Home Blog Page 4299

કોરોનાથી મરણાંક 50,000; બ્રિટન યુરોપનો પહેલો દેશ

લંડનઃ બ્રિટન યુરોપનો પહેલો એવો દેશ બની ગયો છે, જ્યાં કોવિડ-19 સંબંધિત 50,000થી વધુ મોત થયા છે. વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે અમે દર વખતે કોરાને કારણે થતા મોત પર શોક મનાવીએ છીએ. આ સપ્તાહ દરમ્યાન બ્રિટનમાં 22959 નવા રેકોર્ડ કેસો નોંધાયા હતા, જેની સાથે કુલ 12,56,725 લોકોના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, એમ સરકાર દ્વારા સત્તાવાર જાહેર થયેલા આંકડા જણાવે છે.

ગઈ કાલે આ વાઇસના સંક્રમણને કારણે 595 લોકોનાં મોત થયાં છે, જેથી અમેરિકા, બ્રાઝિલ, ભારત અને મેક્સિકો પછી બ્રિટન કોરોના વાઇરસને કારણે થયેલા મોતનો આંકડો 50,000ને પાર કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે અને યુરોપનો પહેલો દેશ બન્યો છે. આપણે હજી કોરોનાની ચુંગાલમાંથી બહાર નથી આવી શક્યા. દરેક મોત એક ટ્રેજડી છે. આપણે દરેક મોત પર શોક વ્યક્ત કરીએ છીએ અને અમારી સંવેદનાઓ તેમના પરિવારો અને મિત્રો સાથે છે, એમ જોન્સને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ એક વૈશ્વિક રોગચાળો છે અને આ વર્ષના અંત સુધી વેક્સિન તૈયાર થવાના ન્યૂઝ છે. જોકે તેમણે કહ્યું હતું કે ફાઇઝર, બાયોએનટેકની વેક્સિન માટે પ્રારંભિક દિવસો છે. તેમણે લોકોને આગ્રહ કર્યો હતો કે કોરોના વધુ પ્રસરે નહીં એટલા માટે લોકડાઉનના નિયમોનું સખતાઈથી પાલન કરે. યુકે સરકારે લોકોના ટેસ્ટિંગની ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું હતું. અમે લેટેસ્ટ ટેસ્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ યુકેના આરોગ્યપ્રધાને કહ્યું હતું.

અણુસબમરીન ‘વાગીર’નું જલાવતરણ, ભારતીય નૌકાદળની તાકાત વધી…

ભારતીય નૌકાદળની સ્કોર્પીન-વર્ગની પાંચમી સબમરીન ‘વાગીર’ને 12 નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં મઝગાંવ ગોદી ખાતે લોન્ચ કરવામાં આવી. ફ્રેન્ચ ડિઝાઈનવાળી આ અણુ-સબમરીનને ‘મેક ઈન ઈન્ડિયા’ સંકલ્પ અંતર્ગત સ્વદેશી ટેક્નોલોજી વડે ભારતમાં બનાવવામાં આવી છે. આ સબમરીનનું અરબી સમુદ્રમાં જલાવતરણ કરાતા ભારતીય નૌકાદળની તાકાત વધી ગઈ છે.

સંરક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ નાઈકના પત્ની વિજયા નાઈકે પરંપરાગત શ્રીફળ વિધિ અનુસાર સબમરીનને લોન્ચ કરી હતી. આ પ્રસંગે ભારતીય નૌકાદળના વાઈસ-એડમિરલ અને પશ્ચિમી નૌકા કમાન્ડના વડા આર.બી. પંડિત તથા નૌકાદળના અન્ય અધિકારીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિંદ મહાસાગરની શિકારી માછલી ‘વાગીર’ના નામ પરથી આ સબમરીનનું નામ રાખવામાં આવ્યું છે.

ફ્રાન્સના નૌકાદળ સાથે ભારતીય નૌકાદળે કરેલા સહયોગ મુજબ ફ્રાન્સ પાસેથી ભારતને કુલ 23,000 કરોડના ખર્ચે સ્કોર્પીન વર્ગની છ સબમરીનો પ્રાપ્ત થવાની છે. આમાં ચાર મળી ચૂકી છે – આઈએનએસ કલવારી, ખંડેરી, કરંજ અને વેલા.

સબમરીન વાગીરની ખાસિયત એ છે કે તે સમુદ્રની અંદર ગુપચુપ રીતે દુશ્મનનો પતો લગાવવાની ક્ષમતા ધરાવે છે. તે ઉપરાંત સમુદ્રમાં સુરંગ બિછાવવા, અણુશસ્ત્ર વડે હુમલો કરવા, દુશ્મનોની સબમરીન પર અને સબમરીનમાંથી દરિયાની સપાટી પરના દુશ્મન લક્ષ્યાંકને તોડી પાડવા અને ક્ષેત્રીય જાસુસીમાં પણ કુશળ છે.

મઝગાંવ ડોકમાં આ સબમરીનને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે.

ગિરનાર રોપવેનો 20,000થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો

જૂનાગઢઃ  એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનો તેનો આરંભ કરાયાના પહેલા 15 દિવસમાં 20,000થી પણ વધુ મુસાફરોએ લાભ લીધો છે. હાલ દિવાળીનો સમય છે એટલે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થશે તેવી સંચાલકો દ્વારા આશા રાખવામાં આવી છે. વળી, દર વખતે દિવાળી પછી દેવઊઠી અગિયારસે લીલી પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી છે. કોરોના કાળ ચાલી રહ્યો છે. તેથી પ્રવાસીઓ આવશે કે કેમ એ વિશે આશંકા છે.

ભવનાથ તળાવનો અદભુત નજારો

રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલી વનરાજી તેમ જ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદભુત નજારો જોવાનો તેમ જ રોમાંચનો અનુભવ થાય છે.

લોઅર-સ્ટેશનથી ટ્રોલીને અપર સ્ટેશન સુધી પહોંચતા સાડા છથી સાત મિનિટ થઈ હતી. જ્યારે અપર સ્ટેશનથી પરત લોઅર સ્ટેશન સુધી આવવા માટે પાંચથી છ મિનિટનો સમય લાગે છે. આમ પગથિયાં ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર ૧૫ મિનિટમાં આવ-જા થઈ શકે છે.

ભારત વિરુદ્ધ ટેસ્ટશ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ ભારતીય ક્રિકેટ ટીમ સામે ઘરઆંગણે રમાનાર આગામી ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની આજે જાહેરાત કરી છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે ટીમ પેનની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાના 17-ખેલાડીઓની ટીમમાં 22-વર્ષીય બેટ્સમેન વિલ પુકોવ્સ્કી નવો ચહેરો છે. ફાસ્ટ બોલર પેટ કમિન્સને વાઈસ-કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

વિલ પુકોવ્સ્કી

પસંદગીકારોની સમિતિના ચેરમેન ટ્રેવર હોન્સે કહ્યું કે, અનેક સ્ટેન્ડઆઉટ ખેલાડીઓમાંથી કેમરન ગ્રીન અને વિલ પુકોવ્સ્કીને પસંદ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડી હાલ જોરદાર ફોર્મમાં છે. ભારત સામેની શ્રેણી રસપ્રદ રહેવાની ધારણા છે. પહેલી ટેસ્ટ 17 નવેમ્બરથી એડીલેડમાં રમાશે, જે ડે-નાઈટ હશે અને ગુલાબી રંગના બોલથી રમાશે.

આ છે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમઃ

કેમરન ગ્રીન

શોન એબટ, જો બર્ન્સ, પેટ કમિન્સ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રાવિસ હેડ, માર્નસ લેબુશેન, નેથન લિયોન, માઈકલ નેસર, ટીમ પેન (કેપ્ટન), જેમ્સ પેટિન્સન, વિલ પુકોવ્સ્કી, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.

નાણાંપ્રધાને ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ લોન્ચ કરી

નવી દિલ્હીઃ મોદી સરકારે અર્થતંત્રને પાટે ચઢાવવા માટે વધુ એક રાહત પેકેજ આપવાની આજે ઘોષણા કરી છે. એની સાથે જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ લોન્ચ કરી છે. મોદી સરકાર પ્રવાસી મજૂરો માટે ખાસ પ્રકારનું પોર્ટલ લાવવાની છે. એનો ઉદ્દેશ નવ રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. એના હેઠળ જે કંપનીઓ નવા લોકોને રોજગાર આપી રહી છે એટલે કે જે પહેલેથી જ EPFOમાં સમાવિષ્ટ નથી, તેમને લાભ મળશે. એનો લાભ માસિક રૂ. 15,000થી ઓછી સેલરીવાળા અથવા 1 માર્ચ, 2020થી માંડીને 31 સપ્ટેમ્બર, 2020ની વચ્ચે નોકરી ગુમાવનારા લોકોને એનો લાભ મળશે. આ સ્કીમ 1 ઓક્ટોબર, 2020થી લાગુ થશે.  

આ યોજના હેઠળ દેશમાં ઝડપથી નોકરીઓની તક વધશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગારનું સર્જન થશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગારીનું સર્જન થશે. અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા પર કામ થશે. આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 પગલાંની ઘોષણા થશે. રજિસ્ટર્ડ EPFO સંસ્થાથી જોડાયેલા કર્મચારીઓને એનો લાભ મળશે.

આવી રીતે લાભ મળશે

સરકાર આવનારાં બે વર્ષ સુધી સબસિડી આપશે, જે સંસ્થામાં 1000 સુધી કર્મચારીઓ છે, એમાં પ્રોવિડન્ટ ફંડમાં 12 ટકા કર્મચારીઓ અને 12 ટકા કંપનીનો હિસ્સો કેન્દ્ર આપશે. 1000થી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓમાં કેન્દ્ર કર્મચારીઓના હિસ્સાના 12 ટકા આપશે. 65 ટકા સંસ્થાઓ આમાં કવર થશે.

આ નવા પેકેજ હેઠળ સરકાર પ્રધાનમંત્રી રોજગાર યોજનાનું વિસ્તરણ કરી શકે છે. આ સ્કીમ હેઠળ સરકાર નવા કર્મચારીઓ અને કંપનીઓના PFના હિસ્સા પર 10 ટકા સબસિડી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ GSTમાં રજિસ્ટર કંપનીઓને સરકાર વેજ (Wage) સબસિડીનો લાભ આપી શકે છે.

રિપબ્લિક-ટીવી પ્રાદેશિક ચેનલો શરૂ કરશેઃ અર્ણબ ગોસ્વામી

મુંબઈઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ વચગાળાના જામીન પર છૂટેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ આજે સનસનાટીભરી જાહેરાત કરતા કહ્યું કે રિપબ્લિક મિડિયા કંપની એક વર્ષમાં પ્રાદેશિક ચેનલો શરૂ કરશે.

તળોજા જેલમાંથી મુક્ત કરાયા બાદ રિપબ્લિક ટીવી ન્યૂઝરૂમમાં સહયોગીઓ સમક્ષ કરેલા સંબોધનમાં ગોસ્વામીએ કહ્યું કે પોતે ટૂંક સમયમાં જ એક આંતરરાષ્ટ્રીય મિડિયા પ્રોજેક્ટ શરૂ કરશે. અને આગામી મહિનાઓમાં દેશની દરેક ભાષાઓમાં રિપબ્લિક ચેનલો શરૂ કરવામાં આવશે.

ગોસ્વામીએ કહ્યું કે, ‘આગામી 11-12 મહિનાઓમાં આપણે દેશના દરેક રાજ્યમાં રિપબ્લિક નેટવર્ક શરૂ કરીશું.’ ગોસ્વામીએ રિપબ્લિક ટીવી સામે કિન્નાખોરી રાખવા સામે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે મને જેલમાં પૂરશો તો હું ત્યાંથી પણ ચેનલ શરૂ કરીશ. તમે કંઈ પણ કરી નહીં શકો. હું એકલો નથી, આખો દેશ મારી સાથે છે. જો હું આવતા 16 મહિનામાં ગ્લોબલ મિડિયા નેટવર્ક શરૂ નહીં કરી શકું તો મારું નામ બદલી નાખીશ.

કોરોનાના 47,905 નવા કેસો, 550નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,905 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 550 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,83,916 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,121  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,66,501 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52,718 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,89,294એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

SBIએ ફેક ન્યૂઝથી બચવા ગ્રાહકોને સતર્ક કર્યા

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સોશિયલ મિડિયા પર ફેક ન્યૂઝથી બચવા માટે ગ્રાહકોને સતર્ક કર્યા છે. SBIએ ટ્વીટ કરીને ખાતાધારકો, ગ્રાહકોને કહ્યું છે કે આજકાલ સોશિયલ મિડિયા પર બહુબધા ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. જો તમે એના ચક્કરમાં પડ્યા તો બેન્કિંગ છેતરપિંડીનો શિકાર બની શકો છો, જેથી આ બધા ફેક અને ભ્રામક મેસેજથી બચીને રહો. બેન્ક આ પ્રકારના કોઈ મેસેજ નથી મોકલતી. જો તમે ફેક મેસેજથી સતર્ક ના રહ્યા તો તમારું બેન્ક ખાતું ખાલી થઈ શકે છે.

સતર્ક રહો, સુરક્ષિત રહો

SBIએ ટ્વિટર પર ગ્રાહકોને સતર્ક કરવા માટે પૂરી સિરીઝ ચલાવી છે. જેમાં ગ્રાહકોને કહ્યું છે કે જ્યારે તેઓ સોશિયલ મિડિયા પર SBIની વિઝિટ કરે ત્યારે સૌથી પહેલાં બ્લુ ટિક જોઈને વેરિફાઈ કરે એ  SBIનું અસલી એકાઉન્ટ છે. વળી જે પણ પેજ SBI જેવું દેખાય એના પર ખાનગી માહિતી ઓનલાઇન ક્યારેય શેર ના કરે. આવું કરવાથી ગ્રાહકોના ખાતામાંથી રકમ ખાલી થઈ શકે છે. બેન્કે ATM, પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપી ક્યારેય કોઈ સાથે શેર ના કરવા વિનંતી છે.

ફેક વેબસાઇટ પર ચેતવણી

આ પહેલાં SBIએ પોતાના ગ્રાહકોને બેન્કના નામે ચાલી રહેલી એક ફેક વેબસાઇટને લઈને પણ ચેતવણી જારી કરી હતી.  SBIના ગ્રાહકો આવા મેસેજથી દૂર રહે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે આવી વેબસાઇટ પર જઈને એકાઉન્ટ અને પાસવર્ડને અપડેટ કરો. બેન્ક આવા કોઈ મેસેજ નથી મોકલતી.

SBI ગ્રાહક આ રીતે ચેક કરી શકે છે બેલેન્સ

SBIનું બેલેન્સ જાણવા માટે તમારે તમારો રજિસ્ટર મોબાઇલ નંબરથી ટોલ ફ્રી નંબર 92237 66666 પર મિસ્ડ કોલ આપીને બેલેન્જ જાણી શકાય છે અથવા SMSથી બેલેન્સ જાણવા માટે એ જ નંબર પર BAL SMS મોકલીને જાણી શકાય છે.

ફોનમાં ક્યારેય બેન્કિંગ માહિતી સેવ ના કરો

મોબાઇલમાં ક્યારેય પોતાની ઓનલાઇન બેન્કિંગથી જોડાયેલી જાણકારી સેવ ના કરો. જો તને એ માહિતી સેવ કરશો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો, એમ બેન્કે કહ્યું હતું.

ATM કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી શેર ના કરો

તમે તમારા ડેબિટ કાર્ડ કે અન્ય કોઈ પણ વ્યક્તિને ક્યારેય ના આપો. ડેબિટ, ક્રેડિટ કાર્ડની માહિતી કોઈ પણ સાથે ક્યારેય પણ શેર ના કરો. CVV, PIN નંબર ક્યારેય કોઈને ના આપો.

પબ્લિક ઇન્ટરનેટ પર બેન્કિંગ ના કરો

ઓનલાઇન બેન્કિંગ માટે ક્યારેય કોઈ સાઇબર કેફે, ઓફિસ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ના કરો. હંમેશાં એના માટે પર્સનલ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરો. ઓપન નેટવર્ક અથવા પબ્લિક વાઇફાઇથી બેન્કિંગ ફ્રોડનું જોખમ વધુ રહે છે. તમારી સંવેદનશીલ માહિતી લીક થઈ શકે છે.

બેન્ક ક્યારેય કોઈ માહિતી નથી માગતી

SBIનું કહેવું છે કે ક્યારેય પણ ગ્રાહકો પાસેથી બેન્ક કોઈ સંવેદનશીલ માહિતી નથી માગતી. બેન્ક ક્યારે પણ યુઝર ID, પાસવર્ડ, PIN CVV, OTP, VPA (UPI)ની માહિતી નથી માગતી.

 

 

 

WHOના વડાએ પીએમ મોદીનો આભાર માન્યો

વોશિંગ્ટનઃ સમગ્ર દુનિયા હજી કોરોના વાઈરસ મહાબીમારી સામે ઝઝૂમી રહી છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ઘેબ્રિસસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને આ રોગચાળાનો સામનો કરવામાં ભારતના સહયોગની સરાહના કરી હતી અને વ્યક્તિગત રીતે મોદીનો આભાર માન્યો છે.

ડો. ટેડ્રોસે આની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એમણે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય મુદ્દાઓ પર ભારતની શરૂઆતથી જ મહત્ત્વની ભૂમિકા રહી છે. ટ્વીટમાં ડો. ટેડ્રોસે લખ્યું છે કે, કોવેક્સ પરત્વે અને કોવિડ-19 રસીઓને વૈશ્વિક જનતાને ઉપલબ્ધ કરાવવાનો પ્રતિબદ્ધતા દર્શાવવા બદલ હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું. આ રોગચાળો સમગ્ર વિશ્વ માટે અભૂતપૂર્વ પડકાર છે અને એનો અંત લાવવા માટે ખભેખભા મિલાવીને કામ કરવા આપણે સહમત થયા છીએ.

વડા પ્રધાન મોદીએ પણ કોરોના સંકટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ બજાવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. એમણે ટ્વીટમાં લખ્યું છે કે ફોન પર મારે ડો. ટેડ્રોસ સાથે સરસ વાતચીત થઈ. અમે આરોગ્ય અને નિરોગીપણાને દુનિયાભરમાં ઉત્તેજન આપવા માટે પરંપરાગત ઔષધની વ્યાપક સંભાવના વિશે ચર્ચા કરી હતી. કોવિડ-19 સામેની લડાઈમાં WHO અને દુનિયાના દેશોને ભારતનો ટેકો મળી રહેશે એવી મેં એમને ખાતરી આપી હતી.

 

કલરોનું કોમ્બીનેશન એટલે કોપરસ્મીથ બારબેટ

કુદરત પાસે કેવા અને કેટલા કલર કોમ્બીનેશન છે તે જોવુ હોય તો જંગલમાં રહેતા પક્ષીઓને જોઇએ તો ખબર પડે. એમાં પણ આ કોમ્બીનેશન તમારે પક્ષીમાં જોવું હોય તો પછી તમારે એક વખત કોપરસ્મીથ બારબેટ(કંસારો) ને જોવું પડે. લક્કડ ખોદની જેમ એ વૃક્ષની સુકી ડાળીમાં ચાંચ વડે 2 કાણા બનાવી માળો બનાવે ત્યારે લાગે કે આટલા નાના પક્ષીમાં કેટલી શક્તિ છે અને કેવી ધીરજ છે.

આપણને થાય આ પક્ષીનું નામ કોપરસ્મીથ બારબેટ કે કંસારો શા માટે પડ્યું હશે પણ જ્યારે તમે એને બોલતુ સાંભળો ત્યારે તમને ખબર પડે કે જાણે કોઇ ટીપી ટીપીને તાંબાના વાસણ બનાવતું હોય. ટીપવાનો અવાજ જેમ સતત આવે એમ કોપર સ્મીથ બારબેટ પણ સતત આવો અવાજ કરે. જંગલમાં ફરતા હોય ત્યારે સતત આ અવાજ સંભળાય પણ કોપર સ્મીથ બારબેટ(કંસારો) જલ્દી દેખાય નહી.