Home Blog Page 3830

કોરોનાના 12,923ના નવા કેસ, 108નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,923 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 108 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,71,294 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,360 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,73,372  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,764 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,42,562 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 70 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 70,17,114 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4,05,49 કોરોના રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

ખેડૂતો ખુશઃ ચર્ચા માટે મોદીના આમંત્રણને આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા વર્ષથી લાગુ કરેલા, પણ વિવાદાસ્પદ બની ગયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં છેલ્લા બે મહિના કરતાંય વધારે સમયથી દિલ્હીના સીમાવિસ્તારોમાં આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતો સાથે આ મુદ્દે ચર્ચા કરવા અને આંદોલનનો અંત લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંસદમાં આપેલા આમંત્રણથી ખેડૂત આગેવાનો ખુશ થઈ ગયા છે અને વડા પ્રધાનના આમંત્રણને આવકાર આપ્યો છે. ખેડૂત આગેવાનોએ ચર્ચા માટે નવા રાઉન્ડની તારીખ નક્કી કરવાનું પણ કેન્દ્ર સરકારને કહ્યું છે.

ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈતે કહ્યું છે કે આંદોલનકારી ખેડૂતો કંઈ કેન્દ્રમાં સત્તામાં પરિવર્તન લાવવા ઈચ્છતા નથી, પરંતુ અમારા પ્રશ્નોનો ઉકેલ આવે એમ ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ત્રણેય કૃષિ કાયદાઓને સરકાર પાછા ખેંચી લે અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે કાયદો ઘડે. જ્યાં સુધી સરકાર ખેડૂત આગેવાનો સાથે ચર્ચા શરૂ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવાની માગણી

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે. આ બંને દેશ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝને મહાન બેટ્સમેનો સચીન તેંડુલકર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલેસ્ટર કુકનું નામ આપવાની ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર મોન્ટી પાનેસરે માગણી કરી છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવું જોઈએ એવું તેણે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને દંતકથાસમાન બેટ્સમેન સુનીલ ગાવસકરના નામ પાછળ ‘બોર્ડર-ગાવસકર ટ્રોફી’ નામ આપવામાં આવ્યું છે.

પાનેસર, જે ભારતીય મૂળનો બ્રિટિશ શીખ નાગરિક છે અને એનું મૂળ નામ મધુસૂદનસિંહ પાનેસર છે, તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું છે કે તેંડુલકર અને કુક, બંનેએ પોતપોતાના દેશ વતી ટેસ્ટ ક્રિકેટમાં રમીને સૌથી વધુ રન કર્યા છે. બંને જણ એકબીજાની સામે પણ ઘણું રમ્યા છે. અમે માનીએ છીએ કે તેંડુલકર સૌથી મોટા દંતકથાસમાન તેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બંને દેશમાં જ્યારે પણ ટેસ્ટ સિરીઝ રમાય ત્યારે એની ટ્રોફીને એમનું નામ આપવામાં આવે. પાનેસરનું આ ટ્વીટ ખૂબ વાઈરલ થયું છે. ક્રિકેટપ્રેમીઓએ તેના આ સૂચનને ટેકો આપ્યો છે. પાનેસરે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને બીસીસીઆઈને ટેગ કર્યું છે. પાનેસરે 2006માં નાગપુરમાં ભારત સામે રમીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

સુવિચાર – ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧

સુવિચાર – ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧

કુંજની શિસ્ત

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન(બ્લેકબક નેશનલ પાર્ક) એ કાળીયાર, વરુ, ઝરખ તથા જંગલ કેટ અને લોંકડી જેવા વિવિધ પ્રાણીઓની ફોટોગ્રાફી માટે તો જાણીતો છે જ, આ ઉપરાંત તે વિવિધ યાયાવર પક્ષીઓ (માઇગ્રેટ બર્ડ) ની ફોટોગ્રાફી માટે પણ જાણીતો છે.

અહીં તમે ફરવા આવો અને તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે હેરીયર, ફ્લેમીંગો, પેલીકનની અને ક્રેન (કુંજ)ની વિવિધ જાતના પક્ષીઓની ફોટોગ્રાફી કરી શકો છો. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન(બ્લેકબક નેશનલ પાર્ક) ની અંદર વોટરબોડી ઘણી છે, પણ આસપાસના રોડ કીનારા પર ય પાણી હોય જ છે.

લગભગ ચાર વર્ષ પહેલાં એક શિયાળામા સાંજના સમયે પાર્કમા સફારી કરી ભાવનગર જતા સમયે રોડના કિનારા પર આ ચાર ક્રેનની પાણીમા પડછાયા સાથેની યાદગાર તસવીર મળી હતી.

(શ્રીનાથ શાહ)

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧

મોદીના જૂના મિત્ર હરિભાઈ આધુનિક (88)નું અવસાન

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થાના સભ્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષો જૂના મિત્ર હરિભાઈ આધુનિકનું વૃદ્ધાવસ્થાને લગતી બીમારીઓને કારણે આજે સવારે અહીં એમના પુત્રીના નિવાસસ્થાને અવસાન થયું છે. એ 88 વર્ષના હતા. તેઓ દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરની વહીવટીય સમિતિના સભ્ય હતા. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના પણ સભ્ય હતા અને જનસંઘના સમયથી ભાજપ સાથે સંકળાયેલા હતા.

મોદી જ્યારે પણ દ્વારકાની મુલાકાતે જતા ત્યારે હરિભાઈ આધુનિકને અચૂક મળતા – ક્યારેક તમામ પ્રોટોકોલ્સને બાજુએ મૂકીને પણ. હરિભાઈ એમના સાદગીભર્યા અને નમ્ર સ્વભાવને કારણે જાણીતા હતા. જામનગરનાં ભાજપના સંસદસભ્ય પૂનમબેન માડમ અને રાજ્યસભાના સદસ્ય પરિમલ નથવાણીએ હરિભાઈ આધુનિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

બચાવ કામગીરીમાં શિનૂક હેલિકોપ્ટર…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવા અને એને પગલે ધૌલીગંગા નદીમાં આવેલા વિનાશકારી પૂરને લીધે તપોવન ક્ષેત્રમાં બચાવ કામગીરી તેમજ હવાઈ નિરીક્ષણ માટે 10 ફેબ્રુઆરી, બુધવારે ભારતીય હવાઈદળના એક બોઈંગ શિનૂક હેલિકોપ્ટર અને સ્વદેશી ટેક્નોલોજીથી બનાવાયેલા એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (એએલએચ)ને મદદમાં લેવામાં આવ્યા હતા. ગયા રવિવારે ત્રાટકેલી કુદરતી આફતમાં 34 જણના મરણ થયા છે અને હજી બીજા 170 જણ લાપતા હોવાનો અહેવાલ છે. (તસવીર સૌજન્યઃ પીબીએનએસ)

જાહેર-ક્ષેત્ર જરૂરી, પણ ખાનગી-ક્ષેત્રની ભૂમિકા મહત્ત્વપૂર્ણઃ મોદી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્ર જરૂરી છે, પણ એ જ સમયે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન આભાર પ્રસ્તાવના જવાબમાં જણાવ્યું હતું. જો ભારત માનવતાની સેવા કરવામાં સક્ષમ છે તો ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ એમાં કારણભૂત છે, એમ તેમણે કહ્યું હતું.

તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો- ટેલિકોમ, ફાર્મા –આપણે ખાનગી ક્ષેત્રની ભૂમિકા જોઈ છે. સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. ખેડૂતો તેમનાં મંતવ્યો ત્રણ કૃષિ કાયદા પર રજૂ કરી રહ્યા છે અને મોટા ભાગના પ્રધાનો તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. વડા પ્રધાને કૃષિ કાયદાઓ વિશેની આશંકાઓ દૂર કરતાં કહ્યું હતું કે કાયદાઓ લાગુ થયા પછી ન તો કોઈ મંડી બંધ થઈ છે અને ન તો MSP બંધ થઈ છે, પરંતુ MSPમાં વધારો થયો છે, એને કોઈ નકારી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.

જે લોકો ગૃહમાં ખલેલ પહોંચાડે છે, એ વ્યૂહરચનાથી કરી રહ્યા છે, કેમ કે તેઓ સત્યને પચાવી શકતા નથી. જે વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે લોકો રાજકારણ કરી રહ્યા છે, એ ક્યારેય જીતી નહીં શકે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન મોદી જ્યારે કૃષિ કાયદા વિશે સરકારનું વલણ સ્પષ્ટ કરતા હતા, ત્યારે કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસે લોકસભા અને રાજ્યસભામાં અલગ-અલગ વલણ અપનાવ્યાં છે અને કોંગ્રેસ કન્ફ્યુઝ્ડ પાર્ટી છે, એમ મોદીએ કહ્યું હતું.

 

 

 

 

ટાટા મુંબઈ મેરેથોન 30 મેએ યોજાશે

મુંબઈઃ ટાટા મુંબઈ મેરેથોન દોડ આમ તો ઘણા વર્ષોથી દર જાન્યુઆરીના ત્રીજા રવિવારે યોજાતી આવી છે, પણ ગયા વર્ષથી ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાને કારણે અનેક પ્રકારના નિયંત્રણો હજી પણ લાગુ કરાયા હોવાથી પરંપરાનુસાર સમયે યોજી શકાશે નહીં, અને આવતી 30 મેએ યોજાશે. કાર્યક્રમના આયોજક પ્રોકેમ ઈન્ટરનેશનલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા તથા ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સંચાલક સંસ્થાઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ 30 મેએ 18મી ટાટા મુંબઈ મેરેથોન યોજવાનું નક્કી કરાયું છે.

આ વખતની મેરેથોનમાં પણ સ્પર્ધકોની સંખ્યા મર્યાદિત રખાશે. ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિ.મી.ની દોડ જાહેર માર્ગોને બદલે મેદાન પર યોજવામાં આવશે. દેશભરમાંથી તેમજ વિદેશમાંથી મર્યાદિત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકો કાર્યક્રમની એપ્લિકેશન મારફત ભાગ લઈ શકશે. આ મેરેથોન 2004ની સાલમાં શરૂ કરવામાં આવી હતી.

(તસવીરઃ @TataMumMarathon)