Home Blog Page 4300

કોરોનાએ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતાનો જાન લીધો

શિમલાઃ કોરોના વાઈરસે બોલીવૂડને એક વધુ આંચકો આપ્યો છે. એણે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતા હરીશ બંચટાનો જાન લીધો છે. બંચટાએ ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. એમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. એમનું આજે સવારે નિધન થયું હતું.

48 વર્ષીય બંચટા બોલીવૂડમાં 18-વર્ષથી કામ કરતા હતા. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બજરંગી ભાઈજાનમાં એમણે કરેલા અભિનયની ઘણી પ્રશંસા કરાઈ છે. બંચટાએ સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ જેવી અનેક ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.

હજી ગયા સોમવારે રાતે જ બંચટાની માતાનું કોરોનાને કારણે નિધન થયું હતું. મંગળવારે સાંજે કોરોના નિયમો અનુસાર બંચટાના પૈતૃક ગામમાં જૂજ લોકોની હાજરીમાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશ બંચટાને તાવ ચડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંચટાને એક દીકરી છે, જે 9મા ધોરણમાં ભણે છે.

ફટાકડા પર પ્રતિબંધનો આદેશ સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં દિવાળી, છઠ પૂજા, કાલી પૂજા વગેરે દરમ્યાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના કલકત્તા હાઇ કોર્ટના આદેશને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી સહિત ચાલી રહેલી તહેવારોની સીઝન દરમ્યાન પશ્ચિમ બંગાળમાં ફટાકડા પર પ્રતિબંધની  વિરુદ્ધની એક અરજી ફગાવી દેતાં એમાં દખલ દેવાનો ઇનકાર કર્યો હતો. બે સભ્યોની ખંડપીઠના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે જ્યાં જીવ સામે જોખમ હોય ત્યારે જીવનના રક્ષણથી મોટું કોઈ મૂલ્ય નથી. આ ખંડપીઠના અન્ય સભ્ય ઇન્દિરા બેનરજી છે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમ્યાન જીવનના રક્ષણથી વધુ મહત્ત્વપૂણ કંઈ નથી. હવે ખુદના જીવન જોખમમાં છે અને લોકોની સમસ્યા ઉકેલવા એકજૂટ થવું જોઈએ.

પશ્ચિમ બંગાળમાં દિવાળી, કાલી પૂજા અને છઠપૂજા દરમ્યાન ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ગઈ પાંચમી નવેમ્બરે કલકતા હાઇકોર્ટે એક વિડિયો લિન્કના માધ્યમથી આપેલા આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ સુનાવણી કરી હતી. કલકત્તા હાઈકોર્ટે આ પ્રતિબંધ કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં લઈને મૂક્યો છે.

હાઇકોર્ટના આદેશ પછી કેટલીય જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી. વળી મમતા સરકારે પણ લોકોને ફટાકડા ન ફોડવાની વિનંતી કરી છે.

ભારત-ચીન સરહદ વિવાદ ઉકેલાઈ જવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ એક મહત્ત્વની ઘટનામાં, ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ ટૂંક સમયમાં કદાચ ઉકેલાઈ જશે, કારણ કે બંને દેશના લશ્કર પૂર્વીય લદાખ ક્ષેત્રના ભાગોમાંથી સૈનિકોને હટાવી લેવા માટે સહમત થયા છે. આ સહમતી અંતર્ગત બંને દેશના સૈનિકો આ વર્ષના એપ્રિલ-મે પહેલાં જે સ્થળોએ તૈનાત હતા ત્યાં પાછા જતા રહેશે. ગઈ 6 નવેમ્બરે ચુશુલમાં યોજાઈ ગયેલી બંને દેશના 8મા કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટ દરમિયાન ડિસએન્ગેજમેન્ટ પ્લાન (સૈન્યને હટાવી લેવાની યોજના) પર ચર્ચા થઈ હતી.

આ પ્લાનને ત્રણ તબક્કામાં વહેંચી દેવામાં આવ્યો છે. એનો અમલ એક અઠવાડિયામાં જ શરૂ કરવાનો રહેશે. પહેલા તબક્કામાં, પોન્ગોન્ગ સરોવર વિસ્તારમાંથી ટેન્કો અને તોપો તથા શસ્ત્રસજ્જ સૈનિકવાહનો સહિત તમામ સૈન્ય વાહનોને સરહદ પર આગળના ભાગમાંથી પાછા હટાવી લેવામાં આવશે. બીજા તબક્કામાં, પેન્ગોન્ગ લેકની ઉત્તર બાજુએથી બંને દેશ પોતપોતાના સૈનિકોને પાછળ હટાવી લેશે. ચીન પોતાના સૈનિકોને ફિંગર-8ની પાછળના ભાગમાં તેના જૂના સ્થાને ખસેડી લેશે અને ભારત પોતાની સેનાને ધ્યાનસિંહ પોસ્ટના પ્રશાસનિક પોસ્ટ નજીક પાછી ખસેડી લેશે. ત્રીજા તબક્કામાં, પેન્ગોન્ગની દક્ષિણ બાજુના વિસ્તારમાં બંને દેશની સેના પાછળ હટાવી લેવામાં આવશે.

હાલ પૂર્વીય લદાખમાં ઊંચા પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી હોવાથી બંને દેશના લશ્કર સમાધાન કરી લેવા સહમત થયા છે. 15-16 હજાર ફૂટની ઊંચાઈના સ્થળોએ હાલ માઈનસ 45 ડિગ્રી ઠંડી પડી રહી છે.

કોરોનાના કેસોની સંખ્યા 86 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,281 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 512 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,36,011 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,27,571  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,13,783 લોકો માત આપી ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,94,657એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફાઇઝરની કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 90 ટકા અસરકારક

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વેક્સિન બનાવવામાં વ્યસ્ત ફાઇઝરે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કોવિડ-19 વેક્સિન 90 ટકા અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિન ડેટા પર પ્રારંભિક નજર રાખવાની માલૂમ પડે છે વેક્સિન કોવિડ-19ને અટકાવવા માટે 90 ટકા અસરકારક થઈ શકે છે. કંપનીએ કહ્યું હતું કે કંપની આ મહિનના અંત સુધીમાં અમેરિકી નિયામકોની સાથે વેક્સિનને ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટે અરજી કરવા માટે ટ્રેક પર છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

અઝીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર

બેંગલુરુઃ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ દિવસ દીઠ રૂ. 22 કરોડ અથવા વર્ષમાં રૂ. 7,904 કરોડ દાનમાં આપ્યા હતા અને એ રીતે તેઓ વર્ષ 2020માં દેશમાં સૌથી મોટા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે.

દાનવીરો માટે હુરૂન રિપોર્ટ ઈન્ડિયા અને એડલગિવ ફાઉન્ડેશને તૈયાર કરેલી યાદી-2020માં અઝીમ પ્રેમજી પહેલા નંબર પર છે. એમણે આ સિદ્ધિ હાંસલ કરવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દીધા છે. ભારતના સૌથી શ્રીમંત મુકેશભાઈ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. એમની કરતાં પ્રેમજીએ 17 ગણું વધારે દાન કર્યું છે. યાદીમાં બીજા નંબર પર છે એચસીએલ ટેક્નોલોજીસના સંસ્થાપક ચેરમેન શિવ નાદર અને એમનો પરિવાર.

નાદર અને એમના પરિવારે ધર્માર્થ કાર્યો માટે 795 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે જ્યારે અંબાણી તથા એમના પરિવારે 458 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ચોથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલા છે જ્યારે પાંચમા સ્થાને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે. આ યાદીમાં મુંબઈ 36 દાનવીરોના નામ સાથે મોખરે છે. તે પછી દિલ્હી, બેંગલુરુ આવે છે.

નીતિશકુમાર સાતમીવાર બનશે બિહારના મુખ્યપ્રધાન

પટનાઃ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ જીતની પતાકા લહેરાવી છે. એનડીએ ગઠબંધને 125 સીટો પર જીત હાંસલ કરી છે. હવે નીતીશકુમાર સાતમી વાર બિહારના મુખ્ય પ્રધાનપદનો કાર્યભાર સંભાળશે. નીતીશકુમાર બિહારના 37મા મુખ્ય પ્રધાનના રૂપે શપથ લેશે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જેડીયુની ઓછી સીટો આવશે તો પણ તેમના નેતા નીતીશકુમાર જ હશે. ભાજપને 74 અને જેડીયુને 43 સીટો પર જીત મળી છે.

નીતીશકુમાર ક્યારે-ક્યારે બિહારના મુખ્ય પ્રધાન બન્યા?

બિહારના રાજકારણમાં પોતાની એક અલગ છબિ બનાવનાર નીતીશકુમાર સાતમી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. નીતીશકુમાર સૌથી પહેલાં ત્રીજી માર્ચ, 2000માં મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ત્યારે બહુમત ના હોવાને કારણે સાત દિવસ પછી તેમની સરકાર પડી ગઈ હતી. એ પછી નીતીશકુમાર 24 નવેમ્બર, 2005 બીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ત્યાર બાદ 26 નવેમ્બર, 2010એ ત્રીજી વાર બિહારના શપથ બન્યા. ત્યાર પછી 22 ફેબ્રુઆરી, 2015એ ચોથી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા. આરજેડી સાથે ગઠબંધન કર્યા પછી 20 નવેમ્બર, 2015એ પાંચમી વાત મુખ્ય પ્રધાન બન્યા. એ પછી આરજેડી સાથે સંબંધ તોડીને ભાજપની સાથે ગઠબંધન કર્યા પછી 27 જુલાઈ, 2017એ છઠ્ઠી વાર મુખ્ય પ્રધાન બન્યા.

નીતીશકુમાર બિહાર ચૂંટણીમાં કેટલીય સભાઓમાં એ ઘોષણા કરી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી હશે. નીતીશકુમારને લાલુ યાદવના પુત્ર તેજસ્વીથી કાંટાની ટક્કર મળી હતી. હવે વિધાનસભ્યોની બેઠકમાં મુખ્ય પ્રધાનપદ માટે નીતીશકુમારના નામ પર મહોર લાગશે, જેના પછી તેમનો શપથગ્રહણ થશે.

 

 

 

૧૧ નવેમ્બર ૨૦૨૦

૧૧ નવેમ્બર ૨૦૨૦

બેબી નઝમાથી માલા સિંહા

વીતેલા વર્ષોના હિન્દી, બંગાળી અને નેપાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રી માલા સિંહાનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૩૬ના રોજ કોલકાતામાં થયો. પોતાની પ્રતિભા અને ખૂબસૂરતી માટે જાણીતા અને પચાસથી સિત્તેરના દાયકાના હિન્દી ફિલ્મોના ટોચના અભિનેત્રી માલા સિંહાએ સો જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં ‘પ્યાસા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દીવાના’, ‘ગુમરાહ’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘આંખે’ કે ‘મર્યાદા’ નો સમાવેશ થાય છે.

નેપાળી મૂળના પરિવારમાં જન્મેલા માલા સિંહાના પિતા આલ્બર્ટ સિંહા નેપાળી ખ્રિસ્તી હતા. માલાનું મૂળ નામ તો ‘અલ્ડા’ હતું અને એમની સ્કૂલ ફ્રેન્ડ્સ એમને ‘ડાલ્ડા’ કહીને ખીજવતી એટલે અભિનયની શરૂઆત કરી ત્યારે એમણે પોતાનું નામ બેબી નઝમા રાખ્યું. એ પછી મોટા થઇને માલા સિંહા નામ રાખ્યું. ૧૯૪૭ થી ૧૯૭૫ સુધી એ સ્ટેજ શો પણ કરતા.

ગીતા બાલીએ માલાનો પરિચય કેદાર શર્મા સાથે કરાવ્યો, જેમણે માલાને ‘રંગીન રાતેં’માં નાયિકા બનાવ્યા. ગુરુ દત્ત સાથેની ‘પ્યાસા’ એમના માટે ટર્નિંગ પોઈન્ટ બની. યશ ચોપ્રા નિર્દેશિત પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’માં એમને ખૂબ સફળતા મળી. રાજ કપૂર સાથે ‘પરવરિશ’, ‘મૈ નશેમેં હું’, શમ્મીકપૂર સાથે ‘ઉજાલા’, ‘દિલ તેરા દીવાના’ આવી. માલા સિંહાની કરિયર ટોચ પર હતી ત્યારે ‘બહુરાની’, ‘ગુમરાહ’, ‘ગેહરા દાગ’, ‘અપને હુએ પરાયે’ ‘જહાંનારા’ ‘આંખે’, ‘ગીત’, ‘લલકાર’ અને ‘જિંદગી’ જેવી યાદગાર ફિલ્મો આવી.

માલા સિંહાએ એસ્ટેટ ઓનર સી.પી. લોહાની સાથે લગ્ન કર્યા, પણ લગ્ન પછી એ મુંબઈ જ રહ્યાં. એમની દીકરી પ્રતિભા પણ અભિનેત્રી છે. નેવુંના દાયકા પછી માલાજી પતિ સાથે મુંબઈમાં બાન્દ્રામાં રહે છે.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 11/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરાટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

રોહિત શર્માની કેપ્ટન-ઈનિંગ્ઝઃ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2020 વિજેતા

દુબઈઃ રોહિત શર્માએ 51 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 68 રનની કેપ્ટન ઈનિંગ્ઝ ખેલતાં મુંબઈ ઈન્ડિયન્સે આજે અહીં આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5-વિકેટે પરાજય આપ્યો હતો. ગયા વર્ષની ચેમ્પિયન્સ મુંબઈ ટીમે પોતાનું વિજેતાપદ જાળવી રાખ્યું છે. તેનું આ પાંચમું આઈપીએલ વિજેતાપદ છે. આ પહેલાં, તેણે 2013, 2015, 2017 અને 2019માં આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

આજની ફાઈનલમાં, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 156 રન કર્યા હતા. એમાં શ્રેયસ ઐયરના અણનમ 65 અને રિષભ પંતના 56 રનનું મુખ્ય યોગદાન હતું. બંનેએ ચોથી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી.

તેના જવાબમાં, રોહિત શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (20)એ પહેલી વિકેટ માટે 45 બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 19 રન કરીને આઉટ થયો હતો, પણ શર્માએ એની આગવી આક્રમક ફટકાબાજી ચાલુ રાખીને ટીમને વિજયના દ્વારે મૂકી દીધી હતી. 17મી ઓવરમાં એ આઉટ થયો હતો.

ઈશાન કિશન (33 નોટઆઉટ)એ છેવટ સુધી પોતાનો છેડો સંભાળી રાખ્યો હતો.