Home Blog Page 406

700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળશે વૈશ્વિક રોકાણકારો સાથે નવી તક

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાનના પ્રેરણાદાયી મંત્રને ઘણા કલાકારોએ સાકાર કર્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. આ પરિષદમાં ગુજરાતની પ્રાચીન અને ગૌરવસભર ટાંગલિયા કલા કેન્દ્રસ્થાને રહેશે.

ગુજરાતની 700 વર્ષ જૂની હાથશાળ કલા- ટાંગલિયા તેના વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્ન- ‘દાણા’ માટે વિશ્વભરમાં જાણીતી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢી દર પેઢી સંરક્ષિત કરવામાં આવેલી આ કલામાં તાણા–પેટામાં વધારાના વેફ્ટ દોરાને સૂક્ષ્મતા અને ચાતુર્યપૂર્વક ફેરવી વિવિધ ભૌમિતિક આકૃતિઓ વણી કાઢવામાં આવે છે. આ ટેકનિકની દુર્લભતા, ચોકસાઈ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વને કારણે ટાંગલિયાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (GI) દરજ્જો મળ્યો છે, જે તેની પ્રામાણિકતાને પુષ્ટિ આપે છે અને તેના સમયાતીત વારસાને સુરક્ષિત રાખે છે.

ગુજરાતની એક પ્રાચીન કારીગરી, ટાંગલિયા વણાટની ઉત્કૃષ્ટ કળા, જે એક સમયે વિસ્મૃતિની અણી પર હતી, બદલાતા સમય અને મોટા પાયે ઉત્પાદનને કારણે જોખમમાં મૂકાઈ ગઈ હતી. એક સમયે સંભવિત રીતે ખોવાયેલી કલા, આ 700 વર્ષ જૂની પરંપરા હવે એક નોંધપાત્ર વૈશ્વિક પુનરુત્થાનનો અનુભવ કરી રહી છે, જે પ્રાચીન કલાકૃતિઓ માટે વિશ્વની વધતી જતી પ્રશંસા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

આ વૈશ્વિક પુનર્જાગૃતિને આગળ વધારવામાં પદ્મશ્રી લવજીભાઈ પરમારનું યોગદાન અવર્ણનીય છે. ટાંગલિયા વણાટ કળાના આ માસ્ટરે ચાર દાયકાથી વધુ સમયથી આ પરંપરાને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવા માટે અવિરત પ્રયત્નો કર્યા છે. યુવા પેઢીને આ વારસાથી જોડવા તેમણે સ્થાપિત કરેલું કોમન ફેસિલિટી સેન્ટર તાલીમ, ટેક્નિકલ માર્ગદર્શન અને બજાર સપોર્ટ પૂરો પાડીને અનેક નવા યુવા કારીગરોને પ્રોત્સાહિત કરે છે. દેશભરના પ્રદર્શનો અને વિવિધ ડિઝાઇનર- વિક્રેતાઓ સાથેના સહકાર દ્વારા તેમણે આ કલાને ફરી જીવંત બનાવી, જેથી તેમને “ટાંગલિયાનો ત્રાંહાર” જેનો અર્થ થાય છે, ટાંગલિયાનો તારણહાર તરીકે ઓળખ મળીને સન્માનિત સ્થાન પ્રાપ્ત થયું.

ટાંગલિયા કલાની વૈશ્વિક સ્વીકાર્યતામાં વધારો સુરેન્દ્રનગરના કારીગર બલદેવ મોહનભાઈ રાઠોડના ઉલ્લેખનીય કાર્યથી વધુ સ્પષ્ટ થાય છે. તેમના દ્વારા બનાવાયેલ ટાંગલિયા શર્ટ હોલિવૂડ ફિલ્મ “F1”માં પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ દ્વારા પહેરાતા, આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતની કારીગરીને અનોખું સ્થાન મળ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આ વારસાને પ્રોત્સાહિત કરવા, કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે નવા અવસર સર્જવા અને વૈશ્વિક બજારો સાથે જોડાણ વધારવા માટે સશક્ત મંચ પૂરો પાડશે. કચ્છ-સૌરાષ્ટ્ર જેવા વિકાસશીલ વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાથી રાજ્ય સરકારની સમાવેશી વૃદ્ધિ, કૌશલ્ય વિકાસ અને પરંપરાગત આજીવિકાના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.

સ્થાનિક કારીગરો, યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સાંસ્કૃતિક રાજદૂતોને એક જ મંચ પર લાવી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માત્ર આર્થિક સમૃદ્ધિ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક આત્માને ઉજવણી આપતી એક અનોખી પહેલ બની રહેશે. આ કાર્યક્રમ એ સંદેશને પુનઃસ્થાપિત કરશે કે પ્રગતિ ત્યારે જ શ્રેષ્ઠ બને છે, જ્યારે તે સમુદાયોને સશક્ત બનાવે છે, વારસાને સંરક્ષે છે અને દરેક ઘરમાં ગૌરવની ભાવના જગાવે છે.

‘ઝરૂખો’માં AI અને સાઇબર સુરક્ષા પર માહિતસભર કાર્યક્રમ યોજાયો!

મુંબઈ: ઝરૂખો પ્લસ અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજ (મુંબઈ, બાવન વિભાગ )દ્વારા ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાઇબર સુરક્ષા’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમની ભૂમિકા બાંધતાં ટેકનોલોજી નિષ્ણાત હિતેશ શુક્લએ જણાવ્યું કે ટેકનોલોજી એ ટૂલ પણ છે અને વેપન પણ છે ( સાધન પણ છે અને હથિયાર પણ છે). ટેકનોલોજીએ ફક્ત જીવન સરળ નથી બનાવ્યું પણ સપનાંઓને ઊંચાઈ આપી છે. વિજ્ઞાન, મનુષ્યના સ્વપ્નને સાકાર કરવાનું સાધન છે પણ એ સ્વપ્નને સાચી દિશા આપવાની જવાબદારી માનવની છે .

સમય સાથે ટેકનોલોજી બદલાય છે. પેજર, mp3, CD જેવાં ગેજેટ ખોવાઈ ગયાં અને નવી ટેકનોલોજી આવી જેણે માનવના જીવનને સરળ બનાવ્યું છે. અન્ય વસ્તુઓ જ્યારે ઇન્ટરનેટ સાથે જોડાય એને આઇ.ઓ.ટી. (IOT) કહેવાય. દાખલા તરીકે કાર,  એસી વગેરે ઈન્ટરનેટથી સૂચના મેળવે છે.બીજા વક્તા ટેકનોલોજીના નિષ્ણાત જયેશ પાઠકે પણ પોતાની રસપ્રદ શૈલીમાં શ્રોતાઓ સાથે વાત કરી. એમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય માણસ માટે છે. ગુગલ મેપ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે આપણે બધાં વાપરીએ છીએ. એ.આઈ.( AI)  બધાંની જોબ લઈ લેશે એવો ભય રાખવાની જરૂર નથી. એ.આઈ.માંથી જ્ઞાન મળશે પણ દરેક વખતે સાચું જ્ઞાન મળે એ જરૂરી નથી. વ્યક્તિએ એનું એનાલિસિસ કરવું પડે છે, માહિતીને ચકાસવી પડે છે.

Chatgpt, Gemini, Proplexity, Microsoft copilot, Google Lens આ બધા ટુલ સામાન્ય વ્યક્તિ પણ વાપરી શકે છે. Chatgptને મુદ્દારૂપે માહિતી આપો તો એક લેખ બનાવીને આપશે. નિબંધ લખવો હોય અને મુદ્દાઓ આપો તો એ આખો નિબંધ પણ લખી આપે. તમે જેમ એને વાપરતા જાવ એમ એની પાસેથી કઈ રીતના ઉપયોગ લઈ શકાય એની સમજ પડતી જાય છે.ટેકનોલોજીના તજજ્ઞ એવા ત્રીજા વક્તા હિતેશ પાઠકે સાયબર ગુનાઓ વિશે સરળ ભાષામાં વાત કરી. એમણે જણાવ્યું કે એટેકર રિસર્ચ કરે છે કે તમારા મોબાઇલમાં કે લેપટોપમાં એન્ટિવાયરસ છે કે નહીં. ઘણા સમય સુધી એના પર, તમારા નબળા પાસવર્ડ પર અભ્યાસ કર્યા બાદ એ હુમલો કરે છે. આપણે બૅકમાં મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે અપડેટ કરી રાખવા જોઈએ. Captcha એ સલામતી માટે છે, સેફ્ટી ફીચર છે, એનાથી અકળાવું ન જોઈએ એવું એમણે જણાવ્યું.

ડિજિટલ એરેસ્ટ જેવા કિસ્સાઓ મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે વધુ બને છે જેને ટેકનોલોજીની વધુ જાણકારી નથી હોતી. વિડિયો ફોન કરીને હુમલાખોરો સ્ક્રીન પર પોલીસ, વકીલ વગેરે દેખાડે છે એટલે સિનિયર સિટીઝન સમજે છે કે આ બધું સાચું છે! એ પોતાની જગ્યા પરથી હલતા નથી અને નથી કોઈને જણાવતા. એથી સામેવાળાના ટ્રેપમાં ફસાઈ જાય છે. જ્યારે પણ તમને સામેવાળી વ્યક્તિ પર શંકા પડે તો ફોન બંધ કરીને બેસી જવું વધુ સલામત છે. પાસવર્ડ આવ્યો હોય તો કોઈ પણ અજાણી વ્યક્તિને આપવાની જરૂર નથી પછી ભલે એ બેંકની વ્યક્તિ તરીકે ઓળખાણ આપતી હોય.

જૂના સોફ્ટવેર અપડેટ ન થયા હોય તો પણ એટેકર એના પર હુમલો કરી શકે છે. એટલે સોફ્ટવેર અપડેટ કરતા રહેવા. હવે બેંકોની વેબસાઈટ ડોટ ઇનવાળી છે જે ભરોસાવાળી છે. સામાન્ય વ્યક્તિએ જોવું જોઈએ કે જે વેબસાઈટ પર એ જાય છે એ સલામત છે કે ફ્રોડ વેબસાઈટ છે. ‌વ્યક્તિએ એસ.એમ.એસ. કે ઇમેલ દ્વારા મળતી કોઈ પણ અજાણી લિંકને ક્લિક કરીને ખોલવી ન જોઈએ. અજાણી લિંક ક્લિક કરવાથી ફોન હેક થઈ શકે છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ જઈ શકે છે .

આ ઉપરાંત હિતેશ પાઠકે એથિકલ હેકર પોલીસને કઈ રીતે મદદરૂપ થાય છે એની વાત કરી. એથિકલ હેકર પણ ફોન કઈ રીતે હેક થાય એ શીખ્યા હોય છે, પરંતુ એ સમાજના ભલા માટે અને ગુનેગારને પકડવા માટે પોતાની જાણકારીનો ઉપયોગ કરે છે.શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ( બાવન વિભાગ, મુંબઈ)ના પ્રમુખ જયેશભાઈ શુક્લ, ઉપપ્રમુખ પ્રહલાદભાઈ શુક્લ, મંત્રી મુકેશભાઈ મહેતા, ટ્રસ્ટી વાસુદેવભાઈ ભટ્ટે તથા સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલે ત્રણેય વિદ્વાન વક્તાઓનું તથા સંજય પંડ્યાનું મેમેન્ટોથી સ્વાગત કર્યું હતું. નાનું પણ સુંદર સ્વાગત વક્તવ્ય મુકેશભાઈ મહેતાએ આપ્યું હતું અને આભાર વિધિ પ્રહલાદભાઈ શુક્લએ સંભાળી હતી. પત્રકાર વિનોદ પટેલ, બૅંકર જાગૃતિ શુકલ , શિક્ષણ ક્ષેત્રના કમલેશ મહેતા તથા કેટલાક IT ઍન્જિનિયર્સ અને સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઈ પણ શ્રોતાગણમાં હતાં.

એક વર્ષમાં બધા ટોલ બૂથ થશે ખતમઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ આવતા એક વર્ષમાં તમને ટોલ ટેક્સ પર ઊભા રહેવું નહીં પડે, કારણ કે આ મુદ્દે કેન્દ્ર સરકાર એક ખાસ સિસ્ટમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમ લાગુ થયા પછી ટોલ બૂથ પર પૈસા ચૂકવવા માટે કોઈ પણ વાહનને કતારમાં ઊભા રહી પોતાના વારાની રાહ જોવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં આ નવી સિસ્ટમ વિશે મોટું નિવેદન આપ્યું છે.

તેમના જણાવ્યા મુજબ આવતા એક વર્ષમાં ટોલ વસૂલાતની હાલની વ્યવસ્થા સંપૂર્ણ રીતે બદલી નાખવામાં આવશે. હવે ટોલ ટેક્સ માત્ર ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા જ લેવામાં આવશે. તેનો સૌથી મોટો લાભ વાહનચાલકોને થવાનો છે.શિયાળુ સત્રમાં ગુરુવારે લોકસભામાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા 10 સ્થળોથી શરૂ કરવામાં આવી છે અને આવતા એક વર્ષમાં તેનો દેશવ્યાપી વિસ્તાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ વ્યવસ્થા આવતાં જ હાલની ટોલ સિસ્ટમ પૂરી રીતે બંધ થઈ જશે. ટોલને નામે તમને રોકનાર કોઈ નહીં રહે. એક વર્ષમાં દેશમાં ‘ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન’ લાગુ કરી દેવામાં આવશે. ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે હાલમાં દેશભરમાં 10 લાખ કરોડ રૂપિયાના 4500 રાષ્ટ્રીય હાઈવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.

તાજેતરમાં જારી થયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ભારતના હાઈવે પર ટોલ વસૂલાતને સરળ બનાવવા માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) પ્રોગ્રામ તૈયાર કર્યો છે, જે ઇલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટ માટેનું એકીકૃત ‘ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ’ છે. લોકસભામાં બોલતાં તેમણે દિલ્હી પ્રદૂષણ મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રાથમિકતા આપી રહી છે અને ટોયોટાની ‘મિરાઇ’ હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ કારનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ગડકરીએ પૂરક પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું હતું કે ભવિષ્યનું ઇંધણ હાઇડ્રોજન છે. મારી પાસે પણ એક હાઇડ્રોજન ચાલિત કાર છે અને એ ટોયોટાની છે. આ કાર મર્સિડીઝ જેટલો આરામ આપે છે. કારનું નામ ‘મિરાઇ’ છે, જે જાપાની શબ્દ છે અને તેનો અર્થ ‘ભવિષ્ય’ છે.

UNSCનું કાયમી સભ્યપદ મેળવવામાં ભારતને મદદ કરશે રશિયા?

નવી દિલ્હીઃ ભારત લાંબા સમયથી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું કાયમી સભ્યપદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન એના પર અડચણ ઊભું કરતું રહ્યું છે. જ્યારે રશિયા એકમાત્ર એવો દેશ છે, જેણે ભારતના સભ્યપદની અરજીને સૌથી મજબૂત સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દો પણ ચર્ચામાં આવે એવી શક્યતા છે.

UNSC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને દુનિયાની મુખ્ય શાસન સંસ્થા કહી શકાય. તેમાં વિશ્વના પાંચ તાકાતવર દેશો છે, જેમના નિર્ણયો સામે કદાચ જ કોઈ વાંધો ઉઠાવી ન શકે. આ જ પરિષદનું કાયમી સભ્યપદ મેળવવા ભારત સતત પ્રયત્નશીલ રહ્યું છે. એક તરફ ચીન આમાં રોડાં કરતું રહ્યું છે તો બીજી તરફ રશિયા ભારતની પૂરી રીતે વકીલાત કરતું રહ્યું છે. દિલ્હી જો સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તેમાં મોસ્કોનો મોટો ભાગ રહેશે.

શા માટે UNSCમાં સામેલ થવું મોટી વાત છે?

આ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી શક્તિશાળી અંગ છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર છે. પરિષદ શાંતિ અને સુરક્ષા સંબંધિત અનેક મોટા નિર્ણયો કરે છે, જે ભૂરાજકારણ સાથે જોડાયેલા હોય છે. તેમાં કોઈ દેશ પર સૈન્ય કાર્યવાહીથી લઈને આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશોનો ચૂંટણી સુધી- અહીં સુધી કે આ પરમાણુ સુરક્ષાથી જોડાયેલા નિર્ણયો પણ લઈ શકે છે. આ પરિષદનું કાયમી સભ્યપદ મળવાથી ભારતને વિટો પાવર મળશે, જેથી ખોટા અથવા એકતરફી નિર્ણયો પર તે રોક લગાવી શકશે. આંતરરાષ્ટ્રીય મંચ પર સશક્ત હાજરીને કારણે ભારત સરહદ પર ચાલી રહેલા આતંકવાદના મુદ્દાને પણ વધુ દમદાર રીતે ઉઠાવી શકશે.

પછી વાત ક્યાં અટકી રહી છે?

ભારત વર્ષોથી UNSCનું કાયમી સભ્ય બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને P5માં જગ્યા જોઈએ — એટલે કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, રશિયા અને ચીન જેવું કાયમી સભ્યપદ. આ માગ પાછળ મજબૂત કારણ છે. ભારત વસ્તી, સૈન્ય અને અર્થતંત્ર — ત્રણેય મામલે અત્યંત સશક્ત દેશ છે. તેથી વૈશ્વિક પ્રતિનિધિત્વની વાત કરતાં તેનું સ્થાન હોવું જ જોઈએ, પણ મુદ્દો એટલા માટે અટકી જાય છે કે બધા દેશોની પાકી સહમતી મળતી નથી. કેટલાક દેશોને ભય છે કે નવા કાયમી સભ્યો આવી ગયા તો તેમની અસર અને શક્તિ ઘટી જશે.

છ દરવાજાનો અભેદ્ય કિલ્લો ધરાવતું આ નગર..

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવલું ઐતિહાસિક નગર એટલે વડનગર. અહીં હિંદુ, બૌધ્ધ, જૈન ધર્મના ઐતિહાસક ખોદકામ દરમ્યાન મળી આવ્યા છે.

સંસ્કૃતિ જ્યાં ધરબાયેલી છે એ વડનગરમાં એક સમયે છ દરવાજાની કિલ્લેબંધી હતી, જેમાં ઉત્તર દિશામાં અર્જુનબારી અને નદીઓળ દરવાજા, પશ્ચિમ દિશામાં અમતોળ દરવાજા, દક્ષિણમાં ઘાસકોળ અને પિઠોરી દરવાજો, જ્યારે પૂર્વ દિશામાં અમરથોળ દરવાજાનો સમાવેશ થાય છે. વડનગરના અર્જુનબારી દરવાજામાં જોવા મળતા લેખ મુજબ નગરની ફરતે ઇ.સ 12મી સદી દરમિયાન સોલંકી રાજાનો સમય હતો એ સમયે કુમારપાળે છ દરવાજા સાથે વડનગરની ચારે બાજુ કિલ્લો બાંધીને નગરને અભેદ્ય સુરક્ષા પુરી પાડી હતી. અર્જુનબારી દરવાજા પાસે શિલાલેખ જોવા મળે છે, જેમાં એક ચાલુક્ય વંશનાં રાજા કુમારપાળનો 1152ની સાલનો છે એમાં કિલ્લેબંધી દીવાલ બનાવ્યાનો ઉલ્લેખ છે. બીજો શિલાલેખ ઇ.સ1633નો છે, જેમાં કિલ્લાની દીવાલનો સમારકામનો ઉલ્લેખ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વિદેશી મહેમાન સાથે મળવા નથી દેતી સરકારઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી ભારત પ્રવાસે આવી રહ્યા છે. પુતિનની મુલાકાત પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ મુલાકાત થાય. આ લોકતંત્રની પ્રક્રિયા માટે ચિંતાજનક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 સામાન્ય રીતે પરંપરા એવી છે કે બહારથી જે પણ આવે છે, તેમની LOP સાથે મુલાકાત થાય છે. મનમોહન સિંહ અને વાજપેયીના સમયમાં આ થતું હતું, પરંતુ આજકાલ શું થાય છે કે જ્યારે વિદેશી ગણમાન્ય લોકો આવે છે અથવા હું જ્યારે બહાર જાઉં છું, ત્યારે સરકાર તેમને સલાહ આપે છે કે LOP સાથે મળવું નહીં. આ સરકારની નીતિ છે અને તેઓ દર વખતે આવું જ કરે છે.

સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી નેતાઓને મળે – રાહુલ ગાંધી

તેમણે જણાવ્યું હતું કે અમને સંદેશ આવે છે કે તમે મળશો નહીં. ભારતના સંબંધો તો બધા સાથે છે. વિપક્ષના નેતાઓ પણ એક જુદો નજરિયો રજૂ કરે છે, અમે ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી મહેમાનોને મળે. વડા પ્રધાન મોદી અને વિદેશ મંત્રાલય હવે અસુરક્ષાને કારણે આવું કરે છે.

કોણ નક્કી કરે છે મુલાકાત?

જોકે આ પરંપરા સંપૂર્ણ રીતે બંધ થઈ નથી, તેમ છતાં રાહુલ ગાંધીના આરોપોની વચ્ચે સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે મુલાકાત મહેમાન જ નક્કી કરે છે. રશિયાના મામલામાં પણ પુતિન કોને મળવા માગે છે અને કોને નહીં – તે રશિયાની સરકાર નક્કી કરશે.

ઇન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, અનેક શહેરોમાં મુસાફરો હેરાન-પરેશાન

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતથી ઝઝૂમી રહી છે. તેની અસર દેશભરમાં એરલાઇનના ઓપરેશન પર ગંભીર રીતે જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં અત્યાર સુધી ઇન્ડિગોની 30થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. મુંબઈમાં 85 અને હૈદરાબાદમાં 33 ફ્લાઇટ્સ રદ થઈ છે. ત્રણ દિવસમાં 600થી વધુ ફ્લાઇટ્સ પર અસર પહોંચી છે.

ત્રણ દિવસમાં 600થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ

પાઇલટ અને કેબિન ક્રૂની અછત સહિત ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે બુધવારે પણ દેશભરમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ હતી, જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવાં મોટાં એરપોર્ટ્સ પર મુસાફરોની ભીડ અને ભાગદોડ જોવા મળી હતી. વિમાન ક્ષેત્રનાં સૂત્રો મુજબ છેલ્લા ત્રણ દિવસમાં રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 600ને પાર કરી ચૂકી છે.

ઇન્ડિગો એરલાઇન્સના ડ્યૂટી રોસ્ટરમાં ગરબડ

એરલાઇનના કાઉન્ટર પર સ્ટાફની અછતને કારણે મુસાફરોને રિ-બુકિંગ અને રિફંડ માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો નિરાશ થઈ પોતાની મુસાફરી રદ કરીને પાછા ફરી ગયા હતા. આ મોટા સંકટનું મુખ્ય કારણ પાઇલટ્સનું અચાનક મોટા પ્રમાણમાં બીમાર પડવું અને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોને કારણે ડ્યૂટી રોસ્ટરમાં પડેલી ગરબડ છે. મુસાફરોના મોસમી અવરજવરનો ચરમ સમય હોવા છતાં કંપની પાસે તૈયાર પાઇલટ્સની પૂરતી સંખ્યા ઉપલબ્ધ નથી.

DGCA દ્વારા નોટિસ આપી જવાબ મગાયો

આ ઓપરેશનલ નિષ્ફળતા પર નાગરિક ઉડ્ડયન નિયામક સત્તા DGCAએ કડક વલણ અપનાવી ઇન્ડિગોને નોટિસ પાઠવી છે. તેમાં ત્રણ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવાના કારણોનું વિગતવાર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. DGCAએ કહ્યું છે કે મુસાફરોને થતી મુશ્કેલીઓ માટે એરલાઇન જવાબદાર છે અને તેને યોગ્ય વળતર આપવું પડશે. કંપની દરરોજ અંદાજે 2300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે.

માનવીના આ મોટા દુશ્મનને ઓળખો…

અમે સાધુસંતો એમ કહેતા હોઈએ છીએ કે વેરઝેર રાખવાથી નુકસાન છે. વેરને તો ભૂલી જવું સારું, જેની સામે વેર રાખવાનું થાય એને માફી આપી, જીવનમાં આગળ વધવું.

-પણ ધારો કે હું તમને એમ કહું કે વેર બાંધો… તો? તમને આશ્ચર્ય થશે, નહીં? આપણે માંડીને વાત કરીએઃ

તમે ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલનું આ વાક્ય સાંભળ્યું જ હશેઃ “મૅન ઈઝ અ સોશિયલ એનિમલ અર્થાત્ માણસ સામાજિક પ્રાણી છે. તો માનવસ્વભાવ અથવા માનવતાની વ્યાખ્યા કરતાં કોઈએ કહ્યું કે મૅન ઈઝ અ રૅશનલ ઍનિમલ અર્થાત્ મનુષ્ય એક બુદ્ધિશાળી પ્રાણી છે, તો ત્રીજાએ કહ્યું કે મૅન ઈઝ અ મ્યુઝિકલ ઍનિમલઃ મનુષ્ય એક સંગીતમય પ્રાણી છે.

માનવીની, માનવસ્વભાવ વિશેની આવી કંઈકેટલી, જુદી જુદી વ્યાખ્યા વિશ્વ સમસ્તમાં થઈ છે. આના મૂળમાં માણસના સ્વભાવ છે. સ્વભાવના અનુભવથી લોકો માણસને ઓળખતા આવ્યા છે, ઓળખાવતા આવ્યા છે, માટે આવી અનેક ઓળખાણોના સરવાળા રૂપે કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મૅન ઈઝ અ ટેમ્પરામેન્ટલ ઍનિમલઃ માણસ એ મૂળ તો સ્વભાવયુક્ત પ્રાણી છે.

જાતજાતના ને ભાતભાતના સ્વભાવોનું ઘર એટલે માણસ. મધ જેવા મીઠા ને મરચાં જેવા તીખા સ્વભાવ એમાંથી તમને મળે. તૂરા ને બૂરા, ખારા ને ખોરા સ્વભાવ ને પણ મળી આવે તો નવાઈ નહીં પામવાની. એ તમને યાદ પણ કરશે ને તમારી સામે રિયાદ પણ કરશે. એ લાગણીઓ પણ વ્યક્ત કરશે ને માગણીઓ પણ મૂકશે. એ નિંદા માટે પણ મોં ખોલી શકે છે ને પ્રશંસા માટે પણ! એ મારવા માટે પણ હાથ લંબાવી જાણે છે ને તારવા માટે પણ.

યુગ અને જમાનાની ઓળખાણ પણ મનુષ્યના સ્વભાવ ઉપરથી કરવામાં આવે છે. ઈજિપ્તના પિરામિડોનું ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા કે જેના પર કંઈક લખેલું હતું. પ્રાચીન લિપિના નિષ્ણાતોએ હજારો વર્ષો પૂર્વેના એ લખાણને વાંચ્યું તો તેમાં એક જગ્યાએ એમ લખેલું હતું કે ‘અત્યારે જમાનો બગડી ગયો છે. આજથી વર્ષો પહેલાંનો જમાનો ખૂબ સારો હતો.’

નવાઈની વાત છે કે આજથી હજારો વર્ષ પહેલાં લોકો જે બોલતા હતા એવું જ આજે પણ લોકો બોલે છેઃ ‘અમારો જમાનો સારો હતો.’ કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે, પણ વૃત્તિ તો એની એ જ છે. સ્વભાવ અથવા પ્રકૃતિ અનાદિકાળથી આપણી સાથે જ છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં સમજાવે છે કે “…જીવે જે પૂર્વજન્મના વિશે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાના વિશે અગ્નિપ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવાં કર્મને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

આમ, કોટિકલ્પથી આ સ્વભાવ માણસમાં લોહીની જેમ વણાઈ ગયા છે. ગંભીરતાપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે વિશ્વનાં ભયાનક યુદ્ધો, પારિવારિક સંબંધોમાં તિરાડ, વ્યાવસાયિક સ્થળોમાં પક્ષપાત, શાસનમાં પડ્યુંત્ર વગેરેનાં મૂળ તો કામ, ક્રોધ, માન, મોહ, ઈર્ષ્યા જેવા માણસના સ્વભાવો જ છે. બીજા વિશ્વયુદ્ધની પાછળ હિટલરનો અહંકાર હતો તો પાણિપતની પડતી માટે ભારતીય રાજાઓના શંકાશીલ અને ક્રોધી સ્વભાવ હતા. જ્યાં સુધી આ સ્વભાવો આપણામાંથી દૂર નથી થતા ત્યાં સુધી સુખમય જીવનની કલ્પના અશક્ય છે.

આવા મહાભયાનક શત્રુને દૂર કરવાનો ઉપાય બતાવતાં વચનામૃત જણાવે છે “…માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય, તે સ્વભાવ સાથે સીધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે હરિની ને હરિભક્તની જે ઉપર દયા થાય ત્યારે પોતાના શત્રુ, જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે સ્વભાવ સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે.”

અત્યાર સુધી આપણે સ્વભાવોને મિત્ર માનીને પંપાળતા રહ્યા, પરિણામે તે વધુ ગાઢ બનતા ગયા, પરંતુ જો શાશ્વત સુખ અને શાંતિ તરફ વળવું હોય તો સ્વભાવો સાથે વેર બાંધવું જ રહ્યું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સંસદના મકર દ્વારે વિરોધ પક્ષોનું પ્રદૂષણ મુદ્દે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ દિલ્હીના પ્રદૂષણ મુદ્દો ગંભીર થ ગયો છે. ગુરુવાર સવારે સંસદ પરિસરમાં વિરોધ પક્ષના સાંસદો મકર દ્વારે પહોંચી પ્રદૂષણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષના કેટલાક સાંસદોએ પોતાના ચહેરા પર માસ્ક પહેર્યા હતા અને પ્રદૂષણવિરોધી સૂત્રો લખેલાં પ્લેકાર્ડ અને બેનર હાથમાં રાખ્યાં હતા. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન થયું હતું. એક બેનર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે ‘मौसम का मजा लीजिए’ લખ્યું હતું.

પ્રદૂષણ પર ચર્ચા કરો’ના નારા

વિરોધી સાંસદોએ તેમની આ ટિપ્પણીને દિલ્હી અને અન્ય ઘણાં શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સાથે જોડીને તેમના પર નિશાન સાધ્યું. સંસદ પરિસરમાં વિરોધ દરમિયાન સાંસદોએ “પ્રદૂષણ પર ચર્ચા કરો”ના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસ સંસદીય દળનાં મુખ્ય સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રદૂષણથી નિપટવા માટે કંઈક કરવા સરકાર જવાબદાર છે. તેમણે શિયાળુ સત્રમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચાની માગ સાથે સંસદ પરિસરમાં વિરોધ પક્ષનાં સાંસદો સાથે પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ હાલની વાયુ પ્રદૂષણ પરિસ્થિતિને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે કયા મોસમનો મજા લઈએ? બહાર જુઓ કેવી સ્થિતિ છે. જેમ સોનિયાજી એ કહ્યું કે નાનાં બાળકો શ્વાસ લઈ શકતા નથી.” તેમણે દાવો કર્યો કે દર વર્ષે સ્થિતિ ખરાબ થાય છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે હવે નક્કર પગલાં લેવાની જરૂર છે.

વિરોધ પક્ષના સાંસદો ચહેરા પર માસ્ક લગાવીને સંસદ પહોંચ્યા હતા. વિરોધ પક્ષ સરકાર પાસે પ્રદૂષણ સામે અસરકારક પગલાંની માગ કરી રહ્યો છે. રોહતકથી લોકસભા સાંસદ હુડ્ડાએ પત્રકારોને  કહ્યું હતું કે આજે આપણે અહીં ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર છીએ. અમારી માગ છે કે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિષય પર (જવાબ આપવા) આગળ આવે.

કોઈને પણ વક્ફ સંપત્તિઓને હાથ લગાવવાની મંજૂરી નહીં આપીએઃ CM મમતા બેનર્જી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રના વક્ફ સુધારા કાયદાને લઈને તેમની સરકારની સ્થિતિનું બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ કાયદો ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમની સરકાર રાજ્યમાં વક્ફ સંપત્તિઓને કોઈને પણ સ્પર્શ કરવાની મંજૂરી આપશે નહીં.

કેટલાક મહિનાઓ સુધી બંગાળ સરકારે સુધારેલા કાયદાને અમલમાં મૂકવાનું ટાળ્યું હતું. જોકે હવે તેણે તેને સ્વીકાર્યો છે. રાજ્ય સરકારે પાંચ ડિસેમ્બર સુધી 82,000 વક્ફ સંપત્તિઓની માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવાની સૂચના આપી છે. આ નિર્ણયની અનેક અલ્પસંખ્યક જૂથો અને સંગઠનો દ્વારા ટીકા થઈ રહી છે.

કેટલાક લોકો ધર્મના આધારે ઝઘડી રહ્યા છે – CM મમતા

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ધર્મને આધારે ઝઘડી રહ્યા છે. વક્ફ સંપત્તિ કાયદો ભાજપે બનાવ્યો છે. અમે વિધાનસભામાં તેનો વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં મામલો દાખલ કર્યો છે, જે હજુ ચાલી રહ્યો છે. જ્યાં સુધી અમે અહીં છીએ, અમે કોઈને પણ ધાર્મિક સ્થળોને હાથ લગાવવા નહીં દઈએ. કોઈ પણ હોય, હું કોઈને પણ ધાર્મિક સ્થળોને સ્પર્શ કરવા નહીં દઉં. હું સાંપ્રદાયિક રાજકારણ કરતી નથી. મને બધા ધર્મો પ્રિય છે.

મંગળવારે TMC મંત્રી અને જમિયત ઉલેમા-એ-હિંદ બંગાળના પ્રમુખ સિદ્દીકુલ્લા ચૌધરીએ કહ્યું હતું કે જો વક્ફ સંપત્તિઓ છીનવી લેવામાં આવશે તો મુસ્લિમો ચૂપ નહીં બેસે. મુખ્ય મંત્રીએ SIR (સોશિયલ આઇડેન્ટિફિકેશન રજિસ્ટર) પ્રક્રિયાની પણ ટીકા કરી અને લોકોને ગણતરીનો ફોર્મ યોગ્ય રીતે ભરવા, સુનાવણીમાં હાજર રહેવા અને પ્રવાસી મજૂરોને ઘરે પાછા આવવા અપીલ કરી. આ પ્રક્રિયા વિશે તેમણે કહ્યું હતું કે 12 તારીખથી દરેક બ્લોકમાં કેમ્પો મૂકવામાં આવશે, જેથી જેમનાં નામ કાપવામાં આવશે તેઓ ત્યાં પહોંચી શકે છે.