સમય છે, પણ ખેડૂતોને મળવાનો સમય નથી.

આ રેલીમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અને રાજ્યના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે પણ હાજરી આપી હતી. શિવસેનાએ ખેડૂતોની રેલીને સમર્થન આપ્યું છે, પણ તેના પ્રધાનો અને સિનિયર નેતાઓને રેલીમાં હાજર ન રહેવાનો આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકર્તા મેધા પાટકર, તિસ્તા સેતલવાડ, કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ ભાઈ જગતાપ તથા ખેડૂતોના અમુક આગેવાનો રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે આઝાદ મેદાનથી રાજભવન તરફ જવા નીકળ્યા હતા, પણ પોલીસોએ તેમને મેટ્રો થિયેટર પાસે જ અટકાવ્યા હતા. એ વખતે પોલીસો અને આંદોલનકારીઓ વચ્ચે થોડીક ઝપાઝપી થઈ હતી.

‘ક્રાઇમ શો’ જોઈને 13 વર્ષના કિશોરનું અપહરણ

મુંબઈઃ શહેરના ઉપનગર મલાડમાં એક ‘ક્રાઇમ રિયાલિટી શો’થી પ્રેરિત થઈને અપહરણને કરવાનો મામલો સામે આવ્યો છે. રવિવારે બે લોકોએ 13 વર્ષના કિશોરનું અપહરણ કર્યું હતું. તેમણે આ અપહરણ બદલ બદલ રૂ. 10 લાખની ખંડણીની રકમ માગી હતી, પણ પોલીસે ત્રણ કલાકની અંદર તેમને મોબાઇલની મદદથી ઘરેથી પકડી પડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે 13 વર્ષના કિશોરનું અપહરણ કરવા બદલ સાડાસાત કલાકે બે અપહરણકર્તાઓ શેખર વિશ્વકર્મા (35) અને દિવ્યાંશુ વિશ્વકર્મા (21)ની ધરપકડ કરી હતી, જ્યારે તે પોતાના ઘરની બહાર ઊભેલી રિક્શામાં રમી રહ્યો હતો.

અપહરણકર્તાઓએ કિશોરના પિતાને તેમના મોબાઇલ ફોન કર્યો હતો અને તેને છોડવા માટે રૂ. 10 લાખની ખંડણી માગી હતી. જોકે યુવકના પિતાએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી બંનેના મોબાઇલની મદદથી વલ્નાઇ કોલોનીમાં ટ્રેક કર્યો. હતો. પોલીસ તપાસમાં તેમણે જણાવ્યું હતું કે તેમને આ આઇડિયા એક ફેમસ ક્રાઇમ રિયાલિટી શોથી આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓની સામે ભારતીય દંડ સંહિતા હેઠળની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 363 અપહરણની કલમનો પણ સમાવેશ થાય છે.

 

 

 

 

બુરખા-પર-પ્રતિબંધ: સ્વિટ્ઝર્લેન્ડમાં નાગરિકો તરફેણમાં, સરકાર વિરુદ્ધમાં

ઝુરીકઃ સ્વિટ્ઝર્લેન્ડમાં હાથ ધરવામાં આવેલા એક જનમતમાં બહુમતી નાગરિકોએ બુરખા, હિજાબ, નકાબ સહિત કોઈ પણ વસ્ત્ર વડે ચહેરો ઢાંકવાની પ્રથા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ વર્ષની 7મી માર્ચે દેશમાં આ મુદ્દે સત્તાવાર રીતે જનમત યોજાવાનો છે. એ પૂર્વે ટેમીડિયા નામની એક એજન્સીએ હાથ ધરેલા જનમતમાં 63 ટકા લોકોએ કહ્યું કે જાહેરમાં કોઈ પણ વ્યક્તિને એનો ચહેરો ઢાંકવાની પરવાનગી આપવી ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતસહિત દુનિયાભરમાં ઘણી મુસ્લિમ મહિલાઓ ધાર્મિક પ્રથા અનુસાર એમનો ચહેરો બુરખો કે હિજાબ વડે આખો કે અડધો ઢાંકે છે.

પરંતુ સ્વિટ્ઝર્લેન્ડનાં ન્યાય ખાતાનાં મહિલા પ્રધાન કેરીન કેલર-સટર બુરખા પ્રતિબંધની વિરુદ્ધમાં છે. એમણે કહ્યું છે કે દેશવ્યાપી પ્રતિબંધની જરૂર નથી, કારણ કે સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓ એમનો ચહેરો ઢાંકીને ફરતી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. દેશમાં આવા બુરખા કે હિજાબ પહેરેલી જે સ્ત્રીઓ જોવા મળે છે તે મોટે ભાગે વિદેશી પર્યટકો હોય છે.

અમેરિકામાંથી વિદેશી કંપનીઓનું ભારત, ચીન તરફ પ્રયાણ

ન્યુ યોર્કઃ વિદેશી કંપનીઓ ચીનના તેજીમય અર્થતંત્રનો લાભ લેવા માટે અને કોવિડ-19ના રોગચાળાના યોગ્ય સંચાલનનો લાભ લેવા માટે અમેરિકામાંથી ચીન અને ભારત તરફ પ્રયાણ કરી રહી છે. ગયા વર્ષે અમેરિકાએ વિદેશી કંપનીઓનું સીધું મૂડીરોકાણ 49 ટકા ઘટીને 134 અબજ ડોલર થયું હતું. આની વિરુદ્ધમાં ચીનમાં વર્ષ 2020માં વિદેશી સીધું મૂડીરોકાણ ચાર ટકા વધીને 163 અબજ ડોલર થયું છે, એમ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના મુજબ વર્ષ 2020 ઇતિહાસમાં ચીને સીધા વિદેશી મૂડીરોકાણ મામલે અમેરિકાને પાછળ છોડ્યું છે. હવે વિદેશી કંપનીઓનું મૂડીરોકાણ મેળવનાર વિશ્વનો પહેલો દેશ ચીન બની ગયો છે. જોકે અમેરિકામાં કોવિડ-19 રોગચાળો સીધા વિદેશી મૂડીરોકાણ મેળવવામાં સૌથી મોટું અડચણ હતું અને વિશ્વના મોટા ભાગના દેશોમાં વિદેશી કંપનીઓના વિદેશી મૂડીરોકાણમાં ઘટાડો થયો હતો અને અમેરિકામાં તો રોગચાળા પહેલાં જ મૂડીરોકાણમાં ઘટાડો થયો હતો.

વળી, રોગચાળાને કારણે વિશ્વભરમાં વેપાર-વ્યવસાયમાં, સપ્લાય ચેઇનમાં અને નફો જાળવવા માટે ઉદ્યોગોએ વેપારની રીતભાતમાં બદલાવ કર્યો હતો. અમેરિકાના વેપાર વિભા અનુસાર વર્ષ 2015માં વિદેશી મૂડીરોકાણમાં 440 અબજ ડોલરનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. હોલસેલ ટ્રેડ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ટરનેશનલ મર્જર અને એક્વિઝિશન તેમ જ વિદેશી રોકાણકારો દ્વારા અમેરિકી એસેટ્સના વેચાણમાં 41 ટકાનો ઘટાડો થયો હતો. ભારતના સીધા વિદેશી મૂડીરોકાણમાં 13 ટકાનો ઘટાડો આવ્યો હતો.

આ સાથે યુકે અને ઇટાલીમાં એફડીઆઇમાં આશરે 100 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે રશિયામાં 96 ટકા, જર્મનીમાં 61 ટકા અને બ્રાઝિલમાં 50 ટકા સહિત ઓસ્ટ્રેલિયા, ફ્રાંસમાં દ્વિઅંકી ઘટાડો નોંધાયો હતો. ઓવરઓવ એફડીઆઇમાં 1990ના દાયકકા પછી ગયા વર્ષે  એફડીઆઇમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 

 

 

 

 

કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક પર્વની સમૂહમાં એકઠા થઇ ઉજવણી થાય છે. આ વર્ષે ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરીટોઝના મેયરની સાથે ભારતનો ૭૨મો પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો.

વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં દર વર્ષે ભારતીયો પ્રજાસત્તાક પર્વ ઉજવે છે. આ વરસે કોવિડ-19ના કારણે નિયંત્રણો હોઈ, ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ સેરીટોઝ શહેરના મેયર નરેશ સોલંકી, બેવર્લી હિલ્સ શહેરના મેયર કાઉન્સિલર ડો. જુલિયન ગોલ્ડ અને સેનેટ સભ્ય હેન્રી સ્ટર્ન સાથે ઉજવણી કરી હતી. જ્યારે ૫૮મા ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ વીડિયો સંદેશો જારી કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.

સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી મૂળ બારડોલી તાલુકાના વતની છે. અમેરિકા સહિત વિદેશમાં વસતા ભારતીયોને તેમજ ભારતવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપતા તેમણે જણાવ્યું હતું કે, અમે બધાં ભેગા મળીને દર વર્ષે ભારતના રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ. કોવિડસંકટમાં સૌને માસ્ક પહેરવા અને કાળજી લેવાનો અનુરોધ છે.

આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ સાર્વભોમત્વનું પ્રતિક છે. ૧૩૦ કરોડ લોકોનો સાથે મળીને પ્રજાસત્તાક પર્વ ઉજવે છે. અહીં અમેરિકામાં અમે પણ સૌ જોમ-જુસ્સાથી પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવે છે. ભારત કોરોનાની રસી વિશ્વના અન્ય દેશોને આપીને માનવતાનું મોટું કાર્ય કરી રહ્યો છે.

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા મળ્યા બાદ આપણે ભારતીયો પ્રજાસત્તાક બન્યા. આ રાષ્ટ્રીય પર્વની અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે. આ વર્ષે કોવિડને કારણે એ શક્ય બન્યું નથી ત્યારે અમે અગ્રણીઓએ એકઠા થઇ વર્ચ્યુઅલ ઉજવણી કરી છે. ભારતની એક્તા અને બંધુત્વના આદર્શો હવે વૈશ્વિક બની ગયા છે.

૫૮મા ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત બન્ને દેશ લોકતંત્રમાં એક પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે. અમેરિકા સૌથી જૂની લોકશાહી છે તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વિવિધતા ધરાવતો ભારત દેશ લોકશાહી મૂલ્યો દ્વારા વિશ્વને પ્રેરણા આપી રહ્યો છે. અનેક ધર્મો, ભાષાઓ, પ્રાંતીય સંસ્કૃતિ ધરાવતું હોવા છતાં હળીમળીને રહીને વિશ્વને સર્વસમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતીયો  હળીમળીને રહેવાની ભાવનાથી જાણીતા છે તેઓ જ્યાં રહે છે ત્યાં ભળી જાય છે. અમેરિકામાં આજે લાખોની સંખ્યામાં ભારતીયો વસે છે જેનો અમેરિકાના વિકાસમાં ફાળો રહ્યા છે. આ બધું ભારતીયોના લોકતંત્રના મૂલ્યોને કારણે બન્યું છે.

બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરિટોઝ ખાતે થયેલી ઉજવણીમાં જૈન સોશિયલ ગ્રુપના રાજેન્દ્ર  વોરા, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડેન્ટ પી.કે. નાયક તથા ઓર્સેટિયા ચેમ્બરના વાઈસ પ્રેસિડન્ટ અનિલ દેસાઇ હાજર રહયા હતા.

મતદાન મથકે ગયા વગર મતદાન કરી શકાશે

નવી દિલ્હીઃ આજે 11મા રા,ટ્રીય મતદાર દિવસ નિમિત્તે દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું છે કે મતદારોને દૂરના સ્થળેથી પણ મતદાન કરવાની સુવિધા પૂરી પાડી શકાય એ માટેની યંત્રણાની ‘મોક ટ્રાયલ્સ’ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. રીમોટ વોટિંગ સુવિધા આઈઆઈટી-મદ્રાસ સંસ્થાના સહયોગમાં અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવનાર છે. રીમોટ વોટિંગનો મતલબ ઘેર બેઠાં વોટ આપવાનો નથી. આ પરિકલ્પનામાં, બાયોમેટ્રિક ડીવાઈસીસ અને વેબ કેમેરા સાથે એનેબલ્ડ કરાયેલી ડેડિકેટેડ ઈન્ટરનેટ લાઈન્સ પર વ્હાઈટ-લિસ્ટેડ ઘોષિત ડીવાઈસીસ પર નિયંત્રિત પરિસ્થિતિ અંતર્ગત ટુ-વે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ છે. તેમાં મતદારોએ આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પૂર્વનિર્ધારિત સમયગાળા દરમિયાન એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું રહેશે.

આ યોજના-સુવિધા માટે ‘બ્લોકચેન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. દૂરના સ્થળેથી (રીમોટ) આપવામાં આવેલા મતને મતગણતરી તબક્કા પૂર્વે ક્રોસ-ચેક કરવામાં આવશે, એ જોવા માટે કે એની સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં તો નથી આવીને. જેવો મત અપાશે કે તરત જ એને સુરક્ષિત રીતે એન્ક્રિપ્ટ કરાશે અને એક બ્લોકચેન હેશટેગ જનરેટ થશે. તે હેશટેગ નોટિફિકેશન અનેક સંબંધિતોને મોકલવામાં આવશે, જેમ કે ચૂંટણી ઉમેદવારો અને રાજકીય પક્ષો. દરમિયાન, હવે વોટર IDની PDF આવૃત્તિ પણ પ્રાપ્ત થશે. આજથી નવા વોટર IDની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે, જૂના વોટર્સ માટે આ સુવિધા 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.

ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભાજપમાં ભડકો, કોંગ્રેસમાં કમઠાણ

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમ જ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે ત્યારે મુખ્ય પક્ષોના કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા 8000 જેટલાં EVM મૂકવામાં આવશે. આ ચૂંટણીમાં નાના-મોટા મળીને કુલ 20 પક્ષો ભાગ લે એવી સંભાવના છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત સાથે  ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા શરૂ કરી છે. ભાજપે મહાનગરો અને પાલિકામાં જ્યાં સત્તાવિરોધી લહેરની અસર હશે, જ્યારે કોંગ્રેસે આ વખતે સ્થાનિક ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વ્યૂહરચના બનાવી છે.

ભાજપમાં પ્રથમ દિવસે જ નરોડામાં સેન્સની કામગીરી દરમિયાન દંગલ મચી ગયું હતું. નરોડાના સિટિંગ કોર્પોરેટર ગિરિશ પ્રજાપતિએ પોતાની પત્ની શિલ્પા માટે ટિકિટ માગતાં યુવા મોર્ચાના નેતા લવ ભરવાડે તેમની સાથે બોલાચાલી કરી રીતસર માર માર્યો હતો. જેમાં ગિરીશ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. સમગ્ર મામલો હાઇ કમાન્ડ સુધી પહોંચ્યો હતો.

સ્થાનિક ચૂંટણીમાં મતદાન પહેલાં જ કોંગ્રેસની  હાલત કફોડી બનતી જઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પંજાનો સાથ છોડીને કેસરિયો  ધારણ કરી રહ્યા છે. ભરૂચ-કોંગ્રેસમાં આ પહેલાં મોટું ભંગાણ થયું હતું. જેમાં ઝાડેશ્વરના કોંગ્રેસ આગેવાન કૌશિક પટેલ પોતાના 300 જેટલા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયા હતા. જ્યારે અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાનો સાથ છોડ્યો હતો.

ભરૂચ, અંકલેશ્વર અને અરવલ્લીમાં કોંગ્રેસમાં  ભંગાણ બાદ હવે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના (Paresh Dhanani) ગઢ અમરેલીમાં પણ ગાબડું પડ્યું છે. જેમાં અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના ચાર ભૂતપૂર્વ સભ્યોએ કોંગ્રેસને રામ-રામ કહીને કેસરિયો ધારણ કર્યો છે.

 

 

 

 

સિંગર સોનુ નિગમે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં

અયોધ્યાઃ બોલીવૂડના મશહૂર સિંગર સોનુ નિગમે રવિવાર અયોધ્યા પહોંચ્યો હતો. તેણે ત્યાં હનુમાનગઢી અને રામલલ્લાનાં દરબારમાં દર્શન કર્યાં હતાં. રામલલ્લાનાં દર્શન પછી સોનુ નિગમે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા આવીને હું ધન્ય થયો છું. અયોધ્યા ભારતનું હ્દયસ્થળ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારતની ગરિમાનો વિષય છે. રામ મંદિર બધાને જોડવાનું કામ કરશે. સોનુ સાથે કોંગ્રેસ નેતા સંજય નિરુપમ પણ અયોધ્યા પહોંચ્યા હતા.

સોનુ નિગમે વધુમાં કહ્યું હતું કે અયોધ્યા આવવાની ઇચ્છા ઘણા દિવસોથી મનમાં હતી. હું દુબઈ અને મુંબઈમાં વધુ સમય રહ્યો છું. મને અયોધ્યા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રામલલ્લાનાં દર્શન કરીને પરમ શાંતિ અને આનંદ અનુભવું છું. મારી પણ ઇચ્છા છે કે રામ મંદિરમાં એક ઇંટ રાખું. દરેક દેશવાસીઓની ઇચ્છા હોય છે કે તે રામ મંદિરમાં પોતાનું યોગદાન કર્યો હતો.

તેણે કહ્યું હતું કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા આવીને અભિભૂત થયો છું.રામ મંદિર નિર્માણ માટે તેણે લોકોને સહયોગ કરવાની અપીલ કરી હતી. તે રામલલ્લા માટે એક ગીત બનાવશે.