Home Blog Page 418

અભિવ્યક્તિ: ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સાતમી આવૃત્તિનું 4.5 લાખ દર્શકો સાથે સમાપન

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે સતત સાતમે વર્ષે અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની સફળ પુર્ણાહુતિ થઈ. 13 નવેમ્બરથી શરૂ થયેલી સાતમી આવૃત્તિ 30 નવેમ્બર (રવિવાર)ના રોજ એક મહા માનવ મેળાવડામાં પરિણમી. શ્રેયસ ફાઉન્ડેશન, ગુજરાત યુનિવર્સિટી અને અટીરા એમ ત્રણ સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમોમાં 4.5 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.

આ સમારોહના સમાપન પ્રસંગે સંબોધન કરતા યુ.એન.એમ. ફાઉન્ડેશનના ચેરમેન સપના મહેતાએ કહ્યું, “અભિવ્યક્તિની ઉત્પત્તિ એક સરળ પણ મજબુત વિચાર – ‘કલા તમામ માટે સુલભ હોવી જોઈએ’ -માંથી થઈ હતી. છેલ્લી સાત આવૃત્તિમાં આપણે સહુંએ જોયુ કે કેવી રીતે આ વિચારે પોતાના મુળીયા મજબુત અને ઊંડા કરીને અમદાવાદના હૃદયમાં એક વિશાળ વટવૃક્ષ તરીકે વિકાસ સાધ્યો છે. આ વર્ષે નોંધાયેલ રેકોર્ડબ્રેક ભાગીદારી, પ્રદર્શનની વિવિધતા અને કલા પ્રશંસકો તરફથી મળેલો જબરદસ્ત પ્રતિસાદ એક એવો મંચ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે, જ્યાં સર્જનાત્મકતાની કોઈ સીમાઓ ના હોય. હવે, નવેમ્બર 2026માં રજુ થનાર આઠમી આવૃત્તિ માટે અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ અને મક્કમ છે, કલાકારો અને દર્શકો વચ્ચેનો સેતુ તૈયાર કરતા રહેવાનો.”

અભિવ્યક્તિની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કુલ 2656 અરજીઓ મળી હતી, જે પૈકી 140થી વધુ કલાકારોની પસંદગી કરવામાં આવી છે. આ આવૃત્તિમાં ભાગ લેનાર કલાકારો પૈકી 80 ટકાથી વધુ ગુજરાત બહારના હતા, જે 16 રાજ્યના 45 શહેરનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. જેમાં મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, જયપુર, કોચી જેવા ધમધમતા મહાનગરોથી લઈને સિલચર (આસામ), બાડમેર અને અલવર (રાજસ્થાન), રાયપુર (છત્તીસગઢ), ઉજ્જૈન (મધ્યપ્રદેશ), ગોવા અને વારાણસી (ઉત્તરપ્રદેશ) જેવા ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલ કલાકારોનો સમાવેશ થતો હતો. શહેરના દર્શકોએ તમામ કલા સ્વરૂપોને વધાવી લીધાં હતાં અને અલગ અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની કલા કલારસિકોના દિલને સ્પર્શી ગઈ હતી. અભિવ્યક્તિની સાતમી આવૃત્તિમાં નૃત્ય, રંગભૂમિ, સંગીત અને વિઝ્યુઅલ આર્ટ એમ ચાર શૈલીઓની 140 પ્રસ્તુતિઓનું પ્રીમિયર યોજાયું હતું. મંચ ઉપર પ્રથમ વખત રજૂ કરાયેલ સાહિત્ય વિભાગે પણ કલાત્મક અભિવ્યક્તિઓની ઝલક દર્શાવી હતી.

તેમાં 24 નૃત્ય પ્રસ્તુતિઓ, 23 રંગમંચ પ્રસ્તુતિઓ, 31 સંગીત પ્રસ્તુતિઓ, 62 વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ, સાથે સાહિત્ય – એક નવા અધ્યાય તરીકે જોડાયું હતું. પ્રથમ વખત, અભિવ્યક્તિએ સાહિત્યને કલાના એક અલગ પ્રકાર તરીકે રજૂ કર્યું. આ તમામ પ્રસ્તુતિઓને પાંચ પ્રખ્યાત ક્યુરેટર – ગોપાલ અગ્રવાલ (નૃત્ય), તાપસ રેલિયા (સંગીત), ગુરલીન જજ (નાટક), જય ઠક્કર (વિઝ્યુંઅલ આર્ટ) અને પ્રીતિ દાસ (સાહિત્ય) દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યાં હતાં. કલાકારોને માર્ગદર્શન આપનારા માર્ગદર્શકોમાં ક્રુતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત), સૌમ્ય જોશી (નાટક), ખંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટ), અને રાજેશ ‘મિસ્કીન’ વ્યાસ (સાહિત્ય)નો સમાવેશ થાય છે.

આગામી સમયમાં, અભિવ્યક્તિની અન્ય શહેરો (સુરત, વડોદરા, રાજકોટ અને ભૂજ (કચ્છ)) આવૃત્તિઓ વર્ષ ૨૦૨૬માં ચાલુ થશે, જેમાં અમદાવાદ ખાતે અભિવ્યક્તિની સાતમી આવૃત્તિની લોકપ્રિય પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ અન્ય શહેરોની આવૃત્તિઓ પણ ઉભરતા કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પુરો પાડશે અને કલાને એક વિશાળ દર્શક વર્ગ સુધી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવશે.

પુતિનની ભારત મુલાકાત દરમિયાન એક મોટો રક્ષા કરાર થશે !

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા, બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર અંગે અટકળો તેજ થઈ ગઈ છે. શું ભારત રશિયન સ્ટીલ્થ ફાઇટર જેટ Su-57 અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે? તાજેતરમાં પૂર્ણ થયેલા દુબઈ એર શો (16-21 નવેમ્બર) દરમિયાન, રશિયાની રોસોબોરોન એક્સપોર્ટ કંપનીએ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતમાં Su-57નું ઉત્પાદન કરવાની તૈયારી જાહેર કરી હતી.

ગયા વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કોઈ રશિયન કંપનીએ Su-57 અંગે ભારતને પ્રસ્તાવ મૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં, બેંગલુરુમાં એરો ઇન્ડિયા પ્રદર્શન દરમિયાન, રોસોબોરોન એક્સપોર્ટે પણ તેના પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ (Su-57) ની ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર કરવાની ઓફર કરી હતી. ત્યારથી, ભારત Su-57 ખરીદવાનું સઘન વિચાર કરી રહ્યું છે. Su-57 ના એક કે બે સ્ક્વોડ્રન ખરીદવા કે ભારતમાં મોટી સંખ્યામાં તેનું ઉત્પાદન કરવા અંગે વિચારણા ચાલી રહી છે.

ભારત પાંચમી પેઢીના ફાઇટર જેટનું ઉત્પાદન ક્યારે શરૂ કરશે?

ભારતના સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ, AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ), હજુ તૈયાર થવામાં એક દાયકા દૂર છે. AMCA ડિઝાઇન કરનાર એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દાવો કરે છે કે સ્વદેશી પાંચમી પેઢીના ફાઇટર જેટ 2035-36 સુધીમાં, એક દાયકા પછી તૈયાર થઈ જશે. આવી સ્થિતિમાં, ભારતને દાયકા લાંબી ખાલી જગ્યા ભરવા માટે વિદેશી સ્ટીલ્થ ફાઇટર પર આધાર રાખવો પડી શકે છે.

ચીન અને પાકિસ્તાનને યોગ્ય જવાબ મળશે

જ્યારે ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ સ્ક્વોડ્રન સતત ઘટી રહ્યા છે, ત્યારે ચીને પહેલાથી જ બે પાંચમી પેઢીના ફાઇટર જેટ તૈનાત કરી દીધા છે. લગભગ એક વર્ષ પહેલા, J-20 પછી, ચીને J-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવ્યું હતું. ચીન પણ પાકિસ્તાનને આ J-35 ફાઇટર જેટ સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. લશ્કરી નિષ્ણાતો માને છે કે ભારતે રશિયન Su-57 અથવા યુએસ F-35 પર વિચાર કરવો જોઈએ, કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતને તેનું F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાની ઓફર કરી છે.

Su-57 અને F-35 બંને અત્યંત ખતરનાક અને ઘાતક પાંચમી પેઢીના ફાઇટર જેટ છે. સુખોઈ-57નું ઉત્પાદન રશિયા દ્વારા 2024માં કરવામાં આવ્યું હતું. F-35 છેલ્લા દાયકાથી યુએસ એરફોર્સનો ભાગ છે અને ઘણા દેશોના એરફોર્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, તાજેતરના મહિનાઓમાં શ્રેણીબદ્ધ ક્રેશ થવાથી F-35 વિવાદમાં ફસાઈ ગયું છે.

Su-57 અને F-35 બંનેએ યુદ્ધના મેદાનમાં પોતાની પરાક્રમ સાબિત કરી છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે Su-57નો ઉપયોગ કર્યો છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન સામેના હુમલામાં F-35 ફાઇટર જેટનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. જ્યારે F-35 એક-એન્જિન ફાઇટર એરક્રાફ્ટ છે, ત્યારે Su-57 એક ટ્વીન-એન્જિન એરક્રાફ્ટ છે.

સુપ્રીમ કોર્ટની ડિજિટલ અરેસ્ટ કૌભાંડ મુદ્દે RBIને નોટિસ, તપાસ CBIને સોંપાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ કૌભાંડને અત્યંત ગંભીર મુદ્દો ગણાવતાં તેના તમામ કેસોની તપાસ CBIને સોંપી દીધી છે. કોર્ટે જણાવ્યું કે આ પ્રકારની સાયબર છેતરપિંડીઓ પર તરત જ કાર્યવાહી કરવાની જરૂર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ અરેસ્ટ કૌભાંડ પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે અને હવે અન્ય કૌભાંડથી અલગ CBI સૌથી પહેલાં ડિજિટલ અરેસ્ટ સ્કેમ  સંબંધિત કેસોની તપાસ કરશે.

CBIને મળ્યા ખાસ અધિકારો

ડિજિટલ અરેસ્ટકૌભાંડમાં સાયબર ક્રાઈમમાં જે બેંક અકાઉન્ટ્સનો ઉપયોગ થયો છે, તેની તપાસ માટે CBIને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. સંડોવાયેલા બેંક અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી શકાશે. દેશભરમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ પર નિગરાની રાખવા આ નિર્ણયને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે CBIને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PCA) હેઠળ તે બેંક અધિકારીઓની તપાસ કરવાની પણ સંપૂર્ણ મંજૂરી આપી છે, જેમનાં બેંક અકાઉન્ટ્સનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં થયો હતો.

RBIને નોટિસ જારી

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ પક્ષકાર બનાવી છે અને સવાલ કર્યો છે કે AI/MLની મદદથી શંકાસ્પદ બેંક અકાઉન્ટ્સની ઓળખ અને ક્રાઇમમાં મળેલી રકમને ફ્રીઝ કરવાની પ્રક્રિયા ક્યારે અમલમાં મૂકવામાં આવશે.

બધી એજન્સીઓ CBIને આપશે સહકાર

કોર્ટે નિર્દેશ આપ્યો છે કે IT ઈન્ટરમિડિયરી રુલ્સ મુજબ તમામ સત્તાધિકારીઓ CBIને પૂરતો સહકાર આપે. જેમ રાજ્યોમાં CBIને સામાન્ય મંજૂરી આપવામાં આવી નથી, ત્યાં IT Act 2021ના કેસોની તપાસ માટે વિશેષ મંજૂરી આપવી પડશે, જેથી દેશભરમાં એકસાથે કાર્યવાહી થઈ શકે.

સામાંથા અને ફેમિલીમેનના ડિરેક્ટરે ચૂપચાપ મંદિરમાં કરી લીધા લગ્ન

તમિલનાડુ: સામંથા રૂથ પ્રભુ અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાજ નિદિમોરુ આજે હેડલાઇન્સમાં છે કારણ કે તેમના લગ્નની અટકળો ઇન્ટરનેટ પર ઘણા સમયથી ચાલી રહી હતી. આ વિશે બંન્ને તરફથી કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું ન હતું. જો કે આજે બંન્નેના લગ્નની તસવીરો સામે આવી છે ત્યારે તેમના ફેન્સ ખુશી સાથે શૉકની લાગણી અનુભવી રહ્યા છે. આ દંપતીએ 1 ડિસેમ્બરના રોજ લગ્નના કરી લીધા છે, જેનાથી તેમના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો.જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને ફિલ્મ ડિરેક્ટર રાજ નિદિમોરુ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત સદગુરુના ઈશા ફાઉન્ડેશનના લિંગા ભૈરવી મંદિરમાં પહેલી ડિસેમ્બરે સવારે લગ્નવિધિ સંપન્ન થઈ હતી. તેઓ પરિવારજનો સાથે રવિવારે સાંજે જ કોઇમ્બતુર પહોંચી ગયા હતા.

સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ વચ્ચેના સંબંધોની ચર્ચા વર્ષ 2024ની શરૂઆતથી ચાલી રહી હતી. સામંથાએ ઇન્સ્ટાગ્રામ ફિડ પર રાજ નિદિમોરુને પાર્ટનર ગણાવીને તેમના સંબંધનો સંકેત આપ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં આ સંબંધની પુષ્ટિ કરી નહોતી.

સામંથા અને રાજ અનેક પ્રોજેક્ટમાં સાથે હતા

સામંથા અને રાજ વેબ સિરીઝ ધ ફેમિલી મેન સિઝન 2 અને સિટાડેલ: હની બન્નીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય પણ કેટલાક પ્રોજેક્ટમાં તેઓ સાથે કામ કરી ચૂક્યા છે.  સામંથા અને રાજ બંનેના આ બીજા લગ્ન  

ઉલ્લેખનીય છે કે, સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ બંનેના આ બીજા લગ્ન છે. સામંથાએ અગાઉ નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. તેઓ 2017થી 2021 સુધી રહ્યા હતા અને બાદમાં છૂટાછેડા લીધા હતા. તો રાજ નિદિમોરુએ 2015માં શ્યામલી દે સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2022 સુધી સાથે હતા અને બાદમાં છૂટાછેડા લઈ લીધા હતા.

લોકસભાના શિયાળુ સત્રમાં SIR મુદ્દે બબાલ

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું. આ સત્રમાં કેન્દ્ર સરકાર 14 નવાં બિલ પણ રજૂ કરી શકે છે. મહત્વની વાત એ છે કે શિયાળુ સત્રની શરૂઆત હંગામાથી થઈ છે. વિરોધ પક્ષોએ એકઅવાજે માગ કરી કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે ચર્ચા કરાવવી જોઈએ. જોકે સરકારે કહ્યું કે સંસદની કાર્યવાહી સારી રીતે ચાલી શકે તે માટે તેઓ વિરોધ પક્ષો સાથે ચર્ચા ચાલુ રાખશે, જેથી અવરોધ ટાળી શકાય.

આ પહેલાં સર્વપક્ષી બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે આ શિયાળુ સત્ર છે, એટલે બધાએ ઠંડા દિમાગથી કામ કરવું જોઈએ. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય ઘણા વિરોધી પક્ષોએ SIRની સાથે-સાથે દિલ્હીના વિસ્ફોટની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.એ ઉપરાંત દિલ્હીમાં હવા પ્રદૂષણ, વિદેશ નીતિ, ખેડૂતોની સ્થિતિ, મોંઘવારી, બેરોજગારી અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરાવવા વિનંતી કરી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી પ્રચંડ જીતથી ઉત્સાહિત કેન્દ્ર સરકાર આ સત્રમાં 14 બિલ રજૂ કરી શકે છે.

આ સર્વપક્ષી બેઠકમાં 36 રાજકીય પક્ષોના 50 નેતાઓ જોડાયા હતા. સરકાર તરફથી સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના પ્રમોદ તિવારી, કોડિકુન્નીલ સુરેશ, TMCના નેતા ડેરેક ઓ’બ્રાયન, SPના રામગોપાલ યાદવ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના તિરુચી શિવા વગેરે બેઠકમાં હાજર રહ્યા હતા.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે શિયાળુ સત્રના એક દિવસ પહેલાં સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષી બેઠક માત્ર એક ઔપચારિકતા હતી. બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું, “એવું લાગે છે કે ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વવાળી સરકાર લોકશાહી, સંસદીય પરંપરા અને મર્યાદાને નષ્ટ કરવાની કોશિશ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર જ સંસદને ડિરેઇલ (પાટા પરથી ઉતારવાની) કોશિશ કરી રહી છે.

CM પિનરાઈ વિજયનને રૂ. 466 કરોડની ગેરરીતિ મામલે EDની નોટિસ

તિરુવનંતપુરમઃ કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની મુશ્કેલીઓ વધી રહી છે. KIIFB અને તેના ઉચ્ચ અધિકારીઓને FEMAના ઉલ્લંઘન અંગે નોટિસ આપવામાં આવી છે અને રૂ. 466 કરોડની રકમ અંગે પ્રશ્નો ઊભા થયા છે. KIIFBના ચેરમેન CM પિનરાઈ વિજયન જ છે.

શું છે આખો મામલો?EDએ 12 નવેમ્બર, 2025એ કેરળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) અને તેના ટોચના અધિકારીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન સંબંધિત શો-કોઝ નોટિસો જારી કરી છે. આ નોટિસો લગભગ રૂ.  466.91 કરોડ રૂપિયાની કથિત ગેરરીતિઓથી સંબંધિત છે.

 કોને નોટિસ?

  • Kerala Infrastructure Investment Fund Board (KIIFB)
  • કે. એમ. અબ્રાહમ (CEO, KIIFB)
  • પિનરાઈ વિજયન (ચેરમેન, KIIFB)
  • ટી. એમ. થોમસ આઈઝેક (વાઈસ ચેરમેન, KIIFB)

શું છે આરોપ?

પ્રાપ્ત માહિતી મુજબ KIIFBએ લંડન અને સિંગાપુર સ્ટોક એક્સચેન્જમાં મસાલા બોન્ડ જાહેર કરીને 2672.80 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ રકમ ECB એટલે કે બાહ્ય વાણિજ્યિક ઋણ હેઠળ લેવામાં આવી હતી.

EDનો આરોપ છે કે આ ફંડમાંથી 466.91 કરોડ રૂપિયા જમીન ખરીદવામાં વાપરવામાં આવ્યા. જ્યારે RBIના નિયમો મુજબ મસાલા બોન્ડથી મેળવેલી રકમ જમીન ખરીદીમાં ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપયોગને RBIની માસ્ટર ડિરેક્શન 2016, સર્ક્યુલર 2015 અને 1 જૂન 2018નાં સૂચનોનું સીધું ઉલ્લંઘન માનવામાં આવે છે.

ક્યારે નોંધવામાં આવી ફરિયાદ?

EDએ FEMA હેઠળ ફરિયાદ 27 જૂન 2025એ નોંધાવી હતી. આ મામલો ધ્યાનમાં લીધા બાદ એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ 12 નવેમ્બરે નોટિસો જારી કરી હતી.

તાજેતરમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન કેન્દ્ર સરકારના ‘ગુપ્ત એજન્ટ’ છે. તેના પહેલાં રાજ્ય મંત્રી વી. શિવનકુટ્ટીએ કોંગ્રેસ નેતા અને અલપ્પુઝાના સાંસદને ભાજપ દ્વારા કોંગ્રેસને નષ્ટ કરવા માટે તૈનાત કરાયેલા ‘ગુપ્ત એજન્ટ’ તરીકે સંબોધ્યા હતા.

કર્મચારીઓ પાસેથી છીનવાઈ ગયો હડતાળનો હક?

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં નવો લેબર કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તેના હેઠળ હડતાળ અને તાળાબંધી સંબંધિત નિયમો પહેલાંથી વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે રાજ્યમાં 14 દિવસની પૂર્વ સૂચના વગર ન તો કર્મચારી હડતાળ કરી શકશે અને ન મેનેજમેન્ટ તાળાબંધી કરી શકશે. એ સાથે જ સરકારે સામૂહિક રજા (Mass Casual Leave)ને પણ હડતાળની શ્રેણીમાં સામેલ કરી છે. એટલે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા એકસાથે રજા લેવાશે તો તેને પણ હડતાળ માનવામાં આવશે અને નવા નિયમો લાગુ થશે.

300 કરતાં વધુ શ્રમિકો ધરાવતા કંપની માટે કડક નિયમો

નવી શ્રમ સંહિતા મુજબ હવે 300થી વધુ શ્રમિકો ધરાવતા કંપનીમાં છટણી કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. માત્ર છટણી જ નહીં, કંપનીને બંધ કરવા માટે પણ આ જ નિયમ લાગુ પડશે.

નવી સંહિતાઓ 21 નવેમ્બરથી અમલમાં

ઉત્તર પ્રદેશના શ્રમમંત્રી અનિલ રાજભરે જણાવ્યું કે નવી સંહિતાઓ 21 નવેમ્બરથી રાજ્યમાં અમલમાં આવી ગઈ છે. તેમનો દાવો છે કે શ્રમ કાયદાઓનું પાલન સરળ બન્યું છે અને તેમાં શ્રમિકોનાં હિતોનું પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે. કંપની માટે પણ આ રાહતદાયક છે. એ સાથે જ ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચે સમન્વય વધારવા માટે ફરિયાદ નિવારણ સમિતિ, વાટાઘાટ પરિષદ અને બે સભ્યોનું ઔદ્યોગિક અધીકરણ પણ રચવામાં આવ્યું છે. અનિલ રાજભરના જણાવ્યા મુજબ ન્યૂનતમ વેતન હવે તમામ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં લાગુ પડશે અને સેવા સમાપ્તિ અથવા રાજીનામાની સ્થિતિમાં બે દિવસની અંદર તમામ બાકી ચુકવણીઓ કરવી ફરજિયાત રહેશે.

કર્મચારીઓનો હડતાળનો હક છીનવાયો?

એવું નથી કે હવે કોઈ હડતાળ કરી શકશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હડતાળ કરવાનો અધિકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કર્મચારીઓ હડતાળ કરી શકે છે. ફક્ત બદલાવ એટલો છે કે હવે હડતાળ પહેલાં કર્મચારીઓએ નોટિસ આપવી પડશે, ત્યાર બાદ જ તેઓ હડતાળ પર જઈ શકશે.

મારી પાર્ટનર અડધી ભારતીય છે, અમારા એક પુત્રનું નામ શેખર: એલોન મસ્ક

એલન મસ્કે કહ્યું કે ભારતીય ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોએ અમેરિકાના ટેકનોલોજીકલ અને વ્યવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મસ્કે H1-B વિઝા કાર્યક્રમ ચાલુ રાખવાનું પણ સમર્થન કર્યું.

ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના અબજોપતિ સીઈઓ એલન મસ્કે ખુલાસો કર્યો છે કે તેમની પાર્ટનર શિવૉન જિલિસ અડધી ભારતીય છે. નિખિલ કામતના પોડકાસ્ટમાં અબજોપતિ ઉદ્યોગપતિએ એ પણ ખુલાસો કર્યો કે તેમના એક પુત્રનું નામ શેખર છે. મસ્કે કહ્યું કે આ નામ અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી રાખવામાં આવ્યું છે.

પોડકાસ્ટ દરમિયાન એલન મસ્કે કહ્યું,”મને ખબર નથી કે તમને આ વાતની ખબર છે કે નહીં, પરંતુ મારી જીવનસાથી શિવોન અર્ધ-ભારતીય છે. અમારા એક પુત્રનું મધ્ય નામ શેખર છે, જે ચંદ્રશેખરના નામ પરથી પ્રેરિત છે.” મસ્કે ખુલાસો કર્યો કે તેની જીવનસાથી શિવોન જિલિસ, કેનેડામાં ઉછરી હતી અને બાળપણમાં તેમને દત્તક લેવામાં આવી હતી. શિવોન જિલિસ 2017 માં મસ્કની કંપની ન્યુરાલિંકમાં જોડાઈ હતી અને હાલમાં કંપનીના ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે સેવા આપે છે. શિવોન યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે.

મસ્કે સ્વીકાર્યું કે અમેરિકાને ભારતીય પ્રતિભાથી ફાયદો થયો છે
પોડકાસ્ટ વાતચીત દરમિયાન, એલોન મસ્કે સ્વીકાર્યું કે અમેરિકાને ભારતીય પ્રતિભાથી ફાયદો થયો છે. મસ્કે કહ્યું કે ભારતીય ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોએ અમેરિકાના ટેકનોલોજીકલ અને વ્યવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મસ્કે H1-B વિઝા કાર્યક્રમ ચાલુ રાખવાનું પણ સમર્થન કર્યું.

“H1-B વિઝાનો દુરુપયોગ થયો છે. કેટલીક આઉટસોર્સિંગ કંપનીઓએ રમત રમવાનો પ્રયાસ કર્યો છે. આ બંધ થવું જોઈએ. જોકે, મને નથી લાગતું કે H1-B વિઝા કાર્યક્રમ બંધ કરવો જોઈએ. તે ખરેખર ખરાબ હશે,” મસ્કે આવું પણ ઉમેર્યુ.

સંસદના શિયાળુ સત્રમાં થશે રજૂ 14 બિલ

નવી દિલ્હીઃ સરકારે સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્ર માટે 14 આર્થિક બિલોની યાદી જાહેર કરી છે. તેમાં ઈન્સ્યોરન્સ કાયદામાં ફેરફાર કરતું વિધેયક અને તંબાકુ-પાન મસાલા જેવા ‘સિન ગુડ્સ’ પર ટેક્સ અને સેસ લગાડતાં બે અન્ય બિલોનો સમાવેશ થાય છે. એ સાથે જ 2025-26 માટેની ગ્રાન્ટ્સની સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સનો પહેલો તબક્કો પણ આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર સુધી ચાલશે.

આ માટે સાંસદોને મોકલવામાં આવેલી બિલોની યાદી મુજબ સરકાર નવી પેઢીના ફાઇનાન્સિયલ સુધારાઓના ભાગરૂપે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની યોજના સાથે ઈન્સ્યોરન્સ કાયદા (સંશોધન) બિલ 2025 રજૂ કરશે. અત્યાર સુધી ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વિદેશી સીધી મૂડીરોકાણ (FDI) દ્વારા રૂ. 82,000 કરોડ આવી ચૂક્યું છે.

હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઈઝ (સંશોધન) વિધેયક 2025 અને હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025 રજૂ કરશે. આ વિધેયકો મારફતે સિગારેટ, તંબાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર લાગતા GST કોમ્પોન્સેશન સેસને બદલીને નવો સેસ લાદવામાં આવશે. હાલમાં તંબાકુ અને પાન મસાલા પર 28 ટકા GST લાગે છે અને તેના પર જુદા-જુદા દરે કોમ્પેન્સેશન સેસ વસૂલવામાં આવે છે.

સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025

સરકારે સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025 પણ રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યું છે, જે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એક એકીકૃત સિક્યોરિટીઝ માર્કેટ કોડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ 2025

જન વિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ) બિલ 2025 સામાન્ય જીવન અને બિઝનેસને સરળ બનાવવા માટે નાના ગુનાઓને ડિક્રિમિનલાઈઝ કરવાની દિશામાં કાર્ય કરે છે. આ બિલ ઓગસ્ટમાં લોકસભામાં રજૂ થયું હતું અને તેને એક સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું.

અન્ય આર્થિક બિલોમાં નીચેના વિધેયકોનો સમાવેશ થાય છે:

ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સંશોધન) બિલ 2025

મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (સેકન્ડ એમેડમેન્ટ) બિલ 2025

નેશનલ હાઈવે (સંશોધન) બિલ 2025

કોર્પોરેટ લો (સંશોધન) બિલ 2025

શું શશિ થરૂર કોંગ્રેસથી થઈ રહ્યા છે દૂર?

નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય અને સાંસદ શશિ થરૂર સંસદના શિયાળુ સત્ર પહેલાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કોગ્રેસ વ્યૂહાત્મક જૂથની બેઠકમાં હાજર નહોતા રહ્યા. જોકે થરૂરના કાર્યાલયે સ્પષ્ટ કર્યું હતું કે તે કેરળમાં હતા અને પોતાની 90 વર્ષીય માતા સાથેની ફ્લાઈટથી પાછા આવી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારને કારણે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાજર નહોતા રહી શક્યા.

SIR મુદ્દે પણ બેઠકમાં જોડાયા નહોતા થરૂર

હાલમાં જ, ખરાબ તબિયતનું કારણ આપીને થરૂર SIR મુદ્દે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં જોડાયા નહોતા, પરંતુ એક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં તેમની હાજરી અને વડા પ્રધાનની પ્રશંસા કરતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે પાર્ટીની અંદર પ્રશ્નો ઊભા થયા હતા. વડા પ્રધાન મોદી વિશેની તેમની ટિપ્પણી બાદ તેઓ પાર્ટીના કેટલાક અન્ય નેતાઓના નિશાને આવી ગયા હતા.

PM મોદીની પ્રશંસા

થરૂરની પ્રશંસા PM મોદીના તે વિઝન પર કેન્દ્રિત હતી, જેમાં તેમણે ભારતમાં એક ઊભરતા બજારથી વૈશ્વિક પડકારો વચ્ચે લવચિકતા દર્શાવીને તેને એક ઉભરતા મોડલમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ગુલામી માનસિકતાનો અંત લાવવા અને ભાષા, સંસ્કૃતિ અને વારસાના માધ્યમથી રાષ્ટ્રીય ગૌરવ વધારવાના પીએમ મોદીના અભિગમને પણ સ્વીકાર્યો હતો. આકરી પ્રતિક્રિયાઓ છતાં થરૂરે કોંગ્રેસ છોડવાની કોઈ યોજના હોવાનો ઇનકાર કર્યો છે અને પોતાની ટિપ્પણીઓને નારાજગી નહીં, પરંતુ મતભેદ ગણાવ્યા છે.

કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે શશિ થરૂરની સમસ્યા એ છે કે મને નથી લાગતું કે તેમને દેશ વિશે વધારે જાણકારી છે. જો તમારું માનવું છે કે કોઈ કોંગ્રેસની નીતિઓના વિરુદ્ધ જઈને દેશનું ભલું કરી રહ્યા છો, તો પછી તમારે પણ એ જ નીતિઓ અનુસરવી જોઈએ. તમે કોંગ્રેસમાં શા માટે છો?  જો તમને ખરેખર લાગે છે કે ભાજપ અથવા વડા પ્રધાન મોદીની વ્યૂહરચનાઓ તમારી પાર્ટી કરતાં સારી છે, તો તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. જો તમે સ્પષ્ટતા નથી કરતા, તો તમે કપટ કરી રહ્યા છો.

થરૂરની ટિપ્પણીઓની અનેક કોંગ્રેસ નેતાઓએ આકરી ટીકા કરી હતી. પાર્ટી નેતા સંદીપ દીક્ષિતે સવાલ કર્યો હતો કે જો થરૂરને ભાજપ અથવા વડા પ્રધાનની વ્યૂહરચનાઓ વધુ સારી લાગે છે, તો તેઓ કોગ્રેસમાં શા માટે ટક્યા છે?